16 to 31 Dec 2014 – Newsletter

                                        સ્વામિશ્રીજી                              

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ૨૦૧૪ના છેલ્લા પખવાડિયા દરમ્યાન જ્યોત-જ્યોતશાખા અને સમાજમાં ઉજવાયેલ સમૈયા તથા વિશેષ કાર્યક્ર્મની સ્મૃતિ પણ માણીશું.

(૧) તા.૧૮/૧૨/૧૪ સ્વામિનારાયણ મંત્રનો તિથિ મુજબનો પ્રાગટ્યદિન માગશર વદ-૧૧ ગુરૂવાર

આજે શુભદિન માગશર વદ-૧૧ અને ગુરૂવાર. આજે ભગવાન શ્રી સ્વામિનારાયણે મહામંત્ર આપીને આપણને સહુને ધન્ય કર્યા. આજે જ્યોતની મંગલ સભામાં એ મંત્રદિનની

સ્મૃતિ કરી હતી. ગુરૂહરિ પપ્પાજીની આ દિવસની પરાવાણીનું ધ્વનિમુદ્રિત શ્રવણ કર્યું. તે અનુસંધાને પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ લાભ આપ્યો હતો.

“સ્વામિનારાયણ મંત્ર એટલે આત્મા અને પરમાત્મા. સ્વામી એટલે આત્મા. નારાયણ એટલે પરમાત્મા ! એ આપણને માયિક ભાવમાંથી દિવ્યભાવમાં લઈ જાય છે. એના એ સ્વામિનારાયણ આપણને પ્રત્યક્ષ સ્વરૂપે પપ્પાજી રૂપે મળ્યા. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ગુરૂહરિ પપ્પાજીએ આપણને સ્વામિનારાયણ મંત્રનો મહિમા સમજાવ્યો છે. તે મંત્રની ધૂનથી અનુભવો કરાવ્યા છે.સ્વામિનારાયણ મંત્ર બહુ બળિયો છે.

મહારાજે આ સ્વામિનારાયણ મંત્ર આપ્યો. એ મંત્રને સ્વીકારવામાં એમને બહુ જ સહન કરવું પડ્યું. શાસ્ત્રીજી મહારાજે અટલાદરામાં મંદિર કર્યું. ત્યારે સવાલાખ મંત્ર લખવાના હતા. બધા હરિભક્તો મંત્ર લખવા બેસી જતા. ત્યારે તો આજના જેવા કાગળ કે પેન નહોતાં. શાહીનો ખડિયો હોય અને લાકડાની પેન હોય તે ખડિયામાં બોળી બોળીને લખવાનું હોય તે બધા માહાત્મ્યથી લખતા.

(૨) તા.૨૭/૧૨/૧૪ શનિવાર સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.હંસાબેન ગુણાતીતનો સુવર્ણ સાક્ષાત્કારદિન

પૂ.હંસાબેન ગુણાતીતના સુવર્ણ સાક્ષાત્કારદિનની ઉજવણી તા.૨૭-૨૮ ડિસેમ્બરના રોજ રાખેલ હતી. જ્યોતમાં ચોમેર સુંદર દિવ્યતાસભર ડેકોરેશન અગાઉથી બહેનોએ કર્યું હતું. તથા નાનું એવું પ્રદર્શન પૂ.હંસાબેનના જીવનનું દર્શન કરાવવું. ખૂબ મનન ચિંતવન સાથે પ્લાન કરીને બહેનોએ કર્યું હતું.

જેમાં જીવનદર્શનના સંદર્ભે રમત-ગમત પણ આવરી લીધી હતી. ગમ્મત સાથે જ્ઞાન સ્મૃતિનો બ્રહ્માનંદ સહુ બહેનોએ માણ્યો હતો. વિશેષમાં આ ઉત્સવ નિમિત્તે ‘હ્ર્દય ગુંજન’ નામે પસંદગીના જૂનાં-નવા ભજનોની પુસ્તિકા પ.પૂ.દીદીના હસ્તે અનાવરિત થઈ હતી.

પૂ.હંસાબેન ગુણાતીતના જીવન કવન અને પ્રાર્થના યાચનાના ભજનો બનાવી તેના ઉપર સાંસ્કૃતિક કાર્યક્ર્મની રચના બહેનોએ કરી હતી. રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેનના સાંનિધ્યે સુંદર કાર્યક્ર્મ બહેનોએ રજૂ કર્યો હતો.

“પૂરવની પ્રીત” કાર્યક્રમનું નામ હતું. જે પૂ.હંસાબેનના જીવનને એકદમ અનુરૂપ હતું.

પૂર્વનું એ ચૈતન્ય ! પ્રાગટ્યથી માંડીને સાધના કરીને અને છેક સુધીનું તેમનું જીવન ૧.૩૦ કલાકના કાર્યક્રમમાં ખૂબ સરસ રીતે આવરી લીધું હતું અને સંવાદ તેમજ ભજનો ઉપર ડાન્સ, સમૂહ ડાન્સ, ગરબા દ્વારા આધુનિક સ્ટેપ અને નવી પધ્ધતિથી રજૂ કરાયા હતાં. ધન્યવાદ ! કાર્યક્રમ બાદ પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેન અને પૂ.હંસાબેન ગુણાતીતને કલાકારોને રાજીપો બતાવી આશીર્વાદ આપ્યા હતાં. સહુ મુક્તો પણ આનંદ લઈ આરામમાં પધાર્યા.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/hansaben gunatit golden divine day/{/gallery}

(૩) તા.૨૮/૧૨/૧૪ સુવર્ણ સાક્ષાત્કારદિનની મુખ્ય સભા

સવારે ૯.૦૦ થી ૧.૦૦ ની સભા સંયુક્ત હતી. ૯.૦૦ વાગ્યે સ્વાગત બહેનોએ ખૂબ ભવ્ય રીતે કર્યું. પ.પૂ.જ્યોતિબેન સાથે પૂ.હંસાબેન પંચામૃત હૉલમાં પધાર્યાં. યુવતી મંડળે નાચી-કૂદી હૈયાના ઉમળકાથી સત્કાર્યાં હતાં.

‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એ ન્યાયે પ.પૂ.પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. પૂ.હંસાબેન ગુણાતીત આધ્યાત્મિક સમતામાં પહેલેથી જીવતાં હતાં. અહોહોભાવે માહાત્મ્યેયુક્ત સેવા કર્યા કરી અને જપયજ્ઞ કર્યા કર્યો. પ.પૂ.જ્યોતિબેનનો પડછાયો થઈને શરૂઆતથી જીવ્યા અને ટૂંક સમયમાં ચૈતન્યોને સાચવતા થઈ ગયાં. પ.પૂ.જ્યોતિબેનને સેવી લીધાં અને વ્યાપક સ્વરૂપે જોતા થઈ ગયાં. પ.પૂ.જ્યોતિબેનનું માહાત્મ્ય પૂ.હંસાબેન ગુણાતીત છે. એવી સરસ મહાપૂજા કરે છે. એવા ગુણ બધામાં આવી જાય. અને સુખે સુખે બધા આગળ જઈએ એવી અંતરની પ્રાર્થના.

પૂ.વનિતાભાભી દુબલે (થાન)  સહુ મુક્તોના વતી યાચના કરી અને ગુરૂહરિ પપ્પાજી વ્યાપક સ્વરૂપે આપણી પાસે જ છે તેવો જે અનુભવ થયો તે તેમને કહ્યો. ગુરૂહરિ પપ્પાજીને સંભારી પ્રાર્થના કરીએ તો જ્યાં હોઈએ ત્યાં ગુરૂહરિ પપ્પાજી કામ કરી જાય છે. આજનો અનુભવ કહું તો…

આજે સવારે હું પ્રભુકૃપામાં ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીનાં દર્શને ગઈ. પ્રાર્થના કરતી હતી. જે ગુરૂહરિ પપ્પાજી ‘અમારા હંસાબેનને નિરામયદેહે લાંબુ આયુષ્ય આપજો.’ ત્યાં થોડીવાર પછી પ.પૂ.જ્યોતિબેન અને પૂ.હંસાબેન પ્રભુકૃપામાં દર્શને પધાર્યાં. પ.પૂ.જ્યોતિબેને એટલા સરસ આશીર્વાદ આપ્યા. પૂ.હંસાબેનના માથે હાથ મૂકીને બોલ્યા. ‘સો વર્ષ સાજા-સમા રહેજો.’ તો બસ અમે આવા સ્વરૂપોના ગમતામાં રહીએ. એમને રાજી કરી શકીએ. એમની રૂચિ પ્રમાણે જીવી શકીએ એવી પ્રાર્થના કરી હતી.

પૂ.બીનાબેન તંબોળીએ પૂ.હંસાબેનના જીવનનો એક નાનપણનો પ્રસંગ રજૂ કરીને યાચના કરી હતી કે, ‘પૂ.હંસાબેન જ્યારે ભણતાં હતાં ત્યારે એક વખત રજામાં તેમના માતુશ્રી પૂ.જમનાબેન તેમને ગોંડલ અક્ષ્રરડેરીએ લઈ ગયાં હતાં. પૂ.જમનાબેને ત્યારે પૂ.હંસાબેનને કહ્યું કે અહીં જે સંકલ્પ કરીએ તે સિધ્ધ થાય. પૂ.જમનાબેનની પ્રાર્થના તો હતી કે હંસા ભગવાન ભજે તો સારું. પૂ.હંસાબેન ત્યારે ભગવાન ભજવા તારદેવ આવ્યા. વિદ્યાનગર જ્યોતમાં આવ્યા પછી બાલિકા, યુવતી મંડળની સેવા સોંપી તો સહુનીય ‘મા; બનીને બધાનું જતન કરતાં.

ચિ. કૃતિ તંબોળીએ કાવ્યમય શૈલીમાં ટીંટોડીની વાર્તા કરી સાર કહ્યો. “સંપ ત્યાં જંપ”

પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા. તેઓએ પૂ.હંસાબેનના જીવનનાં દર્શન કરાવી, માર્ગદર્શન સાથે સહુનેય આશીર્વાદ આપ્યા હતા. તેમજ સાધનાપથના સાથીમિત્ર પૂ.દયાબેને પૂ.હંસાબેનના કાર્યનાં દર્શન કરાવી સહુ ભૂલકાંઓ પર રાજીપો બતાવી આશીર્વાદ આપ્યા હતાં.

ચિ.નિધી તંબોળીએ વહેતી નદીના ઉદાહરણે સરસ વાત કરીને બે સારા સાધુ અને ૪ સારા (હરિભક્તોનો) જોગ હોય તો ખોટા રસ્તે ના જઈ શકીએ. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.હંસાબેન જેવા સાચા સાધુનો જોગ છે તો સુખી છીએ એવી વાતો કરી.

પૂ.નંદુભાઈ વીંછી, પૂ.દેવેન્દ્રભાઈ, પૂ.નીરવભાઈ ખત્રી આદિ મુક્તોએ તેમજ પૂ.વજીબેન (જ્યોતનાં બહેન) સર્વએ પોતાના અનુભવ કહીને પૂ.હંસાબેનનું માહાત્મ્યગાન કર્યું હતું.

પ.પૂ.જ્યોતિબેન અને પૂ.હંસાબેને અંતમાં ખૂબ વિગતે પ્રસંગો કહીને આશીર્વાદ આપ્યા હતા. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનનું કાર્ય એટલે પૂ.હંસાબેન ગુણાતીતનું જીવન ! તે ખૂબ જ વિશાળ છે, એવું દર્શન થઈ રહ્યું છે.

(૪) તા.૨૮/૧૨/૧૪ ‘સુહ્રદમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’. આત્મીય વિદ્યાધામ સંકુલ (બાકરોલ)

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી નિર્મિત શિખર બધ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે સભા હતી. જેમાં જ્યોતમાંથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને જ્યોતના ૧૦૦ બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓએ તથા ગુણાતીત સૌરભના સ્થાનિક હરિભક્તોએ લાભ લીધો હતો.

સવારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ હતો. સાંજે પ્રતિષ્ઠાવિધિ અને આરતી બાદ સભા હતી. મંદિરના દર્શન કર્યા. ખૂબ પ્રભાવશાળી આરસની મૂર્તિઓ વડતાલ જેવા જ આકારના મંદિરમાં બિરાજમાન થઈ હતી. ત્યાં યુવકો માટેની હૉસ્ટેલ અને સભાનો હૉલ હતો. જેમાં ૩૦૦ યુવાનો અઠવાડિક સભા ભરે છે વગેરે કાર્યનાં દર્શન પૂ.વિઠ્ઠલફુવાએ કરાવ્યા અને પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા.

(૫) તા.૩૧/૧૨/૧૪ શનિવાર

ઈ.સ.૨૦૧૪ના વર્ષનો આ છેલ્લો દિવસ અને ‘સ્વામિનારાયણ મંત્ર’ પ્રાગટ્યદિન.

આજે જ્યોતમાં મંગલસભામાં ગુરૂહરિ પપ્પાજીની ધ્વનિ મુદ્રિત પરાવાણીનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંત્રથી કાળા નાગનું ઝેર ના ચડે. એ વાત ઉપર પૂ.ગંગાબાને ઝેરી સાપ કરડ્યો હતો અને પૂ.કાશીબાએ ધૂન્ય કરાવી તો ઉતરી ગયો. તેવું જ પ.પૂ.યોગીજી મહારાજને ગોંડલ કાળો સાપ કરડેલો તો શાસ્ત્રીજી મહારાજે અક્ષરડેરીમાં ધૂન કરાવી તો ઝેર ઉતરી ગયું હતું. આવા પ્રેક્ટીકલ ઉદાહરણ સાથેની પરાવાણી વહાવી હતી તેનું શ્રવણ કર્યું. તે સંદર્ભે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેન અને પ.પૂ.દીદીએ લાભ આપ્યો હતો. તથા પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિની આસપાસ ચોમેર સુંદર દીવાઓથી પૂ.જીતુભાઈ અને ભાઈઓએ ડેકોરેશન કર્યું હતું.

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી અનુસંધાને ૧૦૦દીવાનું ડેકોરેશન કર્યું હતું. જેમાં ઈ.સ.૨૦૧૪ને ‘Good bye’ અને ૨૦૧૫ના વર્ષને ‘Welcome’ પણ આવરી લીધાં હતાં.

રાત્રે ૧૨.૦૦ વાગ્યે ૧૨ ડંકા મારી ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે મિલેનીયમ ઉજવેલ તે સ્મૃતિ તાજી કરાવી હતી. તથા લાડુનો થાળ જમાડી, થાળ આરતી બહેનોએ કર્યાં હતાં. ત્યારબાદ પ.પૂ.દીદી, પૂ.માયાબેને આશીર્વાદ લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીની વચનસ્મૃતિ સંપ, સુહ્રદભાવ અને એકતા વિષે આપ્યો હતો.

આમ, અડધી રાત્રે અંગ્રેજી નવા વર્ષના જય સ્વામિનારાયણ અન્યોન્ય કહીને નવા વર્ષનો આનંદ પણ માણ્યો હતો. સર્વે મુક્તોને નવા વર્ષના જય સ્વામિનારાયણ.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/swaminarayan pragtya din sabha and dhun/{/gallery}

(૬) ‘આત્મીય યુવા મહોત્સવ’

હરિધામની ધરતી પર પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ ખૂબ જ ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું. ચાર દિવસનો આ મહોત્સવ હતો. તા.૩૧/૧૨/૧૪ સાંજે ૫.૦૦ થી ૮.૦૦ મહોત્સવ ઉદ્દઘાટન નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્ર્મ ખુલ્લા મેદાનમાં હતો. ૧લાખ રંગીન ફુગ્ગા ઉડાડી અને નાના ધ્વજ લહેરાવી સ્વામીજીનું સ્વાગત કર્યું. ગુરૂહરિ પપ્પાજીનું સૂત્ર છે કે ‘ઘર અને દેહને મંદિર બનાવો.’ તે મુજબ આજના આ કાર્યક્રમમાં ૯૦૦ યુવકોએ ભાગ લીધો હતો. સૂર્યદેવ-ચંદ્રદેવના સંવાદ દ્વારા માનવને ચૈતન્ય મંદિર બનાવવાની રીત દર્શાવી હતી. સ્વધર્મ, સેવા, નિષ્ઠા, આત્મીયતા અને દાસત્વની જ્ઞાનવાતોને કાર્યક્રમમાં વણીને અદ્દભુત શીખ આબાલ વૃધ્ધની સમજમાં આવે તેવી રીતે રજૂ કરી હતી. જેના મધ્યબિંદુ પ.પૂ.સ્વામીજીને રાખી સ્વરૂપનિષ્ઠાનો દોર મજબૂત રાખી આનંદ સાથે જ્ઞાન આપતો કાર્યક્ર્મ ખરેખર ખૂબ સરસ રીતે રજૂ કરાયો હતો. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું સ્વાગત અદ્દભૂત કાર્યક્ર્મ ઓપનીંગ સેરેમની રૂપે રજૂ થયું હતું.

વિદ્યાનગરથી ૧૫૦ બહેનોએ કાર્યક્ર્મ દર્શન માટે હરિધામ જઈ ભાગ લીધો હતો. અસંખ્ય હરિભક્તો એકત્રિત થયા હતા. તા.૧, ૨, ૩ મહોત્સવની સભાઓમાં પણ બહેનો હરિધામ ગયાં હતાં. આધુનિક ટેકનોલોજીની સુગમતા દ્વારા ચારેય દિવસ જ્યોતમાં ઈન્ટરનેટ થ્રુ સ્ક્રીન પર પંચામૃત હૉલમાં બેસી હરિધામના સમૈયાનો લાભ લીધો હતો.

દરરોજ સવાર-સાંજ બે સભાનું આયોજન થયું હતું. ખૂબ ભવ્ય મુક્ત મેદનીના દર્શન થતાં હતાં. પૂર્ણ શિસ્ત, અસાધારણ ક્લ્યાણનો ખપ, મુમુક્ષુતા જાગ્રત કરવાનું કાર્ય પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ અથાગ શ્રમ કરી, સંતો અને અંબરિષ કાર્યકર મુક્તો દ્વારા કર્યું છે. ભારતના મહાન સંતો કે રાજકારણ નેતાઓ વારાફરતી આ સભામાં આવ્યા. અને તેઓએ દર્શન કરી આપ મેળે આ સમાજની શિસ્તનાં વખાણ દરેકે કર્યા હતાં. અને તેઓનો ખપ જોઈને ખૂબ સરસ આશીર્વાદ પણ આપ્યા હતાં.

પ્રથમ સત્ર તા.૧/૧/૧૫ ના સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ હતું. તેમાં પૂ.જીનચંદ્રવિજયજી મહારાજ, પૂ.વજુભાઈ વાળા સાહેબ, પૂ.અશોક સિંગલજી સાહેબે પધારી લાભ આપ્યો હતો.

દ્રિતીય સત્ર તા.૧/૧/૧૫ સાંજે ૪.૩૦ થી ૭.૩૦ માં પૂ.આચાર્યચરણ વલ્લભાચાર્ય, પૂ.મોરારીબાપુ પધાર્યા હતા અને લાભ આપ્યો હતો. પૂ.મોરારી બાપુએ ખૂબ સરસ લાભ આનંદ સાથે આપી, નિર્માની, દાસત્વભાવનું ખરું દર્શન વર્તનથી કરાવ્યું હતું. શ્રોતામાં જોમ જાગે તેવી વાતો કરી હતી. સૂત્રાત્મક વાતો પણ હતી. દા.ત. “સાધુ-સંતોને હવે શાલ ના આપો, મશાલ આપો.” વગેરે વાતો કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/25 and 31 to 3 jan haridham samiya/{/gallery}

દરેક સત્રમાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીનું સ્વાગત જુદા જુદા રથ માં થયું હતું. સંતો ભક્તોએ અદ્દભૂત ભાવથી તૈયાર કરેલા ફલોટમાં તકલીફ વગર શાંતિથી બધાં જ દર્શનલાભ માણી શકે તેવું વિધ વિધ સ્વાગત દરેક સભામાં થયું હતું.

ગુણાતીત સ્વરૂપો પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.દિનકરભાઈ (શિકાગો) અને તે દરેક મંદિરના સંતો ભક્તો સભામાં બિરાજમાન રહ્યા હતા. પવઈથી પૂ.ભરતભાઈ, વશીભાઈ અને સાધક ભાઈઓ-બહેનો તથા વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ અને ગુણાતીત પ્રકાશ, ગુણાતીત સૌરભના ભાઈઓ પણ પધાર્યા હતા. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સંત બહેનો દરેક સત્રની સભામાં પધારી આ ભવ્ય આયોજનમાં સહભાગી થયાં હતાં.

તૃતીય સત્ર તા.૨/૧ના સવારે ૯ થી ૧૨.૩૦ હતું જેમાં પૂ.સત્યમિત્રાનંદગિરિજી મહારાજ અને પૂ.મોહન ભાગવતજી પધાર્યા હતાં અને ખૂબ સરસ લાભ આપ્યો હતો.

ચતુર્થ સત્ર તા.૩/૧ ના સાંજે ૪.૩૦ થી ૭.૩૦ મણીનગર મંદિરેથી સંતવૃંદ, પૂ.રમેશભાઈ ઓઝા અને પૂ.દ્વારકેશલાલજી મહારાજ પધારેલા અને બંને મહાનુભાવોએ ખૂબ સરસ લાભ આપ્યો હતો.

તા.૩/૧/૨૦૧૫ આજનો કાર્યક્રમ આ પ્રમાણે રહ્યો હતો.

સવારે ૯ થી ૧૨.૩૦ પૂ.ચિદાનંદમુનિજી (ઋષિકેશ)

બપોરે ૨ થી ૫.૦૦ મહિલા અધિવેશન – પૂ.આનંદીબેન(ગુજરાતનાં પ્રધાન) અતિથિ વિશેષ પદે

રાત્રે ૮ થી ૧૧.૦૦ સ્વર્ણિમ ગુરૂભક્તિ ઉત્સવ પૂર્ણાહુતિ સત્ર

આખા દિવસનો કાર્યક્ર્મ ખૂબ સરસ રીતે સંપન્ન થયો હતો. જો કે બધા જ દિવસના સભાના કાર્યક્ર્મ ખૂબ જ સરસ અને ભક્તિસભર નિર્વિધ્ને અને શાંતિથી સંપન્ન થયા હતા.

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના ૮૧મા પ્રાગટ્યપર્વની ઉજવણી પણ તેમાં થઈ હતી. દરેક મહાનુભાવોએ પ.પૂ.સ્વામીજીના કાર્યનો અપરંપાર મહિમા ગાયો હતો. અને નવાજ્યા હતા.

૧ લાખ ૨૫ હજાર મુક્તો બેસી શકે તેવડો મોટો સભાખંડ બનાવ્યો હતો. જે ત્રણેય દિવસ ભરેલો રહ્યો હતો. શિસ્ત અને શાંતિમય વાતાવરણ હતું. ૭૨૦ વીઘાં જમીનમાં આખું કેમ્પસ હતું.

આખો સમૈયો ખૂબ સારામાં સારી રીતે સંપન્ન થયો હતો. સમૈયાની સ્મૃતિનું ભાથું ભરીને સહુ ઘરે ગયા. ઘણાએ ભાથું ભર્યું ને ઘણા સંબંધ પામ્યા.

આ સમૈયાનું મૂળ હતું શ્રી હરિપ્રસાદ સ્વામીજીની પ.પૂ.યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અને ૬૦-૬૦ વર્ષની તપર્શ્ર્યાનું ફળ સંતો, સાધકો અને અંબરિષ ભક્તોની સ્વામીજી પ્રત્યેની પ્રીતિ અને ભક્તિ હતી.

બસ, સમૈયામાં ભાગ લેનાર સહુ નિષ્ઠાવાન ભક્તોને આવી ગુરૂભક્તિ માટે વધુ ને વધુ બળ, બુધ્ધિ ને પ્રેરણા મળો એ જ પ્રાર્થના.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !