સ્વામિશ્રીજી
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા.૧/૧/૧૬ થી તા.૧૫/૧/૧૬ દરમ્યાન જ્યોતની વિશેષ બાબતોની સ્મૃતિ માણીશું.
ઓહોહો ! આ ઈ.સ.૨૦૧૬નું વર્ષ તો ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પર્વ લઈને આવેલું છે. તો અહીં આપણે
જયનાદથી સ્મૃતિ પ્રારંભ કરીએ.
“બોલો…ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય”
(૧) તા.૧/૧/૧૬ શુક્રવાર
આજે મંગલ પ્રભાતે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વતધામે દર્શન ધૂન, ધ્યાન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.
સાંજે પપ્પાજી હૉલમાં કીર્તન આરાધના સંયુક્ત સભામાં થઈ હતી. આજે સ્ટેજ પરના વડીલ સ્વરૂપો પાસે પ્રારંભમાં ભજન ગવડાવી નવી સ્મૃતિનો બ્રહ્માનંદ માણ્યો હતો.
પ.પૂ.જ્યોતિબેને – “કેમ ભૂલું નાથ મારા, સ્વરૂપ જે મુજને મળ્યું…” એ ભજન ગાયુ હતું.
પ.પૂ.દીદી એ “મહા મળ્યો છે માલ…” એ ભજનની એક કડી ગાઈ હતી.
પ.પૂ.જશુબેને “સર્વસ્વ મારૂં જે માન્યું…” એ ભજનની એક કડી ગાઈ હતી.
પ.પૂ.દીદીએ તારદેવની સ્મૃતિ કરાવતાં કહ્યું કે,
અમે જ્યારે તારદેવ રહેતા હતાં ત્યારે ગુરૂહરિ પપ્પાજી એમની રૂમમાં ધ્યાન કરવા બેસે ત્યારે અમારી પાસે ભજન ગવડાવતાં? ત્યારે…
પ.પૂ.તારાબેન “મન મારૂં મોહ્યું રે મૂર્તિમાં…” એ ભજન ગાતા.
પ.પૂ.જ્યોતિબેને “કેમ ભૂલું નાથ મારા, સ્વરૂપ જે મુજને મળ્યું…” એ ભજન ગાતા.
પ.પૂ.દેવીબેન “પ્રેમેવંદન, પ્રેમેવંદન…” એ ભજન ગાતા.
હું (પ.પૂ.દીદી) “મહામળ્યો છે માલ, ગ્રહણ કરને તત્કાળ…” એ ભજન ગાતી.
આમ, તારદેવની સ્મૃતિ સાથે આજની સભાનો પ્રારંભ થયો તથા તરત પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતાં.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/01-01-16 shaswat dham dhun pradxina/{/gallery}
ગુરૂહરિ પપ્પાજી “આપણે તો નિત નવું વર્ષ…” દેહ ધારણ કરીને આત્માને ઓળખવાનો હતો. જડ દેહમાં ચૈતન્ય પેઠું અને જડને ચેતન બનાવવા માંડ્યો. આત્મા દેહ આકારે થઈ ગયો. આપણે કેટલા બધા ભાગ્યશાળી ! શ્રીજી મહારાજે કૃપા કરી ગુણાતીતને લાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ જીવને વાસના રહિત કરી બ્રહ્મરૂપ બનાવ્યો. અત્યારે એવા ગુણાતીત સંતો આપણને મળ્યા. હું નહી – તમે. હું ગુરૂનો પ્રકાશ છું તે મનાવી દીધું. આપણા બધાનું મોત મરી ગયું. આપણે જોગી મહારાજનો પ્રકાશ છીએ. એમના કિરણો છીએ. નીરવ રહીને પ્રભુને ધારવાની સેવા કરીએ છીએ. આપણે અક્ષરધામમાં (ધામરૂપ) ૨૪ કલાક રહેવું છે. સ્વામીની પ્રક.૪થાની ૧૪૦મી વાતને જીવન બનાવીએ. પ્રકૃતિ પુરૂષથી પર રહેવું છે. સંબંધવાળાને પ્રગતિ કરતું ચૈતન્ય માનવું છે. થાય તો તેની સેવા સ્વધર્મેયુક્ત કરી લઈએ. સંબંધે સ્વરૂપ માનીને સેવા કરી લો. પંચામૃત આપણું સહજ જીવન બની જાય એ જ પ્રાર્થના ને આશીર્વાદ.
બહેનોએ ભજન ગાયા. જૂના નવા બધા જ ભજનોમાંથી “ઋણ” અદા કરવાની યાચનાવાળી ભજનની એક એક ‘કડી’ એવા નોન સ્ટોપ ભજનો ગાઈને ગુરૂહરિ પપ્પાજીના ચરણે શતાબ્દી યાચના કરી હતી.
ત્યારબાદ ભાઈઓએ ભજન ગાયા હતાં. ખૂબ બુલંદ અવાજે ભક્તિભાવથી ભજન ગાયા હતાં. આમ, બે કલાક સર્વે ભક્તો ભક્તિ રસમાં લીન થઈને ગયા હતાં. ભજન બાદ પ.પૂ.દેવીબેને, પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા અને અમ સહુ વતી નવા વર્ષની શતાબ્દી યાચના કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/01-01-16 kirtan aardhna/{/gallery}
(૨) તા.૨/૧/૨૦૧૬ શનિવાર
ગુરૂહરિ પપ્પાજીએ શ્રી ગુણાતીત જ્યોત પૃથ્વી પરનું અક્ષરધામ તુલ્ય બનાવ્યું છે. મીઠી વીરડી સમ જંગમ મંદિરો સદ્દગુરૂ A તૈયાર કરીને પૃથ્વી પર વિચરતા કર્યા છે. તેઓના સંબંધમાં આવેલા સત્સંગી હરિભક્તોના જીવનમાં સુખ દુઃખના પ્રસંગો સંસારમાં આવતા જ રહેવાના. તેવે વખતે તેઓને ઠરવાનું ઠામ એવું આ ગુણાતીત જ્યોત છે અને ગુરૂહરિ પપ્પાજીના ચરણાર્વિંદ એવા આ સદ્દગુરૂઓ છે.
હમણાં જ એક હ્રદય દ્રવી જાય એવો પ્રસંગ સત્સંગીને ત્યાં બન્યો. એકનો એક દિકરો ઓચિંતો બિમાર પડ્યો. અને ૩ દિવસની ટૂંકી બિમારીમાં ધામમાં ગયો. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના આ મધ્યમ સ્થિતિનું નાનું કુટુંબ. જેમને સદ્દગુરૂ સ્વરૂપ પૂ.મધુબેનનો જોગ થયો અને સત્સંગનો મહિમા ઉદય થયો. અવારનવાર બહેનો તેના ઘરે જાય ત્યારે આ ૯ વર્ષનો કિશોર ચિ.સાહિલને મહાપૂજા કરાવવી ખૂબ ગમે. બહેનો ઘરે વધુ રોકાય તેવું ઈચ્છે. તેમના મમ્મી પૂ.જલ્પાબેન હિતેષભાઈ ડેડરિયા પ્રત્યક્ષની નિષ્ઠાવાળા થયા. ખૂબ મહાત્મ્ય અને ગુરૂહરિ પપ્પાજીની પ્રભુપણાની નિષ્ઠા વધતી ગઈ. ભક્તિમય સંસારી જીવન હતું. માતા–પિતાના ભક્તિના સંસ્કાર બાળકમાં હતાં. પૂજા, માળા, મંદિરે દર્શને જવું, આરતી કરવી, મહાપૂજા કરાવવી તેને ખૂબ ગમતી. એવા ભક્ત હ્રદયી ચિ.સાહિલ નિમિત્તે મહાપૂજા કરાવવા તેઓના કુટુંબીજનોને લઈને આજે પૂ.જલ્પાબેન જ્યોતમાં મહાપૂજા કરાવવા આવ્યા હતાં. પૂ.યશવંતભાઈ અને પૂ.ઈલેશભાઈએ મંદિરમાં મહાપૂજા કરીને પ્રભુ ચરણે પ્રાર્થના ધરી હતી. કુટુંબીજનોને આ આઘાત જીરવવાનું બળ મળે તેવી પ્રાર્થના ધરી હતી. એવા બાળભક્ત ચિ.સાહિલને ભાવાંજલિ સહ જય સ્વામિનારાયણ.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/02-01-16 sahil akshardham gamn mahapooja/{/gallery}
(૩) તા.૬/૧/૧૬ ગૃહસ્થ સાધુ એવા પૂ.અમૃતમાસી ગોહિલ લંડન (હાલવિદ્યાનગર) અક્ષરનિવાસી થયા.
પૂ.અમૃતમાસીના દેહની અંતિમવિધિ જ્યોતના પ્રાંગણમાં ખૂબ દિવ્ય રીતે તેઓના સંતાનોએ ભક્તિભાવથી કરાવી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ A તેમજ વ્રતધારી સંત બહેનો, વ્રતધારી ભાઈઓ, ગૃહસ્થોના સાંનિધ્યે આજે મંગલ પ્રભાતે અંતિમવિધિ થઈ હતી. પ.પૂ.જ્યોતિબેનના વરદ્દ હસ્તે અમૃતમાસીના કંઠમાં કંઠી અર્પણ થઈ હતી. તથા છપૈયાની પ્રસાદીની પવિત્ર રજથી પૂજન કરી પુષ્પહાર અર્પણ કર્યો હતો. તેમજ,
પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે પૂ.અમૃતમાસીને ગુરૂહરિ પપ્પાજીની અંતિમ પ્રસાદી રૂપ ભસ્મપ્રસાદીથી પાવન છંટકાવ કરી પુષ્પમાળા સહુ વતી અર્પણ કરી હતી.
પૂ.અમૃતમાસીએ ત્રણ સંતાનોને પ્રભુમાર્ગે વાળ્યા. પૂ.પ્રવિણાબેન, પૂ.કુસુમબેન જ્યોતમાં ભગવાન ભજે છે. પૂ.સુરૂભાઈ ગુણાતીત પ્રકાશ સંત તરીકે અને પૂ.નનુભાઈ અને બાળકો પરાગી–પરમને સત્સંગનો વારસો આપી આશીર્વાદ આપી ૮૫ વર્ષની વયે અક્ષરધામ નિવાસી થયા.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/06-01-16 P.Amrutmasi gohil/{/gallery}
પૂ.અમૃતમાસીને આફ્રિકાથી પ.પૂ.બેનનો સંબંધ થયો. પ.પૂ.બેને પ્રત્યક્ષની નિષ્ઠા કરાવી ઘરને મંદિર બનાવી આખી જીંદગી ભગવાન અને ભગવાનના ભક્તો અર્થે જીવન જીવી જીવન ધન્ય બનાવી દીધું. ઈંગ્લેન્ડમાં ચૈતન્ય માધ્યમ તરીકે પૂ.અમૃતમાસીએ જે કાર્ય કર્યું છે તે આદર્શરૂપ છે. ગુરૂ પ.પૂ.બેન અને ગુરૂહરિ પપ્પાજીની ર્દઢ નિષ્ઠા રાખી ગમે તેવા પ્રસંગોમાં જીવન જીવી જાણ્યું. અને હરિભક્તોને પણ એવું બળ પ્રેર્યું છે. ગુણાતીત સમાજના જૂના ભક્તોના જીવનમાં પૂ.અમૃતમાસીએ નિષ્ઠાનું અમૃત રેડ્યું છે. સર્વદેશી રહી સંબંધવાળાની સેવા કરી લઈને ગુરૂહરિ પપ્પાજીનો રાજીપો લીધો છે. શરૂઆતમાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામિજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી જ્યારે લંડન પધારતા ત્યારે ઘર તેઓને સોંપી દઈ બંને દિકરાઓને તેઓની સેવામાં રાખતા. આમ, માહાત્મ્યથી સેવા કરાવી લઈ મૂડી ભેગી કરી છે. આખા કુટુંબ પર પ.પૂ.બેન હક કરી શકે. પ.પૂ.બેન તેમના ઘરે બહેનોની શિબિર કરાવતા. હરિભક્તોને શિબિર, સભા, આનંદ કરવા લઈને જતા. આમ, શરૂઆતમા સત્સંગમાં પૂ.અમૃતમાસીએ દુકાળમાં કોદરા પૂર્યા છે.
હરિભક્તો અમૃતમાસી પાસે મૂંઝવણ ઠાલવી હળવા થતાં. એમણે ક્યારેય કોઈનીય ઉપેક્ષા કરી નથી. કોઈ અપેક્ષા રાખી નથી અને સેવા કરી લીધી છે. સમજપૂર્વક નિર્માનીપણે જીવન જીવી ગયા અને સુવાસ મૂકી ગયા. છેલ્લા વર્ષોમાં વિદ્યાનગર મકાન બનાવી, જ્યોતના જોગમાં અવાર–નવાર આવીને રહેતાં. ઈંગ્લેન્ડ જતાં–આવતાં. એમની ઈચ્છા પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.સવિબેનના સાંનિધ્યે અક્ષરધામમાં જવાની હતી. તે મુજબ જ થયું. છેલ્લી બિમારીમાં જ્યારે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.સવિબેન હૉસ્પીટલમાં દર્શન દેવા જતાં ત્યારે કહે, આ દેહે મારાથી સેવા નથી થતી. તમને તકલીફ આપું છું. હવે હું ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં સુખે સુખે જઉં તેવી કૃપા કરો. અને એમને પૂ.ઈલેશભાઈના ભજનો સાંભળવા ખૂબ પ્રિય. એ ભજન રોજ ગાતા. એ ભજનમાં આવ્યું “જુદા નથી તું તે ઉપરવાળો” ત્યારે અંતિમ શ્વાસ છોડ્યો.
એવા ગૃહસ્થ સંત પૂ.અમૃતમાસીને આજે ગુણાતીત સમાજના દેશ–પરદેશના ભક્તોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તેઓના પુત્રોની ભાવના મુજબ ભવ્ય પાલખીમાં બિરાજમાન કરીને આજે વિદાય આપી હતી. તે પછી તા.૭/૧ થી ૯/૧ ત્રણ દિવસ જ્યોત મંદિરમાં સાંજે ૫ થી ૬.૩૦ બહેનોની સભામાં પારાયણ થયું હતું. જેમાં માસીના સંપર્કવાળા બહેનો પૂ.લત્તાબેન નકારજા, પૂ.શારદાબેન માવદિયા, પૂ.પ્રિયંકાબેને અનુભવદર્શન કરાવ્યું હતું. પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેન, પૂ.શોભનાબેન, પૂ.માયાબેને આશીર્વાદ સાથે સ્મૃતિ લાભ આપ્યો હતો.
તા.૧૭/૧ના પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં તેમની ત્રયોદશીની મહાપૂજા અને માહાત્મ્યગાનની ભવ્ય સભા થઈ હતી. જેમાં હરિધામના બહેનો અને અનુપમ મિશનના ભાઈઓ વગેરે તેમજ ગુણાતીત સમાજ લક્ષી આ મહાપૂજાની સભામાં પૂ.અમૃતમાસીના સાંનિધ્યે ભક્તોએ અમૃતપાન પીધા છે એવા પેરિસના પૂ.સુરેશભાઈ પટેલે ગુરૂહરિ પપ્પાજીના અનુભવની વાતો અને પૂ.અમૃતમાસીની સેવાની વાતો સહુ ભક્તોના વતી કરી હતી. અને હ્રદયથી ભાવાંજલી હાજર સર્વ મુક્તો વતી કરી હતી.
(૪) તા.૯/૧/૧૬ જ્યોત મંદિરમાં મહાપૂજા
પૂ.જયાબેન ગંડેશા (લંડન) આજે તેઓએ જ્યોતમાં શ્રી ઠાકોરજી–ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેનના દિવ્ય સાંનિધ્યે ખુશીથી મહાપૂજા કરાવી હતી. સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ માં જ્યોત મંદિરમાં મોટેરાં સ્વરૂપો અને બહેનોની હાજરીમાં પૂ.કલ્પુબેન દવેએ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. પૂ.જયાબેને લંડનમાં પ.પૂ.બેનના દર્શન કર્યા ત્યારથી પ.પૂ.બેનની ર્દષ્ટિ તેમના ભણી હતી. બહુ વર્ષે જ્યોતમાં આવ્યા. અહીં તેમને અંતરની અપાર શાંતિ લાગી. મહાપૂજામાં તેઓને ખૂબ શ્રધ્ધા. તેથી આજે મહાપૂજા કરાવી.
પૂ.જયાબેન સાંઈબાબાને માને ! અહીં આરતીમાં આવ્યા તો તેમને મંદિરમાં સાંઈબાબાના દર્શન થયા. અંતરમાં મનાઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન ગુરૂહરિ પપ્પાજી અને સાંઈબાબા એક જ છે. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે જે કોઈ ભક્ત સાચા દિલથી જ્યાં માને, જ્યાં ભજે તો ભગવાનની ફરજ છે કે તે જ્યાં પ્રગટ હોય ત્યાં તેને ઓળખાય. પૂ.જયાબેનનું એવું ભક્ત હ્રદય છે. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેનના ચરણોમાં પ્રાર્થના છે કે તેમને જેવું જીવન જીવવું છે તેવું થઈ જાય. તેઓની અભિપ્સા પૂર્ણ થાય.
(૫) તા.૧૨/૧/૧૬ પૂ.શાંતાબેન ભટ્ટી (નરોડા)ના ૭૫મા પ્રાગટ્યદિન નિમિત્તે તથા
જીવચર્યા નિમિત્તેની મહાપૂજા.
આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત મંદિરમાં નરોડા મંડળના ચૈતન્ય માધ્યમ પૂ.શાંતાબેન ભટ્ટીના ૭૫મા પ્રાગટ્યદિન નિમિત્તે જીવચર્યાના ભાગરૂપે જ્યોતમાં મહાપૂજા કરાવીને સંત બહેનોને જમાડવાની એક ભાવના હતી. તેમના પુત્ર પૂ.તપનભાઈ, પુત્રવધુ પૂ.તેજલભાભી, દીકરીઓ બધાનો માહાત્મ્યભર્યો પ્રેમભાવ છલકાતો હતો. મંડળના હરિભક્તોને પણ એવો ઉમંગ હતો. તેથી નરોડાથી બસ કરીને બધા મુક્તો વિદ્યાનગર મહાપૂજા કરાવવા આવ્યા હતાં.
પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવેએ ખૂબ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ Aના સાંનિધ્યે મહાપૂજા પુષ્પહાર અર્પણ વગેરે ભાવાર્પણ થયું. અને મહાપૂજા બાદ યાચના પ્રવચન અને આશીર્વાદની સભા થઈ.
પૂ.શાંતાબેન ભટ્ટીનું જીવન જ એક ચૈતન્ય માધ્યમ તરીકેનું આદર્શ ગૃહસ્થ સાધુ જેવું જ છે. માહાત્મ્યનો ભાવ તેમના મુખ પર હાસ્યરૂપે છલકાતો રહે છે. એકધારું વર્ષોથી આદર્શ ભક્ત તરીકેનું જીવન છે. પૂ.ભટ્ટી સાહેબ અને પૂ.શાંતાબેન જૂના જોગી છે. પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજી અને સંતોનું એ ઘર (મંદિર) રહ્યાં છે. ખૂબ સેવા બહેનોની કરી છે. કરાવી છે. પૂ.ભટ્ટી સાહેબ ગયા પછી બંનેનુ કાર્ય સત્સંગનું પૂ.શાંતાબેને ઉઠાવ્યું હતું. ગંગાના નીર જેવું ઊંડું છતાંય ધસમસતું અને ચોખ્ખું જીવન પૂ.શાંતાબેનનું છે. ઘરમાં રહે છે તોય ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનના થઈને જીવે છે. પ.પૂ.જ્યોતિબેનના ચરણે બધું કુરબાન કરી દીધું છે. આમ, પૂ.હંસાબેન ગુણાતીતે પૂ.શાંતાબેન ભટ્ટી વિષે ખૂબ જ સરસ વાતો કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/12-01-16 P.shantaben bhatti mahapooja/{/gallery}
પૂ.શાંતાબેને પણ વાત કરી કે પૂ.જ્યોતિબેનના વચને નરોડા રહેવા ગયા. સભા કરવાની ગુરૂહરિ પપ્પાજીની–પ.પૂ.જ્યોતિબેનની આજ્ઞા આવી. અમે બે જણ. સભા કોની કરીએ ? સભામાં શું કરીએ ? ગુરૂહરિ પપ્પાજી કહે કે સભામાં બધા ભગવાનોની જય બોલાવવાની. રામાયણ–મહાભારત જેવા પુસ્તકો પણ વાંચવાના. જેથી સમાસ થાય. એ પ્રમાણે સભા શરૂ થઈ. ગુરૂહરિ પપ્પાજી કહે ત્યાં નરોડામાં મુમુક્ષુઓના ટોળાં છે. આજે નરોડા મંડળ ગોકુળીયું સરસ મંડળ તૈયાર થયું છે. ગુરૂહરિ પપ્પાજીએ, પ.પૂ.જ્યોતિબેને ત્યાં પૂ.મંદાબેનને નરોડા જ્યોત શાખામાં મૂક્યા. જ્યોતનું મકાન પૂ.શારદાબેન ઠક્કરની અંતરની ઈચ્છા હતી તે મુજબ તેમના ઘરે જ્યોતની સ્થાપના થઈ. પૂ.મંદાબેન તે સેન્ટર પર હોય કે ના હોય. પણ પૂ.શાંતાબેન ત્યાં બેઠા બેઠા આખા મંડળનું જતન કરે છે. પૂનમ ભરવા હરિભક્તો મંદિરે આવે. પૂ.શાંતાબેન મહિમા ગાય, “ભગવાનને તમે કણ આપશો તો એ મણ આપશે.” આમ, સબીજ જ્ઞાનથી બધાને સમાસ થાય છે. પૂ.મંદાબેને પણ સરસ લાભ આપ્યો. “મોરના ઈંડાને ચિતરવા ના પડે” આખાય કુટુંબમાં જે સુખ, શાંતિ, આનંદની સમૃધ્ધિ છે તેનો યશ પૂ.શાંતાબેનને જાય છે. કુટુંબમાં અને દિકરીઓના જીવનમાં એક ગુરૂ તરીકેનું કામ પૂ.શાંતાબેને કર્યું છે.
ચિ. જ્યોતિ (દિકરી) દિકરીનું નામ ગુરૂની સ્મૃતિ સહ રાખ્યું છે. તે દિકરી પૂ.જ્યોતિ કહે, ઓહોહો ! આવી મમ્મી મને મળી. ખરેખર ખૂબ નસીબદાર છું એમના ખોળે જન્મ મળ્યો તો આવા પ્રત્યક્ષ ભગવાન અને સંતોનો સત્સંગનો જોગ મળ્યો. અમારું ઘર (સાસરીનું) પણ એવું મંદિર બની જાય.
આવી જ યાચના દીકરા પૂ.તપનભાઈએ, પુત્રવધૂ તેજલ ભાભીએ કરી હતી. યાચના પ્રવચનમાં ભક્તિ, સેવા, સ્મૃતિ અને સુહ્રદભજનનું ભજન કરવાનું માંગ્યું તથા નરોડા મંડળ તન, મન, ધન અને આત્માથી સુખી થાય એવી સુહ્રદભાવની પ્રાર્થના કરી હતી. (પણ પોતાના દેહ માટે કે સગા–વ્હાલા માટે કાંઈ જ માગણી કરી નહોતી.)
પ.પૂ.જ્યોતિબેને પૂ.શાંતાબેન માટે વાત કરતાં કરતાં નરોડા મંડળના પૂ.શારદાબેન ઠક્કરના જીવનની એક વાત કરી કે, પૂ.શારદાબેન ઠક્કર બહુ બિમાર હતા. હૉસ્પીટલમાં હતાં ત્યારે તેમના પતિ જયંતિભાઈને કહે કે, તમે આપણું ઘર જ્યોતને અર્પણ કરજો. અહીં જ્યોત બને તેવો મને કૉલ આપો તો મારો પ્રાણ સુખેથી જાય.
આવા ચૈતન્ય માધ્યમ ગૃહસ્થ સાધુ ગુરૂહરિ પપ્પાજીએ, પ.પૂ.જ્યોતિબેન અને સ્વરૂપોએ પકવ્યા. તેમના જીવનના દર્શન કરી શીશ નમી જાય એવી વાતો સાંભળી હતી.
(૬) તા.૧૩/૧/૧૬ બુધવાર સદ્દગુરૂ સ્વરૂપ પૂ.કુસુમબેન પટેલ અક્ષરધામ નિવાસી થયા.
આજે સવારે ૧૦.૩૦ વાગ્યે સદ્દગુરૂ સ્વરૂપ પૂ.કુસુમબેન પટેલ (ઉ.વ.૭૮) અક્ષરધામ નિવાસી થયા.
શાસ્ત્રીજી મહારાજનું પ્રસાદીનું એવું કુટુંબ પૂ.મણીકાકા પટેલ (આણંદ) તેમના ઘરે મહામુક્તો પાક્યા. તેવા શ્રી પૂ.મહંતસ્વામીના પૂર્વાશ્રમના બે બહેનો પૂ.કુસુમબેન અને પૂ.કાંતાબેન જે હાલ ગુણાતીત જ્યોતમાં છે. તે પૂ.કુસુમબેન કે જેમણે ભગવાન ભજવા જ જન્મ લીધો હતો. તે પૂ.કુસુમબેનની ભગવાન ભજવાની ઈચ્છા પૂરી કરવામાં પૂર્ણ મદદ કરી હોય તેવા તેમના ભાભી હતા પૂ.મણીબેન. તેઓ પણ હાલ જ્યોતમાં છે તેમના દીકરી પૂ.સુમાબેન પણ જ્યોતમાં છે. તેવા પૂર્વના મુક્તો–માંહ્યલા પૂ.કુસુમબેન આજ રોજ અક્ષરધામ નિવાસી થયા.પૂ.કુસુમબેનની તબિયત છેલ્લા થોડા મહિનાથી સારી નહોતી. રૂમમાં પડી ગયા. ફ્રેક્ચર થયેલું. ઑપરેશન સરસ થઈ ગયેલું. પણ તે પછી તેમને ડાયાબિટીસને કારણે તબિયતમાં અપ–ડાઉન રહ્યાં કરતું. અને ટૂંક સમય બિમારીમાં દેહાતીત રહ્યાં. અક્ષરધામરૂપ રહી સેવા આપી આજે સુખરૂપ ધામમાં ગયા. તેમની અંતિમ વિધિ આજે જ્યોત પ્રાંગણમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જશુબેન અને સર્વે સંત બહેનો–હરિભક્તોએ ખૂબ ભાવથી શ્રધ્ધાંજલી અર્પીને પુષ્પાર્પણ કરીને કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/13-01-16 P.kusumben akshardham gaman/{/gallery}
તા.૧૪, ૧૫ જાન્યુઆરી સાંજે જ્યોત મંદિરમાં પારાયણ કર્યું. તેમાં તથા ૧૬મીએ સવારે પપ્પાજી હૉલમાં મહાપૂજા કરીને પારાયણની પૂર્ણાહુતિ સંયુક્ત સભામાં કરી હતી. તેમાં જે જે સેવા કરનારા તથા સાથી મુક્તો, બહેનોએ પારાયણ વાંચી લાભ આપ્યો. તેનું શ્રવણ કરતા હૈયુ માહાત્મ્યથી દ્રવી જાય તેવું પૂ.કુસુમબેનનું આધ્યાત્મિક જીવન હતું. આ પૃથ્વી પરના અક્ષરધામરૂપ તુલ્ય શ્રી ગુણાતીત જ્યોતએ ગુરૂહરિ પપ્પાજીનું સર્જન છે. અહીં સાક્ષાત શ્રીજી મહારાજ, બ્ર.સ્વ.યોગીજી મહારાજ, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.બા દિવ્ય દેહે અખંડ બિરાજમાન છે. તેવી તેઓના કાર્યની સ્મૃતિ કરતા–શ્રવણ કરતા અનુભૂતિ થતી રહી હતી. પૂ.કુસુમબેન અખંડ ગુણાતીત ભાવમાં રહ્યાં છે. ગુરૂહરિ–ગુરૂને આગળ રાખી આંતરિક રાંકભાવે દાસના દાસ બની જીવ્યા છે. સંબંધમાં આવે તેને મહિમાગાઈને પ્રભુ આપ્યા છે. કદિ, કોઈનીય જોડે સરખામણી નથી કરી. માન, મોટપ કે પદની આશા રાખી નથી. સેવા કરનારને પૂરૂં ફળ મળે તેવી પ્રાર્થના કરી છે. ઓછું બોલવું અને નિર્દોષ બુધ્ધિથી જીવન જીવવું એવું જીવન જીવી સૌરભ પ્રસરાવી છે. ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર “Speak less work more” સૂત્રને જીવન બનાવી જાણ્યું છે. એવા પૂ.કુસુમબેનને કોટી વંદન છે.
પૂ.કુસુમબેનની અંતિમવિધિ બાદ પૂ.રેશ્માબેન યોગેશભાઈ વડવાળાએ પ.પૂ.દીદીને વાત કરી કે, તા.૧૬મી એ પૂ.કુસુમબેનની મહાપૂજા છે તો તે દિવસની રસોઈ અમારી રાખજો. કારણ પૂ.કુસુમબેન કહી ગયા છે કે હું જાઉં પછી બહેનોને શ્રીખંડ જમાડજે. આ સાંભળી ગર્વ ગળી જાય તેવું તેમનું છૂપું જીવન છે. પોતાના સંબંધવાળા પાસે માહાત્મ્યયુક્ત સેવા કરાવડાવી બળ પમાડે. પ્રભુના ચરણે તે સેવા અર્પણ કરે તેવું સાધુનું જીવન હતું. આવા પૂ.કુસુમબેનના ચરણે કોટી કોટી વંદન સહ શ્રધ્ધાંજલી અર્પણ કરીએ છીએ. ગુરૂહરિ પપ્પાજીના આ શતાબ્દી વર્ષ ૨૦૧૬ના પ્રારંભે આપે અમને ગુણાતીત વર્તન કરવાનું દર્શન કરવાની પ્રેરણા આપી છે. આપ જ્યાં હો ત્યાં ગુણાતીત ભાવ પ્રગટતો રહે. જ્યોત યાવત–ચંદ્ર દિવા કરૌ રહે. ગુરૂહરિ પપ્પાજીના સંકલ્પ મુજબ પ્રગટતી રહે. એ જ જ્યોત ભૂલકાંઓની પ્રાર્થના સ્વીકારી ધન્ય કરશો. ભૂલચૂક ક્ષમા કરશો.
(૭) તા.૧૪/૧/૧૬ ગુરૂવાર ઉત્તરાયણ મકરસંક્રાંતિ
ઉત્તરાયણ નિમિત્તેની બહેનોની સભા જ્યોત મંદિરમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ રાખી હતી. તેમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીની આ પર્વની સ્મૃતિ સાથેની જ્ઞાન ગોષ્ટી હતી. જે અહીં આપણે પણ વાંચીએ અને એ રીતે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરીએ.
ગુરૂહરિ પપ્પાજી હંમેશા મકરસંક્રાંતિ પર્વને એટલે કે ઉત્તરાયણને “મહાપુણ્ય પર્વણી” તરીકે ઉચ્ચારતા. અને આશ્રિત ભક્તો પાસે ઝોળી માગતા.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/14-01-16 utrayan sabha jyot mandir/{/gallery}
ગુરૂહરિ પપ્પાજીને આપણી પાસેથી ઝોળીમાં શું જોઈએ છે ? આપણને નડતા દોષ અહં ના ભાવો જોઈએ છે. આજની સ્વરૂપોની કથાવાર્તામાં એ જ હતું તે જોઈએ.
પ.પૂ.જ્યોતિબેને તારદેવ–મુંબઈની એક સ્મૃતિ પ.પૂ.કાકાજી–પ.પૂ.પપ્પાજીની કહી. એક વખત મુંબઈમાં જોગી મહારાજના સાંનિધ્યે મોરારકાના બંગલે સભા ચાલતી હતી. પ.પૂ.કાકાજી પ્રવચન કરવા ઊભા થયા. તેમને માઈક આપ્યું અને તરત જ બીજા એક ભાઈએ પ.પૂ.કાકાજી પાસેથી માઈક ખેંચી લીધું અને પ્રવચન કરવાની ના કહી દીધી. પ.પૂ.કાકાજી તો યોગીજી મહારાજનો મહિમા જ ગાવાના હતા. સભામાં પાછળ પ.પૂ.પપ્પાજી સાથે પૂ.પોપટભાઈ, પૂ.ચંદ્રકાંતભાઈ જેવા કેટલાક આપણા હરિભક્તો બેઠા હતા. તેમનાથી આ પ.પૂ.કાકાજીનું અપમાન થયું એટલે સહન ના થયુ. એટલે પ.પૂ.પપ્પાજીને કહે, અમે આમને બરાબર ખખડાવીએ ને સીધા કરી દઈએ ?
પ.પૂ.પપ્પાજી કહે, ‘ના’ ,આપણે એવું નથી કરવું. ખમે, નમે તે નારાયણને ગમે. બાપા આપણા સારા માટે જ કરી રહ્યા છે. આ રીતે આપણે કર્તાહર્તાપણું ગુરૂહરિ પપ્પાજીનું માનીએ. જે નથી માનવા દેતું તે આપણો સ્વ છે તે આજે ઝોળીમાં આપીએ. આપણે બુધ્ધિ ચલાવ્યા વગર જેમ ગુરૂ કહે તેમ કરી લઈએ. આપણે પોતાના ના રહીએ. આપણી ખતરનાક બુધ્ધિને આજે ઝોળીમાં નાખવાની છે. ઘરે ઘરે ભીક્ષા માંગવા નથી જવાનું. “નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, તારા ચરણોમાં મારું બધું.” આપણું સ્વ એમના ચરણોમાં મૂકવાનું છે. વરાળ બનવું છે. જેનો કોઈ આકાર ના હોય એવા ઝીરો બની જઈએ. ગુરૂહરિ પપ્પાજીને ગૃહી–ત્યાગી બધા પાસે આ કરાવવું છે. પેલું ભજન ગાવ, “મારી આતમ જ્યોત જગાવ, સ્વીકારી દેહભાવનું દાન..”
પ.પૂ.જશુબેન, પ.પૂ.દીદીએ તેમની જ્ઞાનવાર્તામાં એ જ કહ્યું. આજે દાનદક્ષિણામાં ગુરૂઓને શું આપીશું ? તો સ્વામીની પ્રકરણ ૫માની વાત છે. “ભગવાન મળ્યા પછી સંગ ઓળખવો. જાણપણારૂપ દરવાજે રહેવું અને હઠ, માન ને ઈર્ષા મૂકવા. એ આપ્ણે આજે ઝોળીમાં આપી દેવુ છે આપણું ‘સ્વ’.
સિધ્ધાંત પાળ્યા વગર પ્રાપ્તિ નથી. સિધ્ધાંત શું તો ગુરૂહરિ પપ્પાજીએ આપેલું પંચામૃત અને ગુણાતીત જ્ઞાનનું નવનીત તેનું નિરંતર અનુસંધાન રાખીએ. આજે પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેને નાની નાની વાર્તા સાથે ઉપર મુજબનો બોધ આપી ઉત્તરાયણના આશીર્વાદ આપ્યા હતાં. અંતરમાં ખૂબ આનંદ આવ્યો હતો. આપ સહુને યાદ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી માણી હતી.
દર વર્ષે ઉત્તરાયણ પર્વે આનંદબ્રહ્મનો રમત ગમતનો કાર્યક્ર્મ હોય છે. આ વર્ષે ભજન–ભક્તિ–ગોષ્ટિથી બ્રહ્માનંદ માણવાની પ્રભુની મરજી મુજબ એ રીતે ઉત્તરાયણની ઉજવણી આપ સહુને યાદ કરીને કરી હતી.
¯અક્ષ૨ધામગમન
(૧) વિદ્યાનગરના નિષ્ઠાવાન ભક્ત પૂ.પુષ્પાબેન વી. પટેલ તા.૧૮/૧૨/૧૫ના અક્ષર નિવાસી થયા
{gallery}images_in_articles//newsletter/2016/Jan/18-12-16 p.pushpaben patel akshardham gaman/{/gallery}
પૂ.પુષ્પાબેન પૂર્વના મુમુક્ષુ આત્મા શ્રીજીના સંબંધવાળા તો આ બલિષ્ઠ ચૈતન્યને નાનપણથી જ સેવાની જવાબદારી પ્રભુએ આપી. ને સમય થતાં આપણા અનુપમ મિશનના વરિષ્ઠ સંત પૂ.વિઠ્ઠલભાઈના ધર્મપત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ને ત્યારથી પતિની મરજી મુજબ અપેક્ષારહિત રહીને સાંસારિક જીવનમાં સૌની સેવા કરી વડીલોની હાશ મેળવી. જ્યાં સમય પાક્યો ત્યાં વિદ્યાનગર ધામે પ.પૂ.સાહેબજી અને પૂ.વી.એસ.ની આજ્ઞાથી પ.પૂ.દાદુકાકા અને મુક્તોની ભાવે સહિત રસોઈ બનાવી જમાડવાની સેવા કરી અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સોનાબાની તેમના તરફ સતત અમીર્દષ્ટિ રહેતી. ગુરૂપદે પ.પૂ.જ્યોતિબેનને સ્વીકાર્યા. ર્દઢ સ્વરૂપનિષ્ઠા, માહાત્મ્યેયુક્ત સેવા અને ભજનથી સૌ સ્વરૂપોને રાજી કર્યા. જીવન પ્રભુપરાયણ હતું. વિશેષ તો તેમના પતિશ્રી સાધુ સ્વરૂપ કર્મયોગીને ભક્તિમાર્ગમાં અત્યંત પ્રેમથી સાથ સહકાર આપી ભક્તિ અદા કરી. સેવાને જ પરમપદ માન્યું. ને તેમના જીવનની સૌરભ જે જે સંબંધમાં આવ્યા તેમને સ્પર્શી. તેમની વહાલસોયી એકની એક દીકરી પૂ.સરોજબેનને ગુરૂહરિ પપ્પાજી ને પ.પૂ.દીદીની નિશ્રામાં ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા મોકલી. બંને પુત્રો–પુત્રવધુઓ પૂ.રાજુભાઈ, પૂ.પૂર્વાભાભી, ચિ.વત્સ, ચિ.સીયા અને પૂ.દિવ્યેશભાઈ, પૂ.અમીભાભી પણ આજે સત્સંગપ્રધાન જીવી પૂ.વી.એસ. અને પૂ.પુષ્પાબેનનો વારસો સાચવી રહ્યા છે. પ.પૂ.સાહેબજી, પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીનો ખૂબ રાજીપો અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આ બધો જ પ્રતાપ આદર્શ ગૃહસ્થ સંતસ્વરૂપ પૂ.વી.એસ. અને પૂ.પુષ્પાબેનનો છે. તેઓને કોટિ કોટિ વંદન.
(૨) વડોદરાના ગુણાતીત સૌરભના વ્રતધારી ભક્તરાજ પૂ.શામજીભાઈ પટેલ
તા.૧૧/૧/૧૬ના અક્ષર નિવાસી થયા છે.
વર્ષોથી ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા વિશે પ્રત્યક્ષભાવની નિષ્ઠાથી માહાત્મ્યેયુક્ત સેવા ને મંત્રરટણથી નિર્દૉષબુધ્ધિ રાખી જીવ્યા. મંત્રલેખન ને મંત્ર રટણથી મન પ્રભુમાં રાખ્યું. પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.જ્યોતિબેનની પ્રસન્નતા પામ્યા. પ.પૂ.બા એમને શાંતિભાઈ કહેતાં. પૂજા કરીને આરતી કરતાં કરતાં સ્વામિશ્રીજી ને ગુરૂહરિ પપ્પાજીની સમીપે પહોંચી ગયા. ચૈતન્ય માધ્યમ પૂ.મંજુબેન તો જ્યોતના સાધક બેનની જેમ જ માહાત્મ્યેયુક્ત સેવામાં સહભાગી છે. બંને પુત્રો પૂ.દિવ્યેશભાઈ, પૂ.પ્રવીણાભાભી, પૂ.ભાવેશભાઈ, પૂ.દીપાભાભી તથા બાળકો નિષ્ઠા ને સેવાભાવથી વર્તી રહ્યાં છે. જ્યોતમાંથી આશરે ૫૧ બહેનો વડોદરા તેમના નિવાસસ્થાને મહાપૂજા કરવા ગયા હતાં. પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. કુટુંબીજનોને ખૂબ ખૂબ બળ મળે એ જ સ્વામીશ્રીજી અને ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.
(૩) બોરડીટીંબાના પૂ.નર્મદાબેન સવજીભાઈ પટેલ તા.૧૧/૧/૧૬ના અક્ષર નિવાસી થયાં
આત્મબુધ્ધિ ને પ્રીતિથી ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેન સાથે જોડાયાં ને ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીના પ્રત્યક્ષપણાના અનુભવને પામ્યાં. સમગ્ર પરિવારમાં સત્સંગનો વારસો આપ્યો ને પૂ.સવિતાબેન(સબોબેન), પૂ.પુષ્પાબેન, પૂ.અરૂણાબેનને ગુણાતીત જ્યોત સાધના મંદિરમાં પ્રભુપંથે ચાલવામાં અનેરો સાથ આપી પ્રભુની પ્રસન્નતાના પાત્ર બન્યાં. છેલ્લા વર્ષોમાં પ્રભુસ્મૃતિ અને પ્રભુસ્મરણનો સાથ રાખી પોતાની પળો ભક્તિમય પસાર કરતાં. તેમની શાંત પ્રશાંત સમતાવાળી પ્રકૃતિના દર્શન અંતિમ સમયે પણ તેમના મુખ ઉપર હતાં. એવી ચૈતન્યજનનીને કોટિ કોટિ વંદન. જ્યોતમાંથી ૫૧ બહેનો તેમના નિવાસસ્થાન અમદાવાદ મહાપૂજા કરવા માટે ગયા હતાં. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન, પૂ.મધુબેન સી., પૂ.માયાબેન અને અન્ય સ્વરૂપો પણ આ મહાપૂજામાં પધાર્યા હતાં. પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/11-01-16 P.Narmadaben akshardham gaman/{/gallery}
આખું પખવાડીયું ભજન, ધૂન્ય અને સ્મરણ સભાઓ દ્વારા ભક્તોના ગુણગાન સાંભળ્યા હતા. અંતરમાં ખૂબ આનંદ આવ્યો હતો. આપ સહુને અમ સહુના નવા વર્ષના તથા ઉત્તરાયણ મહાપુણ્ય પર્વણી પર્વના પપ્પાજી શતાબ્દી વર્ષે જય સ્વામિનારાયણ જય પપ્પાજી વાંચશો.
અત્રે સહુ સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !