May 2019 – Bhaio’s Shibir

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજની દિવ્ય પ્રેરણા અને ગુણાતીત જ્યોતના સંત સ્વરૂપોના આશીર્વાદથી ગુણાતીત જ્યોત વલ્લભ વિદ્યાનગર પ્રતિ વર્ષ સત્સંગી દીકરાઓના સર્વાંગી વિકાસ અર્થે પરમ સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરે છે.

 

આ વર્ષે પણ તેનું ભવ્ય આયોજન પપ્પાજી તીર્થના નવનિર્મિત સંત નિવાસ ‘પ્રાણેશ’ ખાતે તા.૨૯ મે થી ૧લી જૂન દરમ્યાન થયું. સત્સંગના દીકરાઓ પોતાનું જીવન ખૂબ જ આદર્શ બનાવે એવા હેતુની આધ્યાત્મિકતા સાથે અદ્દભૂત સમન્વય કરતી આ શિબિરનું ઉદ્દઘાટન તા.૨૯મેના રોજ પ.પૂ.આચાર્ય સ્વામી, પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ, પૂ.લક્ષ્મીકાંતભાઈ, પૂ.ચંદ્રકાંતભાઈના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્યથી થયો. ગુણાતીત જ્યોતના વિવિધ મંડળોમાંથી ૧૪૫ જેટલા બાળકો, કિશોરો અને યુવકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. 

 

આ પરમ સંસ્કાર સિંચન શિબિરમાં પૂ.ઈલેશભાઈએ ‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એ વાતને ખૂબ જ સરળતાથી સૌના હ્રદયમાં રેડી દીધી. પૂ.હેમંતભાઈએ શિબિરાર્થીઓને વિશ્વના મહાન હસ્તીઓની વાત કરી સૌને મહાન બનવાની પ્રેરણા અર્પી. પૂ.લક્ષ્મીકાંતભાઈ સાહેબે સૌને સારા ભણતરનું મૂલ્ય ર્દષ્ટાંતો આપી સમજાવ્યું. પૂ.પિયૂષભાઈએ ગુણાતીત યુવક કેવો હોય તે વિશે બધાને વાત કરી. 

 

સભા અને પ્રવચનોની સાથે સત્સંગના દીકરાઓના સર્વાંગી વિકાસ માટે તેમની સત્સંગલક્ષી દૈનિક કસોટી લેવાઈ. વિવિધ શારીરિક રમતો રમાડી, યોગ શીખવ્યા, સત્સંગની સાથે સાથે બહારની દુનિયાનું જ્ઞાન મળે તે માટે ‘Amul Dairy and Amul Chocolate Plant’ ની મુલાકાત કરાવી સાથે સાથે ભવ્ય ગુણાતીત સમાજની સમજૂતી આપવા અને દર્શન કરાવવા સાંકરદાના નવનિર્મિત અક્ષર પુરૂષોત્તમ મંદિર અને કંથારિયા પ.પૂ.વિજ્ઞાન સ્વામીના આશીર્વાદ લેવા અને મંદિરના દર્શન કરવા સૌ આનંદથી ગયા હતા. 

 

તા.૩૦મીએ સવારે સર્વેએ સમૂહમાં પૂજા કરી. પ.પૂ.આચાર્ય સ્વામીના આશીર્વાદ લીધા. ત્યારબાદ સ્મૃતિ દર્શન પરીક્ષા લેવામાં આવી. શાશ્વત ધામ પર બધાએ ધૂન કરી અને પૂ.રાજુભાઈએ આ સ્થાનનો મહિમા સમજાવ્યો. શિબિરાર્થીઓમાં જોશ અને પ્રેરણા વધે તે માટે પૂ.હેમંતભાઈએ Motivational વાતો કરી અને ર્દષ્ટાંતો આપ્યા. 

 

તા.૩૧/૫ના રોજ બધા જ શિબિરાર્થીઓએ સ્મૃતિ મંદિરમાં ગુરૂહરિ પપ્પાજીના જીવન દર્શન અને એમની પ્રસાદીની વસ્તુઓના દર્શન કર્યા. પૂ.દવે સાહેબે હળવી પણ જીવનમાં ઉપયોગી એવી વાતો કરી. જીવનમાં એકાગ્રતાનું મહત્ત્વ સમજાવ્યું. 

 

પૂ.ઈલેશભાઈએ વાત કરતાં કહ્યું કે, બહેનોની માહાત્મ્ય સભર સેવા કરવાથી આત્મા બળિયો થાય છે. પૂ.પિયૂષભાઈએ વાત કરતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજી મહારાજની કૃપાથી આપણે આવી સરસ શિબિરમાં આવ્યા એ આપણા અહોભાગ્ય ! આપણે ગુણાતીત યુવક છીએ. તેનું જાણપણું રાખી આપણે આપણા વિચાર, વાણી અને વર્તન કરીએ. 

 

કિશોરો અને યુવકોને ઉત્તમ Career બનાવવા પ્રેરિત કર્યા. ગુણાતીત જ્યોત અને ગુરૂહરિ પપ્પાજીનું નામ રોશન થાય એવું આદર્શ જીવન જીવવાનો માર્ગ સમજાવ્યો.

 

પૂ.નિલેશભાઈએ વાત કરતાં કહ્યું કે, બહારની Motivational વાતો કરતાં શિબિર વાતો ક્યાંય ઊંચી છે. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, જેને જગત જીતવું હોય એને મન જીતવું. સાચા ભગવાનધારક સંત સાથે મિત્રતા રાખીએ તો આપણે આદર્શ જીવન જીવતા થઈ જઈએ.

 

સાંજે પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેન બધાને આશીર્વાદ આપવા પધાર્યા.

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, આપણા ઘરમાં ગુરૂહરિ પપ્પાજીની જે મૂર્તિ છે એને મૂર્તિ નહીં પણ પ્રત્યક્ષ જ માનવી. રોજ સંજીવની મંત્ર વાંચવો. આપણું ચારિત્ર્ય ખૂબ જ આદર્શ બનાવવું. તમે બધા ગુરૂહરિ પપ્પાજીના છો એટલે અમારા જ છો. ભલે પછી તમારા ગુરૂ કોઈપણ હોય. અંતમાં પ.પૂ.દીદીએ કહ્યું કે, તમે બધા ખૂબ મોટા થવાના છો.

 

પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, આપણે સૌ ખૂબ ખૂબ નસીબદાર છીએ. રોબડદાસની સુંદર વાર્તા કહી હૈયામાં ભગવાનને પ્રગટ કરવાનો બોધ આપ્યો. ભગવાનની મૂર્તિ સિધ્ધ કરી લેવી. સાચા ભક્ત બનીએ તો ભગવાન આપણી સાથે રહેતા થાય. 

 

સૌ શિબિરાર્થીઓ પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ પામી કૃતાર્થ થયા.

તા.૧લી જૂને સવારે પ.પૂ.દીદીના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરી.

સાંજે શિબિરની પૂર્ણાહુતિની સભા કરી. જેમાં પૂ.વિરેનભાઈએ ખૂબ જ સહજ અને સરળ વાતો કરી સૌને આનંદ કરાવ્યો. 

 

ઈનામ વિતરણ થયું. બે આદર્શ બાળક, બે આદર્શ કિશોર અને બે આદર્શ યુવકોને ઈનામ પૂ.વિરેનભાઈના હસ્તે અપાયા. શિબિરની પરીક્ષામાં પણ ઉત્તમ પરિણામ મેળવનાર શિબિરાર્થીઓને પણ ઈનામ મળ્યા. સર્વે શિબિરાર્થીઓને સ્મૃતિભેટ આપી.

 

આ રીતે પરમ સંસ્કાર શિબિરની પૂર્ણાહુતિ થઈ અને સહુએ હસતા મુખે અશ્રુભીની આંખે નવા કરેલા સંકલ્પ અને નિયમો મુજબ જીવન જીવવા અને વર્તનમાં મૂકવાના ર્દઢ સંકલ્પ કરી વિદાય લીધી. 

 

નિરંતર ગુરૂહરિ પપ્પાજી અને સંતોના જોગમાં રહેવાના કોલ સાથે સહુ છૂટા પડ્યાં.

{gallery}images_in_articles//newsletter/2019/May/27-05-19{/gallery}