સ્વામિશ્રીજી તા.૧૨/૧૦/૧૪
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો
ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વની સ્મૃતિ સહ જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા.૧૬/૯/૧૪ થી તા.૩૦/૯/૧૪ દરમ્યાનની જ્યોત જ્યોતશાખામાં થયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. સપ્ટેમ્બર મહિનો ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર પસાર થયો.
ગયા પત્રના અનુસંધાનમાં ભાદરવા વદ–૬ નિમિત્તેના આયોજન ચાલુ હતા તે જોઈએ.
(૧) તા.૧૬/૯/૧૪ ના રોજ પ.પૂ.જ્યોતિબેનની પ્રેરણા મુજબ પ.પૂ.જ્યોતિબેન અને બહેનોએ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ ની સભામાં પંચામૃતમાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિને પંચામૃતથી અભિષેક બધા બહેનો વતી પૂ.હેમાબેન ભટ્ટના વરદ્દ હસ્તે કર્યો હતો. ત્યારબાદ બહેનોએ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને પ.પૂ.પદુબેનના ચરણાર્વિંદને અભિષેક કરાવ્યો હતો. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, સદ્દગુરૂ A પ્રભુના ચરણાર્વિંદ છે. સર્વે સદ્દગુરૂ A વતી આ સ્વરૂપોના ચરણાર્વિંદને અભિષેક બહેનોએ કર્યો હતો. પ્રાસંગિક આશીર્વાદ લાભ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેને આપ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/sept/16-09-14 NILKANTH VARN ABHISHEK/{/gallery}
(૨) તા.૧૭/૯/૧૪ ના રોજ રાત્રિ સભામાં પ.પૂ.પદુબેન અને બહેનોએ ભાદરવા વદ–૬ નિમિત્તે વિધવિધ રીતે ભજનોનું આયોજન કર્યું હતું. વાજીંત્રોના ચિત્રોના ડૅકોરેશનમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતા. આપણા ભજનો એવા છે કે તેમાં સઘળું જ્ઞાન આવી જાય છે તે ભજનોમાંથી ગુરૂહરિ પપ્પાજીએ સાધના દરમ્યાનના ભજનો પસંદ કરેલાં. તેવા ભજનોમાંથી અમુક ભજનોની ટૂક પસંદ કરી, કોમેન્ટ્રી સાથે રજૂ કર્યા હતા. તે વિષે પ.પૂ.પદુબેને પહેલા લાભ આપ્યો હતો. “પ્રાપ્તિનો કેફ નિરંતર રહે તે પપ્પાજીએ કરાવવું છે. તે માટે આપણા ભજનો ખૂબ પ્રેરણાદાયક છે. સેવા કરતાં કરતાં ભજનો ગુંજતા રહીએ તે ગુરૂહરિ પપ્પાજીને ખૂબ ગમે. ‘હાથમાં કામ, મનમાં શ્યામ’ આમ, ભર્યા રહેવું. પ.પૂ.જ્યોતિબેને પણ આશીર્વાદ આપી આજના ભજનના કાર્યક્ર્મને બિરદાવ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/sept/17-09-14 BHADRVA VAD 6 PADUBEN GROUP AAYOGEN/{/gallery}
(૩) તા.૧૮/૯/૧૪ આજે પૂ.શોભનાબેન અને બહેનોએ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની ઉજવણીનો કાર્યક્ર્મ રાત્રિ સભામાં રજૂ કર્યો હતો. પૂ.કલ્પુબેન દવે, પૂ.સંગીતાબેન લાલાણી, પૂ.પૂર્વીબેન પટેલે પોતાના જીવનનો અનુભવ પ્રસંગ કહીને ગુરૂહરિ પપ્પાજીના મહિમાનું દર્શન કરાવ્યું હતું. આ વર્ષ શાસ્ત્રીજી મહારાજની સાર્ધ શતાબ્દીનું વર્ષ છે. એ સ્મૃતિસહ પૂ.હરણાબેન દવે એ ગુરૂહરિ પપ્પાજીના શાસ્ત્રીજી મહારાજ સાથેના પ્રસંગો કહ્યા હતા. તે ટૂંકમાં અહીં જોઈએ.
શાસ્ત્રીજી મહારાજની સાર્ધ શતાબ્દી પર્વમાં ગુરૂહરિ પપ્પાજીનો ૯૮મો પ્રાગટ્યપર્વ આપણે માણી રહ્યા છીએ. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરૂષોત્તમની ઉપાસના પ્રવર્તાવી શૂન્યમાંથી સર્જન કર્યું અને યોગીજી મહારાજ ઓળખાવ્યા. યોગીજી મહારાજે આપણને પપ્પાજી ઓળખાવ્યા. શાસ્ત્રીજી મહારાજે પૂ.ડૉ.નાથાભાઈને પ્રસન્નતાના આશીર્વાદ આપ્યા હતા કે, “જાવ તમને મહારાજ જોટો દીકરા આપશે.” તે જોટો દીકરા એટલે પ.પૂ. પપ્પાજી અને પ.પૂ.કાકાજી. ધર્મજ મુકામે ૧૧ વર્ષની વયે પ.પૂ.પપ્પાજી અને પૂ.મમ્મીજીએ પ્રભુતામાં પગલા માંડ્યા ત્યારે ધર્મજ મંદિરે શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતાં.તેઓના આશીર્વાદ લેવા પ.પૂ.પપ્પાજી ગયા હતાં. શાસ્ત્રીજી મહારાજ ગાના મુકામે પધાર્યા હતા. ત્યારે પ.પૂ.પપ્પાજી કોઈ કામ માટે તેમને મળવા ગયા હતાં. શાસ્ત્રીજી મહારાજે પ્રસન્ન થકા બોલ્યા કે આ પૂ.ડૉ.નાથાભાઈના દિકરા છે. તે આગળ ઉપર આપણું બહુ કામ કરશે. (એક એક હરિભક્તને આ રીતે ઓળખાણ આપી હતી.)
એક વખત પૂ.નંદાજીના બંગલે શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા ત્યારે એક હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે પૂ.ડૉ.નાથાભાઈના દીકરા પૂ.બાબુભાઈ આવેલા છે. આપ ઓળખો છો ? શાસ્ત્રીજી મહારાજે રાજીપા સાથે દૂધનો વાટકો બાબુને આપ્યો તે પ.પૂ.પપ્પાજી તરત જ પી ગયા. ગુરૂહરિ પપ્પાજીને યોગીજી મહારાજે બહેનોને ભગવાન ભજાવવાની જવાબદારી સોંપી તે શાસ્ત્રીજી મહારાજનો ઓરડો હતો. આમ, ટૂંક સમયમાં થોડીવાર માટે ઈતિહાસની સ્મૃતિ કરાવી ધન્ય કર્યા હતા. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન, પૂ.શોભનાબેનના આશીર્વાદ લીધા હતા.
{gallery}images_in_articles//newsletter/2014/sept/18-09-14 shobnabengroup aayogen/{/gallery}
(૪) તા.૧૯/૯/૧૪ પ.પૂ.દીદી સ્વરૂપ પૂ.જયુબેન અને બહેનોએ ભાદરવા વદ–૬ નિમિત્તેનું આયોજન કર્યું હતું.
આજે સવારથી ગુરૂહરિ પપ્પાજીની વિધવિધ સ્મૃતિઓ સેન્ટ્રલ ઑફિસના માઈક પરથી ડીકલેર કરી હતી. સેવા સાથે રૂટીન ક્રિયાઓ સાથે સ્મૃતિ આનંદ માણ્યો હતો. આજે રાત્રિ સભામાં ૯ થી ૧૦.૩૦ પંચામૃત હૉલમાં ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો આનંદ કરાવ્યો હતો.
પ.પૂ.દીદીનો લંડનથી ફોન આવ્યો હતો. પ.પૂ.દીદી આશીર્વાદ આપી સભામાં હાજર રહ્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીના મહિમાની વાત કરી માર્ગદર્શન આપ્યું હતું. રાત્રિ સભામાં પ્રશ્નોત્તરીનો કાર્યક્ર્મ હતો. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરાવતા પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબ બહેનોએ આપ્યા. જેમાં ગુરૂહરિ પપ્પાજીની ઈ.સ.૧૯૬૩ થી ૧૯૯૪ સુધીની સ્મૃતિઓ હતી. ત્યારબાદ રમત ગમત સાથે આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ પૂરો થયો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/sept/19-09-14 B.V.6 P.DIDIGROUP AAYOGEN/{/gallery}
(૫) તા.૨૦/૯/૧૪ આજે પૂ.હંસાબેન ગુણાતીત અને બહેનોએ ભાદરવા વદ–૬ નિમિત્તે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરાવતું વિશેષ આયોજન કર્યું હતું. પંચામૃત હૉલમાં અક્ષરડેરીનું સુશોભન કરી તેમાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ પધરાવી હતી. દિવસ દરમ્યાન ૧૧ પ્રદક્ષિણા ધૂન કરતાં કરતાં કરવાની હતી. અને સંધ્યા આરતીનો સમૂહ લાભ લીધો હતો.
ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય ૧૯૧૬માં છે. તે ૧૬ની સ્મૃતિસહ ૧૬ વાનગીનો થાળ ધર્યો હતો. ૧૬ બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની જુદા જુદા સ્થળની સ્મૃતિ કહી હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં.
{gallery}images_in_articles//newsletter/2014/sept/20-09-14B.V.6.HANSABEN GUNATIT AAYOGEN/{/gallery}
(૬) તા.૨૧/૯/૧૪ આજે ભાદરવા વદ–૬ નિમિત્તેનું આયોજન પ.પૂ.જશુબેન અને બહેનોએ કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ “હરિનામ હરિનામ હરિ હરિ નામ…” ની ધૂન્ય બોલતા બોલતા બહેનોએ બ્રહ્મ વિહારમાં પ્રદક્ષિણાનો લાભ લીધો હતો. અને પ્રદક્ષિણા બાદ પ.પૂ.જશુબેનના હસ્તે બહેનોએ પ્રસાદ લીધો હતો.
રાત્રે ૯ થી ૧૦.૩૦ ની સભા પંચામૃત હૉલમાં થઈ હતી. સભા સંચાલિકા બહેને મહારાજના વખતનો મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ કહ્યો કે, મુક્તાનંદ સ્વામિને એક વખત અંતરમાં થોડું અસુખ જેવું થયું. શ્રીજી મહારાજ પાસે નિષ્કપટ થયા. મહારાજે પોતાના જીવનના પ્રસંગો કહ્યા. ચરિત્રો કહ્યા. મુક્તાનંદ સ્વામીને મનુષ્યભાવ આવ્યો. એ પ્રસંગ સવિસ્તાર કહ્યો. અંતે શ્રીજી મહારાજના લીલા ચરિત્રો સંભારવાથી શાંતિ-આનંદ પ્રાપ્ત થયો. તેવો અનુભવ મુક્તાનંદ સ્વામીને કરાવ્યો.
એના પરથી ગુરૂહરિ પપ્પાજીના લીલા ચરિત્રો અને સ્મૃતિ પ્રસંગોનું ગાન આજની સભામાં થયું હતું. પૂ.અરૂણાબેન પટેલે પ્રાર્થનાથી પ્રભુને ઉપાયભૂત કર્યાના અનુભવ પ્રસંગો કહ્યા હતાં. તથા પૂ.હર્ષદાબેન વીંછીએ યોગીજી મહારાજ–ગુરૂહરિ પપ્પાજીના સ્મૃતિ પ્રસંગ અને કૃપા પ્રસંગની વાત કરી હતી. અંતમાં પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં.
{gallery}images_in_articles//newsletter/2014/sept/21-09-14 B.V.6 P.JASUBEN GROUP AAYOGEN/{/gallery}
(૭) તા.૨૨/૯/૧૪ ના રોજ પૂ.સવિબેન જી. અને બહેનોએ ભાદરવા વદ–૬ નિમિત્તેનું વિશેષ આયોજન ગુરૂહરિ પપ્પાજીથી આખો દિવસ ભર્યા રાખવાનું કર્યું હતું. રાત્રિ સભાની શરૂઆત ‘પરમ ચિંતામણી’ ચેષ્ટાગાનથી થઈ હતી. ‘ચેષ્ટા દર્શન’ બુકમાંથી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ થાય તેવી વિધવિધ રમતનું આયોજન પૂ.કુસુમબેન ગોહિલ અને બહેનોએ કર્યું હતું. આ રીતે કેવળ પપ્પાજીમય બધાને રાખ્યા હતાં.
{gallery}images_in_articles//newsletter/2014/sept/22-09-14 B.V.6 SAVIBEN G. GROUP AAYOGEN/{/gallery}
(૮) તા.૨૫/૯/૧૪ નવરાત્રિ
આજથી નવરાત્રિનો શુભારંભ થયો. નવરાત્રિ એટલે મા શક્તિની આરાધના અને ઉપાસનાનું પર્વ છે. ભારત દેશમાં નવરાત્રિનો ખૂબ મહિમા છે. નવ દિવસ ઉપવાસ, યજ્ઞ તથા રોજ રાત્રે ગરબા–રાસના કાર્યક્રમો ગામોગામ અને શેરીએ શેરીએ થાય છે.
કોઈ ધર્મની નિંદા કર્યા વગર ગુરૂહરિ પપ્પાજીએ દરેક તહેવારને નવો જ વળાંક આપી માનવ શક્તિનો (ભક્તોની શક્તિનો) યથાર્થ ઉપયોગ કરી લઈ પ્રભુમય બનાવે છે. તે ઉત્સવને પોતાના ઈષ્ટદેવના ભજનો સાથે વણી લઈ તે આનંદને બ્રહ્માનંદ બનાવી દે છે. નવરાત્રિના નવેય દિવસ ભજનો ઉપર બહેનો રાત્રે એક કલાક ગરબા–રાસ કરે. સત્સંગી બહેનો પણ નવા વસ્ત્રો પહેરી ગરબે ઘુમવા આવે. મનમૂકી નાચી–કૂદી આનંદ કરી, આરતી કરી, થાળનો પ્રસાદ લઈને જાય ! આ વર્ષે પણ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ A ના સાંનિધ્યે બહેનોએ નવરાત્રિનો આનંદ કર્યો હતો. બહેનોએ બનાવેલા ભજનો, ગાયક અને વાદ્યવૃંદ દ્વારા તૈયાર કરેલી ભજનોની C.D. ઉપર બહેનોએ ખૂબ આનંદ કર્યો. એમાંય ૬ઠ્ઠા નોરતે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ ત્રણ ડાન્સનું આયોજન પણ હતું. દરરોજ બાળકોની ગાડી પણ થાય. પ્રત્યક્ષની સ્મૃતિ સહ ગવાતી આ ગાડી નિહાળવાનો આનંદ પણ ખૂબ આવે.
ભાઈઓએ પણ બે દિવસ પરમપ્રકાશના હૉલમાં પૂ.ઈલેશભાઈ અને સંતોના સાંનિધ્યે ગરબા–રાસનો આનંદ માણ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/sept/25-09-14 navratri prarambh/{/gallery}
(૯) તા.૨૬/૯/૧૪
આજે સંજીવની મંત્રનો પ્રાગટ્ય દિન. ગુરૂહરિ પપ્પાજીએ સ્વહસ્તે લખાયેલ સંજીવની મંત્રને ૪૦ વર્ષ પૂરાં થાય છે. ગૃહી–ત્યાગી સહુ કોઈનેય જીવન જીવવામાં કામ લાગે તેવી આ ૧૦ મુદ્દાની નાની બુકલેટ જીવન દોરી સમાન છે. તેનું આજે અને રોજ મુખપાઠ કરી, જીવન સાથે સરખાવતા જઈ, જીવનમાં વણી લઈ, જીવન બનાવીએ એવા આશીર્વાદ મંગલ સભામાં પ.પૂ.જ્યોતિબેને આપ્યા હતાં.
(૧૦) તા.૨૮/૯/૧૪ સ્વામિ સ્વરૂપ પ.પૂ.મમ્મીજીનો પ્રાગટ્યદિન
આજે પ.પૂ.મમ્મીજીના પ્રાગટ્યદિનની સભા જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની મંગલ સભામાં માહાત્મ્યગાનથી થઈ હતી. પ.પૂ.મમ્મીજીનું જીવન ચરિત્રનું વાંચન કરી, પ.પૂ.મમ્મીજીના માહાત્મ્યગાનમાં પૂ.ડૉ.નિલમબેને લાભ આપ્યો હતો.
ગંગાના નીર જેવું પવિત્ર અને ઊંડું છૂપું જીવન પ.પૂ.મમ્મીજીનુ હતું. છ ગામના પટેલની ખાનદાની, ધીરજ, સમતા અને સુહ્રદભાવ એ પ.પૂ.મમ્મીજીનો મુખ્ય ગુણ હતો. જેવી રીતે કસ્તુરબાએ ગાંધીજીને સાથ આપેલ તે રીતે પ.પૂ.મમ્મીજીએ ગુરૂહરિ પપ્પાજીના જોગીબાપાએ સોંપેલી આ બહેનોની સેવામાં સાથ આપી જીવન જીવી ગયાં. તેના અનેક પ્રસંગો આજની સભામાં સાંભળી ધન્યતા અનુભવી હતી.
{gallery}images_in_articles//newsletter/2014/sept/28-09-14P.MAMMIJI PRAGTYA DIN/{/gallery}
(૧૧) તા.૨૯/૯/૧૪
અમેરિકા, ઈંગ્લેન્ડની ધર્મયાત્રા કરીને પ.પૂ.દીદી ૧૧૮ દિવસે આજે બપોરે પધાર્યાં. પ્રભુકૃપામાં દર્શન કરી, ભાઈઓને મળી, જ્યોત દરવાજે પધાર્યાં. ત્યાં બહેનોએ બેન્ડવાજાથી પ.પૂ.દીદીનું સ્વાગત કર્યું.
પંચામૃત હૉલમાં ત્યારે જ બહેનોની સ્વાગત સભા થઈ. પુષ્પહાર અર્પી ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીનું સ્વાગત કર્યું. પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા તેમાં ટૂંકમાં પ.પૂ.દીદીએ અમેરિકા અને લંડનના સમાજના મહિમાના દર્શન કરાવ્યા અને ગુરૂહરિ પપ્પાજી સાથે જ રહ્યાં જેથી નાની–મોટી કોઈપણ પ્રકારની તકલીફ વગર આજે જ્યોતમાં આવી ગયા. તમોને રોજ મહાપૂજામાં યાદ કરતી હતી. પ.પૂ.દીદી પરદેશ હતાં તે દરમ્યાન ‘મહાપૂજા અભિયાન’ નું આયોજન થયું. તે અંગે પ.પૂ.દીદીએ પ્રસન્નતા દાખવી. પૂ.બકુબેન અને પ્રકાશનનાં બહેનો તથા સર્વે બહેનો પર રાજીપો બતાવ્યો. સર્વ વતી પૂ.બકુબેનને, પૂ.અનુરાધાબેન, પૂ.હીનાબેન વ્યાસ, પૂ.કુસુમબેન ગોહિલ, પૂ.ગીતાબેન પટેલને પ્રસાદીનો પુષ્પહાર પહેરાવી રાજીપો બતાવ્યો હતો. પૂ.બકુબેને મહાપૂજા સુવર્ણ પર્વની મહાપૂજાના કાર્યક્ર્મ અંગે અહેવાલ આપી પ.પૂ.દીદીને પ્રાર્થનાભાવ અર્પણ કર્યો હતો. આમ, સ્વાગત સભા માહાત્મ્યભાવોથી સંપન્ન થઈ હતી.
{gallery}images_in_articles//newsletter/2014/sept/29-09-14P.DIDI WEL COME TO INDIA/{/gallery}
(૧૧) તા.૨૯/૯/૧૪ પૂ.પારૂલબેન જોષી પ્રભુ સાંનિધ્યે બિરાજી ગયા.
જેમનો જન્મ મા શારદામણિના કૂખે થયો. જેમની ગળથૂથી અને છઠ્ઠી સત્સંગમાં મંડાણી એવા પૂ.પારૂલબેન પૂ.શારદાબેન લીલાધરભાઈ ઉનડકટની સુપુત્રી અને જોષી કુટુંબમાં પરણેલ પૂ.પારૂલબેન સંજયકુમાર જોષી તા.૨૯/૯/૧૪ના રોજ ૪૫ વર્ષની ઉંમરે અક્ષરધામ નિવાસી થયા છે.
કહેવાય છે ને કે કેટલું જીવ્યા એ અગત્યનું નથી. પણ કેવું જીવ્યા એ અગત્યનું છે. નાનપણથી સત્સંગના સંસ્કાર હતાં. માત–પિતાની ખૂબ વહાલસોયી દીકરી પારૂલને નાનપણથી ડાયાબિટીસ હતો. ઘણી તકલીફો સાથે પણ દેહથી જુદા રહી કાયમ હસતી આનંદસભર રહી છે. ગુરૂહરિ અને ગુરૂ પ.પૂ.દેવીબેનનો રાજીપો હંમેશાં એમના ઉપર રહ્યો છે. અંત સમયના દિવસોએ પૂ.દેવીબેન લંડન પહોંચી ગયાં હતાં અને સહુને ખૂબ બળ પૂર્યું હતું.
દૂધમાં સાકર ભળે તેમ જોષી કુટુંબમાં ભળી ગયા હતાં અને પૂ.સંજયભાઈ અને જોષી કુટુંબ પણ આ સત્સંગ સમાજનો પ્રેમ પામ્યા છે. તેનો સેતુ પૂ.પારૂલબેન પણ બન્યા છે. તેમનું વર્તન હંમેશા સુહ્રદભાવવાળું રહ્યું છે. નાની ઉંમરે ઓચિંતી બિમારીના નિમિત્ત બની પ્રભુ ચરણે પહોંચી ગયા.
હે પપ્પાજી ! એમના સગા–સંબંધીને એમની ગેરહાજરીનો વિયોગ સહન કરવાનું ખૂબ બળ
આપજો. તથા પૂ.પારૂલબેનનું ચૈતન્ય આ સત્સંગમાં જ્યાં હોય ત્યાંથી પ્રગતિને પામે. એવી સૌ જ્યોતના બહેનોની–હરિભક્તોની પ્રાર્થના સ્વીકારવાની કૃપા કરશો. પૂ.પારૂલબેનને અમ સહુની શ્રધ્ધાંજલિ છે. અસ્તુ.
આમ, આખું પખવાડિયું ભાદરવા વદ–૬ નિમિત્તેના વિધવિધ આયોજન અને નવરાત્રિની રમઝટ સાથે ભક્તિમય પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.