સ્વામિશ્રીજી તા.૨૩/૮/૧૪
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો,
જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત અને જ્યોત શાખા મંદિરમાં ઉજવાયેલ ઉત્સવ તથા ભજન–ભક્તિના વિશેષ કાર્યક્ર્મ થયા તેની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૮/૧૪ શુક્ર્વાર
દર ૧લી તારીખે પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે દર્શન–પ્રદક્ષિણા–પ્રાર્થના માટે જવાનું રાખેલ છે. તે મુજબ બહેનો સવારે ગયા હતાં.
મહાપૂજા સુવર્ણ પર્વ નિમિત્તે યોજાયેલ મહાપૂજા અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે વિદ્યાનગર જ્યોતમાં અને જ્યોતશાખા મંડળોમાં સમૂહ મહાપૂજાના આયોજન થયા તેની સ્મૃતિ માણીએ.
જ્યોતના બહેનોની આધ્યાત્મિક ગ્રુપવાઈઝ મહાપૂજા વિદ્યાનગર ખાતે થઈ.
(૨) તા.૨/૮/૧૪ શનિવાર
સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં B3 ગ્રુપના બહેનોએ સમૂહ મહાપૂજા કરી હતી. તેઓના આધ્યાત્મિક સદ્દગુરૂ પૂ.હંસાબેન ગુણાતીતના યજમાન પદે ભવ્ય અને દિવ્યતાસભર મહાપૂજા થઈ હતી. અને મહાપૂજા બાદ પ.પૂ.જ્યોતિબેન અને પૂ.હંસાબેન ગુણાતીતનો આશિષ પરાવાણીનો લાભ લીધો હતો. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં.
(૩) તા.૩/૮/૧૪ રવિવાર
આજે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ સોનાગ્રુપની બહેનોએ સમૂહ મહાપૂજા સ્વામિ સ્વરૂપ પૂ.તરૂબેનના સાંનિધ્યે યજમાન પદે કરી હતી. પૂ.તરૂબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી પણ આજે આ સાથે કરવામાં આવી હતી.
સુંદર સુશોભન નાડાછડીનું હતું. જેમાં શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતાં. તેઓ સમક્ષ સોનાગ્રુપના બહેનો અને મધ્યે પૂ.તરૂબેન શ્રી ઠાકોરજી સમક્ષ મહાપૂજા કરવા બિરાજમાન થયેલ.
સહુ પ્રથમ જ્યોતમાંથી પૂ.તરૂબેન અને મોટેરાં સ્વરૂપો આગળ અને તેની પાછળ સોનાગ્રુપના બહેનોની ભક્તિયાત્રા મંદિરની પ્રદક્ષિણા કરીને પંચામૃતમાં પધાર્યા. ખૂબ ભવ્ય દર્શન હતું. બે બહેનોએ હાથમાં ફ્લેગ લઈ સન્માનથી શ્રી ઠાકોરજી–ગુરૂહરિ પપ્પાજીને સ્વ આસને હીંડોળામાં બિરાજમાન કર્યા. સોનાગ્રુપના બહેનો અને પૂ.તરૂબેન પૂજાના સ્વ આસને બિરાજમાન થયા અને મહાપૂજાનો પ્રારંભ થયો. ખૂબ ભવ્ય રીતે મહાપૂજા થઈ. પ્રારંભે પુષ્પહાર અર્પણ શ્રી ઠાકોરજી મહારાજને, ગુરૂહરિ પપ્પાજી મહારાજને, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને પૂ.તરૂબેનને થયાં.
પ.પૂ.જ્યોતિબેન તથા પ.પૂ.દેવીબેને પ્રસન્નતાના આશીર્વાદ આપતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી નિત નવા ઉત્સવોનું આયોજન થાય છે. આજે બહુ જ આનંદ આવે છે. આવો આનંદ સૌનાય અંતરમાં સદાય રહે ! ઈ.સ.૨૦૦૨માં ગુરૂહરિ પપ્પાજીએ સોનાગ્રુપના બહેનોને વ્રત આપ્યું અને તે દિવસે આ જ જ્ગ્યાએ બિરાજી વચનામૃત ગ.મ.૪૫ સમજાવ્યું હતું. એ સ્મૃતિ રોજ કરીએ. પ.પૂ.જશુબેને પૂ.તરૂબેનને પકવ્યા. ધન્યવાદ છે ! પૂ.તરૂબેને સારધાર આજ્ઞા પાળી. ખરેખર ભગવાન ભજી જાણ્યા.
ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા.
“નિષ્કામભાવની, નિર્દોષભાવની મહાપૂજા તા.૮/૮/૬૪ના તારદેવથી શરૂ થઈ. મહાપૂજા એટલે પ્રત્યક્ષ ભગવાનની પૂજા. બધાને જીવનમુક્તો માનીને એમની પૂજા કરીએ. જેનાં નામ બોલું છું એને નિર્દોષ બુધ્ધિ ર્દઢ થાય. પ.પૂ.દીદીએ તારદેવમાં આ જાતની મહાપૂજા શરૂ કરી. જે જે મુક્તો એકાંતિકના જીવમાં છે એ બધાને નિર્દોષબુધ્ધિ ર્દઢ થઈ જાય. બીજા માટે આવી ભાવનાથી પ્રાર્થના કરશો તો તમે અક્ષરરૂપ થઈ જશો. મોટેરાં સદ્દગુરૂઓ રોજ એવી મહાપૂજા કરે છે.”
પૂ.તરૂબેનનો લાભ લીધો. પૂ.તરૂબેને ૧૯૬૬ની સાલની એક સ્મૃતિની વાત કરી. એકવાર પ.પૂ.પપ્પાજી સામે બેસી અમો ભજન ગાતા હતાં. હું મનોમન પ.પૂ.પપ્પાજીને પ્રાર્થના કરતી હતી. હે પપ્પાજી ! તમને જેવા છે તેવા ઓળખી લેવા છે. સ્થિતિ કરી લેવી છે. પ.પૂ.પપ્પાજી તો અંતર્યામી ! તરત મારી સામે જોઈને મને કહે, તરૂ સ્થિતિ કરવી છે ને ? ત્યારે અમે ૫૧ બહેનો જ્યોતમાં હતાં. “એકાવન બહેનોને બ્રહ્મની મૂર્તિ માનીને સેવા કરી લેજે.” આટલી જ સાધના છે. જે સાધનમાં તપ–વ્રત કરતાંય અઘરી છે. જે પપ્પાજી સુખ, શાંતિ, આનંદથી કરાવે છે. સર્વોપરી પ્રભુ મળ્યા. તેમના બળે કરાવે છે. ભૂલકું બની જઈ બળ લેવું પ્રભુનું.
(૪) તા.૬/૮/૧૪ બ્રહ્મ સ્વરૂપ પ.પૂ.બેનની પ્રથમ પુણ્યતિથિ
બ્રહ્મસ્વરૂપ પ.પૂ.બેનની પ્રથમ પુણ્યતિથિએ મહાપૂજા જ્યોત પંચામૃત હૉલમાં બહેનો–ભાઈઓની સભામાં થઈ હતી. પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ મહાપૂજા કરી હતી. મહાપૂજામાં બે દંપતિએ યજમાન પદે લાભ લીધો હતો. (૧) પૂ.લીનાબેન વજુભાઈ (અંકલેશ્વર) (૨) પૂ.હેતલબેન પ્રિતેશભાઈ (ઉત્તરસંડા)
મહાપૂજા બાદ પૂ.રમીબેન તૈલી, પૂ.ડૉ.સ્વીટીબેન પટેલ, પૂ.ઈલાબેન વાઘેલાએ જ્યોતના બહેનો તરફથી અને ગૃહસ્થ ભાઈ–ભાભીઓ તરફથી પૂ.મુકુંદભાઈ ફળદુએ પોતાનો સમર્પણ ભાવ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેનના ચરણોમાં ધરી ધન્યતા અનુભવી હતી. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. પ.પૂ.દેવીબેને આશીર્વાદ વરસાવ્યા હતાં.
બધા વક્તાઓએ પ.પૂ.બેનનું મહાત્મ્યગાન અને અનુભવ દર્શન કરાવ્યું હતું. જેમાં અસલી સાધુ પ.પૂ.બેનના ગુણાનુગાન તથા દયાળુ પ.પૂ.બેનના અનુભવોના દાખલા આપી વાતો કરી હતી. આ કોઈ સામાન્ય સભા નહોતી. દિલના ઉદ્દગારો હતાં. દિવ્યતા સભર આ મહાપૂજાનો કાર્યક્રમ જીવંત અનુભવાયો હતો. પ.પૂ.બેનને સ્વધામ સિધાવ્યે એક વર્ષ પૂરૂં થઈ ગયું. એવું દરેક મુક્તોને લાગતું હતું. કારણ આખું વર્ષ બધા જ મુક્તો ગુરૂહરિ પપ્પાજી–પ.પૂ.બેનથી સભર રહ્યાં છે. તેઓનું કૃપા સાંનિધ્ય અંતરમાં અનુભવાય છે. પ.પૂ.બેન સભામાં હંમેશા વાર્તા કરી બોધ આપી વાતાવરણને હળવું બનાવતા. આજના પ.પૂ.બેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદમાં પણ એક વાર્તા હતી તે આપણે જોઈએ.
વાર્તા – એક બ્રાહ્મણ હતો. એ ગરીબ હતો. પાંચ છોકરાં હતા, કમાણી ઓછી. માંડ માંડ પૂરૂં થાય. એને વિચાર આવ્યો કે ચાલ હું રાજા પાસે જાઉં. કંઈક ગામ–ગરાસ આપે તો સુખી થાઉં. એ તો રાજા પાસે ગયો. તો રાજા ભગવાનને પ્રાર્થના કરતો હતો. હે અલ્લાહ ! મારું રાજ્ય આબાદ રાખજો. મારી પ્રજાને સુખી રાખજો. મારી સંપત્તિ વધતી રહે વગેરે…. પેલા બ્રાહ્મણને થયું. રાજા જેમ ભગવાનની પાસે બધું માંગે છે. એમ હું પણ ભગવાન ને જ પ્રાર્થના કરું તો ભગવાન મને પણ આપશે. અને તે રાજાના દરબારમાંથી સીધો મંદિરે ગયો અને ગદ્દગદ્દ કંઠે પ્રાર્થના કરવા માંડ્યો. તો ભગવાને તેની કમાણીમાં બરકત આપી અને સુખી સુખી કરી દીધો.
મેં પણ ભગવાન પાસે હંમેશા પ્રાર્થના જ કરી છે. કૃષ્ણ ભગવાનને ભજ્યા. શંકર ભગવાનને ભજ્યા. સ્વામિનારાયણ ભગવાનને ભજ્યા. ગુરૂહરિ પપ્પાજી મળ્યા. આ ગુરૂહરિ પપ્પાજીએ તો અંતરની જબરજસ્ત શાંતિ આપી. એવા અનહદ અનુભવો કરાવ્યા છે. જગત ખોટું કરી નાંખ્યું. આ તો અનંત કૃષ્ણનાય કૃષ્ણ છે. એવા અંતરના ઉદ્દગારો નીકળ્યા. હે પપ્પાજી ! સહુ સંબંધવાળા આશ્રિતોને તમારું સ્વરૂપ ઓળખાવજો. તમારું ધામ બનાવજો. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. તે સાંભળે છે. સાધુ પ્રાર્થનારૂપી સેવા કરે, ગૃહસ્થ ધનની સેવા કરે. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે કે મારો ભક્ત અન્ન–વસ્ત્રે કદિ દુઃખી ના થાય.
ગુરૂહરિ પપ્પાજી એ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ વહાવ્યાં કે, પ.પૂ.બેને સત્સંગનું ખૂબ ખૂબ કાર્ય કર્યું છે. પ.પૂ.બેનની ચૈતન્ય પરની પકડ જબર જસ્ત છે. સુહ્રદભાવે બધા માટે પ્રાર્થના જ કરી છે. ભગવાન એમનું સાંભળે. પ.પૂ.બેન રોજ મહાપૂજા કરે. ગુણાતીતનો કાયદો છે કે કહેવા કરવાનું નહીં. ઉગાડવાનું. આપણે સહુ પણ એકબીજા સાથે સુહ્રદભાવ રાખીએ. ગુણાતીત કાયદે સહજ જીવતા થઈએ ?
(૫) તા.૮/૮/૧૪ મહાપૂજા સુર્વણ દિનની જય
ઓહોહો ! આવો ભવ્ય દિન મહાપૂજાનો આવ્યો. મહાપૂજાની શરૂઆત તા.૮/૮/૬૪ ના દિને તારદેવ તીર્થધામે ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.દીદી પાસે કરાવેલ. તે દિવસથી આ દિવસ સુધી મહાપૂજાની દિન–પ્રતિદિન વૃધ્ધિ થતી રહી છે ને મહાપૂજા નિશદિન થઈ રહી છે. તેને આજે ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.
આજે શ્રી ગુણાતીત જ્યોત પંચામૃત હૉલમાં પૂર્ણાહુતિની મહાપૂજા સદ્દગુરૂ A મંડળ દ્વારા સંપન્ન થઈ હતી. મહાપૂજા પહેલા જ્યોત મંદિરેથી પંચામૃત હૉલ સુધીની એક પ્રદક્ષિણા–ભક્તિ રેલી હતી. જેમાં મહાપૂજા અભિયાનની ૧૫૦ મહાપૂજાની સાંકળ બનાવેલ તેમાં જે બહેનોએ મહાપૂજા કરી હતી. તે બહેનોની આ ભક્તિ રેલી હતી. શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને લઈ ભક્તિભાવે બહેનો પંચામૃત હૉલમાં પધાર્યા. સદ્દગુરૂ સ્વરૂપો સ્વાઆસને અને મહાપૂજાનો પ્રારંભ પૂ.માયાબેન અને પૂ.કલ્પુબેન દવેએ કર્યો હતો. ખૂબ દિવ્યતાસભર મહાપૂજા થઈ. તેમાં આખા ગુણાતીત સમાજના ભક્તોના નામ બોલાય છે જે ભક્તોના ઘરે રાખડી જાય છે તે કુટુંબના નાનામાં નાના મુક્તથી માંડી સંતો, સાધકો સુધીના બધાના નામની નામાવલીની પ્રદેશવાઈઝ ફાઈલ છે. તે ફાઈલનું વાંચન દરેક સદ્દગુરૂએ મનોમન શ્રી ઠાકોરજી સમક્ષ કર્યું હતું. દર વર્ષે આ દિવસે આ રીતે થતું જ રહ્યું છે. આજે પણ મહાપૂજામાં પ્રાર્થના બાદ એ ફાઈલનું વાંચન થયું. ત્યારબાદ થાળ, આરતી થયા. મહાપૂજાની પૂર્ણાહુતિ થઈ, અને પ્રાસંગિક આશિષ લાભ પ.પૂ.જશુબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.પદુબેને આપ્યો. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા.
(૬) તા.૮/૮/૧૪ માણાવદર મંડળની મહાપૂજા
આ જ દિવસે માણાવદર જ્યોતમાં મહિલા મંડળની મહાપૂજા પૂ.મધુબેન સી., પૂ.ધર્મિષ્ઠાબેન અને પૂ.હંસાબેન પટેલના સાંનિધ્યે થઈ હતી. ગુલાબી સાડીમાં ભાભીઓ ભક્તિભાવે, ગુલાબી હૈયે પધારી મહાપૂજામાં બેઠા હતાં. અને અક્ષરધામનો બ્રહ્માનંદ માણ્યો હતો. તેવું જ….
(૭) તા.૮/૮/૧૪ લંડન મંડળની મહાપૂજા
તેવું જ દરિયાને પેલે પાર લંડન આઈવર હીથ હૉલમાં બે વિભાગમાં મહાપૂજા થઈ હતી.
ભાઈઓમાં પૂ.પિયૂષભાઈએ મહાપૂજા કરી હતી. પૂ.દિલિપભાઈ ભોજાણી, પૂ.વિરેનભાઈના સાંનિધ્યે
ભાઈઓએ મહાપૂજાનો લાભ લીધો હતો.
બહેનોમાં પૂ.વસુબેન પટેલે મહાપૂજા કરી હતી. પૂ.શોભનાબેન, પૂ.હેમાબેન ભટ્ટ, પૂ.નીમુબેન સાકરિયા, પૂ.અરૂણાબેન ભોજાણી અને લંડન જ્યોતના બહેનોના સાંનિધ્યે મહિલા મંડળે મહાપૂજાનો લાભ લીધો હતો.
(૮) તા.૮/૮/૧૪ ના શુભદિને મુંબઈમાં ત્રણ જગ્યાએ મહાપૂજા થઈ હતી.
– પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે સવારે બોરીવલી જ્યોતમાં પૂ.ભારતીબેન મોદીએ મહાપૂજા કરી હતી. બહેનોએ લાભ લીધો હતો.
– મુંબઈ બોરીવલી મંડળના ભાઈઓએ પૂ.સુરેશભાઈ ગાંધી અને ગુણાતીત પ્રકાશના ભાઈઓના સાંનિધ્યે આજે તા.૮/૮૧૪ ના રોજ બોરીવલી જ્યોતના ફ્લેટ પર મહાપૂજા કરી હતી. આ મહાપૂજા દરમ્યાન તા.૩૧/૩/૧૪ થી ૮/૮/૧૪ દરમ્યાન આ ભાઈઓએ ૧૫૦ મહાપૂજાઓ બોરીવલી જ્યોતના હૉલમાં કરી હતી. વિરાર થી લઈને મલાડ, ખેતવાડી અને ઘાટકોપરના હરિભક્તોએ પણ લાભ લીધો હતો. ૧૫૦ મહાપૂજામાં અમુક હરિભક્તોના આમંત્રણથી તેમના ઘરે પણ પ્રકાશના ભાઈઓએ જઈને મહાપૂજા કરી હતી.
– સાંજે પવઈ મંદિરના મુક્તોએ તારદેવ સેવા સદન હૉલમાં પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે મહાપૂજાનો લાભ લીધો હતો. પૂ.વશીભાઈએ ખૂબ સરસ ભક્તિભાવે મહાપૂજા કરી હતી.
(૯) તા.૧૦/૮/૧૪ મેમર (બગોદરા)
મેમર મંડળના બહેનોએ પૂ.મનીબેનના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. અને ભક્તિનો લાભ લીધો હતો.
(૧૦) તા.૧૪/૮/૧૪ ઈડર
પૂ.આચાર્ય સ્વામી અને સંતો, પૂ.ઈલેશભાઈ અને ભાઈઓના સાંનિધ્યે ઈડર મંડળના ભાઈઓની મહાપૂજા ખૂબ ભવ્ય રીતે થઈ હતી. ઈડરના પૂ.કાંતિભાઈ અને ભાઈઓએ મહાપૂજામાં પધારનાર મુક્તોએ મહાપ્રસાદ જમાડવાની સેવાનો લાભ લીધો હતો.
(૧૧) તા.૧૫/૮ વિદ્યાનગર મહિલા મંડળની મહાપૂજા
આજે સાંજે વિદ્યાનગર ઝોનના મહિલા મંડળની મહાપૂજા જ્યોત પંચામૃત હૉલમાં પ.પૂ.દેવીબેન અને સદ્દગુરૂ Aના સાંનિધ્યે ખૂબ ભક્તિ સભર રીતે થઈ હતી. પૂ.કલ્પુબેને મહાપૂજા કરાવી હતી. ભાભીઓ ગુલાબી સાડીમાં ખૂબ સરસ હરખભેર તૈયાર થઈને આ મહાપૂજામાં પધાર્યા હતાં. અને ખૂબ સરસ ભક્તિભાવે લાભ લીધો હતો. મહાપૂજા બાદ પૂ.મધુબેન સી., પૂ.લીલાબેન, પૂ.નીમુબેન દાડિયા, પૂ.શોભનાબેને લાભ આપ્યો હતો. એવી જ રીતે જ્યોત મંદિરમાં ગૃહસ્થ ભાઈઓએ પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવેના સાંનિધ્યે ભવ્ય મહાપૂજા કરી હતી અને પૂ.માયાબેન, પૂ.હંસાબેન ગુણાતીત લાભ આપવા મંદિરમાં પધાર્યાં હતાં અને પ્રાસંગિક લાભ આપ્યો હતો.
આમ, આજ રોજ વિદ્યાનગરમાં મહાપૂજાની પૂર્ણાહુતિ થઈ હતી. હજુ પણ જ્યાં જ્યાં બાકી છે ત્યાં મહાપૂજા થઈ રહી છે. જેના દર્શન આવતા વખતે કરીશું.
(૧૨) તા.૧૦/૮/૧૪ રક્ષાબંધન
રક્ષાબંધન નિમિત્તે સવારે ૧૦ થી ૧૧.૩૦ બહેનોની સભા પંચામૃત હૉલમાં થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. તથા પ.પૂ.દેવીબેને પ્રાસંગિક લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજી ૧૯૬૬ માં જ્યોતમાં બહેનો રહેવા આવ્યા ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ દિવ્ય ભાઈઓ માટે બહેનો પાસે રાખડી બનાવડાવી. નિષ્ઠાવાળા ભાઈઓને રાખડી મોકલતા. અહીં પ.પૂ.બા સર્વ ભાઈઓને રાખડી બાંધતાં હતાં તે પછી બાઈ–ભાઈ બાળકો સર્વની તન–મન અને આત્માની રક્ષા માટે સર્વ કોઈ ગુણાતીત સમાજના ભક્તો માટે રાખડી બનાવવાની શરૂ કરીએ અને બહેનો જાતે રાખડી બનાવી તે ઠાકોરજી સમક્ષ ધરીને સમૂહ મહાપૂજા કરીને રાખડીમાં શક્તિ પૂરાવીને પછી કવર તૈયાર કરી ઘરે ઘરે રાખડી પોસ્ટ દ્વારા મોકલાય છે. આ સમૈયો સ્થાનિક હોય છે. સહુ ભાઈઓ ઘરે પહેલા આ દિવ્ય બહેનોની આવેલી રાખડી બંધાવે છે પછી પોતાના બહેન વગેરેની રાખડી બાંધે છે.
વિદ્યાનગર સ્થાનિક રક્ષાબંધનનો કાર્યક્ર્મ હોય છે. પ્રભુકૃપામાં સંઘધ્યાન વખતે સવારે પ.પૂ.દેવીબેન, પૂ.ડૉ.નીલમબેન રાખડી બાંધવા ગયેલા. બ્રહ્મ જ્યોતિ પર અનુપમ મિશનમાં પૂ.ક્મ્બા, પૂ.ડૉ.ભાવનાબેન, પૂ.ડૉ.નીલાબેન નાણાવટી અને પૂ.દયાભાભી વગેરે રાખડી બાંધવા ગયા હતાં. આમ, સ્થાનિક ઉજવણી રક્ષાબંધનની ખૂબ પવિત્ર રીતે થઈ હતી.
(૧૩) તા.૧૦/૮/૧૪ પૂ.ગંગાબાની અંતિમ વિધિ
રક્ષાબંધનના શુભ દિને પૂ.ગંગાબેન કાનજીભાઈ પટેલ (વિદ્યાનગર) ની અંતિમ વિધિ મંગલ પ્રભાતે થઈ હતી. “સાંનિધ્ય” સહજ આનંદ સ્વનિવાસેથી વાન પ્રભુકૃપા પ્રાંગણે શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીના દર્શન કરીને કૈલાસધામે જવા પ્રયાણ કરેલ. બહેનોએ જ્યોત દરવાજે તેઓના પાર્થિવ દેહને પુષ્પાંજલિ–શ્રધ્ધાંજલિ–પ્રાર્થનાભાવ અર્પણ કર્યો હતો.
(૧૪) તા.૧૧/૮/૧૪
લંડનની ધર્મયાત્રા કરીને પૂ.શોભનાબેન, પૂ.નીમુબેન સાકરિયા ભારત પધાર્યા. તેઓનું સ્વાગત પંચામૃત હૉલમાં બહેનોએ સવારે ૧૦.૦૦ વાગ્યે કર્યું હતું.
(૧૫) તા.૧૨/૮/૧૪ મંગળવાર ‘હીંડોળા સમાપ્ત’
વિદ્યાનગર મહિલા મંડળની સભા મંગળવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ માં હોય છે. જોગાનુજોગ આજે મંગળવારે હીંડોળા સમાપન નો દિવસ આવ્યો ! પંચામૃત હૉલમાં ભાભીઓએ હીંડોળામાં શ્રી ઠાકોરજીને ઝૂલાવવાનો લહાવો માણ્યો હતો. અને પ.પૂ.દેવીબેન, પૂ.મધુબેન અને પૂ.નીલમબેને લાભ આપ્યો હતો.
(૧૬) તા.૧૫/૮/૧૪ પ.પૂ.જ્યોતિબેનનો સાક્ષાત્કારદિન
આજે પ.પૂ.જ્યોતિબેન મુંબઈની ધરતી પર હતાં. પૂ.ઈન્દિરાબેન મદાણીના ફ્લેટ પર મહાપૂજાનો ભવ્ય કાર્યક્ર્મ રાખ્યો હતો. ૫૦ ગૃહસ્થ બહેનો મહાપૂજામાં બેઠા હતાં. બોરીવલી, દહીંસર, કાંદિવલીથી હરિભક્તો પધાર્યા હતાં. પૂ.ભારતીબેન મોદીએ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. આ રીતે પ.પૂ.જ્યોતિબેનના સાક્ષાત્કારદિનનો સમૈયો મહાપૂજાથી ઉજવ્યો હતો.
(૧૬) આ પખવાડિયું શ્રાવણ માસનું હતું. તેથી ભક્તિના અવનવા કાર્યક્રમોનો લાભ આ દરમ્યાન મળ્યો હતો.
શ્રાવણ માસ નિમિત્તે જ્યોતમાં સાંજે ૪.૧૫ થી ૫.૧૫ પારાયણ પણ રાખ્યું હતું. ‘પ્રકાશપુંજ’ અને
‘સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી’ પુસ્તકનું પારાયણ કર્યું હતું.
{ શ્રી ગુણાતીત જ્યોત દ્વારા આયોજીત કેમ્પ
(૧) શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ, વલ્લ્ભ વિદ્યાનગર દ્વારા, તારીખ ૨૨/૦૬/૨૦૧૪, રવિવાર ના રોજ
બ્લડ ડાયોગ્નોસટીક કેમ્પનું આયોજન ગજેરા પેથોલોજી લેબોરેટરી,જૂનાગઢ ના સહયોગથી આ કેમ્પનું
આયોજન ગુણાતીત જ્યોત, માણાવદર મુકામે કરવામા આવ્યુ હતું. જેમાં માણાવદર, જૂનાગઢ જેવા
આસપાસના ગામોમાંથી ભાઇઓ તથા મહિલાઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ગજેરા પેથોલોજી લેબોરેટરી, જૂનાગઢ ના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી પ્રસંગને દીપાવ્યો
હતો. તેથી શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ ડૉ.ગજેરા સાહેબ, જૂનાગઢનો ખૂબ આભાર વ્યક્ત કરે છે.
(૨) પાલનપુર ખાતે આવેલી સર્વોદય કન્યા છાત્રાલયમાં તા.૧૪/૦૭/૨૦૧૪, સોમવારના, સાંજે
૭.૩૦ ક્લાકે, કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ માટે એક ટીથકેર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમા
શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ, વલ્લ્ભ વિદ્યાનગરના ડેન્ટીસ્ટ પૂ.ડૉ.ભાવનાબેન શેઠે દાંતની આરોગ્યની
સંભાળ અને દાંતના રોગો થતા કેમ અટકાવાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સર્વોદય કન્યા છાત્રાલયના ગ્રહમાતા પૂ.ભારતીબેન ભાસ્કર, આસીસટન્ટ ગૃહમાતા પૂ. નિલ્પાબેન
શર્માના સહકારથી આ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો ૧૨૫ વિદ્યાર્થીનીઓએ લાભ
લીધો હતો.
(૩) શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ, વલ્લ્ભ વિદ્યાનગર દ્વારા, તારીખ ૨૪/૦૮/૨૦૧૪, રવિવારના રોજ
ડેન્ટલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું .જેમા પૂ.ડૉ. ભાવનાબેન શેઠ અને સ્ટાફ દ્વારા
ડૉ. અંકીત પટેલ , ઓમ ડેન્ટલ ક્લિનીક, આણંદ ના સંપૂર્ણ સહયોગથી આ સેવાકાર્ય સફ્ળતાપૂર્વક પાર
પડ્યું. જીટોડીયા, મોગરી, કરમસદ, આણંદ અને નાવલી જેવા આસપાસના ગામોના દર્દીઓએ આ
કેમ્પનો લાભ લીધો હતો.
આ રીતે ઠેર ઠેર ભક્તિભાવ સભર ઉત્સવોનું આયોજન આપમેળે સહેજે સહેજે ગોઠવાયું હતું. જ્યાં બધું સરળ રીતે ગોઠવાય તો જાણવું તે પ્રભુ પ્રેરીત હોય ! આપણે સહુ પ્રભુ નિયંત્રિત સમાજના સભ્યો છીએ. તે પ્રાપ્તિના આનંદ સાથે ભક્તિ માસ–શ્રાવણ માસ પૂર્ણાહુતિના આપ સહુને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !