16 to 30 Nov 2019 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

જયસ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ પખવાડીયું તો પ.પૂ.જ્યોતિબેનનો સમન્વય પર્વ અને પૂ.સવિબેનનો અમૃતપર્વનો મહાઉત્સવ લઈને આવેલું છેતો ચાલો, જ્યોત પ્રાંગણમાં ખૂબ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાયેલ આ બંને સમૈયા અને સાથે સાથે બીજા ઉત્સવોની પણ સ્મૃતિ માણીએ

 

(તા.૧૬/૧૧/૧૯ પૂ.સવિબેનનો અમૃતપર્વ

 

..૧૯૪૨માં દૂધીબેન ગોરધનભાઈના આંગણે એક મુમુક્ષુ આત્મા સવિતા નામધારી તેજસ્વી જ્યોત પ્રગટીસરદારગઢની એ પુણ્યશાળી શ્રીજીમહારાજની ભૂમિએ ફરી દૈવત ધારણ કર્યું… ૨જી એપ્રિલે નેઉગ્યો રે સુખ રવિ…

ને ગુરૂહરિ પપ્પાજી કહેતા, ‘સોરઠનો સિંહ’ એની એક ગર્જનાએ પ્રભુ પપ્પાજી ખેંચાયા ને સવિતા અને નારાયણનું મિલન થયું ને સૂર્યનારાયણનો પ્રકાશ સૂર રૂપે વહ્યો… “અમ પ્રેમ સદા ભરપૂર રહો…” એ તેઓની જીવન ઝાંખી દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્ર્મ તા.૧૫મીની પૂર્વ સંધ્યાએ માણ્યો. જેની વિગતે સ્મૃતિ આપણે ગયા ન્યુઝલેટરમાં માણી.

 

આ અમૃતયાત્રાને સફળ બનાવી એક સંકલ્પ નિષ્ઠ સોરઠ પ્રદેશના પપ્પાજીના પ્રથમ વારસદાર. જેમણે દિપાવી ગુરૂહરિ પપ્પાજીની જ્યોતિ એ આપણાં પૂ.સવિબેનનીરવ ભક્તિ સાથે એ સેવાનો અનુરાગ રગરગમાં વણાઈ ગયોને સંકલ્પ બળવાન થતાં ભિન્ન ભિન્ન પ્રકૃતિના મુક્તો સમાઈ ગયા ને અનંત આશ્રિતોને સુખી કર્યા ને પ્રભુ પપ્પાજી એમને વશ થઈ ગયા.પૂ.જ્યોતિબેને કહ્યુંઆપણે સવિનો અમૃતપર્વ ધામધૂમથી ઉજવવો છેને એ સમન્વય-અમૃતપર્વનું સાકાર દર્શન આપણે માણી રહ્યા છીએકોટિ કોટિ વંદન હો ! ગુરૂ સ્વરૂપ પૂ.સવિબેનને ! પ્રાર્થીએ અંતરભાવ ધરીએ તુજ ચરણીયેસંપસુહ્રદભાવએકતાનો સૂર્ય ઉગતો જ રહે ને સૂર્ય કિરણો સદાય અજવાળ્યા જ કરેને આપનો દિવ્ય પ્રેમ અમ પર સદા ભરપૂર રહ્યા જ કરેએવા અમને બનાવી દો એ જ આજના શુભ દિને આપના ચરણે પ્રાર્થનાસદાય સાથે છો ને રહેજો જ…. 

 

એવા પૂ.સવિબેનના અમૃતપર્વની મુખ્ય સભા તા.૧૬/૧૧ના સવારે ૯.૩૦ થી ૧.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતીપૂ.સવિબેન ખુલ્લા શણગારેલા રથમાં ગુરૂહરિ પપ્પાજી અને સાથે પ.પૂ.જ્યોતિબેન મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હતાંપંચામૃત હૉલમાં પહેલાં ગુરૂસ્વરૂપોનું પૂજન અને આરતી પૂ.સવિબેનના ગ્રુપનાં બહેનોએ કર્યા હતાંત્યારબાદ રથને પપ્પાજી હૉલના મુખ્ય દરવાજે થઈ સ્ટેજ સુધી લઈ આવ્યાગુરૂહરિ પપ્પાજીને એમના આસને બિરાજમાન કર્યા. પ.પૂ.જ્યોતિબેન અને પૂ.સવિબેનને મીણબત્તી આકારના બનાવેલ આસનમાં બિરાજમાન કર્યાંસ્વાગત નૃત્ય રજૂ થયુંસ્વરૂપોને હાર અને કલગી અર્પણ કરી સ્વાગત કર્યુંમુક્તોએ અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યોસ્વરૂપોના આશીર્વાદ લીધાંઅંતમાં પ.પૂ.જ્યોતિબેન અને ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ આજની અમૃતપર્વની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

આ સભાનાં લાઈવ દર્શન આપે વેબસાઈટ પર કર્યા જ હશેહજુ પણ આ દર્શન આપ માણી શકશો, તેથી અહીં વિરમું છું

{gallery}images_in_articles//newsletter/2019/Nov/16-11-19 P.P.SAVIBEN 75TH BIRTHDAY CELEBRATION{/gallery}

 

(તા.૧૬/૧૧/૧૯ પ.પૂ.જ્યોતિબેનનો સમન્વયપર્વ

 

સાંજે ૫.૦૦ થી ૭.૩૦ પ.પૂ.જ્યોતિબેનના જીવનપ્રસંગોને આવરી લેતો અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્ર્મ “જંગમતીર્થના ઘડવૈયા” અમદાવાદ મંડળના મુક્તોએ રજૂ કર્યો. આ કાર્યક્ર્મ પ.પૂ.જ્યોતિબેનની હયાતીમાં તેમની આજ્ઞાથી અમદાવાદના હરિભક્ત પૂ.પુનિતભાઈ અને ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ.અલ્પેશભાઈએ લખ્યો હતો. પ.પૂ.જ્યોતિબેને આ કાર્યક્ર્મની સ્ક્રીપ્ટ પણ વાંચી હતી. 

 

આ કાર્યક્ર્મમાં બાળપણનો એમનો એક પ્રસંગ અને એ પછી એમની સામર્થી દર્શાવતા પ્રસંગોને આવરી લીધા હતાં. પાદરા ગામે પધારી સામાન્ય શાકભાજી વેચતા એક હરિભક્તની દરિદ્રતા ટાળી, તો એક હરિભક્તના ભાવ-પ્રાર્થના અંતરયામી પણે સ્વીકારી અને બપોરે તેમના ઘરે જમવા પધાર્યા. અને થાળ પ્રમાણે બનાવેલો પ્રસાદ ગ્રહણ કર્યો. તો સામાન્ય હરિભક્તના ઘરે પધારી તેની ચા પીધી અને તેના અંતરના કોડ પૂરા કરી આશીર્વાદ આપ્યા.

ખરેખર અમદાવાદના મુક્તોને અનંત ધન્યવાદ ! ખૂબ જ મહેનત કરી આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે. દરેક કલાકારની ઓળખાણ થાય તેવા ડ્રેસ તેમ જ મુગટ બનાવ્યા હતા. ધીરજથી બોલાતા ડાયલોગ્સના સુંદર અવાજ ને અભિનય કલામાં ભક્તિ નીતરતી હતી. સહુના હૈયે-આંખે અત્યંત આનંદ-સ્મૃતિ અનુભવાય તેવી LED સ્ક્રીન પ્રથમ વખત ગુણાતીત જ્યોતના પપ્પાજી હૉલમાં મૂકી સફળતા મેળવી છે. 

 

વચનનું માહાત્મ્ય સમજીને એ દરેક આઈડિયા કરનારની રાંકભાવની પ્રાર્થના ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.જ્યોતિબેને સાંભળીને સ્વરૂપોની ખૂબ પ્રસન્નતા લીધી છે. મુક્તોના હ્રદય જીત્યાં છે. એ મહિમાને પ્રત્યક્ષ કરનાર અને સાથ આપનાર પૂ.ઈન્દુબા, પૂ.રાજુબેન, પૂ.વર્ષાબેન અને નાના-મોટા સર્વે હરિભક્તોને ફરીથી કોટિ કોટિ વંદન સાથે અનંત ધન્યવાદ !

આ કાર્યક્ર્મનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. કાર્યક્ર્મનાં લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ પર કર્યાં જ હશે. કાર્યક્ર્મ તો વારંવાર નિહાળવાનું મન થાય તેવો અદ્દભુત હતો. હજુ પણ આપ જ્યારે મન થાય ત્યારે આ કાર્યક્ર્મ વેબ સાઈટ પર માણી શકશો. તેથી અહીં વિરમું છું. 

 

સમન્વય પર્વે જ્યોતિબેનની મૂર્તિ સાથેનું નાનું એવું સ્મૃતિ પ્રદર્શન જ્યોતિ હૉલમાં કર્યું હતું. પપ્પાજી હૉલની ઉપર એક નાનો હૉલ છે. એનું નામ જ્યોતિ હૉલ છે. તેમાં મધ્યે આશીર્વાદ આપતા ગુરૂહરિની મૂર્તિ બિરાજમાન હતી. અને એની ફરતે સ્વામિનારાયણ મંત્ર લખતા જ્યોતિબેન, ઝૂલે ઝૂલતા જ્યોતિબેન, આનંદ બ્રહ્મ કરાવતા જ્યોતિબેન અને સ્વયં જંગમતીર્થ બની ગયાં જ્યોતિબેન એવી રીતની અદ્દભુત મૂર્તિઓ મૂકી હતી. મૂર્તિ પણ એવી રીતે મૂકી હતી કે જાણે એવું લાગતું હતું કે જ્યોતિબેન સ્વયં અહીં સાક્ષાત્ બિરાજમાન છે. પંચામૃત હૉલમાં પણ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનના મોટા મોટા પોસ્ટરો એમણે વર્તનમાં મૂકી આપણને આપેલા પરાસત્યોનાં લખાણ સાથે શોભતાં હતાં.

{gallery}images_in_articles//newsletter/2019/Nov/17-11-19 P.P.JYOTIBEN 85th BIRTHDAY CELEBRATION{/gallery}

 

(૩) તા.૧૭/૧૧/૧૯ સમન્વય પર્વની મુખ્ય ઉજવણી

 

સોના અને તુલસીનો પરમ પ્રકાશ, કિંમતી અને પવિત્ર પ્રકાશ પથરાયો. આજથી ૮૫ વર્ષ પૂર્વે બીજી માર્ચે. મહારાજના સંબંધયોગની યોજના અને ગુરૂહરિ પપ્પાજીના વારસદાર આપણાં સૌના જ્યોતિબેનને અનંત કોટિ વંદન હો !

નમન હો ચરણિયે !

 

સંબંધે વેચાઈ ગયા ને ભક્તોને માથે મૂકી નાચ્યા. રમાડી, જમાડી પ્રભુ આપીને ગુણાતીતનું બિરૂદ ધાર્યું કર્યા વગર પોતાનો સિધ્ધાંત પીરસી અનંત ત્યાગી-ગૃહીને તૈયાર કર્યા. 

બુધ્ધિનો બાદશાહ, પ્રેમીનો પ્રિયતમ, વિશ્વાસુના પ્રભુ બની, ભાંગ્યાના ભેરૂ બન્યા એવી દિવ્ય અલગારી વિભૂતિ ગ.મ.૧૩, પ્રત્યક્ષનો નિશ્ર્ચય, માન-અપમાનમાં રંચમાત્ર અંતરાય નહીં. ગમે તેવા તાંડવમાં સ્વધર્મેયુક્ત જ જીવન સાક્ષીરૂપે જોઈ હસ્યા જ કર્યું ને પપ્પાજીના કાર્યને વહેતું રાખ્યું. નિજ વર્તને સેવક, ગુલામ બની પીરસ્યો અહો ! આ મંત્ર-સિધ્ધાંત .

“સંપ-સુહ્રદભાવ ને એકતા !” એવા સહજ, સરલ, મસ્ત મૂર્તિ જ્યોતિની જ્યોત સદાય જલતી રાખીએ. આપની અગાધ કરૂણાના અમે ખૂબ ઋણી છીએ. અમ સૌને આશિષ અર્પો આ સમન્વય પર્વે. 

 

એવા ભવ્ય સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનના સમન્વય પર્વની મુખ્ય સભા સવારે ૯.૦૦ થી ૧.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. સમૈયામાં પધારનાર દરેક મહેમાન બહેનોને ગોલ્ડન દુપટ્ટો અને બ્રોંચ આપ્યો હતો. જે તેમણે સમૈયા દરમ્યાન ધારણ કરવાનો હતો. મહેમાન ભાઈઓને સફેદ રંગની શાલ અને ધ્વજના ચાર કલરની રીબનમાં સમન્વય પર્વનો મેડલ ગળામાં ધારણ કરવાનો હતો. સહુ પ્રથમ સ્વાગત થયું. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનની મૂર્તિને ખુલ્લા રથમાં ઢોલ-નગારાં સાથે અને બંને બાજુ ભાભીઓ અને યુવતીઓએ નૃત્ય કરી સ્ટેજ સુધી લઈ આવ્યાં હતાં. જ્યોતિબેન સ્વયં જંગમ મંદિર બની ગયાં, એટલે સ્ટેજ પર ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનનું મંદિર આકારનું આસન બનાવ્યું હતું, તેમાં બિરાજમાન કર્યા. યુવતીઓએ સ્વાગત નૃત્ય કર્યું. ત્યારબાદ નાનકડા ચાર કિશોરોએ “અહીંયા આવો બેસી જાઓ બાળકો સહુ પ્યારા…” એ ભજન ઉપર નૃત્ય કરી પોતાનો ભાવ પ.પૂ.જ્યોતિબેનના ચરણે ધર્યો હતો. સ્વરૂપોને ભાવાર્પણ કર્યું. અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં હરિભક્તોએ લાભ આપ્યો. સ્વરૂપોના આશીર્વાદ લીધા. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લઈ આજની આ ભવ્ય અને દિવ્ય સમન્વય પર્વની  પૂર્ણાહુતિ કરી હતી. 

 

 

(૪) તા.૧૭/૧૧/૧૯ વચનામૃત દ્વિશતાબ્દી પર્વની ઉજવણી

 

આ વર્ષ એટલે વચનામૃત દ્વિશતાબ્દીનું વર્ષ. દરેક શાખા મંદિરોમાં હરિભક્તોએ વિધ વિધ રીતે વચનામૃતનું પારાયણ અને પૂજા વિધિ કરી હતી. અને આજે આ મુખ્ય સભા સાંજે ૪.૩૦ થી ૭.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં ૨૦૦ દંપતીની વચનામૃત પોથીયાત્રા અને પૂજાવિધિ રાખી હતી.

 

સહુ પ્રથમ ગુણાતીત તીર્થધામે ભાભીઓને પૂજન અને નાડાછડી સ્વરૂપોએ બાંધ્યાં હતાં. ત્યાંથી ભાભીઓ માથે પોથી લઈ નાચતાં-કૂદતાં પપ્પાજી હૉલમાં આવ્યાં હતાં. પપ્પાજી હૉલના દરવાજે સ્વરૂપોએ ભાભીઓને અને પોથીને પુષ્પથી વધાવ્યાં હતાં. ત્યારબાદ દરેક મુક્તો પોતાના આસને બિરાજમાન થયા. ભાઈઓએ વચનામૃતની પૂજાવિધિ કરાવી હતી. સ્ટેજ પર વચ્ચે વચનામૃત મૂક્યું હતું. તેના પર સૂકામેવાનો અભિષેક મોટેરાં સ્વરૂપોએ કર્યો હતો. અંતમાં સ્વરૂપોના અને ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈ આજની આ વચનામૃત પૂજાવિધિનો કાર્યક્ર્મ સંપન્ન કર્યો હતો. આ પોથીયાત્રા અને પૂજાવિધિના લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ ઉપર માણ્યા જ હશે, તેથી અહીં વિરમું છું. 

 

આમ, જ્યોત પ્રાંગણમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા ઉજવાયેલ આ પાંચ સમૈયાનું ભાથું પોતાના હ્રદય મંદિરમાં સ્થિત કરી સહુ મુક્તો વિસર્જીત થયા હતા.

અમેરિકા મંડળના મુક્તોએ પણ તેમની માસિક સભામાં સમન્વય પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Nov/17-11-19 VACHNAMRUT DWISHATQBDI MAHOTSAV{/gallery}

 

(૫) તા.૩૦/૧૧/૧૯ વચનામૃત જયંતી

 

વચનામૃત એટલે સ્વામિનારાયણ ભગવાનના મુખની દિવ્યવાણી ! પરાવાણી ! 

અક્ષર મુક્તોનો પરબ્રહ્મ સાથેનો સંવાદ એટલે વચનામૃત અને મુમુક્ષુ માટેની અમૃત સંજીવની એટલે વચનામૃત.

આજથી બસો વર્ષ પૂર્વે સંવત ૧૮૭૬ માગશર સુદ-૪ના રોજ ગઢડા, દાદા ખાચરના દરબાર મધ્યે વચનામૃતનો પ્રાદુર્ભાવ થયો હતો. એટલે તે વચનામૃતની આજે જયંતીનો દિવસ. ભગવાને આ દિવસે પ્રથમ વચનામૃત ઉચ્ચાર્યું હતું, 

 

ગુણાતીત જ્યોતમાં દર મહિને સદ્દગુરૂના ગ્રુપવાઈઝ બહેનોએ વચનામૃત પોથીયાત્રા અને પૂજાવિધિ થતી હતી. તેનું આજે શિખર સોપાન સદ્દગુરૂ સ્વરૂપોએ પોથીયાત્રા અને પૂજાવિધિ કરી હતી. સહુ પ્રથમ ગુણાતીત તીર્થધામે સદ્દગુરૂ સ્વરૂપો પધાર્યા હતાં. વચનામૃત દ્વિશતાબ્દીનું વર્ષ છે એટલે કેન્દ્રના ૨૦૦ નંબરના બેન પૂ.કલ્પુબેન આઈ. પટેલે પ.પૂ.દીદીનું પૂજન કરી નાડાછડી બાંધી હતી. ૨૦૧૯નું વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિ વર્ષ છે. એટલે ૧૯ નવેમ્બરે જે બહેનોના ર્દષ્ટાદિન છે. તેવા પૂ.લીલીબેન ઝાલાવાડીયાએ પ.પૂ.દેવીબેનનું પૂજન કરી નાડાછડી બાંધી હતી. અને પૂ.હીનલબેને પ.પૂ.જશુબેનનું પૂજન કરી નાડાછડી બાંધી હતી. ત્યારબાદ બધા જ સદ્દગુરૂ સ્વરૂપોને નાડાછડી સોના, પ્રસન્ન અને શતાબ્દી ગ્રુપનાં બહેનોએ બાંધી હતી. અને તેમનું પૂજન પ.પૂ.દીદીએ કર્યું હતું. ત્યારબાદ સ્વરૂપો પોથી લઈને પ્રભુકૃપામાં પધાર્યાં હતાં. ત્યાં ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ કરી જ્યોત પંચામૃત હૉલમાં જ્યાં ગુરૂહરિ પપ્પાજીની નિત્ય બેઠક છે. ત્યાં મંદિર આગળ તેમની પોથીઓ મૂકી હતી. અને ત્યારબાદ જ્યોતના બધાં જ મકાનો મંદિર, પ્રાપ્તિ, અન્નપૂર્ણા, પુનિત, પ્રભાત, પરિતોષ, પમરાટ, નવી જ્યોતની ફરતે ધૂન કરતાં કરતાં સંકલ્પ યાત્રા કરી અને રક્ષાની આણ મૂકી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Nov/30-11-19 VACHNAMRUT JAYANTI UTSAV BEHNO PAPPAJI HALL{/gallery}

 

આખી પ્રદક્ષિણા થઈ ગયા બાદ પોથી લઈને પપ્પાજી હૉલમાં પધાર્યા હતાં. દરેક સ્વરૂપો પોતાના આસને બિરાજમાન થયા. સહુ પ્રથમ ઠાકોરજી મહારાજને હાર પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ પહેરાવ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીને હાર પૂ.હીનલબેને પહેરાવ્યો હતો.  વચનામૃત ગ્રંથને હાર પૂ.અનિતાબેન પંચાલે પહેરાવ્યો હતો. અને પરમ અમૃત ગ્રંથને હાર પૂ.જશીબેન ઝાટકીયાએ પહેરાવ્યો હતો. સ્વરૂપોને પુષ્પ અર્પણ પૂ.લીલીબેન ઝાલાવાડીયાએ કર્યાં હતાં. ત્યારબાદ વચનામૃતની પૂજાવિધિ કરી હતી. વચનામૃતની સાથે દરેક સદ્દગુરૂ સ્વરૂપોએ ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનું પુસ્તક મૂક્યું હતું. સહુ પ્રથમ શ્રીજી મહારાજની નામાવલિ બોલી વચનામૃતનું પૂ્જન કર્યું હતું અને ગુરૂહરિ પપ્પાજીની નામાવલિ બોલી ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીના પુસ્તકનું પૂજન કર્યું હતું. દરેક બહેનને એક એક વચનામૃતનો નંબર આપ્યો હતો. તે વચનામૃતનું વાંચન તે બહેને કરવાનું હતું. આમ, બધી જ બહેનોએ

 

એક સાથે પપ્પાજી હૉલમાં વચનામૃતનો સમૂહ પાઠ કર્યો હતો. ત્યારબાદ આરતી કરી હતી. અંતમાં સ્વરૂપોના આશીર્વાદ લઈ આજની આ વચનામૃત જયંતીની ઉજવણીની પૂર્ણાહુતિ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Nov/30-11-19 VACHNAMRUT JAYANTI UTSAV BHAIO PAPPAJI TIRTH{/gallery}

 

પેરીસ મંડળના મુક્તોએ લંડન ગુણાતીત મિશનના પ્રમુખ શ્રી પૂ.દિલીપભાઈ ભોજાણી અને પૂ.અરૂણાબેન ભોજાણીના સાંનિધ્યે વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે પોથીયાત્રા અને પૂજાવિધિ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Nov/Paris Mandal vachanamRut pooja{/gallery}

 

આમ, આખુ પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !