Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Nov 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજીપપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.

 

(૧)તા.૧/૧૧/૧૮ પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’

 

સૌરાષ્ટ્રની ભાગ્યવંતી ધરતી પર ૧૯૩૩ની નવેમ્બAરની ૧લી તારીખે અમરેલી ગામમાં પૂ.અંબાબેન મંગળભાઈના ઘરે એક શ્રધ્ધાનો દીપ પ્રગટ્યો ને આ શરણમ્ પર્વના પગરવે ગુરૂહરિ પપ્પાજીના સફળ યુગકાર્યનું મૂર્તિમાન સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું ! 

 

નાયગરા ફોલ્સની જેમ સતત વહેતો શ્રધ્ધાનો ધોધ એટલે પ.પૂ.જશુબેન !

 

ઘુઘવતા સમુદ્રની જેમ ઉછાળા મારતો પ્રાપ્તિનો કેફ એટલે પ.પૂ.જશુબેન !

 

અખંડ દીપની જેમ જલતી સંબંધયોગના મહિમાની જ્યોત એટલે પ.પૂ.જશુબેન !

 

અવિરત સરિતાની જેમ વહેતો પ્રાર્થનાનો પ્રવાહ એટલે પ.પૂ.જશુબેન !

 

કેસરીયા રંગે રંગાયેલા યોધ્ધા સમ શૌર્યતા એટલે પ.પૂ.જશુબેન !

 

આવા માહાત્મ્યના મહાસાગર ગુરૂહરિ પપ્પાજીના ઝબકનારાયણને તેમના ૮૫મા પ્રાગટ્યપર્વે કોટિ કોટિ વંદન સાથે પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !

 

આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. પ.પૂ.જશુબેન પણ પધાર્યાં. બહેનોએ તેમનું ભાવભર્યું સ્વાગત શાશ્વત ધામે કર્યું. શાશ્વત ધામે આજે સરસ ડેકોરેશન પણ કર્યું હતું. પ.પૂ.જશુબેનના ગ્રુપના બહેનોએ તેમના ચરણે ભાવાર્પણ કર્યું હતું. ત્યારબાદ પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા.

 

ત્યાંથી પ.પૂ.જશુબેન પંચમહાલ જિલ્લામાં રામેસરાની બાજુમાં ગોતાંગ ગામ છે ત્યાં પધાર્યા. ત્યાં હાલોલના નિષ્ઠાવાન હરિભક્ત પૂ.ચંદ્રકાંતભાઈ વર્ષો પહેલાં શિક્ષકની નોકરી કરતા હતા. એમના હાથ નીચે ભણેલા અમુક મુમુક્ષુ વિદ્યાર્થીઓને સત્સંગનો જોગ થયો. જ્યારે જરૂર પડે ત્યારે જ્યોતમાં સેવા માટે પધારે છે. એ લોકોના મનમાં એવી ભાવના જાગી કે અમારે અમારા ઘરે મંદિર કરવું છે. જેથી સત્સંગી હરિભક્તો ત્યાં પધારે. થાળ-આરતી, ભજન-ભક્તિ કરે. એ માટે આજના શુભ દિને જશુબેનના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનું આયોજન કર્યું. પ.પૂ.જશુબેનનું ખૂબ ભવ્ય રીતે સ્વાગત કર્યું. પ.પૂ.જશુબેન ગાડીમાં જ બિરાજમાન હતાં. અને નાના-મોટા હરિભક્તોએ માથે સાફો બાંધી ગાડીની ફરતે વાજતે-ગાજતે, નાચતા-કૂદતાં શોભાયાત્રા કરી ઘરના આંગણા સુધી ગાડી સહિત પધાર્યા. પ.પૂ.જશુબેનના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ઘરના નાના ચાર કિશોર મુક્તોએ ગુરૂહરિ પપ્પાજીના ભજન ઉપર સ્વાગત નૃત્ય કર્યું હતું.

 

ત્યાંથી પ.પૂ.જશુબેન હાલોલ પધાર્યાં. સાંજે ૪.૦૦ થી ૭.૦૦ ઉમા ભવન, કચ્છ કડવા પાટીદાર સમાજ, A.C હૉલમાં પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન શરણમ્ પર્વ હાલોલ મંડળના લગભગ ૩૫૦ જેટલા હરિભક્તોએ ખૂબ ભવ્ય રીતે પ.પૂ.દીદીના સાંનિધ્યે ઉજવ્યો. દરવાજેથી સ્ટેજ સુધીનો આખો પથ પુષ્પ પાંદડીથી શણગાર્યો હતો. એટલી બધી પુષ્પ પાંદડી પાથરી હતી કે જાજમ બિછાવી હોય તેવું લાગતું હતું. પ.પૂ.જશુબેન એટલે શૂરવીરતાનું સ્વરૂપ. એમણે શૂરવીરતાથી સાધના કરી એના પ્રતિક રૂપે સ્વાગતમાં ચાર યુવતીઓ ઝાંસીની રાણી બની હતી. અને પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના મસ્તક ઉપર છત્ર ધરી સ્ટેજ સુધી લઈ આવ્યા હતા. એક યુવતીએ સ્વાગત નૃત્ય કર્યું હતું. અને બીજી બે યુવતીઓએ પણ ડાન્સ કર્યો હતો. જશુબેનના જીવન દર્શનના પ્રસંગો ઉપર ત્રણ યુવકોએ નાટક કર્યું હતું. ભાઈઓએ અનુભવ દર્શનમાં પણ લાભ આપ્યો હતો. પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેન આ મુક્તો પર ખૂબ વરસ્યા અને ખૂબ રાજી થઈ આશીર્વાદ આપ્યા હતા. અને બધા મુક્તોને ભર્યા ભર્યા કરી દીધા હતા. જ્યોતમાંથી પણ ૨૦ બહેનો આ સભામાં પધાર્યા હતાં. ‘શરણમ્ પર્વ’ ઉજવવાનો જે ભાવ તે આ બધા મુક્તોના મુખ પર છલકાતો હતો. તેનાં દર્શન થઈ શકતાં હતાં. 

 

ગુરૂહરિ પપ્પાજીને અનંત ધન્યવાદ ! એમણે એમના વારસદાર સ્વરૂપોની ભેટ આપી આજે ગુરૂહરિના કાર્યને દીપાવી રહ્યાં છે. સ્વરૂપોને પણ કોટિ વંદન સહ અભિનંદન ! અને ઉજવણીની તક ઝીલી લેતા આવા મુક્તોને પણ ધન્યવાદ સાથે જય સ્વામિનારાયણ !

{gallery}images_in_articles/newsletter/2018/Nov/01-11-18 P.P.JASUBEN BIRTHDAY CELEBRATION PAPPAJI TIRTH{/gallery}

 

સાંજે ૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં થઈ હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા. કીર્તન આરાધનામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, આત્મા તો ગયા જન્મથી ર્દષ્ટાવાળો હતો. હવે અંતઃકરણનું રૂપાંતર કરવું છે. દેહે કરીને સેવા કરીએ છીએ. મનને નિષ્કામ કરવું છે. મને કરીને સર્વસ્વનું સમર્પણ કરવું છે. મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાં જવા મન અસમર્થ બની જાય. પ્રસંગ આવે જાણજો, રાજીપાની વાત. લાયક થયા તો પ્રસંગ આવે છે. મૂંઝવણ આવે તો ટકવું નહીં. એ તો હવે જડબેસલાક થઈ જવું જોઈએ. બે-ત્રણ મિનિટમાં પાછું આવી જવાય એ છે.૨૬ સિધ્ધ થઈ ગયું. જવા અસમર્થ બની જઈએ. ધીમે ધીમે થઈ રહ્યું છે. એવા સર્વોપરી ભગવાન મલ્યા છે. તો આગળ લઈ જશે. ૮૪લાખ જન્મ ધર્યા એમાં છેલ્લો જન્મ અત્યારે માણસનો છે. આ દેહે ભગવાન મળ્યા એટલે ધીરે ધીરે થઈ રહ્યું છે. જે જે સંબંધમાં આવ્યા તે બધા પ્રગતિ કરતાં ચૈતન્યો છે. આનંદ કર્યા કરવો. ત્યારબાદ પાંચ મિનિટ સુહ્રદ ધૂન કરી આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

દિવાળી પર્વોની ઉજવણી

 

(૨) તા.૫/૧૧/૧૮ ધન તેરસ

 

આજે સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ધનપૂજાની મહાપૂજા સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે કરી હતી. પૂ.તરૂબેન અને ઑફિસ વિભાગના બહેનોએ મહાપૂજા કરી હતી. ધનપૂજામાં સંકલ્પ કર્યો હતો.

 

ધનપૂજાનો સંકલ્પ

 

હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે ગુરૂહરિ કાકાજી મહારાજ ! હે સોનાબા ! હે દિવ્યબેન ! હે સર્વે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપો ! હે સર્વે સદ્દગુરૂ સ્વરૂપો !

 

અમે આપના આશરે ને સાંનિધ્યે આજે ધનપૂજા કરીએ છીએ તો અમે જે જે ધન – તન અને મનથી કમાઈએ તે નિર્ગુણ બને અને તેને તમારી જ પ્રસન્નતાર્થે જ તમારા કાયદે વપરાય તેવો બુધ્ધિયોગ આપવા યાચના છે. જેથી તે અમારા એકાંતિકપણાની રક્ષા કરે ને તે બંધનકર્તા ન નીવડે.

 

મહાપૂજા બાદ પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, સમયને જતાં વાર નથી લાગતી. ગુરૂહરિ પપ્પાજીએ આપણા પર ખૂબ કૃપા કરી છે. જ્યોતમાં આપણી સવાર ગુરૂહરિ પપ્પાજીના અવાજથી પડે છે. ૪.૪૫ વાગ્યે જીવનમંત્ર ગુરૂહરિ પપ્પાજી બોલે છે. એવો સાત વખત જીવનમંત્ર વાગે છે. એની જાગ્રતતા ને જાણપણું રોજરોજ પપ્પાજી રખાવે છે. કવાયત કરાવે છે. દેશમાં લડાઈ હોય કે ના હોય પણ સિપાઈઓ કવાયત કરવા મંડી પડે છે. એમ આપણે સવારથી ધૂન, ભજન, સ્મૃતિ કરીએ છીએ. આપણે શું કરવાનું છે ? તો ગુરૂહરિ પપ્પાજીએ કથાવાર્તામાંથી આપણને સમજાવ્યું. આપણને સરસ ભોજન મળે તો આનંદ આવે પણ એ ક્ષણિક આનંદ છે. પ્રભુ પ્રાપ્તિનો આનંદ કરીએ છીએ એ અખંડ આનંદ થઈ જાય છે. ગુરૂહરિ પપ્પાજી દિવસે દિવસે કથાવાર્તાથી જાગ્રતતા આપે છે. આપણા પર ખૂબ કૃપા કરી છે. આપણે પણ ચિદાકાશમાં રહી સ્મૃતિ કર્યા કરીએ અને ભક્તિનો આનંદ માણીએ, એ પરમેનન્ટ આનંદ છે. એવા ગુરૂહરિ પપ્પાજી આપણને સૌને મળ્યા છે.

 

દરેકને સ્મૃતિ આપી છે. તે વાગોળ્યા કરીએ. સુખીયા તો છીએ પણ પરમ સુખીયા થઈ જઈએ. આપણને અક્ષરધામમાં બેસાડ્યા તો એનું સુખ નિરંતર લીધા કરીએ એ જ ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.

{gallery}images_in_articles/newsletter/2018/Nov/05-11-18 DHANTERAS{/gallery}

 

(૩) તા.૭/૧૧/૧૮ દિવાળી

 

આજે દિવાળીનો શુભ દિવસ. સાંજે ૫.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં શારદા પૂજનની મહાપૂજા સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. 

આ સભાના વિશેષ દર્શન આપ વેબસાઈટ પર માણી શકશો. તેથી અહીં વિરમું છું. 

 

 

(૪) તા.૮/૧૧/૧૮ નૂતન વર્ષ ૨૦૭૫

 

આજે વિક્રમ સંવત પ્રમાણે નવું વર્ષ. ૨૦૭૫ની સાલ. પ્રભુકૃપાના પ્રાંગણમાં રંગોળીમાં ગુરૂહરિ પપ્પાજીનાં ખૂબ સુંદર દર્શન થતા હતાં. સવારે સહુ પ્રથમ બહેનોએ પ્રભુકૃપામાં દર્શન કર્યાં. ત્યારબાદ ભાઈઓ પ્રભુકૃપામાં દર્શનાર્થે પધાર્યા. સવારે ૬.૦૦ વાગ્યે જ્યોત મંદિરમાં પાટોત્સવની આરતી બહેનોએ કરી. ૬.૩૦ વાગ્યે નૂતન વર્ષની મંગલ મિલન સભા જ્યોત પપ્પાજી હૉલમાં થઈ.

{gallery}images_in_articles//newsletter/2018/Nov/NUTANVARSH PRABHUKRUPA DARSHAN{/gallery}

{gallery}images_in_articles//newsletter/2018/Nov/08-11-18 NUTANVARSH MILAN SABHA{/gallery}

 

પૂ.પિયુષભાઈ પનારાએ આપણા સહુ મુક્તો વતી ગુરૂહરિના ચરણે નવા વર્ષની પ્રાર્થના ધરી હતી.

 

પ્રાર્થના 

 

નૂતન વર્ષની શુભ સવાર… પ્રભુ સંબંધની… અલ્પમતિ અને જડ જેવા જીવોને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાનો સંબંધ પમાડી સનાતન સુખ આપવા માટે સાવ અલ્પ સરખા બનીને વરત્યા.

 

જૂનાગઢ પ્રદેશના કાળમીંઢ જેવા જીવોને અક્ષર બ્રહ્મનો અવતાર એવા ગુણાતીતાનંદજીએ એકધાર્યા પરિશ્રમથી પરિવર્તન પમાડી દિવ્ય તાકાતવર કર્યા. ગુણાતીત વારસાના વાહક એવા બ્ર.સ્વ.ભગતજી તો કૂતરાના કપાળે ચાંદલો જોઈ દંડવત્ પ્રણામ કરે એ વાત બુધ્ધિમાં ઉતરે એવી નથી, તોય એમણે એવા વર્તનથી પ્રભુના અલ્પ સંબંધનો મહિમા ઉજાગર કર્યો. સર્વ શક્તિમાન હોવા છતાંય બધું છૂપાવીને ભક્તોએ આપેલા ઝેરને, અપમાનને અને પ્રતિકૂળતાઓને પચાવવાની સામર્થીનું પણ દર્શન શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું. જેના પાયામાં સંબંધયોગની જ એક ગરિમા છલકાતી હતી. 

 

અને યોગીજીએ તો કમાલ કરી ! તુચ્છ જેવા અનેક જીવોની કાંઈ જ જોયા વિના એમની અતિ ઉલ્લાસથી, અતિ ગરીબપણું ધારણ કરીને સેવાઓ કરી લીધી. અપમાનોની સાથે સાથે અકલ્પ્ય અને દુષ્કર શારીરિક કસણીઓ ખમ્યા. આપણું તો મગજ જ કામ ન કરે. ને એમ જ થાય કે આ મહાપુરૂષોએ આવું બધું કરવાની શું જરૂર હતી ? આપણા પ્રાણપ્રિય ગુરૂહરિ પપ્પાજીએ શું કર્યું ? આપણે ક્ષણભર એક જ વિચારને પામીએ કે આપણને પપ્પાજી ના મળ્યા હોત તો ? વિચાર કરતાંય એક કંપારી છૂટી જાય !

 

ક્યાં આ ક્ષુલ્લ્ક જીવ અને ક્યાં એ પરમેશ્વર જગદીશ ! આપણા તો કેટલાય જન્મના નરકનાં પ્રારબ્ધ ઉડાડીને આપણને અક્ષરમુક્તોની પદવીને પમાડ્યા. શું સાધન કર્યાં આપણે ? એવું તો શું જોઈ ગયા આપણામાં ? કે શું હતું આપણામાં એવું કે એને આપણા પર આટલી બધી કૃપા કરી દીધી ? એમના સંબંધમાં આવ્યા એ વાતનેય વર્ષો વીતી ગયાં. પછી પણ આપણે શું આપી દીધું એમને ? અને હવે પછી શું આપી શકીએ એમ છીએ આપણે ? આપણા જીવ પર ર્દષ્ટિ કરીને શિવ બનાવી દીધા. 

 

એવા સંબંધનું માહાત્મ્ય કે દાસત્વ પામવું બહુ દુર્લભ જરૂર છે. પણ અશક્ય તો નથી જ. અસ્ત થઈ રહેલા સૂર્યએ પૂછ્યું, મારું કામ કોણ કરશે ? આખું વિશ્વ નિરૂત્તર રહ્યું.! ત્યારે એક માટીના કોડીયાએ કહ્યું, મારાથી બનતો પ્રયત્ન જરૂર કરીશ. 

 

હે મહારાજ ! હે ગુણાતીત સ્વરૂપો ! હે પપ્પાજી મહારાજ ! તમારા સંબંધ વગર અમારૂં કોઈ જ અસ્તિત્વ નથી. તો તમે અમને જે કાર્ય, સેવા કે કર્મયોગ માટે નિમિત્ત બનાવો તેમાં માહાત્મ્ય સહિત છતાંય અકર્તાપણાના અનુસંધાન સાથે જ પ્રવૃત્ત થવાની શક્તિ આપજો. કદાચ અમારા દ્વારા અનંત પ્રકાશ ફેલાય તોય એ કદી ભૂલાય નહી કે અમે માત્ર માટીના કોડીયા છીએ અને પ્રકાશ તો આપનો જ છે. બસ, આટલી કૃપા કરો એ જ નવા વર્ષની પ્રાર્થના.

 

૧૧.૦૦ વાગ્યે બહેનોએ પ્રભુકૃપામાં અન્નકૂટનાં દર્શન કર્યાં. ત્યારબાદ ભાઈઓએ પ્રભુકૃપામાં અન્નકૂટ થાળ-આરતી કર્યાં. ત્યારબાદ બહેનોએ જ્યોત મંદિરમાં સ્વરૂપોના સાંનિધ્યે અન્નકૂટ થાળ-આરતી કર્યાં. આ વખતના અન્નકૂટમાં અમદાવાદ મંડળના મુક્તોએ ખૂબ સરસ આઈડીયા કર્યો હતો. શ્રીજી મહારાજ ગુરૂહરિ પપ્પાજીને સાથે લઈને અક્ષરધામમાંથી પધાર્યા તેની ખૂબ સરસ સજાવટ અન્નકૂટમાં કરી હતી. કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દીનો સમૈયો આવી રહ્યો છે. ઘણા બધા મુક્તો પરદેશથી પધારવાના છે. તે સ્મૃતિ સાથે નાનક્ડું એવું એરપોર્ટ પણ બનાવ્યું હતું. નાની એવી ‘શતાબ્દી રેસ્ટોરન્ટ’ પણ બનાવી હતી. આબેહૂબ દર્શન અન્નકૂટમાં ખૂબ સરસ રીતે થતાં હતાં. સૂકી અને ભીની એમ બધી આઈટમ થઈને લગભગ ૧૦૦૧ વાનગીઓ અન્નકૂટમાં ધરી હતી. ગુરૂહરિ પપ્પાજી સહુ મુક્તોનો ભાવ ગ્રહણ કરતા હોય તેવી અનુભૂતિ દર્શન કરનાર સહુ મુક્તોને થતી હતી. 

{gallery}images_in_articles//newsletter/2018/Nov/08-11-18 ANNKUT DARSHAN MANDIR{/gallery}

 

સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ભાઈબીજ નિમિત્તે સભા કરી હતી. આજના દિવસની બંને સભા અને અન્નકૂટનાં વિશેષ દર્શન આપ વેબ સાઈટ પર કરી શકશો. તેથી અહીં વિરમું છું. 

{gallery}images_in_articles/newsletter/2018/Nov/08-11-18 BHAIBIJ SABHA{/gallery}

 

યુ.એસ.એ મંડળના મુક્તોએ ન્યુજર્સીમાં પૂ.સંજયભાઈ તથા પૂ.અમીભાભીના ઘરે ભેગા મળી અતિ ઉત્સાહ અને ઉલ્લાસથી અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો હતો. ૧૭૮ વ્યંજનોનો થાળ શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી મહારાજ અને સર્વ સ્વરૂપોને ધરાવ્યો હતો. સમૂહમાં થાળ ગાયા હતા. ત્યારબાદ એક આરતી ભાઈઓએ અને એક આરતી બહેનોએ કરી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી અને ગુરૂહરિ પપ્પાજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

 

જોગાનુજોગ આજે પૂ.સની અંકલનો જન્મદિવસ હતો. તેમનું પૂજન કરી ૭૩ તાળીઓથી વધાવ્યા હતા. અન્નકૂટનો પ્રસાદ તથા મહાપ્રસાદ જમી હર્ષોલ્લાસથી સહુ છૂટા પડ્યા.

 

(૫) તા.૧૦/૧૧/૧૮ મંદિરમાં મહાપૂજા

 

મુંબઈના નિષ્ઠાવાન સત્સંગી મલાડવાળા મણીભાઈના નાના ભાઈ દિનેશભાઈ પરમાર ધામમાં ગયા, તે નિમિત્તે તેમના કુટુંબીજઓએ મહાપૂજા કરાવી બહેનોને થાળ જમાડ્યો હતો. પૂ.ઈલેશભાઈએ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા.

 

(૬) તા.૧૨/૧૧/૧૮ લાભ પાંચમ

 

આજે શુભ મુહૂર્તનો દિવસ. જ્યારે જે પળે જે કાર્ય કરો તે સાકાર બને એવો દિવસ.

આજના દિવસમાં રાજકોટ જ્યોત શાખાના મહંત શ્રી પૂ.વનીબેન ડઢાણિયાએ રાજકોટ જ્યોતમાં ખૂબ સુંદર આયોજન કર્યું હતું. રાજકોટ ઝોનના જે મુક્તો દિવાળીના સમૈયામાં વિદ્યાનગર ના પધારી શક્યા હોય તે મુક્તો આજે રાજકોટ જ્યોતમાં શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીના દર્શનાર્થે પધારે. નાની એવી સભા કરે. થાળ-આરતી કરે. પધારનાર દરેક મુક્તો મહાપ્રસાદ પણ ત્યાં જ લે. અને કેલેન્ડર અને અન્નકૂટનો પ્રસાદ લઈ જાય.

 

એવું જ આયોજન માણાવદર જ્યોતમાં પૂ.પ્રતિક્ષાબેને અને બહેનોએ કર્યું હતું. ત્યાંના મુક્તોએ પૂ.મનીબેનના સાંનિધ્યે સભા, થાળ-આરતી કર્યાં હતાં, મહાપ્રસાદ લીધો હતો. અને સર્વે મુક્તોને કેલેન્ડર અને અન્નકૂટનો પ્રસાદ આપ્યો હતો.

 

આમ, દીપોત્સવીના પર્વો લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. નૂતન વર્ષે ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થીએ કે, સદાય સાથે રહેજો, રક્ષા કરજો. ૨૦૭૫ની હરેક પળ સનાતન બને. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વેને નૂતન વર્ષ ૨૦૭૫ના ભાવભર્યા જય સ્વામિનારાયણ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ ! રાજી રહેશો.

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !