01 to 15 Jan 2020 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

નવા વર્ષના આપ સર્વને ખૂબ ખૂબ અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

નવું વર્ષ ૨૦૨૦ની સાલમાં પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ. 

 

ગુરૂહરિ પપ્પાજી કહેતા, આપણે તો રોજ નવું વર્ષ…

 

પ.પૂ.દીદીએ કહ્યું, આનંદ કરો. પ્રભુ આપણી wish પૂરી કરે છે. આ ૨૦૨૦નું વર્ષ એટલે આપણે પ્રભુની wish પૂરી કરીએ.

કેવળ બ્રહ્મનો આનંદ કર્યા જ કરવાનો. ઓહોહો ! આ પ્રાપ્તિ થઈ ! મને મળ્યા છે તે પૂર્ણ છે ને પૂર્ણ કરીને જ મૂકશે, આ માન્યતા તૂટે ત્યાં બ્રહ્મનો આનંદ જાય પણ એમાંથી બહાર આવી જવા જે થાય તે હાં હાં ગડથલ કર્યા કરો, જાગ્રત રહો, પ્રભુ સાથે છે જ ને રહેશે જ. પણ…

આજ પ્રાર્થના કરીએ ને કાલે ફરી નવ જઈએ. આવી પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ.

તો ચાલો ૨૦૨૦ની સાલના જાન્યુઆરી મહિનાના આ પ્રથમ પખવાડીયામાં ગુણાતીત સમાજ તથા ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ કરી ધન્ય થઈએ. 

 

(૧) તા.૧/૧/૨૦૨૦

 

આજે ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર નહોતા પધાર્યા. પણ ૨૯ ડીસેમ્બરે ગયા હતા અને ગુરૂહરિના ચરણે પ્રાર્થના પુષ્પો ધરી ધૂન, પ્રદક્ષિણા કરી હતી. 

 

આજે નવા વર્ષની પ્રથમ કીર્તન આરાધના ખૂબ દિવ્ય રીતે કરી હતી. પપ્પાજી ગૃપના પૂ.ધવલભાઈ, પૂ.કિશનભાઈ, પૂ.રંગતભાઈ અને પૂ.તેજસભાઈએ સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને નવા વર્ષના સ્વાગત રૂપે કલગી અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. આજની આ કીર્તન આરાધનામાં મોટા ભાગે પ્રાર્થનાનાં ભજનો ગવાયાં હતાં. પહેલાં ‘પરમ સૂર વંદ’ નાં બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં લીન કર્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દીદીએ પણ નવા વર્ષના આશીર્વાદ આપ્યા હતા. અંતમાં પૂ.ઈલેશભાઈએ બે મિનિટ સુહ્રદભાવની ધૂન કરાવી આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2020/Jan/01-01-20 KIRTAN AARDHNA{/gallery}

 

(૨) તા.૨/૧/૨૦૨૦

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉદ્દઘોષિત મહાગ્રંથ વચનામૃત દ્વિશતાબ્દી ઉપક્રમે તથા પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ૮૫મા પ્રાગટ્ય પર્વ જેને ‘આત્મીય યુવા મહોત્સવ’ તરીકે જાહેર કરીને હરિધામ યોગી ડિવાઈન સોસાયટી દ્વારા તા.૨ થી ૫ જાન્યુઆરી, 

વડોદરા મુકામે ઉજવાયો.

 

તા.૨જી જાન્યુઆરી ૨૦૨૦ના સાંજે ૫.૦૦ વાગ્યે આ મહોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં ગુણાતીત સમાજના સર્વ સ્વરૂપો, વડીલ સંતો, મુક્તો અને સામાજીક, ધાર્મિક અને રાજકીય પક્ષે પણ પ્રતિષ્ઠિતો હાજર રહ્યા હતા. ખૂબ ભવ્યતાથી આ મહોત્સવ ખુલ્લો મૂકાયો હતો.

ઉદ્દઘાટન બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી નીલકંઠવર્ણી રૂપે જે વન વિચરણ કર્યું. તેમની કિશોર અવસ્થાએ પ્રતિકૂળ સંજોગોમાં જુવાનીને કેવી રીતે જીતવી તથા તે જ આધ્યાત્મિક વારસો અને સત્સંગનો વારસો, સંસ્કારનો વારસો, ગુણાતીતાનંદ સ્વામીથી લઈને અત્યારનાં પ્રગટ બ્રહ્મસ્વરૂપો યુવાનોને કેવી રીતે સત્સંગ અને સંસ્કારના માર્ગે વાળે છે. તેવો અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંત પરમ હિતકારી’ રજૂ થયો. 

 

વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાંથી પ.પૂ.દીદી અને બહેનો આ સભામાં પધાર્યાં હતાં. અને વારાફરતી બહેનો તથા પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ પણ આ બધા દિવસોમાં મહોત્સવમાં હાજર રહ્યા હતા. બાકીના બહેનોએ જ્યોતમાં દરરોજ સ્ક્રીન પર લાઈવ પ્રસારણથી સમૈયો માણ્યો હતો.  

 

(૩) તા.૫/૧/૨૦૨૦

 

આજ રોજ જ્યોત પ્રાંગણમાં અણધાર્યો કાર્યક્ર્મ વગરનો કાર્યક્ર્મ યોજાયો હતો. તે દિવ્ય આનંદની સ્મૃતિને માણીએ.

આપણે સહુ જાણીએ છીએ તેમ આ ૨૦૨૦ના પ્રથમ પખવાડીયામાં ગુણાતીત સમાજલક્ષી બે મોટા સમૈયા હતા. તા.૨ થી ૫ જાન્યુઆરી હરિધામ (વડોદરા) આત્મીય યુવા મહોત્સવ અને તા.૭ થી ૧૦ જાન્યુઆરી બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવ તેમજ પ.પૂ.સાહેબદાદાનો ૮૦મો પ્રાગટ્યદિન.

 

આ બંને ઉત્સવે દિલ્હીથી પ.પૂ.ગુરૂજી અને સંતો, હરિભક્તો તથા પ.પૂ.આનંદીદીદી અને બહેનો તેમજ ભક્તો બંને સમૈયો કરવા ગુજરાત પધાર્યા હતા. તે તકનો લાભ લઈને પ.પૂ.હંસાદીદીએ જ્યોતમાં પધારવા આમંત્રણ આપેલું. પવઈથી પૂ.ભરતભાઈ અને ભાઈઓ તેમજ પૂ.માધુરીબેન અને બહેનો પણ પધાર્યાં હતાં. બહેનોનો ઉતારો જ્યોતમાં અને ભાઈઓનો ઉતારો પરમ પ્રકાશમાં ગોઠવાયેલો હતો.

તા.૫/૧ના રોજ સાંજે હરિધામથી નીકળી દિલ્હી અને પવઈના મુક્તો વિદ્યાનગર પધાર્યા. પહેલાં પ.પૂ.આનંદીદીદી, પૂ.માધુરીબેન અને બહેનો-ભક્તો પધાર્યા. પ.પૂ.દીદી રાહ જોઈને પ્રભુકૃપાના પ્રાંગણમાં જ ઉભાં હતાં. પ.પૂ.દીદી સાથે આનંદીદીદી અને ભક્તો પ્રભુકૃપામાં દર્શનાર્થે પધાર્યા. પપ્પાજી હૉલમાં એક નાની મિલનસભા સંયુક્ત સભા રાખી હતી. તેમાં પધાર્યા. ઈ.સ.૨૦૨૦ના નવા વર્ષેની આ સભામાં નવા વર્ષ જેટલો જ મિલનનો આનંદ હતો.

 

સ્ટેજ પર શ્રી ઠાકોરજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજીની આસપાસ પ.પૂ.હંસાદીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.આનંદીદીદી, પ.પૂ.માધુરીબેન તથા ભાઈઓમાં પ.પૂ.ભરતભાઈ, પ.પૂ.વિરેનભાઈ, પૂ.નરસીફુવા બિરાજમાન થયા હતા. સહુ પધારેલ મુક્તો તથા સ્વરૂપોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું. જોગાનુજોગ પ.પૂ.આનંદીદીદી નો પ્રાગટ્યદિન નજીકમાં (તા.૧૨/૧/૨૦૨૦) ના રોજ આવી રહ્યો હોવાથી પ.પૂ.આનંદીદીદીને સ્પેશ્યલ હાર અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા. પ.પૂ.દીદીએ પણ રૂડા આશીર્વાદ સ્મૃતિ-ગોષ્ટી સાથે આપ્યા. નાની આનંદ સભા બાદ બહેન હરિભક્તોએ પપ્પાજી હૉલમાં મહાપ્રસાદ લીધો.

બીજી બાજુ પ.પૂ.ગુરૂજી અને પધારેલ સંતો તથા અત્રેના સંતો પ.પૂ.વિજ્ઞાન સ્વામીજી, પ.પૂ.આચાર્ય સ્વામીજી, પ.પૂ.ધરમ સ્વામીજી પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજી સમક્ષ બિરાજી ભજન-ગોષ્ટીનો લાભ લીધો. ત્યારબાદ પરમ કુટિરમાં સંતોએ અને પરમ પ્રકાશમાં સર્વે ભાઈઑએ મહાપ્રસાદ લીધો હતો. સમય પણ જાણે થંભી ગયો. આનંદ આનંદનાં મોજાં ફરી વળ્યાં. ૪ દિવસના સમૈયાનો થાક હોવાથી જલ્દી જલ્દી ઉતારે પધાર્યા. 

 

{gallery}images_in_articles//newsletter/2020/Jan/05-01-20 P.P.ANANDIDIDI MANDAL AND POWAI MANDAL MILAN SABHA{/gallery}

 

(૪) તા.૭/૧/૨૦૨૦

 

શ્રી અક્ષર-પુરૂષોત્તમ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં, ગુરૂવર્ય પ.પૂ.સાહેબદાદાના ૮૦મા પ્રાગટ્યપર્વની ઉજવણી તારીખ ૭ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ બ્રહ્મજ્યોતિ, અનુપમ મિશન, મોગરી ખાતે કરવામાં આવી હતી. 

 

તા.૭મીએ બ્ર.સ્વ.કાકાજી મહારાજના શાશ્વત સ્મૃતિ દિનથી આ મહોત્સવનો બપોરે ૩.૦૦ વાગ્યાથી પ્રારંભ થયો હતો. 

મહોત્સવના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન પ.પૂ.સાહેબદાદા અને પ.પૂ.ગુરૂજી(દિલ્હી) તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. 

શ્રીજીમહારાજનું પ્રાગટ્યસ્થાન છપૈયા તીર્થ તથા યોગીજી મહારાજનું પ્રાગટ્યસ્થાન ધારી તીર્થધામની પ્રતિકૃતિનું પણ લોકાર્પણ થયું હતું. 

બ્રહ્મસ્વરૂપ કાકાજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ.પૂ.સોનાબાની બ્રહ્મસમાધિનું નવિનીકરણ કરાયું હતું. જ્યાં પ.પૂ.સોનાબા અને પ.પૂ.કાકાજી મહારાજની આરસની મૂર્તિ પધરાવાઈ હતી. તેનું ઉદ્દઘાટન પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.પ્રેમબેન (હરિધામ), પ.પૂ.આનંદીદીદી (દિલ્હી) અને પ.પૂ.માધુરીબેન (પવઈ) ના વરદ્દ હસ્તે કરાયું હતું. આ સર્વે સ્વરૂપોએ બંને સમાધિ સ્થાને પૂજન અને આરતી કર્યાં હતાં.

 

{gallery}images_in_articles/newsletter/2020/Jan/07-01-20 AKSHARPURSHOTAM MURTI MAHATSAV{/gallery}

 

સાંજે ૬.૩૦ વાગ્યે વિવિધ મંડળોના ૨૩૫ જેટલાં બહેનોએ ‘નવધા ભક્તિ’ સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ કર્યો. આ કાર્યક્રમ નિહાળતાં દરેક વ્યક્તિને એવો સંદેશ મળ્યો કે, મંદિરને વિષે બિરાજમાન શ્રી ઠાકોરજી મહારાજ અને પ્રગટ, પ્રત્યક્ષ સ્વરૂપોને રાજી કરવા જે ‘નવધા ભક્તિ’ શાસ્ત્રમાં લખી છે તે આજે સાંપ્રત સમયમાં કળિયુગમાં કેવી રીતે કરવી ? તથા પ્રત્યક્ષ ગુરૂહરિ સ્વરૂપો અને તેમના સંબંધવાળામાં નવધા ભક્તિનું આલોચન રાખવું કે આદર્શ રાખવો તેવો વિશેષ સંદેશ આ કાર્યક્રમ દ્વારા સૌને મળ્યો હતો. 

 

તા.૯મી જાન્યુઆરીના રોજ મંગલ પ્રભાતે સવારે ૬.૩૦ વાગ્યે પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપોના દિવ્ય સાંનિધ્યમાં ૧૨૦૦ યુગલ જોડી ભક્તજનોએ આ મહાયજ્ઞમાં બેસવાનો મહામૂલો લાભ લીધો હતો.

 

{gallery}images_in_articles/newsletter/2020/Jan/09-01-20 SHOBHA YATRA P.P.SAHEBDADA DARSHAN PK{/gallery}

 

તા.૧૦મી જાન્યુઆરી પોષી પૂનમના શુભ દિને બ્રહ્મ જ્યોતિ સ્થિત નૂતન મંદિરમાં શ્રી ઠાકોરજી મહારાજ બિરાજમાન થવાના છે. તેની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૯મીએ બપોરે ત્રણ વાગ્યે તેમની ભવ્ય શોભાયાત્રા, નગરચર્યા વિદ્યાનગરથી બ્રહ્મજ્યોતિ સુધી નીકળી હતી. 

શ્રી ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્ર અને ગુણાતીત પ્રકાશના વ્રતધારી ભાઈઓ દ્વારા શોભાયાત્રાના દરેક સભ્યોને કોલ્ડ્રીંક્સ અપાયું હતું. શ્રી ઠાકોરજી મહારાજનાં પુષ્પવધામણાં કર્યાં હતાં. પ.પૂ.સાહેબદાદાને પુષ્પમાળાનો ભવ્ય હાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ.પૂ.સાહેબદાદા પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજી મહારાજનાં દર્શન અને આશીર્વાદ લેવા પધાર્યા હતાં. સદ્દગુરૂ સ્વરૂપોએ પણ સાહેબદાદાનાં વધામણાં કર્યા હતાં શુભાશિષ અને શુભેચ્છા પાઠવ્યાં હતા. જ્યોતમાંથી જે બહેનો બ્રહ્મજ્યોતિ આવી શક્યા ન હતા તે બહેનોએ લાઈવ પ્રસારણથી મહોત્સવને માણ્યો હતો.

 

{gallery}images_in_articles/newsletter/2020/Jan/10-01-2020 P.P.SAHEBDADA 80TH BIRTHDAY CELEBRATION SABHA{/gallery}

 

(૫) તા.૧૨/૧/૨૦૨૦

 

પ.પૂ.તારાબેનનો ૯૦મો પ્રાગટ્યદિન ‘દિવ્યતા પર્વ’ તરીકે આપણે ૮-૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ ઉજવવાના છીએ. તે પહેલાં જ્યોતનાં બહેનોએ તા.૧૨,૧૩ અને ૧૪ પ્રતીક સભા કરી ‘દિવ્યતા પર્વ’ની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરી હતી તેની વિગતે છતાં ટૂંકમાં સ્મૃતિ માણીએ.

ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.તારાબેનને કહ્યું હતું કે, તારા ! હું એક આશ્રમ ખોલીશ અને તને તેની ગૃહમાતા બનાવીશ. એ સ્મૃતિ સાથે બિલ્ડીંગ વાઈઝ ઉજવણી કરવાનું આયોજન રાખ્યું હતું. જ્યોતમાં કુલ ૭ બિલ્ડીંગ છે. પુનિત, પ્રભાત, પરિતોષ, પમરાટ, આતમ, નવી જ્યોત, જૂની જ્યોત. એટલે દરેક બિલ્ડીંગના મુક્તોએ ભેગા મળીને જુદી જુદી રીતે આયોજન કર્યું હતુ. દરેક બિલ્ડીંગના મુક્તોને ૪૫ મિનિટનો સમય આપ્યો હતો. આ સમય મર્યાદામાં તેમણે પોતાનો ભાવ રજૂ કરવાનો હતો. 

 

{gallery}images_in_articles//newsletter/2020/Jan/12-01-20 P.P.TARABEN DIBYATA PARVA PRATIK SABHA-1{/gallery}

 

તા.૧૨મીએ સવારની સભામાં સ્વાગતયાત્રા કરી હતી. દરેક બિલ્ડીંગના મુક્તોએ પોતાનો ભાવ એટલે કે કાર્ડ, હાર, ભેટ વગેરે એક મોટા કવરમાં મૂકીને લઈ આવવાનાં હતાં. અને જ્યારે અર્પણ કરવાનું થાય ત્યારે કવરમાંથી કાઢીને અર્પણ કરવાનું. કવરની સ્મૃતિ એવી છે કે ગુરૂહરિ પપ્પાજી જ્યારે આફ્રિકા જતા હતા ત્યારે પ.પૂ.સોનાબાએ પ.પૂ.તારાબેન પાસે શ્રીફળ અપાવ્યું અને ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.તારાબેનને ૧૧ રૂ. કવરમાં મૂકીને આપ્યા હતા, એ સ્મૃતિ સાથે કવર રાખ્યું હતું. 

 

સ્વાગતયાત્રામાં દરેક બિલ્ડીંગના બે મુક્તો જોડાયા હતા. એક બહેને હાથમાં કવર લીધું હતું. અને બીજા બહેને ૯૦ દિવ્યતાપર્વ લખેલું, બિલ્ડીંગનું નામ લખેલું અને ગૃહમાતા એટલે ગુણાતીત જ્યોતનો સિમ્બોલ મૂકેલો હતો એવું બોર્ડ લીધું હતું. સ્વાગતયાત્રા કરી ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપો સમક્ષ ટેબલ પર આ બંને વસ્તુ મૂકી હતી.

 

સહુ પ્રથમ પુનિતના મુક્તોએ સ્વાગતભાવ ધર્યો હતો. સ્વાગતમાં મોમ્બાસામાં છે એવો ગેટ બનાવ્યો હતો. પ.પૂ.તારાબેનને પહેલેથી એવું હતું કે મારે લગ્ન નથી કરવાં, ભગવાન ભજવા છે. એ આત્માની તાલાવેલી ગુરૂહરિ પપ્પાજીએ સાંભળી. પૂ.દિવાળીબાને ભેંસે શીંગડું માર્યું તે નિમિત્ત ઉભું કરી ગુરૂહરિ પપ્પાજી આફ્રિકાથી મુંબઈ પધાર્યા. તેના પ્રતીક રૂપે મોમ્બાસામાં પ્રચલિત એક ગેટ છે. તે દર્શાવ્યો હતો. પૂ.વનીબેન ચપલાએ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો. એક વખત ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું હતું કે ‘તારા ફર્સ્ટ સેમ્પલ અને પિન્કી લાસ્ટ સેમ્પલ’ એ સ્મૃતિ સાથે પૂ.પિન્કીબેન પંડ્યાએ પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો. પૂ.મયૂરીબેન રચિત ભજન દ્વારા સ્વાગત પ્રાર્થના ભાવ નૃત્ય દ્વારા પૂ.ઋજુબેન ભરૂચીએ ધર્યો હતો. પુનિતના મુક્તોએ વારાફરતી પ.પૂ.તારાબેનના અનુભવ દર્શન અને સ્મૃતિગાનમાં લાભ આપ્યો હતો. અંતમાં પ.પૂ.પદુબેનના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

¯ સાંજે ૫.૦૦ થી ૭.૦૦ની સભામાં પ્રભાત અને પમરાટ બિલ્ડીંગના મુક્તોએ પ્રતીક સભામાં ભાવાર્પણ કર્યું હતું.

સહુ પ્રથમ પ્રભાતના મુક્તોએ પરેડ કરી કૂચ દ્વારા ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.તારાબેનની મૂર્તિ લઈને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ.પૂ.તારાબેનના જીવનના ગુણો મૈત્રીભાવ, સાધુતા, નિઃસ્વાદી, નિર્લોભી, નિયમિતતા જેવા ગુણોનું દર્શન એડવર્ટાઈઝ (જાહેરાત) દ્વારા અભિનય રૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યા હતા. 

 

પ.પૂ.તારાબેનનો કેન્દ્ર નંબર ૮ છે. એટલે આઠ કેક ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોના ચરણે ધરી હતી. ગુરૂ સ્વરૂપોને કલગી અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પૂ.ભાવનાબેન મહેતા રચિત નવું ભજન ગવાયું હતું. પૂ.લત્તાબેન પટેલે માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો હતો. 

પમરાટ બિલ્ડીંગના મુક્તો વતી સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ પૂ.લાભુબેન પટેલે કર્યો હતો. 

 

પ.પૂ.તારાબેનને કવરનો હાર પૂ.પૂર્વીબેન પટેલ અને પૂ.અદિતીબેને પહેરાવ્યો હતો. આ કવરમાં પમરાટમાં નિવાસ કરતા બધા જ મુક્તોએ પ્રાર્થના લખીને મૂકી હતી. અને તેનો હાર બનાવ્યો હતો. પૂ.ભારતીબેન દવેએ પ.પૂ.તારાબેનને કલગી અર્પણ કરી હતી. પૂ.હીતાબેન પનારાએ કાર્ડ અર્પણ કર્યું હતું. આ કાર્ડમાં પ્રાર્થના લખી હતી તેમાં પૂ.તારાબેને પ્રથમ વખત ગુરૂહરિ પપ્પાજીને પત્ર લખ્યો તેનું ભજન પૂ.સ્મૃતિબેન દવેએ બનાવ્યું અને તે પ્રાર્થનારૂપે કાર્ડમાં લખી હતી. તે પૂ.નેહલબેન દવેએ ગાઈ હતી.

 

{gallery}images_in_articles/newsletter/2020/Jan/12-01-20 P.P.TARABEN PRATIKSABHA PART 2{/gallery}

 

મૂક અભિનય અને આધ્યાત્મિક રમત દ્વારા પ.પૂ.તારાબેનના જીવન સૂત્રોને માણ્યા. અને પૂ.બકુબેન પટેલે આખી સભાને ત્રણ વખત બોલાવ્યા. આપણે પણ તેનું મનન કરીએ.

 

(૧) હે પપ્પાજી મહારાજ ! અમારો ફ્યુઝ કોઈ પણ સંજોગોમાં જાય નહીં.

 

(૨) હે પપ્પાજી મહારાજ ! અમે હંમેશા પોઝીટીવ થીન્કીંગ રાખીશું. 

 

(૩) હે પપ્પાજી મહારાજ ! અમે ઉકરડામાંથી પણ ગુણ લઈશું. 

 

(૬) તા.૧૩/૧/૨૦૨૦

 

સાંજે ૫.૦૦ થી ૭.૦૦ની સભામાં આતમ અને નવી જ્યોતના મુક્તોએ પ્રતિક સભામાં લાભ આપ્યો હતો. 

આતમ મકાનમાં નિવાસ કરતા મુક્તો વતી પૂ.અમીતાબેન પટેલે ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો. પૂ.ઈન્દિરાબેન ઠક્કરે પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો. 

 

આતમના મુક્તોએ પ.પૂ.તારાબેનના ૧૧અનુભવ લખી કવરમાં મૂક્યા હતા. અને તે કવર પૂ.વર્ષાબેન પટેલે પૂ.ઈલાબેન દવેને અર્પણ કર્યું હતું. 

તારાબેનને વેઢમી બહુ ભાવતી એટલે વેઢમીની કેક બનાવી હતી. તારાબેન આપણા ગૃહમાતા છે એટલે કેકમાં ઘર બનાવ્યું હતું. પૂ.પવનબેન અને પૂ.મંજુબેન ઠક્કરે પ.પૂ.તારાબેનને કેક અર્પણ કરી હતી.

 

પૂ.જયાબેન ઝાલાવાડીયાએ માહાત્મ્યગાન અને અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. 

નવી જ્યોતના બહેનો વતી સહુ પ્રથમ સ્વાગત ભાવ પ્રાર્થના નૃત્ય દ્વારા પૂ.પરાબેન ભરવાડે ધર્યો હતો.

 

{gallery}images_in_articles/newsletter/2020/Jan/13-01-20 P.P.TARABEN PRATIK SABHA PART 3{/gallery}

 

ત્યારબાદ પૂ.પન્નાબેન દવેએ પ.પૂ.તારાબેનના જીવન પ્રસંગોનું વાંચન કર્યું હતું. અને પૂ.પ્રીતિબેન માવાણીએ અભિન્ય કર્યો હતો. અને એ પ્રસંગોમાં આવતો ભાવ ભાવાર્પણ રૂપે ધર્યો હતો. એ પ્રમાણે નવી જ્યોતના મુક્તોએ ભાવ અને થાળ પ.પૂ.તારાબેનના ચરણે ધર્યો હતો. સર્વે સ્વરૂપોને કલગી અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પૂ.મંજુબેન ઠક્કરે માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. અંતમાં નવી જ્યોતના સર્વે મુક્તોએ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનના ચરણે પ્રાર્થના ધરી આજની સભાની સમાપ્તિ કરી હતી.

                     

                                   જે આવ્યું છે તે ગયું નથી, ન જાયે…

                                  

                                           જે મળ્યું તે માટે કદી ના…

                                   

                                                    દિવ્યભાવ કદી જ શમે ના…

                                  

                            એવું કરી દે…મુજ અંતરમાં

                   

                     અંતરમાં આનંદના મોજાં…ઉછળી રહે અગણિત…

                     

                                            હો….બળ દેજે ગુણાતીત હો….                         

 

(૭) તા.૧૪/૧/૨૦

 

આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી.

ગુરૂહરિ પપ્પાજી ઉત્તરાયણ પર્વે ગોંડલ જોગીમહારાજને ઉત્તરાયણ પર્વની સેવા આપવા માટે જતા. એક ઉત્તરાયણ પર્વે જોગી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને આશીર્વાદ આપ્યા કે, “જાવ ! સ્વામિશ્રીજી અખંડ રહેશે.” એ સ્મૃતિ સાથે આજની સભામાં સ્વરૂપોને કલગી અર્પણ કરી હતી. આ વાક્યમાં જે અક્ષર પરથી જે ટીચર્સ બહેનોના નામ આવતાં હતાં તે બહેનોએ સ્વરૂપોને કલગી અર્પણ કરી હતી. અને આ વર્ષમાં જે સ્વરૂપોના વિશેષ ઉત્સવ આવે છે તે ગુરૂ સ્વરૂપો પૂ.પદુબેન, પૂ.લીલાબેન, પૂ.દયાબેન, પૂ.માયાબેનનું પણ કલગી અર્પણ કરી સ્વાગત કર્યું હતું. 

 

આજના પર્વને ‘જોળી પર્વ’ પણ કહેવાય છે. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, તમારા જે સ્વભાવ છે જે સાધનામાં તમને નડતા હોય તે મને આપો. એવા પ્રાર્થનાભાવ સાથે જોળી પર્વનું ગાન કર્યું હતું. 

           

           જોળી લેવા આવો વહાલા,

            

                   જોઈએ તેવું દેવા વહાલા

          

                             સૌની છે તૈયારી રે..

 

           મૂકી દેવું, મૂકી દેવું, જે જે તારે મૂકાવી દેવું

 

           એવો જીવનમંત્ર લઈ, જોળી માંહે ભરી દેવા

 

                      ઝંખી રહ્યાં સહુનાં હૈયાં, બળ દેજો ટાણે વહાલા…

 

      ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજી મહારાજના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. 

આજે ઉત્તરાયણ પર્વ. જોગીમહારાજ આ પર્વને ખૂબ મોટો માને છે. જ્યાં તેમનો અંગત સંબંધ હોય તેમની પાસે અક્ષરડેરીની ખાનગી સેવા કરાવે. સાક્ષાત્ સ્વરૂપ અનંતના કલ્યાણ કરવા પધાર્યા. અમદાવાદ, મુંબઈ, સાંકરદા, સોખડા, વાસણા એ જોગી મહારાજનાં નજરાણાનાં ગામ છે. 

 

{gallery}images_in_articles//newsletter/2020/Jan/14-01-20 UTRAYAN PRAVA SABH{/gallery}

 

આજે સૂર્ય ઉત્તર તરફ જાય. અંધકાર દૂર થાય અને પ્રકાશ વધતો જાય. આ જગતની વ્યાખ્યા છે. આપણી આધ્યાત્મિક વ્યાખ્યા. આપણો દોર ભગવાનના હાથમાં છે. એને સમર્પિત થઈને જીવીએ, અખંડ અનુસંધાન એનું રાખીએ. સ્વરહિત જેટલું વર્તીએ તેટલું સુખ આવે. સ્વરહિત થઈશું એટલે આપણો પેચ કપાઈ જશે. કરી કરીને એટલું કરવાનું છે. અનુસંધાન અખંડ ભગવાનનું રહે. ગોડહેડ ડેવલપ થઈ જાય. ચિદાકાશમાં વિહાર જ કરવાનો. ધૂળના મૂલે સોનું આપે એવા સ્વરૂપ મળ્યા. એના ઘરમાં બેસાડી દીધા. સહેજે સહેજે આપણને અક્ષરધામની સમાધિમાં રહેતા કરી દીધા. ગોડહેડ ડેવલપ થઈ જાય એવી પ્રાર્થના ને આશીર્વાદ. ત્યારબાદ પ.પૂ.દેવીબેન અને પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

 

 

¯ સાંજે ૫.૦૦ થી ૭.૦૦ની સભામાં પરિતોષ અને પમરાટના મુક્તોએ પ.પૂ.તારાબેનની પ્રતીકસભામાં લાભ આપ્યો હતો. 

પરિતોષમાં નિવાસ કરતા મુક્તોએ ‘દિવ્યતા પર્વ’નું બેનર લઈને બેન્ડવાજાંથી પ.પૂ.તારાબેનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સ્વરૂપોને સલામી આપી હતી. સલામી આપી ત્યારે પૂ.હીનાબેન વ્યાસ રચિત ભજનનું ગાન કર્યું હતું.  પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. પૂ.ગીરાબેન પટેલે પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો. પૂ.દીનાબેન શાહ અને પૂ.નીલાબેન જેઠવાએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. 

પહેલાં મંદિરમાં ડેકોરેશન થતું ત્યારે પ.પૂ.તારાબેન ટાંચણી આપવાની સેવા કરતાં. સભામાં અવશ્ય નોટ-પેન લઈને આવતાં. અને ગુરૂહરિ પપ્પાજીનું પ્રવચન લખતાં. એ સ્મૃતિ સાથે આધ્યાત્મિક રમત રમાડી હતી.

 

ત્યારબાદ છેલ્લે જૂની જ્યોતના મુક્તોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ભાવાર્પણ અને માહાત્મ્યગાન

કર્યું હતું. સ્ક્રીન પર દર્શાવે એ પ્રમાણે સભામાં હાર અર્પણ અને કેક અર્પણ કરી હતી. પૂ.અંજલીબેન કર્ણિક, પૂ.ગીતાબેન સાંગાણી અને પૂ.વિદ્યાબેન પટેલે અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. જેનું પહેલેથી રેકોર્ડીંગ કર્યું હતું એટલે સ્ક્રીન પર આ લાભ માણ્યો હતો. પૂ.માયાબેન ડે એ યાચના પ્રવચન કર્યું હતું. 

 

     આમ, ત્રણ દિવસ ખૂબ બ્રહ્માનંદ કરી આ પ્રતીક સભા ઉત્સવની સમાપ્તિ ‘દિવ્યતા પર્વ’ ના જયઘોષ સાથે કરી હતી. ખરેખર બહેનોને

     જે ભાવ હતો તેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. છતાંય અલ્પ સ્મૃતિ લખવાનો પ્રયાસ કર્યો છે. રાજી રહેજો. આ બધી સભામાં જાણે

     ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેન બિરાજમાન હોય અને સહુનાય ભાવ સ્વીકારી રહ્યા હોય તેવી અનુભૂતિ દરેકના હૈયે થતી હતી. 

 

{gallery}images_in_articles/newsletter/2020/Jan/14-01-20 P.P.TARABEN PRATIK SABHAPART 4{/gallery}

 

     આમ, ૨૦૨૦ની સાલનું પ્રથમ પખવાડીયું વિધ વિધ સમૈયા આનંદ-ઉત્સવ સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે.

     અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ.

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !