16 To 28 Feb 2015 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧૬/૨ થી તા.૨૮/૨ દરમ્યાન જ્યોત-જ્યોત શાખામાં થયેલ સભા-સમૈયા-શિબિરની સ્મૃતિ ટૂંકમાં માણીશું.

(૧) તા.૧૭/૨/૧૫ મહાશિવરાત્રિ (અક્ષરરાત્રિ) પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યદિન

DSC 0049

ગુરૂહરિ પપ્પાજીએ શિવરાત્રિને અક્ષરરાત્રિ કહી છે. આવા મોટા દિવસે પ.પૂ.જ્યોતિબેનનું પ્રાગટ્ય ! નારીરત્ન પ.પૂ.સોનાબાના કૂખે બીજા દેવી પ.પૂ.જ્યોતિબેનનું પ્રાગટ્ય થયું.

જ્યોતિ અને તારાએ ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.કાકાજી અને પ.પૂ.બાની ત્રિપુટીના સંયુક્ત યુગકાર્યનું નિમિત્ત પાત્ર બની પૃથ્વી પર એક ક્રાંતિ સર્જી. ભગવાનનું કામ કરવા જ જન્મેલા આ પ.પૂ.જ્યોતિબેને અત્યારે ૮૨ વર્ષની વયે સક્રિય સચેતન ગુણાતીત ભાવમાં વિચરી રહ્યાં છે. સ્ત્રીભાવથી સહિત, સ્વના ભાવથી પર, ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો માનવી પૃથ્વી પર હોવો દુર્લભ છે. એમાંય વળી સ્ત્રીના ખોળીયામાં અશક્ય છે.

પ.પૂ.જ્યોતિબેન ભગવાન ભજતા નારી સંતવૃંદના આખા ગુણાતીત સમાજના માતા છે. આદર્શ જનની છે. સાધક માત્રના પ્રણેતા છે. પથદર્શક છે. એવા અલૌકિક મૂર્તિ પ.પૂ.જ્યોતિબા તો આ દિવસે અમદાવાદ શારીરિક ચિકિત્સામાં હોવાથી જાહેર સમૈયો વિદ્યાનગર હતો તે મુલતવી રાખેલ છે.

આ દિવસે જ્યોતમાં બહેનોની સભામાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ પ.પૂ.જ્યોતિબેનના મહિમાગાનથી સમૈયાની ઉજવણી કરી હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ બાદ પૂ.હંસાબેન ગુણાતીતે હ્રદયસ્પર્શી પ.પૂ.જ્યોતિબેનના અનુભવની વાતો કરી હતી. અને પ.પૂ.દીદીએ મહિમાગાન સાથે આશીર્વાદ આપ્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/Feb/17-02-15 P.P.JYOTIBEN PRAGTYADIN/{/gallery}

(૨) તા.૧૯/૨/૧૫

જ્યોતમાં સવાર-સાંજ સભા થાય છે. તેમાં મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો લાભ ધ્વનિમુદ્રિત લઈએ છીએ. અને તેના ઉપરથી સદ્દગુરૂ A તથા અક્ષરમુક્તો ગોષ્ઠિ લાભ આપે છે. તે રીતે આજની મંગલ સભામાં પૂ.મધુબેન સી. પટેલનો લાભ લીધો હતો. તેઓએ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીના અનુસંધાને ગુરૂહરિ પપ્પાજીનો અનુભવ એક યુવકને થયો હતો. “ભૂત-ભાવિનું ગુરૂહરિ પપ્પાજીને કેવું દર્શન છે.” તેની વાત કરી.

ભરૂચમાં પૂ.સીમાબેન રહેતા હતાં. (જૂના જોગી નડિયાદવાળા પૂ.લત્તાબેનની દીકરી પૂ.સીમા) પૂ.સીમાબેનના દીકરાની પરીક્ષા તા.૧૬મી માર્ચે હતી. એટલે તે પહેલાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લેવા પ્રભુકૃપામાં આવ્યા. ગુરૂહરિ પપ્પાજીએ તેને આશીર્વાદ પત્ર લખી આપ્યો. તેમાં પપ્પાજીએ “તા.૧૬/૩ ને બદલે ૧૬/૪ લખી.” તે વાંચીને દિકરાએ ઘરે જઈને કહ્યું કે, મમ્મી ! મારી પરીક્ષાની તારીખ પપ્પાજી ભૂલી ગયા લાગે છે. સીમા કહે, ના બેટા ! પપ્પાજી તારીખ ભૂલી નથી ગયા. પણ આ લખવામાં એમનો કોઈક દિવ્ય હેતુ હશે. જેની અત્યારે ખબર નહીં પડે. સમય આવશે ત્યારે ખબર પડશે. અને પછી તા.૧૬/૩ ના દિવસે ભરૂચમાં કોમી હુલ્લડ થયું અને પરીક્ષા ખરેખર મહીનો પાછળ ઠેલાઈ. તા.૧૬/૪ ના દિવસે જ પરીક્ષા લેવાઈ. છોકરાને અનુભવ થયો કે, “ગુરૂહરિ પપ્પાજીને ભૂત-ભાવિનું કેવું દર્શન છે. તેઓ જે કહે, જે લખે તે સાચું જ હોય ! ગુરૂહરિ પપ્પાજી દિવ્ય અને અંર્તયામી છે.”

પ્રત્યક્ષની નિષ્ઠા કરાવનાર પુત્રની માતા સીમાબેનને ધન્યવાદ છે. કોટિ ધન્યવાદ સીમાબેનના માતુશ્રી લત્તાબેન દેસાઈને કે જેમણે પોતાની ત્રણેય દીકરીઓ સીમા, સુજાતા અને નંદાને આવી પ્રત્યક્ષની નિષ્ઠા કરાવી છે. સત્સંગનો સાચો વારસો આપી ધન્ય કર્યા છે. આવા ચૈતન્ય માધ્યમો ગૃહસ્થોમાં તૈયાર કરવાનું કાર્ય ગુરૂહરિ પપ્પાજીએ કર્યુ છે. આ ત્રણેય દીકરીઓ USA માં ઘર અને દેહ મંદિર બની રહ્યાં છે. પરદેશની ધરતી પર રહીને કેવળ ગુરૂહરિ પપ્પાજીના થઈને જીવન જીવી રહ્યાં છે.

(૩) તા.૨૦ થી ૨૨ ફેબ્રુઆરી ગુણાતીત પ્રકાશ શિબિર (મોરબી)

સ્વ સંકલ્પે ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીએ સર્જેલા ગુણાતીત પ્રકાશના ભાઈઓની એક શિબિર મોરબી મુકામે થઈ. પૂ.લક્ષ્મણબાપા અને એમના કુટુંબીજનોના કેટલાય સમયના આગ્રહને વશ થઈ મોરબીમાં શિબિરનું આયોજન થયું.

તા.૧૯મી ફેબ્રુઆરીએ રાત્રે જ પ્રભુકૃપામાં પ.પૂ.પપ્પાજીના દર્શન અને પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન પાસેથી પ્રસાદ-આશિષ લઈ તા.૨૦મી એ સવારે સહુ ભાઈઓ વિદ્યાનગરથી મોરબી જવા નીકળ્યા. અમદાવાદથી ત્યાંના ભાઈઓને બસમાં સાથે લીધા. સ્વરૂપયોગ, ધૂન, ભજન કર્યા. પૂ.વિરેનભાઈએ શિબિરનો હેતુ અને લેશન જણાવ્યા.

પ.પૂ.પપ્પાજીએ સ્વહસ્તે ૧૯૯૨માં સાધના માટે એક પ્રશ્નપત્ર પોતે કાઢીને આપ્યું હતું. એ જ પ્રશ્નપત્ર  સહુ ભાઈઓને પૂ.વિરેનભાઈએ આપ્યું અને વિચારીને જવાબ લખવા કહ્યું. લગભગ બપોરે ૧.૩૦ વાગ્યે સહુ ભાઈઓ મોરબી પહોંચ્યા.

પૂ.લક્ષ્મણબાપા અને તેમના ભાઈઓએ ખૂબ જ માહાત્મ્યથી અનેક પ્રકારની સેવાઓ કરી. રહેવું, જમવું, પરવારવું, ચા-નાસ્તો વગેરે તમામ સગવડ અદ્દભૂત રીતે બધા જ સભ્યોએ કરી હતી. પૂ.લક્ષ્મણબાપાએ શિબિર માટે થોડે દૂર એક સરસ જગ્યાએ A/C હૉલ, સાઉન્ડ સીસ્ટમ સાથે ગોઠવી આપ્યો હતો.

પ્રથમ દિવસે રાત્રે મોરબી મંડળની સભા થઈ. તેમાં ઘણા ભક્તો તથા સ્નેહીજનો પધાર્યા હતાં. પૂ.લક્ષ્મણબાપાએ સ્વાગત પ્રવચન કર્યું. અને બધાને આ ભાઈઓનો પરીચય આપી મહિમા ગાયો. પૂ.અશ્વિનભાઈએ સહુ ભાઈઓનું પુષ્પથી સ્વાગત કર્યું. પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ અને ભાઈઓએ સુંદર ભજનો ગાયા. પૂ.દિલિપભાઈ, પૂ.વિરેનભાઈ, પૂ.સુરેશભાઈએ સુંદર લાભ સભામાં આપ્યો. બધા જ ભક્તો અને કુટુંબીજનોને આવા વિશિષ્ટ સંત ભાઈઓના દર્શન અને લાભ મળવાથી ખૂબ આનંદ થયો. અને પ.પૂ.પપ્પાજીનો મહિમા સમજાયો.

{gallery}images_in_articles//newsletter/2015/Feb/20 to 22 prakash bhaio shibir morbi/{/gallery}

તા.૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરી ત્રણ દિવસની ખૂબ સુંદર શિબિર થઈ. જેમાં મુખ્યત્વે ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીએ આપેલા વ્રતની ગંભીરતા, હેતુ અને ગરીમા સમજાય તથા જવાબદારી પૂર્વકનું ધ્યેયલક્ષી જીવન જીવાય, સાધના સાચા અર્થમાં આનંદપૂર્વક અને સમજપૂર્વક થાય તેવી જ વાતો પૂ.દિલિપભાઈ, પૂ.વિરેનભાઈ, પૂ.સુરેશભાઈ, પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ, પૂ.હરેશભાઈ અને બધા મોટેરાં ભાઈઓએ કરી હતી. આશિષ યાચના પણ સાધક ભાઈઓએ કરી. ખૂબ સરસ ત્રણ દિવસ વિતાવ્યા. મહાત્મ્ય અને જાગ્રતતાથી સહુ ભરપૂર થઈ સાધના માટે સાબદા થયા.

(૪) તા.૨૮/૨/૧૫

આજે જ્યોતની મંગલ સભામાં સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ પંચામૃત હૉલમાં સંયુક્ત બે કાર્યક્ર્મ થયા. મહાપૂજા અને સભા.

(૧) આજે સ્વામી સ્વરૂપ પ.પૂ.મમ્મીજીના સ્વરૂપાનુભૂતિદિનની સભા તેઓના ગુણાનુગાનથી થઈ હતી.

(૨) પૂ.ઉષાબેન મકવાણા (લંડન જ્યોત) ના અસ્થિ વિસર્જનની મહાપૂજા પૂ.કલ્પુબેન દવેએ કરી હતી. ત્યારબાદ પૂ.ઉષાબેનના માહાત્મ્યનું ગાન થયું હતું.

પ.પૂ.બેનની સેવામાં પૂ.ઉષાબેન ઘણાં વર્ષો રહ્યાં. પ.પૂ.બેનનો પડછાયો થઈને પળેપળ જીવ્યાં છે. કેવા ખડે પગે પ.પૂ.બેનની સેવામાં રહ્યાં હશે તો પ.પૂ.બેનના મુખમાંથી સહજ જ ઉદ્દગારો સરી પડ્યા હતાં. હે મહારાજ ! હે ગુરૂહરિ પપ્પાજી ! “જન્મોજન્મ મને આવા સેવકો આપજો.” પ.પૂ.બેનને જે ગમતું હતું તે કર્યું. બે હાથ જોડી કહે તેમ કરી લીધું. ભક્તિમય એમનું જીવન હતું. પૂ.ઉષાબેનને પોતાના આ ભયંકર રોગનુંય જાણપણું નહોતું. હું બ્રહ્મ છું, હું પપ્પાજીની, હું બેનની એ એક જ જાણપણું હતું. તેથી દેહથી જુદા રહી શકતા હતાં.

ગમે તેવા ભીડામાં ગુરૂ લે તો પણ કેવળ દિવ્યભાવે યથાર્થ સેવન ગુરૂનું પૂ.ઉષાબેને કર્યું. અને પરમ ભાગવત સંત તરીકે જીવન જીવી ગયા અને એક આદર્શ મૂકતાં ગયા.

પૂ.ઉષાબેનના અસ્થિનું આજે મહાપૂજા પૂજન થયું. અને બીજા દિવસે ૧લી માર્ચે મહિસાગરમાં તેમના અસ્થિ વિસર્જન થશે. ૧લી માર્ચ એટલે ગુરૂહરિ પપ્પાજીના અસ્થિ પુષ્પ વિસર્જન હરિદ્વારમાં અખિલ ગુણાતીત સમાજે ભેગા મળી મહાપૂજા કરી હતી તે દિવસ. આ સ્મૃતિદિન અનાયાસે પૂ.ઉષાબેન માટે પણ યોજાયો. એ ગુરૂહરિ પપ્પાજીનું ચૈતન્યલક્ષી આયોજન હતું.

વળી, આજે પ.પૂ.મમ્મીજીનો સ્વરૂપાનુભૂતિદિન હતો. તેથી તેઓની મૂર્તિની સાક્ષીએ મહાપૂજા થઈ ! પ.પૂ.મમ્મીજીનો પ્રાગટ્યદિન ૨૯/૯ ના ઉજવીએ છીએ. પણ આજે પ.પૂ.મમ્મીજીના માહાત્મ્યની ઘણીક વાતો થઈ એ મૂકસેવક પૂ.ઉષાબેનના જીવનમાં મળતી આવે છે. આવા નારીરત્નોને આપણા સહુના અભિનંદન વંદન સહ જય સ્વામિનારાયણ.

લંડન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ

(૧) તા.૧૭/૨/૧૫ પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.તારાબેન નો સ્વરૂપાનુભૂતિદિન

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ લંડન જ્યોત મંદિરમાં પ.પૂ.તારાબેન અને પ.પૂ.જ્યોતિબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આખા લંડન સમાજના મુક્તોએ ભેગા થઈને કરી હતી.

જ્યોત મંદિર પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.તારાબેનની સૌમ્ય મૂર્તિથી ખૂબ જ રળિયામણું લાગતું હતું. આખો મંદિરનો હૉલ મુક્તોથી ભરેલો હતો. ખૂબ દિવ્ય વાતાવરણ હતું.

પ.પૂ.જ્યોતિબેનની તબિયતના સમાચાર આપ્યા. એમના સ્વાસ્થ્ય માટે ખાસ ૧૫ મિનિટ ધૂન કરી. પછી બધાએ મહિમા ગાનની સભા કરી. આપણને આ સ્વરૂપોની ખૂબ જરૂર છે. બંને બહેનોએ ભગવાન ભજવાની પહેલ કરી. બહેનો માટે ભગવાન ભજવાનો રસ્તો ખોલ્યો. અને બહેનો ગુણાતીત સ્થિતિને પામી શકે એ એમના સ્વરહિતના, પ્રભુમય જીવનથી સાબિત કર્યું. પ.પૂ.તારાબેન એટલે શાંત, સરળ, ધીર-ગંભીર સાધુતાની મૂર્તિ !

પ.પૂ.જ્યોતિબેન એટલે હસતું, સર્વદેશીય, સ્વરહિત, નિર્માની વિચરતું સ્વરૂપ. બંનેની રીત જુદી છતાંય પ્રભુમાં પળેપળ રહે અને બધાને રાખે. પૂ.ઈલાબેને સભામાં બહુ મજા કરાવી. પૂ.જ્યોતિબેનના પ્રોગ્રામની જીવન દર્શનની Video Clips થોડી થોડી બતાવી અને એમના જીવનની ઝાંખી કરાવી. ખૂબ મજા આવી. ટાઈમ ઓછો પડ્યો. પૂ.જ્યોતિબેને અનેક વખત લંડન પધારી ઠેર ઠેર વિચરણ કર્યું છે. અને સૌ અહીંની બહેનોને તથા આખા મંડળને ખૂબ લાભ આપ્યો છે. સૂઝ આપી છે, ભાઈઓને ગૃહસ્થોને માહાત્મ્યમાં તરબોળ કરી દઈ સત્સંગમાં પ્રગતિ કરાવી રહ્યાં છે. આપણે આ બંને અનાદિ સ્વરૂપોના જન્મોજન્મ ઋણી છીએ.

ફેબ્રુઆરી મહિનાનું ટૂંકુ પખવાડીયું પણ ઘણું ભક્તિસભર સંપન્ન થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. પ.પૂ.જ્યોતિબેન પણ વિદ્યાનગર પધારી ગયા છે. સર્વે સ્વરૂપોના-સર્વે મુક્તોના આપ સર્વને હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !