01 to 15 Oct 2019 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

ઓહોહો ! આ પખવાડીયું તો નવરાત્રિ ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.

(૧) તા.૧/૧૦/૧૯

આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા નહોતા. પણ ગુણાતીત ધામ અને બ્રહ્મવિહારની

અક્ષરડેરીએ પ્રદક્ષિણા અને ધૂન કરી ગુરૂહરિના ચરણે પ્રાર્થનાભાવો ધર્યા હતા. 

રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં. નવરાત્રિ પર્વ ચાલી રહ્યો હોવાથી ભાઈઓએ નોન સ્ટોપ ભજનો ગાઈને રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.

(૨) તા.૨/૧૦/૧૯ પ.પૂ.તારાબેનના દિવ્યતા પ્રારંભ પર્વ 

આજે પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્યદિન ‘દિવ્યતા પર્વ’ પ્રારંભની ઉજવણી સાંજે ૪.૩૦ થી ૭.૦૦ દરમ્યાન જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં વિશેષ રીતે ભક્તિભાવ પૂર્વક ભવ્ય રીતે કરી હતી.

આ વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. એ સ્મૃતિ સાથે કેન્દ્ર નં-૧૯ પૂ.જયુબેન દેસાઈ અને કેન્દ્ર નં-૨૧૯ પૂ.ભાનુબેન જેતપરીયાએ સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો. પ.પૂ.તારાબેન એટલે આપણા ધ્રૂવતારક, એટલે જેના નામમાં ‘ધ’ આવે છે એવા પૂ.મધુબેન સી. અને ‘ત’ આવે છે એવા પૂ.ભારતીબેન સંઘવીએ પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો.

ભગવાન ભજવાની પહેલ પ.પૂ.તારાબેને કરી અને આપણા સહુ માટે અક્ષરવાટ ખુલ્લી મૂકી. ગુરૂહરિ પપ્પાજીએ તેમને ‘ગૃહમાતા’ નું બિરૂદ આપ્યું છે. જ્યોતમાં કુલ નવ મકાનો છે. સ્ટેજ પર નવ સ્વરૂપો બિરાજમાન હતાં. અને તેમની સામે જ્યોતનાં નવ મકાનોના નામ લખેલું એક પાત્ર મૂક્યું હતું. અને જ્યોતમાં જેટલાં બહેનોનાં નામમાં ‘ધ’ અને ‘ત’ શબ્દ આવતો હોય તેટલા બહેનોએ ભજનની કડી, પ્રાર્થના કે માહાત્મ્યગાન લખવાનું હતું. પણ એમાં ‘તારા’ શબ્દ આવવો જોઈએ. ધ અને ત નામધારી બહેનોએ પોતાની પ્રાર્થનાભાવ લખેલી ચિઠ્ઠી આ નવ પાત્ર મૂક્યાં હતાં. તેમાંથી કોઈ પણ એક પાત્રમાં નાખવાની હતી. આ બહેનોએ લાઈન બધ્ધ સ્ટેજ પર આવી પોતાની ચિઠ્ઠી પાત્રમાં નાંખી હતી. ત્યારબાદ સ્વરૂપોએ વારાફરતી દરેક પાત્રમાંથી ચિઠ્ઠી ઉપાડી હતી. અને તેમાં લખેલા પ્રાર્થનાભાવનું વાંચન કર્યું હતું. જે નવ બહેનોનાં નામની ચિઠ્ઠી  ઉપાડી હતી, તે બહેનોને સ્ટેજ પર બોલાવ્યાં હતાં. અને સમૂહમાં “સ્વામી મળ્યા ને ભાગ્ય મારા ખુલી ગયા…’ એ ભજન ગાયું હતું.

ત્યારબાદ દરેક મકાનની એક બહેન એ રીતે છ બહેનોએ ઋણભાવ એટલે કે પ્રાર્થનાભાવ અભિનય દ્વારા ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનના ચરણે ધર્યો હતો.

પ.પૂ.તારાબેનનો કેન્દ્ર નં.- ૮ છે. એટલે જે બહેનોના કેન્દ્ર નંબરમાં ૮નો અંક આવતો હોય તે બહેનોએ પ.પૂ.તારાબેનને ભાવાર્પણ કર્યું હતું. પ.પૂ.તારાબેનનો ૯૦મો પ્રાગટ્યપર્વ છે, એટલે ભાવાર્પણમાં ૯૦ ફૂટનો હાર બનાવ્યો હતો. તારાબેને સહુ પ્રથમ ભગવી ચૂંદડી ઓઢી એટલે હારમાં ભગવો સાડલો અને તેની ઉપર ચૂડી એટલે કે બંગડી અને ચાંદલો ભગવાન ભજવાના પ્રતીક રૂપે મૂક્યાં હતાં. આ બધાં બહેનોએ સાથે મળી પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો. ત્યારબાદ પૂ.નીમુબેન સાકરીયા, પૂ.ગ્રીષ્માબેન ભાવસાર અને પૂ.ડૉ.નિલમબેને અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ આજના આ ‘દિવ્યતાપર્વ’ પ્રારંભની સભાની સમાપ્તિ કરી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2019/Oct/02-10-19 P.P.TARABEN DIVYATA PARVA PRARAMBH{/gallery}

(૩) તા.૪/૧૦/૧૯ નવરાત્રિ

આમ, તો નવરાત્રિ પર્વ તા.૨૯ સપ્ટેમ્બરથી ચાલુ થયો હતો. પણ આજે છઠ્ઠું નોરતું. જેની વિશેષ રીતે ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે કરી હતી. એક વખત તારદેવમાં દિવાળીબાને પૂછ્યું કે, પપ્પાજી ક્યારે જન્મ્યા છે ? એટલે દિવાળી બા કહે, “મારો બાબુ તો છઠ્ઠે નોરતે જન્મ્યો છે.” ત્યારથી આપણે છઠ્ઠા નોરતાની ઉજવણી ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિન તરીકે વિશેષ રીતે ઉજવીએ છીએ. આજે વિદ્યાનગર અને આણંદ મંડળનાં ભાભીઓએ “ઝૂલાવી મારા હૈયા ઝૂલાવે..” એ ભજન ઉપર ખૂબ સુંદર ગરબો કર્યો હતો. પપ્પાજી નાના હતા ત્યારે મામી સાથે નડિયાદમાં ગરબા જોવા જતાં અને ઘરે આવીને માથે રૂમાલ મૂકીને ગરબા કરતાં. એ સ્મૃતિ સાથે જ્યોતના બહેનોએ માથે નેપકીન મૂકીને ગરબો કર્યો હતો. આજના આ શુભ દિને પૂ.માયાબેન દેસાઈએ પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેનના હસ્તે નાના બાળકો અને ભાભીઓને સ્મૃતિભેટ રૂપે લ્હાણી અપાવી હતી. ત્યારબાદ આરતી કરી હતી. અને પ્રસાદ લઈને સહુ મુક્તો વિસર્જીત થયા હતા. 

(૪) તા.૫/૧૦/૧૧ પ.પૂ.બેન સ્વરૂપ પૂ.રમીબેન તેલીના અમૃતપર્વની ઉજવણી

જન્મોજનમથી પ્રભુ સાથે બંધાયેલા અક્ષરમુક્તને કોઈ બંધન જ ન હોય એવા રમીબેન આફ્રિકામાં કંપાલા મુકામે ૧૯૪૪ને ૭ ઑક્ટોબર પ.ભ.જયાબેન નંદલાલભાઈના ઘરે પુનિત પગલે પધાર્યાં અને માતા-પિતાના કોડ પૂરી ૧૯૭૩માં પ્રભુભક્તિમાં પરોવાઈ ગયાં. ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.બેનની સેવા સોંપી. ખૂબ ખપ ને ધગશ રાખી વફાદારીપૂર્વક આ લંડન લેડી ગુણાતીત જ્યોતના કાયદે દરેક ક્ષેત્રમાં દોડ્યાં. ને બેનની કસણીમાંથી પસાર થયાં. પ્રારંભથી અંત સમય સુધી પ.રિ.ક્ષા. છતાંય આ તેજસ્વી-શૂરવીર આત્માએ કેવળ પ્રભુભક્તિ કરી. આ ૨૯ થી ૭૫ વર્ષની જીવનયાત્રા દીપાવી સફળતા પ્રાપ્ત કરી. 

માહાત્મ્ય અને સ્વધર્મનો સમન્વય એટલે પૂ.રમીબેન. સારપ, મહોબત વગરનું જીવન એટલે પૂ.રમીબેન. પ્રભુ ભક્તિમાં દેહ-દેહભાવ આડે ન આવે એ પૂ.રમીબેન. શૂરવીરતા, તેજસ્વીતા, નિર્લેપતા એટલે પૂ.રમીબેન.

સહેજ પણ ગુલાબી અવસ્થામાંથી બહાર આવ્યા વગર ધ્યેયની પાળ બાંધી વિજયી બન્યાં. એવાં પૂ.રમીબેનને કોટિ કોટિ વંદન ! ધન્ય છે આપની તંદુરસ્તી તન-મનની ! પ્રભુ સાજા-સારા રાખે જ એવી ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન સર્વ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. 

એવાં પૂ.રમીબેનના અમૃતપર્વ નિમિત્તે સાંજે ૫.૦૦ થી ૬.૩૦ ભાવાર્પણની સભા કરી હતી. સભામાં સહુ પ્રથમ આવાહન શ્ર્લોક નૃત્ય દ્વારા પૂ.હર્ષિતાબેન અગ્રવાલે રજૂ કર્યો હતો. ત્યારબાદ પૂ.પીન્કીબેન, પૂ.સેજલબેન અને પૂ.શ્રાવણીબેન, પૂ.અનમોલબેન અને પૂ.પૂર્વીબેને નૃત્ય દ્વારા પ્રાર્થનાભાવ ધર્યો હતો.  ત્યારબાદ સ્વરૂપોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સ્વાગત નૃત્ય પૂ.પૂજાબેન પીઠડીયાએ કર્યુ હતું. સ્વરૂપોને સ્વાગતભાવ ધર્યો હતો. સ્વરૂપોને હાર અર્પણ અને કલગી અર્પણ કરી ભાવ ધર્યો હતો. બેલે ડાન્સ રેઈનબો ગેલેરીયા પૂ.ત્રિશાબેને કર્યો હતો. નાનક્ડી બેબી પૂ.તીર્થાએ સ્ટેજ પર આવી હાથમાં ફુગ્ગા લઈ પૂ.રમીબેનને happy birthday અને જય સ્વામિનારાયણ કર્યા હતા. મોટા પપ્પાજીની હું…એ ભજન પર પૂ.મેહાબેને નૃત્ય કર્યું હતું. ઓળખાવ્યા રે બેન તમે..એ ભજન પર પૂ.દક્ષાબેન ભરડવા અને પૂ.પૂજાબેન પીઠડીયાએ નૃત્ય કર્યું હતું. સુરત મંડળના  ભાભીઓએ ગરબો રજૂ કર્યો હતો. અંતમાં પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ આજની આ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

{gallery}images_in_articles/newsletter/2019/Oct/06-10-19 P.P.RAMIBEN AMRUTPARVA SABHA{/gallery}

(૫) તા.૬/૧૦/૧૯ પૂ.રમીબેનના અમૃતપર્વની મુખ્ય સભા

પ.પૂ.બેન સ્વરૂપ પૂ.રમીબેનના અમૃતપર્વની ઉજવણી સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.

પપ્પાજી હૉલમાં  7 5 લખેલો દરવાજો બનાવ્યો હતો. આખો સ્વાગત પથ રંગબેરંગી ફૂલોથી શણગાર્યો હતો. આગળ બે બાલિકાઓ ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ અને પ.પૂ.બેનની મૂર્તિ લઈને ચાલતી હતી. તેમની પાછળ પ.પૂ.દીદીની સાથે પૂ.રમીબેન સ્ટેજ સુધી આવ્યાં હતાં. સ્વાગત બાદ સભામાં સહુ પ્રથમ સ્વાગત નૃત્ય રજૂ થયું હતું. ત્યારબાદ સ્વરૂપો સ્ટેજ પર બિરાજમાન થયા. ભાવાર્પણ બાદ હરિભક્ત ભાભીઓએ અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. કેક કર્તન કર્યું હતું. સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.બેનના આશીર્વાદ વીડિયો દ્વારા લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

આ સભાનાં વિશેષ દર્શન આપ વેબસાઈટ પર માણી શકશો, તેથી અહીં વિરમું છું. 

 

{gallery}images_in_articles//newsletter/2019/Oct/07-10-19 P.P.RAMIBEN AMRUTPARVA SABHA{/gallery}

(૬) તા.૮/૧૦/૧૯ દશેરા

આજે દશેરાનો પવિત્ર દિવસ. ગુરૂહરિ પપ્પાજી કહેતા, પ્રભુમિલનની તીવ્ર ઝંખના માટે આંતરયુધ્ધ તે દશેરા. મનથી નક્કી કરી ધાર્યું પરિણામનું દર્શન એટલે દશેરા. ભગવાન અને ભક્તનો વિજય એટલે દશેરા. 

આજના શુભ દિને ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ…

આ પવિત્ર પર્વે આપણા મનની અવસ્થા બદલીએ. રામ અને રાવણ, ભગવાન-ભક્ત વચ્ચે અતૂટ સંબંધ, સતત ધ્યેય તરફ ર્દષ્ટિ, એમાં કાંઈ આડું ન આવ્યું. ખૂબ જ વફાદારી રાખી માર્ગમાં આગળ ચાલીએ. આ જન્મે જ મોક્ષની પ્રાપ્તિ કરી કરગરીને માફી માંગી, આવું મનનું વલણ બદલી ગુણ લેતા થઈએ ને આ સમગ્ર તંત્ર કેવળ પ્રભુનું જ છે, એમ માની નવાં જીવનની શરૂઆત કરીએ. 

 

(૭) તા.૧૩/૧૦/૧૯ પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.પદુબેનના ર્દષ્ટાદિનની ઉજવણી  

આજથી ૪૯ વર્ષ પહેલાં પૂર્વની ઓળખાણ તાજી થઈનેપપ્પાજીએ પોતાના આતમને પીછાણ્યો કેઆજ પદુડીને ! એને તો હું ઓળખું છુંને ચાર્ટ દોરાઈ ગયોપપ્પાજીએ એક વચન આપ્યું ને એક આસન આપ્યું ને આજ્ઞા આપી કેઆ આસન પર બેસી પ્રભુને પ્રાર્થજે ને એ વચન ને આસન વચ્ચે કદીય કોઈપણ સંજોગોમાંય અંતરાય નથી આવ્યોએ ૪૯ વર્ષની પ્રભુની ભક્તિ “આસન બદલાયા સમાધિ એ જ રહી.”

ને આપણને સારનો સાર બક્ષ્યોપ્રભુની પ્રાપ્તિ થઈ એ જ આપણું ભાગ્યશ્યામની સ્નેહભરી સ્મૃતિમાં રત રહોમારામાં કાંઈ નથી ને એનામાંય કાંઈ નથીરોમરોમમાં પ્રભુને પ્રગટાવવા હોય તો કેવળ પ્રભુનું કર્તાહર્તાપણું અને મુક્તોમાં મહારાજનું જ દર્શન કરો

આવો સરળ ને સુગમ માર્ગ ચીંધ્યોએવા ગુરૂ સ્વરૂપ પ.પૂ.પદુબેનને કોટિ કોટિ વંદન હો ! આ સુવર્ણ પ્રારંભે આશિષ અર્પોઅમે પ્રાર્થીએ સદા સાજા સારા રહો અમ સંગે.

એવા પ.પૂ.પદુબેનના આ સુવર્ણ સાક્ષાત્કાર પર્વ પ્રારંભે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી. ભાવાર્પણ બાદ હરિભક્તોએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. સદ્દગુરૂ સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

આ સભાનાં વિશેષ દર્શન આપ વેબસાઈટ પર માણી શકશો, તેથી અહીં વિરમું છું. 

 

{gallery}images_in_articles/newsletter/2019/Oct/13-10-19 P.PADUBEN SWARUPANUBHUTIDIN{/gallery}

¯ શરદપૂર્ણિમા

આપણા માટે ખૂબ નસીબવંતો અને ભાગ્યશાળી દિન.

૩જી ઑક્ટોબર ૧૯૫૨ ની શરદ પૂનમે ગોંડલ મંદિરે યોગીબાપાએ ગુરૂહરિ પપ્પાજીને કહ્યું કે, “બહેનો ભગવાન ભજે તો શું ખોટું !”

૩જી ઑક્ટોબર ૧૯૬૩ની શરદ પૂનમે ગોંડલ મંદિરે યોગીબાપાએ શાસ્ત્રીજી મહારાજના ઓરડે પપ્પાજી અને કાકાશ્રીને બોલાવીને કહ્યું કે, “હવે બહેનોનું જુદું કરી આપો. પપ્પાજીએ પૂછ્યું કે, બાપા ક્યાં કરીએ ? બાપા કહે, ‘તમારા પ્લોટમાં વિદ્યાનગરમાં’. તરત પપ્પાજી બોલ્યા, ‘બાપા આપણે ગોંડલ કરીએ તો તમે હો ત્યાં સુધી સમાગમ, દર્શન, સેવાનો લાભ મળે. બાપાએ તરત આદેશ આપ્યો કે, ‘સત્પુરૂષ ક્યાં અર્દશ્ય થવાના છે ! આપણા જ પ્લોટમાં બાંધો.’

એ શુભ સ્મૃતિ દિન આજે છે. 

શ્રી મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન. તેમના પ્રાગટ્યદિને સુરત ગુણાતીત પ્રકાશના વ્રતધારી સાધકભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ ગુણાતીતાનંદ સ્વામીનું માહાત્મ્ય લખ્યું છે અને આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોના ચરણે પ્રાર્થના ધરી છે તે જોઈએ.

ભગવાન શ્રી સ્વામિનારાયણના અવિભાજ્ય અનુગામી અને અનાદિ અક્ષરબ્રહ્મનો અવતાર શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન છે.

 

{gallery}images_in_articles/newsletter/2019/Oct/13-10-19 SARAD PURNIMA SABHA{/gallery}

અનેક સિધ્ધ પરમહંસો હોય કે અવતારો હોય કે પછી સાવ અલ્પ જેવો જીવ હોય પણ મારા પ્રભુના સંબંધને પામ્યો છે ને ! બસ એ મારા માથના મુગટ છે. હું એમની પાસે કાંઈ જ નથી. હું તો માત્ર એમની સેવા કરવાનો જ અધિકારી છું. પ્રભુના સંબંધ સિવાય એમનામાં મને કાંઈ જ ન દેખાય. એટલું જ નહીં પણ એમનું સ્વધર્મેયુક્ત પ્રભુની રીતે જતન કે સેવન કરવું એ જ મારું જીવન છે. શ્રીજીમહારાજની ભક્તિરૂપ હોય એવાં જ મારાં વિચાર, વાણી ને વર્તન હોય. આવી કલ્પનાતીત દાસત્વભક્તિ એમના રોમરોમમાંથી સદાય છલકાતી હોય. આખાય તંત્રમાંથી જરા સરખોય અવ્યક્ત રીતે કયારે પણ અહંકાર પ્રદર્શિત ન થાય એવી સર્વોપરી અહમશૂન્ય સ્થિતિ, છતાંય ગુણાતીત ભાવમાં નિરંતર રહીને કેવળ શ્રીજીમહારાજના દાસ બનીને પળેપળ જીવ્યા. એમના સમયમાં એમને આખાય સોરઠ પ્રદેશના મુક્તોને ધાર્મિક અંધશ્રધ્ધામાંથી બહાર કાઢી ઉચ્ચ સ્થિતિમાં જીવતા કર્યા. આખાય સંપ્રદાયમાં શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પોતાના શુધ્ધ વર્તનથી પ્રસરાવીને પ્રવર્તાવી અને જેના દ્વારા આજે ગુણાતીત પરંપરા આ ધરતી પર અખંડ અવિરત ચાલુ રહી. અને આજે એ આપણા સૌના જીવનને ઊંચે ને ઊંચે લઈ જઈ રહી છે. એ જ ગુણાતીત આજે આપણને ગુરૂહરિ પપ્પાજીરૂપે મળ્યા અને આપણે સહુ સનાથ થયા. સનાતન સુખના માર્ગે વળ્યા. આપણા સૌ પર એ ગુણાતીત સ્વરૂપોના અપાર ઋણ છે. જે કદીય ચૂકવી શકાય તેમ નથી. પરંતુ હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે સર્વે સ્વરૂપો ! આપ રાજી થાવ એવાં અમારાં ભક્તિરૂપ વિચાર, વાણી અને વર્તન બને એ જ આપના ચરણોમાં પ્રાર્થના.

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ અ.મૂ.ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યદિન નિમિત્તેની સભા જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. સભામાં સહુ પ્રથમ આવાહન શ્ર્લોક બાદ ભજનો ગાયાં હતાં. સહુ પ્રથમ આરતી વિદ્યાનગરના ભાભી મંડળે કરી હતી. ત્યારબાદ પૂ.ડૉ.નિલમબેને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. ત્યારબાદ દ્વિતીય આરતી સદ્દગુરૂ સ્વરૂપોએ કરી હતી. ૧૦ મિનિટ બહેનો-ભાભીઓ રાસ રમ્યાં હતાં. ત્યારબાદ ત્રીજી આરતી બહેનોએ કરી હતી અને સભાની સમાપ્તિ કરી હતી.

 

આમભક્તિના પર્વો લઈને આવેલું  પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું.  અત્રે સર્વે સ્વરૂપોનીતબિયત સરસ છેઅત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

  જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !