સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત–જ્યોત શાખા મંદિરમાં થયેલ સમૈયા–મહાપૂજા–શિબિર આદિ ઉત્સવોની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧૬/૬/૧૪
આજે ગાંધીનગર ભારત દેશના નવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી અને ભાઈના કુટુંબને મળવા જ્યોતમાંથી બહેનો ગયેલ. પ.પૂ.દીદીની પ્રેરણા–ભાવના હતી કે…
આપણાં ગુજરાતમાંથી પૂ.નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન નીમાયા એ ગૌરવની વાત છે. આપણી સંસ્થા તરફથી તેઓને અભિનંદનરૂપે આશીર્વાદ – શુભેચ્છા પત્ર અને પ્રભુપ્રસાદ અર્પવો. જ્યોતના ચિત્રકાર પૂ.નેહલબેન દવે એ મંદિર અને આશીર્વાદ પત્ર મંદિર જેવો સરસ બનાવ્યો. લખાણ સાથે ફોટો ફ્રેમમાં તૈયાર કર્યો.
શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી જવાને બદલે તેમની જનની જનેતા માતુશ્રી પૂ.હીરાબા અને નાનાભાઈ પૂ.પંકજભાઈ અને ભાભી પૂ.સીતાભાભી ગાંધીનગર નાના સરકારી ક્વાર્ટસમાં રહે છે. તેમને મળવા જવાનું પૂ.દીદીની આજ્ઞા મુજબ પૂ.હેમંતભાઈ મોદીએ ગોઠવ્યું. જ્યોતમાંથી પૂ.દયાબેન ગોસર, પૂ.નીનાબેન પટેલ, પૂ.જાગૃતિબેન, પૂ.સોનલભાભી મોદી અને પૂ.હેમંતભાઈ મોદી વગેરે મળવા ગયા.
પૂ.હીરાબા ૯૫ વર્ષની ઉંમરના છે છતાંય યુવાન જેવા સક્રીય અને શ્રધ્ધાળુ આત્મા છે. તેઓને મળી ખૂબ આનંદ થયો. ભાઈ પંકજભાઈ પણ એવા જ ભક્તિભાવવાળા, ભાભી સીતાભાભી પણ ધાર્મિક અને સ્વામિનારાયણના દિકરી છે. ખૂબ ભાવથી અન્યોન્ય મળ્યા. સ્મૃતિભેટ (અભિનંદન પત્ર) અર્પણ કર્યો, ગોષ્ટિ કરી. પૂ.બા એ બહેનોના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. તેઓએ હર્ષાશ્રુ સાથે ભાવભીની વિદાય આપી. અભિનંદન પત્ર (મંદિર) નું લખાણ
અનંત વંદના પૂ.નરેન્દ્રભાઈ મોદીને…
આપણા દેશના વડાપ્રધાન જેમણે બહુજન સમાજનો વિશ્વાસ સંપાદન કર્યો. એવા લોકલાડીલા પૂ.નરેન્દ્રભાઈ મોદીને અનંત વંદના.
જેઓ જન્મભોમ ગુજરાતને સર્વ રીતે સંપન્ન કરી ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ મંત્રથી વર્તી, પ્રગતિના, સુરક્ષાના વિશ્વકક્ષાએ લીડર બની ર્દઢ સંકલ્પ અને અડગ પરિશ્રમના આદર્શ બની બૃહદ ભારતીય જનના હ્રદય સિંહાસને બિરાજી ગયા. સમગ્ર ભારતને વિશ્વના જગદ્દગુરૂ માની ગાંધીનગરથી વડાપ્રધાનનો કાંટાળો તાજ હસતાં રમતાં પહેરી દેશની રાજધાની દિલ્હી બિરાજ્યા. એમાં તેમણે પોતાની જવાબદારી પ્રત્યેની વફાદારીનું દર્શન કરાવ્યું. એવા આપણા દેશના સુકાની પૂ.નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી છે ને કરતાં રહીશું. પ્રભુ તેમને દીર્ધાયુષ બક્ષે. તેમના સર્વ કાર્યોમાં પ્રેરક બળ બની સફળતાના આંતરિક આનંદ ને સમર્પણના મૂલ્યવાન બૂંદનું સુખ માણે ને મહારાજ સદાય તેમની રક્ષા કરે ને પ્રથમ પ્રભુ ને પછી પગલું એવું જીવન વહેતું રહે.
{gallery}images_in_articles//newsletter/2014/June/16-06-14 CONGRACHULATION LETTER FOR NARENDRA MODI MOTHER/{/gallery}
(૨) તા.૨૧/૬/૧૪ ગુણાતીત જ્યોતનો ખાતમુહૂર્ત દિન
જ્યોતના ખાતમુહૂર્ત દિન નિમિત્તે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની મંગલ સભા થઈ હતી. જેમાં ધ્વનિ મુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીના લીધા હતાં. “યોગીજી મહારાજે અસાધારણ કામ કર્યું. સ્ત્રીઓ કદી એકાંતિક થાય નહીં. કલ્યાણ તો બહુ સહેલું છે. પણ સિધ્ધદશા ભગતજી, જાગાસ્વામી, કૃષ્ણજી અદા જેવા ગુણાતીત સ્વરૂપો પાક્યા. એ કપરૂં કાર્ય યોગીજી મહારાજે સંકલ્પે કર્યું. એવા એકાંતિક સંતો તૈયાર કર્યા.” આમ, પપ્પાજી હંમેશા યોગીજી મહારાજનું નામ દઈ પોતાના કાર્યનું દર્શન કરાવ્યું.
પૂ.ઉષાબેન મકવાણા (લંડન જ્યોત) તેમને પણ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેનના મહિમાની વાત કરી હતી. પૂ.ઉષાબેનને દેહની અસાધ્ય બિમારી છે. છતાંય આત્મારૂપે વર્તી રહ્યા છે. એનું સાકાર દર્શન થયું. ધન્યવાદ છે આવા પરમ ભાગવત સંત પૂ.ઉષાબેનને !
પ.પૂ.જશુબેને આજના શુભદિને આશીર્વાદ આપ્યા હતાં.
મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. નરોડા મંડળના ભાભીઓએ એમના ઘરે અને નરોડા જ્યોતમાં કુલ ૫૦ મહાપૂજા દરેકે કરી. તેની પૂર્ણાહુતિ કરવા પપ્પાજી તીર્થ પર આજે સવારથી આવ્યા હતાં. ત્યાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.હેમાબેનના સાંનિધ્યે મહાપૂજા કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યાંથી ૧૦ વાગ્યાની જ્યોતની સભાનો પણ લાભ લેવાનો રાખેલ હતો. તેથી જ્યોતમાં આવ્યા. જ્યોત સભામાં આવા ભક્તિમય આયોજનથી પ્રેરણા મૂર્તિ પૂ.મંદાબેનની પણ વારી લીધી હતી. પૂ.મંદાબેને આજનો દિવસ પસંદ કર્યો. જ્યોતનો ખાતમુહૂર્તદિન ! પૂ.મંદાબેન પોતે પ્રથમ ૫૧ બહેનોના જૂના જોગી. એમણે ખૂબ મહેનત કરીને નરોડા મહિલા મંડળને માહાત્મ્ય સભર જીવન જીવતું તૈયાર કર્યું છે. એવા પૂ.મંદાબેને પણ ટૂંકમાં પણ ખૂબ સરસ વાત કરીને સહુ વતી આશીર્વાદ માંગી લીધા. તથા આજના પ્રસંગે શાશ્વત ધામે પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેને જે આશીર્વાદ આપી સહુના જીવનમાં ર્દષ્ટા સ્થાપી આપ્યો. તે વાત પૂ.મંદાબેને કરી કે, ‘આજે જ્યોતનો ખાતમુહૂર્ત દિન છે. પ.પૂ.જ્યોતિબેને કહ્યું કે, આજે બધાનું ખાતમૂર્હૂત થઈ ગયું. હવે આપણે ભગવાન રાજી થાય તેમ ભગવાનને ગમે તેવું જીવન જીવવાનું છે. આ બધા મુક્તોને એક જ ભાવના છે કે, તમે રાજી થાવ ! તો અમો બધા આપને રાજી રાજી કરી લઈએ. આપના થઈને જીવન જીવવા બળ, બુધ્ધિ ને પ્રેરણા દેજો. સભાના અંતમાં પ.પૂ.દેવીબેને પણ આશીર્વાદ આપ્યા હતાં. ભક્તોને ભક્તિ કરતાં જોઈને ખૂબ રાજીપો દર્શાવ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/June/21-06-14 PAPPAJI TIRTH MAHAPOOJA FOR NARODA JYOT/{/gallery}
(૩) તા.૨૧/૬/૧૪ પૂ.ત્રિકમભાઈ ચપલાની ત્રયોદશીની મહાપૂજા
આજે સાંજે ૫.૦૦ વાગ્યે અ.નિ.પૂ.ત્રિકમભાઈ ચપલાની ત્રયોદશીની મહાપૂજા જ્યોત મંદિરમાં થઈ હતી. પૂ.દવે સાહેબ, પૂ.ઈલેશભાઈએ મહાપૂજા કરી હતી. પૂ.ત્રિકમભાઈ ચપલા સરદારગઢના જૂના સત્સંગી હરિભક્ત હતાં. જીવનભર પ્રભુની નિષ્ઠા રાખી પ.પૂ.પપ્પાજી, પ.પૂ.જશુબેનના આશ્રયે જીવ્યા. સંતાનોને સત્સંગનો વારસો આપી સુખિયા કર્યા. બે દીકરીઓ પૂ.વનિતાબેન અને પૂ.નિર્મળાબેનને રાજીખુશીથી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા મોકલ્યા છે. એવા ત્રિકમભાઈ વિશે પૂ.શાંતિભાઈ ચપલાએ જૂની સ્મૃતિની સરસ વાત કરી હતી.
સહુ પ્રથમ દાદા–દાદીનો આભાર માન્યો કે એમને સ્વામિનારાયણ સત્સંગની નિષ્ઠા થઈ. અમને સંતાનોને કંઠી બંધાવી. આ સત્સંગનો જોગ મળ્યો. અમારા ગામમાં સરદારગઢમાં પ.પૂ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા હતા. તેમણે ઠાકોરજી જમાડીને ચળુ કરેલું. અમારા વડીલો પ્રત્યક્ષની નિષ્ઠાવાળા હતાં. તેથી તે પ્રસાદીનું જળ રાખી મૂક્યું હતું. પછી પ.પૂ.યોગીજી મહારાજ પધાર્યા. અમે પૂછ્યું, આ જળનું હવે અમે શું કરીએ ? યોગીજી મહારાજે અમારા ગામના કૂવામાં એ જળ પધરાવ્યું અને આશીર્વાદ આપતાં બોલ્યા કે, આ કૂવાનું જળ જે પીશે તે સત્સંગી થશે અને ખરેખર આખું ગામ સત્સંગી છે. ગુરૂહરિ પપ્પાજીએ જોગીમહારાજના એ સંકલ્પને સાકાર કર્યો. અમારા કુટુંબમાંથી ઘણા મુક્તો સાધુ થયા છે. અને ગૃહસ્થ માર્ગે પણ નિષ્ઠા રાખી જીવન જીવે છે. ત્રિકમકાકાની બે દીકરીઓ જ્યોતમાં છે. ત્રીજી દીકરી પૂ.સરોજબેન અને જમાઈ પૂ.ચંદુભાઈ પણ નિષ્ઠાવાન છે. એમણે દિકરો બનીને ત્રિકમકાકાની સેવા કરી લઈ હાશ લીધી છે. અમો બધા ભગવાનના ભક્તોની–સંતોની સેવા કર્યા કરીએ. એવી આખા કુટુંબ વતી શાંતિભાઈએ યાચના કરી હતી. જમાઈ પૂ.ચંદુભાઈએ પણ યાચના પ્રવચન કર્યું હતું. પ.પૂ.જશુબેને આશીર્વાદ આપ્યા હતાં. તમારી ૭૧ પેઢી તરશે તથા ઘર અને દેહને મંદિર બનાવી જીવન જીવવાના આશીર્વાદ આપ્યા હતાં.
(૪) મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. તે નિમિત્તે જ્યોતમાંથી જ્યોતશાખા મંદિરે બહેનો સમૂહ મહાપૂજા માટે ગયા હતાં.
(૧) તા.૨૩/૬/૧૪, સુરત
(૨) તા.૨૯/૬/૧૪, રાજકોટ
૨૩/૬/૧૪ ના સુરત ૫૦ સંત બહેનો વિદ્યાનગરથી વહેલી સવારે નીકળી સુરત ગુણાતીત ધામના હૉલમાં ભવ્ય મહાપૂજા કરી હતી. પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે મહાપૂજા પૂ.મીનાબેન દોશી, પૂ.મીનાબેન ગાંધીએ કરી હતી અને યુવતી મંડળની નવાયુગની યુવતીઓએ મહાપૂજાનું ગાન કર્યું હતું.
પ.પૂ.દેવીબેને આશીર્વાદ સાથે લાભ આપ્યો હતો. પૂ.મીનાબેન દોશીએ સુરત મંડળની માહિતી સાથે સરસ લાભ આપ્યો હતો. આખા ભક્તિમય વાતાવરણમાં સહુના મન આત્માએ નીરવતાનો આનંદ માણ્યો હતો. બપોર પછી અનિર્દેશ તીર્થધામે જઈ દર્શન અને બ્રહ્માનંદ કર્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/June/23-06-14 MAHAPOOJA FOR SURAT/{/gallery}
૨૬/૬/૧૪ ના રોજ ૩૫ સંત બહેનો વિદ્યાનગરથી વહેલી સવારે નીકળી રાજકોટ જ્યોતમાં ગયા હતાં. ત્યાં ઉપર મંદિરના હૉલમાં પૂ.નેહાબેન પટેલ અને બહેનોએ મહાપૂજા કરી હતી. પ.પૂ.જશુબેનના સાંનિધ્યે દિવ્યતાસભર મહાપૂજાનું આયોજન સંપન્ન થયું હતું. પ.પૂ.જશુબેને માહાત્મ્યસભર પરાવાણીએ સરસ આશીર્વાદ આપ્યા હતાં. પૂ.વનીબેન ડઢાણીયાએ લાભ આપ્યો હતો. પૂ.વસુંધરાબાએ રાજકોટ મંડળ તરફથી આભાર માન્યો હતો. સભા બાદ ઠાકોરજી જમાડી, ગોંડલ મંદિરે દર્શન, અક્ષરદેરીની પ્રદક્ષિણા કરી, ધૂન કરી, સ્મૃતિ મંદિરના દર્શન કરીને પછી વિદ્યાનગર આવવા નીકળ્યા હતાં.
(૫) જ્યોતમાં સવાર સાંજ બે સભા થાય છે. તેમાં રોજ સદ્દગુરૂ A વારાફરતી કથાનો લાભ આપે છે. ઘણીવાર વાર્તા કહીને સાર રૂપે જ્ઞાન–બોધ અપાતો હોય છે. તા.૨૬/૬ ની મંગલ સભામાં ડૉ.નિલમબેને એક નાની વાર્તા કરી હતી. તે અહીં જોઈએ. બે બાજ પક્ષી હતાં. રાજાએ એક માણસને કહ્યું, તું આ બે પક્ષીને તૈયાર કર પછી મારે યુધ્ધમાં મોકલવા છે. બે માંથી એક પક્ષી કહે તેમ કરે તેવું હતું. બીજું પક્ષી આળસુ અને જીદ્દી હતું તે પક્ષી ઉડે નહીં. જમીને તરત ડાળીએ જઈને બેસી જાય. બે વર્ષ પછી પેલા માણસને રાજાએ બોલાવીને પૂછ્યું, પેલા માણસે કહ્યું, એક પક્ષી બરાબર તૈયાર થઈ ગયું છે. પણ બીજુ પક્ષી હજી તૈયાર થયું નથી. ત્યાં ગામડાનો એક ખેડૂત હતો. તે કહે, મને નાનો ચાન્સ આપો. ખેડૂતે તો જે ડાળી પર પક્ષી બેસતું હતું તે ડાળી જ કાપી નાખી. જમ્યા પછી હવે ક્યાં બેસે ? ચારે બાજુ ક્યાંય બેસવાની જગ્યા ના દેખાઈ એટલે એ તો આકાશમાં ઉડવા માંડ્યું. અને પહેલા પક્ષી જેવું જ તૈયાર થઈ ગયું. ડાળી એટલે આપણો ગાફલાઈ રૂપી અહંકાર. આપણું ગમતું. એના પર આપણે વારંવાર સ્થિર થઈ જઈએ છીએ. આગળ જતાં નથી. એ ડાળી કાપવા માટે પ્રસંગો યોજાય છે. તેમાં હરેક બાબતે આપણે આપણા ગુરૂ બનીને ચેકીંગ કરવું અને અહંકાર મૂકતા જવો તો ચિદાકાશરૂપ રહેતા થઈ જવાશે. ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પ છે કે એમના આશ્રિત સંબંધવાળા સહુ છતીદેહે અક્ષર ધામરૂપ રહેતા થઈ જાય. ચિદાકાશરૂપ રહી પૃથ્વી પર અક્ષરમુક્ત તરીકે જીવન જીવે, એ સંકલ્પ આપણામાં સાકાર થાય તેવી ગુરૂહરિ ચરણે યાચના કરી વિરમું છું.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.