Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 31 Dec 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ પખવાડીયુ તો ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી મહારાજનો શતાબ્દી પર્વ લઈને આવ્યું છે. તો ચાલો તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.

 

(૧) તા.૧૯/૧૨/૧૮ પૂ.રસિકભાઈની ત્રયોદશીની મહાપૂજા

 

ગુણાતીત સમાજના પરમ એકાંતિક ભક્તરાજ પૂ.રસિકભાઈની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા જ્યોત મંદિરમાં થઈ. પૂ.ઈલેશભાઈએ ખૂબ

ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. 

 

રસિકભાઈ મુંબઈમાં ખેતવાડીમાં રહેતા. મુંબઈ મંડળના ચૈતન્ય માધ્યમ હતા. ઘર અને દેહને મંદિર બનાવીને જીવતા હતાં. 

તેમના પૌત્ર પૂ.ઋષિતભાઈએ માહાત્મ્ય સુમન ધરતાં કહ્યું કે, પૂ.રસિકભાઈ મારા દાદા. એમનું એકદમ જ સંતોષી જીવન. અમને કોઈને દેશકાળ ના આવે એવી પ્રાર્થના કરતાં તો દેશકાળ લાગ્યો નથી. 

 

પૂ.મધુબેન સી. એ વાત કરતાં કહ્યું કે, રસિકભાઈના ધર્મપત્ની પૂ.તારાબેનને ગુરૂહરિ પપ્પાજી એમની માનસપુત્રી કહેતા. પહેલાં તેમના ઘરમાં વૈષ્ણવ ધર્મ હતો. પૂ.તારાબેન આવ્યા પછી સ્વામિનારાયણ ધર્મ આવ્યો. પૂ.તારાબેનનું જીવન નાનપણથી ભક્તિમય હતું. પ.પૂ.સોનાબા પાસે જવું હોય તો પૂ.રસિકભાઈ કાયમ એમને લઈ જતા. પૂ.તારાબેનને તારદેવનો આલોચ હતો. પૂ.તારાબેનનો સંકલ્પ હતો કે હું ભગવાન ભજું. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એમણે સાચા અર્થમાં ભગવાન ભજ્યા. ગુરૂહરિ પપ્પાજીએ એમને કહ્યું હતું કે, ખેતીવાડીનું આ ઘર પ્રસાદીનું છે, તે છોડતા નહીં. તેથી અત્યારે પણ તે જ મકાનમાં રહે છે. પૂ.રસિકભાઈ બહુ ભલા. એમનું સત્સંગપ્રધાન જીવન હતું. પહેલાં લંડનના હરિભક્તો મુંબઈ ઉતરે ત્યારે એમને લેવા જાય ને પોતાના ઘરે રાખે, જમાડે અને બહાર ખરીદી માટે પણ લઈ જાય. આ કુટુંબ એટલે અક્ષરધામ. એમના ઘરમાં જે જે આવ્યા તે બધા પૂર્વના મુક્તો જ આવ્યા છે. પૂ.તારાબેન પૂ.રસિકભાઈએ જીવન જીવી જાણ્યું. 

 

અંતમાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.રસિકભાઈની સેવા પૂ.બેલાભાભીએ દીકરી થઈને કરી છે. પ્રથમ ૫૧ બહેનોનાં વસ્ત્રો ખેતવાડીમાં સિવાયાં છે. પૂ.તારાબેનનો સંકલ્પ હતો કે પૂ.મધુબેન ભગવાન ભજવા આવે. પૂ.તારાબેને બેલાભાભીને સંકલ્પથી આ સત્સંગમાં સેવા કરતાં કર્યાં છે. જે જન્મે, તે જવાનું તો છે જ પણ આ તો મંદિરમાં મહાપૂજા થાય છે. એ ખૂબ મોટા ભાગ્યની વાત છે. પૂ.રસિકભાઈએ સેવા કેવા માહાત્મ્યથી કરવી એ શીખવાડ્યું. એવા પૂ.અંબરીશભાઈ, પૂ.બેલાભાભી, પૂ.ઋષિતભાઈ, પૂ.મીનલભાભી સેવાભાવી છે. પૂ.રસિકભાઈએ છૂપા રહીને સેવા કરી છે.

 

(૨) તા.૨૭ થી ૩૦ ડીસેમ્બર ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વ શિખર સોપાન 

 

ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વ ખૂબ ભવ્યાતી ભવ્ય રીતે પદમલા-સાંકરદા ખાતે ઉજવાયો. પૃથ્વી પર જાણે અક્ષરધામ   ઉતરી આવ્યું હોય તેવી અનુભૂતિ આ ભૂમિ પર દેશ-પરદેશથી પધારનાર સર્વે ભક્તોને થતી હતી.

સભાખંડ ખૂબ ભવ્ય કલાત્મક કારીગરી, રંગબેરંગી લાઈટ, ઝુમ્મરો અને સ્વામિનારાયણ મંત્રથી સુશોભિત હતો. 

પ્રથમ દિવસે પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી અને પ.પૂ.દિનકરભાઈના વરદ્દ હસ્તે મહોત્સવ સ્થાન “પરમ સ્નેહલ ધામ”ના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન થયું. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના વરદ્દ હસ્તે “વહાલા તારી સ્મૃતિના સહારે” પ્રદર્શનનું ઉદ્દઘાટન થયું.  પ.પૂ.સાહેબજી અને પ.પૂ.ગુરૂજીના વરદ્દ હસ્તે યજ્ઞ મંડપ “આહુતિ”ના પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન થયું.

 

સ્વરૂપો પધારે ત્યારે એક સરખા ડ્રેસધારી યુવકો તાલબધ્ધ રીતે લેઝીમથી સ્વાગત કરતા હતા. સ્વરૂપોમાં પણ એકબીજા સાથેની અજોડ આત્મબુધ્ધિ અને દાસત્વભક્તિનાં દર્શન થતાં હતાં.

 

સાંજે સાંસ્કૃતિક કાર્યક્ર્મ “યુગપુરૂષ યોગીજી મહારાજ” પણ ખૂબ ભવ્ય હતો. ત્રણ કલાક તો ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ના પાડી. નાટક નહીં પણ સાચેસાચ આપણી નજર સામે આ દર્શન થતાં હોય તેવી અનુભૂતિ થતી હતી. સભાખંડના બધા મુક્તો એકીટશે આ કાર્યક્ર્મ નિહાળી અહોભાવની અનુભૂતિ કરતા હતા. 

 

સાંકરદા મંદિરે જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હતી તે નિમિત્તે તા.૨૮મીએ યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં કુલ ૨૦૦૦ હરિભક્તોએ લાભ લીધો હતો. યજ્ઞ માટે ઋષિકાળ જેવો અલગ વાંસનો મંડપ બાંધ્યો હતો. પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી, પૂ.ઉત્પલભાઈ, પૂ.રાજુભાઈ ડે અને પૂ.અશોકભાઈ એ ખૂબ સરસ રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ કરાવી હતી. પરમ સ્નેહલ ધામ ખાતે જાણે વૈદિક યુગ હોય તેવી અનુભૂતિ થતી હતી. વાતાવરણ પણ ખૂબ ભવ્ય અને દિવ્ય લાગતું હતું.

 

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સ્વામી અધ્યાત્મ્નંદજી પણ આ પવિત્ર અવસરે પધાર્યા હતાં. અને યજ્ઞમાં શ્રીફળની આહુતિ આપી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયને બિરદાવતાં કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ-આધ્યાત્મિકતાની ધજા-પતાકા ફરકાવી છે.

 

સાંજે બંધુબેલડી શતાબ્દી મહોત્સવની પ્રથમ સભા હતી. તેમાં ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની ટપાલ ટિકીટનું અનાવરણ થયું હતું. 

તા.૨૯મી એ સવારે સાંકરદા નવનિર્મિત મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. સાંકરદા મંદિરે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે વખતે સભાખંડમાં બધા ઝુમ્મરો એકદમ જોરથી હલવા માંડ્યા. એવું લાગતું હતું કે જાણે હમણાં પડશે. પણ એવું નહોતું. આ તો ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી જાણે સ્વયં પધાર્યા તેની અનુભૂતિ સહુ ભક્તોને કરાવી હતી. 

 

સાંજે પ.પૂ.હંસાદીદીની નિશ્રામાં મહિલા સંમેલન હતું. તેમાં શોભાયાત્રા રાખી હતી. બહેનો નાચતાં-કૂદતાં ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને સભાખંડમાં લઈ આવ્યાં હતાં. સહુ પ્રથમ પવઈ મંદિરના બહેનોએ નૃત્ય રજૂ કર્યું હતું. દિલ્હી મંદિરના બહેનોએ ગરબો રજૂ કર્યો હતો. ગુણાતીત જ્યોતનાં બહેનોએ ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીના જીવનકાર્યને ટૂંકમાં વર્ણવીને પૂ.સ્મૃતિબેન દવે રચિત નાનકડી નૃત્ય નાટિકા રજૂ કરી હતી. આ સભામાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડના પુત્રવધૂ શ્રી આશારાયજી ગાયકવાડ પણ પધાર્યાં હતાં. અને તેમને નિમંત્રણ આપવા બદલ સહુનો આભાર માની આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી હતી.

 

તા.૩૦મી એ બે સભા હતી પરંતુ હરિભક્તોની સાનુકૂળતાને ધ્યાનમાં રાખી એક જ સભા રાખી હતી. ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને નાચતાં-કૂદતાં સભાખંડમાં લઈ આવ્યા હતા. અને સભાની શરૂઆત કરી હતી.

 

દરેક સભા લગભગ મોડી પૂરી થતી હતી. સભામાં વચ્ચે રોજ જુદો જુદો અલ્પાહાર આપતા હતાં. દરેક કેન્દ્રોના સ્વયંસેવકો પણ રોજ અલગ અલગ યુનિફોર્મમાં સજ્જ થઈ અનેરા ઉત્સાહ સાથે ગુરૂહરિને રાજી કરવાની ભાવના રાખી પોતાની સેવા બજાવતા હતા. એમની સેવા-ભક્તિના દર્શન કરી હૈયું નમી જતું હતું. 

 

‘વહાલા તારી સ્મૃતિના સહારે..’ પ્રદર્શન પણ ખૂબ જ ભવ્ય હતું. એમાંની એકાદ સ્મૃતિ પણ જો આપણા સ્મૃતિ પટ પર અંકિત થઈ જાય તો ખરેખર આપણી જીવનનૈયાને ગુરૂહરિ સુખરૂપ કિનારે પહોંચાડી દે. ગુરૂહરિ કાકાજી અને ગુરૂહરિ પપ્પાજીના જીવનકાર્યના પ્રસંગોને ચાર્ટ દ્વારા, વિડિયો દ્વારા અને લેસર શો દ્વારા રજૂ કર્યા હતાં. પ્રદર્શનનું આયોજન કરનાર સહુ મુક્તોને ખરેખર અંતરથી ધન્યવાદ અપાઈ જાય એવું અદ્દભૂત પ્રદર્શન હતું.

 

ચારે દિવસનો નાસ્તો અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ ખૂબ સરસ હતી. આમ, ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો ખૂબ ભવ્ય સમૈયો ઉજવાયો હતો. દરેકના હૈયે માહાત્મ્યનો મહાસાગર હિલોળા લઈ રહ્યો હોય તેવી અનુભૂતિ થતી હતી. કોને સન્માનવા ? કોનાં વખાણ કરવાં ? ખરેખર પ્રેરણા કરનાર અને પ્રેરણા ઝીલી સેવા કરનાર, દર્શન કરનાર, મહિમા ગાનાર સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ ! ધન્યવાદ આપવા માટે શબ્દો વામણા લાગે છે. આ તો અલ્પ લખવાનો પ્રયાસ કર્યો છે. આપ સહુએ આ દરેક સભાનાં દર્શન વેબ સાઈટ પર કર્યાં જ હશે. હજુ પણ આ દિવ્ય ક્ષણોને મન થાય ત્યારે માણી શકશો. તેથી અહીં વિરમું છું.

 

(૩) તા.૩૧/૧૨/૧૮

 

આજે ૨૦૧૮ની સાલને વિદાય આપવા માટે અને ૨૦૧૯ની સાલને આવકારવા માટે રાત્રે ૧૧.૩૦ વાગ્યે પ.પૂ.દીદી અને સ્વરૂપોના સાંનિધ્યે પ્રભુકૃપામાં બહેનોની સભા કરી હતી. સહુ પ્રથમ ભજન “પપ્પા તમે થઈ ગ્યા અમારા…” ગાયું ત્યારબાદ ૧૦ મિનિટ ધૂન કરી. પ.પૂ.દીદીએ નવા વર્ષનો આદેશ અને આશિષ આપ્યા.

 

“હે પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! ખૂબ અનંત કૃપા તમારી અમ પર અકારણ વરસી રહી છે. અમે આ વર્ષનું નામ ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ નામ પાડ્યું છે. (ગણેશપુરી સંકલ્પ સ્મૃતિની ૧૯મી તારીખ) તો આપ ભળજો ને અખંડ વફાદારીપૂર્વક સંકલ્પ, ભાવ ને ક્રિયા કરીએ એવું જીવન જીવવાની પ્રેરણા ને શક્તિ આપશો જ એવી અનંત શ્રધ્ધા છે. હક્કથી વિનંતી કરું છું કે સખણાં રહેજો હં.”

 

ત્યારબાદ ૧૨.૦૦ વાગ્યે ૧૨ ડંકા વાગ્યા અને બહેનોએ પ્રભુકૃપાના હૉલમાં અને ભાઈઓએ વરંડામાં આરતી કરી. અને નવા વર્ષની શુભેચ્છાઓ એકબીજાને પાઠવી સહુ છૂટા પડ્યા હતાં.

 

આમ, બંધુબેલડી શતાબ્દી પર્વનો સમૈયો લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. ફરીથી મળીશું નવા વર્ષની સ્મૃતિ સાથે. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !