16 to 30 Aug 2017 – Newsletter

IMG 4504 - Copy

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ કરીશું.

 

(૧) તા.૧૯-૨૦ ઑગષ્ટ પ.પૂ.દીદીનો ૮૦મો પ્રાગટ્ય દિન ગુરૂવંદના મહોત્સવ

 

૧૯૩૬ની ૨૦ જુલાઈએ એક દિવ્ય ઓજસવંતો આત્મા પૂ.શાંતાબેન ભગવતરાયને ત્યાં પ્રગટ્યો. જાણે એક વહેતી આધ્યાત્મિક ભક્તિ

અને શક્તિનું સર્જન. અંતરમાં પ્રકાશ થયો. મનના ઘાટ એવાને કહેવા જે ટાળે તેવા બળિયા હોય. એવા સમર્થ ગુરૂહરિ પપ્પાજીએ આ ચૈતન્યને અલખની વાટ દર્શાવી. પહેલેથી જ નિધડકપણે તારતમ્યતાએ માહાત્મ્ય સમજી, માહાત્મ્યની ઓથ લીધા વિના, સ્વધર્મેયુક્ત વિવેક ચૂક્યા વિના વર્ત્યા. ગુરૂહરિ પપ્પાજી કહે, મને એનું વર્તન અંતરમાં સ્પર્શી ગયું ને હા પડી ગઈ ને ‘ગુણાતીત જ્યોતના’ મહંત તરીકે વરણી થઈ.

 

મહાસાગરના બિંદુની માફક મહાસાગરમાં ભળી ગયાં. ૧૦૦% પતિવ્રતાની ભક્તિ. પ્રભુનું શરણું ગ્રહ્યું ને સમર્પણ કરવાની લગની વર્તને સૌરભ ફેલાવી. મળ્યું એ સહુને વહેંચવાનો જ આસ્વાદ. મોરનાં ઈંડા ચીતરવાં ન પડે, એનું દર્શન થઈ રહ્યું છે. ગુરૂહરિ પપ્પાજીએ પ્રસન્ન થતાં કહ્યું, ‘જ્યોત આપ જેવાના પ્રતાપે યાવતચંદ્રદિવા કરૌ રહેશે જ.’ એવાં પ.પૂ.દીદીના માર્ગદર્શન હેઠળ આ ગુણાતીત જ્યોતની શાન વધતી જ રહી છે. એનો યશ જાય છે દીદીને ! જ્યાં ડગ માંડે ત્યાં સ્નેહે ગૂંથાય ને ભક્તિની જ્યોત ઝળહળતી રહે. એવા પ.પૂ.દીદીને અનંત કોટિ કોટિ વંદન હો !

 

હે ગુરૂહરિ પપ્પાજી ! હે પ.પૂ.દીદી ! આપે આનંદ સભર આપેલું જ્ઞાન ‘હરિ ઈચ્છા સ્વીકાર’ તો અમ પર થાય હરિ કૃપા. આપનું નિત સૂત્ર ઉઠો, જાગો, ભાગો આજ ગુરૂવંદના પર્વે અમ સૌ માટે પ્રાર્થજો ગુરૂહરિ પપ્પાજીને !

પ.પૂ.દીદીના ૮૦મા પ્રાગટ્યદિનની ઉજવણી ‘ગુરૂવંદના મહોત્સવ’ રૂપે તા.૧૯-૨૦ ઑગષ્ટ જ્યોત પપ્પાજી હૉલમાં ભવ્યાતીભવ્ય રીતે થઈ.

 

 

દેશ-પરદેશથી ભક્તો પધાર્યા હતા. તથા ગુણાતીત સમાજના કેન્દ્રો પરથી વ્રતધારી બહેનો-વ્રતધારી ભાઈઓ ભક્તો સહિત પધારીને આ પર્વની ગરિમામાં વૃધ્ધિ કરી હતી.

 

ખૂબ પૂર્વ તૈયારી બહેનોએ મનન-ચિંતન સાથે કરી હતી. ભવ્ય ડેકોરેશન ! સ્વાગત પથ ! પ્રભુકૃપા મંદિરે તથા જ્યોત પ્રભુકૃપા પ્રાંગણમાં ગુરૂવંદના પર્વના મહિમાનો માહોલ ખડો થયો હતો. વળી, ઑડિયો વિભાગ તથા ગાયક-વાદ્યવૃંદના બહેનોએ પણ ભજનો અને નાનકડા પ્રોગ્રામની તૈયારી કરી હતી. તેમાં જ્યોતના નાના સોનાગ્રુપના બહેનોએ પ.પૂ.દીદીની પ્રસાદીની વાર્તા નાટ્યરૂપે રજૂ કરીને આનંદ સાથે પ.પૂ.દીદીના કથામૃતનો સાર “સાધનામાં જાગ્રતતારૂપી ઢાલ ધરવી” દર્શાવ્યો હતો. આમ, તા.૧૯/૮ના સાંજે ૩-૪ ડાન્સ અને નાટ્યથી સભાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સ્વરૂપો સ્ટેજ પર પધાર્યા અને ભાવાર્પણ, માહાત્મ્યગાન, અનુભવદર્શન પણ ખૂબ સરસ રીતે થયું હતું.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/19-08-17 P,P,DIDI SANSKRUTIK PRG{/gallery}

 

 

તા.૨૦/૮ના મુખ્ય સભા સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ હતી. પરંતુ સવારે ૮.૩૦ વાગ્યાથી પ.પૂ.દીદીનું ભવ્ય સ્વાગત બહેનોએ-ભક્તોએ ખૂબ આનંદ સાથે કર્યું હતું. સ્વાગત કરતાં કરતાં સ્ટેજ સુધી પધાર્યા. સ્ટેજના પડદા બંધ હતાં. બધા બહેન સ્વરૂપો પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.આનંદીદીદી, પ.પૂ.સુમનબેન, પ.પૂ.માધુરીબેન, પ.પૂ.જયશ્રીબેન પંચાલ ગુણાતીત સમાજના રીપ્રેઝન્ટેટીવ સંત બહેનો, કેન્દ્ર પરનાં બહેન સ્વરૂપો સ્ટેજ નજીક પ્રથમ લાઈનમાં બિરાજમાન થયાં. પડદો ખુલ્યા બાદ યુવતીઓએ સ્વાગત ડાન્સ સાથે હાર લઈને સ્ટેજ નીચે આવી સર્વે સ્વરૂપોને એક સાથે હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

 

 

ત્યારબાદ મોટેરાં સ્વરૂપો – મોટેરાં ભાઈઓ સ્ટેજ પર બિરાજમાન થયા અને સભા સંચાલક પૂ.બકુબેને પ.પૂ.દીદીના આઠ દાયકાની જીવનલીલા-સ્મૃતિ ચરિત્ર-સાધના તથા કાર્યની ગાથા પ્રભાવિત સ્વરમાં હ્રદય સ્પર્શી રીતે રજૂ કરી હતી. આખી સભાને થોડી જ પળમાં પ્રભાવિત કરી દીધી હતી. એક આધ્યાત્મિક માહોલ ખડો થયો હતો. એ મહોલના ભાવમાં આખી સભા થઈ ગઈ. પ્રારંભથી જાણે પપ્પાજી પધારી ગયા હોય તેવો દિવ્ય આનંદ અંતરમાં સહુનેય અનુભવાતો હતો. તે આનંદમાં જે ભક્તોને ભાવ અર્પણ કરવાનો ચાન્સ મણ્યો તેઓએ આ જ ભાવમાં ઉમંગમાં ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદી સાંનિધ્યે જઈ ભાવ અર્પણ કર્યો હતો. તો કોઈ મુક્તોને વાણી દ્વારા માહાત્મ્યગાન, અનુભવ પ્રસંગ રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ એ જ ભાવ હેઠળ વક્તવ્ય રજૂ કર્યું હતું. પરંતુ બાકીના દરેક મુક્તોએ તો મનોમન અંતરથી સ્ટેજ પર આવી ભાવાર્પણ અને અનુભવદર્શનની વાત ગુંજતા ગુંજતા સભા પૂરી કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/20-08-17 P.P.DIDI 80TH PRAGTYADIN SABHA{/gallery}

 

 

રસોડા વિભાગના મુક્તોએ ગુરૂહરિ પપ્પાજીનાં ભાવે થાળ તૈયાર કરેલ. એકોએક મુક્તોએ સંપ, સુહ્રદભાવ અને એકતાથી જે સેવા ભાગે આવી તે મહિમાથી કરી લઈને માહાત્મ્યભર્યો આનંદ અંતરમાં અનુભવ્યો હતો. ‘ઘરે બેઠા ગંગા’ – આજના સમૈયાનું લાઈવ દર્શન વેબસાઈટ પર દેશ-પરદેશમાં સહુએ માણ્યું હતું તેથી અહીં વિરમું છું.

 

(૨) તા.૨૧/૮/૧૬ હીરક મહેરામણ મહોત્સવ

 

આજે રાત્રે ૮.૩૦ થી ૧૧.૦૦ જ્યોતના ૧૧ બહેનોની હીરક જયંતિ સમૂહમાં ભવ્ય ડેકોરેશનમાં ઉજવી હતી.

૧. પૂ.સ્મૃતિબેન દવે ૨.પૂ.હરણાબેન દવે ૩.પૂ.ભાવનાબેન શાહ ૪.પૂ.બકુબેન પટેલ ૫.પૂ.શારદાબેન માવદીયા ૬.પૂ.હંસાબેન માવદીયા ૭.પૂ.રંજનબેન પટેલ ૮.પૂ.કમુબેન પટેલ

૯.પૂ.લક્ષ્મીબેન ચેલાણી ૧૦.પૂ.ચંદાબેન પટેલ (લંડન) ૧૧.પૂ.પ્રતિમાબેન વાઘેલા

 

 

આ વર્ષ દરમ્યાન જે બહેનોને ૬૦ વર્ષ પૂરાં થાય છે તેવાં આ ૧૧ બહેનોની હીરક જયંતિ પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના સાંનિધ્યે ઉજવી હતી. ૫-બહેનોનું મહિમાગાન પૂ.હંસાબેન ગુણાતીતે કર્યું હતું. અને ૫-બહેનોનું મહિમાગાન પૂ.મનીબેને કર્યું હતું.

 

 

ઓહોહો ! સ્વામિની પ્ર.૧લાની ૧લી વાત મુજબ જ્યાં મહિમાગાન થાય ત્યાં અંતરમાં દિવ્ય આનંદ આવે. કારણ મહિમા ગવાય ત્યાં સાક્ષાત્ પ્રભુ પોતાના ધામ સહિત બિરાજમાન થઈ જતા હોય છે. એ બ્રહ્મનો આનંદ આજે સહુ બહેનોએ અનુભવ્યો હતો. જ્યોત એ ખરેખર પૃથ્વી પરનું અક્ષરધામ છે. જેમાં બહેનો સાથીદાર બહેનોનો મહિમા દિલથી ગાઈ શકે છે. આ છે પૃથ્વી પરનું ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય. કોટિ વંદન ગુરૂહરિ પપ્પાજીને તથા અક્ષરધામમાંથી સાથે લઈને આવેલ એવા ગુણાતીત સંત સદ્દગુરૂ સ્વરૂપોને !

{gallery}images_in_articles//newsletter/2017/Aug/21-08-17 HIRAK MEHRAMAN UTSAV{/gallery}

 

 

એક એક બહેનોના મહિમાનું ગાન – તેઓના માત-પિતાનો સાથ ! બહેન ભજવા આવી ત્યારથી સેવા-ભજન-સ્વાધ્યાય કરી કેવી રીતે પ્રાપ્તિને પામી ગયા ! કેવું મનનું અમન કર્યું. સમન કરી ગુરૂ-ગુરૂહરિના કાર્યમાં સહભાગી બની જીવી રહ્યાં છે વગેરે. આખો જીવનવૃત્તાંત દરેક બહેનનો કહ્યો. ગુરૂહરિ પપ્પાજી કહેતા એમ જેટલા સાધકો એટલા રસ્તા. સહુ પોતપોતાના અંગે સાધના કરી પ્રભુ ભણી પ્રયત્ન કરી જ રહ્યા છે. આ જ્યોતમાં રહી ૬૦ વર્ષની વયે પહોંચ્યા એ બતાવે છે કે પરમ ભાગવત સંત બની જ ગયા. ગુરૂહરિ પપ્પાજી પણ એવું જ કહેતા. જેની હાજરી પણ નોંધાણી નથી એવા છૂપા હીરાઓ આ જ્યોતમાં છે. તેવા હીરાઓની હીરક જયંતિનો લાભ લઈ સહુ બહેનોએ ધન્યતા અનુભવી હતી.

એ બહેનોને મોટેરાંના હસ્તે સ્મૃતિભેટ અર્પણ કરી ! કેક, હાર નાના બહેનોએ આ બહેનોને અર્પણ કરી આનંદ માણ્યો હતો.

 

 

અંતમાં પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. સભામાં બેઠેલાં બધાં બહેનો આ ૧૧ બહેનોની સાથે રહી સાધના કરેલાં અનુભવી બહેનો હતાં. તેથી તેઓને થાય કે હું પણ આ વાત સ્ટેજ પર જઈને કહી આવું. કોઈએ એવું કરે નહીં. આમ, સભાનો સમય ઓછો પડ્યો. એ જ બતાવે છે કે જ્યોત પૃથ્વી પરનું અક્ષરધામ છે. જ્યોત પ્રણેતા એવા ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !

 

 

(૩) તા.૨૪/૮/૧૭

 

 

આજે બહેનોની મંગલ સભામાં પ.પૂ.દીદીના ૮૦મા પ્રાગટ્યદિનની બાકી રહેલી માહાત્મ્યગાનની વારી લીધી હતી. તેમાં સહુ પ્રથમ પૂ.નંદાબેન અમેરિકાથી પ.પૂ.દીદીના પ્રાગટ્યપર્વે ૯ લાખ ૪૭ હજાર સ્વામિનારાયણ મંત્રનું લેખન નોકરી, ઘર સંભાળ સાથે કરીને લાવેલા તે મંત્રપોથી શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીના ચરણે અર્પણ કરી. ત્યારબાદ અનુભવ દર્શન કરાવ્યું. પ.પૂ.દીદીને પ્રભુ માનીને ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીના થઈને પરદેશની ધરતી પર જીવે છે. એવાં પૂ.નંદાબેન અને તેનાં બે બહેનો પૂ.સુજાતાબેન, પૂ.સીમાબેન ત્રણેય બહેનોએ ખૂબ મહિમાભાવથી પ.પૂ.દીદીના અનુભવ પ્રસંગ સાથે પ.પૂ.દીદીનું મહિમાગાન કર્યું. પૂ.ડૉ.રેણુબેન, પૂ.કલાબેન સાકરિયાએ પણ ખૂબ સરસ માહાત્મ્યગાન અને અનુભવ દર્શન કરાવ્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/24-08-17 P.P.DIDI PRAGTYA DIN{/gallery}

 

 

(૪) તા.૨૭/૮/૧૭ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુ ભૂતિદિન

 

 

પ્રત્યક્ષ પ્રભુની અનહદ કૃપાનું અવતરણ એટલે જ આ પ્રાપ્તિ ! આવા ગુરૂ મળ્યા ને એમાં સમાયા એ જ વિશેષ કૃપા. ધન્ય બની ગયા દેશ-પરદેશ સહુ ભક્તો.

દેવી નામના શબ્દ ને દર્શનમાં અપાર પવિત્રતા, દિવ્યતા ને ભવ્યતા અંતરને સ્પર્શે. એ જ દિવ્ય દેવી પ્રખર બુધ્ધિશાળી છતાં મુક્તો સંગે સહજ વર્તન, ગહન અકળ મૂર્તિ.

 

 

એ જ દિવ્ય દેવી પોતાના ગુણ ને મોટપને છૂપાવવા ને બીજાના ગુણને આગળ કરવાની કારગત એ જ દિવ્ય દેવી હસતાં-રમતાં, ગમ્મત કરી, દિલથી કરગરી પ્રભુની પ્રભુતા છતરાઈ કરે એ જ દિવ્ય દેવી.

 

એવા પપ્પાજીના ધારક દેવીબેને સૌના ય હ્રદયમાં સ્થાન લીધું ને પપ્પાજીના કાર્યને વહેતું રાખ્યું. ને શબ્દ સૂર વહાવ્યાં, ‘તમને પરમ ભાગવત સંત બનાવ્યા વગર અમે જવાના નથી.’ એની તો ઐસી કે તૈસી એજ દર્શાવે છે કે આપણે કેવા નસીબવંતા ! આવા ગુરૂ ક્યાંથી ? આવું કહેનારા ક્યાંથી ! પ્રાર્થીએ આવા ગુરૂ પાસે હારી જઈ જે વચન કહે તે સ્નેહે સ્વીકારી એમાં શંકા લાવ્યા વગર હે ગુરૂહરિ પપ્પાજી આપને રાજી કરી લઈએ.

{gallery}images_in_articles/newsletter/2017/Aug/27-08-17 P.P.DEVIBEN SWARUPANUBHUTIDIN{/gallery}

 

 

આજે પ.પૂ.દેવીબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી જ્યોતમાં પપ્પાજી હૉલમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ બહેનોની સભામાં કરી હતી.

સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા ! ‘સાત જડકોટિ પરની આ જ્યોતની છે જ્વાલા’ એ ભજન ઉપર ગુરૂહરિ પપ્પાજીએ લાભ આપ્યો.

અનુભવ દર્શન પૂ.દક્ષાબેન તૈલી (ગુણાતીત જ્યોત)

 

 

પ.પૂ.દેવીબેને સંબંધવાળા ચૈતન્યોને પ્રત્યક્ષ પ્રભુ જીવમાં આપ્યા છે. અને તેમની સેવા કરાવી, જગત ખેરવી નાખ્યું છે. પૂ.દક્ષાબેનને પ.પૂ.દેવીબેને ગુરૂહરિ પપ્પાજીની એક મૂર્તિ પોસ્ટમાં લંડન મોકલી હતી. અને લખી આપ્યું હતું કે, ‘તને કાંઈ પણ મુશ્કેલી આવે તો આ મૂર્તિને પ્રાર્થના કરજે.’ નાની-મોટી દરેક બાબતમાં ગુરૂહરિ પપ્પાજીએ મારી પ્રાર્થના સાંભળે અને કામ કર્યું છે. હું લંડન હતી ત્યારે પૂ.હંસાબાએ ગુરૂહરિ પપ્પાજી માટે ક્રીમ સ્વેટર મોકલ્યું. પ.પૂ.દેવીબેને મને કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજી માટે વ્હાઈટ મફલર ગૂંથીને મોકલજે. મેં મોકલ્યું. પ.પૂ.દેવીબેનનો ફોન આવ્યો કે, સ્વેટર તો ક્રીમ છે. માટે વ્હાઈટ સ્વેટર મોકલજે. અમે બધે તપાસ કરી પણ મળે નહીં. ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને પ્રાર્થના કરતી હતી કે, પપ્પાજી તમારા માટે વ્હાઈટ સ્વેટર તમો જ આખા લંડનમાં જ્યાં હોય ત્યાં મને લઈ જાવ અને શોધી આપો. બહુ ફરી અંતે ગુરૂહરિ પપ્પાજીની સાઈઝનું વ્હાઈટ સ્વેટર એક શોપમાં મળી ગયું. આમ, પ.પૂ.દેવીબેને ગુરૂહરિ પપ્પાજીનું ચિંત્વન કરાવ્યું. પ્રાર્થના કરતી કરી દીધી. તો ગુરૂહરિ પપ્પાજી ! પ.પૂ.દેવીબેનને ગમે છે તેમ નાના-મોટા સંબંધવાળામાં ગુરૂહરિ પપ્પાજીનું દર્શન કરીએ.

 

 

પ.પૂ.દીદીના આશીર્વાદ : ગુરૂહરિ પપ્પાજીએ પોતાનું સર્વસ્વ યોગીજી મહારાજના ચરણે મૂકી દીધું. બહેનોને ભગવાન ભજાવવાનું મોટું કાર્ય ગુરૂહરિ પપ્પાજીનું હતું. જેની શરૂઆત તારદેવમાં થઈ. પ.પૂ.દેવીબેનના બા ચંચળબા ખૂબ બુધ્ધિશાળી ! તેમણે પ.પૂ.દેવીબેનને તારદેવ જતા કર્યા. ગુરૂહરિ પપ્પાજીને ચૈતન્યનું દર્શન હતું. પ.પૂ.દેવીબેને ગુરૂહરિ પપ્પાજીમાં ભગવાનનાં દર્શન કર્યાં. માન્યા પછી એમનું વચન શિર સાટે પાળ્યું છે. તારદેવ રહેવા આવ્યાં. સેવાની ખૂબ ગરજ રાખી નાનામાં નાની સેવા કરી લેતાં. ગુરૂહરિ પપ્પાજીનું સૂત્ર છે. ‘ગરજુ થઈ સેવા કરો, દિવ્યભાવ રાખી ખમો.’ એ આદર્શ પ.પૂ.દેવીબેને રાખ્યો. એવું આદર્શ જીવન પ.પૂ.દેવીબેનનું છે. કાંઈપણ કર્યા વગર પમાતું નથી. કાંઈપણ મૂક્યા વગર મળતું નથી. તારદેવના ઘરમાં પ.પૂ.દેવીબેને નક્કી કર્યું કે, “હું આ ઘરની દાસી છું.” અને એ રીતે જ પળેપળનું જીવન જીવ્યાં છે. જેમ જેમ પ્રાપ્તિ થતી જાય છે, તેમ તેમ ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્ય સમજાતું જાય છે. “હું શું છું ? એના કરતાં મારે શું બનવાનું છે.” એ તરફ લક્ષ રાખીએ.

 

 

સભાના અંતમાં પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.જશુબેન કહે છે કે, આપણે ખૂબ ખૂબ નસીબદાર છીએ. એ સાચી વાત છે. સ્વરૂપની ર્દષ્ટિમાં આવ્યા પછી એનો સંકલ્પ જ કામ કરે છે. ખાવ-પીવો, આનંદ કરો, પણ મારા સંબંધવાળાનું જોશો નહીં. સંબંધવાળાનું માહાત્મ્ય સમજીએ. એન પ.પૂ.સ્વામીજી કહે છે તેમ પટલાઈ ના કરીએ, મેળે માવજીભાઈ ના થઈએ. ગુરૂહરિ પપ્પાજીને બધાનું બધું દેખાય છે. જોનારા અને ટાળનારા એ છે. ઉત્તમ જોગ આપ્યો છે. તો ગુરૂહરિ પપ્પાજીને ચકચૂર રાજી કરી લઈએ. હે ગુરૂહરિ પપ્પાજી ! તમને ગમે એવા જ વિચાર, વાણી, વર્તન કરીએ એવું બળ આપજો.

 

પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યદિનનો સમૈયો ગુરૂભક્તિ મહોત્સવ આ વર્ષે તા.૨૫, ૨૬ નવે. ૨૦૧૭ શનિ-રવિ જાહેર રીતે ઉજવવાના હોય ! તેથી આજે સ્થાનિક રીતે ઉજવણી જ્યોતનાં બહેનો પૂરતી થઈ હતી.

 

(૫) તા.૨૮/૮/૧૭

 

 

પ.પૂ.દેવીબેનના સ્વરૂપાનુભૂતિદિન નિમિત્તે જ્યોતનાં બહેનોને વિશેષ મહાપ્રસાદ જમાડવાનો ભાવ પૂ.સીમાભાભી (પાર્લા) અને ગ્રુપનાં બહેનોને થયો. ખૂબ માહાત્મ્ય ! હોંશ સાથે પપ્પાજી હૉલમાં મહાપ્રસાદ વ્યવસ્થા તે બહેનોએ કરી. જમવાની આઈટમ પણ જાતે રાત જાગીને તૈયાર કરી અને તા.૨૮/૮ના સોમવાર સાંજે અદ્દભૂત ભોજન સમારંભ ગોઠવ્યો. બહેનોએ પ.પૂ.દેવીબેન અને સ્વરૂપોનું બેન્ડવાજા સાથે સ્વાગત કર્યું. સ્વરૂપો સ્ટેજ પર બિરાજમાન થયાં. બહેનોએ પોતાના સ્થાને બેસી ટી.વી સ્ક્રીન પર ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દેવીબેનના સમૈયાની સ્મૃતિ દર્શન કરતાં કરતાં મહાપ્રસાદ લેવાનો અલૌકિક આનંદ માણ્યો. પ.પૂ.દેવીબેન એક એક બહેનને તેમના ટેબલ પર જઈને મળ્યાં. ખૂબ આનંદ કરાવ્યો.

 

આમ, પ.પૂ.દીદીનો ગુરૂવંદના મહોત્સવ અને પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિનના સમૈયા લઈને આવેલું આ પખવાડિયું ખૂબ ભક્તિ સભર અને આનંદ સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! ફરી મળીશું ગુરૂહરિ પપ્પાજીના ૧૦૧મા પ્રાગટ્યદિનની સ્મૃતિ સાથે. રાજી રહેજો.

 

 

                                                            એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !