16 to 30 Nov 2014 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય,  ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ

આજે અહીં આપણે ૧૬/૧૧/૧૪ થી ૩૦/૧૧/૧૪ દરમ્યાન જ્યોતમાં તથા જ્યોતશાખામાં થયેલ વિશેષ આયોજન સમૈયાની સ્મૃતિ માણીશું.

GKP 3748

 

(૧) તા.૧૬/૧૧/૧૪ ના પૂ.ઈન્દુબેન દરબારનો સુવર્ણ સાક્ષાત્કારદિનનો સમૈયો વિદ્યાનગર ખાતે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ની બહેનોની સભામાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો.

પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પ.પૂ.પદુબેનના સાંનિધ્યે બહેનોએ આનંદ સાથે સભાનો લાભ લીધો હતો. તે સ્મૃતિ દર્શન ત્યારે આપ સહુએ વેબસાઈટ પર કર્યાં હશે. તેથી અહીં વિરમું છું.

(૨) તા.૧૯/૧૧/૧૪ ગણેશપુરી સંકલ્પ સ્મૃતિદિન

ગુરૂહરિ પપ્પાજીએ ઈ.સ.૧૯૬૩માં ૧૯ નવેમ્બરે ગણેશપુરીમાં શિબિર કરી હતી. તારદેવ ભગવાન ભજવા આવેલાં બહેનો અને મુંબઈના ગૃહસ્થ અક્ષરમુક્તો તેઓના બાળકો સાથે આ શિબિરમાં આવેલા. ભગવાન ભજવા અને ભજાવવાનો સહુ પ્રથમ સંકલ્પ આ શિબિરમાં ૧૯ નવેમ્બરના રોજ કરાવેલો.

સંકલ્પ સ્મૃતિદિન તરીકે આ દિવસને ગુરૂહરિ પપ્પાજી દર વર્ષે ઉજવાવે. ઈ.સ.૧૯૭૭ની ઉભરાટની ભવ્ય શિબિર પણ આ જ દિવસે કરી હતી. તે સ્મૃતિ સાથે આજે જ્યોતનાં બહેનોની શિબિર પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના સાંનિધ્યમાં રાખી હતી. તેઓએ આશિષ લાભ આપ્યો હતો. તથા

બહેનોમાંથી આધ્યાત્મિક ગ્રુપવાઈઝ એક એક બહેનની એમ કુલ ૧૦ બહેનોની વારી પણ રાખી હતી. સવાર-સાંજ બે સભા પંચામૃત હૉલમાં થઈ હતી. સભા પ્રારંભે ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત પરાવાણીનો લાભ લીધો હતો. ૧૯ નવેમ્બરે ગણેશપુરીમાં સરસ પ્રોગ્રામ થઈ ગયો. સર્વોપરી પુરૂષોત્તમ નારાયણનું સ્વરૂપ યોગીજી મહારાજ હતા. એમના સંકલ્પે આ શિબિર ગોઠવાઈ. ગણેશપુરીમાં મોટો સભાખંડ હતો. ત્યાં સભા કરતા. ૨૦૦મુક્તોએ સંકલ્પ કર્યો. તે બધા આજે એકાંતિક થઈ ગયા. મિસાઈલ મૂકીને સત્પુરૂષ સેવતા હોય છે. એવું યોગીજી મહારાજે ગણત્રીબંધ કામ કર્યું છે. એમના જેવાં સ્વરૂપો તૈયાર કર્યાં છે. પાંચ હજાર માઈલ દૂર હોય તોય એવા સંકલ્પ મિસાઈલ સદ્દગુરૂઓ છોડે છે કે જ્યાં હોઈએ ત્યાં બળ મળી જાય.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/19-11-14 jyot shibir sabha/{/gallery}

એવા ગુણાતીત સ્વરૂપનું માહાત્મ્ય ઉગાડીએ. એવા સ્વરૂપને ઓળખવું અશક્ય છે. એવા સ્વરૂપની ર્દષ્ટિરૂપી કિરણોથી કારણ દેહ બળી જાય છે. એવા ગુણાતીત સ્વરૂપોની ર્દષ્ટિથી, વૃત્તિથી અને પાંખમાં રાખીને સેવે છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આપણને ક્યાં ખબર છે કે આપણું નિયંત્રણ કોણ કરી રહ્યું છે. કઠપૂતળીને ચલાવનાર બીજો કોઈ છે. એ આપણને ખબર પડી ગઈ. એવા એક ધ્યેયવાળા આવા મુક્તો સાથે રહેવાનું મળ્યું ! આવો જોગ બાપાએ ઉભો કર્યો. અંતરમાં આ પ્રાપ્તિનો કેફ રહ્યા કરે. મસ્તી રહ્યા કરે. મળ્યા છે તે પૂર્ણ છે ને પૂર્ણ કરીને મૂકવાના છે.

આમ, શિબિરનો પ્રારંભ ગુરૂહરિ પપ્પાજીના સ્વર અને બળભરી પરાવાણીથી થયો હતો. આખો દિવસ કથાવાર્તા-ભજન સાથે શિબિર કર્યાનો બ્રહ્માનંદ માણ્યો હતો. જાણે ગુરૂહરિ પપ્પાજી અખંડ હાજર હોય ! એવા ભર્યા ભર્યા હૈયે દિવ્ય વાતાવરણમાં શિબિર થઈ હતી.

(૩) તા.૧૯/૧૧/૧૪ પૂ.ઉપેન્દ્રજીવનદાસ (પૂ.કોઠારી સ્વામી) અક્ષરધામ ગમન

સાંકરદા મંદિરના પૂ.કોઠારી સ્વામી આજ રોજ મંગલ પ્રભાતે અક્ષરધામ નિવાસી થયા છે. ગુણાતીત સમાજના પાયાના સંતોમાંના આ જૂના જોગી કે જેમને યુવા વયે યોગીબાપાના ૫૧ સાધુ થવામાં ઝંપલાવ્યું. માણાવદર ગામના એ નવયુવકે ૧૯૬૧માં પ.પૂ.કાકાશ્રીના પડકારે સાધુ થનાર ગ્રુપમાં ઝંપલાવ્યું. પ્રથમ સંતોમાંના સાધુ હતા. મુંબઈમાં પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજીનો સમાગમ કર્યો. સાધુતાના ગુણ નિર્દોષબુધ્ધિ પામ્યા. સારધાર સાધુતા નિભાવી. યોગીબાપાના આશીર્વાદ હતા કે, “સાધુ થવામાં જેમણે જેમણે હા પડી તેને દેહભાવથી ખાલી પણ હું કરીશ અને બ્રહ્મરસ પણ હું પૂરીશ.” અને ખરેખર એવું જ થયું. વળી, ગુરૂહરિ પપ્પાજીએ આ સંતોને કહેલું કે, “આ જોગીની ઓઢાડેલી ચૂંદડી ક્યારેય ઉતારશો નહીં.”

{gallery}images_in_articles//newsletter/2014/Nov/19-11-14 P.Kothari Swamin akshardham gaman/{/gallery}

એ બંને આજ્ઞા અને આશીર્વાદ પ્રમાણે જોગમાં પડી રહ્યા. માહાત્મ્ય સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીની નિશ્રામાં રહ્યા. જગતને  સમજમાં ના આવે તેવી પ્રાપ્તિ, સ્વના જાણપણા વગરનું જે જીવન ! તેવું દિવ્ય જીવન જીવી ગયા. જૂની મોટી બિમારીમાં  દેહાતીત રહ્યા. છેલ્લે ટૂંકા સમયની દેહની બિમારીમાં ભક્તિમય રહ્યા. ૧૯ નવે.ના દિને મંદિરમાં મહાપૂજામાં છેલ્લી હાજરી આપી આરામમાં જતાં પહેલાં પલંગમાં બેસીને જ્યુસનો ગ્લાસ પીતાં પીતાં એક જ મિનિટમાં પ્રભુ સમીપે પહોંચી ગયા. અક્ષરધામરૂપ તો છતીદેહે હતા અને અક્ષરધામ નિવાસી થયા. તેમના પાર્થિવ દેહની અંતિમવિધિ બીજા દિવસે તા.૨૦/૧૧ ના રોજ પ્રથમ પૂજનવિધિ સાંકરદા અને પછી હરિધામ સવારે રાખી હતી. અખિલ ગુણાતીત સમાજના સંતો હરિધામ પધાર્યા. પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજી, બ્રહ્મ જ્યોતિથી પ.પૂ.સાહેબજી, સમઢિયાળાથી પૂ.નિર્મળ સ્વામિજી અને સંતો, દિલ્હીથી પ.પૂ.ગુરૂજી, બ્રહ્મ જ્યોતિ, વિદ્યાનગર, તારદેવથી સંત ભાઈઓ અને સમગ્ર સમાજના હરિભક્તો પધાર્યા અને તેઓના સાંનિધ્યે આ જોગીના સાધુની અંતિમવિધિ ખૂબ દિવ્ય રીતે થઈ હતી.

તા.૧/૧૨ના રોજ સાંકરદા મંદિરે પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજીના સાંનિધ્યે અખિલ ગુણાતીત સમાજના ચારેય પાંખાળા મુક્તોએ ભેગા મળી મહાપૂજા, ભજન સાથે મહિમાગાનની સભા કરી હતી. આમ, પ.પૂ.કોઠારી સ્વામિને અંજલિ અર્પણ કરીને તેમના આદર્શ જીવનને અનુસરવાની ભાવના-પ્રાર્થના કરી હતી.

(૪) તા.૨૧/૧૧/૧૪ જ્યોતમાં સવાર/સાંજ જે સભા કથાવાર્તા થાય. તેમાં આજે પ.પૂ.દીદીએ લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે એક વાર્તા થતી તે વાર્તા આજે પ.પૂ.દીદીએ કરી હતી. જે આ મહિનામાં કથાવાર્તાના સારરૂપ અહીં આપણે માણીએ. બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી એ આપણું ધ્યેય છે. એ ધ્યેયને અનુરૂપ વાત કરીને આ વાર્તા કરી.

એક ગામ હતું. તે ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર નહોતું. લગ્ન, જન્મ, મરણ, જનોઈ જેવા પ્રસંગે બ્રાહ્મણ આવતા. એ બ્રાહ્મણને બ્રાહ્મણના ઘરે જ જમવાનું રાખવાનું હોય. બીજા કોઈનેય ત્યાં બ્રાહ્મણથી ના જમાય. એવા વર્ણાશ્રમના ધર્મ હતા. આ ગામમાં બ્રાહ્મણનું ઘર નહીં તો કરવું શું? ગામનું પંચ ભેગું થયું. નિર્ણય કર્યો કે ગામમાં એક કોળી બાઈ હતી એને બ્રાહ્મણ કરી દઈએ. એ બાઈને કહ્યું તું બ્રાહ્મણ થા ! એ બાઈએ ના પાડી. ના માની ! પછી એને બહુ મારી. મારી મારીને બોલાવ્યું, ‘હું બ્રાહ્મણ છું.’ એને જુદું ઘર આપ્યું. તુલસી ક્યારો બનાવી આપ્યો. તેને પેલી બાઈનું ઘર બતાવ્યું  કે ત્યાં જમવા જાવ. બાઈએ રસોઈ બનાવી. બ્રાહ્મણને જમવા બેસાડ્યો. પછી બાઈએ પૂછ્યું, ભાઈ ! તને બ્રાહ્મણ બનવામાં કેટલો માર પડ્યો ને તું બ્રાહ્મણ બન્યો ? બ્રાહ્મણ કહે એટલે શું માજી ? પેલી બાઈ કહે, મને તો મારી મારીને બ્રાહ્મણી બનાવી. એ આખી વાત કરી. બ્રાહ્મણ તો ઉભો જ થઈ ગયો ! એમ આપણે જન્મે બ્રહ્મરૂપ નથી. બ્રહ્મરૂપ આખું તંત્ર કરવું છે. પરબ્રહ્મ આપણામાં બિરાજમાન છે. તેને અખંડ આપણામાં નિવાસ કરીને રહે. બ્રહ્મ સ્વરૂપે વર્તવા માટે જાગ્રતતા રાખીએ. બ્રહ્મપણાનો આનંદ અખંડ રાખીએ. એ ક્યારેય મોળો ના પડે. ગુરૂહરિ પપ્પાજીને આ કરાવવું છે. તે માટે ખૂબ બળ આપે તેવી પ્રાર્થના.

(૫) તા.૨૩/૧૧/૧૪ પ.પૂ.તારાબેન સ્વરૂપ પૂ.મીનાબેન ગાંધીની હીરક જયંતી

આજે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં પૂ.મીનાબેન ગાંધીની હીરક જયંતીની ઉજવણી ખૂબ ભવ્ય રીતે થઈ હતી. સહુ પ્રથમ સ્વાગત થયું હતું. સ્વાગત પથ બહેનોએ સુંદર બનાવ્યો હતો. ‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એ સિધ્ધાંતે પૂ.મીનાબેન પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન પાયલાગણ કરી પૂ.તારાબેન સ્વરૂપે પ.પૂ.જ્યોતિબેનના સંગે સ્વાગત પથ પરથી સભાખંડમાં પધાર્યાં. સહુ સ્વરૂપોનું સ્વાગત થયું. પૂ.મીનાબેને ગુરૂહરિ પપ્પાજીને, ગુરૂ પ.પૂ.તારાબેનને પુષ્પહાર ગદ્દગદ્દિત હૈયે અર્પણ કર્યાં. સહુ સ્વરૂપોને હારમાળા અર્પણ કરી. જાણે સાક્ષાત ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેન આ સ્વાગત સ્વીકારીને પધારી ગયા હોય તેવી દિવ્યતાની અનુભૂતિ સહુ કોઈને થઈ હતી. આખું વાતાવરણ દિવ્યતાસભર ભાવસભર બની ગયું હતું.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/23-11-14 P.Minaben hirak jayanti/{/gallery}

પૂ.મીનાબેન ગાંધીના ગુણાનુગાન ગવાયા. ગુરૂહરિ પપ્પાજી, પૂ.તારાબેનનો વિજયદિન કહેતાં  આજે ઉજવાઈ રહ્યો છે. પૂ.મીનાબેનનું આખું જીવન દર્શન એક યા બીજી રીતે ભજન, ડાન્સ અને મહિમાગાનની વારીમાં રજૂ થયું. ‘તે પાઘડીનો વળ છેડે’ તેમ આ કાર્ય કરનાર અને પ્રેરણા દેનાર ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનના કાર્યની જ વાતો થઈ ! પૂ.મીનાબેન ખરેખર એવા દાસત્વભાવે જીવી રહ્યાં છે. ગુરૂ અને ગુરૂહરિની એકધારી સ્વરૂપનિષ્ઠાની ર્દઢતા અને વફાદારી અને ખાનદાની એ એમનાં પુષ્પ ગુચ્છ છે. જો કે પૂ.મીનાબેન ખરેખર પૂર્વનું જ ચૈતન્ય ! તેથી તો પ્રત્યક્ષની નિષ્ઠાવાળા સમર્પિત માતા-પિતા પૂ.વસુબા અને પૂ.મહેન્દ્રભાઈના ઘરે પૂ.મીનાબેનને પ્રભુએ મૂક્યાં. જેથી નાનપણથી પ્રત્યક્ષની નિષ્ઠાનાં જ બી પૂ.મીનાબેનમાં રોપાયા ! નાના છોડને જેમ વાળીએ તેમ વળી જાય. પૂ.મીનાબેનને પ્રભુ પંથે માતા-પિતાએ શિક્ષા આપીને વાળ્યાં. પૂર્વના અક્ષરમુક્ત પૂ.મીનાબેને નાનપણમાં જ ગુરૂહરિ પપ્પાજીને કહ્યું કે, “મેં તો કોરા કાગળે મત્તું માર્યું છે.” આ વાક્ય ગુરૂહરિ પપ્પાજી ઘણી વાર એમની વાતમાં સંભારતા. તેજસ્વી પ્રતિભાશાળી પૂ.મીનાબેને પૂ.તારાબેનનો સાચા અર્થમાં સમાગમ કર્યો છે. એમના રાજીપાનું પાત્ર બની રહ્યાં. તારા-મીનાની આત્માની અજોડ પ્રીતિ હતી. માછલીને જેમ જળ જીવન તેમ પૂ.મીનાબેનનું જીવન પૂ.તારાબેન હતાં. અંતેવાસી સેવક બનીને છેક સુધીની પૂ.તારાબેનની સેવા ભક્તિ પૂ.મીનાબેને કરી છે. તેની સેવા અને ખાનદાની જોઈને બહારના ડૉક્ટરોને પણ ખૂબ ગુણ આવ્યો હતો. એવાં પૂ.મીનાબેનના અનેક ગુણોનું દર્શન આજની સભામાં અનુભવી મુક્તોએ કરાવ્યું હતું. તથા પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી વગેરે મોટેરાં સ્વરૂપોએ આજે પૂ.મીનાબેન વિષે વાત કરીને રાજીપા સાથે આશીર્વાદ આપ્યા હતા. ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા. જેમાં ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, મીનાએ બે હાથ જોડી કહે તેમ કર્યું તો અત્યારે કેટલાય જીવોને ટાઢું કરી આપે એવી પારસથી પારસ થઈ ગઈ. જોગી મહારાજના સંકલ્પમાં ઝૂકાવ્યું. જોગી મહારાજે પોતાના જેવા ને જેવા બનાવે એવા ભગવત સ્વરૂપ સંતો આપી દીધા. પૂ.તારાબેન જેવી આધ્યાત્મિક સમતા મીનામાં છે. અક્ષરધામની સમાધિમાં રહે છે અને સંબંધમાં આવનારાં ચૈતન્યોમાં જગતની વાસના ટળી, ભગવાનની વાસના થઈ જાય. એવું ચૈતન્યોનું જતન કરે છે. એવા પૂ.મીનાબેનની હીરક જયંતીની જય તથા ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનના વિજયદિનની જય જય જય.

(૬) મહાબલેશ્વર સ્મૃતિ યાત્રા (બીજી બેચ)

તા.૨૫/૧૧/૧૪ થી તા.૨૯/૧૧/૧૪ દરમ્યાન સુરત પ્રદેશના ગુણાતીત સૌરભ બહેનોની આ યાત્રા હતી. ૧ બસ ગુણાતીત ધામેથી સાંજે ૭.૦૦ વાગ્યે યાત્રાના ખૂબ ઉમંગ ઉત્સાહથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ભાભીઓની સાથે જ્યોતનાં ઉત્સાહી આયોજક બહેનો હોય પછી તો વાત જ શું પૂછવી ? પૂ.મીનાબેન દોશી, પૂ.પારૂલબેન, પૂ.ભારતીબેન સંઘવી, પૂ.અરૂણાબેન પટેલ વગેરે આત્મીય સંત સ્વરૂપો સાથમાં હતાં. બસમાં ભજન, ધૂન્ય, સ્વરૂપયોગ તથા વિડિયો દ્વારા કાર્યક્ર્મ દર્શન અને સમૈયા દર્શનનો લાભ લીધો. એકેય પળ નકામી ના જવા દીધી. આરામ વગર નાઈટ જર્ની કરી. મંગલ પ્રભાતે પંચગીની પહોંચ્યાં. વેલી વ્યુ બંગલાના પ્રથમ દર્શન રસ્તામાં જ કર્યાં અને સવારે ૭.૩૦ વાગ્યે મહાબલેશ્વર ‘શાંતિ વિલા’ હૉટલ પર પહોંચી ગયા. સવાર પડી ત્યાં જાણે સ્વર્ગમાં આવ્યા ! પૃથ્વી પરના અક્ષરધામમાં મુક્તો સાથે સંતો સાથે આવ્યા તેનો આનંદ જ કાંઈક ઓર હતો. એ આનંદભર્યા મન-હૈયાં સાથે બે દિવસ અને બે રાત અહીં રોકાયા અને અહીંથી એક એક પ્રસાદીની જગ્યાએ દર્શને ગયાં. ગાઈડ તો તે જગ્યાની માહિતી આપે પણ અમારી સાથે તો પંચગીની-મહાબલેશ્વરની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની બુકલેટ અને જીવંત સંત બહેનો સાથે જ હતાં. જે એકેક સ્થળે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની વાત તો કરે પણ સાથે ગુરૂહરિ પપ્પાજીના જ્ઞાનની વાતો પણ કરે. આમ, કથા-વાર્તા પણ થતી. સવાર-સાંજ સ્વરૂપયોગ અને ધૂન-ભજન પણ થતાં. શિબિર સાથે યાત્રા થતી હતી. બે દિવસ ખૂબ ફર્યા. ખૂબ આનંદ કર્યો. બે દિવસમાં ૧૨ દિવસ જેટલો આનંદ માણ્યો.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/25-11-14 to 29-11-14 mahabaleshwar smruti yatra/{/gallery}

તા.૨૮/૧૧ ના સવારે મહાબલેશ્વરથી સાપુતારા જવા રવાના થયા. રાત્રે સાપુતારા ‘સવ શાંતિ’ હૉટલમાં ઉતારા કર્યા. સાપુતારા પણ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનની પ્રસાદીની ભૂમિ ! તા.૨૯/૧૧ના આખો દિવસ આ ભૂમિ પર બ્રહ્માનંદ કર્યો. સ્મૃતિ કરી સાંજે જમીને સાપુતારાથી નીકળી રાત્રે ૧૦.૩૦ વાગ્યે સુરત ગુણાતીત ધામ પર આવી ગયા. સુખરૂપ યાત્રા બદલ ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ ખૂબ આભાર !

આ રીતે આખું પખવાડિયું સુખરૂપ અને ભક્તિથી ભર્યું ભર્યું પસાર થયું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. આપ સહુને અહીંથી સર્વે સદ્દગુરૂ સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ !

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !