Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Apr 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા. ૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧/૪/૧૮

 

આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને પોતાના પ્રાર્થના ભાવો પ્રભુ ચરણે ધર્યાં હતાં.

 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ ૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં ‘પરમ સૂર વૃંદ’ નાં બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2018/April/01-04-18 KIRTAN AARDHNA{/gallery}

 

 

(૨) તા.૨/૪/૧૮ ગુણાતીત જ્યોતના સંત બહેન પૂ.હંસાબેન દેસાઈ અક્ષરધામ ગમન

 

ગુણાતીત જ્યોતનાં સંત બહેન પૂ.હંસાબેન દેસાઈ આજ રોજ અક્ષરધામ નિવાસી થયા. તે નિમિત્તે તા.૩,૪,૫ આ ત્રણ દિવસ સાંજે ૪.૧૫ થી ૫.૩૦ પપ્પાજી હૉલમાં ‘પરામૃત’ પુસ્તકનું પારાયણ કર્યું હતું.

 

પૂ.માયાબેન દેસાઈએ માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, પૂ.હંસાબેન ગુરૂહરિ પપ્પાજીના યુગકાર્યમાં કૃપામાં અડફટમાં આવ્યા. ને જે સેવા આપી તેમાં અહોહોભાવે ભળ્યા. ૧૯૬૫ની સાલમાં પ.પૂ.તારાબેન નડિયાદ પધાર્યા’તા. બે જ દિવસમાં પૂ.હંસાબેન પ.પૂ.તારાબેનના સંબંધમાં આવ્યા ને ભગવાન ભજવાનું નક્કી કરી લીધું.

 

૧૯૬૬માં ૧૪મેના આવી ગયા. એવા બલિષ્ટ આત્માઓ જ અહીં આવતા હોય છે. પૂ.હંસાબેન S.S.C માં હતા. એ ચૈતન્ય મહાપ્રભુનું સ્વરૂપ હતા. એને જે અંતરમાં ઉઠ્યું તે ભક્તિ માનીને કર્યા કર્યું. અંદર બેઠેલા પરમાત્મા સાથે એકાકાર હતાં. અનંત પ્રકૃતિઓ આ પૃથ્વી પર પથરાયેલી છે. તેમાં અમુક આપણને ગમે છે, અને અમુક આપણને નથી ગમતી. પણ એ પ્રકૃતિ રચનાર કોણ છે? ગુરૂહરિ પપ્પાજી છે. પ્રગતિ કરતું ચૈતન્ય છે. આખી ગુરૂહરિ પપ્પાજીની સૃષ્ટિ છે. એમાં ગુરૂહરિ પપ્પાજીએ બોટેલા ચૈતન્યો છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીએ કાર્ય કર્યું છે.

 

ચાર દિવસ પહેલાં પૂ.માયાબેન એમની રૂમમાં એમની ખબર જોવા માટે ગયાં હતાં. તેમની બધી ક્રિયાઓ ચાલુ હતી. ત્યારે ખ્યાલ આવી ગયો કે હવે રહેશે નહીં. એમણે જ નક્કી કર્યું હતું કે મારે હવે જવું છે! અને ગુરૂહરિ પપ્પાજીએ તેમની પ્રાર્થના સ્વીકારી એમને પોતાના શરણમાં લીધા. એવા બળિયા ચૈતન્ય પૂ.હંસાબેન હતા.

 

પૂ.ઝરણાબેન દવેએ માહાત્મ્યગાન કરાવતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીનું રમણ રેતીનું ધામ નડીયાદ. ત્યાં હંસાબેન પ્રગટ્યા. નાની ઉંમરમાં ભગવાન ભજવાનું નક્કી કર્યું. રસોડામાં રોટલી-ચોપડામાં હેડ હતાં. બધી બહેનોને ચોપડા શેકતાં એમણે શીખવ્યું છે. ગુરૂ પાસે નિખાલસભાવે નિષ્કપટભાવે જીવ્યા છે. એમને ભજન ગાવાનો-ભજન સાંભળાવાનો બહુ જ શોખ. જપયજ્ઞમાં રોજ પોણો કલાક ધૂન કરીને પછી જ એમની રૂમમાં જાય.

 

પૂ.દયાબેને માહાત્મ્યગાન કરાવતાં કહ્યું કે, પૂ.હંસાબેનના આખા કુટુંબ પર પ.પૂ.તારાબેનની ર્દષ્ટિ પડી ગઈ. પ.પૂ.તારાબેન છે.૨૬ જેવા પરમ એકાંતિક સ્વરૂપ. એમની ર્દષ્ટિથી જીવભાવ ટળી ગયો ને ર્દષ્ટા સ્થપાઈ ગયો. ૨૪ કલાક સ્મૃતિસભર રહેવામાં અને શું આજ્ઞા મળે છે તે તરફ જ લક્ષ. ગુરૂહરિ પપ્પાજીને કોટિ કોટિ ધન્યવાદ છે. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, મારા સંબંધમાં આવ્યા છે તેમને ધામરૂપ રહેતા કરી દઈશ. એવા ધામરૂપ રહેતા હંસાબેનને કરી દીધા. ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના કે, અમે જે સાધના કરવા આવ્યા છીએ તે હસતાં-રમતાં કરી લઈએ.

 

{gallery}images_in_articles//newsletter/2018/April/02-04-18 P.P.HANSABEN DESAI AKSHARDHAM GAMAN{/gallery}

 

(૩) તા.૩/૪/૧૮ પૂ.શારદાબેન અગ્રવાલની પ્રથમ વાર્ષિક પુણ્યતીથિ નિમિત્તેની મહાપૂજા

 

આજે સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ જ્યોત મંદિરમાં પૂ.ઈલેશભાઈએ ખૂબ જ સરસ બુલંદ અવાજે ભક્તિસભર ભાવે મહાપૂજા કરી, કરાવી હતી. મહાપૂજા કરાવવા માટે પૂ.શારદાબેનની દીકરી નેહા દુબઈથી કુટુંબ સાથે આવ્યા હતાં. નેહા, મયંકકુમાર અને પુત્ર સાત્વિક ત્રણેય મહાપૂજામાં લાભ લીધો હતો. પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ Aના આશીર્વાદ લીધા હતાં.

 

પૂ.શારદાબેન એટલે પૂ.રાધેશ્યામભાઈના દીકરી, બીજા લક્ષ્મીબેન અને ત્રીજા દીકરી પૂ.સરસ્વતીબેન જે જ્યોતમાં ભગવાન ભજે છે.પૂ.રાધેશ્યામભાઈ જૂના જોગી! આખી જીંદગી સત્સંગપ્રધાન જીવન જીવ્યા. અને પોતાના પરિવારને સર્વને સત્સંગનો વારસો આપ્યો છે. તેમાંના આ પૂ.શારદાબેન છે.

 

પૂ.શારદાબેનને બે દીકરી. અને નાની વયે વૈધવ્ય આવ્યું. પ.પૂ.બેન, ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા અને આશરો હતો. તો તે પછીની જીંદગી શિક્ષાપત્રી મુજબ પ.પૂ.બેનની આજ્ઞા મુજબ આદર્શ જીવન જીવી જાણ્યું. અધૂરૂં ભણતર પૂરૂં કરી શિક્ષિકાની નોકરી કરી અને વિદ્યાનગરમાં જ્યોતની નજીક રહી, ભક્તિ પ્રધાન જીવન જીવ્યા. બંને દીકરાઓને જ્યોતનો જોગ આપ્યો. પૂ.ડૉ.અંજનાબેનને દીકરીઓએ ગુરૂ કરી તેમની છત્રછાયામાં મોટા થયા. દીકરી નિધીની તબિયત કિશોરી વયથી બગડતી રહી હતી.

 

અત્યારે સાવ પરાધીન જેવી સ્થિતી હોવા છતાંય તેના મુખ પરનું તેજ અને નિષ્ઠાના બળના દર્શન થાય છે. તે બહેનનું ધ્યાન નેહા દુબઈ રહેવા છતાંય રાખે છે, રખાવે છે. એ નિષ્ઠાવાન નેહાએ ઘર અને દેહને મંદિર બનાવ્યું છે. ઘરના મુક્તોને સત્સંગના દિવ્ય સુખના ભોક્તા કર્યા છે. તેવા નેહાબેન ખરેખર આદર્શ ગૃહસ્થ સંત તરીકે જીવન જીવે છે. દુબઈ રહે છે પણ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેન, પૂ.રમીબેન, પૂ.ડૉ.અંજુબેન જ્યોતના થઈને જીવે છે. ધન્ય હો આવા ભક્તોને ! અને તેનું મૂળ છે. પૂ.શારદાબેન અગ્રવાલ

 

પૂ.શારદાબેનની કેન્સરની બિમારીની ખબર ખૂબ મોડી પડી. જોતજોતામાં તો તેઓ પ્રભુચરણે બિરાજી ગયા. એક વર્ષ પૂરૂં થયું તે નિમિત્તે વારસદાર પૂ.નેહાબેનના પરિવારે આ દિવસે જ્યોતમાં મહાપૂજા કરાવીને બહેનોને જમાડવાની ભાવના થઈ. આ પ્રસંગે પૂ.રાધેશ્યામભાઈના સગા સંબંધીઓને આજે મહાપૂજામાં બોલાવ્યા હતાં. તેઓ સર્વને આજે પૂ.શારદાબેન અને પૂ.રાધેશ્યામભાઈના સત્સંગી જીવન તરીકેની પિછાણ થઈ હતી. પ.પૂ.દીદી, પૂ.રમીબેને શારદાબેનના જીવન વિશે વાત કરીને આશીર્વાદ આપ્યા હતાં. અંતમાં ચિ.નેહાબેને પણ સુંદર યાચના પ્રવચન કરી સહુના હૈયે વસી ગયા હતાં.

 

(૪) તા.૭/૪/૧૮ પૂ.વસુબા ગાંધી અક્ષરધામ નિવાસી થયા.

 

આપણા દિવ્ય માવતર પૂ.વસુબા મહેન્દ્રભાઈ ગાંધી આજ રોજ ૯૧ વર્ષની વયે સાંજે ૮.૪૫ વાગ્યે અક્ષરધામ નિવાસી થયા. હમણાં અઠવાડીયું હૉસ્પિટલમાં સારવાર લઈને આજે ઘરે આવ્યા. તબિયત સારી હતી. સાંજે શીરો જમ્યા. પછી પથારીમાં પોઢવા જતાં પથારીમાં જ ઢળી પડ્યા.

 

તેમની અંતિમવિધિ તા.૮/૪/૧૫ના રોજ સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ જ્યોત પ્રાંગણમાં પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સ્વરૂપોના સાંનિધ્યે ભક્તિભાવ પૂર્વક થઈ હતી. જ્યોતનાં બહેનો, અનુપમ મિશનના ભાઈઓ અને હરિભક્તો જેમને સમાચાર મળ્યા તે પૂ.વસુબાના દર્શને-શ્રધ્ધાંજલિ આપવા દોડી આવ્યા. દર્શન, પ્રદક્ષિણા,પુષ્પ, હાર અર્પણ થયા. પુષ્પની ચાદર અને મંત્રની શાલ અર્પણ થયા. ધૂન-ભજન ચાલુ હતાં. કહેવાય છે કે આવા અનાદિ મુક્તરાજ સ્વતંત્ર પણે દેહ મૂકી અક્ષરધામમાં જતા હોય છે. પૂ.વસુબાનું પણ આવું જ દર્શન થયું. કુટુંબના મુક્તો અને બહેનો છેલ્લા ઘણા દિવસથી તેમની નજીક હતાં. બાને જગત સંબંધી કોઈ જ વાસના નહોતી. સગાં-સંબંધીઓ સાથે પણ ગુરૂહરિ પપ્પાજીના સંબંધે મુક્ત તરીકેનો જ સંબંધ હતો. ખૂબ પ્રેમાળ. એક ચૈતન્ય માતનું ભજન  છે ને…

 

“ચૈતન્ય માત એ જ કે આંસુ લૂછ્યા કરે, બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે…

 

મા તે મારે ચૈતન્ય મા રે….

 

અપેક્ષા કે ઉપેક્ષા રંચમાત્ર ના કરે, ના ભૂલ ક’દિ  કોઈની ર્દષ્ટિમાંહી ગ્રહે

 

ખંડન અને મંડન ક’દિ એ કોઈનું ના કરે.

 

મા હોઠ અને હૈયું સદા હસતું રખાવશે…બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે..

 

એવાં ચૈતન્ય મા પૂ.વસુબાના અક્ષરધામગમન  નિમિત્તે તા.૯, ૧૦, ૧૧ સાંજે ૫.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ‘સ્વામિની વાતો’ ના પુસ્તકનું પારાયણ રાખ્યું હતું. તેમાં સ્વરૂપોએ અને મુક્તોએ તેમના જીવનનું ટૂંકમાં દર્શન કરાવ્યું હતું તે જોઈએ.

 

પૂ.મહેન્દ્રભાઈને જોગીબાપાનો જોગ થયો. પ.પૂ.સોનાબાએ પૂ.મહેન્દ્રભાઈને કહ્યું કે, વસુબાને મારી પાસે મોકલજો. ખરેખર પ.પૂ.બાના સમાગમે વસુબાને જોગીબાપા, ગુરૂહરિ પપ્પાજી અને ચાર બહેનોનો મહિમા સમજાઈ ગયો. અને એમના દીકરા-દીકરીઓને ભગવાન ભજતા કરી દીધા. તેમની પાસે કેવળ માહાત્મ્યની-સ્મૃતિની વાતો જ હોય. રાણી મદાલસા જેવું એમનું જીવન હતું. જે દિવસથી કાકાજી-પપ્પાજી મળ્યા ત્યારથી સાધુ જેવું જીવન જીવતા. ગુરૂહરિ પપ્પાજીનું માધ્યમ બનીને ચૈતન્યોની સેવા કરી છે.

 

પૂ.સુરેશભાઈ ગાંધી એ માહાત્મ્યદર્શન કરાવતાં કહ્યું કે, એમના જીવનમાં પ.પૂ.તારાબેન સિવાય કાંઈ નહોતું. વસુબાએ વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ અને પછી સ્વામિનારાયણ ધર્મનો સ્વીકાર કર્યો. વસુબાની ખુમારી પણ એવી. એક સાધકની અદાથી મહેન્દ્રભાઈની સાથે રહ્યાં. ગુરૂહરિ પપ્પાજી સાથેનો બહુ જ દિવ્ય સંબંધ. વસુબા જ્યાં ત્યાં જેમ-તેમ ચલાવી લે. છેક સુધી કોઈને સેવા આપી નથી. ગુરૂહરિ પપ્પાજી સિવાય કોઈનીય મહોબત રાખી નથી.

 

પૂ.ઉર્મીબેન પટેલે વાત કરી કે, એક વખત એમને કરમસદ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં આયાબેન આવે તો તેને પણ કહે, જો તું ભગવાન રાખીશ ને તો સુખી થઈશ. એમના અંતરમાં એક ભગવાન હતા. જે સંબંધમાં આવ્યા તે બધાને ભગવાન આપ્યા છે.

 

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં સ્મૃતિ કરાવી હતી. તારદેવ મહાપૂજા શરૂ કરી હતી. ત્યારે મેં ગુરૂહરિ પપ્પાજીને કહ્યું કે, ભગવાનને ચાંદીની લોટી-ઘંટડી બધું જોઈએ. મેં તારાબેનને વાત કરી. તારાબેન કહે, ચાલો આપણે વસુબાને ત્યાં જઈએ. ત્યાં જઈને વાત કરી કે, મહાપૂજાના ઠાકોરજી માટે આટલું જોઇએ છે. તો તેમણે તરત જ એ સેવા સ્વીકારી લીધી. અને અહોહોભાવે બધું લાવી આપ્યું.

 

પ.પૂ.જશુબેને પણ સ્મૃતિલાભ આપતાં કહ્યું કે, સૌથી પહેલાં ગુરૂહરિ પપ્પાજીના સેવક પૂ.મહેન્દ્રભાઈ હતા. અને બાપાએ મહેન્દ્રભાઈને એમની રૂમમાં લઈ જઈ પ્રસાદીની માળા આપી. અને કહ્યું કે, આ બાબુભાઈને ક્યારેય છોડશો નહીં.

 

પૂ.હંસાબેન ગુણાતીતે માહામ્યદર્શન કરાવતાં કહ્યું કે, ખરેખર ગુરૂહરિ પપ્પાજી પૃથ્વી પર પધાર્યા અને જે કોઈ એમના સંબંધમાં આવ્યા તે બધાને ન્યાલ કરી દીધા. ગૃહસ્થોને કેફ ચડી જાય એવું કહેતા કે હું તો તમારી નાતનો છું. એવાં ચૈતન્ય માધ્યમો ગુરૂહરિ પપ્પાજીએ તૈયાર કર્યાં. એમાંના વસુબા છે. પ.પૂ.તારાબેન જેવા સદ્દગુરૂ મળ્યા. પછી તો તારાબેનનું વચન એ જ ગુરૂહરિ પપ્પાજીનું વચન છે. એવું માનીને જીવનભર જીવ્યા છે. ધામ, ધામી, મુક્તો માટે કુરબાન થઈ જાય એવો સમાજ ગુરૂહરિ પપ્પાજીએ તૈયાર કર્યો છે. હે વસુબા! કેવળ સાધુતા સભર, ભક્તિસભર જીવન તમે જીવી ગયાં. એવું અમને પણ જીવવાનું બળ આપો એ જ તમારા ચરણોમાં પ્રાર્થના.

 

પૌત્રી ધરા ગાંધીએ વાત કરી કે, મારા મમ્મી નહોતાં પણ વસુબાએ અને મમ્મીની ખોટ લાગવા દીધી નથી. મારા લગ્ન થયા તો વસુબા મને કહે કે, બેટા ક્યારેય કોઈનો અભાવ લઈશ નહીં, ને કોઈની ખટપટ્માં ક્યારેય પડીશ નહીં.

 

પૂ.યોધેયભાઈએ વાત કરી કે, વસુબા મારી મા હતાં. સદાય એમનો પ્રેમભર્યો આવકાર જ હોય. નિઃસ્વાર્થ પ્રેમ કર્યો છે. પૂ.અશ્વિનકાકા, પૂ.સુરેશકાકા, પૂ.શોભનાબેન, પૂ.મીનાબેન અને જ્યોતનાં બધાં જ બહેનોનો જે પ્રેમ અમને મળ્યો છે, તેવો બીજે ક્યાંય નથી. એવો પ્રેમ અને પ્રાર્થના અમારા પર સદાય વરસ્યા કરે એ જ પ્રાર્થના.

 

પૂ.નીલમબેને માહાત્મ્યદર્શન કરાવતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીના કાર્યની વિજયગાથા આપણે ગાઈએ છીએ. જે જે ગૃહસ્થો ગુરૂહરિ પપ્પાજીને જોગીનું સ્વરૂપ માનીને જીવ્યા છે ને જે કંઈ થઈ તે નાની-મોટી સેવાઓ કરી છે. વસુબા પાસે પૂર્વ જન્મની એવી મૂડી છે. ગુણાતીત સમાજની શોભા બનીને રહ્યાં છે. એમણે કોઈનું ન જોયું અને કેવળ ભગવાન જ બધામાં જોયા છે. વસુબાને જુવાનીમાં તારદેવમાં ચારેય બહેનોની એક સરખા ભાવે સેવા કરી અને પ્રાપ્તિને પામી ગયા. ગુરૂહરિ પપ્પાજીને ધારીને સ્ફુરાયમાન રહેતાં’તાં. પૂ.મહેન્દ્રભાઈ તારદેવ એકાઉન્ટ લખતા’તા. ગુરૂહરિ પપ્પાજીના વિશ્વાસુ, વફાદાર સેવક હતા.

 

આવા ગૃહસ્થોએ પોતાની એક એક પળ ગુણાતીત સમાજના ઉત્થાન માટે જ અર્પણ કરી છે. જે પ્રાપ્તિ ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનને કરાવી છે. એવી જ પ્રાપ્તિ આવા ગૃહસ્થોને કરાવી છે. ગુરૂહરિ પપ્પાજીએ કળિયુગમાં સત્સંગ પ્રવર્તાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાનની શક્તિ એમાં કામ કરે છે.

 

પૂ.અશ્વિનભાઈ ગાંધીએ કહ્યું કે, મારા જીવનમાં જે કંઈ સારૂં થયું છે. તેમાં વસુબાનો ઘણો શ્રમ છે. પૌત્ર પાર્થએ વાત કરતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીનો અંતરથી આભાર માનું છું કે આવા પરિવારમાં મને જન્મ આપ્યો. નાનો હતો ત્યારે અહીં આવતો તો પ.પૂ.સોનાબાની મારા પર કૃપાર્દષ્ટિ હતી. જ્યારે વસુબાને ખબર પડી કે, હું ભગવાન ભજવાનું વ્રત લઉં છું. તે મને કહે, હવે તું પાછો ના આવીશ. ત્યાં જ તારૂં પૂરૂં કરી લેજે. ‘ભલે યોગી થવાય કે ન થવાય પણ દરેકને ઉપયોગી થજે.’

 

પુત્રવધુ રશ્મિએ વાત કરતાં કહ્યું કે, જન્મથી જ હું નોન ગુજરાતી છું. બા નો ખૂબ આભાર માનું છું કે મને ગાંધી પરિવારમાં સ્થાન આપ્યું. તેમનો પ્રેમ અને લાગણી દરેક માટે એકસરખા રહ્યાં છે. જ્યારે પાર્થનો ફોન આવે ત્યારે પહેલાં પૂછે કે, રશ્મિ મજામાં છે ને? એનું ધ્યાન રાખે છે ને? વિવાનનું ધ્યાન રાખે છે ને? ભગવાનના ચરણોમાં શાંતિથી રહેજો.

 

પૂ.શોભનાબેને લંડનથી મોકલેલ પત્રનું વાંચન કર્યું.
પૂ.મહેન્દ્રભાઈ અને પૂ.વસુબાએ અમને ભગવાન આપ્યા. અને ગુરૂહરિ પપ્પાજીમાં અમે અખંડ જોડાયેલા રહીએ એવી પ્રાર્થના કરી છે. અમે પાંચેય ભાઈઓ-બહેનો ગુરૂહરિ પપ્પાજીનું ઋણ અદા કરીએ અને સાચા સાધુ બનીને રહીએ. અમે ખૂબ આશીર્વાદ આપજો કે એમનું ઋણ અદા કરી શકીએ એ જ પ્રાર્થના.

 

ધરા-પાર્થ-રશ્મિ-વિવાન બધા બા ને દાદાનું ઋણ અદા કરે. એક ભગવાન રાખીને જીવે એવા આશીર્વાદ બા-દાદા અને સર્વ સદ્દગુરૂ સ્વરૂપો વરસાવો એ જ પ્રાર્થના.

 

પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, સ્વામીની વાતમાં કહ્યું છે ને કે જીવતે લાખના ને મૂવે સવા લાખના. એવાં વસુબા કોઈ પૂર્વના જ મોટાં રાણી હશે. પોતે ભગવાન રાખ્યા અને બધાને ભગવાન આપ્યા. શ્રીજી મહારાજનો સિદ્ધાંત, ગુરૂહરિ પપ્પાજીનો સિદ્ધાંત સંપ, સુહ્રદભાવ અને એકતા રાખીને જીવ્યાં છે. પરમ ભાગવત સંત બની ગયાં. શાંતાક્રુઝનું ઘર બહુ જ પ્રસાદીનું. રેગ્યુલર સભા થાય. સંબંધ જોઈને ગુરૂહરિ પપ્પાજીને રાજી કરી લીધા છે.

 

હે ગુરૂહરિ પપ્પાજી ! અમે આ લોકની માયા, ખટપટમાં ના પડીએ. તમારી મૂર્તિનું સુખ માણતા થઈ જઈએ. એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપશો.

{gallery}images_in_articles//newsletter/2018/April/07-04-18 P.P.VASUBA AKSHARDHAM GAMAN{/gallery}

 

(૫) તા.૧૫/૪/૧૮ પૂ.વિમળાબેન ઠક્કરની જીવચર્યાની મહાપૂજા

 

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં પૂ.વિમળાબેન અંબાલાલભાઈ ઠક્કરની જીવચર્યાની મહાપૂજા થઈ હતી. તેમના દિકરાની વહુ પૂ.દક્ષાબેને વાત કરી કે, હું ખૂબ જ નસીબદાર છું. આ કુટુંબમાં મને સત્સંગ મળ્યો ને ભગવાન મળ્યા. પ્રત્યક્ષ પ્રભુની ઓળખાણ થઈ. આ કુટુંબમાં જગતનું સુખ અને આધ્યાત્મિક સુખ પણ મળ્યું છે. ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં એ જ પ્રાર્થના અમારા કુટુંબની પ્રગતિ કરાવજો. બધું જ તમે સંભાળી લેજો.

 

ગુરૂહરિ પપ્પાજી અને મોટેરાં સ્વરૂપો રાજી થાય એવું અમે અમારું જીવન ધન્ય બનાવીએ. અમારા કુટુંબમાં આ સત્સંગનો વારસો ચાલુ જ રહે. આ કુટુંબમાં પરણીને આવી તો કોરી સ્લેટ જેવી હતી. બે વર્ષ તો સાસુ-સસરા જોડે જ રહી. તે રોજ સભા કરતા. તો મને સભાની ટેવ પડી ગઈ. હું લગ્ન કરીને આવી તો મમ્મી મને પ.પૂ.જશુબેન પાસે લઈ ગયાં. મને પ.પૂ.જશુબેને ચૂંદડી ઓઢાડીને આશીર્વાદ આપ્યા કે તમારા ઘરે ધનના ઢગલા થશે. તેમને આગળનું દર્શન હોય છે એટલે જ્યારે આપણને અનુભવ થાય ત્યારે મનાય. મમ્મીનો સ્વભાવ જ એવો કે અમારી સાથે હળીમળીને રહ્યાં છે. મને જરાય એવું ના લાગે કે હું સાસરીમાં આવી છું. અમારા દીકરા-દીકરીઓ પણ સત્સંગનો વારસો રાખે એ જ પ્રાર્થના.

 

દીકરા પૂ.હર્ષદભાઈએ વાત કરી કે, અમે પૂર્વના નસીબદાર તેથી આવા માવતરના ઘરે જન્મ મળ્યો. અમને ભણવાની સુવિધા મળે એટલે અમે નડિયાદ આવ્યા. ભણતા ત્યારે અમે નડિયાદ પંડ્યા સાહેબના ઘરે, તારાબેન દેસાઈને ત્યાં સેવા-સમાગમ કરવા જતા. પ.પૂ.જશુબેને કંઠી પહેરાવી આશીર્વાદ આપ્યા કે, જગતમાં જવાનું થાય તો પ્રસંગો તો બને. પ.પૂ.જશુબેન કહેતા કે બધે કર્તાહર્તા કોણ છે ? વર્તાવનાર ગુરૂહરિ પપ્પાજી છે. એવો જ પૂ.મધુબેનનો સમાગમ કર્યો. એમણે શીખવાડ્યું કે ‘પ્રથમ પ્રભુ અને પછી પગલું ભરો.’ ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના છે કે આ લોકનું સુખ તો આપ્યું છે. પણ અક્ષરધામનું સુખ આપો.

 

પૂ.ડૉ.નીલાબેને માહાત્મ્યદર્શન કરાવતાં કહ્યું કે, પૂ.વીમળાબેન અને પૂ.અંબાલાલભાઈ બંને ખૂબ જ નિર્માની. બે દિકરાઓ ખૂબ જ નાના. દાદા બિમાર હતા, સૂતા હતા. અને પ.પૂ.જશુબેન ગયા’તા. ખૂબ જ ભાવ. કોઈ દિવસ ફરિયાદ નથી કરી. દેશકાળ સારા નહોતા. પણ પૂ.જશુબેનને અંર્તયામી માની, તેમના વચને આવકનો દસમો-વીસમો ભાગ ભગવાન અર્થે કાઢતા હતા. એમની દીકરી પૂ.ચંદ્રિકાબેન ઍક્સીડન્ટમાં ધામમાં ગયા. નાના હતા. ભગવાન ભજનારી બેન હતી. એને માટે પણ કોઈ ફરિયાદ નહીં. કર્તાહર્તા પપ્પાજી જ છે. તે કરતા હશે તે બરાબર જ છે. નિર્દોષબુધ્ધિ જ રાખી. આખા કુટુંબમાં સરસ ભક્તિભાવ જોવા મળે. પ.પૂ.જશુબેનનો સાચો સમાગમ કર્યો. નિષ્ઠા પાકી રાખી. પૂ.વીમળાબેન તમારા જેવી નિર્દોષ બુધ્ધિ બધાને રહે.

 

પૂ.વીમળાબેને આશિષ યાચના કરતાં કહ્યું કે, પહેલાં અમે મંજીપુરા રહેતા હતા. મારા સાસુ વડતાલ જતા. હર્ષદભાઈ નાના હતા ત્યારે જોગીબાપા પાસે લઈ ગયા હતા. ત્યારે બહેનોનાં દર્શન કર્યાં. મને થાય કે આવાં બહેનો મને ક્યારે મળશે? અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી મને આ બહેનોનો જોગ આપ્યો. ભગવાને ઘણું બધું આપ્યું છે. હે પ્રભુ! જીવનના અંતિમ શ્વાસ સુધી કોઈને ખબર ના પડે કે મારો અક્ષરધામગમનનો સમય થઈ ગયો છે. એવી રીતે મને લઈ જજો.

 

અંતમાં પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. ગમે તેવા ભૂંડા દેશકાળ હોય પણ સ્વરૂપનિષ્ઠા એક ર્દઢ રાખીએ. ગૃહસ્થની સાધના જુદી છે. એમણે ઘરને મંદિર બનાવવાની સાધના કરવાની છે. વીમળાબેનને કોટિ કોટિ ધન્યવાદ છે.

{gallery}images_in_articles//newsletter/2018/April/12-04-18 VIMLABEN THAKKAR JIVCHARYA MAHAPOOJA{/gallery}

 

 

બધું મને પૂછે કહે, તેનો જવાબ હોય કે ભજન કરો. કશાય જ્ઞાનની જરૂર નથી. એક ભગવાનને જ પકડી રાખજો. ગૃહસ્થોએ આટલું જ કરવાનું છે. પોતાની આવકનો ધર્માદો કાઢે. આપણે ભગવાન પાસે બધું માંગીએ છીએ. તો આપણે એમને કંઈ આપવાનું નહીં? વીમળાબેને એવી આજ્ઞા પાળી છે. તમે જે ભગવાનને માનતા હો તેને સો ટકા શ્રધ્ધાથી માનો. અને એક સ્વરૂપનિષ્ઠા પકડી રાખજો. કર્તાહર્તા એક ભગવાનને માની પ્રાર્થના કર્યા કરજો. ભગવાન મારી સાથે રહેજો, મારી રક્ષા કરજો. એ તમારૂં રૂડું કરશે જ. જગતના વ્યવહાર કરો, બધું કરો. કર્તાહર્તા એક ભગવાનને માનવાનું નહીં ભૂલતા. આપણી કાળજી ભગવાન રાખે છે. તમે ખૂબ નસીબદાર છો. ભગવાન મળ્યા.

 

આમ, આ આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ! રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !