સ્વામિશ્રીજી
કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !
અહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીની ૧૦૦મી પ્રાગટ્ય તિથિ ભાદરવા વદ–૬ લઈને આવેલું છે. તો ચાલો તા.૧૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.
(૧) તા.૨૧/૯/૧૬ ભાદરવા વદ–૬ ગુરૂહરિપપ્પાજી પ્રાગટ્ય તિથિ
ઈ.સ.૨૦૦૧ની સાલમાં ભાદરવા વદ–૬ હતી. ગુરૂહરિ પપ્પાજી જ્યોતમાં પધાર્યા. પૂ.લીલાબેને પપ્પાજીને કળીનો હાર અર્પણ કર્યો. પપ્પાજીએ એ હાર આનંદબ્રહ્મ કમિટિના હેડ પૂ.જૂલીબેનને આપ્યો અને કહ્યું કે,“અનંતકાળ સુધી ભાદરવા વદ–૬ ઊજવજો.”એ સ્મૃતિ સાથે ગુણાતીત જ્યોતમાં વિધવિધ આયોજન થયા તે સ્મૃતિ જોઈએ.
* આજે વહેલી સવારે સહુ બહેનોએ પ્રભુકૃપામાં પાયલાગણ કર્યા અને ગુરૂહરિના ચરણે પ્રાર્થના ધરી કે, હે વહાલા પપ્પાજી ! “જે ક્ષણથી આપે માન્યું, સ્વીકાર્યું, અપનાવ્યું કે,“હું જોગીનો પ્રકાશ’તે ક્ષણથી જ આપની હરેક અવસ્થામાં જોગી’સિવાય કાંઈ નહીં. જાગ્રત–સ્વપ્નમાં જોગી, નિદ્રા–તંદ્રામાં જોગી, હરતાં–ફરતાં, ઉઠતાં–બેસતાં, ખાતાં–પીતાં, કહેતાં–વિચારતાં, રોમરોમમાં, કણકણમાં, ક્ષણેક્ષણમાં એક જ મરજી, યોગી મરજી અને યોગી આજ્ઞા…ને એમાં જોગીબાપાએ કહ્યું, “બહેનો ભગવાન ભજે તો શું ખોટું ?” ને એક જ આજ્ઞામાં આપણે સહુ ફાવ્યા ને ધન્ય બન્યાં. આપણે તો પ્રભુ પ્રાગટ્ય એ જ ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી સહુ માટે.
અહોહો ! આવી ભાદરવા વદ–૬ ઊજવીએ જન્મોજનમ બસ એક જ રટણા રાખીએ..
આપના અભિપ્રાયમાં ભળવું એ જ અમારી પરાભક્તિ…
* ઈ.સ.૨૦૦૪ની સાલમાં પૂ.અર્ચનાબેન ઝાલાવાડીયા અને જ્યોતના બહેનો સૌરાષ્ટ્રની પંચતીર્થી કરવા માટે ગયા હતાં. તેઓ ગુણાતીતાનંદ સ્વામીનું જ્ન્મ સ્થાન ભાદરાના દર્શન કરવા ગયા. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ખેતરમાં પાવડો લઈને કામ કરતાં હતાં અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી શું કરવા આવ્યા છો? અને શું કરી રહ્યા છો ? અને તરત જ સ્વામીએ ગઢડાની વાટ પકડી. એ સ્મૃતિ સ્થાનનાં તેઓએ દર્શન કર્યા.
{gallery}images_in_articles//newsletter/2016/Sept/21-09-16 BHADARVA VAD 6{/gallery}
તે ખેતરમાં થોડો કપાસ (રૂ) હતો. અર્ચનાબેને પ્રસાદીના મહિમાથી થોડું રૂ લીધું. આવ્યા બાદ બ્રહ્મવિહારમાં તેમણે ગુરૂહરિ પપ્પાજીને બતાવીને કહ્યું કે, પપ્પાજી ભાદરાથી હું આ રૂ લાવી છું. પપ્પાજી કહે, ધણીને પૂછીને લાવી છું ? તેમણે કહ્યું, પપ્પાજી ! ધણીના ધણી તો તમે છો ! તમારા માટે લાવી છું.” ગુરૂહરિ પપ્પાજી રાજી થયા. અને તે રૂ પર પોતાના કરક્મલ મૂકીને કહ્યું કે,“મારા ૧૦૦મા જન્મદિવસે આ રૂની દીવેટ બનાવી ૧૦૦ દીવાની આરતી કરજો.”
ગુરૂહરિના એ વચનોને પૂ.અર્ચનાબેને આજે ૧૨ વર્ષ પછી સાકાર કર્યા. અને એ સનાતન સ્મૃતિ સાથે આજે સવારે ૬.૦૦ વાગ્યે અક્ષરકુટીરમાં ૧૦૦થી પણ વધારે બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની આરતી કરી હતી. અને એ આરતીનો પ્રકાશ આપણા સહુના અંતરને અજવાળતો રહે એવી પ્રાર્થના ગુરૂહરિના ચરણે ધરી હતી.
* સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ભાદરવા વદ–૬ નિમિત્તેની સભા પપ્પાજી હૉલમાં સહુ પ્રત્યક્ષ સ્વરૂપોના સાનિધ્યે કરી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં.
* અમદાવાદ મંડળના સ્વ.પૂ.ધીરૂભાઈ ભાવસારે ગુરૂહરિ પપ્પાજીને એક વખત કહ્યું કે પપ્પાજી ! અમને તમારો જન્મદિવસ ઊજવવાની તક આપો. ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે ભાદરવા વદ–૬ ઊજવજો. ત્યારથી અમદાવાદ મંડળ ભાદરવા વદ–૬ ગુરૂહરિ પપ્પાજી પ્રાગટ્યદિન ઉજવે છે.
આ વખતે ૧૦૦ મો પ્રાગટ્યદિન હોવાથી સ્વરૂપો, બહેનો, ભાઈઓ, ગૃહસ્થો એમ બધા મળીને કુલ ૧૩૦ જેટલા મુક્તો આ સમૈયા માટે અમદાવાદ ટાગોર હૉલ ખાતે ગયા હતા. આધુનિક ટૅકનોલોજી મલ્ટીમિડીયા શૉ અને સાંસ્કૃતિક કાર્યક્ર્મ દ્વારા ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્ય, અનુભવ દર્શન અને જીવન દર્શનને ખૂબ સુંદર રીતે સ્ટેજ પર રજૂ કર્યું હતું.
અમદાવાદ મંડળના મહંત શ્રી પૂ.ઈન્દુબેનના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. ધન્યવાદ છે અમદાવાદના મહંતશ્રીને અને માહાત્મ્યસભર એવા તેમના મંડળના મુક્તોને ! અને જેમની પ્રેરણા વગર આ કશું જ શક્ય નથી. એવા ગુરૂહરિ પપ્પાજીને તેમના ૧૦૦ મા પ્રાગટ્યદિને અનંત કોટિ ધન્યવાદ અને કોટાનકોટિ પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !
(૨) તા.૨૫/૯/૧૬ પ.પૂ.મમ્મીજી પ્રાગટ્ય દિન
સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પૂ.મમ્મીજીના ૧૦૦મા પ્રાગટ્યદિન નિમિત્તેની સભા પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.
પૂ.મમ્મીજીના માહાત્મ્ય અને જીવન દર્શનને વિસ્તૃત રીતે આપે વેબસાઈટ પર વિડીયો ક્લીપ્સ દ્વારા માણ્યું હશે. તેથી અહીં વિરમું છું.
(૩) જ્યોતમાં રોજ સવારે મંગલ દર્શનની સભા થાય છે. તેમાં રોજ કોઈ સદ્દગુરૂ સ્વરૂપ કૃપાલાભ આપે છે.૨૬/૯ના રોજ પૂ.તરૂબેને એક ર્દષ્ટાંત આપીને જીવન જીવવાની સૂઝ આપી હતી તે અહીં જોઈએ.
એક બાવો હતો. તે એવા સંત હતા કે ક્યાંય લેવાઈ ના જાય. ક્યાંય બંધાઈ ના જાય. ત્યાગ–વૈરાગ્યયુક્ત સો ટકા એનું જીવન હતું. તેથી ગામના લોકોને થયું કે આ બાવાને એની સાધનામાંથી પાડવો છે. ગામના લોકોએ અનંત ઉપાયો કર્યા. પણ એ બાવો કશાયમાં લેવાયો નહીં.
{gallery}images_in_articles//newsletter/2016/Sept/25-09-16 P.P.Mummiji shatabdi sabha{/gallery}
એટલે તે લોકોએ ગામના રાજાને કહ્યું કે આ બાવાને એની સાધનામાંથી ચલિત કરવો છે. તેની પરીક્ષા લો. રાજાએ બહુ વિચાર્યું. પછી એક સોનાની તલવાર લઈને તે બાવા પાસે ગયો અને કહ્યું, “આ મારી તલવાર સાચવશો.” થોડા વખત પછી હું લઈ જઈશ. બાવાએ સેવાની ભાવનાથી હા પાડી. પછી એક વખત બાવાને ભિક્ષા માટે બહાર જવાનું થયું તો એને થયું હવે તલવાર ક્યાં રાખું ? ઘરમાં સંતાડીને રાખી પણ ચિંતવન તલવારનું થયા કરે. કોઈ લઈ તો નહી જાય ને ? એક વખત તેને જંગલમાં લાકડા લેવા જવાનું થયું તો સાથે લઈ ગયો. પોતાની કુહાડીથી લાકડા કાપવામાં તકલીફ પડી તો તેને થયું તો લાવને આ તલવારનો જ ઉપયોગ કરું. અને તેનાથી લાકડા સહેલાઈથી કપાઈ ગયા. આ તો સરસ છે. પછી તેની મતિ ફરી ગઈ. લાક્ડા કપાય છે તો બિલાડીને પણ મારું. એમ કરતાં કરતાં માણસોને પણ તે કાપવા માંડ્યો. અને સાધનામાંથી પડવા લાગ્યો. પછી એક વખત રાજા આવ્યા અને કહે લાવ મારી તલવાર. અને ના છૂટકે તલવાર આપી. તેણે કોઈ ગુરૂ નહોતા કર્યા તેથી સાધનામાંથી પાછો પડી ગયો.
ગુરૂહરિ પપ્પાજીએ તો આપણને એવા ગુરૂઓની પ્રાપ્તિ કરાવી છે. જે હેતુસર આપણે અહીં આવ્યા છીએ તે સફળ થવું જોઈએ. આપણું લીકેજ પકડવું અને તેમાં પપ્પાજીના ચિંતવનથી ડાટો મારી દેવો. મારી અખંડવૃત્તિ પપ્પાજીમાં રહે છે ? ‘નિશાન ચૂક માફ, નહી નિશાન નહી માફ.’ અંતરમાં બેઠેલા પપ્પાજીને પૂછીને પગલું ભરવું. પપ્પાજી સામે લક્ષ રાખીશું તો એક જ પ્રાર્થના થશે. હે પપ્પાજી ! તમારું જેવું છે તેવું સ્વરૂપ ઓળખાવજો.
આ પખવાડીયા દરમ્યાન ખૂબ ઓછા સમૈયા પણ એક સમૈયા દ્વારા પણ આપણે સનાતન સ્મૃતિનું ભાથું મળી રહે એવી ભાદરવા વદ–૬. ગુરૂહરિ પપ્પાજી કહેતાં સ્મૃતિને વાગોળ્યા કરજો. એવી રીતે સ્મૃતિને વાગોળ્યા કરીએ. અને પપ્પાજીની સ્મૃતિમાં રત રહ્યા કરીએ. એવું જીવવાનુ ગુરૂહરિ પપ્પાજી આપણને ખૂબ ખૂબ બળ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !