સ્વામિશ્રીજી
ગુરૂહરિપપ્પાજીનીજય
કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા.૧૬ થી ૩૦ નવેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧૯/૧૧/૧૮ સંકલ્પ સ્મૃતિ દિન
ઈ.સ.૧૯૬૪ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ ગણેશપુરીમાં બહેનો અને ગૃહસ્થો શિબિર કરી. અને ૨૫ બહેનોને ભગવાન
ભજવાનો ને ભજાવવાનો સંકલ્પ કરાવ્યો. એ આજનો ભવ્ય ઐતિહાસિક સ્મૃતિદિન છે. એ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનોની સભા કરી હતી.
સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ભગવાન રાખીને ભગવાન ધારીને પળેપળ જીવવું છે. એ આપણો આદર્શ છે. એવા આદર્શ સ્વરૂપો આપણને આપ્યા છે. ગણેશપુરીમાં સંકલ્પ કરાવ્યો ત્યારે ગુલાબનું પુષ્પ આપ્યું હતું. એવા સ્વરૂપો અત્યારે પાકી ગયાં.
ત્યારબાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. આપણે બધા અહીં વ્રતવાળા બેઠા છીએ. વ્રત એટલે પ્રતિજ્ઞા લેવી. પ્રતિજ્ઞા લેતાં પહેલાં મનથી તૈયાર રહીએ. મારા છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રતિજ્ઞા પાળીશ.
સિકંદરે નક્કી કર્યું કે, મારે આ દેશ જીતવો છે, તે જીતી લીધો. પછી તેણે કહ્યું, મારી જ્યારે નનામી નીકળે ત્યારે મારા બે હાથ ખુલ્લા રાખજો. કારણકે જેટલું જીત્યો, માન મેળવ્યું, સત્તા મેળવી બધું જ મેળવ્યું પણ સાથે હું કાંઈ જ નથી લઈ જવાનો.
અત્યારે ગુરૂહરિ પપ્પાજી વચન સ્વરૂપે આપણી પાસે છે. એમણે વચન આપ્યું ને આપણે સ્વીકાર્યું. અમે ભગવાન ભજવાનો ને ભજાવવાનો ઉદ્યમ આખી જીંદગી કરીશું. આ સંકલ્પ પ્રમાણે આપણા તંત્રને જીવાડવું છે. પહેલું કામ આપણે આપણને જોતા થઈ જઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ દીક્ષા લીધી ત્યારે મહારાજ કહે, તમે ઘરબાર બધું બાળીને આવ્યા છો ? તો સ્વામી કહે, ના મહારાજ ! તો મહારાજ કહે, જાવ ! બધું બાળીને આવો. એ તો ચાલ્યા. મુક્તાનંદ સ્વામી સત્સંગની ‘મા’ કહેવાતા હતા. એ કહે, મહારાજ આ તો ખરેખર બાળીને આવશે. તો મહારાજ કહે, પાછા બોલાવી લાવો. હૈયામાંથી બધું કાઢવાનું છે. અનંત જન્મોના પ્રારબ્ધ પ્રમાણે આપણને મા-બાપ, ભાઈ-બેન મળે છે. ગુરૂહરિ પપ્પાજીએ એકાંતિક ધર્મ સિધ્ધ કરાવવા માટે આપણને ગ્રહણ કર્યા છે. ભગવાને આપણને અનંત સુખના ભોક્તા બનાવવા છે. ગુરૂહરિ પપ્પાજીને દેહની બિમારી આવી તો પ્રસાદી માની સ્વીકારી. એમ, આપણને દેહભાવ ટાળવાના પ્રસંગો બને તેને પ્રસાદી માનવી.
ગમે ત્યાં હરો-ફરો દુનિયામાં શું છે ? મોટા બંગલા છે. શું જોવાનું છે ? જોયા જેવા તો એક ભગવાન છે. આપણે આપણા સ્વભાવને જુઓ, સ્વીકારો અને ટાળવાનો પ્રયત્ન કરો. ગુરૂહરિ પપ્પાજી જેવા ટાળનારા ક્યાંય નહીં મળે. આપણે ગુરૂહરિ પપ્પાજીને જોયા છે, માણ્યા છે. આજે આપણા માટે ભવ્ય દિવસ છે. એનો ખરેખર આનંદ છે. આપણા માટે આપણો ભગવાન ગરજુ બન્યો. હવે તો આપણા જીવનમાં પ્રભુતા જ હોવી જોઈએ. પ્રાર્થના કરો અને ધ્યેય તરફ મંડ્યા રહો.
* આજે પ્રબોધિની એકાદશી, શાકોત્સવ
આજે ભગવાનને વિધ વિધ પ્રકારના લીલાં શાકભાજી ધરાવાય છે. જ્યોત મંદિરમાં ખૂબ સરસ શાકોત્સવ નિમિત્તે લીલા શાકભાજીનું ડેકોરેશન કર્યું હતું. બંધુબેલડી શતાબ્દી નિમિત્તે ૧૦૦ લખ્યા હતાં. અને જ્યોતનો સિમ્બોલ બનાવ્યો હતો. સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે શાકોત્સવની આરતી કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2018/Nov/19-11-18 PRABODHINI EKADASHI{/gallery}
અમદાવાદ જ્યોત શાખામાં પણ પ.પૂ.પદુબેનના સાંનિધ્યે શાકોત્સવની ઉજવણી કરી હતી.
રાજકોટ જ્યોત શાખામાં પણ પૂ.વનીબેન ડઢાણીયા અને બહેનોએ શાકોત્સવની ઉજવણી કરી હતી.
(૨) તા.૨૪- ૨૫ નવેમ્બર પ.પૂ.જશુબેનના શરણમ્ પર્વની ઉજવણી
માહામ્ત્ય સમ્રાટ પ.પૂ.જશુબેનના ૮૫મા પ્રાગટ્ય દિન ‘શરણમ્ પર્વ’ ની ઉજવણી ખૂબ ભવ્ય રીતે, અતિ ઉત્સાહ અને ઉમંગભેર સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનો-ભાઈઓની સભામાં કરી હતી.
ગુરૂહરિ પપ્પાજી કહેતા, ઝબક નારાયણની જય જય જય.
૧૯૩૩ની ૧લી નવેમ્બરે અંબાબેન મંગળભાઈના આવાસે એક દીપ ઝળહળ્યો ને એ આપણાં પ.પૂ.જશુબેન મળ્યા ને થઈ ગયા નસીબદાર.
શ્વસોશ્વાસે કેવળ ગુરૂહરિ પપ્પાજીની ભક્તિ પ્રત્યેક ક્રિયા પ્રભુના પૂજન સમ, વિચારનાં પ્રત્યેક બીજને, ભાવનાના અંકુરને, વાણીના શબ્દને જાગૃત સ્વપ્નમાં પ્રભુને વફાદાર રહી, ગુરૂ સ્વરૂપો પાસે દાસત્વભક્તિ રાખી. જ્યારે જે બન્યું એમાં ખપ, શ્રધ્ધા રાખી હોમાઈ ગયા ને પ્રભુ પપ્પાજીના વારસદાર બની ગુરૂઓના સાથી બની, શરણાર્થીઓના સાથી બની અનંત જીવોને પ્રભુ અર્પી દેશ-પરદેશમાં ડંકો વગાડ્યો. એવા સંબંધયોગીના યોગમાં આવતાં અનેક ચૈતન્યોનાં પ્રારબ્ધ પલટાઈ ગયાં ને ગૃહી કે ત્યાગી સહુ ભક્તોના યોગમાં આવતા અનેક ચૈતન્યોનાં પ્રારબ્ધ પલટાઈ ગયાં ને ગૃહી કે ત્યાગી સહુ ભક્તોને એ દર્શન થઈ રહ્યાં છે. એ શરણમ્ પર્વ..
આવા સમર્થ પ.પૂ.જશુબેનને કોટિ કોટિ વંદન કરીએ …!
તેં કરી કમાલ ઓ પપ્પા ! આવા ભવ્ય સ્વરૂપો અર્પી ! પ્રાર્થીએ પ્રભુને સાજાસમા રાખો ઝબકજીને …!
ખરેખર આ સમૈયો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો ઉજવાયો હતો. જેનું શબ્દોમાં વર્ણન અશક્ય છે. આપ સહુએ આ ભવ્ય દર્શન વેબસાઈટ ઉપર માણ્યા હશે. હજુ પણ આપ માણી શકશો. તેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles//newsletter/2018/Nov/24-11-18 P.P.JASUBEN BHAVARPAN SABHA{/gallery}
{gallery}images_in_articles//newsletter/2018/Nov/25-11-18 TO P.P.JASUBEN 85TH BIRTHDAY{/gallery}
(૩) તા.૩૦/૧૧/૧૮ પૂ.હરિશભાઈ જોશી (લંડન)ની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા
આજે જ્યોત મંદિરમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે પૂ.હરિશભાઈ જોશી અક્ષરધામ નિવાસી થયા તેમની ત્રયોદશીની મહાપૂજા પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવ પૂર્વક કરી હતી.
પૂ.જ્યોતિભાભી ઠકરારે માહામ્ત્યગાનમાં લાભ આપ્યો હતો. પૂ.હરિશભાઈ જોશીના સંપર્કમાં ૧૯૮૬માં આવી ત્યારે તેમની ઓળખાણ થઈ. એક વખત એમની દીકરીને માનસિક બિમારી આવી. એટલે પછી હરિદ્વાર-ઋષિકેશ ગયા. પૂર્વના જ હશે. તેથી મારી સાથે મિત્રતા થઈ. પૂ.પુષ્પાબેન દર મહિને મળતા. એમને શંકર ભગવાનમાં આસ્થા હતી. પછી પ.પૂ.બેન લંડન આવ્યા. પ.પૂ.બેનને ફોન કર્યો. પ.પૂ.બેન કહે, હમણાં લઈ આવ. પ.પૂ.બેને એમને વર્તમાન આપ્યાં ને રોજની દોઢ કલાક ધૂન કરવાની આજ્ઞા કરી, તે હજુ પણ ચાલુ જ છે. સભામાં આવતા થયા. દીકરીની બિમારી પણ મટી ગઈ ને બધા સત્સંગમાં આવતા થયા. પૂ.હરિશભાઈ ખૂબ જ નિર્માની અને નિષ્ઠાવાન ભક્ત હતા. છેલ્લે પૂ.પુષ્પાબેનને કહી ગયા હતા કે, મારા અસ્થિ ભારતમાં જ પધરાવજો.
પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.પુષ્પાબેન બહુ રાંક, ત્યાં સત્સંગમાં આવે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ કરે. પૂ.હરિશભાઈએ પણ ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બેનનો બહુ લાભ લીધો છે. આપણને કૃપામાં ગુરૂહરિ પપ્પાજી મળ્યા, આવા પ.પૂ.બેન મળ્યા, એમને સંભાર્યા કરજો. અંતરમાં શાંતિ શાંતિ રહેશે.
ત્યારબાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.પુષ્પાબેન, પૂ.હરિશભાઈ બહુ રાંક, બહુ ઓછું બોલે. આખા કુટુંબને સત્સંગ કરાવ્યો. હે ગુરૂહરિ પપ્પાજી ! બધાને તન, મન, ધન અને આત્માથી પરમ સુખી રહે એવી કૃપા કરજો.
આમ, આ આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !