01 to 31 Jan 2015 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે જાન્યુઆરી મહિના દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૧/૧૫

નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. નવા વર્ષની તા.૧લીની કીર્તન આરાધના રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ બહેનોની સભામાં થઈ હતી. ભજન કીર્તન બાદ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. આજે નવું વર્ષ ! પપ્પાજી કહેતા આપણે નિત નવું વર્ષ ! પ્રાપ્તિનો આનંદ ! અંતરની હળવાશનો અનુભવ થયા કરે. આત્મારૂપે વર્તવાનું મહારાજ અને

GKP 7376

ગુણાતીતે શીખવ્યું. હું કાંઈ નહીં. હું ગુરૂહરિનો પ્રકાશ. હું આત્મા છું. અક્ષર છું. એ માન્યતા જન્મોજન્મ રહેશે.

 

આપણું તો મોત મરી ગયું. પ્રાપ્તિનો આનંદ કરીએ, સંબંધે સ્વરૂપ માની સેવા કરી લઈએ. આમ, સર્વે સ્વરૂપો વતી નવા વર્ષના આદેશ સાથે આશીર્વાદ આપ્યા હતાં.

 

(૨) તા.૫/૧/૧૫ પોષીપૂનમ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિન

 

આજનો દિવસ ખૂબ ભવ્ય દિવસ છે. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપીને આપણને સનાથ બનાવ્યા. આપણા માટે આજે નવું વર્ષ છે. આજના શુભદિને પ.પૂ.સાહેબજી અને આઠ ભાઈઓને પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી અને પ.પૂ.બાએ નેકટાઈ સાધુની દીક્ષા આપીને ગુણાતીત સમાજની ચોથી પાંખ ખોલી હતી. આ ભાઈઓને દીક્ષાદિન વર્ષોથી પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા અને પ.પૂ.સાહેબના સાંનિધ્યે શિબિર સભા કરી. ગુણાતીતજ્ઞાનને વાગોળી સાચા અર્થમાં ઉજવતા આવ્યા છે. વળી, બ્રહ્મજ્યોતિના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા આ દિવસે કરી હતી. તેથી આજે બ્રહ્મ જ્યોતિ પર સવારે પાટોત્સવ તથા ૯.૩૦ થી ૧૨.૩૦ સભાનું આયોજન ગુણાતીત સમાજલક્ષી થયું હતું. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી, પ.પૂ.સાહેબ, પ.પૂ.દીનકરભાઈ શિકાગો, પ.પૂ.નિર્મળ સ્વામીજી સર્વે ગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે ચારેય પાંખાળા અને સંતો ભક્તોની સભા શિબિરના રૂપમાં થઈ હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.માયાબેન અને બહેનો બ્રહ્મજ્યોતિ પર સભા દ્વારા લાભ લીધો હતો. જ્યોતમાં પણ સવાર-સાંજની સભામાં અને આખો દિવસ ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષાદિનની ઉજવણી રૂપે તે અનુસંધાને બધું થયું હતું. પ.પૂ.દીદી, પૂ.ડૉ.વિણાબેને લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં.

 

ગુણાતીત ભાવમાં રહેતા થવું એ આપણું ધ્યેય છે. ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપરથી “શ્રી ગુણાતીત જ્યોત”, ગુણાતીત સમાજ આપણી સંસ્થાનું નામ, આપણા કુળનું નામ રાખ્યું છે. આપણે બ્રહ્મરૂપ અથવા ગુણાતીત ભાવમાં રહેતા થવું છે. તે માટેનું ભજન “તું ગુણાતીત કરવા ગુણાતીત…..” અને “ધરતલ ધરતીના….” એ ભજનો આદર્શ છે. આમ, આખો દિવસ ગુણાતીત જ્ઞાનથી ભર્યા રહીને પસાર થયો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Jan/05-01-15 POSHI POONAM P.P.GUNATITANAND SWAMNI DIKSHA DIN/{/gallery}

 

(૩) તા.૧૨/૧/૧૫ અ.નિ.ભગવાનજીભાઈ પટેલ (વડોદરા)ની ત્રયોદશીની મહાપૂજા

આજે ભગવાનજીભાઈ પટેલની મહાપૂજા તેમના ૮૯મા જન્મદિને આજે જ્યોત મંદિરમાં કરી હતી. પૂ.યશવંતભાઈ અને પૂ.ઈલેશભાઈએ મહાપૂજા કરી હતી અને પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે તેઓના પરિવારના સર્વે મુક્તોએ મહાપૂજાનો તથા ભગવાનજીભાઈના મહિમાની ગોષ્ટીનો લાભ લીધો હતો. ધન્ય છે આવા જૂના જોગી અક્ષર મુક્તોને ! ભગવાનજીભાઈના કુટુંબીજનોએ શ્રી ઠાકોરજી અને સંત બહેનોને થાળ જમાડી પુણ્ય પ્રાપ્ત કરવાની ધન્યતા અનુભવી હતી.

 

(૪) તા.૧૪,૧૫ જાન્યુઆરી, ઉત્તરાયણ પર્વ

ઉત્તરાયણ પૂણ્યપર્વણીનો મહિમા ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ કહ્યો છે. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે દર ઉત્તરાયણની ઉજવણી જ્યોતમાં સભા, કથાવાર્તા અને આનંદબ્રહ્મથી થતી હતી. તે સ્મૃતિ સાથે આ વખતે પણ આ બે દિવસ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથેનો સુંદર કાર્યક્ર્મ ગોઠવાયો હતો.

 

૧. તા.૧૪/૧ ના સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ઉત્તરાયણ નિમિત્તેની સભા હતી. ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતાં.

 

ગુરૂહરિ પપ્પાજીએ જોગીબાપાની વાત કરી કે, આજે ઉત્તરાયણ પર્વે સવારે ૪.૦૦ વાગ્યે ઉઠી ગયો અને અક્ષરડેરીએ પહોંચી ગયો એ સ્મૃતિ કરી. ઊંઘ ના આવી. દર ઉત્તરાયણે જોગીબાપા મને લખે, “ઉત્તરાયણની સેવા લઈને આવજો. ખરેખરા એકાંતિકોના એ હતા. જે હરિભક્તોને જરૂર હોય એની સેવા બાપા મારી પાસે ખાનગી કરાવતા. બાપાને ખબર કે આ સેવાનો ધજાગરો નહીં કરે. માહાત્મ્યથી કરશે. એવો બાપાને વિશ્વાસ. ઉત્તરાયણની સેવા લઈને ગોંડલ ગયો. બાપાએ એમની રૂમમાં બોલાવ્યો. ધનની, મનની, દેહની(તનની) ત્રણેય પરીક્ષા લીધી. ભગવાન માનતો હતો. પાસ થઈ ગયો. બાપા એકદમ રાજી થઈ ગયા અને છાતીએ હાથ ફેરવીને કહે, “સ્વામીશ્રીજી અખંડ રહેશે.”

 

આ પ્રસંગની વાત ગુરૂહરિ પપ્પાજીએ પોતાનું મિશ લઈને કરી કે, પોતાના સેવ્ય સ્વરૂપને સાક્ષાત નારાયણ માનીને કેમ વર્તાય ! એ શીખવ્યું.

 

ગુરૂહરિ પપ્પાજી ઉત્તરાયણના દિવસે સાધકો પાસે, આશ્રિત હરિભક્તો પાસે જોળી માંગતાં. જોળીમાં એમને આપણી અંદરની કિંમતી વસ્તુ દેહભાવ, સ્વના ભાવો જે આપણને દુઃખી કરે છે. અહંતા-મમતાના ભાવો જે ભગવાન અને ભક્તોનો અભાવ લેવડાવે છે. તે બધું જોળીમાં માંગતાં. આમ, પપ્પાજીના સંબંધમાં આવનાર ચૈતન્યોને આત્માના સુખે સુખિયા કર્યા સિવાયનું કાંઈ જ જોઈતું નથી. સાધક મુક્તોને પણ આ અવસરે રમતો રમાડી બ્રહ્માનંદ કરાવતા. એ સ્મૃતિ સાથે આજે સાંજે જ્યોત પંચામૃત હૉલમાં સદ્દગુરૂઓના સાંનિધ્યે બહેનોને રમત હરિફાઈ દ્વારા આનંદબ્રહ્મ કમિટિના મુક્તોએ આનંદ કરાવ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Jan/14-01-15 Utrayan parva sabha jyot/{/gallery}

 

તા.૧૫/૧ના પપ્પાજી તીર્થ પર સવારે થ્રો બૉલ, ડોઝબોલ અને બપોર પછી બેઝબોલ હરિફાઈ.

 

આમ, ટીમગેમ રમાડી, મુક્ત મને બ્રહ્માનંદ કર્યો હતો. દરેક ગેમના નામ અને ભાવાર્થ બધું જ આધ્યાત્મિક જ. પપ્પાજીએ શીખવ્યા મુજબનું હતું. આમ, બંને દિવસ ન્યારી અલૌકિક સાધનાની રીતનો આનંદ કરી ધન્યતા અનુભવી હતી. ૧૫મી ની સંધ્યાએ પ.પૂ.દીદી પપ્પાજી તીર્થ પર પધાર્યા. તથા સદ્દગુરૂ A ના સાંનિધ્યે આનંદબ્રહ્મના કાર્યક્ર્મની પૂર્ણાહુતિ ખૂબ દિવ્ય રીતે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય હાજરીની અનુભૂતિ સહુનેય થઈ હતી.

 

{gallery}images_in_articles//newsletter/2015/Jan/15-01-15 utrayan brama ramatutsav/{/gallery}

 

(૫) સુરત જ્યોતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી

 

સુરત જ્યોતમાં ગુણાતીત પ્રકાશના ભાઈઓએ પણ આ ઉત્તરાયણ પર્વ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ-જ્ઞાન સાથે ઉજવ્યો હતો. તેનો અહેવાલ સુરતના યુવકની કલમે અહીં માણીએ.

સુરત મંડળ એ ગુરૂહરિ પપ્પાજીનું પોતીકું મંડળ છે. પ.પૂ.પપ્પાજી શતાબ્દી વર્ષના ઉપક્રમે સુરત મંડળના મુક્તોએ ઉત્તરાયણ પર્વ વિશેષ રીતે અનિર્દેશ મુકામે ઉજવ્યો. લગભગ ૧૫૦ જેટલા મુક્તોએ આ આનંદ ઉત્સવમાં ભાગ લીધો હતો. સવિશેષ પૂ.ઈલેશભાઈ વિદ્યાનગરથી અને પૂ.હરેશભાઈ ભરૂચી અમદાવાદથી ખાસ દર્શન આપવા અને દર્શન કરવા પધાર્યા હતાં. પૂ.વાઘેલા સાહેબ પણ ગોંડલથી આ વિશેષ કાર્યક્રમ માણવા આવ્યા હતાં. બધા જ મુક્તો સુરતથી એક સ્પેશિયલ બસમાં લગભગ ૮.૦૦ વાગ્યે અનિર્દેશ આવી ગયા. સૌ પ્રથમ સવારે સહુ મુક્તોએ ગુરૂહરિનું પ્રિય એવું સંઘધ્યાન કર્યું. તેમાં પૂ.વિરેનભાઈએ ગુરૂહરિની ખૂબ જ સુંદર સ્મૃતિ પોતાની લાક્ષણિક રીતે ધ્યાન કરાવી કરી હતી. પૂ.ઈલેશભાઈએ ગુરૂહરિએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપેલી સ્મૃતિઓ અને આશીર્વાદનું વિશેષ નિરૂપણ કરી અભિપ્રાયની ભક્તિમાં સહુને તરબોળ કર્યાં. પૂ.પિયૂષભાઈએ પણ જાગ્રતતા અને જાણપણાપૂર્વક સત્સંગ કરી ગુરૂહરિને રાજી કરવાની વાત કરી હતી. આ વિશેષ કાર્યક્ર્મ “અનિર્દેશ” ના ચૌદ વર્ષ પૂરા કરી પંદરમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તેનો હતો. આ કાર્યક્ર્મની ઉજવણી ત્રણ તબક્કામાં કરવામાં આવી હતી. અનિર્દેશની ચૌદ વર્ષની સ્મૃતિયાત્રાને પરમહંસના યુવકોએ સુંદર રીતે ખૂબ ભાવસભર, મહિમાસભર રજૂઆત કરી હતી.

 

તેમાં પ્રથમ તબક્કામાં અનિર્દેશમાં થયેલી પ્રસંગોપાત વિધ વિધ સેવાઓ, સ્વરૂપોએ અહીં પધારીને આપેલી સ્મૃતિઓ, મુક્તોએ કરેલા આનંદ બ્રહ્મ, શિબિરો, સેવાયજ્ઞો અને વિશેષ ગુરૂહરિ પપ્પાજીએ સ્વયં અનિર્દેશ પધારી આપેલી સ્મૃતિઓ તથા આશીર્વાદનું પોસ્ટરો દ્વારા સુંદર સ્મૃતિ પ્રદર્શન કર્યું હતું. સાત વિભાગમાં વહેંચાયેલું આ પ્રદર્શનના દરેક પોસ્ટરની સ્મૃતિની વાતો પરમહંસના યુવકોએ બધાને સમજાવી હતી. ૧૫-૧૫ના ગ્રુપમાં મુક્તોએ આ સ્મૃતિ પ્રદર્શનનો લાભ લીધો હતો. બધા જ મુક્તો આ જૂની સ્મૃતિઓને સંભારીને ખૂબ આનંદની અનુભૂતિ કરી રહ્યાં હતાં.

 

બીજા વિભાગમાં હાલ જ્યાં “બ્રહ્મ ધુબાકા” (સ્વીમીંગ પુલ) છે તેને એમ્ફીથિયેટરમાં પરિવર્તીત કરી ત્યાં વિડીયો દ્વારા અનિર્દેશની સ્મૃતિઓ અને સેવાઓ તથા સ્વરૂપોએ અને ગુરૂહરિ પપ્પાજીએ આપેલી સ્મૃતિના ઢગલાબંધ ફોટોગ્રાફસના દર્શન કર્યા હતાં.

 

ત્રીજા તબક્કામાં સમગ્ર અનિર્દેશના ઈતિહાસની સ્મૃતિઓની વાતો ખૂબ જ અનોખી રીતે રજૂઆત થઈ. તેમાં પરમહંસ ગ્રુપના યુવકોએ એક અલગ જ વેશભૂષામાં (કોટી પહેરીને) ડાયસ પરથી “અનિર્દેશ” ના પ્રારંભથી અત્યાર સુધીમાં ઈતિહાસની વાતો ખૂબ જ મહિમા અને સચોટ પૂર્વક રજૂ કરી હતી. તેમાં દરેક મુખ્ય પ્રસંગને ભજનની કડીઓ દ્વારા આવરી લેવામાં આવ્યો હતો. આમ, સમગ્ર કાર્યક્રમમાં સૌ પ્રથમ એક પ્રસંગ, ત્યારબાદ તેને અનુરૂપ ભજનની કડી અને તે પછી તે પ્રસંગના મુખ્ય સાક્ષી એવા કોઈ મુક્તની માહાત્મ્યગાનની વારી. સમગ્ર વાતાવરણ ખૂબ જ દિવ્યતાસભર હતું. દોઢ કલાક આયોજીય કાર્યક્ર્મ સાડા ચાર કલાક સુધી ચાલ્યો છતાંય કોઈને ઉઠવાનું મન થતું ન હતું. દરેક ભજનની કડી અને મહાત્મ્યગાનના અંતે મુક્તોના હ્રદય ભરાઈ આવતા અને આંખોના ખૂણા અશ્રુથી ભીંજાઈ જતાં. આહાહા…! કેવી ગુરૂહરિની કૃપા…! કેવા મુક્તો ! કેવી સેવાની ગરજ ! કેવો નિર્દોષભાવ ! બધું જ ખૂબ ખૂબ દિવ્યતાસભર થઈ ગયું હતું. સાક્ષાત ગુરૂહરિ જ જાણે સભામાં હાજર હોય અને જે દિવ્યતાની અનુભૂતિ થાય તેવી જ અનુભૂતિ દરેક મુક્તોને થતી હતી. અને સૌના આશ્ર્ચર્યની વચ્ચે જ્યારે કાર્યક્ર્મ પૂર્ણ થયાની જાહેરાત થઈ ત્યારે પૂ.વિરેનભાઈએ સ્વયં ઉભા થઈ ડાયસ પાસે આવ્યા અને અશ્રુભીના હ્રદયે ભાગ લેનાર દરેક મુક્તનું ખૂબ દિલથી અભિવાદન કર્યું. કાર્યક્ર્મ રજૂ કરનાર દરેક મુક્તને પ્રાર્થના ડેરીમાં બોલાવી ભેટ્યા અને અનહદ સુખ આપ્યું. ભેટનાર મુક્તના આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતાં અને હૈયુ આનંદના મહાસાગરમાં… ગુરૂહરિ પપ્પાજીના ધારક સંત, એમના જ વારસદાર પૂ.વિરેનભાઈ જાણે સ્વયં ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપે મુક્તોને સુખ આપી રહ્યા હતાં. આ દર્શન કરનાર દરેક મુક્તની આંખમાંથી આંસુ અને હ્રદય સંકલ્પના ભાવોમાં વહી રહ્યું હતું. સમગ્ર વાતાવરણ ખૂબ જ દિવ્ય અને ભાવવિભોર હતું.

 

ત્યારબાદ સહુ મુક્તોએ પ.પૂ.પપ્પાજીના શતાબ્દી પર્વ નિમિત્તે સો દિવડા અને અનિર્દેશના ૧૫મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૧૧૫ દિવડાની ભવ્ય આરતી કરી. પૂ.પિયૂષભાઈ અને પૂ.ઈલેશભાઈએ પણ સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો અને પૂ.વિરેનભાઈ જેવા સત્પુરૂષ જ્યારે રાજી થાય ત્યારે અનંત જન્મોના ન જીતાય તેવા સ્વભાવ એમના રાજીપાથી જીતાઈ જાય. એ વાતની સુંદર સમજૂતી આપી. ખૂબ રાજીપો બતાવ્યો. ક્યારેય ન લાભ આપતાં પૂ.હરેશભાઈથી પણ ન રહેવાયું અને સ્વયં ઉભા થયા ને ખૂબ રાજીપો કાર્યક્ર્મ બનાવનાર અને કરનાર મુક્તો પર બતાવ્યો. સૌ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે વિદાય લીધી. ન ભૂતો ન ભવિષ્યતિ જેવો ભવ્ય કાર્યક્ર્મ ગુરૂહરિની કૃપાથી થયો. Many Many Thanks to guruhari pappaji….!

 

{gallery}images_in_articles//newsletter/2015/Jan/14 15 jan 15 SURAT ANIRDESH FARM BHAIO SHIBIR/{/gallery}

 

(૬) ૧૭/૧/૧૫ કોસંબા પૂ.મૂળજીબાપા ફળદુની જીવચર્યા

પૂ.મૂળજીબાપા ફળદુની જીવચર્યા નિમિત્તે (૯૨મા પ્રાગટ્યદિન નિમિત્તે) પૂ.જયશ્રીભાભી અને પૂ.મુકુંદભાઈ ફળદુએ જ્યોતના બહેનો-ભાઈઓને બોલાવી મહાપૂજા અને ભજન કીર્તનનો અદ્દભૂત કાર્યક્ર્મ વાડીમાં રાખ્યો હતો. વિદ્યાનગરથી તથા સુરત જ્યોતમાંથી બહેનો-ભાઈઓ મળી ૧૫૦ થી ૨૦૦ની સંખ્યામાં કોસંબા ગયા હતાં. પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ વગેરે ભાઈઓએ સ્ટેજ પર ભક્તિભાવે ગુરૂહરિ પપ્પાજીને ધારીને મહાપૂજા કરી હતી.

 

પૂ.જયશ્રીભાભી મુકુંદભાઈએ સર્વે સ્વરૂપોનું, સંત બહેનો-ભાઈઓનું પૂજન કરી સ્મૃતિભેટ અર્પણ કરી હતી. તથા પૂ.મૂળજીબાપાના આધ્યાત્મિક જીવનની, માહાત્મ્યેયુક્ત સેવાની, માહાત્મ્યેયુક્ત સમાગમની ઘણી ગોષ્ટી સભામાં થઈ હતી. અક્ષરનિવાસી પૂ.રંભાબાની સેવાની વાતો પણ ભૂલાય  તેમ નથી. બા-દાદા બંને એ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેન તથા સર્વે ગુણાતીત સ્વરૂપોનો રાજીપો લીધો છે.

 

પોતાની એકની એક દીકરી પૂ.મંજુબેન ફળદુને ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા મોકલી. નાનપણથી એ સંસ્કાર આપ્યા. જોગ આપ્યો. અને પ્રત્યક્ષની નિષ્ઠા તથા માહાત્મ્યનો વારસો આપ્યો છે. એવા ગૃહસ્થ સાધુ બા-દાદાના જીવન પ્રસંગોના ઉદાહરણ સાથેની ઘણીક વાતો થઈ હતી. ધર્મનો ભક્તિનો વારસો બે પેઢીને આપ્યો. તેનાથી આજના પ્રસંગે મૂળજીદાદાને પૌત્રી પૂ.પ્રિતી તથા જમાઈ પૂ.નીકુંજ તેમજ પૌત્ર પૂ.નિમિત્ત અને પૌત્રવધૂ પૂ.નિશાએ દાદાની પૂજા કરી દિવ્ય આશીર્વાદની પ્રાપ્ત કર્યા હતાં.

 

મુકુંદભાઈએ શ્રી ઠાકોરજી અને પધારેલ સહુ મુક્તોને થાળ જમાડી પુણ્યની પ્રાપ્તિ કરી હતી. વિશેષમાં આ કુટુંબના સગા સંબંધી સર્વને બાપાની જીવચર્યાના કાર્યક્રમમાં સહુનેય સત્સંગનો યોગ થાય, સત્સંગની વૃધ્ધિ થાય તેવા શુભ હેતુથી બધાને બોલાવ્યા હતાં અને લાભ અપાવ્યો હતો. સેવા યથાશક્તિ કરાવી પૂ.મુકુંદભાઈએ સેવાનો આદર્શ પૂરો પાડ્યો હતો.

 

 

બપોર પછી કીર્તન ભજનનો કાર્યક્ર્મ પણ રાખ્યો હતો. પરમ સૂર મંડળના બહેનોએ વાજીંત્રો સાથેના ભજનો ગાઈને સહુને ભક્તિરસમાં તરબોળ કર્યા હતાં. તથા પછી પૂ.ઈલેશભાઈ અને ગુણાતીત પ્રકાશ, ગુણાતીત સૌરભ મંડળના ભાઈઓએ કીર્તન-ભક્તિના રણકારથી ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિમાં લીન કર્યા હતાં.

 

પૂ.મૂળજીબાપાને ગમતા(પસંદગીના) ભજનોનું પુસ્તક, જેમાં પૂ.મૂળજીબાપાને ગુરૂહરિ પપ્પાજીએ આપેલ આશીર્વાદ, વચનામૃત, સ્વામિની વાતુ વગેરે આવરી લેતી સરસ પુસ્તિકા તૈયાર કરાવીને પૂ.મુકેશભાઈએ આજે પધારેલા હરિભક્તોને કુટુંબદીઠ અને બહેનો ભાઈઓને યાદગાર ઉપયોગી ભેટ આપી હતી.

 

પૂ,મૂળજીબાપા યોગીબાપાના અનન્ય ભક્ત. અખિલ યોગી પરિવારમાં સેવા આપી છે. તો આજે યોગીબાપાની પૂણ્યતિથી હતી અને આ કાર્યક્રમ અનાયાસે ગોઠવાયો હતો. ૯૨વર્ષની વયે પૂ.મૂળજીબાપાએ નવયુવાનને શરમાવે તેવા જોમ સાથે દિનભર સક્રિય રીતે ભાગ લીધો હતો. બે માળના દાદરા ચડીને ઉપર સભા-મહાપૂજામાં આવ્યા હતાં. અખંડ મહિમાગાન કથા-વાર્તા કરનાર બાપા આજે પણ જૂની સ્મૃતિની વાત કરી લેવાની તક ઝડપી લેતા હતાં. ! આવા આદર્શ ગૃહસ્થ પરમ ભાગવત સંત પૂ.મૂળજીબાપાને વંદન સાથે જય સ્વામિનારાયણ !

 

{gallery}images_in_articles//newsletter/2015/Jan/17-01-15 P.Muljibapa jivcharya mahapooja kosamba/{/gallery}

(૭) તા.૧૯/૧/૧૫સ્વામી સ્વરૂપ અ.નિ.પૂ.ફોઈ (મણીફોઈ) નો સ્વરૂપાનુભૂતિદિન

સ્વામી સ્વરૂપ અ.નિ.પૂ.ફોઈ (મણીફોઈ) નો સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી પૂ.ફોઈના ગુણાનુગાન-મહિમાગાન દ્વારા આજે જ્યોતમાં બહેનોની મંગલ સભામાં થઈ હતી. માહાત્મ્યગાન તથા અનુભવ દર્શનમાં પૂ.વિદ્યાબેન પટેલ તથા પૂ.નલિનીબેને ગોષ્ટીનો લાભ આપ્યો હતો.

 

ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના તથા પ.પૂ.તારાબેનના આશીર્વાદ લીધાં હતાં. તેઓએ પ.પૂ.ફોઈના જીવન વિષે પણ પ્રકાશ પાડ્યો હતો.

 

પૂ.ફોઈ પૂર્વાશ્રમમાં પરોક્ષની ભક્તિ કરતાં અને કરાવતાં. પૂ.ફોઈની બોલબાલા હતી. સાત્વિક સુખ તો હતું જ. પૂ.ફોઈનું ચૈતન્ય પૂર્વનું તેથી આ જોગમાં લાવી દીધાં. લાવવામાં પૂ.સોનાબાને વાપર્યા. જોગમાં આવી ગયા. તરત મનાઈ ગયું. યોગીજી મહારાજ મુંબઈ કપોળવાડીમાં પધારે ત્યાં રસોડું પ.પૂ.સોનાબા અને પ.પૂ.ફોઈ સંભાળે. સેવા અને સ્વરૂપનિષ્ઠાથી પૂ.ફોઈએ એકાંતિકપણું સિધ્ધ કર્યું. પૂ.ફોઈની જેમ સંબંધવાળાનું માહાત્મ્ય સમજીએ, સમતામાં રહી નિર્દોષબુધ્ધિ રાખી જીવીએ. એવા આશીર્વાદ પૂ.તારાબેને આપ્યાં.

 

(૮) તા.૨૧/૧/૧૫ આજે દિવ્ય પ.પૂ.સોનાબાની પુણ્યતિથી અને પૂ.સવિતાબેન અમીનની પ્રથમ પુણ્યતિથી

પૂ.સવિતાબેન અમીનની પ્રથમ પુણ્યતિથી ! તે નિમિત્તે જ્યોતમાં પંચામૃત હૉલમાં સવારે બહેનોએ પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જશુબેનના સાંનિધ્યે મહાપૂજા કરી.

પૂ.સવિતાબેન અમીનને પ.પૂ.સોનાબા સાથે આત્માની પ્રિતી હતી તો મહિનાઓથી ધામમાં જવું જવું થતું હતું અને પ.પૂ.બાના સ્મૃતિદિને જ મહારાજે તેઓને લઈ જવાનો દિવસ પસંદ કર્યો. તે વાતને આજે ૧ વર્ષ પૂરૂં થયું. આ દિને પૂ.સવિતાબેનના કુટુંબીજનો માટે સનાતન સ્મૃતિ આપીને પૂ.સવિતાબા ધામમાં ગયા.

 

આજે આ પ્રથમ પુણ્યતિથીએ મહાપૂજા-ભજન-સમાગમનો લાભ લેવા તેઓના સગાં-સંબંધીઓ મુંબઈથી અને ઠેરઠેરથી વિદ્યાનગર આવ્યા હતાં.

પૂ.સવિતાબેને તેમની નાની લાડકી દિકરી પૂ.ભાવનાને ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા માટે મોકલી. સંકલ્પ-ભજનથી ત્યાગ-વૈરાગ્ય ઉદય કર્યાં. અને પૂ.ભાવનાબેને આજે પૂ.સવિતાબેનના મહિમાગાન કરતા વાત કરી કે, પૂ.સવિતાબાનો સંકલ્પ બહુ બળિયો. એમના સંકલ્પે હું ભગવાન ભજવા આવી. પૂ.સવિતાબેન લાગણીશીલ અને સ્પષ્ટવક્તા. એમના કુટુંબીઓને પૂ.સવિતાબા માટે બહુ ભાવ ! બધા કુટુંબીઓને આ ભગવાનનો સંબંધ થાય એ પૂ.સવિતાબાનો સંકલ્પ હતો. એ પણ સિધ્ધ થયો. પૂ.રતીમામા, પૂ.પૂર્ણિમામામી બધા આવી ગયા.

 

પ.પૂ.જશુબેન, પ.પૂ.દેવીબેન અને પૂ.શોભનાબેને પણ આજના દિનની સ્મૃતિએ પ.પૂ.સોનાબા વિષે અને પૂ.સવિતાબેનના જીવન વિષે પ્રકાશ પાડીને પ્રસંગ કહીને સરસ વાતો કરી હતી અને આશીર્વાદ આપ્યા હતાં. તેઓએ પ.પૂ.સોનાબાનો મહિમાગાતા વાત કરી કે,

પ.પૂ.સોનાબાએ શાસ્ત્રીજી મહારાજના ચરણે પોતાનું સર્વસ્વનું સમર્પણ કરી દીધું અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સંબંધવાળા સર્વ સંતો બહેનો, યુવકો અને ગૃહસ્થ હરિભક્તો પર પ્રેમ વરસાવી તેની સેવા કરી લીધી છે. પ.પૂ.સોનાબાએ આપણને પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેનની અદ્દભૂત અને અજોડ ભેટ આપી છે. ખરેખર પ.પૂ.સોનાબાએ જીવન જીવી જાણ્યું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્ર.સ્વ.યોગીજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજીને ચકચૂર રાજી કરી લીધા. આપણા માટે અલખની વાટ ખુલ્લી મૂકી.

 

પ.પૂ.સોનાબાના સંકલ્પે જતને પૂ.સવિતાબેન અને પૂ.દિનુભાઈ આવ્યા. પ.પૂ.સોનાબાએ પૂ.સવિતાબેનનું જતન પોતાની દિકરી ગણીને કર્યું છે. પૂ.સવિતાબેન, પૂ.દિનુભાઈ પણ પ.પૂ.સોનાબાના વચન પ્રમાણે જીવ્યા છે. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજીને રાજી કરી લીધા.

 

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં.

ભવ્યાતીભવ્ય સ્વરૂપ યોગીજી મહારાજ હતાં. બહેનો માટે બહેનો તૈયાર કર્યા. ભગવાન ભજવાનું આવું સર્વોપરી સ્થાન કરી આપ્યું. જોગી મહારાજે કૃપા કરી આપણને પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.કાશીબા, પ.પૂ.માસીબા, પ.પૂ.ફોઈ જેવા સ્વરૂપો આપ્યા.

 

પ.પૂ.સોનાબા-પ.પૂ.બેનને એવી ભાવના પહેલેથી હતી કે બહેનો ભજે છે. એમને એવી છે.૨૬ જેવી સ્થિતી કરી આપે. આવું આત્માનું હિત કરનારા છે. “લાખમાં લાધે નહી અને કરોડમાં કોક” એમાં આપણો નંબર લાગ્યો. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ.

પ.પૂ.સોનાબાના ધ્વનિ મુદ્રિત આશીર્વાદમાં પ.પૂ.બાએ પણ એ જ વાત કરી કે,

“આપણે નસીબદાર છીએ. પ્રત્યક્ષ પ્રભુએ આપણને ગ્રહણ કર્યા. ! પ્રત્યક્ષ સ્વરૂપમાં મહારાજ ઓળખાઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. આ દેહનો કદી અભાવ આવે છે ? બિમારી આવી હોય ને આખી રાત જાગવું પડે તો એનો અભાવ આવે છે ? દેહ માટે કેવી આત્મબુધ્ધિ ને પ્રીતિ છે. ભગવાનના ભક્તો માટે પણ એવી આત્મબુધ્ધિ ને પ્રીતિ રાખીએ તો એમનો દોષ ના દેખાય, અભાવ આવે નહીં. આપણા જીવનો મોક્ષ કરીએ એ આપણા જીવનની સાર્થકતા છે. આમ, આજે પ.પૂ.સોનાબાનો સ્મૃતિ પર્વ અને પૂ.સવિતાબેન અમીનની પ્રથમ પુણ્યતિથી જાણે શિબિર સ્વાધ્યાયની રીતે ઉજવણી હોય તેવો અંતરમાં બ્રહ્મનો આનંદ અનુભવાયો હતો.

 

{gallery}images_in_articles//newsletter/2015/Jan/21-01-15 P.P.sonaba punya tithi/{/gallery}

(૯) તા.૨૩/૧/૧૫ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સ્મૃતિ પર્વ (નિર્વાણ દિન)

આજે જ્યોત મંગલ સભામાં યોગી નિર્વાણ અનુસંધાને ભજન-ગોષ્ટી પ્રાર્થના કર્યા હતાં. પૂ.ડૉ.વિણાબેને ગોષ્ટીમાં લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો લાભ લીધો હતો.

ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીમાં બ્ર.સ્વ.યોગીજી મહારાજનું નામ આપમેળે નીકળતું જ હોય. હૈયે-હોઠે યોગીજી મહારાજની સ્મૃતિ સહજ હોય ! અનેક ચૈતન્યોના ગુરૂહરિ ર્દષ્ટાધિરાજ હોવા છતાંય પોતાના ઈષ્ટદેવની ભક્તિ અંતરમાં અહોનીશ હોય એવી દાસત્વભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ યોગીજી મહારાજનું સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી આપણને મળી ગયા.

બ્ર.સ્વ.યોગીજી મહારાજના જીવન પ્રસંગોને આદર્શ રાખી જીવીએ. દાસના દાસ બની માહાત્મ્યેયુક્ત સેવા કરી લઈએ.

 

(૧૦) તા.૨૪/૧/૧૫ વસંત પંચમી બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી પર્વ

આજે આ દિન નિમિત્તે પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીની રૂમમાં અક્ષર પુરૂષોત્તમની મૂર્તિ

પધરાવવાની છે. તે મૂર્તિઓની પૂજા અર્થે આજે પંચામૃત હૉલમાં ઠાકોરજીની બાજુમાં પધરાવી ને બહેનોએ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે મહાપૂજા કરી.

ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેનનો લાભ લીધો હતો. તથા ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો ધ્વનિમુદ્રિત લાભ લીધો હતો. તેનો સાર…

પ.પૂ.જ્યોતિબેન – આજે વસંત પંચમી ! બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ! ખૂબ ભવ્ય દિવસ ! બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ વડતાલથી છૂટા પડ્યા ત્યારે પ.પૂ.સોનાબાનું પ્રાગટ્ય થયું. સત્પુરૂષ એકાંતિકોના સાજ લઈને પધારે છે. બોચાસણનું મંદિર બંધાયું તેમાં પ.પૂ.સોનાબાનું મોટું યોગદાન છે. બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજની રૂચી પ્રમાણે પ.પૂ.બાએ તન, મન અને ધનથી સેવાઓ કરી છે.

આજે આ નાની અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ પધરાવવાનું ગોઠવાયું તેની વાત એવી છે કે, ઈ.સ.૧૯૯૧માં ગુરૂહરિ પપ્પાજી બોમ્બે પૂ.જ્યોતિબેન પૌરાણાને ત્યાં પધરામણીએ ગયા હતાં. ત્યાં એક અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ હતી. ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, જ્યોતિ ! આવી મૂર્તિ પ્રભુકૃપાની મારી રૂમમાં પધરાવવી છે. તે મૂર્તિ બહુ મોટી હતી. તેથી સ્મૃતિ મંદિરમાં પધરાવી. મારે ગુરૂહરિ પપ્પાજીનું વચન પાળવાનું બાકી હતું. પછી હું દિલ્હી ગઈ ત્યારે આ અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ ભેટ આપી. તે નાની ને નાજુક મૂર્તિ ગુરૂહરિ પપ્પાજીની રૂમમાં પધરાવવા માટે આજનો દિવસ નક્કી થયો. વસંત પંચમીનો.

શુધ્ધ ઉપાસનાના પ્રવર્તક બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ  ! એમની સાર્ધ શતાબ્દીએ અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ ગુરૂહરિ પપ્પાજીના જંગમ મંદિરમાં આજે પધરાવીશું. બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ વખતે કેવી કેવી તકલીફોમાં અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ પધરાવી ! અત્યારે બધું સુગમ થયું છે.

બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ છૂપા ને સમર્થ હતા. પ.પૂ.સોનાબાને એવી ર્દઢ સ્વરૂપ નિષ્ઠા કરાવી કે શાસ્ત્રીજી મહારાજ વગર પ.પૂ.સોનાબાનું માથું ક્યાંય ના ઝૂક્યું. અને માહાત્મ્યથી સેવા કરી લીધી. આપણને એવું સેવાનું માહાત્મ્ય ઉગી જાય એ જ પ્રાર્થના.

પૂ.દયાબેન – આજે વસંતપંચમી. શિક્ષાપત્રીની જયંતિ  શાસ્ત્રીજી મહારાજની સાર્ધ શતાબ્દી. આજે બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ, બ્ર.સ્વ.યોગીજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.સોનાબાનું સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે તેઓની આજ્ઞા પ્રમાણે મહાપૂજા કરીને ઉજવી રહ્યાં છીએ. ધન્યવાદ !

શાસ્ત્રીજી મહારાજનો મધ્ય મંદિરે અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ પધરાવવાનો સત્ય સંકલ્પ હતો તો બધાનો સાથ મળ્યો. શ્રીજી મહારાજનો સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે જાણ્યો ! તેમ,

આપણા સેવ્ય સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પ આપણને ગૃહી-ત્યાગી સહુનેય માટેનો છે. જંગમતીર્થ બનીએ. પરમ ભાગવત સંત બનીએ. એ સંકલ્પ લઈને મંડીએ. તે માટે બળ-પ્રેરણા બક્ષે તેવી પ્રાર્થના કરી હતી.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધાં,

“આજે વસંત પંચમી ! બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજે અક્ષર-પુરૂષોત્તમનું પ્રથમ પ્રગટીકરણ કરી મૂર્તિઓ મંદિરમાં પધરાવી. ભવ્યાતી ભવ્ય શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ ! ખૂબ ખમ્યા. સંસ્થામાં રહ્યાં પણ પોતાનું ધ્યેય ના ચૂક્યા. યથાર્થ એવી સ્વરૂપ નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવી. વફાદારી અને પવિત્રતા તમારા સત્પુરૂષ તરફ રાખી સતત પ્રાર્થના કરીને બેટરી ચાર્જ કરી લઈએ. ગુણાતીત જ્ઞાનનો ઝંડો ૨૪ કલાક ફરકતો રાખીએ.”

પિતાનું આદરેલું કાર્ય પૂરું કરે તે સાચો પુત્ર છે. એવા સાચા પુત્રો પ.પૂ.પ્રમુખ સ્વામી, પ.પૂ.મહંત સ્વામી, પ.પૂ.કાકાજી, પ.પૂ.સોનાબા, પ.પૂ.હરિપ્રસાદ સ્વામી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામી, પ.પૂ.સાહેબ કેટલાય પાકી ગયા.

ધ્યય તરફ અવિચલ શ્રધ્ધા. એને માટે ખમવું પડે તે ખમીએ. એવું મનનું વલણ તૈયાર કરીએ. ધ્યેય તરફ ધ્યાન રાખીએ. એની પ્રસન્નતાર્થે પળેપળ જીવવું છે.

સાંજે ૫.૦૦ થી ૯.૦૦ પંચામૃત હૉલમાં સ્ક્રીન પર બહેનોએ બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજની સાર્ધ શતાબ્દીની ઉજવણી અટલાદરામાં થઈ. તેના લાઈવ દર્શનનો લાભ માણ્યો હતો. બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યનું દર્શન કર્યું હતું. તેમજ ગઈકાલ સાંજથી શાસ્ત્રીજી મહારાજની સાર્ધ શતાબ્દીની ઉજવણી જ્યોતમાં શરૂ થઈ હતી. “યજ્ઞપુરૂષ સુખકારી” વિડીયો DVD ના દર્શન કર્યા. અને તેમાંથી પ્રશ્નો કાઢેલા તેના જવાબ એમાં હતાં. તે DVD ધ્યાનથી જોઈની પ્રશ્નોના જવાબ લખવા સતત મનન-ચિંતન કર્યું. આ રીતે મન, બુધ્ધિ, ચિત્ત અને આત્માથી જીવન જીવવાની સુરૂચી સાથે સાર્ધ શતાબ્દી ઉજવવા હાં હાં ગડથલ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/Jan/24-01-15 vasant panchmi shastriji maharaj 150th birthday/{/gallery}

 

ઈંગ્લેન્ડ જ્યોત મંડળની સભા-સમૈયાની સ્મૃતિ

(૧) તા.૧૧/૧/૧૫ પૂ.અરૂણાબેન ભોજાણીનો સ્વરૂપાનુભૂતિદિન

Iver Heath Hall (London) માં સવારે પ.પૂ.અરૂણાબેન ભોજાણીનો સ્વરૂપાનુભૂતિદિન ઈંગ્લેન્ડ મંડળના બધા જ ભાભીઓ, બહેનોએ ભેગા થઈ ખૂબ ધામ, ધૂમથી ઉજવ્યો. ખૂબ મહાત્મ્ય અને ગુણાનુગાન સાંભળવાનો અને કરવાનો લ્હાવો મળ્યો.

પૂ.અરૂણાબેન ગુણાતીત મીશનના પ્રણેતા, મહામ્ત્ય સ્વરૂપ, ગુરૂહરિની નિષ્ઠામાં અડગ. પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બેનને રાજી કરવા માટે પળેપળનું એમનું જીવન છે. સહુ ગૃહસ્થ ભાભીઓ માટે આદર્શ છે. પ્રેરણારૂપ છે. ગુરૂહરિ પપ્પાજીની રૂચી એ એમનું જીવન બનાવ્યું છે. પૂ.અરૂણાબેન સત્સંગની સેવા છેલ્લા ૪૦ વર્ષ ઉપરથી એકધારી કરી રહ્યાં છે. પહેલા યુવતી મંડળના હેડ હતાં. બધા જ જ્યોતના બહેનોએ પણ એમનો સમાગમ કર્યો છે. એમના ઘરે યુવતી મંડળની શિબિર દર મહીને થતી ત્યારે એમની કથા-વાર્તા, અનેક પ્રકારની સૂઝ આપતા. પૂ.અરૂણાબેને ભાભીઓની સભા પણ કરી છે. અને ઈંગ્લેન્ડના દરેક મંડળમાં અને પેરીસ મંડળમાં પણ સભા કરવા જતાં. સત્સંગ અર્થે ખૂબ વિચરણ કર્યું છે. રાત-દિવસ જોયા વગર સેવા કરી છે. ખૂબ શ્રમ વેઠ્યો છે. આમ, બધા જ ની વાતમાં એ જાણવા મળ્યું કે પૂ.અરૂણાબેને બધા માટે ભજન-પ્રાર્થના કરી, કથા કરી, જમાડી ખૂબ સેવાનું મહાત્મ્ય ઉગાડ્યું. અને સાચી ભક્તિની સૂઝ આપી.

પૂ.કુમુદબેન ચાવડા સાચા ફૂલનો હાર જાતે બનાવીને લાવ્યા હતાં. એમના જીવનમાં પણ એમના પતિ જ્યારે ધામમાં ગયા ત્યારે પૂ.અરૂણાબેને ખૂબ સાથ આપ્યો. ખૂબ ભજન કર્યું. અને ફરી નવો આનંદ અને ભક્તિમાં પરોવી દીધા.

પૂ.હીનાભાભી, પૂ.મીરા ઠક્કર, પૂ.ચારૂભાભી, પૂ.રશ્મિભાભી શાહ, પૂ.કુંજની તથા જ્યોતના બહેનોમાંથી પૂ.નયનાબેન, પૂ.શીલાબેન સર્વે એ મહાત્મ્યની વાત કરી. ઠેર ઠેર એમણે ગુરૂહરિ પપ્પાજીનું અને સ્વરૂપોનું મહાત્મ્ય સમજાવ્યું છે. સત્સંગ લીલોછમ રાખ્યો છે.

પૂ.અરૂણાબેન પાસે પ.પૂ.પપ્પાજીની અઢળક સ્મૃતિનો ભંડાર છે. અને બધાને વાત કરી સ્મૃતિથી મૂર્તિમાં, મહાત્મ્યમાં તરબોળ રાખે છે. પૂ.શીલાબેન પોપટે વાત કરી કે, પૂ.અરૂણાબેન અને પૂ.દિલીપભાઈએ હરેક સારા-માઠા પ્રસંગે બહેનોને ખૂબ સાથ આપ્યો છે. આમ, ખૂબ મહાત્મ્યની વાત થઈ. ભવ્ય સભા થઈ. સમયની ખબર જ ના પડી.

છેલ્લે કેક કર્તન કર્યું. ખૂબ સરસ મોટી કેક જેમાં પ.પૂ.પપ્પાજીનો સિમ્બોલ “એક આંગળી વાળો” ફક્ત પ્રભુને જ રાખો અને જુઓ. જે પૂ.અરૂણાબેનના જીવનમાં સાકાર જોવા મળે છે. પ્રભુ સિવાય કાંઈ ના રાખ્યું. પૂ.દિવ્યાબેન શાહે પણ સરસ ચોકલેટ કેક બનાવી હતી. આમ, સર્વએ પોતાનો ભાવ અર્પણ કરી સભાનો કાર્યક્ર્મ પૂરો કર્યો.

{gallery}images_in_articles//newsletter/2015/Jan/11-01-15 P.Arunaben divine day londen/{/gallery}

 

(૨) તા.૨૫/૧/૧૪ પ.પૂ.મુક્તામાસી ભોજાણીનો ૮૫મો જન્મદિન

પ.પૂ.મુક્તામાસી ભોજાણીનો ૮૫મો જન્મદિન Iver Heath Hall London માં ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો. આખા ઈંગ્લેન્ડ મંડળના મુક્તો તથા પૂ.માસીના બધા કુટુંબીજનો પણ પધર્યા હતાં. પૂ.મુક્તામાસી એટલે આખાય સમાજના ‘માસી’ છતાંય ચૈતન્ય જનની. ખૂબ પ્રેમાળ રાંક પ્રકૃતિ, પૂ.માસી ધીર-ગંભીર મહાત્મ્યનું સ્વરૂપ. આખાય સમાજ માટે નિષ્કામ મહાપૂજા કરે છે. પૂ.માસીનું જીવન નિયમિત, ભક્તિમય, સેવા-ભાવી. દરેકની ખબર રાખે, દરેક માટે ભજન કરે. સાજા-માંદાની ખબર કાઢવા જાય. આવું નિષ્કામ ભક્તિમય જીવન જોઈ પ.પૂ.પપ્પાજી તથા પ.પૂ.બેન અતિ પ્રસન્ન થઈ કૃપામાં ૧૯૮૦માં લંડન જ્યોતની શાખા ખોલી ત્યારે પૂ.માસીની પસંદગી કરી કે ભગવાન ભજતી બહેનોનું રખોપું કરશે.

પૂ.માસીએ આખા કુટુંબને ભગવાન આપ્યા. તેમના દીકરા અને દીકરીઓને ભક્તિની રીત અને મહાત્મ્યથી સેવા કરવાની સૂઝ આપી. સાચું જતન કર્યું. તેમના દીકરી પૂ.કલાબેન અને પૂ.હરિશભાઈના ઘરે લંડન જ્યોતની શાખા ખોલી. તેમના દીકરી પૂ.તરૂબેન કેનેડા મંડળના ચૈતન્ય માધ્યમ છે. સરસ સેવા કરે છે. ખૂબ મહાત્મ્યથી મંડળ સાચવે છે. પૂ.દિલીપભાઈ જે લંડન ગુણાતીત મીશનના પ્રમુખ છે. તે પૂ.માસીના પુત્ર છે. તે આખા સમાજને ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતે જીવન જીવવાનું શીખવે છે. પૂ.દિલીપભાઈ અને પૂ.અરૂણાબેન બંને જંગમ મંદિર બની ગયા છે.

{gallery}images_in_articles//newsletter/2015/Jan/25-01-15 P.Mukta masi divine day londen/{/gallery}

આખા સમાજના નાના-મોટા સહુ હરિભક્તો પૂ.માસીને ફોન કરે. સૂઝ-સલાહ માટે અને મહાપૂજા કરાવવા માટે. પૂ.માસી મહાપૂજા કરે તો બધાનું કામ ફળે છે. પ્રભુ તેમની નિષ્કામ પ્રાર્થના સાંભળે છે. પૂ.માસી માટે ભાઈઓને પણ બહુ માન છે. પૂ.માસી સર્વને માની જેમ ખબર પૂછે છે, જમાડે છે, ભાવથી બોલાવે. પૂ.રમણિક્ભાઈ કોટેચા, પૂ.હસુબેન ઠકરાર, પૂ.વિનોદભાઈ પટેલ, પૂ.તરૂબેન શુકલા, પૂ.હરિશભાઈ સાકરીયા, પૂ.કલાબેન, પૂ.દિલીપભાઈ તથા જ્યોતમાંથી પૂ.દીનાબેન તથા પૂ.રેખાબેને પૂ.માસીના અનંત ગુણ અને મહાત્મ્યથી વાત કરી. પૂ.માસીએ ગુરૂહરિ પપ્પાજી અને બધા જ સદ્દગુરૂને નિશ્ર્ચિંત કરી દીધા છે. અને સર્વનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. ધન્ય છે પૂ.માસીને. અમે ભાગ્યશાળી છીએ. આખા ઈંગ્લેન્ડના સમાજને પૂ.માસી જેવા ભવ્ય ગુણાતીત  સાધુ સાથે રહેવાની તક મળી તો ગુરૂહરિ પપ્પાજીને ધૂન કરી પ્રાર્થના કરી કે તેમની તબિયત નિરામય રહે. તે સાથે સભાનો કાર્યક્ર્મ પૂરો કર્યો હતો. છેલ્લે જન્મદિવસની કેકનું કર્તન કર્યું હતું. મોટી કેક બનાવી હતી. જેમાં જ્યોતનો સિમ્બોલ હતો. પૂ.માસી એક જ્યોત અને જોગીના થઈને પળેપળ જીવે છે. ધન્ય હો પૂ.મુક્તામાસીને ! અનંત આભાર ગુરૂહરિ પપ્પાજી તથા પ.પૂ.બેનને કે અમને પૂ.મુક્તામાસીનો જોગ આપ્યો.

 

 

                                                         એ જ લિ.પૂ.રેખાબેન ખમાર (લંડન જ્યોત)

આમ, આખો મહિનો વિધ વિધ ભક્તિના આયોજન અને સમૈયા સાથે પસાર થયો હતો.  અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !