સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑકટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૧૦/૧૭ રવિવાર
આજે સવારે નહી પણ સાંજે ૫ થી ૬.૩૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં.
સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦ કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં ‘પરમ સૂરવૃંદ’નાં બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ
ભાઈઓએ બુલંદ અવાજે ભજનો ગાઈને સહુને ભક્તિ રસમાં તરબોળ કર્યાં હતાં. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા.
{gallery}images_in_articles/newsletter/2017/Oct/01-10-17 Kirtan Ardhana{/gallery}
(૨) તા. ૫/૧૦/૧૭ શરદ પૂનમ અક્ષર મુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામી પ્રાગટ્યદિન
ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ વિ.સં.૧૮૪૧માં ભાદરા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભોળાનાથ અને માતાનું નામ સાકરબાઈ
હતું. બાળપણનું નામ મૂળજી હતું. તેમને નૈસર્ગિક ભક્તિની શક્તિ પ્રાપ્ત થયેલી. સંસારથી ઐદાસીન્ય સ્વતઃ થયેલું. બાળપણથી
ભક્તિરસમાં ડૂબી ગયેલા, છતાં સંસાર વ્યવહાર સારી રીતે કરતા.
સ્વામીએ તત્કાળ ઘરસંસાર છોડીને સંન્યાસ તરફ પ્રયાણ કર્યું. સંવત ૧૮૮૬માં દીક્ષા લીધી અને મૂળજીમાંથી ગુણાતીતાનંદ સ્વામી
બન્યા. સાધના અને જાગૃતતાને કારણે તેમણે એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરેલી કે તેઓને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં
શ્રીજી મહારાજની મૂર્તિના અખંડ દર્શન થતાં. પળવાર પણ વિસ્મરણ થાય તો તાળવું ફાટી જાય.
સંપ્રદાયમાં આવેલા ધુરંધર સંતોમાંથી કોઈએ પોતાના જ્ઞાનથી, કોઈએ કવિત્વ શક્તિથી, કોઈએ સંગીતથી, કોઈએ વિદ્વતાથી સંપ્રદાયની
સેવા કરી ઈતિહાસના પાને આદર સહિત સ્થાન મેળવ્યું હતું. તેમાં અખાના કાવ્યમય ચાબખા કરતાં પણ વધુ વેધક અને સચોટ વાતોના
પડકારથી સાંપ્રદાયિક ક્ષિતિજે પોતાની આગવી છાપ ઉપસાવનાર સંત ગુણાતીતાનંદ સ્વામી છે.
શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા જેની વાતોમાં આજે પણ કર્ણપટલને પવિત્ર કરવા ગુંજી રહી છે એવા આ સંતની વાતો કરવાની આગવી
કળા નિસર્ગની દેન હતી. સાંભળનારા હ્રદયે સોંસરવી ઉતરે નહિ તો તે સ્વામીની વાત ન હોય. ગરીબથી માંડીને વિદ્વાનો અને રાજા–
મહારાજાઓને પણ એક સરખી જ વાતથી ભક્તિનું ભાતુ પીરસતા માત્ર આ સંપ્રદાયમાં જ નહિ, પણ જૂનાગઢના મુસ્લિમ બિરાદરોમાં
પણ આ સંતની સાધુતાનો સારો એવો પ્રભાવ હતો.
લગભગ ૪૧ વર્ષ સુધી જૂનાગઢ મંદિરના મહંત પદે રહીને સર્વોપરી નિષ્ઠાની ખુમારી ભરી વાતો કરનાર આ સંતવર્યએ સં.૧૯૨૩માં
ગોંડલમાં હરિ ઈચ્છાએ દેહનો ત્યાગ કરીને શ્રીજીનું સાંનિધ્ય મેળવ્યું.
આજે શરદ પૂર્ણિમાનો શુભ દિન. સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ગુણાતીતાનંદ સ્વામીના
માહાત્મ્યની વાતો કરી હતી.
આ વખતે હરિભક્તો માટે નવરાત્રિમાં રાસ–ગરબાનો કાર્યક્ર્મ રાખ્યો નહોતો. તેથી આજે શરદ પૂર્ણિમાના શુભ દિને રાત્રે ૮.૩૦ થી
૧૦.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સ્વરૂપોના પ્રત્યક્ષ સાંનિધ્યે ભાભીઓ, યુવતીઓ અને બાળકો માટે રાસ–ગરબાનો કાર્યક્ર્મ હતો. બધા
બનીઠનીને આજે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લેવા પધાર્યાં હતાં. ભાભીઓ અને યુવતીઓએ અવનવી સ્ટાઈલથી ગરબા કરી
બધાને આનંદ કરાવ્યો હતો. નાના બાળકોને ગાડી કરાવી હતી. ત્યારબાદ પધારેલ સર્વે મુક્તોને દૂધ પૌંઆ અને બટાકાવડાનો પ્રસાદ
જમાડ્યો હતો. નવરાત્રિના નવ દિવસનો ઉત્સાહ આજે માણી સહુએ આનંદવિભોર હૈયે વિદાય લીધી હતી.
ભાઈઓએ પપ્પાજી તીર્થ પર ગુરૂહરિ પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે ચંદ્રની શીતલ ચાંદનીમાં સભા અને રાસ–ગરબાનો કાર્યક્ર્મ રાખ્યો
હતો. પધારેલ ભાઈઓએ તીર્થ પર જ દૂધ પૌંઆ અને બટાકાવડાનો પ્રસાદ લીધો હતો.
{gallery}images_in_articles/newsletter/2017/Oct/05-10-17 sharad poonam sabha{/gallery}
(૩) તા.૭/૧૦/૧૭ મહામુક્ત જાગા ભક્ત જયંતી આસો વદ- ૨
આજે મહામુક્ત જાગાભક્ત જયંતી…. જાગા સ્વામી સર્વોપરી અક્ષરપુરૂષોત્તમનું કદાચ ઓછું ગવાયેલું ઓછું સમજાયેલું પાત્ર છે. જોઈએ
એમનો એક મહિમા જણાવતો પ્રસંગ.
મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ કુળના હતા. અને અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદના પટ્ટ શિષ્યોમાંથી એક હતા. સતત ૧૪–૧૪ વર્ષ
સુધી સ્વામીને એમણે સેવ્યા હતા. અને ગુણાતીત જ્ઞાનના ઘૂંટ પીને એક સિધ્ધઅવસ્થા પ્રાપ્ત કરી હતી. મનમાં એક જ એષણા હતી.
ગુણાતીતાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરૂષોત્તમ… અને આ જ્ઞાનના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું. આચાર્ય વિહારીલાલજી મહારાજ
એક વિદ્વાન આચાર્ય હતા. અને ગુણાતીતાનંદ સ્વામીના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમને પણ ભાવ હતો કે ગુણાતીતાનંદ
સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન (ગઢડા) ના પ્રભાવથી આ સત્ય ને સમર્થન
કરતાં ડરતા હતા. એક વાર કોઈએ કહ્યું કે આચાર્ય વિહારીલાલજી મહારાજને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખૂબ જ દવા–દારૂ કરી
રહ્યા છે. આથી સ્વામી જાગાભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજને સંદેશો મોકલાવ્યો કે જો આચાર્ય વિહારીલાલજી મહારાજ
પોતાના હાથે અક્ષરપુરૂષોત્તમની મૂર્તિઓ જોટે બેસાડે તો મહાપુરૂષ જેવા બે દીકરા આપવા. આચાર્ય મહારાજ જાગાભક્તને સમર્થ પુરૂષ
જાણતા હતા અને એમના મહિમાની પણ ખબર હતી પણ એમણે એનો કોઈ પ્રત્યુત્તર હકારમાં ન આપ્યો. અને કહેવડાવ્યું કે જ્યાં સુધી
વડતાલના અને ગઢડાના કોઠારી છે ત્યાં સુધી આ કાર્ય મારાથી થાય એમ નથી.
જાગાભક્ત એકદમ ઉદાસ થઈ ગયા. અને સૂનમૂન થઈ ગયા. અચાનક પોતાની નિકટ બેસેલા યજ્ઞપુરૂષદાસ સામે જોઈ બોલ્યા, “એ
કાર્ય તું ન કરે ?’ શાસ્ત્રીજી મહારાજ તો સ્થિર થઈ ગયા અને બોલ્યા, આટલા મોટા કાર્યમાં અમારા જેવા નાના સાધુની શું વિસાત ?
અમારે તો બે પૈસાનું પોસ્ટકાર્ડ કોઠારી જોડે લેવું હોય તો રીતસરનું કોઠારી ને કરગરવું પડે. ત્યારે તો એ પત્તું મળે. અને આ તો
સ્વામિશ્રીજીની મૂર્તિઓ બેસાડવાની મહા વાત.
જાગાસ્વામી દિવ્યતામાં આવી ગયા. બોલ્યા “મને વિશ્વાસ છે કે એ તું જ કરી શકે. સ્વયમ્ સ્વામી અને શ્રીજી તારી મદદ કરશે. તું આ
કરે તો તારા બધા સંકલ્પ મારે પૂરા કરવા. તું સંકલ્પ ના કરે તો તારી ખોટ અને એ સંકલ્પ અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ ! અને
એ દિવસ અને આજનો દિવસ. બ્રહ્મસ્વરૂપ પ્રાગજીભક્તના ગુણાતીત જ્ઞાને નિષ્ઠ થયેલા અને મુક્તરાજ
જાગાસ્વામીના સંકલ્પથી પૂર્ણ થયેલા શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસ્ પછી ક્યારેય પાછા વળ્યા નથી. અને એમણે જે કાર્યો ઉપાડ્યા એનો
ઈતિહાસ સાક્ષી છે. વડતાલ છોડ્યાના વર્ષમાં તો બોચાસણમાં અક્ષર પુરૂષોત્તમ મહારાજ મધ્ય મંદિરમાં બેસી ગયા. અને એ પછી તો
બીજા ચાર શિખર બધ્ધ મંદિરોમાં સ્વયંમ્ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરૂષોત્તમ મહારાજ ને બેસાડ્યા. અને બ્રહ્માંડમાં આ સર્વોપરી
સિધ્ધાંત ગૂંજી ઉઠ્યો. આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સત્સંગના ઝંડા ફરકે છે. એની પાછળ આ સત્પુરૂષોના સંકલ્પો ભીડા અને
અપ્રતિમ સાહસ રહેલાં છે.
યાદ રાખો, શ્રીજીની મરજીથી જ આ બધું થાય છે, અને થતું રહેશે. બસ આ મરજીને આપણે ઓળખવાની છે, જાણવાની છે અને
જીવવાની છે.
“અ.મ.મુ.જાગા સ્વામી કહેતાં કે, “પારકો આકાર, પારકો દોષ અને પારકી ક્રિયા જોવી નહીં. પોતાનો આકાર, પોતાનો દોષ અને પોતાની
ક્રિયા જોવી. તો બ્રહ્મરૂપ થતાં વાર ન લાગે.”
(૪) તા.૧૪/૧૦/૧૭ પૂ.કુસુમબેન અક્ષર (ગુણાતીત જ્યોત) નો સન્માન સમારંભ
ગુરૂહરિ પપ્પાજીએ ગુરૂશ્રી યોગીજી મહારાજની આજ્ઞાથી બહેનોને ભગવાન ભજાવવાનું કાર્ય નિમિત્ત બનીને કર્યું. તેમાં પોતાનું સર્વસ્વ
ધન, ધાન, કુટુંબ પરિવારનું સમર્પણ કર્યું. એટલું જ નહીં, પરંતુ સ્વસંકલ્પે સામા પૂરે ચાલી એકાંતિક ધર્મ બહેનોને સિધ્ધ કરાવ્યો.
૪૨૮ વ્રતધારી બહેનો તૈયાર કર્યાં. તેમાંથી કર્મયોગી સાધક બહેનો તૈયાર કર્યાં.
ભણતર અને આવડત પ્રમાણે જગતમાં જાય, પ્રભુ પ્રસન્નતાર્થે ગુરૂઆજ્ઞાએ કાર્ય કરી પ્રભુની મૂર્તિરૂપી માળામાં આવી એટલે કે
જળકમળવત્ રહી કર્મયોગ માર્ગે ભગવાન ભજી રહેલાં શ્રી ગુણાતીત જ્યોત સંસ્થાનાં ૧૦૦ બહેનો કર્મયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણે
ગીતામાં કર્મયોગની જે વાત કરી છે. તેનું સાકાર દર્શન ગુરૂહરિ પપ્પાજીએ આ પૃથ્વી પર કરાવ્યું છે.
યુગ પ્રમાણે કદમ મિલાવી ગુરૂહરિ પપ્પાજી બહેનોને ભક્તિરૂપ ક્રિયાયોગ–કર્મયોગ કરાવી ઈન્દ્રિયો અંતઃકરણને નિર્ગુણ બનાવી રહ્યા છે.
તેવા કર્મયોગી સાધક પૂ.કુસુમબેન ભૂત શિક્ષિકામાર્ગે આદર્શ કર્મયોગી સાધક તરીકે જીવન જીવ્યાં. ગુરૂહરિ પપ્પાજીની શાન–ઓળખ
બનીને રહ્યાં. ગુણાતીત જ્યોતનું ખૂબ શોભાડ્યું.
પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેન વડીલ સંત બહેનોનો વિશ્વાસ અને પ્રસન્નતા પ્રાપ્ત કરી. જીવનની પળેપળને ધન્ય બનાવી. એવાં
પૂ.કુસુમબેન ભૂતના જીવન વૃતાંતને અહીં વાંચી આપણે પણ ધન્ય થઈએ.
ઈ.સ.૧૯૮૦માં P.T.C પાસ કરી પોરબંદર પાસેના અમર ગામમાં શિક્ષિકા તરીકે સરકારી પ્રાથમિક શાળામાં જોડાયા. માતા ધીરજબેનની
સ્વામિનારાયણ ભગવાનમાં અને તે રૂપે ગુરૂહરિ પપ્પાજી મહારાજ, પ.પૂ.દિવ્ય સોનાબા તથા પ.પૂ.જ્યોતિબેન પ્રતિ અનન્ય નિષ્ઠાનાં
બીજ પૂ.કુસુમબેનમાં પણ આવ્યા. તેથી ભગવાન ભજવાની અનન્ય ઈચ્છા. પિતાશ્રીના પ્રખર વિરોધ વચ્ચે ૧૮,૦૦૦ માળા કરી.
એમના નિર્ણયની ર્દઢતા સામે પિતાશ્રી ઝૂક્યા અને રંગેચંગે ભગવાન ભજવાની વિદાય આપી. જૂનાગઢ જીલ્લામાંથી આણંદ જીલ્લામાં
ટ્રાન્સફર મળે તો જ સાધના કરવા જ્યોતમાં વિદ્યાનગર અવાય. નિરાધાર થઈ એક પ્રભુ પપ્પાજીનો આધાર લઈ તીવ્ર ભજન કર્યું અને
૧૯૯૬માં ટ્રાન્સફર મળી ગઈ.
અહીં લગભગ ૨૧ વર્ષ સરકારી સ્કૂલમાં ગુરૂહરિ પપ્પાજીને પ્રસન્ન કરવા અને જ્યોતના કાયદે નોકરી કરી. ગુરૂહરિ પપ્પાજી અને
જ્યોતના નામને રોશન કર્યું. તા.૧૪ ઑક્ટોબર આણંદ ટાઉનહૉલમાં ગુજરાત રાજ્યના ખનીજ, ઉદ્યોગ અને નાણામંત્રી શ્રી રોહિતભાઈ
પટેલ આણંદ જીલ્લાના શિક્ષક સંઘના પ્રમુખ તથા ઉપપ્રમુખ, આણંદ નગરપાલિકાના પ્રમુખ તથા કારોબારીના સભ્યો અને શિક્ષકોની
ઉપસ્થિતિમાં સન્માનવિધિ થઈ. જેમાં સ્કૂલ તથા શિક્ષક સંઘ તરફથી સન્માન પત્ર અર્પણ થયાં. શાલ ઓઢાડી, ભેટ આપી, બહુમાન
કર્યું. સમગ્ર સ્ટાફે અશ્રુભીની આંખે વિદાય આપી. ‘આચાર એ જ પ્રચાર’ એ ગુરૂહરિ પપ્પાજીના સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરી વર્તનને
જ બોલવા દીધું. એવાં પૂ.કુસુમબેનને ખૂબ ખૂબ ધન્યવાદ.
{gallery}images_in_articles/newsletter/2017/Oct/14-10-17 kusumben akshar sanman sambharan{/gallery}
(૫) જ્યોતમાં થતી કથાવાર્તામાંથી જ્ઞાન-ગોષ્ટિ માણીએ.
તા.૧૦/૧૦/૧૭ની સભામાં પ.પૂ.જ્યોતિબેને એક વાર્તા કરી હતી તે જોઈએ. એક રાજા હતો. તેને બે દીકરા હતા. રાજા વૃધ્ધ થયા. હવે
થયું કે ગાદી દીકરાને સોંપવી પડે. તો ક્યા દીકરાને સોંપુ ? બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. બંનેને સો રૂપિયા આપ્યા અને કહ્યું,
આનાથી એક ઓરડો ભરી આપજો. બંનેને એક એક ઓરડા આપ્યા ને ભરાઈ ગયા એટલે રાજા જોવા આવ્યા. મોટા દીકરાના ઓરડામાં
ગયા તો ત્યાં બહુ જ વાસ આવતી હતી. કચરાથી આખો ઓરડો ભર્યો હતો. રાજા કહે, આવું ભરવાનું ? તો દીકરો કહે, સો રૂપિયામાં
તો શું આવે ? કચરો જ આવે ને? બીજા છોકરાના ઓરડામાં ગયા. તેણે તો અગરબત્તી મૂકેલી હતી. દીવો કર્યો હતો. આખો ઓરડો
પ્રકાશથી અને સુગંધથી ભરાઈ ગયો. રાજા ખુશ થઈ ગયા અને નાના દીકરાને રાજ્ય સોંપ્યું.
આપણા પપ્પાજીએ આપણને અક્ષરધામમાં મૂક્યા છે. તો એમને પ્રસન્ન કરી લઈએ. આપણું તંત્ર એમનાથી સભર સભર રાખીએ. બધામાં
એમનાં દર્શન કરીએ. તો પ્રભુ આપણા અંતરમાં રહેતા થઈ જશે. એમના વારસદાર બનાવશે. સંપ, સુહ્રદભાવ અને એકતા રાખી
જીવીએ.
આમ, ગુણાતીતાનંદ સ્વામી અને જાગા સ્વામીના પ્રાગટ્ય પર્વ લઈને આવેલું આ પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. જેમના
દર્શનથી માત્રથી અનેક જન્મોના પાપનો નાશ થાય. અજ્ઞાનરૂપી અંધકાર ટળે એવા સ્વામી બાળપણથી જ દિવ્યતાની ઝાંખી થાય એવી
અનેક લીલાઓ આદરતા. શ્રીજીમહારાજ લોજમાં પધાર્યા ત્યારે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના માતુશ્રીને કહેલું, મા ! વનવિચરણ
કરતા આજે જે લોજમાં પધાર્યા છે તે પૂર્ણ પુરૂષોત્તમ નારાયણ છે. કહેતા કે, વેણે વેણે મહિમાની વાતો આવે ત્યારે વાત કરી કહેવાય.
એવા ગુરૂહરિ પપ્પાજીના અદ્દભૂત સર્જકો આપણને મળ્યા. ધન્ય બન્યા. કોટિ કોટિ વંદન હો આવા ગુરૂ સ્વરૂપોને ! જીવનમાં પપ્પાજી
અને પપ્પાજીનો સિધ્ધાંત. પ્રભુ ભક્તિ લાગે ત્યાં તન, મન, ધન, આત્માનો ભીડો જોયા વગર પપ્પાજીનું કાર્ય અવિરત કરી રહ્યા છે.
એવા ગુરૂજનોને પાય વંદના કરીએ. એમની ભક્તિમાં ભળી જ્યારે જે કરાવે તે નિઃશંક બની કરીએ એવી આ પર્વે પ્રાર્થના. આશિષ
વરસાવજો. રાજી રહેજો.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. ફરી
મળીશું દિવાળીના પર્વોની ઉજવણીની સ્મૃતિ સાથે. આવજો.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !