Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

10 to 20 Nov 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૦/૧૧/૧૭ થી ૨૦/૧૧/૧૭ દરમ્યાન જ્યોતમાં થયેલ ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ મહિમાગાન સાથે કરીશું. સ્વામીની પ્રકરણ ૧લાની ૧લી વાત “ભગવાન અને સાધુના મહિમાની વાતુ નિરંતર કર્યા કરવી અને સાંભળ્યા કરવી

તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય.”

 

ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, “પ્રકરણ ૧લાની ૧લી વાત સિધ્ધ થઈ જાય તો ૧૪ પ્રકરણની “સ્વામીની વાતુ” સિધ્ધ થઈ ગઈ માનજો. એ ન્યાયે આપણે મહિમાગાન સાથે સ્મૃતિ-વર્ણનની ગોષ્ટિ અહીં માણીશું.

 

આપણા સત્સંગી હરિભક્તોનું મધ્યબિંદુ (જીવન જ) પપ્પાજી છે, સ્વરૂપો છે ! તેઓના જીવનના સારા-માઠા પ્રસંગે તેઓ જ્યોતમાં આવી મહાપૂજા કરાવે છે. અથવા તેઓના ઘર મંદિરે બોલાવી મહાપૂજા, ભજન-ભક્તિ કરાવે છે. આ દસ દિવસ દરમ્યાન એવી મહાપૂજા-ભજન-સભાની ઝાંખી માણીશું.

 

(૧) તા.૧૦/૧૧/૧૭

 

મુંબઈના હરિભક્ત કનુભાઈ પડિયાની ત્રયોદશીની મહાપૂજા કરાવવા તેઓના કુટુંબીજનો વિદ્યાનગર આવેલા. તા.૧૦/૧૧/૧૭ના રોજ જ્યોત મંદિરમાં અ.નિ.પરમ ભક્તરાજ કનુભાઈ પડીયાની મહાપૂજા શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી સમક્ષ પ.પૂ.દીદી અને સ્વરૂપો-મુક્તોના સાંનિધ્યે પૂ.યશવંતભાઈ અને ભાઈઓએ કરી હતી. તેમના દીકરા પૂ.વિશાલભાઈ અને દીકરીએ આશિષ યાચના કરી અને પિતાશ્રીનો આભાર માન્યો કે અમોને ગુરૂહરિ પપ્પાજીની અને પ.પૂ.દીદીની અને બહેનોની ઓળખાણ કરાવી. આ જોગમાં રહીએ, તેઓની સેવા કરી લઈએ. એવી ટૂંકમાં ઘણી યાચના કરી હતી. પ.પૂ.દીદીએ આશીર્વાદ સાથે કુટુંબીજનોને આશ્વાસન અને બળભર્યા શબ્દોથી હિંમત આપી હતી. ઠેર ઠેર ચૈતન્યમાધ્યમ ગુરૂહરિ પપ્પાજીએ કેવા બનાવ્યા છે. પૂ.કુસુમબેન દવેએ આ કુટુંબને ગુરૂહરિ પપ્પાજીનો મહિમા ગાઈને સત્સંગ ર્દઢ કરાવ્યો. એ સત્સંગનો વારસો તેમના સંતાનો અને પરિવાર રાખે તેવા આશીર્વાદ પ.પૂ.દીદીએ આપ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2017/Nov/10-11-17 MAHAPOOJA AT JYIT MANDIR{/gallery}

 

 

(૨) તા.૧૧/૧૧/૧૭

 

શ્રી ઠાકોરજી મહારાજ, શ્રી ગુરૂહરિ પપ્પાજી મહારાજની સન્મુખ અને પ.પૂ.દીદી અને સ્વરૂપોના સાંનિધ્યે આજે અ.નિ.પૂ.મણીભાઈ ચૌહાણ (મુંબઈ)ની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં થઈ હતી. પૂ.યશવંતભાઈ, પૂ.ઈલેશભાઈ વગેરે સંત ભાઈઓએ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. આખું વાતાવરણ દિવ્ય દિવ્ય બની ગયું હતું.

 

ગૃહસ્થ સાધુ એવા પૂ.મણીભાઈ વિષે તેમના મોટાભાઈ પૂ.કિશોરભાઈએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તેના થકી મણીભાઈની સાચી ઓળખાણ કરીએ.

 

પૂ.મણીભાઈ સૌરભ વ્રતધારી હતા. પૂ.વિજ્ઞાન સ્વામીજી તેમના ગુરૂપદે હતા. પ.પૂ.દીદી આ કુટુંબના ગુરૂપદે છે. એવા નિષ્ઠાવાન ભક્ત વિષે પૂ.કિશોરભાઈએ કહ્યું કે, શ્રીજીમય અને ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં સ્થાન લેનાર મારા નાનાભાઈ પૂ.મણીભાઈને ભાવભર્યા જય સ્વામિનારાયણ. મણીભાઈ રોજ મહાપૂજા કરતા. ખૂબ સેવાભાવી, પરોપકારી, ભક્તિમય જીવન હતું. અમને ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીનો જોગ થયો. સાક્ષાત્ શ્રીજીમહારાજે અમને ગુરૂહરિ પપ્પાજી ઓળખાવ્યા. મણીભાઈ ખૂબ બુધ્ધિશાળી છતાંય નાના-મોટા દરેકમાં નિર્દોષબુધ્ધિ ! પ.પૂ.દીદી મુંબઈ પધારે. એમણે અમને સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવન જીવતા શીખવ્યું. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીના ચરણોમાં પ્રાર્થના છે કે, અમારૂં આખું કુટુંબ તમારૂં છે. જેવા છીએ તેવા તમારા છીએ અને મન, કર્મ, વચને તમને રાજી કરીને જીવીએ. સ્વરૂપોની તબિયત સરસ રહે.

 

{gallery}images_in_articles//newsletter/2017/Nov/11-11-17 mahapooja at mandir{/gallery}

 

મહાપૂજા દરમ્યાન પૂ.કિશોરભાઈને જે અનુભવ થયો તે તેઓએ તેમના વક્તવ્યમાં બધાને કહીને કૃતકૃત્યતા અનુભવી હતી. તે એ કે, પૂ.યશવંતભાઈ અને પૂ.ઈલેશભાઈ મહાપૂજા કરતા હતા. તેમાં બે મિનિટ ધ્યાન કર્યું. ત્યારે ગુરૂહરિ પપ્પાજી અને મણીભાઈનાં દર્શન મને થયાં. મેં ગુરૂહરિ પપ્પાજીને કહ્યું કે, હે પપ્પાજી ! અમને ખૂબ બળ આપજો. મણીભાઈ જેવું જીવન જીવવાની શક્તિ આપજો. મણીભાઈના કુટુંબીજનો સગાં-સંબંધીઓને લઈને મહાપૂજા કરાવવા મુંબઈથી કિશોરભાઈ વિદ્યાનગર આવેલા. તે બધા વતી તેઓએ પ્રાર્થના કરી. શ્રી ઠાકોરજી અને બહેનોને જમાડ્યા.

 

પૂ.ડૉ.નિલમબેને મણીભાઈ વિષે વાત કરતાં કહ્યું કે, આપણા સ્વામિનારાયણ ભગવાને એમના, આશ્રિતોને વચન આપ્યું છે મારા ભક્તને અંતકાળે તેડવા આવીશ. એટલે મણીભાઈ તો શ્રીજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં બિરાજી ગયા છે. તેમનો મોક્ષ થઈ જ ગયો છે. તેમાં બે મત નથી. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, જે સંબંધવાળા છે, તેને આ સત્સંગમાં જ પ્રભુ જ્ન્મ આપે છે. આ જન્મે જેટલું કર્યું તેટલું Carry forward થશે. (પછી નહીં કરવું પડે.) મણીભાઈને જ્યારથી સત્સંગ થયો ત્યારથી એક જ નિષ્ઠા રાખી છે. ગૃહસ્થમાં રહીને વિપરીત સંજોગોમાં નિષ્ઠા પકડી રાખી છે. મણીભાઈનો જીવ જ નિઃસ્પૃહી હતો. કુટુંબના મુક્તોનું આધ્યાત્મિક જતન કર્યું છે. ગુરૂહરિ પપ્પાજી સર્વોપરી છે, એમનો આશરો કરી લેવો. મણીભાઈ કે કહેતા’તા, કરતા’તા એવું આપણે જીવવું છે. પૂ.વનિતાબેન પણ એવા સાચા ભક્ત છે. એમને પ.પૂ.પપ્પાજી, પ.પૂ.દીદી સાથે આત્મીયતા છે તો ખૂબ બળમાં છે. પૃથ્વી પરનું આ અક્ષરધામ છે. અહીં મહાપૂજા થઈ, તમે જે મનોરથ કરશો તે ગુરૂહરિ પપ્પાજી પૂરો કરશે.

 

પ.પૂ.દીદીએ પણ પધારેલ સર્વે મણીભાઈના સ્વજનોને આશીર્વાદ આપ્યા. સ્મૃતિની વાત સાથે મહિમાગાન સાથે બળ આપી ધન્ય કર્યા. સહુએ તે જીની ધન્યતા અનુભવી હતી.

 

(૩) તા.૧૨/૧૧/૧૯ પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્ય પર્વ ગુરૂવંદના મહોત્સવ

 

દેવીબેનના દાદાએ શાસ્ત્રીજી મહારાજની ખૂબ સેવા કરી. રઢુ પાસે ૨૦૦ વીઘાંની જમીન જ્યારે જોઈતી હતી ત્યારે ભેટમાં આપી સત્કર્મ કર્યું. માતુશ્રી ચંચળબામાં સત્સંગના બીજ હતાં. ને સત્સંગની શોધમાં જ હતાં ને સોનાબાનો જોગ થયો. બા એ પૂછ્યું, ‘દીકરી પરણેલાં છે ?’ ચંચળબા એ કહ્યું, એને તો ભગવાન ભજવા છે ને સોનાબાએ તો ધબ્બો માર્યો ને અક્ષરધામના દ્વાર ખુલી ગયાં.

 

બેન કહેતાં, સાચા સાધુ જોવા હોય, ગોતવા હોય ને મળવું હોય તો દેવીબેનને…

પપ્પાજી કહેતાં, બાપાની અનહદ કૃપા, આપના પર કળશ ઢોળ્યો, બાપાના કાયદે જ્યોત ચલાવો છો તો અનંત વર્ષો સુધી બાપાનું કાર્ય કરો એવા આશીર્વાદ.

 

આ આશીર્વાદ ઝીલ્યા ને પ્રભુએ એવી સામર્થી બક્ષી ને આજ ધન્ય બન્યા આપણે સહુએ.

તો હે દેવીબેન ! આજ આશિષ અર્પો, આપની સુહ્રદ ભક્તિ, આપના વચનમાં ભળી જઈએ.

 

એવા ગુણાતીત સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યદિન ગુરૂવંદના મહોત્સવની ઉજવણી આજે ગુણાતીત જ્યોતના બહેનોએ કરી હતી. તા.૨૫, ૨૬ નવે. શનિ-રવિ તેઓનો સમૈયો જાહેર રીતે છે જ. પણ ત્યારે બહેનો લાભ ના લઈ શકે. તેથી આજે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ અને સાંજે ૮.૧૫ થી ૧૦.૩૦ લગભગ આખો દિવસ બહેનોએ સદ્દગુરૂના ગ્રુપવાઈઝ ઉજવણી કરી હતી.

 

સભા સંચાલક પૂ.બકુબેન અને સમૈયા સમિતિના મુક્તોએ અવનવા આયોજન દ્વારા એક એક મુક્તને ભક્તિથી ભર્યા રહીને ભક્તિ અદા કરવાનો લાભ અપાવ્યો હતો. બહેનોએ પણ ભગવાન ધાર્યા છે. જ્યોતમાં આવ્યાં ત્યારથી પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે સાધના કરી છે. પ.પૂ.દેવીબેનની સાચી ઓળખ બધાને છે જ. પ.પૂ.દેવીબેનના ગુણગાન સાથે પોતાની કળા (આવડત) લગાડીને બહેનોએ ઓહો ! વિધ વિધ રીતે કાર્યક્ર્મ રજૂ કર્યા હતા. ફક્ત ૧૨ મિનિટ દરેક ગ્રુપને આપવામાં આવી હતી. ૧૨ ને બદલે ૨૨ મિનિટમાં માંડ માંડ પૂરૂં કરી શકાતું હતું.

 

સહુ પ્રથમ તો મંગલ પ્રભાતે પ.પૂ.દેવીબેનનું સ્વાગત આનંદ ગ્રુપના નાનાં બહેનોએ અને તેમાં બધાં બહેનો ભળીને માથે શતાબ્દી પર્વની ટોપી અને હાથમાં ધ્વજ સાથે પપ્પાજી હૉલમાં સ્વાગત કર્યું. બે નાના સાધક બહેનો ‘લક્ષ્મીજી’ ના વેશમાં પ.પૂ.દેવીબેનને લઈને પપ્પાજી હૉલમાં પધાર્યા. એ રીતે લક્ષ્મીદેવીનું સ્વાગત થયું. ગ્રુપવાઈઝ ભાવાર્પણનો કાર્યક્ર્મ હતો.

 

તે ભાવ માટલીમાં લઈને દરેક ગ્રુપના બે બહેનોનું સ્વાગત થયું. ‘માટલી’ એટલા માટે કે તેમાં પ.પૂ.દેવીબેનની સ્મૃતિ સાથે સમાયેલ છે. યુવાન દેવીબેનને ભગવાન ભજવાના કોડ જાગ્યા. ત્યારે ભગવાન ભજવાની વ્યાખ્યા પ.પૂ.દેવીબેન કહે કે મારા મગજમાં એવી હતી કે, “પ.પૂ.સોનાબાના રૂમની પાણીની માટલી ભરીશું, બા ની સેવા કરીશું.” ભજવા આવ્યા પછી ખબર પડી કે ગુણાતીત સાધુ થવું કેટલું અઘરૂં છે. મનનું અમન કરવું, પોતાના મટી જવું, મરીને જીવવું. વગેરે સાધના કરી. તે વખતે પ.પૂ.દેવીબેન હસતાં હસતાં કહેતાં કે, અરે મને તો એમ કે, “પ.પૂ.બાની માટલી ભરીશું.” એ સ્મૃતિ સાથે માટલીમાં દરેકે ભાવ લાવવાનો હતો. અરે..કલ્પના પણ ના થઈ શકે. એવા વિધવિધ આઈડીયા પ.પૂ.દેવીબેનના જીવન વૃત્તાંતને આવરી લે તેવા કર્યા હતા. જેવા કે પ.પૂ.દેવીબેન જ્યારે તારદેવ રહેવા આવ્યાં ત્યારે દેવીબેન મંગુ બનીને સાધના કરતાં હતાં. તેમને ભગવાન જ ભજવા હતા. અને ઘરેથી આ સમાજનો સખત વિરોધ હતો. સત્સંગ સમાજમાં વિરોધનો વંટોળ ફરી વળ્યો. તેથી ઘરે મોકલવાના થયા. તો દેવીબેને ના પાડી, હું નહીં જ જાઉં. ત્યારે પ.પૂ.પપ્પાજી કહે, “ આ મંગુ બોલે છે ?” અને તરત કટ વળી ગયા. (મંગુ એટલે દાસી-સરળ) એટલે મંગુના પ્રતીક રૂપે ફાનસ (હરિકેન) અર્પણ કરેલ.

 

તારદેવ ભગવાન ભજવા આવ્યા પછી L.I.C માં સર્વિસ કરવા જતાં. ગુરૂહરિ પપ્પાજીને ઑફિસમાં સરની કેબિનમાં એકલાં હોય તો જોડ માટે શું કરવું ? તો ગુરૂહરિ પપ્પાજીના જવાબ મુજબ પ.પૂ.દેવીબેન બાજુની ખુરશીમાં ગુરૂહરિ પપ્પાજીને મનોમન બેસાડી અંતર્યામી માની સાક્ષીભાવે જીવ્યાં.

 

તારદેવ ભજવા આવ્યાં. પોતે તે જમાનામાં વકીલ ભણેલાં તે પણ તારદેવ પગ મૂક્યો તેની સાથે સૂત્ર લીધું કે, “હું આ ઘરની દાસી છું.”

 

પ.પૂ.દેવીબેનને માતા-પિતા અને કુંટુંબીજનોના આગ્રહને લીધે ઘરે જવું પડ્યું. ત્યાં રહી ભજન કરતા. L.I.C માં જતાં. ખૂબ અપમાનિત થતાં. સારી રીતે ખાવાનું પણ ના આપતાં. છતાંય તારદેવથી પ.પૂ.જ્યોતિબેન મળવા ઘરે આવે તો તેની સાથે કહેવાડવતાં કે, “હું મઝામાં છું. પોપટ ભૂખ્યો નથી. પોપટ તરસ્યો નથી. પોપટ આંબાની ડાળે મઝા કરે છે.” આમ, કસણીમાં રહેતાં, પરંતુ જ્યારે તારદેવનાં સ્વરૂપો પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી-પ.પૂ.બાના વિશે અભાવ-અવગુણની વાતો ઘરમાં શરૂ થઈ તેની સાથે પ.પૂ.દેવીબેને વહેલી સવારે ખભે એક થેલો લઈને અંધારામાં નીકળી પડયાં, તારદેવ આવી પહોંચ્યાં. આ પ્રસંગને મહાભિનિષ્ક્ર્મણ તરીકે ગુરૂહરિ પપ્પાજીએ નવાજ્યો હતો. એના પ્રસંગના પ્રતીક રૂપે ખભે થેલો લઈને બહેનોએ પ.પૂ.દેવીબેનને અર્પણ કરીને તે પ્રસંગને અનુરૂપ પ્રાર્થના ધરી હતી.

 

નવધા ભક્તિ પ.પૂ.દેવીબેનનું જીવન છે. નવધા ભક્તિ ખૂબ ગમે છે. તેથી હાર યાચના વગેરે અર્પણ થયાં. તેમાં નવધા ભક્તિ બહેનોએ આવરી લીધી હતી. તેના પ્રતીક રૂપે માટલીમાં પૂજાપો અર્પણ કર્યો હતો.

 

પ.પૂ.દેવીબેન નાનાં હતાં. ઘરના મુક્તો સાથે સારંગપુર સમૈયામાં ગયેલાં. એ વખતે કિશોરી સખીઓ સાથે બોર તોડવા વગડામાં ગયા. ઘણા આગળ નીકળી ગયા. અંધારૂં થઈ ગયું. ખૂબ જ ગભરાઈ ગયા. ભરવાડનું રૂપ લઈ શાસ્ત્રીજી મહારાજ આવ્યા. મંદિરે મૂકી ગયા. ભરવાડની આંખોમાં શાસ્ત્રીજી મહારાજની આંખોના દર્શન દેવીબેનને થયાં. પૂર્વના મુક્ત પ.પૂ.દેવીબેન હંમેશાં નાનપણથી બે આંખોની સ્મૃતિ રાખી હતી અને સાધનામાં પણ ગુરૂહરિ પપ્પાજીની બે આંખો સામે રાખી કે, ગુરૂહરિ પપ્પાજી રાજી છે ? તેમની નજર કરડી છે ? તો મૂકી દે.

 

પ્રાર્થનાને અનુરૂપ બહેનોએ જાતે ગૂંથીને રક્ષાસૂત્ર (નાડાછડીઓ) માળા, કંઠી, કાર્ડ, ડાન્સ વગેરે પોતાની કળા ધરી દિવ્ય બનાવી હતી.

 

આખો દિવસ ગુરૂહરિ પપ્પાજીનાં અદ્દભુત સર્જન પ.પૂ.દેવીબેનના જીવન વૃત્તાંતને અનોખી રીતે માણી બહેનોએ ધન્યતા સાથે આત્મીયતા અનુભવી હતી.

 

{gallery}images_in_articles/newsletter/2017/Nov/12-11-17 P.P.DEVIBEN GURUVANDNA MAHOTSAV JYOT BEHNOS{/gallery}

 

(૪) તા.૧૩/૧૧/૧૭ હરિધામના વરિષ્ઠ સંત પ.પૂ.કોઠારીસ્વામીજી સાધુ પુરૂષોત્તમચરણદાસ બ્રહ્મલીન થયા

 

બ્ર.સ્વ.યોગીજી મહારાજના ઉપાસક, માણાવદરના એકાંતિક ચૈતન્ય માધ્યમ પૂ.દેવશીબાપાના સંતાન (પૂ.હરિભાઈના નાના ભાઈ પૂ.કુરજીભાઈ). એટલે નાનપણમાં સત્સંગના સંસ્કાર મળ્યા. ને તેઓ બાળસભા કરતા. બ્ર.સ્વ.યોગીજી મહારાજની મરજી પ્રમાણે કાકાજીના વચને યુવાન વયે અભ્યાસ છોડીને ૧૯૬૧માં પ્રથમ ૫૧ સંતોમાં ભાગવતી દીક્ષા લઈ સાધુ બન્યા. સાધુ થયા પછી દાદર મંદિરે તેમની પ્રસન્નતાની ધગશ, સેવા ભાવના ને સૂઝ જોઈ એમની પાગરણ વિભાગના કોઠારી તરીકે નિમણૂક કરી. ને તેઓએ પૂ.મહંતસ્વામીજીની આજ્ઞામાં સારધાર વર્તીને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી. દાદર મંદિરે સંતો પપ્પાજી સાથે ખાનગી કરતા ને જે કાંઈ મૂંઝવણ હોય એનો ઉકેલ મેળવતા. એકવાર પપ્પાજીએ કોઠારીસ્વામીને પૂછ્યું, ‘તમારે કાંઈ મૂંઝવણ નથી ?’ તો કોઠારીસ્વામીએ તરત જવાબ આપ્યો. ‘મૂંઝાય છે એ પોતાની પ્રકૃતિ ને પોતાનું મન જ છે ને! હું તો બાપાની સ્મૃતિમાં રહું છું.’ આ સમજણથી જીવતા કોઠારીસ્વામીની પ્રકૃતિ બાપાની સ્મૃતિથી દિવ્ય બની ગઈ. એટલે આટલો સરળ જવાબ આપી શક્યા ને ! ત્યારથી આવી ઊંચી સાધના ! મનને ગણ્યું જ નહીં. આ એમની બ્રાહ્મી સ્થિતિનું દર્શન હતું.

 

૧૯૬૬ પછી પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીનું અપાર માહાત્મ્ય સમજીને ‘તમે દિવ્ય ને તમારા સૌ દિવ્ય’ એ સૂત્ર પ્રમાણે પળેપળ વર્ત્યા. સંબંધવાળા સર્વના સુહ્રદ બની, સાથી સંતોને સાચવવાની ભાવના રાખી, સૌ પાસે ખમી નમીને સરળભાવે રહ્યા. સંબંધવાળા સર્વના સુહ્રદ બની રહ્યા. તન-મનની ગમે તેવી પરિસ્થિતિમાં સ્વામીજીની અનુવૃત્તિ ને આજ્ઞા પ્રમાણે ભગવાન ને સંતના ગમતામાં જ દેહને વર્તાવી રાજીપો મેળવ્યો તો ટૂંક સમયમાં પરમ ભગવદી બની ગયા. અને આત્મીય સમાજના માવતર બની ચૈતન્યોનાં જતન કર્યાં.

 

છેલ્લા કેટલાક વખતથી એમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છતાં કદીય દેહ ને દેહભાવ સાથે એક થયા વગર સદાય મૂર્તિમાં ને મુક્તોમાં ખોવાયેલા રહી અક્ષરધામની વાટે વિદાય લીધી. આવા સંત મંડળના આદર્શ, ગુણાતીત સમાજના જ્યોતિર્ધરોના વિશ્વાસુ, ગુણાતીત સમાજના ભક્તોના લાડીલા કોઠારીસ્વામીને અંતરની ભાવાંજલિ સાથે અનંત વંદના.

 

(૫) તા.૧૯/૧૧/૧૭ સંકલ્પ સ્મૃતિદિન – ગણેશપુરી

 

ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !

ગુરૂ સ્વરૂપોને કોટિ કોટિ વંદન સહ જય સ્વામિનારાયણ !

સહુ મુક્તોને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

સંકલ્પ કર્યો પ્રભુ પપ્પાજીએ, પુષ્પ અર્પ્યા પપ્પાજી ધારક પ.પૂ.બેને. પ.પૂ.બા, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના સાંનિધ્યે ને એ પળથી જ ગુરૂ સ્વરૂપોએ ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પ ને સિધ્ધાંત ઝીલી પપ્પાજીરૂપ થઈ ગયા. અને સૌને વર્તન અને વાતુએ શીખવ્યું કે, ભગવાન ભજવા આવ્યા છીએ ગુરૂની પ્રસન્નતા લેવી છે, પ્રસંગે જાગ્રતતા રાખવી છે, કોઈનું જોવું નથી, દિવ્યભાવ રાખવો છે અને સેવા માહાત્મ્યથી કરવી છે. આવી સર્વ આપણી ભાવના સાકાર કરવાની સૂઝ, માર્ગદર્શન, જાગ્રતતા ને ખપ રાખી વર્તવાનું બળ માંગીએ.

 

ઈ.સ.૧૯૬૩માં ગુરૂહરિ પપ્પાજીએ ગણેશપુરીમાં બહેનોને ભગવાન ભજવાનો અને ભજાવવાનો સંકલ્પ કરાવ્યો એ આજનો શુભ દિવસ. આજે સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જ્યોતના બહેનોની શિબિર સભા પપ્પાજી હૉલમાં કરી હતી. સવારની સભામાં પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. અને પૂ.માયાબેને સંકલ્પની સમજૂતી આપી હતી. સાંજની સભામાં પણ પૂ.માયાબેને લાભ આપ્યો હતો.

 

(૬) આ કળિયુગમાં આપણા સત્સંગી હરિભક્તો જે પ્રત્યક્ષના પૂજારી છે. તેઓને ઘરે સારો પ્રસંગ આવે તોય ‘પ્રથમ પ્રભુ અને પછી પગલું’ છે. એવા જૂના જોગી પૂ.રશ્મિબેન ગુણવંતભાઈ ઠક્કર (વડોદરા) ના આંગણે પૂ.તુષારભાઈના દીકરા ‘પરમ’ ના લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. તે નિમિત્તે સગાઈ તા.૧૯/૧૧/૧૭ના રવિવારે સાંજે વડોદરા હૉલમાં રાખી પ.પૂ.દીદી અને બહેનો, પૂ.ઈલેશભાઈ અને ભાઈઓને બોલાવી મહાપૂજા અને કીર્તન આરાધનાનો દિવ્ય કાર્યક્ર્મ રાખ્યો હતો. વડોદરા મંડળના ભક્તોને પણ બોલાવ્યા હતા. પૂ.કલ્પુબેન દવે અને બહેનોએ ભક્તિભાવે મહાપૂજા કરી હતી. અને ભજનો પણ વાજીંત્રો સાથે બહેનોએ ગાયાં હતાં. પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ પણ બુલંદ અવાજે મૂર્તિમાં રહીને ભજનો ગાઈને આખા હૉલને દિવ્યતાથી ભરી દીધો હતો. જાણે ગુરૂહરિ પપ્પાજી પધારી ગયા હોય તેવી અનુભૂતિ સહુના અંતરે થઈ હતી. પ.પૂ.દીદીએ રૂડા આશીર્વાદ આપી સહુને ધન્ય કર્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2017/Nov/19-11-17P.P.DIDIAT VADODARA KIRTAN AARADHNA{/gallery}

 

આમ, આ ૧૦ દિવસ ખૂબ ભક્તિ સભર વાતાવરણમાં પસાર થયા હતા. સંકલ્પ સ્મૃતિદિને કરેલી પ્રાર્થના આપણા સહુનું જીવન અને વર્તન બને તેવી ગુરૂહરિ પપ્પાજી અને સહુ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !