સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન જ્યોતમાં થયેલ સભા સમૈયા વગેરેની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૩/૧૭ બુધવાર
૧લી તારીખ એટલે ગુરૂહરિ પપ્પાજી પ્રાગટ્ય તારીખ અને સાક્ષાત્કાર સ્મૃતિ તારીખ. દર ૧લી તારીખે સવારે જ્યોતનાં બહેનો
પપ્પાજી તીર્થ પર શાશ્વતધામે પ્રદક્ષિણા પ્રાર્થના માટે જાય છે તે મુજબ આજે પણ ગયાં હતાં અને ભક્તિનો આનંદ માણ્યો હતો.
દર તા.૧લીએ કીર્તન આરાધનાનો કાર્યક્રમ હોય છે. તેમ આજે રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભામાં પપ્પાજી હૉલમાં ભજન કીર્તનનો કાર્યક્ર્મ હતો. કીર્તન સભાના પ્રારંભે આજે પૂ.ચંપાભાભીનો ૭૫મો પ્રાગટ્યદિન (અમૃતપર્વ) હતો. સાથે પૂ.દયાભાભીને પણ ૭૫ વર્ષ પૂરાં થયાં. તેથી તે નિમિત્તે પ.પૂ.જ્યોતિબેને તેમનું માહાત્મ્યગાન કર્યું.
પ.પૂ.જ્યોતિબેને માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, આ બંને મહિલાઓનું સમર્પણ કાંઈક વિશેષ છે. તેઓ બંનેના પતિશ્રી પૂ.રતિભાઈ, પૂ.પૂનમભાઈ પૂ.સાહેબજીની આઠ ભાઈઓની ટીમમાં ભગવાન ભજવા અને પ્રભુનું કાર્ય કરવા જોડાયા. તેઓના પરિવારની જવાબદારી પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બાએ ઉપાડી લીધી. ધન્ય છે આ બે નારીને કે તેઓએ અર્ધ સંસારે અને વળી આજ્ઞાએ કટ વળી જઈ સાથ આપી ધન, ધામ, કુટુંબ પરિવાર સાથે ૫૧ બહેનો ભેળા હોમાઈ ગયા. બહેનોના સાંનિધ્યે વર્ષોથી રહે છે. જ્યોતમાં માહાત્મ્યેયુક્ત સેવાઓ કરી છે. બધા નવા ભાભીઓના સાધક બહેનોના માવતર બનીને રહ્યાં છે. ધન્ય છે તેઓની ભક્તિને ! સમર્પણને ! તેઓની તબિયત પ્રભુ સરસ રાખે ! દીર્ઘાયુ, નિરામય રહો તેવા આશીર્વાદ પ.પૂ.જ્યોતિબેને આપ્યા હતા.
આજની કીર્તન આરાધનામાં પહેલા ‘પરમ સૂર વૃંદ’ ના બહેનોએ ભજનો ગાયા હતા. ત્યારબાદ પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ બુલંદ સૂરે ભજન સંભળાવી સહુને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.
(૨) તા.૨/૩/૧૭ ગુરૂવાર પ.પૂ.જ્યોતિબેનનો તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિન
શિવરાત્રી (અક્ષરરાત્રીએ) પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યદિન ખૂબ સરસ રીતે ગુણાતીત સમાજલક્ષી ઉજવ્યો હતો તેની સ્મૃતિ ગત ન્યુઝલેટર અને વિડીયો દ્વારા વેબસાઈટ પર માણી હતી. પરંતુ આજનો દિવસ કોરો કેમ જવા દેવાય ? જ્યોતના નાના નવા સાધક બહેનોએ પપ્પાજી હૉલના સ્ટેજ પર ડેકોરેશન કરીને પ.પૂ.જ્યોતિબેનનો લાભ બહેનોની મંગલ સભામાં લેવાનું આયોજન કર્યું. પ.પૂ.જ્યોતિબેન એટલે સહુની ચૈતન્ય મા ! નાના સાધક બહેનોએ પ.પૂ.જ્યોતિબેનના માટેના અનુભવ પ્રસંગ સાથે કહીને માહાત્મ્યગાન કર્યું હતું. અને પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ સહુને પ્રાપ્ત થયા હતા.
{gallery}images_in_articles//newsletter/2017/March/02-03-17 P.P.Jyotiben pragtyadin{/gallery}
પ.પૂ.જ્યોતિબેન એટલે માહાત્મ્યેયુક્ત સેવા ! પ.પૂ.જ્યોતિબેન પ્રેક્ટિકલ વાતમાં માને ! સાધકો માહામ્ત્યેયુક્ત સેવા કરે તેવી તેઓની રૂચી મુજબ આજે સાંજથી બહેનોએ બટેટાની કાતરી (વાર્ષિક) પાડવાની સેવામાં મંડી પડીને આજ્ઞા પાળવા હાં હાં ગડથલ કરી હતી. પૂ.મીનાબેન દોશી અને સુરત મંડળના ભાભીઓ કાતરીની સેવા માટે આવ્યા હતાં. બહેનો અને બધાએ મળી ૨૪ કલાકમાં હોલાઉપાડ કરી સેવા સંપન્ન કરી હતી. પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યદિન ઉજવવાના ભાગરૂપે.
(૩) તા.૫/૩/૧૬ પરમ ભાગવત સંતસ્વરૂપ પ.પૂ.ઈન્દુબેન દરબાર અમદાવાદ જ્યોતના મહંત અક્ષરધામ નિવાસી થયા.
ઓચિંતા પ્રભુએ જબરજસ્ત લીલા કરી. અને પૂ.ઈન્દુબેનને ભક્તો વચ્ચેથી ઉંચકી લીધા. નિમિત્ત બની ગઈ હાર્ટની બિમારી ! જોકે ૨૫ વર્ષ પહેલાં હાર્ટની નળીઓમાં સ્ટેન્ટ મૂકાવેલા. આ હાર્ટ પાસેથી ખૂબ કામ લીધું. છેલ્લા થોડા વખતથી હ્રદયની તકલીફ વધી હતી. તેથી તા.૩/૫ના રોજ અમદાવાદ CIMS હૉસ્પીટલમાં દાખલ હતાં. હૉસ્પીટલમાં હોવા છતાંય ભક્તો સાથે, અરે નર્સ સાથે આત્મીયતાથી વર્તન વ્યવહાર કરતા. તેથી ખબરેય ના પડે કે પૂ.ઈન્દુબાને આટલી બધી તકલીફ હશે. દેહ દર્દ જણાવ્યા દીધા વગર સામે આવનારની તકલીફ ધ્યાનમાં લેતા રહ્યા. દેહાતીત રહી છેક સુધી વર્ત્યા. દેહદર્દ જણાવા ના દીધું. ભજન કરવાનો સમય પણ પ્રભુએ ના આપ્યો. અને ભક્તોની ર્દષ્ટિએ ઓચિંતા અને પ્રભુ નિર્મિત પૂ.ઈન્દુબાએ પોતાનું કાર્ય આ દેહે કરવાનું હતું તે કરીને સાપ કાચલી ઉતારે તેમ દેહ ત્યાગી પ્રભુ ચરણે બિરાજી ગયા.
આજે તા. ૫/૩/૨૦૧૭ હતી. જે તારીખ એમના I-card, pan-card માં જન્મતારીખ ૫/૩/૧૯૪૪ છે. આજે તેઓ ૭૩વર્ષ પૂરાં કરી પ્રભુને જીવન અંજલી આપનાર પૂ.ઈન્દુબાના ઓચિંતા દેહત્યાગથી ભક્તો હ્રદય હલી ગયા. પરંતુ પૂ.ઈન્દુબાએ જે કાર્ય ભક્તોમાં કર્યું છે તેનું પળમાં દર્શન ભક્તોના વર્તનથી થયું. ના કોઈ મોટેરાંને ઓશિયાળા થવું પડ્યું. ના ચિંતા કરવી પડી. આશ્રિત સાધક બહેનો–ભાઈઓ અને ગૃહસ્થો અને કિશોર–કિશોરી, આબાલ–વૃધ્ધ સહુમા જાણે એક પ્રાપ્તિનું જોમ આવ્યું. પૂ.ઈન્દુબા (દિવ્યદેહ) સંકલ્પથી અહીં હતા જ. એવા આધ્યાત્મિક વાતાવરણમાં..
તા.૬/૩/૧૭ના સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ વિદ્યાનગર જ્યોત પપ્પાજી હૉલમાં તાજા પુષ્પોથી શણગારેલી પાલખીમાં ચંદ્ર સિમ્બોલ હતો. તેમાં પૂ.ઈન્દુબાના દિવ્યદેહની અંતિમવિધિ થઈ. અમદાવાદ મંડળના એકોએક ભક્તો તથા જ્યોત શાખાઓના ભક્તો તેમજ ગુણાતીત સમાજના કેન્દ્રો પરથી સદ્દગુરૂ સ્વરૂપો તથા ભક્તોએ પધારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બોટાદથી પૂ.ઈન્દુબાના પૂર્વાશ્રમના સગાં–સંબંધી, ભાઈ–ભાભી વગેરે પધારેલા અને અશ્રુવર્ષા સાથે ભાવભીની વિદાય આપી હતી. ભક્તોએ ૭૩ દીવાની આરતી કરી હતી. ખૂબ દિવ્યતાસભર અને હ્રદયના ઉંડાણથી આજની અંતિમવિધિ થઈ હતી.
આજે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ પ્રાર્થના સભા પપ્પાજી હૉલમાં રાખી હતી. તા.૭/૩ના સવારે અસ્થિ પુષ્પ વિસર્જન મહીસાગર વેરાખાડી તીર્થ સ્થાને રાખ્યું હતું.
તા.૮, ૯, ૧૦ ત્રણ દિવસ પારાયણ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ પપ્પાજી હૉલમાં રાખ્યું હતું.
તા.૧૨/૩ના રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પારાયણની પૂર્ણાહુતિ તથા ત્રયોદશીની મહાપૂજાનો ભવ્ય કાર્યક્ર્મ હતો.
આખું અઠવાડીયું ગુણાતીત સ્વરૂપ પૂ.ઈન્દુબાના જીવનની ગાથા અનુભવી મુક્તોએ ઉદાહરણ દાખલાઓ સાથે વર્ણવી હતી.
પૂ.ઈન્દુબા એટલે ચૈતન્ય જનની
પ.પૂ.સોનાબાના અંગત સેવક તરીકે રહી પ.પૂ.બાનું જતન પામેલા પૂ.ઈન્દુબાએ પ.પૂ.સોનાબાનો ગુણવારસો રાખ્યો છે. એવાં પૂ.ઈન્દુબા ને ગુરૂહરિ પપ્પાજીએ નાની ૩૦ વર્ષની જ ઉંમરમાં અમદાવાદ જ્યોત શાખા ખોલીને મહંત તરીકે જવાબદારી સોંપી. તે જવાબદારી તેઓએ ચૈતન્ય મા બનીને ગૃહી ત્યાગી સર્વની બજાવી. તેવા ઉદાહરણ સાથે અમદાવાદ મંડળના યુવકો ભાભીઓએ સભામાં અનુભવની વાતો કરી તેમાં દરેકે ચૈતન્ય મા તરીકેનો એક દાખલો તો આવ્યો જ હતો.
જતનનું માધ્યમ હતું. જમાડવા–રમાડવા અને જન્મદિવસે આશીર્વાદ, પ્રસાદ, ભેટના માધ્યમ દ્વારા ભૂલકાંઓના હૈયામાં જે સ્થાન પ્રાપ્ત કરવું એ પૂ.ઈન્દુબાએ કર્યું છે. નાના કિશોર ભૂલકાં હર્ષ, ઋષિત અને ચિન્મય જેવા ભૂલકાંઓનું જતન પૂ.ઈન્દુબાએ પ્રથમ દિવસથી કર્યું છે. તેના ઉદાહરણ સાથે અશ્રુભીના હૈયે અને અશ્રુ વહાવતા નયનો સાથે વાત કરીને આખી સભાને બાળકોએ રડાવ્યાં હતાં. તેમાંથી પૂ.ઈલાભાભી પ્રફુલ્લભાઈ ઠક્કરનો સુપુત્ર પૂ.ચિન્મય તો પહેલું જ વાક્ય બોલ્યો કે, ‘હું છતે મા–બાપે આજે અનાથ થઈ ગયો.’ અને આખી વાત દાખલાઓ સાથે કરી, તેવી જ રીતે પૂ.હર્ષ, પૂ.ઋષિત નાના–મોટા સર્વની વાતમાં ‘ચૈતન્ય મા’ તરીકેનું જતન હતું. લાડ લડાવીને જતન કર્યું, તો વળી ‘મારીને રડે તે મા’ પૂ.નયનભાઈ ભરૂચીએ તથા તેમના દીકરા પૂ.બિરજુએ પોતાની જે વાત કરી તેમાં આવા ઉદાહરણ પણ હતાં. ‘એક આંખ રડે અને એક આંખ હસે તે મા’ મા અને બાપ બંનેનો પાઠ ભજવે તે પૂ.ઈન્દુબા !
સંબંધે સ્વરૂપ માની સંબંધવાળાનું એકપક્ષીય જતન પૂ.ઈન્દુબાએ કર્યું છે. માને હંમેશા ભૂલકાંના દોષ દેખાય જ નહીં. પેલું ભજન છે ને કે, ‘ચૈતન્ય માત એ જ કે આંસુ લૂછ્યા કરે, બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે, મા તે મા રે ચૈતન્ય મા રે.’ ‘મા તે મા રે ચૈતન્ય મા રે.’ એવું કહીએ તોય જરાય અતિશયોક્તિ નથી. સામાના દોષ ગુણ જોયા વગર એક પક્ષીય જતન પૂ.ઈન્દુબાએ કર્યું છે. તેના પ્રસંગની વાતો પણ વક્તાઓએ કરી હતી.
અંતર્યામીપણાના અનુભવ એટલે કે પૂ.ઈન્દુબા પ્રભુના ચૈતન્યોના તીવ્ર સ્પંદનો ઝીલનારી ચૈતન્યની ‘મા’ હતી. ગુરૂહરિ પપ્પાજી જેમને જે સેવા સોંપે તેમાં તેને પ્રકાશ પાડે, ગાઈડ કરે, દોરી જતા હોય છે. જે સંત પોતે પ્રભુ તરફ અંતરથી નજર રાખે તેને અનુવૃત્તિ પ્રગટ થતી હોય છે. પૂ.ઈન્દુબા કોલ રીસીવ કરતાં. એવા ઉદાહરણ અંતર્યામીપણાના પૂ.હેમંતભાઈ મોદીએ પથરીના દુઃખાવાની વાત કરીને પ્રસંગ કહ્યો હતો. તથા બે ભાઈઓ સ્કૂટર એક્સીડન્ટમાં રોડ પર પડ્યા ત્યારે તેમના મોબાઈલમાં છેલ્લો ફોન હતો તે ત્યારનો હતો અને તે પૂ.ઈન્દુબાનો હતો. પૂ.ઈન્દુબા પોતે અંતર્યામી છે તેવું પોતાને માનતા નહોતા. એ ગુણાતીત સાધુ હતા. ગુરૂહરિ પપ્પાજીએ સ્ત્રીભાવ ટાળી આવો ગુણાતીત ભાવ પ્રગટાવ્યો છે. મહિલા મંડળની વાતમાં પૂ.ભટ્ટીબેન નરોડાના ચૈતન્ય માધ્યમે અશ્રુ સાથે આબેહૂબ દાખલાઓ સાથે પૂ.ઈન્દુબાના જતનની અનુભવની વાતો કરી હતી. એવું જ પૂ.અલ્પાભાભી, પૂ.સોનલભાભી વગેરેએ પણ પૂ.ઈન્દુબા મળતાં પોતાના પીયરની મા ભૂલાઈ ગઈ તેની વાતો કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2017/March/03-03-17 P.Induba parayan mahapooja photo{/gallery}
પૂ.ઈન્દુબા એટલે માહાત્મ્યેયુક્ત સેવા
સાધક મુક્તોએ તો પૂ.ઈન્દુબાના જીવનની ‘માહાત્મ્યેયુક્ત સેવા પૂ.ઈન્દુબાએ કેવી રીતે કરાવી છે. સેવા કરતા કર્યા છે તથા ગુણાતીત સમાજના મુક્તોની સેવા પ્રભુના ભાવે કેવી રીતે કરાય તે દરેક પ્રસંગે સમૈયા કે કોઈપણ કાર્યક્ર્મ વખતે કરાવી છે.’ અમદાવાદ સેન્ટર એટલે તારદેવની જેમ પેશન્ટ મુક્તોને લઈને દવા કરાવવા હૉસ્પીટલમાં દાખલ થાય તેઓનું જતન ટીફીન તૈયાર કરાવવાની સેવા પ્રભુના ભાવે કેવી રીતે કરાય તેવા ઉદાહરણો સાથે અનુભવી સાધક મુક્તોએ ગોષ્ટીરૂપે પ્રસંગો તેમના પ્રાર્થના સુમનમાં રજૂ કર્યા હતા. તેમાં ગુરૂહરિ પપ્પાજી હંમેશાં ગુણાતીતનો ગુણ ચોક્સાઈ અને ચીવટાઈનો કહેતા. તેવી ચોક્સાઈ, ચીવટાઈ અને ધીરજથી કાર્ય કરાવાની જે ગુણાતીત રીતિ તેવા અનેક ગુણોનું દર્શન પણ આ સાધક મુક્તો જેઓ વધારે તેમના સાંનિધ્યમાં રહ્યાં છે તેઓએ કરાવ્યું હતું.
પૂ.ઈન્દુબા દેહાતીત વર્તતા. દેહના દર્દને સામાને જણાવા જ ના દે. શરીરમાં વર્ષોથી ઘણી તકલીફો હતી. જેના કારણે રાત્રે મોડે સુધી સૂઈ ના શકતા. વળી, છેલ્લે છેલ્લે રોજ મોડી રાત્રે તકલીફ થાય. તેથી સવારો સવાર બેસી રહેતા. અને છેલ્લા ત્રણ દિવસ હૉસ્પીટલમાં પોતે દર્દી તરીકે હતા તોય ભક્તો જમ્યા કે કેમ ? તેની કાળજી રાખતાં. નર્સો સાથે આત્મીય વ્યવહાર કરી શકતા. મનમાં વસી જતાં. પૂ.ઈન્દુબેન હંમેશાં સામા મુક્તની કાળજી રાખતાં. સામાને શું તકલીફ છે ? શું ફાવે છે ? શું ભાવે છે ?
હંમેશાં નિઃસ્વાર્થભાવે સામે આવનાર મુક્તોને ખ્યાલ રાખતાં. છેલ્લા ત્રણ દિવસ હૉસ્પીટલમાં રહ્યાં ત્યારની પૂ.ઈન્દુબાની ગુણાતીત સ્થિતિનું દર્શન તેની સ્મૃતિ તેમના વારસ પૂ.રાજુબેન ભટ્ટ અને પૂ.વર્ષાબેન ભટ્ટ કે જેઓ હૉસ્પીટલમાં તેઓની સાથે જ હતા તેઓએ કરાવ્યું હતું.
સુહ્રદભાવ એ પૂ.ઈન્દુબાનો મોટામાં મોટો ગુણ છે. સુહ્રદભાવ ઉપર તા.૧૨/૩ના પારાયણની પૂર્ણાહુતિ સભામાં પૂ.ડૉ.ભાવનાબેન શેઠે પોતાની કેન્સરની બિમારી વખતે પૂ.ઈન્દુબાએ જે રીતે સુહ્રદભાવભર્યું જતન કર્યું છે તેની વિગતે વાત તથા ડૉક્ટર્સ બહેનો સત્સંગમાં આવ્યાં ત્યારની બધી સ્મૃતિ સાથે પૂ.ઈન્દુબાનો સુહ્રદભાવની ભક્તિનું દર્શન કરાવ્યું હતું. આમ, આખું પખવાડીયું પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બાનું સર્જન એવા પૂ.ઈન્દુબાના જીવનની સાધના કથામાં સહુ ભીંજાયા ! જાણે કે અલૌકિક શિબિર થઈ હોય તેવું થયું. દરેકને પોતાના જીવનમાં લેવા જેવું ભાથું મળી ગયું.
(૪) તા.૧૮/૩/૧૭ના પૂ.ઈન્દુબાના અસ્થિ વિસર્જન
વિશેષ કાર્યક્ર્મ અમદાવાદ જ્યોત અને અમદાવાદ મંડળના હરિભક્તો દ્વારા સપ્તેશ્વર નદી તટે ખૂબ ભવ્ય રીતે થયો હતો. વિદ્યાનગરથી પણ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન સદ્દગુરૂ A તથા બહેનો, પ્રકાશના ભાઈઓ, હરિભક્તો સપ્તેશ્વર મહાપૂજામાં પધાર્યા હતા. પૂ.કલ્પુબેન દવે અને બહેનોએ ત્યાંના હૉલમાં સરસ મહાપૂજા કરી હતી અને અસ્થિ પુષ્પ નદીના નિર્મળ નીરમાં વિસર્જન કરી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અદ્દભૂત આયોજન અમદાવાદ જ્યોતના સાધક મુક્તોએ કર્યું હતું.
તા.૧૮/૩/૭૫ના રોજ પૂ.ઈન્દુબાને ૩૦ વર્ષની વયે અમદાવાદ જ્યોત શાખામાં મહંત તરીકે મૂક્યા, તે સ્મૃતિદિન આજની મહાપૂજાનો રાખ્યો હતો. પૂ.ઈન્દુબાના ૪૨ વર્ષની તપશ્ર્ચર્યાની સરખામણી સત્યકામ જાબાલીની વાર્તાને મળતી આવે છે તે ગદ્યપદ્યમાં અહીં માણીએ.
પ્રાર્થના સુમન
ઈ – ઈન્દુબા એટલે આ યુગના સત્યકામ જાબાલી, આ છે સાધના એક વાક્યમાં ઈન્દુબાની,
આદર્શ શિષ્યની એ વાર્તા છે પ્રચલિત, સત્યકામ જાબાલીની હિન્દુધર્મની માંહી.
ન્દુ – નથી જોયા સત્યકામ જાબાલીને આપણે, ફક્ત સાંભળ્યા તોય થઈ જાય અરેરાટી,
ગુરૂ પાસે આવ્યા બ્રહ્મજ્ઞાન લેવા, મોકલ્યા જંગલમાં ગાય ૧ આપી હજાર કરવા.
બા – બા ઈન્દુને ૩૦ની નાની વયે પપ્પાજીએ મોકલ્યા અમદાવાદ ધામે ખોલી શાખા,
જ્યાં પ્રથમ મંદિર શ્રીજીએ કર્યું, એમ ખોલી પ્રથમ શાખા જ્યોતની પપ્પાજીએ.
એ – એકલવ્યની જેમ સત્યકામ જાબાલી મંડ્યા, એક ગાયની ૧૦૦0 કરવા શ્રધ્ધા–વિશ્વાસથી,
એ વચનરૂપી મૂર્તિ લઈ બસ મંડ્યા તો બ્રહ્મજ્ઞાન ફૂટ્યું અંતરમાંહી.
ટ – ટાઢ, તડકો, ભૂખ, દુઃખ દેહના સહ્યા વનમાં, એથીય વિશેષ ઈન્દુબેને મનના તપ કર્યા મોટા,
માન–અપમાન, હાણ–વૃધ્ધિ, રાજીપો–કુરાજીપાના ઘા–પ્રત્યાઘાતો ખમ્યા મોટા.
લે – લેવાયા નહીં કશામાં, પડ્યા નહી મૂંઝવણ–વિક્ષેપમાં, સ્વભજનથી ર્દષ્ટિ ગુરૂહરિ ભણી રાખી,
માહાત્મ્ય, સર્વદેશીયતા, કુટુંબભાવના સેવાથી બનાવ્યું બીજુ તારદેવ ધામ અહીં.
સ – સાક્ષાતની વચનરૂપી મૂર્તિ લઈ ધૂણી ધખાવી બેઠા યજ્ઞકુંડીએ,સંકલ્પ પ્રાર્થનાથી કર્યો હવન,
ના ગયા દેશ–વિદેશ સત્સંગકાજે, અરે વિદ્યાનગર ધામે સાક્ષાતના દેહે,
દર્શન સાંનિધ્યનો ના રાખ્યો મોહ.
ત્ય – ત્યજી સામીપ્ય રહ્યા અંતર સાંનિધ્યે, તો છીપર તૂટી ને ફૂટ્યો બ્રહ્મધોધ અંતર કૂવોમાંહી,
કૂવાના એ દિવ્ય નીરમાં ઝબકોળ્યા સંબંધવાળા સહુને એક નિષ્ઠા હેતે કરાવી ર્દઢ.
કા – કાર્ય કર્યું છૂપા રહી, આગળ કર્યા વડીલ ગુરૂઓને, રહ્યા દાસના દાસ પોતે આ દરબાર,
તેથી પ્રગટાવેલા પ્રભુના હજારો દીવડાઓને ચૈતન્ય મા બની પ્રજ્વલિત રાખ્યા.
મ – મન સાચવ્યા સંબંધવાળાના, ના જોયા ગુણ અવગુણ, દોષ–વાંક કે ગુના નવા કે જૂનાના,
જોયો સંબંધ કરી સેવા મહારાજ જોઈ, જે હતું વચન ઉભરાટ ગુરૂહરિનું.
જા – ઝાઝે વાતે ભરાય ગાડાં, એક વચનને બનાવ્યું જીવન, આ આદર્શ ઈન્દુએ,
ગુરૂ સોનાબાનું, જ્યોતિબાનું ગુરૂપદ શોભાડ્યું, બની સાચી શિષ્યા અને જાળવ્યો વંશ.
બા – બા આજે રાજી થતાં હશે ! ખરી ખરી ઈન્દુ કહી પપ્પાજી પોરહાતા હશે, કાખલી કૂટે બંને,
રાખીએ આદર્શ, માંગીએ તવ જેવી શક્તિ, ભક્તિ, નિષ્ઠા, ર્દઢતા,ક્ષમતા,સમતા હે ઈન્દુબા!
લી – લીલા સંકેલી વહેલી ઓચિંતી તમે, પણ રહેજો સંકલ્પે આતમે, પ્રેરણાથી દિવ્યદેહે અહીં મુક્તોમહીં,
રહેજો સદાય પ્રગટાવેલી હજારો પ્રભુની જ્યોતમાં, વ્યાપ્ત બની બા–પપ્પાજી સહિત આપ.
(૫) તા.૧૩/૩/૧૭ ધૂળેટી અ.મૂ.અક્ષરમૂર્તિ ભગતજીમહારાજનો પ્રાગટ્ય દિન
પ.પૂ.સાહેબજીનો ૭૩મો પ્રાગટ્ય દિન
પ.પૂ.સાહેબજીના ૭૩મા પ્રાગટ્યપર્વનો સમૈયો આજે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ બ્રહ્મજ્યોતિ પર હતો. તે સમૈયામાં પૂ.શોભનાબેન, પૂ.માયાબેન અને જ્યોતના ૭૩ વ્રતધારી બહેનોએ ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને હરિભક્તોએ પ.પૂ.સાહેબજીના સમૈયામાં ભાગ લીધો હતો. માહાત્મ્ય સ્વરૂપ પ.પૂ.સાહેબજીના માહાત્મ્યમાં તરબોળ થયા હતા. જેનું દર્શન લાઈવ વેબસાઈટ પર પણ માણ્યું હશે.
{gallery}images_in_articles//newsletter/2017/March/13-03-17 dhuleti p.p.saheb 78 birthday{/gallery}
સવારે જ્યોતમાં પ.પૂ.દીદીના સાંનિધ્યે પપ્પાજી હૉલમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ બહેનોની સભામાં ભગતજી મહારાજનો પ્રાગટ્યદિન અને ધૂળેટી ઉત્સવની ઉજવણી કરી હતી.
સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ.પૂ.દીદીએ આશીર્વાદમાં શ્રીજી મહારાજની અને ગુરૂહરિ પપ્પાજીની ધૂળેટી પર્વની સ્મૃતિ કરાવી હતી. અને ‘મહાબળવંત માયા તમારી….’ એ ભજન ગવડાવ્યું હતું. ગુરૂહરિ પપ્પાજીએ આપણને આધુનિક જમાનાના ફગવા ‘અંતરથી અંતર ટળે નિરંતર……’ એ ભજન આપ્યું છે, તે પણ સભામાં ગાયું હતું. અને ફગવાનો પ્રસાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.
(૬) તા.૨૨/૩/૧૭ પૂ.લીલાભાભુ સંઘવીની ત્રયોદશીની મહાપૂજા
આજે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં પૂ.લીલાભાભુ સંઘવીની ત્રયોદશીની મહાપૂજા ખૂબ ભક્તિભાવપૂર્વક પૂ.ઈલેશભાઈ અને પૂ.યશવંતભાઈ દવેએ કરી હતી.
પૂ.લીલાભાભુની પ્રકૃતિ અતિશય રાંક, ખૂબ ઓછું બોલે. સરળ અને સેવાભાવી બહુ. અંતરમાં ખૂબ માહાત્મ્ય તેથી કદી કોઈને કશું કહે નહીં. પોતે સેવા કરવાના અધિકારી તેવી નિર્દોષબુધ્ધિ રાખી ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંત પ્રમાણે પોતાનું કરી લીધું. કદી કોઈની ફરિયાદ કરી નથી. તેમ જ કોઈની અપેક્ષા રાખી નથી. Speak less work more let your result speak for you તે વાક્ય તેમનામાં સાકાર જોવા મળે.
સ્વભજનની ખૂબ ટેવ. કંઈપણ થાય તો તેમની માળા ચાલુ જ હોય. કોઈને કંઈપણ પ્રોબ્લેમ હોય તો તેમને કહી જાય અને તેઓ તેમના માટે ખૂબ સિન્સીયર રહી ભજન કરે. ખુલ્લી આંખે ધ્યાન એ રીતે પોતે પોતાનું જીવન વ્યતીત કર્યું.
૧૯૭૪માં ગુરૂહરિ પપ્પાજીએ તેમને આશીર્વાદ લખી આપેલા કે ‘તમે રજની, ગૌતમ અને પદુને સાથ આપજો. તેમાં બધું આવી ગયું. બીજા કોઈ સાધન તમારે કરવાના નહીં રહે. આ વાક્ય તેઓએ સારધાર પાળ્યું. પોતાના ત્રણેય બાળકો આગળ ખૂબ દાસભાવે વર્ત્યા. તેઓમાંથી જે કોઈ વચન આવ્યાં તે તેઓએ અધ્ધર ઝીલી લીધા. નાનામાં નાની આજ્ઞા કે સૂચન અહોહોભાવે પાળી જીવનના છેલ્લા શ્વાસ સુધી એક સાધકની અદાથી જીવ્યા.
{gallery}images_in_articles//newsletter/2017/March/22-03-17 P.Lilabhabi trayodashi mahapooja{/gallery}
સર્વદેશીયતા અને નિર્દોષબુધ્ધિ એ તેમના જીવનમાં સહજ વણાયેલાં હતાં. ગુણાતીત જ્ઞાનનું નવવીત એ એમનું જીવન હતું કોટી કોટી વંદન આવાં લીલાભાભુને….
મહાપૂજા બાદ પ.પૂ.સાહેબજી અને પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા.
આમ, આખો મહીનો મહાપૂજા અને ધૂન–ભક્તિના આયોજન દ્વારા ભક્તિસભ૨ પસાર થયો હતો. સર્વે મોટેરાં સ્વરૂપોની તબિયત સારી રહે તે માટે રાત્રે ૯ થી ૧૦ સમૂહ ધૂન પપ્પાજી હૉલમાં થાય છે. આપ સર્વે પણ ધૂન કરતા હશો. કરતા રહેજો. અત્રેના સર્વે સ્વરૂપો સર્વે મુક્તો વતી આપને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ