01 to 15 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો,

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧/૪/૧૯

 

આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.

સાંજે રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં ‘પરમ સૂર વૃંદના’ બહેનોએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં લીન કર્યા હતાં. 

 

(૨) તા.૭/૪/૧૯ પરમ ભાગવત સંત સ્વરૂપ પૂ.માયાબેનનો ૪૯મો સ્વરૂપાનુભૂતિદિન

 

પૂ.માયાબેન એટલે માહાત્મ્યની મૂર્તિ. 

 

ભક્તિ-પરાભક્તિનો સમન્વય તટસ્થ રહી પ્રભુભક્તિ કરી,

 

કોઈપણ પ્રકારના અભિપ્રાય વગરનું જીવન, સહુ પ્રભુના જ છે,

 

દિલથી નિષ્કામભાવે પ્રાર્થના-પૂજા બદલે મુક્તોનું જીવન,

 

સહજ સ્વાભાવિક આધ્યાત્મિક અવસ્થા, પ્રભુએ બક્ષી એવાં માયાબેનને 

 

કોટિ કોટિ વંદન હો ! પ્રાર્થજો પ્રભુ પપ્પાજીને અમ કાજે ! 

 

એવાં પૂ.માયાબેનના ૪૯મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી. 

 

પૂ.માયાબેને સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો. ત્યારબાદ પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન, પૂ.લીલાબેન અને પૂ.દયાબેનને હાર અર્પણ કર્યા હતા. 

 

પૂ.માયાબેનના માહાત્મ્યગાનમાં પૂ.સ્મૃતિબેન દવે, પૂ.ચેતુબેન પટેલ, પૂ.કલ્પુબેન મહેતાએ લાભ આપ્યો હતો. 

 

પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પૂ.માયાબેનના આશીર્વાદ લીધા હતા.

 

અંતમાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, આજે આપણે માયાબેનને ર્દષ્ટાદિન ઉજવ્યો. આ જ્યોતમાં આપણે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવા આવ્યા છીએ. પરબ્રહ્મનાં દર્શન કરવા છે. હવે બ્રહ્માનંદ કર્યા કરો. બ્રહ્માનંદમાં રહેવાની સહુ પોતપોતાની રીત શોધી કાઢવી. મારે ધામરૂપ રહેવું જ છે. સ્મિત સહ સંબંધવાળાની સેવા કરવી છે. જેટલી કસણી વધારે એટલી પ્રાપ્તિ વહેલી. પોતપોતાની રીત બધાને સુલભ બને એવા અંતરના આશીર્વાદ વરસાવે. આ ઘડીથી જ અક્ષરધામનું સુખ ભોગવતા થવું છે. અખંડ બ્રહ્માનંદ કરી વ્યાપકમાં જોતા થઈએ. અને સ્મિતથી સેવા કરીએ. માયાબેનની જેમ બધા મૂર્તિ ધારતા થઈ જાવ એવી પ્રાર્થના ને આશીર્વાદ.

{gallery}images_in_articles//newsletter/2019/April/07-04-19 P.P.MAYABEN DIVINE DAY{/gallery}

 

(૩) તા.૮/૪/૧૯ પ.પૂ.કમુબાની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા

 

સદ્દગુરૂ સંત સ્વરૂપ પૂ.કમુબા તા.૪/૪/૧૯ના બપોરે ૧૨.૧૫ વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં. તેમની ત્રયોદશીની મહાપૂજા તા.૮/૪/૧૯ના રવિવારે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સભામાં પૂ.ઈલેશભાઈ, પૂ.અનુપભાઈ અને ભાઈઓએ ભક્તિભાવપૂર્વક કરી હતી. મહાપૂજામાં પૂ.કમુબાના પૂર્વાશ્રમના ભત્રીજા પૂ.સમીરભાઈ અને ભત્રીજાવહુ પૂ.ભાવનાબેન તથા દિવ્ય દીકરા પૂ.જીગ્નેશભાઈ અને ભાભી બેઠાં હતાં અને મહાપૂજામાં અંજલિ અર્પણ કરી હતી.

 

ગુરૂહરિ પપ્પાજી કહે છે તેમ જેમનું મૃત્યુ જ મરી ગયું છે. આત્મા અમર છે. તેવાં પૂ.કમુબાએ દેહરૂપી વસ્ત્રો બદલી નવા દેહમાં પ્રવેશ કર્યો. પૂ.કમુબા ૯૭ વર્ષની વયે લોકો ઈચ્છે તેવો દેહ અને તેવું મૃત્યુ એટલે કે માખણમાંથી મોવાળો કાઢીએ તેમ પૂ.કમુબાનો આત્મા આ જીર્ણ થયેલા દેહમાંથી નીકળી અક્ષરધામમાં પ્રભુના ચરણોમાં બિરાજી ગયો. પૂ.કમુબા પોતે અક્ષરધામરૂપ હતાં. પરમ ભાગવત સંત હતાં. તે પરમ ભાગવત સંતનું પૃથ્વી પર માનવદેહમાં કેવું જીવન હોય. તે પછીના ત્રણ દિવસ તા.૫, ૬, ૭ ઍપ્રિલ પારાયણ હતું તે વખતે બહેનોએ પૂ.કમુબા વિશે જે અનુભવ દર્શન કરાવ્યું તે સાંભળી હ્રદય ગદ્દગદ્દીત થઈ જાય તેવું કમુબા જીવન જીવી ગયાં. મૃત્યુ અમર થઈ ગયું. પૂ.કમુબા હાલતાં-ચાલતાં-બોલતાં ધામમાં ગયાં છે.

 

એમાંય વળી આ વચનામૃતનું દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. બપોરે જમ્યા બાદ વચનામૃતનું શ્રવણ કરતાં કરતાં બેઠા બેઠા ધામમાં ગયા છે. સવારે વહેલા ઉઠી ગયાં. સેવક પૂ.યોગીતા-પૂ.જશીબેનને કહે, મારે નાહી લેવું છે. અને સવારે બહેનોએ સ્નાન કરાવ્યું. પૂજા કરી. ત્રણ દિવસ ખોરાક લેતા નહોતા છતાંય હરતા-ફરતા હતા અને સવારે નાસ્તામાં સેવકે મઠીયું અને બિસ્કીટ આપ્યું તે ગ્રહણ કર્યું. બપોરે જમવામાં કેરીનો રસ (બા ને ખૂબ પ્રિય છે. )આપ્યો તે થોડોક ગ્રહણ કર્યો. ૧૧.૩૦ વાગ્યે જમીને બેઠાં અને ૧૨.૧૫ વાગ્યે બેઠાં બેઠાં જ ધામમાં ગયા. હાથમાં માળા હતી અને બા આનંદથી સ્વધામ સિધાવી ગયા. 

 

પારાયણ દરમ્યાન બહેનોએ બા ના ખૂબ ઉમદા જીવનની વાતો કરી અનુભવ દર્શન કરાવ્યું. તેના સારરૂપે આપણે તેમનું જીવન દર્શન સંક્ષિપ્તમાં જોઈએ.

 

પૂ.કમુબાનો જન્મ ૧લી ઑક્ટોબરના રોજ ખાંધલી(ગુજરાત) ગામે થયો હતો. પટેલ કુટુંબમાં જન્મેલ કમુબેન બાળપણથી જ સેવાભાવી. સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો. લગ્ન થતાં મોમ્બાસા ગયા. પરંતુ સંજોગોવશાત્ ભગવાનનું આ ચૈતન્ય સંસારનો ત્યાગ કરી, મૂળ ગામ નડિયાદમાં આવી ગયું. ઘરની સામ્રે સ્વામિનારાયણ મંદિરના દર્શને જતા કમુબેનને કાશીબાનો જોગ થવાથી જીવનના વહેણની દિશા બદલાઈ. પ્રત્યક્ષની નિષ્ઠા થતાં કાશીબાની સાથે દરેક સમૈયામાં સેવાના સહભાગી બન્યાં ને ૧૯૬૬માં જ્યોતમાં પ્રથમ એકાવન બહેનોમાં ભગવાન ભજવા આવ્યાં ને કેન્દ્ર નં.૧૩ પ્રાપ્ત થયો. 

 

માહાત્મ્યેયુક્ત સેવાને જ જીવન માનનાર કમુબા પ્રસંગે સ્વભજન અને દિવ્યભાવથી બાજી જીતી ગયાં. માન-મોટપની અપેક્ષા વગર ગુરૂહરિ-સ્વરૂપોની આજ્ઞામાં દેહનો અનાદર કર્યો. કોઠારની સેવામાં પોતાની આગવી કોઠાસૂઝથી અનાજની  સાચવણી કરી બહેનોને સાચું માર્ગદર્શન આપી હૂંફ આપે ને ગમ્મત સાથે જ્ઞાન પણ આપી દે. રસોડામાં કાંઈપણ બનાવવા ગયેલ નાની એ મોટી બહેન કમુબેનને જોતાં જ થડકારહિત તેમની પાસે પહોંચી જાય ને તેમની સલાહ લે. 

 

કમુબેનને હૉસ્પિટલમાં જવું ગમે જ નહી. છતાં જ્યાં કોઈ બહેનની સાથે દવાખાને રહેવા જવાનું થાય. તો ગુરૂહરિ પપ્પાજી કમુબાને જ મોકલે. એક વખત ૧લી સપ્ટેમ્બર ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન અને બેનનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો ઉજવાતો હતો. ત્યારે વિમુબેન પ્રેસની તબિયત સારી ન હોવાથી તેઓ હૉસ્પિટલમાં હતાં. કમુબાએ ભવ્ય સમૈયાના લાભની લાલચ ન રાખી, પરંતુ પપ્પાજીના અભિપ્રાયની ભક્તિ કરી લીધી. વિમુબેન-વિઠ્ઠલભાઈનો અતિ આગ્રહ હોવા છતાંય તેઓ જ્યોતમાં ન આવ્યાં. આમ, ગુરૂહરિની અંતરની રૂચિ પ્રમાણે જ વર્ત્યાં. 

 

આશિષ મંડળના મુક્તોનેય દેહમાં કાંઈ તકલીફ હોય તો તેમની રૂચિ અનુસાર ભાવતી રસોઈ બનાવીને મૂર્તિ લૂંટી લે. કમુબા ગુરૂહરિના વિશ્વાસુ સેવક છે. સામા પાત્રની રીતે વર્તી કોઈપણ વસ્તુનો બગાડ ન થવા દે. વિચરણમાં જોડમાં તેઓ કોઈપણ સેવાની ગણતરી વગર જતાં. ૧૯૬૩માં ગણેશપુરી શિબિર વખતે પપ્પાજીએ મોટેરાં ચાર બહેનોની સાથે પાંચમા સ્વરૂપ તરીકે તેમની પસંદગી કરી. છતાંય ચારેય સ્વરૂપો સાથે દાસત્વભાવે જીવી, તેમનું અપરંપાર માહાત્મ્ય ગાઈ ગુરૂહરિની પ્રસન્નતા પામી ગયાં. ‘ઉંમરનો બાધ નહિ અને સેવકની અપેક્ષા નહિ.’ એવાં કમુબા મળતાવડા સ્વભાવે પોતાની પાસેના પ્રભુસ્મૃતિના ખજાનાથી સૌને બ્રહ્મ કિલ્લોલ કરાવે. કોઈનીય સરખામણી કે માથાકૂટમાં પડે જ નહીં. કમુબાએ પૂ.કાશીબા, પૂ.સોનાબા ને પૂ.મમ્મીજીની સેવા ખૂબ ભાવથી કરી રાજીપો મેળવ્યો. એ, એમનો પ્રભુ ને એમની મસ્તીભરી સેવામાં નિત ઉત્સાહી, મૂર્તિલૂંટારુ એવું કમુબાનું જીવન હતું.

 

નિર્માની, નિરપેક્ષ રહી સેવા કરી, વિજળી જેવા સંત બન્યા સહજતાથી.

પ્રભુ, મહાપ્રભુ, મહાતમ પ્રભુ રાજી કર્યા, એવા પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.કમુબાને કોટિ કોટિ પ્રણામ હો !

{gallery}images_in_articles//newsletter/2019/April/08-04-19 P.P.KAMUBA AKSHARDHAM GAMAN MAHAPOOJA{/gallery}

 

(૪) તા.૧૦/૪/૧૯ પ.પૂ.તારાબેન દિવ્યતાપર્વ નિમિત્તેની પ્રતીક સભા

 

પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્યપર્વ નિમિત્તે માહાત્મ્ય દર્શનની પ્રતિક સભામાં આજે પૂ.જ્યોતિબેનના ગ્રુપના બહેનોએ લાભ આપ્યો હતો.

પૂ.હંસાબેન પાવાગઢીએ માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું. પૂ.હેમાબેન ભટ્ટ અને પૂ.હંસાબેન ગુણાતીતના આશીર્વાદ લીધા હતાં.

 

અંતમાં પૂ.તારાબેનના આશીર્વાદ લીધા હતાં. આપણે મૂર્તિની સ્મૃતિમાં જીવવું છે. તો પપ્પાજી આપણને એમના જેવું સુખ લેતા કરી દેશે. પપ્પાજી તમે કેવું જીવી ગયા ? અમે પણ અક્ષરધામની સમાધિમાં રહીને જીવીએ. પપ્પાજી કહે, હું મારા જીવનમાં કદી ભક્તિ વગર નથી જીવ્યો. હું મૂંઝાતો નથી. આપણે ૨૪ કલાક એમનામાં રહેતા થઈ જઈએ. આપણને ચોક્કસ સૂઝ પાડી દેશે. દરેકને પ્રગતિ કરતાં ચૈતન્યો એમણે પહેલેથી માન્યા છે. એટલે આપણે પણ એ જ કરવાનું છે. કોઈનું જોવું નથી. એમના વચન પ્રમાણે લઈ મંડવું છે. 

 

(૫)તા.૧૪/૪/૧૯ શ્રી હરિ જયંતી

 

આજે સર્વોપરી અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો પ્રાગટ્યદિન છે. અનંત જીવોને પોતાના સંબંધ માત્રે માયા પાર કરી દિવ્ય સુખના ભોક્તા કર્યા. અને પોતાના જેવા જ ગુણાતીત સ્વરૂપોનો અખંડિત વારસો અપી અક્ષરધામનાં સુખ આપ્યા. એવા મહાપ્રભુના ચરણે પ્રાર્થના કે…હે સહજાનંદ મહારાજ…! તારી કૃપાનો કોઈ પાર આવે તેમ નથી. અમારું કાંઈ જ જોયા વિના આપે અમને આપનો સંબંધ આપ્યો. બસ, હવે અમે પણ કાંઈ જ જોયા વિના તારા આ દિવ્ય સંબંધને જાળવીએ, દિપાવીએ, સાર્થક કરીએ, ઉજાળીએ અને આપને જ કર્તા-હર્તા માની આપનું ઋણ અદા કરવા આપના થઈ, આપના સિધ્ધાંતે ખૂબ જાગ્રતતાથી જીવન જીવતા જ રહીએ…જીવતા જ રહીએ એજ આપને અંતરની પ્રાર્થના છે. 

{gallery}images_in_articles//newsletter/2019/April/14-04-18 PRABHU KRUPA SHRI HARI JAYANTI SABHA{/gallery}

 

વચનામૃત દ્વિશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું હોવાથી આજના શુભ દિને પૂ.શોભનાબેન, પૂ.તરૂબેન અને પૂ.મનીબેનના ગ્રુપનાં બહેનોએ વચનામૃત-પરામૃતની પોથીયાત્રાની પૂજાવિધિમાં લાભ લીધો હતો. સહુ પ્રથમ પ્રભુકૃપામાં પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.તરૂબેન અને પૂ.મનીબેને બહેનોને નાડાછડી બાંધી હતી. અને નીલકંઠ વર્ણીની મૂર્તિને અભિષેક કર્યો હતો. ત્યારબાદ ‘સંકલ્પ તારો વિજયી સદા…’ એ ભજન ગાયું હતું અને પાંચ મિનિટ ધૂન કરી હતી. પછી નીલકંઠ વર્ણીની મૂર્તિ, શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ અને ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ સાથે વચનામૃત-પરામૃતની પોથી લઈને ‘શ્રીજી શ્રીજી બોલો એમાં આવી ગ્યા પપ્પાજી…’ એ ધૂન ગાતાં ગાતાં પંચામૃત હૉલમાં થઈ પપ્પાજી હૉલમાં બહેનો પધાર્યાં હતાં. મહારાજને અને ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કરી સ્વાગત ભાવ ધર્યો હતો.

 

પ.પૂ.દેવીબેન અને પૂ.જશુબેનને પણ હાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આજે શ્રી હરિ જયંતી હોવાથી જનમંગલ નામાવલિનું પઠન કરી અક્ષતથી વચનામૃતની પૂજા કરી હતી. અને ગુરૂહરિ પપ્પાજીના મહિમા સ્તોત્રનું ગાન કરી પરામૃત પુસ્તકની પુષ્પપાંદડીથી પૂજા કરી હતી, આરતી કરી હતી. ત્યારબાદ પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લઈ આજની પૂજાવિધિનો કાર્યક્ર્મ સમાપ્ત કર્યો હતો. 

 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ શ્રી હરિ જયંતિનો ઉત્સવ કર્યો હતો. શ્રી હરિના પ્રાગટ્યના અને મહિમાના ભજનો ગાયાં હતાં. પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. ૧૦.૦૦ વાગ્યે મહારાજનું પ્રાગટ્ય કરી આરતી કરી હતી. પંચાજીરીનો પ્રસાદ લઈ સહુ વિસર્જીત થયા હતા. 

 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ ભાઈઓએ પ્રભુકૃપામાં વચનામૃત અને પરામૃત ની પૂજાવિધિ જનમંગલ નામાવલિ અને ગુરૂહરિ પપ્પાજીના મહિમા સ્તોત્રનું ગાન કરી કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/April/14-04-19 SHRI HARI JAYANTI VACHNAMRUT SABHA{/gallery}

 

અમદાવાદ મંડળના મુક્તોએ પોથીયાત્રાની વાજતે-ગાજતે, નાચતા-કૂદતા શોભાયાત્રા કરી હતી. પૂ.નિલમબેન અને પૂ.રાજુબેન અને બહેનોના સાંનિધ્યે વચનામૃત-પરામૃતની પૂજાવિધિ કરી હતી. ખૂબ ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક આ મંડળના મુક્તોએ આજના શુભ દિનને વધાવ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2019/April/14-04-19 AHMEDABAD MANDAL SHRI HARI JAYNTI SABHA{/gallery}

 

રાજકોટ મંડળના મુક્તોએ પ.પૂ.દીદી અને પૂ.વનીબેન ડઢાણિયા ના સાંનિધ્યે શ્રી હરિ જયંતિ ની સભા કરી હતી. રાજકોટમાં અત્યારે નવી જ્યોતનું બાંધકામ ચાલી રહ્યું છે. બહેનો ભાડાના મકાનમાં રહે છે. પ.પૂ.દીદી આજના શુભ દિને ત્યાં પધાર્યા હતાં અને ભક્તોએ આ ઉત્સવની ખૂબ દિવ્ય રીતે ઉજવણી કરી હતી. 

 

માણાવદર મંડળના મુક્તોએ પણ પૂ.માયાબેન દેસાઈ અને પૂ.પ્રતિક્ષાબેનના સાંનિધ્યે શ્રી હરિ જયંતિના સમૈયાની ઉજવણી ઉલ્લાસભેર કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/April/14-04-19 MANAVADAR MANDAL SHRI HARI JAYANTI SABHA{/gallery}

 

(૬) ‘પપ્પાજી અક્ષર સ્વરૂપે’ બુકમાંથી જ્યોતના બોર્ડ 

 

દરરોજ જે બ્રહ્મસૂત્રો મૂકાય છે તે માણીએ. ગયા અંકમાં આપણે ૭૫ બ્રહ્મસૂત્રો માણ્યાં હતાં. હવે આગળ…

 

(૭૬) કોઈપણ ગ્રાહ્ય ર્દષ્ટિ રાખી ખરેખર સમજવા ને વર્તવા પૂછે તો પ્રભુ ઉપર નાંખી દઈ તે સૂઝાડે 

      

       તે કહો.

 

(૭૭)  LET THY WILL BE DONE

 

(૭૮) મનને અને હૈયાને નીરવ રાખવું જ છે. જેથી પ્રભુનો કોલ સદાય ઝીલવા, સાંભળવા ને તે 

 

      રીતે વર્તવા તૈયાર રહે.

 

(૭૯) ગુણાતીત સ્વરૂપમાં અતૂટ વિશ્વાસ રાખી પડ્યા રહેવું.

 

(૮૦) ભગવાનનો આશરો ર્દઢ પકડી રાખી, હરેક પ્રસંગે મૂંઝવણ ટાળવા તેમને જ ઉપાયભૂત કરવા 

 

      પ્રાર્થના ને ભજન કર્યા જ કરો. 

 

(૮૧) સંબંધવાળા બધા જ (હીરા ને કાકુ જેવાય) પ્રગતિ કરતાં ચૈતન્ય માની તેમના વિષે જરાય 

 

       અભાવનો વિચાર ઊઠે કે તરત તે ટાળી દેવો.

 

(૮૨) પ્રભુ તારી અભિપ્રાયની નિષ્કામભક્તિની ખાત્રી થયા પછી જ તે વિચારને વાણી કે વર્તનમાં 

 

       મૂકવો છે.

 

(૮૩) પોતે પોતાના ગુરૂ બની સતત જાગ્રતતા રાખી ગુણાતીત સમાજના સર્વ મુક્તોની સેવા કરી 

 

      લઈ તેમની મૂર્તિ લૂંટી લેવી.

 

(૮૪) પ્રાપ્તિનો કેફ ને ખુમારી રાખી અલ્પ સંબંધવાળા આગળ રાંક રહી સેવા કર્યા કરવી. 

 

(૮૫) જો ગ.મ.૨૮ જેવા ભક્ત બનીએ તો તેવા ભક્તના, ભક્તના ભગવાન છે. તો તેવા ભક્ત બની 

 

      રહીએ. 

 

(૮૬) સત્પુરૂષ જ્યારે પ્રગટ અને પ્રત્યક્ષ હોય ત્યારે તેના તરફની અનુવૃત્યા ભક્તિ તે જ સ્વધર્મ.

 

(૮૭) સંબંધવાળા બધા જ પ્રગતિ કરતાં ચૈતન્યો માની દિવ્યભાવ રાખવો એ જ જ્ઞાન.

 

આમ, શ્રી હરિ જયંતિનો ઉત્સવ લઈને આવેલું આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !