સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુણાતીત પ્રકાશ સ્વરૂપ પ્રકાશમાં વિલિન થયા
ગુરૂહરિએ સર્જેલ ગુણાતીત પ્રકાશના સદ્દગુરૂ સ્વરૂપ પૂ.હરેશભાઈ ભરૂચી ટૂંકી બિમારીમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરતાં કરતાં ૧૬/૧૨/૧૫ના અક્ષરધામમાં શ્રીજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં બિરાજી ગયા.
૬૦ વર્ષની એમની જીવનયાત્રામાં ગુરૂહરિ પપ્પાજીની એકનિષ્ઠાથી સંતો, બહેનો, ભાઈઓ ને હરિભક્તોની ગરજુ થઈ ખપ રાખીને માહાત્મ્યથી સેવા કરી.
‘ઓછું બોલો, તમારા કાર્યને બોલવા દો’ એ ગુરૂહરિ પપ્પાજીના સૂત્રનું દર્શન એમના વર્તનમાં થતું. અમદાવાદ ‘ગુણાતીત
પ્રકાશ’ મંડળના હેડ હતા. પણ દાસભાવે સહુ સાથે રહી સેવામાં ઝૂકાવતા. તો આજે અમદાવાદ મંડળમાં ‘સેવા એ જ પરમપદ.’ આદર્શરૂપે સાકાર દેખાય છે. એના મૂળમાં પૂ.હરેશભાઈનું જીવન છે. સિંચન છે. ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા રાખી પ.પૂ.જ્યોતિબેન અને પૂ.ઈન્દુબેનના વચને પોતાના મન–બુધ્ધિ, ચિત્ત, અહમને સમર્પિત કરી જીવ્યા. ગુરૂહરિએ સ્થાપેલા ગુણાતીત પ્રકાશના હેડ પૂ.વિરેનભાઈને ખૂબ મોટા માની જીવ્યા છે.
સત્સંગમાં રાંકભાવે, દાસભાવે જીવ્યા. કુટુંબમાં પણ આત્મીયતાથી વર્તી ગુરૂહરિ પપ્પાજીના નિયમધર્મનું પાલન કરી વ્રતધારીના ભેખનું ગૌરવ વધાર્યું.
૧૭/૧૨ ના સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ અમદાવાદ જ્યોત ખાતે એમના પૂજન, પુષ્પહાર અર્પણના કાર્યક્રમ થયા. જેમાં સંતો, વ્રતધારી ભાઈઓ, મોટેરાં બહેનો તથા અસંખ્ય ભક્તોએ ભાવભર્યા હ્રદયે ભાગ લીધો. ૧૧ વાગ્યે અંતિમવિધિ માટે લઈ ગયા. અને સાંજે ૪.૦૦ થી ૬.૩૦ પ્રાર્થનાસભા યોજાઈ. અચાનક એમનું જવું એ આપણા ગુણાતીત સમાજમાં સૌના હૈયે ખોટ તો લાગશે જ પણ એમના જીવનમાંથી સેવાના પાઠ શીખી ધૂન, ભજનના એવા શ્રધ્ધાપુષ્પો એમના ચરણે ધરીએ છીએ. પ્રાર્થના કરતાં રહીએ. હે પ્રભુ ! હે પપ્પાજી ! સ્વીકારી ધન્ય કરશો.
જય સ્વામિનારાયણ !