01 to 15 Nov 2019 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧/૧૧/૧૯

 

આજે ૧લી નવેમ્બર પ.પૂ.જશુબેનનો ૮૭મો પ્રાગટ્યદિન. પ્રેમ અને પ્રાર્થનાથી આપણા સહુનુ જતન કરી રહ્યાં છે. એવા ગુરૂહરિ

પપ્પાજીના વારસ સ્વરૂપ પ.પૂ.જશુબેનના ચરણોમાં અમ સહુનાં પાયલાગણ સહ જય સ્વામિનારાયણ.

આજે પૂ.શોભનાબેનનો પણ ૫૭મો સ્વરૂપાનુભૂતિદિન

શોભનાબેન એટલે પ્રભુમાં અતૂટ વિશ્વાસ, સહુને કરાવે એ મૂર્તિનો સાક્ષાત્કાર…

શોભનાબેનને ભક્તોમાં અતૂટ નિર્દોષભાવ, સહુને સ્પર્શે એમનો ગુણાતીતભાવ…

શોભનાબેન બન્યા પ્રભુની પરછાંઈ, સમર્પણ એમના લખ્યા ન લખાય…

એવા દિવ્યભાવની શોભા વધારતાં શોભનાબેનને કોટિ કોટિ વંદન…

આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં અને પોતાના પ્રાર્થનાભાવો ગુરૂહરિના ચરણે ધર્યા હતાં. 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ ૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પરદેશના હરિભક્ત પૂ.નેહાબેન પાનખનીયાના દીકરા પૂ.વિવેકનો જન્મદિવસ નજીકના દિવસોમાં આવતો હોવાથી તેમણે આજે ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો. અને નાના દીકરા પૂ.કલ્યાણે પ.પૂ.દેવીબેનને હાર અર્પણ કર્યો હતો. 

પરદેશના મુક્ત પૂ.ગોરધનભાઈ લાખાણીએ તેમના ૮૦મા પ્રાગટ્યદિન નિમિત્તે તેઓએ અને તેમના ધર્મપત્ની પૂ.ચંદ્રિકાબેન લાખાણીએ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કરી સ્વરૂપોના આશીર્વાદ લીધા હતાં.

આજની કીર્તન આરાધનામાં પહેલાં બહેનોએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં લીન કર્યા હતાં. અંતમાં પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, કળિયુગમાં કલૌકીર્તનાદ એ ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ સાધન છે. ધૂન-ભજનથી આપણા બધા ચામાચિડીયા ભાગી જાય. ગુરૂહરિ પપ્પાજીએ આપણને ખૂબ સુખીયા કર્યા છે. દુનિયામાં બધા ભગવાન શોધવા જાય એવા ભગવાન આપણને કૃપામાં મળ્યા. એવા ભગવત સ્વરૂપ સ્વરૂપો આપણને આપ્યા. પ.પૂ.સોનાબાની આજ્ઞા કે રોજ અડધો કલાક ધૂન કરવી. ધૂન એ સર્વોપરી ઉપાય છે. ગમે તેવા પ્રસંગોમાં પણ ધૂનનો જ ઉપાય લઈએ. એવા રૂડા આશીર્વાદ પ.પૂ.દેવીબેને આપ્યા હતાં.

અંતમાં પૂ.ઈલેશભાઈએ સુહ્ર્દભાવની ધૂન કરાવી આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી. 

આ કીર્તન આરાધનાના લાઈવ દર્શન આપે વેબસાઈટ ઉપર કર્યા હશે. તેથી અહીં વિરમું છું. 

 

(૨) તા.૮/૧૧/૧૯ પ્રબોધિની એકાદશી

 

આજે શાકોત્સવનો શુભ દિવસ. સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સભા કરી હતી. આજની સભામાં પ.પૂ.દેવીબેને પરમના પથિક્માંથી કૃપાલાભ આપતાં કહ્યું કે, કોઈની ક્રિયાના કાજી થશો નહીં. બનાય તો સુહ્રદ બનજો. તો પ્રભુના કૃપાપાત્ર બની જશો. જ્ઞાન તો આપણને બધાય ને છે. પણ ટાણે કાજી થઈ જવાય છે. આપણને આપણી જાતનો દોષ ના જ લાગે. નિર્દોષ બુધ્ધિ આપણને ના રહે તો માહાત્મ્યેયુક્ત સેવા કરીએ. ગુરૂહરિ પપ્પાજીને કર્તા હર્તા માનીએ. પપ્પાજીને આપણું વર્તન જોઈએ છે. એના માટે અખંડ જાણપણું ને જાગ્રતતા રાખીએ. ગુરૂહરિ પપ્પાજી આપણને શું કરાવવા માંગે છે તે વિચારને પામીએ. ભગવાને આપણને બુધ્ધિ આપી છે તો સુહ્રદ પ્રાર્થના કરવાની છે. ગુરૂહરિ પપ્પાજીએ આપણને ઘણું ભાથું આપ્યું છે. એમની કૃપાથી ધીમે ધીમે આપણે આગળ વધ્યા. આપણી બુધ્ધિ રાણીને આપણે કહીએ, કે તું પપ્પાજીના સંબંધવાળા આગળ નમતી રહે, ખમતી રહે. તો આપણું અક્ષરધામનું સુખ જશે નહીં. ગુરૂહરિ પપ્પાજી આમાં રાજી થશે. આપણે આવું જાણપણું રાખીને આપણા મનને હરાવવાનું છે. તારદેવ અખંડ કથાવાર્તાનો અખાડો ચાલુ જ હોય. જેનામાં જેટલું જોર એટલી સેવા પપ્પાજીએ કરાવી છે. બળને પમાડ્યા છે. અને દિવસે દિવસે અક્ષરધામના સુખ, શાંતિ ને આનંદ વધતાં જ જાય એવા પપ્પાજીએ આપણને સૌને સુખિયા કર્યા છે. 

આજે શાકોત્સવ નિમિત્તે જ્યોત મંદિરમાં ખૂબ સરસ શાકભાજીનું ડેકોરેશન કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર ‘સંપ, સુહ્ર્દભાવ, એકતા’નું લખાણ તેમાં કર્યું હતું અને સમન્વય પર્વ નજીક આવી રહ્યો હોવાથી ‘સમન્વય પર્વની જય’ એવું લખાણ પણ કર્યું હતું. સાંજે ૬.૩૦ થી ૭.૦૦ દરમ્યાન સ્વરૂપો અને બહેનોએ દર્શન લાભ લીધો હતો. ત્યારબાદ સ્વરૂપોએ આરતી કરી હતી.

પ્રભુકૃપામાં પણ નાનું એવું શાકભાજીનું ડેકોરેશન કર્યું હતું, અને વિધ વિધ પ્રકારના શાકભાજી શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ધર્યા હતાં. સદ્દગુરૂ સ્વરૂપોએ આરતી કરી હતી. 

નડિયાદ જ્યોત શાખા મંદિરમાં પણ આજે શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.કાકાશ્રી સમક્ષ વિધ વિધ પ્રકારના શાકભાજી ધર્યા હતાં. વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું હોવાથી વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય એવું લખાણ કર્યું હતું. 

 

{gallery}images_in_articles//newsletter/2019/Nov/8-11-19 prabodhini ekadashi Shakotsav in jyot mandir{/gallery}

 

(૩) તા.૧૨/૧૧/૧૯ દેવદિવાળી

 

આજે દેવદિવાળીનો શુભ દિવસ. દેવદિવાળી એટલે શંકર ભગવાને ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો. અને તેની ખુશાલીમાં આખી નગરીમાં દીપ પ્રગટાવી ઉજ્જવળ કરી અને દાન કર્યું. એ દિવસ એટલે દેવદિવાળી.

આપણાં માટે આધ્યાત્મિક દેવદિવાળી. એટલે શું ? તો આપણે આપણાં અંતરના દીવા પ્રગટાવી દાન કરીએ. શેનું દાન કરીએ ? તો પ.પૂ.જશુબેને એક ભજનમાં ખૂબ સુંદર લખ્યું છે. આપણે સહુ પણ આજના શુભ દિને એ પ્રાર્થના ગુરૂહરિ ચરણે ધરીએ.

દાન, દક્ષિણા ને પૂજામાં, હઠ, માન ને ઈર્ષા…

જે કંઈ ‘હું’ ને ‘મારું’ દેહભાવ મનગમતાં…

 

(૪) તા.૧૫/૧૧/૧૯ પ.પૂ.સવિબેનનો ૭૫મો પ્રાગટ્યદિન

 

પૂ.સવિબેનનો કેન્દ્ર નંબર૧૫ છેએટલે આજના મંગલદિનથી સમન્વય પર્વનો શુભારંભ થયોતે શું તો ? પ.પૂ.જ્યોતિબેનનું પ્રથમ સર્જન એવા અનાદિ મુક્તરાજ પૂ.સવિબેનના જીવન કવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્ર્મ તેઓના અમૃતપર્વની ઉજવણી નિમિત્તે થયો હતો. પૂ.સવિબેનના અમૃતપર્વના સમૈયાની થીમ તેમના જીવન દર્શનના હાર્દ રૂપે હતી. તે શું તો ? મીણબત્તીરૂપ સવિબેન પ્રગટીને ઓગળીને પ્રકાશ ફેલાવતા રહ્યાં. તે પ્રકાશમાં પતંગિયું બની ભૂલકાંઓ હોમાઈ જઈએ. એવા સમર્પણના ભાવ સાથેનું પૂ.સવિબેનના ભૂલકાંઓએ અમૃતપર્વની ઉજવણીનો માહોલ ખડો કર્યો હતો.

પ્રભુકૃપામાં બે દિવસ પહેલાંથી શ્રી ઠાકોરજી મહારાજ સુશોભિત થઈ બિરાજમાન હતાં. ગુરૂહરિ પપ્પાજી મહારાજ ખુલ્લી પાંદડીવાળા પીળા અને લાલ કમળના આસનમાં બિરાજમાન થઈ શોભતા હતાં.

આજે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ પૂ.સવિબેનના આદર્શ જીવન દર્શન ઉપર સાંસ્કૃતિક કાર્યક્ર્મ સાથે ભાવાર્પણ કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્ર્મનું નામ હતું ‘અમ પ્રેમ સદા ભરપૂર રહો’ આ ભજનની પંક્તિ એ સવિબેનના જીવનનો પ્રારંભ હતો.

સવિબેન સૌરાષ્ટ્રમાં સરદારગઢ ગામે સત્સંગી માતા-પિતાને ઘરે પ્રગટ્યા. નાનપણમાં ખૂબ તેજસ્વી અને આજ્ઞાપાલક હતાં. ૧૪ વર્ષની વયે સવિબેને પોતાની સાહેલીઓ સાથે બોળચોથ ઉજવવા જવાને બદલે પિતાની આજ્ઞાથી ઠાકોરજી અને વચનામૃતની પૂજા-પ્રદક્ષિણા કરીને ઉજવી. ખબરદાર તો એવા કે, ડેલી ખખડે એટલે હાથમાં ડંગોરો લઈ ખોલવા જતાં. ગોંડલ અક્ષરડેરીમાં પ્રદક્ષિણા-ધૂન કરતાં. એક વખત ગોંડલ મંદિરે સમૈયામાં પ.પૂ.સોનાબા પધાર્યા. સોનાબાએ તેમને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. અને ભજન ગાવાનું કહ્યું, તો સવિબેને ભજન ગાયું ‘અમ પ્રેમ સદા ભરપૂર રહો, ગુરૂ યોગી તમારા ચરણોમાં..’ અને પછી સોનાબાને કહ્યું, બા મારે ભગવાન ભજવા છે. એટલે સોનાબાએ પ.પૂ.જ્યોતિબેનનો સમાગમ જોગ આપ્યો. ઘરે રહી બિમારીમાંય સૂતાં સૂતાં ભજન કરે. તે હાંક પહોંચી છેક તારદેવ ગુરૂહરિ પપ્પાજીને અને સુંદર સુયોગ સંગમ આણંદમાં પૂ.મણીબેનના ઘરે થઈ. 

સવિબેનને હાર્ટની બિમારીની સારવાર માટે હરિભાઈ સાહેબ માણાવદરના ચૈતન્ય માધ્યમ સાથે આણંદ આવવાનું થયું. ગુરૂહરિ પપ્પાજી વડોદરા કોઈ સંબંધીના લગ્નમાં આવવાનું નિમિત્ત ઉભું થયું. ત્યાંથી આણંદ પધાર્યા. હરિભાઈ મળ્યા. સવિબેનને દવા નિમિત્તે મુંબઈ લઈ જવાનું બંને મળી ગોઠવ્યું. સવિબેન સાથે હતાં. તેનાથી ખાનગીમાં સવિબેનને જણાવવાનું. તેથી ન્યુઝપેપર ઉપર હરિભાઈએ લખી આપ્યું કે, મુંબઈ બાબુકાકા સાથે તારે જવાનું છે. આ રીતે મુંબઈ પૂ.સોનાબાના ઘરે લઈ આવ્યા. હાર્ટની બિમારી હોવાથી બાના ઘરે નીચે રાખ્યા. ડૉ.દસ્તૂરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે, ‘આમને કાચની પૂતળીની જેમ સાચવજો.’

આ નિદાન સાંભળી સવિબેનને અરેરાટી થઈ કે, અરર..મારે આ બધાની સેવા કરવાની હોય તેને બદલે મારે સેવા લેવાની ? મારે મરી જ જવું છે. વિચારી દવા લેવાની બંધ કરી, માથે ઓઢી સૂઈ ગયા. જ્યોતિબેને ઉઠાડ્યા અને ભજન કરવાની ચાવી બતાવીને હાર્ટની બિમારી રૂપ તાળાની ચાવી લાગી ગઈ. કાળરૂપ હાર્ટને ભજનરૂપી ચાવીથી સવિબેને સોરઠના સિંહની જેમ ત્રાડ નાખી કાળને ભગાડ્યો. સેવામાં લાગી ગયા. ગણેશપુરી, વર્સોવા શિબિરમાં બધા મુક્તોના કપડાં ધોવે, સૂકવે, ઘડીવાળી પેર કરી મૂકે. 

{gallery}images_in_articles//newsletter/2019/Nov/15-11-19 P.P.SAVIGBEN AMRUTPARVA BHAVARPAN SABHA{/gallery}

 

ધર્મિષ્ઠાબેનની બિમારીમાં તેમની મોટી બહેન બનીને સેવા કરીને બા-લલિતાભાભીની ખૂબ પ્રસન્નતા લીધી છે. આમ, કાચની પૂતળીએ તો ભજનથી કમાલ કરી અશક્ય શક્ય બનાવ્યું. 

ઈ.સ.૧૯૬૬માં જ્યોતમાં ૫૧બહેનો સાથે રહેવાનું ગોઠવાયું. ત્યાં પણ જ્યોતનો બાંધકામ, સમારકામ, બંબો પેટાવવો, કુલરની સ્વીચ ચાલુ-બંધ કરવી, પાગરણ, ભંડારની બધી ચીજ-વસ્તુ સંભાળવાની અને બહેનોને આપવાની વગેરે સેવા જ્યોતિબેનની સાથે રહી સંભાળી. જ્યોતિબેનને તે સેવામાંથી ફ્રી કર્યા. તે વખતની જ્યોતની આર્થિક સ્થિતિ નબળી હતી. ખૂબ ત્રેવડથી ચલાવવાનું તેમાં બહેનોને કહેવું પડે, ના પાડવી પડે. તો કોઈ મુક્ત દુઃખાઈ જાય તો મારી સ્થિતિ ના થાય. તેવા આંતરિક રાંકભાવે ગુરૂહરિ પપ્પાજીને વાત કરી. ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, તેનું પાપ પોતાના માથે લીધું. અને નાનકડા દેહધારી સવિએ તો ભારે સેવા પણ રાત-દિવસ સજાગ રહીને કરી લીધી.

દેહમાં અનેક બિમારીઓ વારાફરતી આવીને ગઈ. સવિબેને સેવા ચાલુ રાખી. અરે, પાણીની અગવડ હતી તેથી આપણી ફેક્ટરીએ બહેનોના કપડાં ધોવા જવાનું થયું. તે ટુકડીના હેડ તરીકે પણ સવિબેન હતાં. જ્યોતશાખામાં પણ ગુરૂ તરીકે આજ્ઞાથી રહ્યાં. જ્યોતિબેનના હરિભક્તોને મહિમા ગાવાની સેવા તો હતી જ. વળી, ભગવાન ભજવા તેઓના આશરે ૧૫ બહેનો આવ્યા છે. આમ, આત્માનું જતન પણ કર્યું છે. 

છેલ્લા વર્ષોમાં તેઓએ આરામ સાથે ભજન જ કર્યા કર્યું છે. કાનની સાંભળવાની તકલીફ, હાર્ટ સર્જરી બધામાં જે સંપર્કમાં આવે તેને સવિબેન ભગવાન ધારક છે. તેવી અનુભૂતિ થતી રહી છે. ક્યારેય પોતાના માટે પપ્પાજી પાસે સાજા થવાની કે સાંભળતા થવાની માંગણી કરી નથી. હા, ચૈતન્યો તેવી માગણી કરે, ભજન કરે, એ બિમારીને પણ ભજન કરાવી લેવામાં પ્રભુ વાપરી રહ્યાં છે. આમ, લીલાનું દર્શન કરી, સવિબેને બસ સામે આવનાર મુક્ત પાસે મહિમાનું ગાન કરતાં રહ્યાં. સવિબેનની દાસત્વભક્તિ એવી હતી કે, સંબંધવાળા ભક્તોને ગુરૂ-ગુરૂહરિનો મહિમા ગાઈને જોડતાં. 

પૂ.સવિબેને ઈ.સ.૨૦૧૬માં ૨૨મી ઑગષ્ટે અનેક બિમારીમાં આશ્રિતોને ભજન કરાવી, જતન કરાવીને પ્રાપ્તિ કરાવીને અક્ષરધામ ગમન થયાં.

 

પ.પૂ.જ્યોતિબેનની પ્રત્યક્ષ હાજરીમાં પૂ.સવિબેનના અમૃતપર્વની ઉજવણીની તૈયારી થઈ ગઈ હતી અને પ.પૂ.જ્યોતિબેને બિમારી ગ્રહણ કરી. અને જાણે ઓચિંતા દેહત્યાગ કરી દીધો.

એકવાર પ.પૂ.જ્યોતિબેને વચ્ચે કહેલું કે, મારો સમન્વય પર્વ અને સવિબેનનો

અમૃતપર્વ નો સમૈયો સાથે સળંગ ઉજવવો છે. જેથી બે વખત હરિભક્તોને 

આવવા-જવાનો ખર્ચ ના થાય.

પ.પૂ.જ્યોતિબેન બોલેલા તેવું જ થયું. અમૃતપર્વ અને સમન્વય પર્વ બંને સમૈયા સાથે જ ઉજવાયા. તેની સ્મૃતિ આપણે આવતા ન્યુઝલેટરમાં માણીશું. આ કાર્યક્રમ પણ આપે વેબસાઈટ પર નિહાળ્યો હશે. તેથી અહીં વિગતે નથી લખ્યું પણ જીવન દર્શનનું મહિમાગાન લખ્યું છે. રાજી રહશો.

 

મ, આખું પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !