16 to 31 Aug 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા. ૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧૭/૮/૧૯

 

આજે રાજકોટ મંડળના ગૃહસ્થ ભાભીઓ રાજકોટથી પંચતીર્થી કરવા નીકળ્યા. ગઢડા, સારંગપુર, કુંડળ, વડતાલ, ડભાણ મંદિરોમાં દર્શન કરી ગુણાતીત જ્યોતના દર્શન કરવા પધાર્યા. રાત્રિ રોકાણ કર્યું. સવારે પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા કરવા માટે ગયા. ત્યાંથી આવ્યા બાદ પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે સભા કરી. સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, એક ભગવાનને જ રાખતા થઈશું તો બધા પ્રોબ્લેમ સોલ થઈ જશે. પ્રોબ્લેમ જ નહીં રહે. આપણે ને પ્રભુ બે જ રહેવાનું છે. ગુણાતીત જ્ઞાનનું નવનીત ને પંચામૃત પ્રમાણે બધાએ જીવવાનું છે. પ્રભુને રાખતા થઈ જઈએ તે અગત્યનું છે. તેમાં બધું જ્ઞાન આવી ગયું. ભગવાનને ધારીને જીવીએ તો પ્રભુ આપણા દાસ થઈને રહે. એવી જાતનું જાગ્રતતા-જાણપણું રાખતા થઈ જઈએ. તમારામાં શક્તિ તો બહુ જ છે. શુધ્ધ ચૈતન્ય બ્રહ્મ બનાવવા છે. એવા સર્વોપરી પ્રભુ મલ્યા છે. 

 

ત્યારબાદ પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, તમને બધાને આ સંબંધ થયો છે. ર્દષ્ટિમાં લીધા છે. તો હવે તમારા બધાની જવાબદારી વનીબેનની છે. એમના ચરણોમાં પડી રહેજો. આઘાપાછા નહીં થતા. પતિવ્રતાની ભક્તિ કરજો. તમે બધા ગૃહસ્થોની આચાર સંહિતા પ્રમાણે જીવજો. જે કમાતા હોવ તેમાંથી દસમો-વીસમો ભાગ મંદિરમાં આપજો. તમારા હૈયામાં સુખ-શાંતિ રહેશે. હવે તમારું કામ થયું પૂરું, હવે કરશે બધું ગુરૂ. ધણી-છોકરા, મા-બાપ બધું રાખજો. વ્યવહાર કરજો. પણ ભગવાનને રાખીને બધું કરજો. આપણા ધર્મ-નિયમ પ્રમાણે વર્તજો. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તજો. તો પ્રાપ્તિ થશે. સભા બાદ નડિયાદ મંદિરે દર્શન કરવા ગયા. અને ત્યાં મહાપ્રસાદ લઈ રાજકોટ જવા માટે નીકળ્યા. 

 

(૨) તા.૨૨/૮/૧૯ સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.સવિબેન જી. નો સ્મૃતિદિન

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે.

આજે સદ્દગુરૂ સ્વરૂપસવિબેન જી. નો સ્મૃતિદિન હતો એટલે એ નિમિત્તે પહેલા ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધાં. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, ખરેખર યોગીજી મહારાજની કૃપા. એમણે પૃથ્વી પર અક્ષરધામ ખડું કરી દીધું. નાના-મોટાનો મેળ નથી. 

 

જેની નિષ્ઠા સર્વોપરી, ઉપાસના સર્વોપરી એ મોટો. આપણને શ્રીજીની ઉપાસના છે. એટલે કોઈનાય અભાવ-અવગુણમાં પડીએ નહીં. હવે મુક્તનું માહાત્મ્ય સમજીને સેવા કરીએ તો અંતરમાં સુખ, શાંતિ રહેશે. 

 

ત્યારબાદ પૂ.સવિબેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા. કોઈ દા’ડો કોઈની સરખામણી કરવી નહીં. દરેકે દરેકની પ્રકૃતિ ને જેવું જેનું પ્રારબ્ધ તે પ્રમાણે ભગવાન આગળ લેતા હોય. આપણે મનથી એટલું જ વિચારવાનું છે કે, મારા માટે જેવી જરૂરિયાત હશે તે ઓટોમેટીક આવીને મને મળશે. 

 

પ્રસંગો તો આવે, તેમાં હું મૂકી દઈશ તો મને અંતરમાં સુખ રહેશે. ગુરૂહરિ પપ્પાજીને ના ગમે એવું નથી જ કરવું. માહાત્મ્યેયુક્ત સેવા ને ભજનથી આપણને બળ મળશે. અને રૂપાંતર સરળતાથી થઈ જશે. 

 

ત્યારબાદ પૂ.રમીબેને પૂ.સવિબેનના માહાત્મ્યગાનમાં લાભ આપતાં કહ્યું કે, પૂ.સવિબેને જાગ્રત રહીને સાધના કરી છે. ખપ, ખટકો ને ગરજ રાખ્યાં તો સખત બુધ્ધિશાળી હતાં, પણ જ્યોતિબેનનું જ્યાં વચન આવે ત્યાં મૂકી દે. 

 

હું મારી રીતે સાધના કરતી હોઉં પણ કોઈ મુક્ત કાંઈ સૂચન કરે તો મૂકી દેવું. સામાની રીતની માન્યતા આપવી પણ મારી રીત મારે મૂકી દેવાની. બધાની સાથે સુહ્રદભાવ રાખીશું તો આપણને નિર્દોષબુધ્ધિ દ્રઢ થઈ જશે. આપણને અસલી ગુણાતીત સાધુ બનાવવા છે. આપણને ભગવાનથી ભર્યા રાખવાની ટેવ રાખવાની છે. અંદરોઅંદર એકબીજા સાથે સુહ્રદભાવ રાખીને જીવવાનું છે. સુહ્રદભાવભરી પ્રાર્થના કરવાની છે. 

 

(૩) તા.૨૩/૮/૧૯ પ.પૂ.દેવીબેનના હીરક સાક્ષ્રાત્કાર દિનની સ્થાનિક ઉજવણી

 

આજે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ પ.પૂ.દેવીબેનના હીરક સાક્ષાત્કારદિનની ઉજવણી જ્યોતના

બહેનોએ કરી હતી. સદ્દગુરૂ સ્વરૂપોને હાર અર્પણ કર્યા. ત્યારબાદ સ્વાગત નૃત્યમાં ભાવ ધર્યા. પ.પૂ.દેવીબેનને હસતાં હસતાં સાધકોને આપેલી સૂઝના પ્રસંગોને સ્ટેજ પર અભિનય દ્વારા ખૂબ સરસ રીતે રજૂ કર્યા હતા. એક પ્રસંગ રજૂ થાય. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.દેવીબેનને આપેલ આશિષ સ્ક્રીન પર રજૂ થાય. આમ, અભિનય અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ખૂબ સુંદર રજૂઆત કરી હતી. અંતમાં કેક કર્તન કર્યું હતું. ત્યારબાદ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

(૪) તા.૨૪/૮/૧૯ જન્માષ્ટમી – પ.પૂ.દેવીબેનના હીરક સાક્ષાત્કારદિનની જાહેર ઉજવણી

 

૧૯૫૯ થી ૨૦૧૯, ૬૦ વર્ષની જીવન યાત્રાનો મહાપર્વ ઘર આંગણે આવ્યો. એ સ્મૃતિ કરીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ પોતાનો સાજ લઈ પધાર્યા. એ શું ? એનું દર્શન આપણે સહુએ માણ્યું.

 

સાધનાની શરૂઆતમાં જ પપ્પાજીએ કહ્યું, ઘેર શું મેથીના દાટ્યા છે ? ને દરવાજેથી તરત જ માન્યતા મૂકી પાછા વળી ગયા. પપ્પાજીએ કહ્યું, આ મંગુ બોલે છે ? ને તરત ઘર તરફ પ્રયાણ. એમનું આવન-જાવન પ્રભુ પ્રીત્યર્થે જ. તારદેવનો દાદરો ચડ્યાં ને ‘હું ઘરની દાસી છું.’ સારધાર જીવન જીવ્યાં ને પપ્પાજીના ઉદ્દગાર સરી પડ્યા. “ આ દેવીએ મને કદી ય ઓશિયાળો નથી કર્યો.”

 

આવા દેવીબેનનાં ભૂલકાંઓને પ્રેમપાલવડે બાંધી જતન કર્યું. હસતાં-રમતાં સત્યના ઘૂંટડા પીવડાવ્યા. એવા સ્નેહલ સ્વરૂપ જ્યોતિર્મયી જ્યોતને લાખ લાખ વંદન કરીએ. 

 

આપની સુહ્રદ ભક્તિ, આપની કરૂણા અમ પર સદાય વરસતી રહે એ જ પ્રાર્થના.

એવા પ.પૂ.દેવીબેનના હીરક સાક્ષાત્કારદિનની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.

 

આ સભાનાં લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ પર માણ્યાં હશે. તેથી અહીં વિરમું છું.

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં જન્માષ્ટમી નિમિત્તે સભા કરી. શ્રીહરિના પ્રાગટ્યના ભજનો ગાયાં. પ્રભુ પ્રાગટ્યની આરતી કરી. પ્રસાદ લઈ સહુ મુક્તો વિસર્જીત થયા. 

{gallery}images_in_articles/newsletter/2019/Aug/24 25 p.deviben hirak parve sabha{/gallery}

 

(૫) તા.૩૦/૮/૧૯ પારાયણની પૂર્ણાહુતિ

 

શ્રાવણ મહિનામાં રોજ સાંજે ૪.૩૦ થી ૫.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ‘વચનામૃત’ અને ‘પરમ અમૃત’ પુસ્તકનું પારાયણ થતું હતું. આજે શ્રાવણ મહિનો પૂરો થતો હોવાથી પારાયણની પૂર્ણાહુતિ કરી હતી. પારાયણની પૂર્ણાહુતિ બાદ પૂ.હંસાબેન ગુણાતીતે લાભ આપ્યો હતો. યોગીજી મહારાજ મુંબઈમાં શ્રાવણ મહિનામાં જ પધારે. પારાયણ પૂરું થાય પછી બધાનું પૂજન કરવાનું હોય. ગુરૂહરિ પપ્પાજીએ યોગીજી મહારાજનું પૂજન કર્યું. જે મુક્તોએ આગલા દિવસે પપ્પાજીનું અપમાન કર્યું હતું તે મુક્તોનું પૂજન પણ જે ભાવથી યોગીજી મહારાજનું પૂજન કર્યું હતું એવા જ ભાવથી બધા હરિભક્તોનું પૂજન કર્યું.

 

ગુરૂહરિ પપ્પાજીએ પોતાના વર્તનથી આપણને બધું શીખવાડ્યું છે. મહારાજના સંબંધવાળાને મારું સ્વરૂપ માનીને એની સાથે જીવો. અંદરોઅંદર એવું માહાત્મ્ય સમજીને સેવા કરો, એ કરાવવું છે. ગુરૂહરિ પપ્પાજીની જે વાતો આપણે સાંભળી છે. તેવું આપણે વર્તન કરવું છે. આપણે પ.પૂ.જ્યોતિબેનની સ્મૃતિ સહ આ પારાયણનું આયોજન કર્યું. તેમાં આપણે ભળ્યા ને કેમ કરીને  આ સ્વરૂપો રાજી થાય એ જ આપણી ભાવના છે. તારદેવમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન બધાં બહેનો આવું જીવન જીવી ગયાં. પારાયણની ફલશ્રુતિ એ જ છે કે, આપણે બધા પણ એવું માહાત્મ્યસભર જીવન જીવી લઈએ.

 

(૬) તા.૩૧/૮/૧૯ 

 

સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં અમદાવાદના હરિભક્ત પૂ.દર્શનાબેન અને પૂ.અખિલેશભાઈ એક વર્ષ માટે અમેરિકા-કેનેડા જવાના હતા. તેથી તેમને  ‘ગુણાતીત સૌરભ’નુ વ્રત સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે આપ્યું હતું. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત સ્વરમાં વ્રતધારણનો સંકલ્પ કરાવ્યો હતો. પૂજા-માળા અને બેજ સ્વરૂપોએ અર્પણ કર્યા હતાં. પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. અને પૂ.નરસીફુવાએ પણ લાભ આપ્યો હતો. 

 

સાંજે ૪.૩૦ થી ૭.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં પ.પૂ.બેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. સ્વાગત ભાવાર્પણ બાદ અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં જ્યોતના બહેનો-ભાઈઓ અને હરિભક્તોએ લાભ આપ્યો હતો.

આ સભાના લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ પર માણ્યા હશે. તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles//newsletter/2019/Aug/31-08-19 P.P.BEN SWARUPANUBHUTIDIN1{/gallery}

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. ફરી મળીશું ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની ઉજવણીની સ્મૃતિ સાથે. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. સભામાં પધારી સહુને દર્શન-આશિષનું સુખ આપે છે. અત્રેના સર્વે સ્વરૂપો-મુક્તો વતી આપ સહુને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !