01 To 30 Jun 2015 – Newsletter

સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની

જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે જૂન મહિના દરમ્યાન જ્યોત-જ્યોત શાખા મંડળોમાં થયેલ વિશેષ કાર્યક્ર્મની સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૬/૧૫ સોમવાર

૧લી જૂનનો સમૈયો, ગુરૂહરિ પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન અને જ્યોતનો ૫૦મો સ્થાપનાદિન. જેની

ઉજવણી ગઈકાલે રવિવારે તા.૩૧/૫/૧૫ ના રોજ થઈ. જેનું દર્શન આપે વેબસાઈટ ઉપર કર્યું હશે.

આજે ગુણાતીત જ્યોતનાં બહેનોએ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે વિશેષ રીતે ઉજવ્યો. પ.પૂ.દીદીની પ્રેરણા-આયોજન મુજબનો સરપ્રાઈઝ કાર્યક્ર્મ હતો. ઓહો ! આજે તો આ જ્યોતની સ્થાપના થઈ તેને, પ્રથમ ૫૧ બહેનોએ વ્રત લીધું તેને ૪૯ વર્ષ પૂરાં થાય છે. ૫૦મું વર્ષ બેઠું. આ ખૂબ મોટી વાત છે. અંધારામાં ઝંપલાવ્યું. ગુરૂહરિ પપ્પાજીએ ગુરૂ યોગીજી મહારાજની…. ‘વિદ્યાનગરમાં આપણા પ્લોટમાં બહેનો માટેનો આશ્રમ’ આજ્ઞા આપી એ વાત સ્વીકારાણી. ત્યારથી વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો હતો. ૨૧/૬/૧૫ના સ્વ આયોજન કરીને યોગીજી મહારાજે જ્યોત મંદિર છે તે જગ્યાએ પ્લોટમાં ખાતમુર્હૂત કરી દીધું. ૧૧ મહિનામાં મકાન બંધાઈ ગયું. ૧લી જૂને જ્યોતની સ્થાપના થતાં પહેલા ૨૮/૫/૬૫ના રોજ સંસ્થામાં પાર્ટીશન પણ થયું. વિમુખનારાયણની પદવી કાકાજી-પપ્પાજી-બાના ભક્તોને પ્રાપ્ત થઈ ચૂકી. આ ત્રિપુટીનો સમાજ તે કાકાજીવાળાના સમાજ તરીકે ઓળખાતો. આ સમાજની ગુણાતીત સમાજ (બ્રહ્મ સમાજ) તરીકે આજે સ્થાપના થઈ. તેથી પપ્પાજી ૧લી જૂનને ગુણાતીત સમાજના સ્થાપનાદિન તરીકે કહે છે. આમ, ૧લી જૂન એટલે ત્રિવેણી સંગમ ઐતિહાસિક દિન છે.

૧. ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન – ૧૯૫૨

૨. ગુણાતીત જ્યોતનો સ્થાપનાદિન – ૧૯૬૬

૩. ગુણાતીત સમાજનો સ્થાપનાદિન – ૧૯૬૬

આજનો દિવસ તો શ્રી ગુણાતીત જ્યોતનાં બહેનો માટે ખૂબ જ ખૂબ જ મોટો દિવસ છે. ૧લી જૂન ૧૯૬૬ના દિને જે ૫૧ બહેનોએ વિપરીત સંજોગોમાં વ્રત લીધું. પ્રભુની ભગવી ચૂંદડી ઓઢી. એ દિવસને આજે ૫૦મું વર્ષ બેસે છે. એ બહેનોએ ત્યાગ નિભાવ્યો. તુંબડામાં દાડમ પાકે તેમ આ બહેનો બા-બેનની હૂંફમાં ગુરૂહરિ પપ્પાજીની છત્રછાયામાં પાકી ગયાં. એ બહેનોને આજે બહેનોએ નવાજ્યાં. પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેને તે બહેનોને શાલ ઓઢાડી, હાર પહેરાવી સન્માન્યાં હતાં. એ પછીનાં બહેનોએ તાળીઓના નાદથી, હૈયાના ભાવથી બિરદાવ્યાં હતાં. ખૂબ ખૂબ ધન્યવાદ. પ.પૂ.દીદીએ ઐતિહાસિક કહાની સાથે પ્રાસંગિક પરાવાણીનો લાભ આપ્યો, આશીર્વાદ આપ્યા.

૧લી જૂનના શુભદિને પંચામૃત હૉલમાં સભાનું જે મંદિર હતું. તેના જીર્ણોધ્ધારને બદલે નવનિર્મિત મંદિરની મૂર્તિપૂજા, થાળ-આરતી કરીને પ.પૂ.દીદી અને પ.પૂ.જ્યોતિબેન અને સદ્દગુરૂ સ્વરૂપોએ પ્રતિષ્ઠા કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/June/01-06-15 Gunatitjyot sathapnadin/{/gallery}

(૨) તા.૫/૬/૧૫ પૂ.રમાબા વસાણી અક્ષરધામગમન

ચૈતન્ય માધ્યમ પૂ.રમાબા વસાણી આજ રોજ મંગલ પ્રભાતે અક્ષરધામ સિધાવ્યાં. તેમની અંતિમવિધિ જ્યોત પંચામૃત હૉલમાં થઈ. આફ્રિકાથી યોગીજી મહારાજના યોગમાં આવેલા જૂના જોગી એવા પૂ.નવલબાનાં દીકરી આ પૂ.રમાબેને યોગીજી મહારાજ અને સ્વરૂપોનું સેવન કરી ભક્તિ કરી રાજીપો મેળવ્યો. ભારત આવી રાજકોટ રહ્યાં. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.જ્યોતિબેનનાં થઈને જીવ્યાં. રાજકોટ મંડળના ચૈતન્ય માધ્યમ એવાં પૂ.રમાબાએ મંડળના હરિભક્તોને પ્રત્યક્ષનો મહિમા ગાઈને નિષ્ઠા કરાવી. એકની એક દીકરી પૂ.પ્રીતિને નાનપણથી ભક્તિના સંસ્કાર આપી ભગવાનના માર્ગે વાળી. જ્યોતમાં ભગવાન ભજવા મોકલી. પૂ.વસાણી સાહેબ બિમાર પડ્યા. તેમના અંત સમયે ગુરૂહરિ પપ્પાજી રાજકોટ હાજર હતા. પૂ.રમાબેન અને પૂ.પ્રીતિની જવાબદારી ગુરૂહરિ પપ્પાજીએ લઈ લીધી અને તેઓને જ્યોતમાં ભગવાન ભજવા લાવ્યા.

{gallery}images_in_articles//newsletter/2015/June/05-06-15 RAMA BA AKSHARDHAM GAMAN MAHAPOOJA/{/gallery}

જ્યોતમાં આવ્યા પછી સ્મૃતિ મંદિરની સેવા પ.પૂ.દીદીએ સોંપી. સ્મૃતિ મંદિરે ભક્તો દર્શને આવે તેને મહિમા ગાતા. તથા સુહ્રદભાવ રાખી બધા માટે ભજન કરતાં. એક એક કાર્ય પાર પાડવા ૧૮૦૦૦ માળા માનતા અને તેમનો બળિયો સંકલ્પ. તેથી તે કામ ભજનથી થતું. આમ, ખૂબ બળિયો આત્મા હતો. નિવૃત્ત સમયમાં સભા-કથાવાર્તા અને જ્યોતનાં બહેનોની અને સમાજની મહાપૂજા કરી ભજન કરવાની મોટી સેવા તે કરતાં. નિયમિતતા, ચોક્કસાઈ, ચીવટાઈ, વાણીની મીઠાશ, મુખ પરનું સ્મિત, પ્રાપ્તિનો કેફ જેવા અનેક ગુણનું ગાન પૂ.રમાબા નિમિત્તે તા.૬,૭ના સાંજે મંદિરમાં પારાયણ થઈ તેમાં થયું. તથા તા.૮મીએ પારાયણની પૂર્ણાહુતિ અને મહાપૂજા થઈ. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.માયાબેન વગેરે સ્વરૂપોએ બહેનોએ લાભ આપ્યો. આમ, ત્રણ દિવસ જાણે પૂ.રમાબાનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાતો હોય તેવું અનુભવાતું હતું. પ.પૂ.દીદીએ કહ્યું કે, પૂ.રમાબા તો આદર્શ ભક્ત હતાં. અક્ષરધામરૂપ રહેતાં હતાં, અક્ષરધામમાં હતાં અને અક્ષરધામમાં ગયાં. એવાં પૂ.રમાબેનને કોટિ નમન સાથે જય સ્વામિનારાયણ !

આવા અક્ષર મુક્તને સર્વે મુક્તોએ હ્રદય ભાવથી અંજલિ અર્પી પ્રાર્થના સુમન ધર્યા હતાં.

(૩) તા.૬/૬/૧૫ પ.પૂ.દીદીબા નો ૫૯મો સાક્ષાત્કારદિન

આ દિનની ઉજવણી ૩૧/૫ ના રવિવારે ભક્તોને અનુલક્ષીને કરી હતી. જેનું વિડિયો દ્વારા દર્શન લાભ આપને વેબસાઈટ પર મળ્યો હશે. સમયના અભાવે ત્યારે પ.પૂ.દીદીએ ટૂંકમાં આશીર્વાદ આપ્યા હતા. જ્યારે આજે જ્યોતની બહેનોની મંગલ સભામાં પ.પૂ.દીદીએ પોતાની આત્મકથા-સાધના કરી તે સ્મૃતિ સાથે વાત કરીને ગુરૂહરિ પપ્પાજીનો અપાર મહિમા ગાયો હતો.

પ.પૂ.દીદી કહે, ગુરૂહરિ પપ્પાજીને મેં બધી રીતે જોયા છે. ગુરૂહરિ પપ્પાજીના દર્શન મેં ૬૦ વર્ષ કર્યા છે. ગુરૂહરિ પપ્પાજીનું બોલવું, ચાલવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું બધું જ દિવ્ય છે. ગુરૂહરિ પપ્પાજી નિર્માની, નિઃસ્વાદી, નિઃસ્નેહી, નિર્લોભી, નિષ્કામી હતા. પંચવર્તમાને પાકા હતા. જોગી મહારાજે આપણને ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજી અને પ.પૂ.બાની કેવી સર્વોત્તમ ભેટ આપી દીધી ! ગુરૂહરિ પપ્પાજીનું સ્વરૂપ આપણે ઓળખી રહ્યા છીએ. અત્યારે ગુરૂહરિ પપ્પાજી વ્યાપક સ્વરૂપે છે, આપણે અનુભવીએ છીએ. પ.પૂ.દીદીએ બહેનોને અનુલક્ષીને કહ્યું કે, તમો બધા એક પતંગિયાની જેમ હોમાઈ ગયાં છો. જે કાંઈ કરીએ છીએ તે ગુરૂહરિ પપ્પાજીની ભક્તિ માનીને કરીએ. કર્તા હર્તા માનીએ. પતંગિયુ તો દીવામાં હોમાઈને ભસ્મ થઈ જાય છે. જ્યારે આપણે એમાં હોમાઈને પામવાના છીએ. કરાવનારા સમર્થ છે. કર્તાહર્તા ન મનાય ત્યાં ભજન કરું છું. આપણા અંતરમાં માહાત્મ્ય વગર કાંઈ હોય જ નહીં. પપ્પાજીની સ્મૃતિ, નામરટણ એ જ મારું સુખ છે. ગુરૂહરિ પપ્પાજી મારા પોતાના છે. બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મને ધારતા થવું છે. ‘સંજીવની મંત્ર’ એ માટે યાદ રાખીએ.

{gallery}images_in_articles//newsletter/2015/June/06-06-15 P.P.DIDIBA DIVINE DAY/{/gallery}

પૂ.ડૉ.નિલમબેને બે ચાર દિવસ પહેલાં પ.પૂ.દીદીને પ્રશ્ન પૂછેલો કે, “મારાથી મારી રક્ષા કરજો.” એવું તમે કહો છો તેની સમજ પાડજો. આજના પ.પૂ.દીદીના પ્રવચનમાં પ્રારંભે એ પ્રશ્નનો જવાબ પણ પ.પૂ.દીદીએ આવરી લીધો હતો.

“ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં જીવન સમર્પણ કર્યું એને આજે ૫૯ વર્ષ પૂરાં થાય છે. મને એક જ વાતની ખબર છે કે, જેવી હું હતી તેવી આજે નથી. ગુરૂહરિ પપ્પાજીને કાયમ પ્રાર્થના કરું છું કે, મારી મારા થકી રક્ષા કરજો. એટલે શું કે ? “હું બિલાડો” ક્યારે જાગ્રત થાય તે કહેવાય નહીં. માટે ધ્યેય રાખ્યું છે કે, મારે ખરેખર જોગી મહારાજ જેવા સાચા સાધુ થવું છે. ‘હાંજી ભલા સાધુ….’ એ ભજન મેં આદર્શ રાખ્યું છે. આમ, સ્ફટિક જેવા નિર્મળ જીવનની પ.પૂ.દીદીએ પોતાની વાત કરીને શીખ આપી હતી. જે આપણા આદર્શરૂપે, જીવન માટે હોય ! અસ્તુ….જય સ્વામિનારાયણ.

(૪) પરદેશ પધારનાર બહેનોનો વિદાય-મિલનસમારંભ

તા.૮, ૯ અને ૧૦ જૂન ત્રણ દિવસ રોજ રાત્રિ સભામાં પરદેશની ધર્મયાત્રાએ જઈ રહેલાં બહેનોને વિદાય-શુભેચ્છા પાઠવી હતી.

૧. તા.૮મીએ પૂ.ડૉ.વિણાબેન અને પૂ.અમીતાબેન અમેરિકા “પપ્પાજી શતાબ્દી શિબિર” માટે પધારી રહ્યાં છે. તેઓને ભાવભીની વિદાય આપી. તે નિમિત્તે પૂ.શોભનાબેને લાભ આપ્યો હતો અને પૂ.ડૉ.વિણાબેને અમેરિકાના ભક્તોની ભાવના અને શિબિરના આયોજન વિષે વાત કરી મહિમાગાન કર્યું હતું.

૨. તા.૯/૬ના રાત્રિ સભામાં છૂપી સેવાનાં સ્વરૂપો પૂ.મધુબેન રાડિયા અને પૂ.જયુબેન લાખાણી લંડન જઈ રહ્યાં છે. તેઓની સેવાને બિરદાવી, આનંદબ્રહ્મની ગોષ્ટિ સાથે સભાના મુક્તોએ વિદાય આપી હતી.

૩. તા.૧૦/૬ ના રાત્રિ સભામાં પૂ.માયાબેન અને પૂ.દીનાબેન શાહ લંડન પધારી રહ્યાં છે. તેઓને ભાવભીની વિદાયમાં સાથે સત્કાર્યાં હતાં. પૂ.માયાબેનની પરાવાણીનો લાભ લીધો તથા પ્રાસંગિક પૂ.મનીબેન, પૂ.ડૉ.નિલમબેને ગુણાનુગાન સાથે લાભ આપ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/June/07-08 june vidiay for behno/{/gallery}

(૫) તા.૧૨/૬/૧૫ પ.પૂ.કાકાશ્રી મહારાજનો પ્રાગટ્યદિન

ઈ.સ.૧૯૬૬માં પાર્ટીશન થયું. ત્યારનો જે સમાજ તે પ.પૂ.કાકાજીનો સમાજ ! જેથી આખા આ ગુણાતીત સમાજના કેન્દ્રોમાં આજના દિવસની ઉજવણી થઈ રહી છે.

શ્રી ગુણાતીત જ્યોતમાં પણ આજે પ.પૂ.કાકાશ્રીનો પ્રાગટ્યદિન સવારથી રાત સુધી અંતરમાં પ્રાર્થના સાથે, દિલના ભાવોથી, યતકિંચિંત ઋણ અદા કરવા માટે અંતરગત પ્રાર્થના ભાવો સાથે

૧. ગુણાતીત તીર્થ પર પ્રદક્ષિણા કરી.

૨. પ્રભુકૃપામાં સંઘધ્યાનમાં ભાઈઓએ અને જ્યોતમાં મંગલસભામાં બહેનોએ પ.પૂ.કાકાજીની મૂર્તિ પધરાવી માહાત્મ્યગાનથી ઉજવણી કરી હતી. જેમાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિમુદ્રિત છતાંય જાણે સામે બિરાજમાન હોય તેવા રણકાથી પ.પૂ.કાકાશ્રીનું માહાત્મ્યગાન કરાવ્યું.

પ.પૂ.કાકાશ્રીના જીવનમાં અપ્રતિમ ગુરૂભક્તિ હતી. અલ્પ સંબંધવાળામાં ખોવાઈ જવાપણું હતું. યોગીજી મહારાજને એમણે યથાર્થપણે ઓળખી લીધા તો યોગીજી મહારાજ જેવા ગુણ એમનામાં આવી ગયા. પ.પૂ.કાકાજી ખૂબ શૂરવીર. એમણે શાસ્ત્રીજી મહારાજ ! યોગીજી મહારાજનું માહાત્મ્ય ચારેબાજુ રેલાવ્યું. એના પરિણામે આજે ગુણાતીત સમાજ ફૂલ્યોફાલ્યો છે. એમણે જે ભીડા વેઠ્યા અને સંબંધવાળાનું માહાત્મ્ય સમજાવ્યું એ ભીડાને આપણે સાર્થક કરીએ. સંબંધ જોઈને સેવા કરી લઈએ.

પૂ.મનીબેને વાત કરી કે પ.પૂ.કાકાશ્રીના પ્રાગટ્યદિને એટલે ગુણાતીત સમાજ માટે મહાપર્વનો દિન છે. ગુરૂહરિ પપ્પાજીએ એક વખત વાત કરી હતી કે, આવા પર્વના દિને જેલો દૂધે ધોવાઈ જાય. જેલો દૂધે ધુએ એટલે કે બધા કેદીઓના ગુના માફ કરી દે, જેલમાંથી મુક્તિ આપી દે. તેમ આજના આ પર્વના દિને કાકાશ્રીના પ્રાગટ્યદિને કાકાશ્રી એટલે નિર્દોષબુધ્ધિનું સ્વરૂપ. આપણાથી જાણે-અજાણ્યે નિર્દોષબુધ્ધિનું ખંડન થયું હોય તો આજે માફ કરાવી લઈએ. તથા પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી-પ.પૂ.બા આપણા ગુણાતીત સમાજના પાયાની વિભૂતિઓ છે. તેમને આપણે જીવંત રાખીએ. પ.પૂ.કાકાજી જપયજ્ઞનું સ્વરૂપ. તો આજે આખો દિવસ સેવાની સાથે જપયજ્ઞ કર્યા કરીએ.

પ.પૂ.જ્યોતિબેને જૂની સ્મૃતિ તારદેવ વખતની પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજીની કરાવી હતી. તે જાણે પહેલીવાર વાત સાંભળી તેવું લાગ્યું. તારદેવ એક વખત યોગીબાપાની આજ્ઞા આવી કે, આજે સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ સુધી વચનામૃતનું પારાયણ કરજો. આજે આખો દિવસ સ્ત્રીનું મોઢું ના જોવું. પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજીએ અમોને નીચે બાના ઘરે મોકલી દીધાં. આજ્ઞા અણીશુધ્ધ પાળી. આવા સાધુનાં વર્તમાન પણ બાપાએ આ બંને ભાઈઓને આપ્યાં હશે તે પાળ્યાં છે.

૩. રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પ.પૂ.કાકાશ્રીના પ્રાગટ્યદિન નિમિત્તે જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભા અને કીર્તન આરાધના થઈ હતી. ખૂબ સુંદર રીતે પ.પૂ.કાકાશ્રીના ભજનો પહેલાં બહેનો અને પછી ભાઈઓએ ગાયાં હતાં. આખું વાતાવરણ દિવ્યતાસભર થઈ ગયું હતું. પ.પૂ.કાકાશ્રીની પરાવાણીનો ધ્વનિમુદ્રિત લાભ લીધો હતો. તેમાં બ્રહ્મનિયંત્રિત બ્રહ્મસમાજ છે. તેમાં આપણે સમાયા છીએ. ત્રિકાળમાંય આપણો આનંદ જવો ના જોઈએ. મારો ભગવાન પ્રગટ છે છે છે જ. પ્રગટને પ્રત્યક્ષ કરવાનો છે. એને પોકાર્યા કરીએ. અનુભૂતિ કરાવશે જ.

પ.પૂ.જ્યોતિબેનની પરાવાણીનો પ્રાસંગિક લાભ લીધો હતો. ખૂબ જૂની જૂની સરસ સ્મૃતિની વાતો કરી આશીર્વાદ આપ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2015/June/12-06-15 P.P.KAKASHRI PRAGTYA DIN/{/gallery}

(૬) તા.૧૩/૬/૧૫ પપ્પાજીસ્વરૂપ પ.પૂ.મનીબેનનો સ્વરૂપાનુભૂતિદિન

ઠરાવરહિત જીવન જીવી પાળ્યા પ્રભુ વચનો શિરસાટે,

સહ્રદયી સ્વરૂપ પરમ સંગે સદા લીન, એવા મનીબેનનએ વંદન હો ભાવે,

સાધનામાં આંતરિક રાંકભાવ રાખી સંબંધીની સેવા મહાત્મ્યથી કરી,

જીવનમુક્તોનું સઘળું જાણે, છતાં નીરખે પ્રભુના ભાવે,

જાત હોમી સેવા બજાવે, ગાઢ પ્રીતિ એવી તમને,

દીયો આશિષ આજે ઝીલી જીવન જીવીએ.

પપ્પાજીને કરીએ રાજી, કર્યા જેમ તમે પપ્પા-સ્વરૂપોને રાજી.

સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ મંગલ સભામાં પૂ.મનીબેનના ર્દષ્ટાદિન નિમિત્તે પૂ.મનીબેનનો લાભ લીધો હતો. પૂ.મનીબેને ગુરૂહરિ પપ્પાજીના આ સ્થાનનો મહિમા કહ્યો હતો. પ.પૂ.જ્યોતિબેનના આજના દિનના આશીર્વાદ લીધા હતા. પૂ.મનીબેન વિષે ખૂબ વિગતે વાતો કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. આમ, માહાત્મ્યગાનથી ઉજવણી થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2015/June/13-06-15 P.Maniben Divine day/{/gallery}

(૭) તા.૧૫/૬/૧૫ કીર્તનઆરાધના (વડોદરા)

આજે સાંજે વડોદરા પૂ.મંદાભાભી ગોવિંદભાઈના પૌત્ર ચિ.હેમચંદ્રના પાંચમાં જન્મદિન નિમિત્તે પૂ.વર્ષાભાભી આશિષભાઈ અને કુટુંબીજનોએ ભેગા મળી વિશેષ રીતે કીર્તન ભક્તિનો કાર્યક્ર્મ રાખ્યો હતો, સર્વદેશીય સમજણ ધરાવતું આ કુટુંબ સંપ, સુહ્રદભાવ અને એકતાનો ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત પાળનારા આ અક્ષરમુક્તો ખરેખર આદર્શ મુક્તો છે. લક્ષ્મી હોવી અને તેનો યોગ્ય રીતે ભક્તિમાં ઉપયોગ કરવો એ એક કળા છે. બાળક પાંચ વર્ષનો થાય પછીથી જ તેનો જન્મદિન ઉજવવો એવું તેઓએ નિરધાર્યું હતું. સમજપૂર્વક સંસ્કાર રોપાય. એ પાંચ વર્ષ આજે પૂરાં થયાં.

પ.પૂ.જ્યોતિબેન અને પૂ.ડૉ.નિલમબેન ૧૫૦ બહેનોનો સાજ લઈને ગાયક-વાદ્યવૃંદ પાર્ટી સાથે પધારવાનું આમંત્રણ પૂ.વર્ષાભાભીએ આપેલું. વર્ષોથી ઘરના મહિલાઓને આવા સદ્દગુરૂ સ્વરૂપ પૂ.મધુબેન, પૂ.હેમાબેન, પૂ.શોભનાબેન અને પૂ.ડૉ.નિલમબેનનો સમાગમ છે. હૉલ રાખી આગલા દિવસે અનુપમ મિશનના ભાઈઓને અને આજે બહેનોને બોલાવી ભજન કીર્તનનો લાભ લીધો. આખા મંડળને તથા સગા-વ્હાલા સહુનેય બોલાવી લાભ અપાવ્યો. બધાને જમાડ્યા. ગાયક મુક્તોએ વાજીંત્રો સાથે ભજનની રમઝટ બોલાવી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેનના સાંનિધ્યે ભજનો ગવાયા ને જાણે પ્રભુ પ્રત્યક્ષ થઈ ગયા. એવા દિવ્યતાની અંતરમાં અનુભૂતિ સહુનેય થઈ હતી.

પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા ! ખૂબ વરસ્યા ! ખૂબ વરસ્યા ! ત્યારબાદ પૂ.હેમચંદ્રના પસંદ મુજબનો આધુનિક થાળ શ્રીઠાકોરજીનો કરીને સહુ મુક્તોને મહાપ્રસાદ જમાડી વિદાય કર્યા. ધન્યવાદ !

{gallery}images_in_articles//newsletter/2015/June/15-06-15 vadodara kirtan aaradhna/{/gallery}

(૮) તા.૧૭/૬/૧૫ અધિક્માસ પ્રારંભ

આજથી જ્યોતમાં સાંજે ૫.૩૦ થી ૭.૦૦ પારાયણ અને સમૂહ ધૂન્યનો કાર્યક્ર્મ અધિક માસમાં રાખેલ છે.

(૯) તા.૨૧/૬/૧૫ ગુણાતીતજ્યોતનો સુવર્ણખાતમુર્હૂતદિન !

જ્યોત મંદિરમાં જે ફોટો (મૂર્તિ) ખાતમુર્હૂત વિધિનો છે તેને આજે ૫૦ વર્ષ પૂરાં થાય છે. આ ખૂબ જ મોટી વાત છે. બહેનોને ભગવાન ભજાવવાની આજ્ઞા આપી. વળી, બહેનો તૈયાર થતાં ‘આપણા પ્લોટમાં બાંધી આપો’ બીજું વચન, યોગીજી મહારાજનાં આવાં વચનો ઝીલી, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.બા બેઠી ધીરજ અને સમતા છતાંય અડગ રહી સામાપૂરે ચાલતાં જ રહ્યાં.

ખાતમુર્હૂત કરવાનો દિવસ આવ્યો. ત્યાં માયાએ જોર પકડ્યું. બા અને બહેનોને લઈને ગુરૂહરિ પપ્પાજી આણંદથી મુંબઈ પધાર્યા. પ.પૂ.કાકાજી, પ.પૂ.સાહેબજી, ભાઈઓ, પૂ.રમણિક અદા વગેરે હજુ વિદ્યાનગર હતા. અચાનક બાપાએ આજ્ઞા કરી કે આજે ડોશીઓના પ્લોટમાં ખાતમુર્હૂત કરી આવીએ. અને ભાઈઓએ ગોઠવણ કરી. પ.પૂ.પ્રમુખ સ્વામીજી, પૂ.મોટા સ્વામી તથા નિર્દોષબુધ્ધિવાળા સમાજના મુક્તો ખાતમુર્હૂતમાં પધાર્યા. એ વખતે પૂ.રમણિક અદાએ બધા વતી પૂ.યોગીજીમહારાજને સુખડનો હાર પહેરાવ્યો. યોગીબાપાએ આશીર્વાદ આપ્યા કે, “ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયાભરમાં અહીંથી ફેલાશે.” આમ, બાપાના રાજીપા સાથે જ્યોતનું ખાતમુર્હૂત થયું. તેને આજે ૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૧ મહિનામાં મકાન બંધાયુ અને ૧લી જૂન ૧૯૬૬ના રોજ જ્યોતની સ્થાપના થઈ. પ્રથમ ૫૧ બહેનોએ કાંષાબર વસ્ત્ર ધારણ કર્યાં. તે બહેનોમાંના પૂ.ઉર્મિબેન ડી. પટેલ કે જેઓ આ ખાતમુર્હૂત વખતે હાજર હતાં. આજે તેઓના મુખે ખાતમુર્હૂતની સ્મૃતિની વાતો સાંભળીને આનંદ થયો. ધન્ય છે એ ૫૧ બહેનોને અને તેમના માતા-પિતાને કે જેઓએ જીવન સમર્પણ કર્યું. અંધારામાં પથરા ફેંક્યા. સમર્થ એવા ગુરૂહરિએ ૫૧ બહેનોને જ્ઞાનામૃત પાયું. જતન કરી સંકલ્પ-ભજનથી એકપક્ષીય બેઠો શ્રમ કર્યો. એ બહેનો નીવડી ગયાં. પ.પૂ.બા, પ.પૂ.કાશીબા, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન વગેરે ૨૫ બહેનો તારદેવથી તૈયાર કરીને લાવેલા. તેઓના નેતૃત્વ હેઠળ આ બહેનોને ભગવાન ભજાવવાનુ કાર્ય પૂરજોશથી ચાલ્યું. સામે યોગીજી મહારાજની, પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજીની પ્રસન્નતાર્થે માથું મૂકી બહેનોની સેવા અને રખેવાળી કરનારા પ.પૂ.સાહેબ અને આઠ ભાઈઓનું ગૃપ જે ખાતમુર્હૂત વખતે હાજર હતું. તેઓએ આ સેવા મંગુ બનીને કરી લીધી. કોટિ અભિનંદન.

{gallery}images_in_articles//newsletter/2015/June/21-06-15 Gunatit jyot suvarna khat muhrat din/{/gallery}

આજની આ સભામાં પ્રાસંગિક આશીર્વાદ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેન, પૂ.ડૉ.નિલમબેનના તથા ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. તથા પૂ.આનંદીબેન ગાભાવાલાએ આજે યોગાદિન નિમિત્તે લાભ આપી એક પેમ્ફલેટ યોગા વિષેનું બધા ગુરૂઓને અર્પણ કર્યું હતું.

સાંજે ૬.૦૦ વાગ્યે જ્યોત પંચામૃત હૉલમાં બહેનોએ યોગા કર્યા. ચિ.અમૃતા શાહે ખૂબ સરસ રીતે બહેનોને યોગા કરાવ્યા હતા. આમ, વિશ્વ યોગદિનને માન આપી ગુરૂહરિ પપ્પાજી પણ હંમેશાં દેહ મંદિરના જતન માટે યોગા કરવાની, ચાલવાની આજ્ઞા સૂચન સાધકો માટે કરતા રહ્યા જ છે. તે સ્મૃતિ સહ આજે સમૂહમાં વિશ્વ યોગાદિન પણ મનાવ્યો હતો.

(૧૦) તા.૨૧/૬/૧૫ યોગીબાપાના આશીર્વાદ મુજબ દેશ પરદેશમાં ગુણાતીતજ્ઞાનના સંદેશા ફેલાવવાના શરૂ થયા. દેશ પરદેશમાં જ્યોતની શાખાઓ ખુલી. આજે તા.૨૧/૬/૧૫ના દિને અમેરિકાની ધરતી પર પ.પૂ.દેવીબેન, પૂ.ડૉ.વિણાબેન, પૂ.મીનાબેન ગાંધી પધાર્યા અને લંડન જ્યોતમાંથી પૂ.દીનાબેન ભરખડા, પૂ.ઈલાબેન વિસાણી વગેરેના સાંનિધ્યે ગુરૂહરિ પપ્પાજીના આ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શિબિર સભા થઈ હતી. ભક્તો ખૂબ રાજી રાજી થયા હતાં. ગુણાતીત સમાજલક્ષી આ શિબિર સમૈયામાં પૂ.દિનકરભાઈ (શિકાગો) પધાર્યા. સહુ કેન્દ્રો પરથી ભક્તો પધાર્યા. એકમેકના દર્શન એકતાનું સુખ માણ્યું. આમ, જ્યોત જ્યોતશાખાઓમાં આ દિનની ઉજવણી ગુરૂહરિ પપ્પાજીના છૂપા કાર્યની ઉજવણી, ભજન-કીર્તન

 

અભિયાનથી થઈ રહી છે. ગુણાતીત જ્ઞાનથી છલકાતા, પ્રત્યક્ષ ઉપર લગાડી બહેનોએ ખાસ તો પ.પૂ.દીદીએ પ્રારંભેલ આ ભજનો મીરાંબાઈના ભજનોની જેમ સનાતન બન્યાં છે, જીવંત રહ્યા છે. એ ભજનોના માધ્યમ દ્વારા, હાલ બહેનો ઠેર ઠેર ભક્તિ કરી હાં હાં ગડથલ કરી શતાબ્દી પર્વની ઉજવણી, જીવન જીવ્યાની રીતે કરી રહ્યાં છે.

(૧૧) તા.૨૬/૬/૧૫ સરપ્રાઈઝડે

ગુરૂહરિ પપ્પાજીએ ૧૯૮૪માં બહેનોને સરપ્રાઈઝ આપી અને એક કાંકરે અનેકપક્ષી વિંધનાર એટલે કે એક પ્રસંગથી અનેક ચૈતન્યોનાં કાર્ય કરનાર ગુરૂહરિ પપ્પાજીની આ સ્મૃતિ જ્યોત માટે સનાતન-સરપ્રાઈઝ ડે તરીકે રહી છે. તે સ્મૃતિ આજે જ્યોત સભામાં ડૉ.નિલમબેને વિગતે કહીને કરાવી હતી. તે પણ અહીં જોઈએ.

તે સમય આધુનિક યંત્રની અછતનો હતો. ટેલીફોનની સગવડ નહીંવત્. મોબાઈલ, ઈન્ટરનેટ, વૉટ્સ ઍપ વગેરેની સુવિધા પછીથી અસ્તિત્વમાં આવી. એવા એ સમયમાં ગુરૂહરિ પપ્પાજી અને મોટેરાં બહેનો પરદેશની ધર્મયાત્રાએ પધારે તો ખૂબ તણાવ અનુભવાતો. તે વખતની પૂ.ડૉ.નિલમબેને વાત કરી…

૧૯૮૪ની ૨૬મી જૂને અમે અમેરિકાના વીઝા માટે બોમ્બે ગયા હતા. તે વીઝા પાસપોર્ટનું કામ સવારે જ પૂરૂં થઈ ગયું, પપ્પાજીને ૪ દિવસ પછી અમેરિકા જવાનું પ્લેન હતું. બોમ્બેથી જ હતું. તેથી અમે પણ બોમ્બે રોકાવાના હતા. અને પછી ત્યાંથી અમેરિકા જવા માટે નીકળવાનું હતું. સવારે જ વીઝા-પાસપોર્ટ મળી ગયા. પછી ગુરૂહરિ પપ્પાજીએ નલિનકાંતભાઈને કહ્યું, આજે મારે વિદ્યાનગર જવું છે. તેથી જે ટિકીટ મળે તેમાં લઈ લો. ટ્રાય કર્યો તો સાંજે બોમ્બેથી પ્લેનની ટિકીટ મળી ગઈ. પછી ગુરૂહરિ પપ્પાજીએ અમદાવાદ રજનીભાઈને ફોન કર્યો કે હું બોમ્બેથી આ રીતે આવું છું. તું મને એરપોર્ટ પર લેવા આવજે. પણ જ્યોતમાં કે ક્યાંય તારે જણાવવાનું   નથી. મારે સરપ્રાઈઝ આપવી છે. અમદાવાદ પપ્પાજી આવ્યા ત્યારે આપણા બે નર્સ બહેનોને ઝેરી કમળો થયો હતો. તેથી હૉસ્પીટલમાં હતાં. કોઈએ પણ તેમને મળવા જવાનું નહોતું તેવી કડક સૂચના હતી. એમનું જીવન જોખમમાં હતું. ગુરૂહરિ પપ્પાજી કહે મારે પહેલાં આ બંને બહેનોને જોવા જવું છે. એટલે સીધા હૉસ્પીટલમાં ગયા. બારણે ટકોરા માર્યા. જ્યાં બારણું ખોલ્યું તો બંને બહેનો આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયાં કે સાચે જ ગુરૂહરિ પપ્પાજી છે ! ત્યારે પપ્પાજીના ખીસ્સામાં કાજુ હતા. ગુરૂહરિ પપ્પાજીએ ડૉ.નિલમબેનને પૂછ્યું કે, આ બહેનોને કાજુ અપાય ? પૂ.ડૉ.નિલમબેન કહે, પપ્પાજી તમે તો સર્વોપરી ડૉક્ટર છો ! બધું તમારા હાથમાં છે, આપો. તેથી તે બહેનોને કાજુનો પ્રસાદ આપ્યો ને નવું જીવન બક્ષિસમાં આપ્યું.

ત્યાંથી અમદાવાદ જ્યોતમાં સરપ્રાઈઝ દર્શન આપવા પધાર્યા. અને પછી રાત્રે ૧૧.૦૦ વાગ્યે સીધા વિદ્યાનગર જ્યોતના દરવાજે પધાર્યા. દરવાજો અંદરથી બંધ હતો. ત્યાં લાકડીથી ટકોરા માર્યા. પૂ.લક્ષ્મણબાપા ત્યારે દરવાજાનું ધ્યાન રાખતા હતા. એમણે બૂમ પાડી. અત્યારે કોણ છે ? પણ ગુરૂહરિ પપ્પાજીએ જવાબ આપ્યા વગર પાછો દરવાજો ઠોક્યો. એટલે બાપાએ તો એકદમ જ અંદરથી દરવાજા ઉપર ચડીને જોયું તો પપ્પાજી !! ત્યારે બહેનો પંચામૃત હૉલમાં ચોળીનું શાક સમારતાં હતાં. બધાને ઓચિંતા દર્શન આપ્યાં. આમ, ગુરૂહરિ પપ્પાજીએ આનંદસભર સરપ્રાઈઝ આપી !!!

ગુરૂહરિ પપ્પાજીએ આપણને આવું સર્વોપરી સ્થાન આપ્યું. એ ભગવાનને સાકાર અને પ્રત્યક્ષ રાખવા એજ આપણું જીવન છે એ જ આપણું સુખ છે.

(૧૨) તા.૨૮/૬/૧૫

ગુરૂહરિ પપ્પાજીની શાશ્વત સ્મૃતિની તારીખ છે. તે સ્મૃતિ સહ પ્રભુકૃપા મંડળના ભાઈઓ રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પપ્પાજી તીર્થ પર દર્શન, પ્રદક્ષિણા, ભજન, સભા માટે દર મહિને પધારે છે તે મુજબ આજે સભા પપ્પાજી તીર્થ પર કરી હતી.

(૧૩) જીવન જાગૃતિશિબિર – અમદાવાદ

તા.૬ઠ્ઠી જૂને બપોરે ૫ થી ૮ ગૃહસ્થ ભાઈઓની અને વડીલ મુક્તોની જીવન જાગૃતિ શિબિરનું સુંદર આયોજન અમદાવાદ જ્યોત મંદિરના હૉલમાં અમદાવાદના ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને યુવકોએ કર્યું હતું. શિબિર સભામાં પૂ.હેમંતભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું. ગૃહસ્થ મુક્તોએ પોતાને થયેલ અનુભવોની લ્હાણી કરાવી.

તા.૭મી જૂને સવારથી સાંજ યુવકો અને યુવાન ગૃહસ્થો માટે પણ આ જ હૉલમાં ‘જીવન જાગૃતિ શિબિર યોજાઈ.’ જેમાં સુરતથી ગુણાતીત પ્રકાશના નેતા પૂ.વિરેનભાઈ તથા પૂ.પિયૂષભાઈ વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ પધાર્યા હતા. સવારે ૯ થી ૧૨ માં શિબિરાર્થીઓના અનુભવો સાંભળ્યા. ભજનો ગાયા. બપોરે મહાપ્રસાદ ને આરામ કરી ૪ થી ૭ ફરીથી બીજા મુક્તોના અનુભવો સાંભળ્યા. ભજનો ગવાયા અને ૭ થી ૮.૩૦ દરમ્યાન પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ અને છેલ્લે પૂ.હરેશભાઈ ભરૂચીએ સૌ મુક્તોને ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીએ તેઓનું ઋણ ચૂકવવાના ભાગરૂપ જીવન જીવવાનું સુંદર માર્ગદર્શન સૌને પોતાના જાણીને અલગ અલગ રીતો બતાવીને આપ્યું ને સૌને જાગ્રત કર્યા. મહાપ્રસાદ લઈ સૌ આ વાતોને વાગોળતા આનંદ સાથે છૂટા પડ્યા.

{gallery}images_in_articles//newsletter/2015/June/jivan jagruti shibir/{/gallery}

ગુરૂહરિ પપ્પાજીના આ શતાબ્દી વર્ષ દરમ્યાન આપણે કીર્તન-ભક્તિ કરી રહ્યાં છીએ. તે આખો જૂન માસ કીર્તન ભક્તિના કાર્યક્ર્મ સાથે ખૂબ સરસ રીતે પૂરો થયો હતો. પ્રત્યક્ષ મુક્તોએ પ્રત્યક્ષ પ્રભુ પર લગાડીને બનાવેલાં ભજનો પણ કેવાં કે જેમાં સંપૂર્ણ ગુણાતીત જ્ઞાન સમાયેલું છે. એવાં ભજન મૂર્તિ સંભારી ગાઈએ એ એક શિબિર તુલ્ય છે. એવી ભજનશિબિર કરી ધન્યતા અનુભવતા રહીએ. એવી પ્રભુને પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !