સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/3/૧૮ હોળી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ જયંતી
શુભ પર્વે પ્રભુ પપ્પાજીની સ્મૃતિ થઈ આવે. ‘વહવાયા વારસદાર બની ગયા.’ આપણા ફગવા પ.પૂ.દીદીએ આપ્યા. ‘અંતરથી અંતર ટળે
નિરંતર’ એવા ભગતજી મહારાજ ૧૮૨૯માં મહુવા ગામે પ્રગટ્યા. એકાંતિકધર્મ પ્રવર્તાવી સ્વામિનારાયણની શુધ્ધ ઉપાસનાના પાયા નાખ્યા. કેવળ માહાત્મ્યસહિત પ્રીતિ અને ભક્તિ જીવનમાં હતી તો સહજ સંબંધ જોઈ ભક્તિ કરી સમજાવ્યું કે, મૂર્તિના સુખે સુખિયા થઈ વાસનારહિત થઈ સાધુમાં જીવ જોડવો ને સુહ્રદભાવ રાખવો, તો એકાંતિકપણું ર્દઢ થઈ જશે. આ વાત ભૂલશો નહીં ને અલ્પ વચનને મોટું માની જીવ્યા ને રાજીપો પ્રાપ્ત કર્યો ને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ‘માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ..’ ને વળી માંગ્યું, મારો જીવ સત્સંગી થાય. એવા માહાત્મ્યમૂર્તિ સ્વરૂપ ભગતજી મહારાજને કોટિ કોટિ અનંત કોટિ વંદન હો !
ઓહોહો ! આવા તો કેટલાય ભગતજી સ્વરૂપ જ્યોતમાં વિચરે છે. વંદન કરીએ આજ.
આવા ભગતજીમહારાજ અને ગુરૂહરિ પપ્પાજીના પ્રહલાદ બની આપણી અહંતા-મમતાને ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોના ચરણે મૂકી દઈ માહાત્મ્યે સહ ભક્તિ કરતા થઈ જઈએ એ જ પ્રાર્થના.
આજના આ શુભ પર્વે ૧લી તારીખની કીર્તન આરાધના રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં પરમ સૂર વૃંદનાં બહેનોએ ભજનો ગાયાં હતાં. અને ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં લીન કર્યા હતાં.
{gallery}images_in_articles//newsletter/2018/March/01-03-18 P.P.Bhagatji maharaj pragtyadin kirtan aardhana{/gallery}
(૨) તા.૨/૩/૧૮ ધૂળેટી
આજે તારીખ પ્રમાણે પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યદિન !
અખિલ ગુણાતીત સમાજના પ્રાણસમાન પ.પૂ.જ્યોતિબેન સમન્વય પર્વ
તુજ પ્રાગટ્ય મંગલકારી , તુજ ચરિત્ર સદા હિતકારી
તવ સ્મૃતિ રહે અંતરે, ચિરકાળી એવા હે પરબ્રહ્મધારી
જ્યોતિ અને જ્યોતિની જ્યોત સદા અમર ! સદા અમર !
પ.પૂ.સોનાબાની દિવ્ય કૂખે પ્રગટીને પ્રગટ-પ્રત્યક્ષ સ્વરૂપોની સર્વ પ્રકારની પ્રસન્નતાના અધિકારી એવી વિરલ વિભૂતિ ૧૯૩૩ મહાશિવરાત્રિથી ૨૦૧૮ મકરસંક્રાતિની એ જીવનયાત્રામાં સહુના દિલ જીતી લીધાં ને ગુરૂહરિ પપ્પાજીના કાર્યમાં સમાઈ ગયા.
પળેપળ આપને ઝંખતા આપના દર્શનના પ્યાસી કહે છે,
છે છે ને નથી નથી નથી ને છે જ વિસરી ન વિસરાયે મૂરતિ
શોધું તને શોધવા તુજને જ્યાં નજર માંડું, ઓહો ! ભક્તોનું હ્રદય છે તારૂં સરનામું
સહુમાં તારૂં દર્શન કરી તારૂં દિવ્ય વચન વણી લઈ આપની પરમ ભક્તિ કરીએ.
શત શત પ્રણામ હો ! વંદન તુજ ચરણે !
પ્રભુ પપ્પાજીમાં રહી ગુરૂહરિ પપ્પાજીના થઈ જીવી જ્યોતિને અમર રાખીએ.
આજે પ.પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યદિને તેમની રૂમમાં પ.પૂ.જ્યોતિબેનની પ્રસાદીની વસ્તુઓનું એક નાનું સ્મૃતિ પ્રદર્શન કાયમ માટે કર્યું છે. તેનું ઉદ્દઘાટન આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ.પૂ.હંસાદીદી અને પ.પૂ.આનંદીદીદીના વરદ્દ હસ્તે કર્યું હતું.
સાંજે ૫.૩૦ થી ૭.૦૦ પ.પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યદિન નિમિત્તે જ્યોત પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. તેમાં પ.પૂ.જ્યોતિબેનને ગમતી સ્વામીની વાતોનું વાંચન કર્યું હતું અને તેના પર બહેનોએ પ.પૂ.જ્યોતિબેનનું માહાત્મ્યગાન કરી લાભ આપ્યો હતો.
પ્રકરણ ૪થાની ૧૪૦મી વાત ઉપર પૂ.ડૉ.મેનકાબેને લાભ આપ્યો હતો. પ્રકરણ બીજાની ૨૬મી વાત પર પૂ.જયુબેને લાભ આપ્યો હતો. પ્રકરણ ૧લાની ૧લી વાત પર પૂ.કલ્પુબેને લાભ આપ્યો હતો. અંતમાં પ.પૂ.જ્યોતિબેનને ગમતી પ્રકરણ ૧લાની ૧લી વાતનું વાંચન કરી પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2018/March/03-03-18 DHULETI P.P.Jyotiben pragtyadin{/gallery}
(૩) તા.૩/૩/૧૮
પૂ.જયાબેન ચાવડા અને તેમના પરિવારના મુક્તોની એવી ભાવના કે, પૂ.જયાબેન તથા તેમના દીકરા-દીકરીઓ લંડનથી અહીં આવ્યા છે. તેથી મહાપૂજા કરાવી અને ગુરૂહરિ પપ્પાજી તથા બહેનો-ભાઈઓને થાળ જમાડવા છે. તેથી આનંદ-ખુશીથી આ મહાપૂજા કરાવી હતી.
મંદિરમાં મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈ, પૂ.યશભાઈ દવે અને ભાઈઓએ સરસ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. ત્યારબાદ પરિવારના મુક્તોએ માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. અંતમાં પૂ.રમીબેન તૈલી અને પૂ.શોભનાબેને આશીર્વાદ આપ્યા હતા.
પૂ.પ્રદિપભાઈએ વાત કરી કે, ઘરેથી જ્યારે બહાર નીકળું ત્યારે પ્રાર્થના કરીને નીકળું. પપ્પાજી મારી સાથે રહેજો. મારી આગળ-પાછળ ફરી રક્ષા કરજો. ગુરૂહરિ પપ્પાજી હંમેશાં મારી સાથે જ છે, એનો અનુભવ થાય છે. ‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એવું જીવું છું.
પૂ.નલિનીબેને વાત કરી કે, પ.પૂ.બેને મને કહ્યું હતું કે કુપાત્રને દાન ના કરવું. એના અનુભવ પ.પૂ.બેને મને કરાવ્યો. અને હવે મને ખબર પડી ગઈ કે ક્યાં દાન કરવું ? મને કોઈનોય અભાવ ના આવે અને સુખે સુખે આગળ લઈ જાવ એ જ પ્રાર્થના છે.
પૂ.કૈલાસબેને વાત કરી કે, અમે બધા સુખિયા થઈ ગયા. અમે બધા સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવતા રહીએ.
પૂ.રમીબેન તૈલીએ લાભ આપતાં કહ્યું કે, પૂ.જયાબાના મોટાંબેન પૂ.મંગળાબેન જામનગર રહેતા હતા. ત્યાં એમને પ.પૂ.તારાબેનનો જોગ મળ્યો. પછી લંડન ગયા ને પૂ.જયાબાને કહે તમે જ્યોતમાં જાવ. એમણે ખરેખર ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેનને રાજી કરી લીધા. પૂ.કૈલાસબેનની દીકરીના લગ્નમાં પ.પૂ.બેન ગયાં હતાં. અને એમને આ સત્સંગનો જોગ મળ્યો. પછી ૨૦૦૧માં સમૈયામાં આવ્યા ને એમને અનુભવ થયો કે હું તો સ્વર્ગમાં આવી છું. અને ઘરે બધાને ફોન કરીને કહી દીધું કે અહીં આવવા જેવું છે, બધા આવે છે. આખા પરિવારમાં ભગવાનનો આશરો છે. નિષ્ઠા છે તેથી આનંદના ફુવારા ઉડતા રહે.
અંતમાં પૂ.શોભનાબેને આશિષ આપતાં કહ્યું કે, આખા પરિવારની જય જય જય. એટલી સરસ પૂ.જયાબાની અંતરની ભાવના હતી કે અહીં મહાપૂજા કરાવવી છે. એમના દીકરા પૂ.બાબુભાઈ બધાને અહીં લઈ આવ્યા. પૂ.જયાબા પૂર્વનાં હતાં જ, ભક્ત હ્ર્દયના હતા. પ.પૂ.બેનના નાના મોટા વચન પાળીને જીવ્યા છે. પ.પૂ.બેન ઉપર વિશ્વાસને શ્રધ્ધા રાખી છે. અને અનુભવ થયો કે સ્વામિનારાયણ મંત્ર મહાબળિયો છે. એનાથી આપણાં બધાં કામ થવાનાં છે. આ પરિવારના મુક્તો અહીં આવ્યા તો અમને બહુ જ આનંદ થાય છે. ભગવાનને સાથે રાખીને જીવો છો. ઉત્તમ જોગ પ.પૂ.બેને આપ્યો છે. એવા પૂ.રમીબેન-પૂ.નીમુબેનના વચન પ્રમાણે જીવશો તો ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બેન રાજી જ છે.
(૪) તા.૭/૩/૧૮ પ.પૂ.કાકાશ્રી સ્મૃતિ પર્વ
આજે પ.પૂ.કાકાશ્રીનો સ્મૃતિ પર્વ છે. ગુણાતીત જ્યોતના બોર્ડ પર પૂ.પન્નાબેન દવેએ ટૂંકમાં તેમનું માહાત્મ્ય વર્ણવ્યું છે. અને આપણા સહુ વતી તેમના ચરણે પ્રાર્થના ધરી છે. તે જોઈએ. શ્રીજીમહારાજનું વચન સાકાર કરવા શ્રી કાકાજી મહારાજ ૧૯૧૮માં પ્રગટ્યા. ૩૪ વર્ષે સાક્ષાત્કાર પામ્યા ને યોગીજીનું કાર્ય પ્રત્યક્ષ દેહે ૩૪ વર્ષ કર્યું. ૬૮ વર્ષની જીવનયાત્રામાં દિગંતમાં ડંકા વગાડ્યા. યોગીજી પુરૂષોત્તમ નારાયણનું સ્વરૂપ છે એવો બૂંગીયો ફૂંક્યો ને શાસ્ત્રીજી-યોગીજીના પ્રસન્નતાના પાત્ર બન્યા. ભગવા નહોતા પણ સમગ્ર તંત્ર યોગીમય હતું.
નિર્દોષબુધ્ધિ ને મહિમાની પરાકાષ્ટા સંબંધમાં આવનાર ચૈતન્યોને બદલી નાખ્યા ને ૬૮ વર્ષમાં તો કાકાજી સ્વરૂપો તૈયાર કરી વ્યાપ્ત બની એક દિવ્ય સમાજનું સર્જન કર્યું.
અશક્ય શક્ય બનાવી રેતીમાં વહાણ ચલાવ્યું.
શતાબ્દિ પર્વે પ.પૂ.જ્યોતિબેન-પ.પૂ.દીદી-પ.પૂ.દેવીબેનના હસ્તે બહેનોને કાષાંબર વસ્ત્રો અર્પી દિવ્ય સંકલ્પ સાકાર કર્યો. અનંત કોટિ અભિનંદન હો ! કોટિ કોટિ વંદન હો કાકાજી સ્વરૂપોને !
આવી અણમોલ ઘડી આંગણે બંધુબેલડી મહોત્સવની ! ધન્ય ધન્ય હો કાકાજી-પપ્પાજીને !!!
રણકે સૂર પ.પૂ.કાકાજીનો જ્યોતિ-તારા-દીદી-દેવીએ અમારૂં ખૂબ શોભાડ્યું.
(૫) તા.૧૨/૩/૧૮
આપણા સમાજના જૂના જોગી એવા પૂ.નારણભાઈ પટેલ દહેમીવાળા તા.૨૬/૨/૧૮ ના રોજ ૮૧ વર્ષની વયે અક્ષરધામ નિવાસી થયા.
એમના એક દીકરી પૂ.સુશીલાબેન પટેલ શ્રી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે છે. એમના સંતાનોને પણ નાનપણથી સત્સંગનો વારસો આપ્યો. બે દીકરા પૂ.શૈલેષભાઈ અને પૂ.કૌશિકભાઈ પરિવાર સાથે અમેરિકામાં રહે છે.
આખા પરિવારમાં પાયામાં પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી અને પ.પૂ.જશુબેન કુટુંબનું ગુરૂસ્થાને સેવન કર્યું. માહાત્મ્યનું સીંચન કર્યું. ત્યાર પછી દીકરી પૂ.સુશીલાબેનના સંત-ગુરૂ તરીકે વર્ષોથી પ.પૂ.પદુબેન અને પૂ.નીતાબેન દલાલ સંતાનોનું પરિવારના મુક્તોનું જતન કરી રહ્યાં છે.
પૂ.નારાયણભાઈની અંતિમવિધિ માટે પૂ.શૈલેષભાઈ અમેરિકાથી આવ્યા. તેમના નવા નિવાસ સ્થાન કરમસદમાં બહેનોએ પારાયણ કર્યું.
આજે સવારે ૧૦.૩૦ વાગ્યે જ્યોત મંદિરમાં મહાપૂજા કરાવવા કુટુંબીજનો સગા-સંબંધીઓ આવ્યા. પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવથી મહાપૂજા કરી.
પૂ.હંસાબેન ગુણાતીતે આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.નારાયણભાઈ નિષ્ઠા, ભક્તિ અને સેવામાં આદર્શ હતા. માહાત્મ્યયુક્ત સેવા જે કરે તેને માંગવું નથી પડતું.
પ્રાર્થના સુમન પૂ.શૈલેષભાઈએ ધર્યાં.
પૂ.બાબુકાકા ચિતલીયાએ વાત કરી કે, નારાયણભાઈની સાથે સાંકરદા મંદિરમાં રહ્યાં. સ્વામીજીએ જેમ રાખ્યા, જ્યાં રાખ્યા તેમ રહ્યાં. ક્યારેય ફરિયાદ નથી કરી. ક્યાંયથી ફરિયાદ તેમની નથી આવી. ગુરૂહરિ પપ્પાજીએ હાથ પકડ્યો. ગુરૂહરિ પપ્પાજી અને બહેનોની છત્રછાયામાં તેમનો આખો પરિવાર જીવે છે.
પૂ.મનીબેને માહાત્યગાન વહાવતાં કહ્યું કે, આખું કુટુંબ નિર્દોષબુધ્ધિ વાળું. પૂ.બાબુકાકાએ વાત કરી તેમ આ કુટુંબને સ્વામીજીની આજ્ઞામાં રહીને સેવાઓ કરી. ગુરૂહરિ પપ્પાજીએ તેમના ચરણોમાં (તેમના આશરે) લીધા. અને બાળકોની ઈચ્છા મનોરથ જે પરદેશ જવાની હતી તે પણ પૂરી કરી. અત્યારે દેશ-પરદેશમાં રહીને જ્યોતના થઈને જીવે છે. માહાત્મ્યેયુક્ત સેવા તન-મન-ધન અને આત્માથી કરી રહ્યાં છે. એ રીતે કરતાં રહીને આપણે ગુરૂહરિ પપ્પાજીનું ઋણ ચૂકવવું છે.
અંતમાં પૂ.પદુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.નારાયણભાઈએ ગુરૂહરિ પપ્પાજીને ખૂબ રાજી કરી લીધાં. અને તેમની અંતિમ પળોની વાત કરીને સ્મૃતિ કરાવી હતી. તેમની ઈચ્છા હતી તે મુજબ ગુરૂહરિ પપ્પાજી તેમને સુખે સુખે તેમના ધામમાં લઈ ગયા.
આમ, આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !