સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન ગુણાતીત જ્યોત તથા ગુણાતીત સમાજ દ્વારા ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૨/૧૮
આ વખતે ૧લી તારીખના બદલે ૩૧મીએ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં. અને પોતાના પ્રાર્થના ભાવો ગુરૂહરિના ચરણે ધર્યા હતાં.
રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં રાબેતા મુજબની કીર્તન આરાધના થઈ. પહેલાં પરમ સૂર વૃંદના બહેનોએ ભજનો ગાયા હતાં. અને ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતાં.
{gallery}images_in_articles//newsletter/2018/Feb/01-02-17 KIRTAN AARDHNA{/gallery}
(૨) તા.૩/૨/૧૮
પ.પૂ.કાકાજી એટલે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પ્રસન્નતાના પાત્ર. તેઓને સેવી અપરંપાર માહાત્મ્યનો ઉછળતો મહાસાગર અને નિર્દોષ બુધ્ધિના રાજા. ૧૯૫૨માં ગોંડલ મંદિરે ત્રીજી ફેબ્રુઆરીએ સાક્ષાત્કાર થયો ને તે સિમીત ન રાખતાં સમગ્રમાં વહેંચ્યો. ને પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી-પ.પૂ.બા-પ.પૂ.બેને દિગંતમાં ડંકા વગાડ્યા.
ગુણાતીત સમાજનું સર્જન કર્યું ને બહેનો માટે અક્ષરવાટ ખોલી. ને બહેનોએ કાર્યને વહેતું રાખ્યું. પ.પૂ.કાકાજી હંમેશા કહેતાં, જ્યોતિ-તારા-દીદી-દેવીએ અમારું ખૂબ શોભાડ્યું. આવા એકાંતિક સ્થિતિને પામેલાં ગુરૂઓ દ્વારા કરોડો જન્મોની કસર ટ્ળે છે. યથાર્થ સ્વરૂપનિષ્ઠા રાખી કહે તેમ આનંદથી કરીએ તો અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય.
આવી ગુરૂહરિ કાકાજીની પરાવાણીને ઝીલીએ ને પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી-પ.પૂ.બા-પ.પૂ.બેન એવા આશિષ અર્પે એ જ પ્રાર્થના. પ્રાર્થીએ આ શુભ પર્વે અખિલ ગુણાતીત સમાજ તન-મન- ધન-આત્માથી સુખી થાય ને ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પ સંપ, સુહ્રદભાવ, એકતા સહુનું જીવન બને.
૧૯૫૨ ૩જી ફેબ્રુઆરી આ ઐતિહાસિક સ્મૃતિદિને બંધુબેલડીની શતાબ્દીનું પંચમ સોપાન હરિધામે ઉજવવાની બ્રહ્મ સ્વરૂપ પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીને અંતઃપ્રેરણા થઈ.
આખા ગુણાતીત સમાજે તે અનુગ્રહ આનંદસહ ઝીલ્યો અને આ મહોત્સવને માણ્યો. હજારો અંબરિષ મુક્તો, સહિષ્ણુ સેવકો અને હરિધામના સૌ સંતો, સંત બહેનો સર્વેના અદ્દભૂત સેવાભક્તિના ફળ સ્વરૂપે આ ભવ્ય ઉત્સવની ઉજવણી હરિધામ પરિસરમાં રાત્રે ૭ થી ૧૦ના થઈ.
ગુણાતીત જ્યોતમાંથી પ.પૂ.દેવીબેન અને ૧૦૦ બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓ, ગુણાતીત સૌરભના ભાઈઓ, બહેનો તથા આખાયે ગુણાતીત સમાજના સર્વે કેન્દ્રોના સાધકો, સંત બહેનો અને સર્વે વરિષ્ઠ ગુરૂઓ અને સદ્દગુરૂઓ અને સ્વરૂપોએ આ ઉત્સવની દિવ્ય આભા પ્રસારી અને ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીના ઋણને યથાશક્તિ અદા કરવા સાકાર સ્વરૂપે હાજર રહ્યા.
ખૂબ નાજુક તંદુરસ્તી હોવા છતાંયે પ્રગટ ગુરૂહરિ સ્વામીજી એકદમ સમયને આધીન થઈને પધારી સર્વેને દર્શનદાન દઈને રીઝવી રહ્યા. સૌને અંતરમાં એમની પ્રત્યક્ષ હાજરીથી આપણે સૌ સનાથ જ છીએ.એવો અનુભવ થઈ રહ્યો.
સૌ નાના-મોટા આબાલ વૃધ્ધ સ્ત્રીપુરૂષ, સાધુ કે ગૃહસ્થ સૌ એકમના થઈ જબરજસ્ત શિસ્ત અને સમયની પાબંદી સમજીને સૌ પોતપોતાના સ્થાને ભક્તિભાવે બિરાજમાન થયા હતા. થર્મોકોલનું ખૂબ ભવ્ય ડેકોરેશન મધ્યમાં ટોચ પર અક્ષર અને પુરૂષોત્તમની દિવ્ય અલૌકિક મૂર્તિ અને વચ્ચેના ભાગે મધ્યમાં પ.પૂ.કાકાજીની ભગવી અને પ.પૂ.પપ્પાજીની શ્વેત વસ્ત્રોધારી ખૂબ દિવ્ય મૂર્તિ પધરાવી હતી. જાણે એમ જ લાગે કે પ્રગટ જ છે. હમણાં ઉભા થશે ને હમણાં આશિષ અર્પશે ! એવી અંતરમાં ઊતરી જાય તેવી મૂર્તિના દર્શને સૌ ભક્તો પાવન થયા.
તેમની બંને બાજુ આપણા પ્રગટ સ્વરૂપો પ.પૂ.ભગતજી મહારાજ, પ.પૂ.જાગાસ્વામી, પ.પૂ.શાસ્ત્રીજી મહારાજ, પ.પૂ.યોગીજી મહારાજ અદ્દભૂત કલાકારીગરીમાં ગોઠવાયેલા હતા. તેઓ પર પ્રકાશની સુંદર વ્યવસ્થા થઈ હતી. જેથી આખું દ્રશ્ય ખૂબ સોહમણું લાગતું હતું. નીચે મધ્યમાં પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજીની મૂર્તિના એકદમ મધ્યમાં પ્રગટ પ્રત્યક્ષ ગુરૂહરિ પૂ.હરિપ્રસાદસ્વામીજીનું ભવ્ય આસન હતું. સૌ કેન્દ્રોના વરિષ્ઠ સ્વરૂપો બિરાજમાન થયા હતા. ચંદ્રમા ધીમે ધીમે ખીલી રહ્યો હતો. તેના શીતલ શ્વેત પ્રકાશમાં ભક્તોના હ્રદયમાં ભક્તિ ભાવના મોજા ઉછળી રહ્યા હતા.
સભા પ્રારંભે દિલ્હી આ ઉત્સવ ઉજવાયો ત્યારે ‘બંધુ જોડી કી દિવ્ય અનુપમ ગાથા’ નૃત્યનાટિકા રજૂ કરેલી તેનું દર્શન સ્ક્રીન પર કરી પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજીના મહિમામાં સૌ ડૂબ્યાં.
પ.પૂ.સ્વામીજી પધાર્યા બાદ બંધુબેલડી ઉત્સવ નિમિત્તે પૂ.હેમંતભાઈ મરચન્ટ રચિત ‘આવી અણમોલ ઘડી જીવનની ધન્ય ઘડી આવી…’ કીર્તન પર શ્રી હરિ પ્રદેશના ભૂલકાંએ નૃત્ય દ્વારા સ્વાગત ભાવો ધર્યા.
ત્યારબાદ સમગ્ર ગુણાતીત સમાજ વતી સંતો, યુવકો, ગૃહસ્થોએ પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી અને સ્વામીજીને વિશિષ્ટ હાર અર્પણ કર્યા. તથા સ્વરૂપોના પુષ્પમાળથી સ્વાગત થયા. ‘કીર્તન’ સી.ડીનું પ.પૂ.સાહેબજીના હસ્તે અનાવરણ થયું.
પૂ.દાસ સ્વામીએ ‘ધન્ય ધન્ય હો બંધુબેલડી…’ કીર્તન પોતે કેવી રીતે બનાવ્યું તેની સ્મૃતિ કરાવી. ત્યારબાદ પૂ.ઈલેશભાઈના સૂરમાં આ કીર્તનમાં સૌ ગુલતાન થયા.
ત્યારબાદ પ.પૂ.નિર્મળસ્વામીજી, પ.પૂ.દિનકરભાઈ, પ.પૂ.ભરતભાઈ, પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી, પ.પૂ.સાહેબજીએ મહિમાગાન સાથે આશિષ આપ્યા હતાં.
અંતમાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના આશિષ લીધા હતાં. પ.પૂ.યોગીજી મહારાજ, પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજીનો સિધ્ધાંત છે કે સૌ સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવો. એ જૂની, નવી પેઢી વચ્ચે સુગમતાથી સાકાર થાય તેની અદ્દભૂત સૂઝ આપતા વાત કરી કે આપણે ઘરમાં, મંડળમાં સાથે રહેવાનું છે. એકબીજાના સ્વભાવ ગમવા અઘરા છે. ત્યાં જાગ્રત રહેવું છે. સૌને મહિમાથી જોજો દર્શન કરજો. ‘તું ને તેં’ અ શબ્દ ઘરમાં જોઈએ જ નહીં. ઘરમાં અક્ષરધામ પ્રગટાવવું છે. નાના ટાબરિયાને પણ માનથી બોલાવજો. મીઠાસથી, પ્રેમથી દાસત્વથી, આત્મીયતાથી બોલવું છે. આપણે માણસમાંથી દેવ ને તેમાંથી પ્રભુના દીકરા થવું છે. ઘરમાં તુ્ંકારો જોઈએ નહીં. શાથી? બધા સ્વામિનારાયણના સંબંધવાળા છે. વડીલો ભાષાથી ખાનદાન રહેજો કારણ આપણે આપણા ટાબોરિયાને સુખી કરવા છે. આપણે આજથી ગર્વ રાખવાનો નથી. કોઈ પર ગરમ થવાનું નથી. પ્રેમ જ આપવાનો તો સામાના સ્વભાવ બદલાઈ જશે. આવું વર્તશો તે તમારી આત્માની યાત્રા પ્રભુ તરફ વધશે ને ઘરમાં રામરાજ્ય થઈ જશે. મા જેવા સાધુ સાથે સંબંધ રાખજો. આપણે સુખિયા થવું છે. હું ય પ્રાર્થના કરીશ.
{gallery}images_in_articles//newsletter/2018/Feb/03-02-17 KAKAJI PAPPAJI BANDHU BELDI MAHOTSAV HARIDHAM{/gallery}
(૩) તા.૧૩/૨/૧૮ અક્ષરરાત્રી – મહાશિવરાત્રી પ.પૂ.જયોતિબેનનો ૮૫મો પ્રાગટ્યદિન
પ.પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યદિનની ઉજવણી જ્યોતમાં બહેનોની સભામાં માહાત્મ્યગાનથી તા.૧૧/૨ રવિવારથી શરૂ થઈ હતી. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, જે સ્વરૂપનો પ્રાગટ્યદિન હોય તેના આગળ-પાછળના દિવસોમાં અઠવાડિયું મહિમાગાન રાખવો. જેથી સંતોષકારક મહિમા ગાન-શ્રવણ કરી શકીએ. જેમને અનુભવની વાતો કહેવી હોય તે ગાન થઈ શકે, શ્રોતા શ્રવણ કરી શકે.
આ સ્મૃતિ મુજબ તા.૧૧/૨ના આખો દિવસ સવાર-સાંજ બે મોટી સભા થઈ ! જેમાં પૂ.રજવંતી મામી (લંડન), પૂ.શીતલબેન પટેલ (ગુણાતીત જ્યોત), પૂ.પરાબેન (ગુણાતીત જ્યોત-સેવિકા), પૂ.ભાવનાબેન ઉનડકટ (ગુણાતીત જ્યોત), પૂ.પલ્લવીબેન પટેલ (ગુણાતીત જ્યોત), પૂ.પ્રીતિબેન માવાણી (ગુણાતીત જ્યોત) વગેરે નાના નાના સાધક બહેનોએ ખરા દિલથી મન મૂકીને પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે અનુભવેલ પ.પૂ.જ્યોતિબાનું વાત્સલ્ય ! નિર્વાજ્ય પ્રેમ, ગુણાતીત ભાવ, બ્રહ્માનંદી સ્વરૂપ, એકપક્ષીય સુહ્રદભાવ જેવા આધ્યાત્મિક ગુણનું દર્શન માનવદેહમાં રહેલા પ્રભુ સ્વરૂપનું પ્રસંગો દ્વારા કરાવ્યું હતું. અંતર્યામીપણું છતાંય ચમત્કાર નહીં, ભૂત ભાવિનું જાણનારા છતાંય જાદુગર સાધુ નહીં પણ પરમ ભાગવત સંત કેવા હોય તે આવી વાતોમાં સહજભાવે પ્રાર્થના આ સાધકોની વાણીમાંથી લહેરાતું હતું. શ્રોતા પણ એવા જ અનુભવી સાધકો જ હતાં. તેથી વક્તા-શ્રોતાનો એક તાલ થતો હતો. વક્તા વાણીથી બોલતાં હતાં. અને શ્રોતા મનમાં એવા જ પોતાના અનુભવો વિચારતા હતાં.
એવું જ તા.૧૩મી ની મહાશિવરાત્રીના દિવસે સવારની સભામાં પણ પૂ.ભાવનાબેન ગજ્જર (ગુણાતીત જ્યોત), પૂ.વજીબેન (ગુણાતીત જ્યોત), પૂ.અરૂણાબેન ભોજાણી (લંડન) આ બહેનોએ ખૂબ વિગતવાર અને આધ્યાત્મિક વાતો કરી હતી.
પ.પૂ.જ્યોતિબેનનો શ્ર્લોક છે એ જ એમના જીવનના સારરૂપ છે. તે આ પ્રમાણે છે.
વાણી, વર્તને બહ્મજ્ઞાન વહેતું, પળમાં એ વિસરે વર્તેલું,
માયાથી નિર્લેપ રહે આ સાધુ, નિર્દંભ રહી ધાર્યા પ્રભુ,
સર્વદેશી સ્વરહિત જીવનનું, અલભ્ય સુખ તું માં રહ્યું,
સહજ, સરલ મસ્ત સ્મિત ઝરંતુ, જ્યોતિ સ્વામીને નમી રહું (૨)
દરેક સભામાં પ.પૂ.જ્યોતિબેનની પરાવાણી ધ્વનિ મુદ્રિત લાભ લીધો હતો. અને ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.જ્યોતિબેન વિશે સ્વમુખે જે જે પરાવાણી ઉચ્ચારેલી હતી. તેવા આશીર્વાદનો લાભ દરેક સભામાં લઈ સર્વે મુક્તોએ ધન્યતા અનુભવી હતી.
{gallery}images_in_articles//newsletter/2018/Feb/13-02-18 P.P.JYOTIBEN PRAGTYAPARVA SABHA{/gallery}
(૪) તા.૧૫/૨/૧૮ પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજીનો ૮૩મો પ્રાગટ્ય દિન
આજે સવારે ૯.૩૦ વાગ્યે સાંકરદા સમૈયો હતો. અને આ શુભદિને સભા પહેલાં ૮.૦૦ થી ૯.૩૦ મહાપૂજા મંદિર પાસેના નિવાસ સ્થાને ‘અક્ષર ભુવન’ ના ખાતમુર્હૂત નિમિત્તેની મહાપૂજા હતી.
માહાત્મ્ય સ્વરૂપ અક્ષરવિહારી સ્વામીજીના માહાત્મ્ય અને દાસત્વભક્તિના ઉત્તમ ગુણોથી આપણે પરિચીત છીએ. છતાંય આજના દિને અક્ષરવિહારી સ્વામીજી વિશે અદ્દભૂત અવનવી વાત વક્તાઓએ કરી હતી.
આજના પ્રાગટ્ય પ્રસંગે પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીના અનુભવોનું અદ્દભૂત દર્શન વિધવિધ પ્રસંગ સાથે કહીને માહાત્મ્યગાન કર્યું હતું. માહાત્મ્ય સ્વરૂપ પ.પૂ.સ્વામીજીના અલ્પ ઓળખ અંતરમાં થઈ ! આ પળ સનાતન બનાવી સહુ ધન્ય થયા !
પ.પૂ.સ્વામીજીના નાના અનન્ય સેવક પૂ.બિમ્પલભાઈએ પોતાના જીવનના સ્વામીજી સાથેની સ્મૃતિ પ્રસંગ કહીને તો સ્વામીજીના આધ્યાત્મિક જીવનનું દર્શન કરાવી ઉચ્ચ કોટીના સ્વામીજીના સ્વરૂપથી પિછાણ કરાવી ધન્ય કર્યા. સ્વામીજી પોતે કોઈ બુધ્ધિ અને જ્ઞાનથી નહીં પરંતુ ચૈતન્યની જરૂરિયાતે નિર્ણય કરે છે અને એ પણ કેવળ પ્રભુ પ્રેરણા કરે છે તેમ કરી રહ્યાં છે. એ આધ્યાત્મિક દર્શન પૂ.બિમ્પલભાઈએ પોતાનો પ્રસંગ વૉકમેન માંગ્યુ અને અપાવ્યું તે નાના પ્રસંગ દ્વારા યથાર્થ દર્શન કરાવ્યું. એ સામાન્ય વાત નહોતી. આ વાતમાં પૂ.બાબુકાકા ચિતલીયા માધ્યમ તરીકે હતાં. તેવા છૂપા ગુણાતીત સંતના પડછાયા એવા સેવકના જીવનનું દર્શન પણ કરાવ્યું હતું.
આ વાતને સમજી શકે તેવો જ નાનો સમૂહ આજની સભામાં ગુણાતીત સમાજલક્ષી હતો. મોટો સમૂહ ભલે નથી. ગુરૂહરિ પપ્પાજી કહેતાં તેમ Quantity નહીં પણ Quality મારે મન મહત્ત્વની છે. એવા મુક્તોએ ભેગા મળી પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના સાંનિધ્યે આ પ્રાગટ્ય સભા થઈ હતી. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ આશીર્વાદમાં પૂ.અક્ષરવિહારી સ્વામી વિષે વાત કરતાં કહ્યું કે, દાસત્વભક્તિમાં તો હું પણ તેમની પાસે હારી જઉં !’ એવા અર્થમાં વાત કરીને સાથે યોગીબાપાએ તારદેવ ભગવાન ભજતા બહેનોના યાચના પત્રનો જવાબ લખ્યો તેમાં ૫ વચનામૃત આપેલા તે વાતની સ્મૃતિ તાજી કરીને ઘૂંટાવી હતી. વચનામૃત
ગ.પ્ર. ૨૩, મધ્ય ૩૦, ૪૫ અમદાવાદ ૨,૩ સિધ્ધ જાવાના આશીર્વાદ હતાં. સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે બાપાની સેવામાં હતાં ત્યારે આપેલા. આવી ઐતિહાસિક સ્મૃતિ યોગી સ્વરૂપના સ્વમુખે પ્રત્યક્ષ સાંભળીને સહુએ ધન્ય થયા હતાં.
અક્ષરવિહારી સ્વામીજીની અંતરની ધખણા “કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ” ડીસે.૧૮ માં ઉજવવા છીએ તેની છે. તેઓ તો બસ રાત-દિવસ એ જ મનન ચિંતન કરે છે અને કરાવે છે. આજના તેઓના આશીર્વાદ પણ એ જ વાત હોય ! બસ..આ વર્ષે આપણે બંધુબેલડી શતાબ્દી આશીર્વાદ પણ એ જ વાત હતી ! બસ…આ વર્ષે આપણે બંધુબેલડી શતાબ્દીમાં મળીશું. એ આનંદ સાથે જય સ્વામિનારાયણ !
{gallery}images_in_articles//newsletter/2018/Feb/15-02-18 P.P.AKSHARVIHARI SWAMI PRAGTYADIN{/gallery}
આમ, આ પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !