સ્વામિશ્રીજી
ગુરૂહરિપપ્પાજીનીજય
કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ !
અહોહો ! આ પખવાડીયુ તો ગુરૂપૂનમ અને હીંડોળા ઉત્સવની સ્મૃતિ લઈને આવેલું છે. તો ચાલો ૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં દિવ્ય અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીએ.
(૧) તા.૧૯/૭/૧૮ નડિયાદ જ્યોત સ્થાપનાદિન
ગુરૂહરિ પપ્પાજીએ ઠેર ઠેર ગુણાતીત જ્યોત શાખાની સ્થાપના કરી છે. હરિભક્તોને સત્સંગનો જોગ આપ્યો છે. પોતાના મોસાળ
નડિયાદમાં કે જ્યાં પ.પૂ.કાકાશ્રીની જન્મભૂમિ છે. ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની અનેક શૈશવ સ્મૃતિઓ છે. એવા પ્રસાદીના ધામમાં મોસાળના ખડકીવાળા મકાનમાં પૂ.ગંગાબાવાળા ઘરમાં તથા ‘ડેલું’ વાળા મકાનને નવિનીકરણ કરાવી ત્યાં ગુણાતીત જ્યોતની સ્થાપના કરી છે. બહેનો ત્યાં રહે છે. હાલ પૂ.હંસાબેન પાવાગઢી અને સરોજબેન મચ્છર જવાબદાર તરીકે જતન કરે છે. ખડકીવાળા મકાનનું નવિનીકરણ કરી ત્યાં નાનું સુંદર મંદિર “પ્રસાદ રજ” પ.પૂ.કાકાશ્રીના પ્રાગટ્યસ્થાને પ.પૂ.જ્યોતિબાના સંકલ્પ પ્રમાણે બનાવેલ છે. તે મંદિરના હૉલમાં અઠવાડિક સભા દર ગુરૂવારે સાંજે બહેનોની સભા થાય છે. તે હંસાબેન પાવાગઢી કરાવે છે.
દર ગુરૂવારે રાત્રે આ મંદિરમાં ભાઈઓની સભા થાય છે. તે સભા કરાવવા પૂ.ઈલેશભાઈ, પૂ.શાહભાઈ, પૂ.વિજયભાઈ અને ભાઈઓ વારાફરતી નિયમીત સભા કરે છે.
ડેલું વાળું મકાન પ્રસાદીનું ખરીદી લઈને ત્યાં સાધક શિક્ષિકા બહેનો રહેતાં. તે મકાનની સ્મૃતિના ફોટા-વિડિયો ગુરૂહરિ પપ્પાજી સાથે જે તે સ્મૃતિ સાથે પડાવી લઈ, તે મકાન જીર્ણ થઈ જવાથી તેની જગ્યાએ નવું મકાન પૂ.મહેન્દ્રભાઈ સુથાર (બિલ્ડર) તેઓના હસ્તે બંધાવી ગુણાતીત જ્યોત તરીકે વર્ષોથી છે ત્યાં બહેનો રહે છે અને “પ્રસાદ રજ” મંદિરે સભા થાળ, આરતી ભક્તિ કરે છે. વાર તહેવારે સમૈયા-સભા હીંડોળા વગેરે કરે છે. આજે નડિયાદ જ્યોતના સ્થાપનાદિન ગુરૂવાર જ આવ્યો. ગૃહસ્થ બહેનોની સભા સાંજે પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.હંસાબેન પાવાગઢીના સાંનિધ્યે થઈ હતી. અને ભાઈઓની રાત્રિ સભા ગુણાતીત પ્રકાશ ભાઈઓના સાંનિધ્યે થઈ હતી. અને સર્વે મુક્તોએ પ્રસાદીનો થાળ (મહાપ્રસાદ) લીધો હતો.
તા.૨૯/૭ ના રોજ હીંડોળા પ્રારંભ થયો હતો. નડિયાદ જ્યોતમાં પણ ભક્તો ભક્તિભાવથી હીંડોળા શણગારે છે. જુદા જુદા દર્શન દર અઠવાડીયે કરાવે છે.
{gallery}images_in_articles//newsletter/2018/July/19-07-18 NADIYAD JJYOT SATHAPNADIN{/gallery}
(૨) તા.૨૦/૭/૧૮ પૂ,માધવચરણ સ્વામી અક્ષરધામગમન
આપણા યોગી પરિવારના પાયાના સંતોમાંના એક એવા પૂ.માધવચરણ સ્વામી ઉંમર વર્ષ-૭૭ આજ રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે અક્ષરધામ નિવાસી થયા.
તેઓ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અંગત સેવક હતા. ખૂબ રાજીપાવાળા જૂના જોગી એવા પરમ ભાગવત સંત માધવ સ્વામીને કોટિ વંદન !
છેલ્લા કેટલાય વર્ષોથી સમઢિયાળા યોગીધામ મંદિરમાં પૂ.નિર્મળ સ્વામિજી અને પૂ.જ્ઞાનસ્વરૂપ સ્વામિજી સાથે નિવાસ કરતા. ભક્તોનું ભાવથી જતન કરતા. બિમારીને લીધે છેલ્લા ૧૫ દિવસ વડોદરા હૉસ્પિટલમાં સારવાર લઈ, હાલ ૫-૬ દિવસથી હરિધામ મંદિરે આરામ કરતા હતા. જેઓ આજ રોજ અક્ષરધામ નિવાસી થયા.
(૩) તા.૨૩/૭/૧૮ ગુણાતીત સ્વરૂપ પ.પૂ.સોનાબાનો ૧૧૩મો પ્રાગટ્યદિન
આજે પ.પૂ.સોનાબાનો ૧૧૩મા પ્રાગટ્યદિન સવારે બહેનોની મંગલ સભામાં ઉજવાયો હતો. જેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, બધાના ગુણગાન ગાયા કરો. મ.૮ વચનામૃત પ્રમાણે જીવવું છે. અખંડ જ્ઞાનયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ કર્યા કરવો છે. એવું જે જીવન જીવ્યા છે એવા આજે સોનાબાનો દિવસ છે. એમના ગુણ ગાવા છે. પ.પૂ.બા એ ૧૦ વર્ષની ઉંમરથી શાસ્ત્રીજી મહારાજને ભગવાન માન્યા. શાસ્ત્રીજી મહારાજમાં લય ને લીન રહ્યાં. શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠા રાખી જીવ્યા છે. બીજા ચળકાટવાળામાં ક્યાંય લેવાયા નથી. એક રહેણીએ શાસ્ત્રીજી મહારાજ જોડે રહ્યાં. સહજાનંદનું પતિવ્રતાપણું રાખી જીવ્યા છે. શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળાની માહાત્મ્યથી સેવા કરી છે. દુઃખને ગણે જ નહીં, દેહને ગધેડો જ માને ને સેવા કર્યા કરી. શાસ્ત્રીજી મહારાજ અને જોગીના અભિપ્રાયમાં ભળી ગયા. લાચારી કોઈનીય નહીં. કેવી જબરજસ્ત બાની સમજણ હતી. પ્રત્યક્ષ કહે એ વિધિ ને બીજો નિષેધ. દોષ દેખાય પણ ગુણ જ ગાયા કરીને સેવા કર્યા કરી. એવા બાના ગુણ બધામાં આવી જાય ને બા અખંડ આશીર્વાદ વરસાવ્યા કરે એ જ પ્રાર્થના.
ત્યારબાદ પ.પૂ.સોનાબાના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. પ.પૂ.બા એ આશીર્વાદ આપતાં કહ્યું કે, ત્રિકાળમાંય કોઈને દેશકાળ લાગે જ નહીં. દેશકાળ એટલે શું ? કોઈનાય વિશે મનુષ્યભાવ જ નહીં. આવા મનુષ્યમાં આપણને ભગવાન મળી ગયા. એની જોડે આત્મબુધ્ધિ ને પ્રીતિ થઈ ગઈ છે. તો કોઈ સંબંધવાળાના અભાવમાંથી પાછા વળી જઈએ છીએ. ભગવાન ને ભગવાનના ભક્તો જોડે એવી આત્મબુધ્ધિ ને પ્રીતિ થાય તો કોઈનોય અભાવ અવગુણ ના આવે.
સ્વામીના સંબંધવાળા છે ને ! એની ભાવથી સેવા કર્યા કરી છે. એવા ને એવા અત્યારે ગુરૂહરિ પપ્પાજી પધાર્યા છે. આપણા જીવના રોગ ટાળે છે. એવા ગુણાતીત સત્પુરૂષ આપણને મળ્યા છે. એકબીજાનો મહિમા સમજીને સેવા કર્યા કરીએ.
ત્યારબાદ પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા.
નોંધ – પ.પૂ.સોનાબાના પ્રાગટ્યદિન નિમિત્તેનો જાહેર સમૈયો તા.૧૨/૮/૧૮ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ભાઈઓ-બહેનોની સંયુક્ત સભામાં ઉજવાશે.
{gallery}images_in_articles/newsletter/2018/July/23-07-18 P.P.SONABA PRAGTYADIN{/gallery}
(૪) તા.૨૭/૭/૧૮ ગુરૂપૂર્ણિમા
ગુરૂપૂનમ એટલે આગલા દિવસે ગુરૂદક્ષિણા કાજ મનન-ચિંતન કરી નિર્ણય કરી વહેલી પરોઢ આપણી બને એ સાધક માટે ગુરૂપૂનમ.
ગુરૂભક્તિ વ્યક્ત કરવાનો દિવસ, ગુરૂના અગણિત ઉપકારો યાદ કરવાનો દિવસ, ગુરૂની અપાર કરૂણાને હ્રદયમાં ધારવાનો દિવસ, ગુરૂ પૂજન, દર્શન, ભાવાર્પણ કરવાનો દિવસ.
ગુરૂહરિ પપ્પાજીની અસીમ કરૂણા આપણને આવા ગુરૂ સ્વરૂપોની શૃંખલા અર્પીને વારસ સ્વરૂપો તૈયાર કરી સમગ્ર સમાજને હરિયાળો બનાવ્યો. ગુરૂહરિ પપ્પાજીને કોટિ કોટિ વંદન !
આજના આ શુભ દિને ગુરૂહરિ પપ્પાજી અને સદ્દગુરૂ સ્વરૂપોની દિવ્ય સંનિધિમાં સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સભામાં ગુરૂ પૂનમ નિમિત્તેની સભા ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે થઈ હતી. જેના લાઈવ દર્શન આપ સહુએ વેબ સાઈટ ઉપર કર્યા હશે. જેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles//newsletter/2018/July/27-07-18 GURUPURNIMA SABHA{/gallery}
(૫) તા.૨૯/૭/૧૮ હીંડોળા પ્રારંભ
વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાનને ઝૂલે ઝૂલાવવાનો ખૂબ મહિમા હોય છે. એના એ જ કૃષ્ણ ભગવાન આપણને પૂર્ણ પુરૂષોત્તમ નારાયણ સ્વરૂપે મળ્યા. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ ઉત્સવનો ખૂબ મહિમા છે. લીલી વનરાજી ખીલી હોય અને તેમાં ભક્તો ભગવાનને હીંડોળે ઝૂલાવે. નિષ્કુળાનંદ સ્વામીએ વડતાલમાં બાર દરવાજાનો હીંડોળો બનાવ્યો હતો. અને મહારાજે સૌને બાર સ્વરૂપે દર્શન આપ્યા હતાં. એવી મહારાજની હીંડોળાની ઘણી સ્મૃતિઓ છે.
સ્વામિનારાયણ મંદિરોમાં પણ આ ઉત્સવનો ખૂબ મહિમા હોય છે. ગુણાતીત જ્યોતમાં પણ આ ઉત્સવનો પ્રારંભ ખૂબ ભવ્ય રીતે થયો હતો. સાંજે ૫.૦૦ વાગ્યે જ્યોત પંચામૃત હૉલમાં હીંડોળા પ્રારંભ નિમિત્તે સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે સભા થઈ હતી. આ વખતે બહેનોએ ડીપાર્ટેમેન્ટ વાઈઝ ખૂબ સુંદર કલાત્મક હીંડોળા ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ આવરી લઈને બનાવ્યા છે. ગુરૂહરિ પપ્પાજીની હીંડોળાની ઘણી સ્મૃતિ બહેનોએ કરી હતી. ત્યારબાદ પૂ.ઝૂલીબેને ત્રણ નવાં ભજન હીંડોળાનાં બનાવ્યાં હતાં તે ગાયાં હતાં. પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સદ્દગુરૂ સ્વરૂપોએ આરતી કરી હતી.
અત્યારે કુલ ૬ હીંડોળા પંચામૃત હૉલમાં દર્શનાર્થે મૂક્યા છે.
(૧) મંદિર વિભાગના બહેનોએ શ્રાવણ સુદ બીજ, પ.પૂ.સોનાબા અને પ.પૂ.દીદીના જન્મદિવસની સ્મૃતિ સાથે બીજના ચાંદનો હીંડોળો બનાવ્યો છે.
(૨) મંદિર વિભાગના બહેનોએ લવંડર અને પીળા ફૂલનું ડેકોરેશન કરી હીંડોળો બનાવ્યો છે. પીળો દિવ્ય પ્રેમ અને લવંડર એટલે જે પ્રેમમાં સમર્પણ થઈ ગયું. એ સ્મૃતિ સાથે હીંડોળો બનાવ્યો છે. આ હીંડોળો ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીનો છે.
(૩) ઑફિસ વિભાગના બહેનોએ ખૂબ મહેનત કરી સ્મૃતિ સાથે હીંડોળો બનાવ્યો છે. હીંડોળામાં પેન, પેન્સિલ અને ઑફિસમાં વપરાતી વસ્તુ મૂકી છે. ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર સંપ, સુહ્રદભાવ અને એકતાનો ભાવ આ હીંડોળામાં દર્શાવ્યો છે. ચોપડા પૂજન અને ધનપૂજાની મૂર્તિ પણ આ હીંડોળામાં મૂકી છે. આ વર્ષ એટલે કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વનું છે. શતાબ્દી પર્વનો જયઘોષ પણ આ હીંડોળામાં દર્શાવ્યો છે.
(૪) સિવણ વિભાગના બહેનોએ સફેદ અને ભગવા રંગના વેસ્ટ કાપડમાંથી બેસ્ટ ફૂલ બનાવીને ખૂબ સુંદર રીતે હીંડોળાનું ડેકોરેશન કર્યું છે. આ વિભાગનાં કંટ્રોલ હેડ પ.પૂ.જ્યોતિબેન છે. એટલે તેમની સ્મૃતિ આવરી લઈને તેમનું બ્રહ્મસૂત્ર LET HIM WORK પણ હીંડોળામાં દર્શાવ્યું છે. ફૂલહાર પણ જૂના કાપડમાંથી બનાવ્યા છે. ખૂબ ખૂબ સુંદર લાગે છે.
(૫) રસોડા વિભાગનાં બહેનોએ રસોડાની વસ્તુઓ આવરી લઈને હીંડોળો બનાવ્યો છે. અલગ-અલગ કલરની બુંદીને પ્લાસ્ટીકના ટ્રાન્સ્પરન્ટ ગ્લાસમાં ભરી પેક કરી છે. ફૂલ અને વેલની ડીઝાઈનમાં મેક્રોની, પાસ્તા, નૂડલ્સ, સાબુદાણા વગેરે મૂકી સુશોભિત કર્યું છે. ખૂબ ભવ્ય લાગે છે.
(૬) બાળકો માટેના હીંડોળાની સેવા પૂ.જ્યોતિભાભી અને પૂ.હેતલભાભી માવાણીએ આપી છે. તેમના દીકરા પૂ.જય અમીતભાઈ માવાણીના જન્મની ખુશાલીમાં આ હીંડોળાની સેવા આપી છે. ટેડીબેરના હીંડોળાનું ડેકોરેશન મંદિર વિભાગનાં બહેનોએ કર્યું છે. આપણે પણ પ્રભુનું ભૂલકું બની જઈએ એવો ભાવ આ હીંડોળામાં દર્શાવ્યો છે.
હીંડોળાનો આઈડીયા કરનાર અને તેમાં મદદ કરનાર બહેનોને પ.પૂ.દીદીએ ખૂબ રાજી થઈને ધબ્બા પ્રસાદી આપી હતી. બધાં સ્વરૂપો અને મુક્તો પણ ખૂબ ખૂબ રાજી થયાં હતાં.
આ હીંડોળા તા.૧૩/૮ સુધી રહેશે. ત્યારબાદ બીજા ડીપાર્ટમેન્ટના બહેનો હીંડોળા બનાવશે. તેની સ્મૃતિ આપણે પછીના ન્યુઝલેટરમાં માણીશું.
{gallery}images_in_articles//newsletter/2018/July/HINDOLA PRARAMBH{/gallery}
આમ, પ.પૂ.સોનાબાનો પ્રાગટ્યદિન, ગુરૂપૂનમ, હીંડોળા ઉત્સવ લઈને આવેલું આ પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. પ.પૂ.દીદીએ હીંડોળાનું ભજન બનાવ્યું છે.
“મને ઝૂલણું તારું બનાવ ઝંખના એવી ઉરમાં રે,
બેસીને વિશ્વાસે ઝૂલાવ ઝંખના એવી ઉરમાં રે…”
એવા પ્રભુનું ઝૂલણું આપણે બની જઈએ. અને એમની પ્રાપ્તિના કેફે ઝૂલતાં રહીએ એ જ આ પર્વ નિમિત્તે તેમના ચરણોમાં પ્રાર્થના.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !