સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૦ મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. આ ૧૦ દિવસની સ્મૃતિમાં
મુખ્યત્વે બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિર હતી. તેમજ કિશોર અને યુવક મંડળની પણ શિબિર હતી. તેની સ્મૃતિ માણીએ.
(૧) તા.૧/૫/૧૮
દર ૧લી તારીખની જેમ આજે પણ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને પોતાના પ્રાર્થનાભાવો
ગુરૂહરિના ચરણે ધર્યા હતાં.
૧લી તારીખની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કરી હતી. પહેલાં પરમ સૂર વૃંદના બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઑએ ભજનની રમઝટ બોલાવી હતી. પધારેલ સહુ મુક્તો આ કીર્તન ભક્તિમાં લીન થયા હતા.
આજે વેરાખાડી ખાતે મહીસાગર નદી તટે પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જનનો કાર્યક્ર્મ આણંદ-વિદ્યાનગરના ભાભીઓ માટે રાખ્યો હતો. સાંજે ૪.૦૦ વાગ્યે તેઓ વેરાખાડી ગયાં હતાં. ત્યાં નદી તટે કુંભ પધરાવ્યો હતો. સહુ મુક્તોએ કુંભ ઉપર મંત્ર પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ આરતી કરી હતી. ત્યાં ફૂલથી શણગારેલી બોટમાં નદીની વચ્ચે જઈ અને અસ્થિ પુષ્પ વિસર્જીત કર્યા હતા. દીવા પણ તરતા મૂક્યા હતા. લગભગ ૮૦ જેટલા ભાભીઓએ આ ભક્તિના કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. ત્યાંથી આવ્યા બાદ રાત્રે અહીં કીર્તન આરાધનામાં લાભ લીધો હતો.
{gallery}images_in_articles//newsletter/2018/May/01-05-18 kirtan aardhna{/gallery}
(૨) બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર
તા.૨, ૩, ૪ બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિરનું આયોજન ગુણાતીત જ્યોત, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું. શિબિરાર્થીઓની સંખ્યા કુલ ૧૬૦ હતી.
શિબિરનો વિષય – ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર
શિબિરનો હેતુ – તન, મન, આત્માને નિરોગી રાખવા. તથા ગુરૂહરિ પપ્પાજીનો સંદેશ ફેલાવવો.
શિબિરના મુખ્ય આયોજક – પૂ.હંસાબેન ગુણાતીત
મદદનીશ – પૂ.હંસાબેન મોદી, પૂ.ભાનુબેન ડઢાણીયા, પૂ.ઈલાબેન મારડીયા, પૂ.નીલાબેન ટીલવા, પૂ.રોહીણીબેન, પૂ.સરોજબેન પટેલ, પૂ.અરવિંદાબેન
ગુરૂહરિ પપ્પાજીની શિબિરની ભાવના તેને જીવનમાં સાકાર કરવા શિબિર સંચાલકોએ ખૂબ મહેનત કરી. શિબિરાર્થીઓને ખૂબ સરસ સૂઝ અને સમજ આપી. આ વખતનો મુખ્ય વિષય એ રાખ્યો હતો કે ચારિત્ર્ય અને ગુરૂહરિ પપ્પાજીનું ૧ થી ૧૫ વર્ષ સુધીનું જીવન દર્શન.
શિબિરનું સ્થળ જ્યોત પપ્પાજી હૉલ હતું. તા.૨/૫ના રોજ સવારે પ.પૂ.દીદીએ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરી. પ.પૂ.દીદીએ આપણી ઉપાસના તથા સર્વ સ્વરૂપોની ઓળખ અને ચારિત્ર્ય ઘડતર વિશે ખૂબ સુંદર ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજ આપી. પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જશુબેને આશીર્વાદ આપ્યા. મુખપાઠ માટેની એક પુસ્તિકા તૈયાર કરી હતી. તેનું અનાવરણ પૂ.દયાબેને કર્યું હતું. અને સર્વ શિબિરાર્થીઓને તે પુસ્તક ભેટ આપ્યું હતું. પૂ.હંસાબેન ગુણાતીતે આપણી જ્યોતની મર્યાદા સચવાય તથા આપણે સત્સંગીઓને શોભે તેવો પહેરવેશ તથા ચારિત્ર્ય ઘડતરમાં આપણે પોતે જવાબદાર છીએ તેની વિસ્તૃત સમજ આપી. પૂ.નૈસર્ગીબેન શાહે ફોટા-વિડીયો દ્વારા
(PAYTM (Payment through mobile)
Details Operations or uses of paytm વિશેની વિસ્તૃત માહિતી પાવર પ્રેઝન્ટેશન દ્વારા આપી.)
પૂ.ડૉ.પંકજબેને હેલ્થ વિશેની વિડીયો દર્શન કરાવી માહિતી આપી. નુડલ્સ, મેગી જેવા junk food ન ખાવા એની સમજ આપી. તથા સંપ, સુહ્રદભાવ અને એકતા એ ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત એની સચિત્ર વિડીયો દ્વારા વાર્તાથી સમજ આપી સૌને ખૂબ ખુશ કર્યા.
તા.૩/૫ના સવારે ૬.૩૦ થી ૧.૧૫ ધર્મજ પ્રસાદીનું ગાર્ડન – સૂરજબા પાર્કમાં લઈ ગયા. ત્યાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરાવી. ખૂબ જ આનંદબ્રહ્મ કર્યો. રાત્રે પપ્પાજી હૉલમાં રાસ-ગરબા કરાવ્યા. સહુ શિબિરાર્થીઓએ ખૂબ સુંદર વસ્ત્રો ધારણ કરી ઉત્સાહભેર આ આયોજનમાં ભાગ લીધો.
તા.૪/૫/૧૮ના સવારે પૂજા કરી. પૂ.આનંદીબેને યોગા-કસરત કરાવ્યા તથા સમજ આપી. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીનું ૧ થી ૧૫ વર્ષ સુધીનું જીવન દર્શન સચિત્ર સ્ક્રીન પર પૂ.વંદનાબેન વાઘેલાએ તૈયાર કર્યું હતું તે બતાવ્યું. ખૂબ સરસ રીતે ચિત્ર-લખાણ આવરી લઈને પ્રસંગો દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યું. તેમણે ખૂબ મહેનત કરી હતી. ધન્યવાદ.
ત્યારબાદ શિબિરની પૂર્ણાહુતિ કરી. બાલિકા, કિશોરી, યુવતીઓએ સભામાં પોતાને થયેલા ગુરૂહરિ પપ્પાજી તથા ગુરૂના અનુભવ સંભળાવ્યા. વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછ્યા. તેના પણ ખૂબ સરસ જવાબ તેઓએ આપ્યા. એટલે તેઓએ એકાગ્રતાથી ગુરૂઓની વાત સાંભળી તેવી પ્રતિતી થઈ. અંતમાં સ્મૃતિભેટ રૂપે સ્કૂલબેગ આપી.
સાંજે પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે લઈ ગયા. પૂ.દયાબેન અને પૂ.માયાબેન પ્રસાદ લઈને સહુ શિબિરાર્થીઓને આપવા માટે પધાર્યાં હતાં.
બપોરના ૨ થી ૪ના સમયમાં તેઓને મુખપાઠ આપ્યો હતો. તેનું સ્વાધ્યાય રૂપે એક નાનું ૨૫ ગુણનું પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી ભાષામાં તૈયાર કર્યું હતું. તેની પરીક્ષા લીધી. બાલિકા મંડળે રંગપૂરણી કરી. તેમાં બધા જ શિબિરાર્થીઓ ખૂબ સરસ માર્કે પાસ થયા.
આ રીતે ત્રણ દિવસ બધા જ શિબિરાર્થીઓએ ખૂબ ખૂબ લાભ લીધો. અને આનંદ કર્યો.
આપ સર્વ સ્વરૂપો ખૂબ દાખડો કરો છો. આપની અમીર્દષ્ટિ સહુ શિબિરાર્થીઓ ઉપર ને તેના સંચાલકો ઉપર સદાય રહે એ જ અભ્યર્થના.
{gallery}images_in_articles//newsletter/2018/May/2 3 4 – 18 BALIKA YUVTI KISHORI SHIBIR{/gallery}
તા.૨, ૩, ૪ મે કિશોર અને યુવક મંડળની શિબિર પણ ગુણાતીત જ્યોત પાસે ‘પરમ પ્રકાશ’ ખાતે રાખી હતી.
શિબિર સંચાલક પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી, પૂ.ચંદ્રકાંતભાઈ, પૂ.લક્ષ્મીકાંતભાઈ, પૂ.અનુપભાઈ, પૂ.અલ્પેશભાઈ
સવારે દીપ પ્રાગટ્ય કરી શિબિરનો પ્રારંભ કર્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ પૂ.ઈલેશભાઈએ આહવાન શ્ર્લોક, ધૂન, ભજન દ્વારા બધાને ભક્તિમાં તરબોળ કરી દીધા. અને પછી વાત કરતાં કહ્યું કે, બધાએ કપાળે ચાંદલો અવશ્ય કરવો. હું જ્યોતનો છું, ગુરૂહરિ પપ્પાજીનો છું. તેવી ઓળખ રાખવી. પ્રાર્થના અને મંત્ર મહિમા વિશે વાત કરી. સવારે ઉઠીને તરત અને રાત્રે સૂતી વખતે એક મિનિટ ભગવાનને સંભારીને ધૂન કરવી. સારા સંસ્કાર કેવી રીતે મળે, તેની વાત કરી. શિબિર દરમ્યાન શિસ્તપાલન ઉપર ભાર મૂક્યો. તથા જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતાથી સફળતા મળે તે સમજાવ્યું.
૧૧.૦૦ વાગ્યે પ.પૂ.દીદી ભાઈઓની શિબિરમાં આશીર્વાદ આપવા પધાર્યાં હતાં. ૮૨ વર્ષની ઉંમરે એક શિક્ષકની અદાથી ઠાકોરજી પાસે લગભ ૨૮મિનિટ સુધી મહારાજ અને બધા સ્વરૂપો વિશે ઊભા ઊભા વાત કરી. અને સાથે સાથે કહ્યું કે તમે બધા ડૉક્ટર બનો, એન્જીનીયર બનો પણ સાથે એક સારા ભક્ત બનજો. ભક્ત બનવા માટે સાધુ થવાની જરૂર નથી. વડતાલ મંદિર, અક્ષર-પુરૂષોત્તમ મંદિર, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ મહિમા ગાયો. અને છેલ્લે ભાર મૂકીને કહ્યું કે, તમે બધા યુવાનો તમારૂં ચારિત્ર્ય શુધ્ધ રાખજો.
સાંજની સભામાં પ.પૂ.જશુબેન આશીર્વાદ આપવા માટે પધાર્યા હતાં. તમે બધા ખૂબ નસીબદાર છો. ભગવાન જોડે વાત કરતા થઈ જાઓ અને ભગવાન જોડે કામ કરાવતા થઈ જાઓ. ભગવાન પ્રધાન જીવન જીવવું. સરળ બનવું, ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ આપણા મા-બાપ અને મિત્ર છે. સ્વરૂપોની આજ્ઞામાં રહેવું.
બીજા દિવસની સભામાં પૂ.હેમંતભાઈ મોદીએ કહ્યું કે, સંસ્કાર સિંચન એ ખૂબ જરૂરી છે. જીવનમાં અહંકાર ના રાખવો. વિવેક રાખવો. ઘર સભાની વાત કરી. અઠવાડિક સભામાં અવશ્ય જવું.
પૂ.લક્ષ્મીકાંત ભાઈએ વાત કરી કે, દેશ ભક્તિ, માતૃ ભક્તિ, પિતૃ ભક્તિ અને ગુરૂ ભક્તિ કરવી. ભક્તની ડિગ્રી સૌથી ઉંચી હોય છે. મુશ્કેલી વેઠીને પણ ઉત્તમ પ્રકારનું સારામાં સારું શિક્ષણ મેળવવું. શિક્ષણ એ એક એવું સાધન છે કે જેના દ્વારા સમાજમાં નામ, પદ અને પ્રતિષ્ઠા મેળવી શકાય છે. શિક્ષણમાં ૧લો નંબર લાવે તો ગુરૂહરિ પપ્પાજીને ખૂબ ગમે. ટી.વી અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો.
પૂ.ચંદ્રકાંતભાઈએ સેવાનું માહાત્મ્ય સમજાવ્યું. હનુમાનજીની ભક્તિ વિશે વાત કરી. શ્રધ્ધા હશે તો ભગવાન કામ કરશે. ગુરૂ રાજી થાય તેમ કરવું.
પૂ.વિજ્ઞાન સ્વામી અને પૂ.આચાર્ય સ્વામી પણ આ શિબિરમાં પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે આશીર્વાદ આપવા માટે પધાર્યા હતાં. પૂ. વિજ્ઞાન સ્વામીએ સરળ પ્રશ્નોત્તરી દ્વારા સત્સંગની ઘણી બધી વાતો યુવકોને પ્રેમથી સમજાવી. ટી.વી અને મોબાઈલના ઉપયોગની ભણતા વિદ્યાર્થીઓ માટે જરૂજ નથી. રોજ થાળ-આરતી-ધૂન કરવી કહીને રાજી થકા આશીર્વાદ આપ્યા.
પૂ.આચાર્ય સ્વામીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, અમે સાધુ થયા ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ અમને મનન-ચિંતન અને નિદિધ્યાસ કરવાનું પ્રથમ લેશન આપેલું. વાંચન વખતે મનને હાજર રાખવું. શુધ્ધ અને પવિત્ર બનવું, ભગવાનના થઈને જીવવું.
પૂર્ણાહુતિના દિવસે બધા જ શિબિરાર્થીઓને ‘પપ્પાજી તીર્થ’ પર લઈ ગયા. ત્યાં શાશ્વત ધામે ધૂન, ભજન અને પ્રદક્ષિણા કરી. શાશ્વત ધામની સમજૂતી આપી. વિવિધ રમતો રમાડી તથા ગરબા કરાવી સહુને ખૂબ આનંદબ્રહ્મ કરાવ્યો. એક દિવસ ધર્મજ વૉટર પાર્ક લઈ ગયા. ત્યાં પણ બધા જ શિબિરાર્થીઓએ ખૂબ આનંદ કર્યો.
રોજ બાળકોને વિવિધ Motivational (મૉટીવેશનલ) ફિલ્મ બતાવવામાં આવી.
પૂ.અનુપભાઈએ ગુરૂહરિ પપ્પાજીનું જીવન દર્શન “પરાભક્તિની સૌરભ’ દ્વારા સંસ્કારની વાત કરી હતી. મનમાં સારા વિચારો કરવા. ગુરૂહરિ પપ્પાજીના ૧ થી ૧૫ વર્ષના જીવનને આપણા આદર્શ તરીકે રાખવું.
પૂ.અલ્પેશભાઈએ વાત કરી કે, અઠવાડિક સભામાં જવાથી શા લાભ થાય છે ? તેની વિસ્તૃત સમજ આપી. બહેનોની સેવા કરવાની પ્રેરણા આપી.
૪ શિબિરાર્થીઓએ શિબિર પ્રતિભાવો દર્શાવ્યા. પોતાના જીવનમાં થયેલા ગુરૂહરિ પપ્પાજીના અનુભવ અને પોતે આ શિબિરમાંથી શું
લીધું? અને પોતે હવે કેવું જીવશે તેના વિશે વાત કરી હતી.
સમગ્ર કાર્યક્ર્મનું સફળ સંચાલન પૂ.અનુપભાઈએ કર્યું હતું. છેલ્લે શિબિરાર્થીઓને સ્મૃતિભેટ રૂપે સ્કૂલ બેગ આપી હતી. આ ત્રણ દિવસની સ્મૃતિઓને વાગોળતા વાગોળતા સહુ વિદાય થયા હતા. આશરે ૭૦ જેટલા શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.
શિબિર સંચાલકોએ ખૂબ ભીડો વેઠી આ શિબિરને સફળ બનાવી હતી. ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોનો ખૂબ ખૂબ રાજીપો લીધો. સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ !
{gallery}images_in_articles//newsletter/2018/May/2 3 4 -18 KISHOR YUVAK MANDAL SHIBIR{/gallery}
લંડનમાં ગૃહસ્થ બહેનોની શિબિર
ગુરૂહરિ પપ્પાજીએ વારંવાર લંડન પધારી ત્યાંના ભક્તોને દર્શન, સ્પર્શન, વાતુ, પ્રસાદીનું સુખ શિબિર દ્વારા આપ્યું છે. ઠેર ઠેર શિબિરો કરીને ભક્તોને અવનવી સ્મૃતિઓ અને જળ સ્થળને તીર્થત્વ બક્ષ્યું છે.
વળી, ત્યાંના મહિલા સમાજની સભા-શિબિરો કરાવવાનું પૂ.અરૂણાબેન ભોજાણીને સોંપણી કરી હતી. તે મુજબ ઘણા બધા સમયગાળા બાદ ગુરૂહરિ પપ્પાજીની પ્રેરણા ઝીલીને પૂ.અરૂણાબેને એક નાની બે દિવસની તા.૫/૫/૧૮ અને તા.૬/૫/૧૮ શિબિરનું આયોજન કર્યું.
સ્થળ – Lutonમાં હૉલ અને ઉતારા રાખી શિબિરની ગોઠવણ કરી હતી.
શિબિરનો વિષય – પ્રભુને કર્તાહર્તા માનો.
સદ્દગુરૂ સ્વરૂપો પૂ.શોભનાબેન અને પૂ.નીમુબેન સાકરીયા હાલ લંડન જ્યોતમાં છે. તેઓને પણ પૂ.અરૂણાબેને લાભ આપવા આમંત્રણ આપ્યું હતું. શિબિરમાં ૭૫ ગૃહસ્થ બહેનોએ ભાગ લીધો હતો.
શિબિરની શરૂઆતે બધા શિબિરાર્થીઓનું લાલ ગુલાબના પુષ્પથી સ્વાગત કર્યું હતું. તે બધા ફૂલનો ભવ્ય હાર બહેનોએ તત્કાળ બનાવી દઈ ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને પૂ.શોભનાબેનના હસ્તે પહેરાવ્યો હતો. આમ, શિબિરનો પ્રારંભ જ હોંશ-ઉત્સાહ અને માહાત્મ્યથી થયો હતો. જાણે ગુરૂહરિ પપ્પાજી સાક્ષાત્ શિબિરમાં બિરાજી ગયા હોય તેવી અનુભૂતિ થતી રહેતી હતી. શિબિરમાં ખૂબ સરસ વાતો ગોષ્ટિ-સ્મૃતિ થઈ. ભેગા મળી બ્રહ્માનંદ પણ કર્યો. બધા જ મુક્તોએ શિબિરનો સરસ લાભ લીધો. ઉતારા, મહાપ્રસાદ બધામાં ખૂબ સાનુકૂળતા રહી. બધી રીતે સરસ શિબિર થઈ હતી.
શિબિરના અંતે શિબિરાર્થીઓએ વડીલો અને યુવાન બહેનોએ પૂ.અરૂણાબેનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ રીતે વારંવાર શિબિરનું આયોજન કરવાનું પણ કહ્યું હતું.
આમ, ઘણા સમય પછી આવી શિબિર દ્વારા ગુરૂહરિ પપ્પાજીનું અંતર સાંનિધ્ય અને બ્રહ્માનંદ અંતરમાં પ્રાપ્ત થયો હતો.
Thank’s ગુરૂહરિ પપ્પાજી ! Thank’s પૂ.અરૂણાબેન ! Thank’s પૂ.શોભનાબેન, પૂ.નીમુબેન અને સર્વે બહેનોને !
{gallery}images_in_articles//newsletter/2018/May/5 6 -18 LONDEN GRUHASTH MANDAL SHIBIR{/gallery}
આમ, આ દસ દિવસ શિબિરની સ્મૃતિ સાથે પસાર થયા હતા. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !