સ્વામિશ્રીજી
ગુરૂહરિપપ્પાજીનીજય
કાકાજી–પપ્પાજીબંધેબેલડીશતાબ્દીમહોત્સવનીજય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ !
ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રિય ઉત્સવ એવો નવરાત્રિ પર્વ લઈને આવેલું છે. તો ચાલો તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.
(૧) તા.૧/૧૦/૧૮ પૂ.કમુબાનો ૯૬મો પ્રાગટ્યદિન
પૂ.કમુબાનો ૯૬મા પ્રાગટ્યદિનની ઉજવણી સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી. પ્રથમ ૫૧ બહેનોમાંનું વડીલ સ્વરૂપ એટલે પૂ.કમુબા.
પૂ.કમુબા એટલે માહાત્મ્યેયુક્ત સેવાનું સ્વરૂપ. બહુ તેજસ્વી સ્વરૂપ. ભક્તોની-સ્વરૂપોની મૂર્તિ લૂંટી લીધી છે ને પ્રસન્નતાનું પાત્ર બન્યા છે. ગુરૂહરિ પપ્પાજીના મોસાળ નડિયાદના પ્રસાદીના ધામના ગુરૂહરિ પપ્પાજીના વિશ્વાસુ સેવક છે.
શ્રી ઠાકોરજીને, ગુરૂહરિ પપ્પાજીને અને પૂ.કમુબાને હાર અને કલગી અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું.
પૂ.કમુબાના માહાત્મ્યગાનમાં પૂ.જયુબેન, પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણીએ લાભ આપ્યો હતો.
પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, કમુબા એટલે Ever Fresh. બહુ રમૂજી. અમે ગોંડલમાં ભેગાં થયેલાં. બીજા દિવસે બેસતું વર્ષ હતું. જ્યોતિબેનને વિચાર આવ્યો કે કાલે બેસતું વર્ષ છે તો આખી અક્ષરડેરી ધોવી છે. ત્યારે હું નાની હતી, પાણીની ડોલ ભરી ભરીને આપતી. ત્યારે કમુબાની દ્રષ્ટિ પડી ગઈ. આ છોડી સારી સેવા કરે છે.
૨૪ કલાક અહોહોભાવમાં જ રહે. કોઈ અપેક્ષા જ નહીં. આદર્શ નિર્માનીપણાનો ગુણ છે. આનંદ ને અક્ષરધામની અલમસ્તાઈમાં જ રહે. જ્યારે જે સેવા મળી એ ઉમંગથી કરી લીધી છે. ગુરૂહરિ પપ્પાજીને આપણને હસતાં-રમતાં પરમ ભાગવત સંત બનાવવા છે. એટલે કમુબાના આશીર્વાદ મેળવીએ કે અમને જે સોનેરી તક મળી છે. એનો ઉપયોગ કરી લઈએ. ગુરૂહરિ પપ્પાજીને સાચા અર્થમાં ઓળખી લીધા. રાજી કરી લીધા.એમાં અમારો દેહ કે દેહભાવ આડો ના આવે ને અમે પણ રાજી કરી લઈએ એ જ પ્રાર્થના.
અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ઉત્તરોઉત્તર એકાંતિક ધર્મ સિધ્ધ કરવાની રીત સહેલી થતી જાય છે. ગણેશપુરીમાં ચાર બહેનો સાથે પાંચમા કમુબા હતાં. સેવા ફરિયાદ કર્યા વગર કર્યા જ કરી. ભગવાને ભગવાનનું કામ કર્યું. ૫૦૦ પરમહંસ હતા, એમાં ગુણાતીતને વારસદાર બનાવ્યા. એમને કાંઈ નહોતું. કાઠી, કોળી, કણબી બધાને ભગવાનની નિષ્ઠા કરાવી. મહિમાની વાત જ કર્યા કરી છે. કમુબા તારાબેન જેવાં બહુ છૂપાં. એમને ગમે તે સેવામાં મૂકી શકાય. સેવાની તક લૂંટી લીધી. કાશીબાને સેવાનો વારસો આપ્યો.
{gallery}images_in_articles//newsletter/2018/Oct/01-10-18.P.P.KAMUBA 97TH PRAGTYADIN SABHA{/gallery}
આમ, આજની સભાની પૂર્ણાહુતિ થઈ હતી.
આજે સવારે સમૈયો હોવાથી બહેનો સાંજે ૫.૦૦ થી ૬.૩૦ પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને ગુરૂહરિના ચરણે પ્રાર્થનાભાવો ધર્યા હતા.
*કીર્તન આરાધના
રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. આજની કીર્તન આરાધનામાં બાલિકા, કિશોરી, યુવતી મંડળની સભાનું ઉદ્દઘાટન પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કર્યું હતું. આણંદ, વિદ્યાનગરની દીકરીઓને સભાનો-સત્સંગનો લાભ મળે. સારા સંસ્કાર પ્રાપ્ત થાય. સમાજમાં સારા નાગરિક બનીને રહે તેવા હેતુથી આ સભાનું આયોજન કર્યું છે. સભાના જવાબદાર પૂ.ડૉ.પંકજબેન,પૂ.શુભીબેન તૈલી છે. મદદનીશ પૂ.મધુબેન ભાલાળા, પૂ.ઈલાબેન મારડીયા અને પૂ.નીલાબેન ટીલવા છે. અત્યારે દર મહિનાની ૧લી તારીખે સભા રાખી છે. પછી સંજોગો અનુસાર અઠવાડીક સભાનું આયોજન કરશે.
આજની કીર્તન આરાધનામાં પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા.
{gallery}images_in_articles//newsletter/2018/Oct/01-10-18 KIRTAN AARDHNA{/gallery}
(૨) તા.૨/૧૦/૧૮ સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.પદુબેનનો ૪૮મો સ્વરૂપાનુ ભૂતિ દિન
અક્ષરધામના પૂર્વના મુક્તોને ઓળખવા ન પડે. “આ જ પદુને !” ત્યારથી ગુરૂહરિ પપ્પાજીના કાર્યના ભાગીદાર થઈ ગયા ને માહાત્મ્ય ને પ્રાપ્તિનો કેફ રોમરોમમાં વણાઈ ગયો ને આપણને સનાતન સત્ય આપ્યું. (૧) શ્યામની સ્નેહભરી સ્મૃતિમાં નિરંતર રત રહો. (૨) મારામાં કાંઈ નથી ને સામા મુક્તમાંય કાંઈ નથી.
ગુરૂહરિ પપ્પાજીએ આપણને ખૂબ ગોખાવ્યું ને સરળ રાહે ચાલતાં કર્યા. ગુરૂહરિ પપ્પાજી કહેતા, આ પદુએ વગર મૂંઝવણે સ્થિતિ કરી છે. કેમ ? જ્યારે જે પળે જે કંઈ પ્રસંગ બન્યા, તેમાં સહજ કર્તાહર્તાપણું માની સહર્ષ સ્મિત કર્યા કર્યું. એવા માહાત્મ્યસભર પ.પૂ.પદુબેનને કોટિ વંદન !
એવા પ.પૂ.પદુબેનના ૪૮ મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ દરમ્યાન ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.
આ સમૈયાનાં વિશેષ દર્શન આપ વેબ સાઈટ અને યુ ટ્યુબ દ્વારા માણી શકશો, તેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles//newsletter/2018/Oct/02-10-18 P.P.PADUBEN SWARUPANUBHUTIDIN{/gallery}
*પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પની મહાપૂજા
પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન તા.૭મીએ કરવાના હોવાથી તે નિમિત્તે જ્યોતનાં બહેનોએ સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. પ.પૂ.જ્યોતિબેને ૮૫ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો એટલે ૮૫ બહેનો આ મહાપૂજામાં બેઠાં હતાં. અને પ.પૂ.જ્યોતિબેનને હ્રદયાંજલિ અર્પણ કરી હતી. પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરાવી હતી. મહાપૂજા બાદ પ.પૂ.પદુબેન, પ.પૂ.દીદી અને પ.પૂ.જસુબેનના આશીર્વાદ લીધા હતા.
આ મહાપૂજાનાં વિશેષ દર્શન આપ વેબસાઈટ પર અને યુટ્યુબ દ્વારા માણી શકશો. તેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles//newsletter/2018/Oct/03-10-18 P.P.PADUBEN DIVYA KALAS MAHAPOOJA{/gallery}
(૩) તા.૫/૧૦/૧૧ પ.પૂ.જ્યોતિબેનના દિવ્ય પુષ્પ કળશની પ્રસ્થાન યાત્રા
સાંજે ૪.૩૦ થી ૭.૦૦ પ.પૂ.જ્યોતિબેનના દિવ્ય પુષ્પ કળશની પ્રસ્થાન યાત્રા જ્યોત પરિક્રમા રૂપે જ્યોતના બહેનોએ કરી હતી. દરેક બહેનોએ વારાફરતી પુષ્પ કળશ હાથમાં લીધો હતો.
ગુણાતીત જ્યોત..જ્યોતિ આવાસ પ્રભાત રૂમ નં-૩૧માં પ.પૂ.દેવીબેન અને ગ્રુપનાં બહેનોએ પૂજન કર્યાં હતા. ત્યાંથી સહુ પ્રથમ શતાબ્દી ગ્રુપ, પ્રસન્ન ગ્રુપ અને સોના ગ્રુપનાં બહેનો પરિતોષ ચોકમાં લઈ આવ્યાં હતાં. ત્યાં ભક્તિ ગ્રુપના બહેનોએ પૂજન-હાર અર્પણ કર્યાં. ત્યાંથી પંચામૃત હૉલમાં પ્રાર્થના-પૂજા કરી પ્રદક્ષિણા સહ મંદિરમાં પૂજન-હાર કરી, દિવ્ય પ.પૂ.સોનાબાના આવાસે દર્શને જઈ ‘પપ્પાજી હૉલ’ માં પ્રવેશ કરી અનંત ઉત્સવ સ્મૃતિના પ્રસાદીના હૉલમાં મંચ ઉપર બિરાજી ગુરૂહરિ પપ્પાજીસ્વરૂપ ગુરૂસ્વરૂપોએ પુષ્પાંજલિ અર્પણ કરી.
સહુ ગુણાતીત જ્યોતનાં વ્રતધારી સાધક બહેનોએ પંચાગે પ્રણામ કરી પ્રાર્થના ભાવ ધરી હ્રદય વંદના કરી, પાયલાગણ કર્યાં.
સૌનો પ્રેમ સહુ મુક્તોએ પોતાના હ્રદયમાં સ્થાપિત કર્યો. કોઈ સ્વરૂપો ગયા નથી જ, ને જવાનાં નથી જ, સદાય સાથે જ છે. જ્યોતિની જ્યોત અમર રહેશે. આજના આ દિવ્ય પ્રસંગે અશ્રુભીની આંખે સહુ બહેનોએ પ.પૂ.જ્યોતિબેનને હ્રદયાંજલિ અર્પણ કરી હતી.
દિવ્ય પુષ્પ કળશ પ્રસ્થાન યાત્રાનું વિશેષ દર્શન આપ વેબસાઈટ અને યુટ્યુબ દ્વારા માણી શકશો, તેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles//newsletter/2018/Oct/05-10-18 ASTHI PUSPA Prasthan yatra{/gallery}
(૪) તા.૭/૧૦/૧૮ પ.પૂ.જ્યોતિબેનનાં અસ્થિ પુષ્પ વિસર્જન નર્મદા નીરમાં
આ ભાદરવો માસ એટલે આપણા પ્રાણાધાર ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો પવિત્ર માસ. તેમાં સુયોગ સરસ રીતે થયો છે. આપણી અક્ષરવાટ ખોલનાર પ્રથમ ભગિની મેડીના વહાલાં વહાલાં પ.પૂ.જ્યોતિબેનની ૧૦મી માસિક પુણ્યતિથિ, ભાદરવા સુદ-૧૩, તા.૭ ઑક્ટોબર ને રવિવાર. આમ, તેરસ, ૭ અને રવિવાર ત્રણેય એક જ દિવસે છે. આ શુભ સમન્વયમાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જનનું આયોજન કર્યું હતું.
આજે જ્યોતનાં બધા જ વ્રતધારી સાધક બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ ચાણોદ-કરનાલી, પોઈચા પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન માટે ગયાં હતાં.
વહેલી સવારે પ્રભુકૃપા મંદિરમાં ગુરૂહરિ પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે ગુણાતીત પ્રકાશના ભાઈઓએ પુષ્પ કુંભના પૂજન કર્યાં.
પ.પૂ.જ્યોતિબેનનો પુષ્પ કુંભ તેમના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી બ્રહ્મ વિહારમાં ગુરૂહરિ પપ્પાજીના દર્શનાર્થે જઈ ત્યાંથી પપ્પાજી તીર્થ પર ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ કરી પૂ.શોભનાબેનની ગાડીમાં મહાપૂજાના સ્થાને પધરાવ્યો. નર્મદા નદી કિનારે રેવા રિસોર્ટમાં બપોરે ૩.૩૦ થી સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી.
ત્યારબાદ પુષ્પકુંભ ત્યાંથી પ્રસ્થાન કરી નદી કિનારે લઈ ગયા. ત્યાં સદ્દગુરૂ સ્વરૂપોએ અંતિમ પૂજન અને હાર અર્પણ કર્યા. ત્યારબાદ ગુણાતીત પ્રકાશના ભાઈઓએ પ્રથમ ગુણાતીત સમાજનો ધ્વજ લહેરાવી અસ્થિ પુષ્પો નદીમાં પધરાવ્યાં. ત્યારબાદ બધી જ બહેનોએ વારાફરતી અસ્થિ પુષ્પ પધરાવ્યાં. વાતાવરણ જ્યોતિબેન અમર રહો ! ના નારા સાથે ગૂંજી રહ્યું. સૂર્યદેવે પણ આ તેજસ્વી દિવ્ય આત્માને ભગવા રંગથી પ્રકાશી અંજલી આપી હતી. જ્યોતનાં બધાં જ સાધક બહેનોએ આજે ઋણભાવે પ.પૂ.જ્યોતિબેનને અશ્રુભીની આંખે અને ભારે હ્રદયે હ્રદયાંજલિ આપી હતી. આજે પ.પૂ.જ્યોતિબેનને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કર્યાં.
{gallery}images_in_articles//newsletter/2018/Oct/07-10-18 P.P.JYOTIBEN ASHTHI VISARJAN MAHAPOOJA REVA RESORTS{/gallery}
(૫) તા.૧૦/૧૦/૧૮ થી તા.૧૮/૧૦/૧૮ નવરાત્રિ
ગુરૂહરિ પપ્પાજી ઉત્સવપ્રિય છે. એમાંય નવરાત્રિ ઉત્સવ એટલે ગુરૂહરિ પપ્પાજીનો પ્રિય ઉત્સવ. ઉત્સવ સિવાય પણ કસરતના ભાગરૂપે પણ ગમે ત્યારે સભા બાદ રાસ-ગરબા કરાવતા. ગુરૂહરિ પપ્પાજીની આ ઉત્સવની એક સ્મૃતિ માણીએ.
ઈ.સ.૧૯૮૦માં ગુરૂહરિ પપ્પાજી ઈંગ્લેન્ડ ગયા. ત્યાં ‘આઈલ ઑફ વ્હાઈટ’માં ૧૪ થી ૧૯ તારીખ સુધી ‘હરિવર્તન’ શિબિર કરી. રાતના કાર્યક્રમમાં ભાઈઓ રાસ કરતા હતા. એક યુવકે કહ્યું કે, ‘પપ્પાજી ! તમને રાસ રમતાં આવડે ?’ ગુરૂહરિ પપ્પાજી તરત જ ઉઠીને ભાઈઓ સાથે સરસ દાંડિયારાસ રમ્યા ને સહુ ખુશ ખુશ થઈ ગયા. જ્યોતમાં પણ આ પર્વ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કર્યું હતું. વાયરલ બિમારીને લીધે તા.૧૧ થી ૧૩ દરમ્યાન ફક્ત જ્યોતનાં બહેનો માટે જ રાસ-ગરબાનું આયોજન કર્યું હતું.
તા.૧૪ થી ૧૭ યુવતીઓ અને ભાભીઓ માટે રાસ-ગરબાનું આયોજન કર્યું હતું. છઠ્ઠું નોરતું એટલે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય તિથિની સ્મૃતિ. દિવાળીબા કહેતાં કે, ‘મારો બાબુ છઠ્ઠા નોરતે જન્મ્યો છે.’ એ સ્મૃતિના આનંદમાં આજે વિશેષ રીતે નૃત્ય અને ગરબા કર્યા હતા. પૂ.ધનિષાબેન સોલંકીએ ‘આપી જેણે મોજ અક્ષરધામની…’ એ ભજન ઉપર નૃત્ય કર્યું હતું. પૂ.જીલ સોલંકીએ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની વાત કરી હતી. પૂ.ધ્રુવી માવાણીએ “જનની જોડ સખી નહીં જડે રે લોલ…” ભજન ગાઈને પૂ.જ્યોતિબેનના ચરણે ધર્યું હતું. વિદ્યાનગર મંડળનાં છ ભાભીઓએ “આનંદે આજે આત્મા…” એ ભજન ઉપર નૃત્ય કર્યું હતું.
સહુ સ્વરૂપોએ આ મુક્તો ઉપર ખૂબ ખૂબ રાજીપો વરસાવ્યો હતો. આજે યુવતીઓ અને ભાભીઓ મન મૂકીને ગરબે રમ્યાં હતાં. નાનાં બાળકોને ગાડી નૃત્ય પણ કરાવ્યું હતું. આરતી બાદ ગુરૂહરિ પપ્પાજીનો પ્રિય એવો પાપડીના લોટનો પ્રસાદ જમી સહુ મુક્તો વિસર્જીત થયા હતા.
આમ, આ પખવાડીયું ખૂબ ભક્તિ સભર બ્રહ્માનંદ સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !