16 to 30 Apr 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૭/૧/૧૮ ગુરૂહરિ પપ્પાજી ભારત આગમન દિન

 

ગુરૂહરિ પપ્પાજી આજના શુભ દિવસે અંધારા ખંડમાંથી અનેકના આત્માને અજવાળવા ભારત પધાર્યા એ સ્મૃતિદિન નિમિત્તે સુરતના ગુણાતીત પ્રકાશ સ્વરૂપ પૂ.પિયૂષભાઇએ આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરી તેમનો આભાર માન્યો.

 

આજનો દિવસ તો આપણા સૌ માટે ભાગ્યના દરવાજા ખોલીને આવ્યો. ૧૯૫૨ની સાલના આ જ મહિનાના આ જ દિવસે આપણા પ્રાણ પ્યારા ગુરૂહરિ પપ્પાજી મહારાજનું આફ્રિકાથી ભારતની ભૂમિ પર આગમન થયું. ઈતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો ગુરૂહરિ કાકાજી મહારાજને ગોંડલ મંદિરે ત્રીજી ફ્રેબ્રુઆરીએ પ.પૂ.યોગીજી મહારાજે ૭૨ કલાકની સમાધિ કરાવી. ત્યાર પછીના પ.પૂ.કાકાશ્રીની ઉપશમ દશાના વર્તનની બધી બાજુથી આવતી તરેહ-તરેહની વાતો આફ્રિકા ગુરૂહરિ પપ્પાજીના કાન સુધી પહોંચી.

 

આમેય વળી ગુરૂહરિ પપ્પાજીને નાના ભાઈ દાદુભાઈ પ્રત્યે અસાધારણ પ્રેમ હતો. તેથી સ્વયં એ બધી બાબતો પર વિશ્વાસ કરવાને બદલે જાત તપાસ અર્થે ગુરૂહરિ પપ્પાજી ભારત આવ્યા. પરંતુ કોને ખબર હશે કે એ તો એક નિમિત્ત માત્ર હતું. ખરેખર તો તેઓ પોતાના અનેક આત્માઓ પર દ્રષ્ટિ કરવા અને પોતાના આધ્યાત્મિક કાર્યક્ષેત્રને દૂરંદેશી નજરોથી માપી, એ કાર્યના પાયા નાખવા અર્થે ભારત ભોમે પધાર્યા. આ બધું કંઈ આકસ્મિક ન હતું. પૂર્વ યોજીત પ્રભુનું જ કાર્ય હતું. અને ૧૭મી એપ્રિલની એ દિવ્ય ઘટના આપણા નસીબના દ્વાર ખોલી ગઈ. અને આપણે સૌ ધન્ય થઈ ગયા. સનાથ થયા ને દિવ્યતાના સુખભર્યા રાજમાર્ગે આપણને ચાલતા કર્યા. તો આજે આપણા સૌના હૈયે એક જ રટણ વહે છે. થેન્કસ પપ્પાજી…થેન્ક્સ પપ્પાજી….થેન્ક્સ પપ્પાજી…. અને બસ આવું હરેક પગલે, હરેક પળે ને હરેક પ્રસંગે જ થયા કરે એવી આજના શુભ દિને આપના ચરણોમાં અંતરથી પ્રાર્થના.

 

(૨) તા.૧૮/૪/૧૮ અખાત્રીજ

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં અખાત્રીજ નિમિત્તે બહેનોની સભા કરી હતી. પૂ.હંસાબેન ગુણાતીતે આજના દિવસનો મહિમા અને ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની વાત કરતાં કહ્યું કે, આજે અખાત્રીજ, હિંદુ ધર્મમાં અખાત્રીજનો બહુ મહિમા છે. હિંદુ ધર્મ એટલે ઉત્સવોની પરંપરા.

 

દરેક ઉત્સવના આપણે નિતનવા સંભારણા છે. ૧૯૫૨માં અખાત્રીજે ગુરૂહરિ પપ્પાજીએ જોગીબાપાને બહેનોને ભગવાન ભજવા માટે પૂછ્યું. અને આપણા સૌ માટે આ ભગવાન ભજવાનું સુગમ થયું. ગુરૂહરિ પપ્પાજીએ બાપાને દિલથી ભગવાન માનતા’તા. કેવા એમણે જોગીને સેવ્યા હશે ! બાપાએ કહ્યું, બહેનોને ભગવાન ભજાવો. તો એ જોગીનું વચન પાળવા મંડી પડ્યા. આપણે ૪૦૦ બહેનો એમના સંકલ્પમાં આવી ગયા. ફાવી ગયા.

 

જેમ અખાત્રીજનું મુહૂર્ત ના જોવાય તેમ ગુરૂહરિ પપ્પાજીએ આપણું કાંઈપણ જોયા વગર આપણને કેવળ કૃપામાં ગ્રહણ કર્યા. અને આવા ઉત્તમ જોગમાં મૂકી દીધા. લંડન, અમેરિકા, આફ્રિકા દેશ-પરદેશથી ચૈતન્યો આવી ગયા છે. જ્યાં જ્યાં દુનિયાના છેડે હતા. તેને ખેંચીને આ સ્થાનમાં લાવીને મૂકી દીધા. કેવી ગુરૂહરિ પપ્પાજીની સામર્થી. બધા પૂર્વેના આત્માઓ ખપથી અહીં આવ્યા છે. કેવા સર્વોપરી ભગવાનના આપણે છીએ. જ્યાં છીએ ત્યાં પપ્પાજી હું તમારી છું. તમે મારી રક્ષા કરજો. સાથે રહેજો. હાં હાં ગડથલ કર્યા કરીએ. હે ગુરૂહરિ પપ્પાજી ! તમે અમને કૃપામાં લાવ્યા છો તે હવે પાર પડી જઈએ. અને તમને હાશ કરીએ એવું બળ આપજો.

 

પૂ.પિયૂષભાઈ પનારાએ પણ આપણા સહુ વતી આજના દિનની સ્મૃતિ કરાવી ગુરૂહરિના ચરણે પ્રાર્થના ધરી હતી. આજે અખાત્રીજનો દિવસ. ગુરૂહરિ પપ્પાજી મોમ્બાસાથી દાદુભાઈ વિશે સાંભળેલી વાતોની જાત તપાસ અર્થે મુંબઈ આવ્યા. દાદુભાઈ મળ્યા, નિહાળ્યા અને શાંતિથી એમની સાથે વાત થઈ શકે તેથી હેંગીગ ગાર્ડન ગયા. પપ્પાજીએ જે સાંભળ્યું, જોયું તેનું દાદુભાઈ સમક્ષ વર્ણન કર્યું. પૂછ્યું. દાદુભાઈએ એમની રીતે જવાબ આપ્યા પણ એમને પૂરો સંતોષ થયો નહીં.

 

દાદુભાઈએ પપ્પાજીને જોગીબાપાના દર્શને આણંદ જવા કહ્યું. અને એ નિમિત્તે પ.પૂ.પપ્પાજીનું આજના શુભદિને પ.પૂ.યોગીજી મહારાજ સાથે દિવ્ય મિલન થયું. દાદુભાઈએ જ્યોતિબેન બાબત અંગત પ્રશ્ન પૂછી લાવવા કહ્યું હતું તે પ્રમાણે બાપાને વાત કરી તો બાપાએ ત્યાં બેઠેલા મુક્તોની સ્થિતિ-પરિસ્થિતિ જોઈને જવાબ આપ્યો કે, ‘જુઓ અમે રહ્યા, સાધુ તે આમાં અમને સમજણ પડે નહીં.’ તેના જવાબમાં પપ્પાજીએ કહ્યું, “પણ હું તો તમને ભગવાન માનું છું ને !” બાપાએ તો કેટલાયને સત્સંગમાં ટકાવી રાખવા સાચવવું પડે. તેથી બાપાએ કહ્યું કે, જુઓ આજે શું છે ? ‘અખાત્રીજ’ આવતી અખાત્રીજ પહેલાં કામ પતી જશે. પપ્પાજીએ પૂછ્યું, ‘આ દાદુભાઈનું ?’ બાપા કહે, ‘હવે દાદુભાઈને સારૂં થઈ જશે.’

 

કોઈપણ જાતની તાર્કીકતા વિનાના યોગીજીના આવા જવાબમાં પણ કોઈ જ પ્રશ્ન કે શંકા ન થાય એ કેટલી અદ્દભૂત સ્થિતી કહેવાય ! આવા દિવ્ય સંવાદની અદ્દભૂત સ્મૃતિઓથી ભરેલો આજનો દિવસ આપણા સૌ માટે મહા મંગલકારી છે. ગુરૂના વચને, ગુરૂના વિશ્વાસે, ગુરૂની પ્રસન્નતાર્થે અને ગુરૂ ચરણે આપણા વિચાર, વાણી ને વર્તન વહ્યા જ કરે તેવી પ્રાર્થના.

 

(૩) તા.૯/૪/૧૮ પૂ.વસુબા ગાંધીની ત્રયોદશીની મહાપૂજા

 

ગુરૂહરિ પપ્પાજીના યુગકાર્યમાં અભિપ્રાયની ભક્તિ કરનાર મુંબઈનાં ચૈતન્ય માધ્યમ સ્વરૂપ પૂ.વસુબેન ગાંધીની ત્રયોદશીની મહાપૂજામાં સંકલ્પ – પ્રાર્થના સુમન

 

હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે ગુરૂહરિ કાકાજી મહારાજ ! હે સોનાબા ! હે દિવ્ય બેન ! હે જ્યોતિબેન ! હે તારાબેન ! હે દીદી ! હે દેવીબેન ! હે જસુબેન ! હે પદુબેન ! તથા સર્વે ગુણાતીત સ્વરૂપો…સર્વે સદ્દગુરૂ સ્વરૂપો

 

આજે સંવત ૨૦૭૪ વૈશાખ સુદ-ચોથ ગુરૂવારે અમારી ચૈતન્યજનની પૂ.વસુબાની ત્રયોદશી નિમિત્તે પ્રત્યક્ષ ધામ, ધામી, મુક્તોની મહાપૂજા સર્વ સ્વરૂપોના સાંનિધ્યે જ્યોત પપ્પાજી હૉલમાં કરાવીને પ્રભુ ચરણે પ્રાર્થના સુમન ધરીએ છીએ કે, પૂ.વસુબા પૂર્વનાં જ હતાં. વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યાં. પણ જ્યાં જૈન કુટુંબના અક્ષરમુક્ત પૂ.મહેન્દ્રભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયાં, ત્યારથી પ્રભુએ આ વિરલ આત્માને પારખી લીધો. ને બ્ર.સ્વ.યોગીજી મહારાજે મહેન્દ્રભાઈને કહ્યું કે, ‘એમને સોનાબા પાસે મોકલજો.’ આમ, ચૈતન્યદર્શી યોગીબાપાએ કૃપા કરી અને ગુરૂહરિ પપ્પાજી, બ્ર.સ્વ.સોનાબા સાથે આત્મીયતા કરાવી દીધી. પૂ.વસુબેને શૂરવીરતાથી સત્સંગમાં ડગ માંડ્યાં. સ્વામિનારાયણની નિષ્ઠા દ્રઢ થઈ. વિરોધની લહેરખી અલોપ થઈ ગઈ અને તારદેવમાં દિવ્યભાવની ર્દષ્ટિ સ્થિત થઈ. પપ્પાજી મહારાજ અને સંત સ્વરૂપ પૂ.તારાબેનનો ર્દઢ અનુભવ થતાં આત્મા જીવનો શિવ બન્યો. આદર્શ ગૃહસ્થ સંત સ્વરૂપ બન્યાં.

 

પૂર્વના સંસ્કાર હતા જ. એમની ર્દઢ સ્વરૂપનિષ્ઠા. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનના વચનને જીવન બનાવી દીધું. નિર્દોષબુધ્ધિ, માહાત્મ્યેયુક્ત સેવા, સ્મૃતિ, સ્વભજન ને પ્રભુના સિધ્ધાંતે જ વર્ત્યાં. એકદમ પ્રેમાળ, માયાળુ, દયાળુ ભક્તોની ભક્તિનો સેવાનો જ આનંદ અંતરમાં માણ્યો. સહુની ચૈતન્યજનની બનીને પ્રભુને પ્રસન્ન કરવાની રીત બતાવી. એક જ વાત. ખાવ, પીવો, આનંદ કરો. ગુરૂહરિ પપ્પાજી મારી સાથે છે. એ કેફ રાખીને વર્તો.

 

પૂ.વસુબેન અને પૂ.મહેન્દ્રભાઈએ પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.તારાબેન સર્વને રાજી કરી લીધાં. મહેન્દ્રભાઈએ પ.પૂ.હંસાદીદીને બેન બનાવી હતી. ગુરૂહરિ પપ્પાજીએ સ્વયં આ સંબંધ આપ્યો. તે વસુબેન અને તેમનાં બાળકો પણ એવા જ દિવ્યભાવે તેમની સાથે વર્તી રહ્યાં છે. આજે આપણા વસુબેન ને મહેન્દ્રભાઈએ ગુરૂહરિ પપ્પાજીને ચક્ચૂર રાજી કરી લીધા. એવું ભવ્ય સમર્પણ કર્યું. તેના ફળ સ્વરૂપે આપણે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ. પૂ.શોભનાબેન, પૂ.મીનાબેન, પૂ.અશ્વિનભાઈ, પૂ.સુરેશભાઈ, પૂ.કિશોરભાઈ, પૂ.ધરાબેન, પૂ.યોધેયભાઈ, પૂ.પાર્થભાઈ, પૂ.રશ્મિબેન, પૂ.વિવાન બધાં જ પ્રભુના સુખમાં અખંડ તરબોળ છે. એ પ્રતાપ આ દિવ્ય માવતરનો છે.

 

પૂ.વસુબા-પૂ.મહેન્દ્રભાઈની ભક્તિ તો ઘરમાં આવા કોહીનૂર હીરા પાક્યા. ધન્ય છે આ સર્વ એકાંતિક સ્વરૂપોને ! પ્રભુની શાન વધારી ! વસુબાના જીવનના મુખ્ય ગુણ – ધીરજ, પોતા તરફ જ ર્દષ્ટિ. સાધુતાના ઉત્તમ ગુણો. કોઈપણ પ્રકારની અપેક્ષા નહીં. ઉપેક્ષા નહીં. કેવળ ભક્તોની ભક્તિ કરી છૂટે. એમના સંબંધમાં જે આવ્યા તેમને ભગવાન આપ્યા. મુંબઈ મંડળમાં અનેક ચૈતન્યોને આધ્યાત્મિક માર્ગદર્શન આપી પ્રભુનો ને સ્વરૂપોનો, મુક્તોનો મહિમા સમજાવી પ્રગતિપંથે વાળ્યા. સહુને ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત પોતાના વર્તનથી સમજાવ્યો. આવો ઉત્તમ સંદેશ વસુબાએ આપણને આપ્યો. તેમના જીવનને કોટિ વંદન કરીએ છીએ. આવું અદ્દભૂત જીવન જીવી પરમ શાંતિ, સુખ માણતાં માણતાં પ્રભુ સમીપે બિરાજી ગયા.

 

હે વસુબા ! આપ જ્યાં પ્રગટ હો ત્યાંથી અમને આશીર્વાદ આપજો. જે આપે ચિંધેલા માર્ગ પર અમે પ્રભુને સેવાભક્તિ કરી આપણું ઋણ વર્તનથી ચૂકવીએ ને આપને ને મહેન્દ્રદાદાને પરમ શાંતિભરી અર્ધ્ય અર્પીએ. સહુ પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપોની પ્રસન્નતા પ્રાપ્ત કરી લઈએ. તેવા બળ, બુધ્ધિ, પ્રેરણા અર્પજો.

 

ગુણાતીત સમાજને અમને સહુને આપની ખોટ તો લાગશે જ. પણ આપ અખંડ અમારી સાથે રહેજો. જન્મોજન્મ આવા દિવ્ય માવતરની હૂંફ અમને મળે એ જ ભક્ત હ્રદયની પ્રાર્થના છે.

આજે આ મહાપૂજા કરી જે કંઈ વિધિ કરીએ છીએ તેનું ફળ સદાય પ્રભુ વસુબેનને અર્પો.

  

(૪) તા.૨૯/૪/૧૮ પ.પૂ.જશુબેન પ્રતિક તિથી ઉત્સવ

 

આજે વૈશાખ સુદ-૧૪. પ.પૂ.જશુબેનના શરણમ્ પર્વના ભાગરૂપે દર મહિનાની તિથી પ્રમાણે વિશેષ રીતે ઉજવણી કરીએ છીએ. એવી રીતે સભા સંચાલક પૂ.બકુબેન પટેલે આજે એક વિશેષ સભાનું આયોજન કર્યું હતું. તેમાં જ્યોતના જુદા જુદા પાંચ સ્મૃતિ સ્થાનકે સભા કરવાની રાખી હતી. તેમાં જુદી જુદી અટકવાળા બહેનોએ જુદી જુદી જગ્યાએ સભામાં જવાનું હતું. સભાનો સમય સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ નો હતો.

 

સભાની શરૂઆતમાં શ્ર્લોક, ત્યારબાદ પ.પૂ.જશુબેનનું બનાવેલું ભજન ‘સર્વસ્વ મારું જે માન્યું તે…’ અને ત્યારબાદ ૧૮ મિનિટ વાંચન કરવાનું. પ.પૂ.જસુબેનને સ્વાધ્યાય કરીએ તે ખૂબ ગમે. એટલે વાંચનમાં ગુરૂહરિ પપ્પાજીના પુસ્તકનું વાંચન કરવાનું રાખ્યું હતું. ત્યારબાદ જે જ્ગ્યાએ જે સદ્દગુરૂના સાંનિધ્યે સભા કરવાની હતી તે સદ્દગુરૂના આશીર્વાદ લીધા હતા. અને ત્યારબાદ બીજા બહેનોએ પણ અનુભવ દર્શન અને સ્મૃતિલાભ આપ્યો હતો.

 

ક થી જ સુધીના અટકવાળા બહેનોએ પપ્પાજી હૉલમાં પ.પૂ.જશુબેન તથા પૂ.હંસાબેન ગુણાતીતના સાંનિધ્યે સભા કરી હતી.

 

ઝ થી ન સુધીની અટકવાળાં બહેનોએ મંદિરમાં પૂ.દયાબેન તથા પૂ.મીનાબેન દોશીના સાંનિધ્યે સભા કરી હતી.

 

ટ થી મ સુધીની અટકવાળાં બહેનોએ પરિતોષ હૉલમાં પૂ.વીણાબેન તથા પૂ.ડૉ.નીલાબેનના સાંનિધ્યે સભા કરી હતી.

 

ર થી ઉ સુધીની અટકવાળાં બહેનોએ પંચામૃત હૉલમાં પૂ.તરૂબેન તથા પૂ.ડૉ.ભાવનાબેન શેઠના સાંનિધ્યે સભા કરી હતી.

 

૫ અટકધારી બહેનોએ સ્મૃતિ મંદિરમાં પૂ.રમીબેન તથા પૂ.મંજુબેન ઠક્કરના સાંનિધ્યે સભા કરી હતી.

 

આમ, ખૂબ ભક્તિભાવ પૂર્વક આજની સભાની પૂર્ણાહુતિ થઈ હતી.

આમ, ખૂબ પવિત્ર ઉત્સવો અને દિવ્ય સ્મૃતિઓ લઈને આવેલું આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !  રાજી રહેશો.

 

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ