16 to 31 July 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ પખવાડીયું ગુરૂપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો અહીં આપણે તા.૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૬/૭/૧૯ ગુરૂપૂર્ણિમા

 

આજે સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન જ્યોત પપ્પાજી હૉલમાં શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે

ગુરૂપૂર્ણિમાના ઉત્સવની ઉજવણી થઈ હતી.

 

 

આજના આ શુભ દિને પૂ.સ્મૃતિબેન દવેએ આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરી હતી તે જોઈએ. 

આંગણે આવ્યો ગુરૂપર્વ….

 

 

બ્રહ્મવિદ્યાના સાધકો આજ પ્રાર્થે પ્રભુ પપ્પાજી અને પપ્પાજીના ગુરૂ સ્વરૂપોને

 

ભજન 

             

“કરવી પ્રાપ્તિ જેને જેવી” થશે એવું કહે પપ્પાજી…

 

બ્રહ્મવિદ્યાની આ કોલેજમાં પદવી સાધુતાની મળતી જી…

            

દઈને કૃપામાં ઍડમીશન, ટ્યુશન મફતમાં આપે આનંદથી…(૨)

                 

આચાર્ય શિક્ષક મૉનીટરોમાં, દિવ્ય તત્ત્વનું નિયંત્રણ જી…. કરવી પ્રાપ્તિ…

           

 આત્માની ભાષાનું ભણતર વર્તન વાતુ કરીને શિખવે જી…(૨)

             

સંકલ્પ સંપ, સુહ્રદ, એકતાનો સ્થાપે જીવનો શિવ કરી…કરવી પ્રાપ્તિ…

            

ગણિત ધામનું, સહુએ બરાબર ભણાવે દાખલા દઈને જી…

          

 નિર્દોષ સહુએ ઘડતર સહુના ઘડનારો ટપારતોજી…..કરવી પ્રાપ્તિ….

            

ઈતિહાસ સમજાવે મનની લડાઈમાં, પરાભક્તિની સૌરભથી…(૨)

               

નિષ્કામ સેવાનો બદલો શાંતિ કે દેહભાવોના દર્શનજી….કરવી પ્રાપ્તિ….

             

કલા શિખવે ભક્તિ વિણ વિષયે મૂંગા બેરા અંધ થઈએ જી…

                     

નમવું, ખમવું, ભૂલવું ટાણે જાણી જાણી દાસના દાસ થવા જી….

             

વિજ્ઞાન ભણાવે, આધ્યાત્મિક એવું તું ને તારા દિવ્ય જી…(૨)

               

નિમિત્ત ગુરૂ, ભેરૂ શિષ્યો, ભક્ત-જગત અલ્પ સંબંધે….કરવી પ્રાપ્તિ…

             

ટેકનોલોજી એકપક્ષી શીખવે ચૈતન્યદર્શી બનવા જી….(૨)

              

સર્વોપરી આ યુનિવર્સીટીની ડીગ્રી સર્ટી સિક્કા પરની….કરવી પ્રાપ્તિ…      

             

યોગા શિખવતા તન-મન માધ્યમે, સેવા જપના યજ્ઞથી (૨)

                

અષ્ટાંગયોગ સમ આજ્ઞા-ઉપાસનાએ આત્મારૂપે જીવો પૂર્ણાહુતિ…કરવી પ્રાપ્તિ…

           

 શિખવા જેવી આ બ્રહ્મવિદ્યા ને ભણવા મળી એ ભાગ્યશાળી….(૨)

                

પળેપળ ગુરૂદક્ષિણા લઈ લ્યો ગર્વ કરાવે એવા તત્ત્વની…કરવી પ્રાપ્તિ

 

બ્રહ્મવિદ્યાની કોલેજમાં પ્રભુએ સ્થાન આપ્યું, હવે સાચા અર્થમાં સારૂં ભણીએ તે સાધકોનું કામ આવા ગુરૂપૂર્ણિમાના પર્વે ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેનને ચરણે વંદન કરી પ્રાર્થીએ. આપે અર્પેલા ગુરૂ સ્વરૂપોને કદી કદીય ઓશિયાળા ન કરીએ. 

 

આ સમૈયાનાં લાઈવ દર્શન આપે વેબસાઈટ ઉપર કર્યાં હશે, તેથી અહીં વિરમું છું.

 

(૨) તા.૧૮/૭/૧૯

 

આ વર્ષ એટલે વચનામૃત દ્વિશતાબ્દીનું વર્ષ છે. જ્યોતમાં તો દર મહિને વચનામૃતની પોથીયાત્રા અને પૂજાવિધિ થાય છે. સાથે સાથે

જ્યોત શાખા મંદિરોના મહંતશ્રીઓ પણ પોતાના મંડળના હરિભક્તોને પોથીયાત્રાનો લાભ મળે તેવા આયોજન કરે છે. એ પ્રમાણે ગોકુળિયું મંડળ નરોડા મંડળના મહંત પૂ.મંદાબેન ત્રિવેદીએ વચનામૃત પોથીયાત્રા અને પૂજાવિધિનું આયોજન કર્યું હતું.

 

તા.૧૮મી એ સાંજે ૩.૩૦ થી ૭.૩૦ નરોડા જ્યોતમાં આ ઉત્સવની ઉજવણી પૂ.માયાબેન દેસાઈ, પૂ.કુંદનબેન  અને બહેનોના સાંનિધ્યે કરી હતી. પૂ.શાંતાબા ભટ્ટીના ઘરેથી પ્રસ્થાન કરી ભાભીઓ માથે પોથી લઈ જ્યોતમાં આવ્યાં હતાં. ત્રણ ભાભીઓએ માથે પોથી લીધી હતી. એક એક કિશોરીએ કળશ લીધા હતા. અને આખું મંડળ પાછળ સ્વામિનારાયણની ધૂન બોલતાં બોલતાં જ્યોતમાં આંગણે પધાર્યાં.

 

પૂ.શાંતાબા ભટ્ટી અને પૂ.કપિલાબેને શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ અને પોથીનું પૂજન કર્યું. બધા ભાભીઓનું પૂજન કર્યું. ત્યારબાદ વચનામૃતની પૂજા વિધી કરી. સાથે સાથે આજે પૂ.મંદાબેનના ર્દષ્ટાદિનની પણ ઉજવણી કરી. પૂ.માયાબેન દેસાઈએ સભામાં લાભ આપી સહુને આનંદ કરાવ્યો. લગભગ ૫૦ જેટલા હરિભક્તોએ આ સભાનો લાભ લીધો હતો. મહાપ્રસાદ લઈ આ સ્મૃતિ સાથે સહુ વિસર્જીત થયા હતા.

 

(૩) તા.૨૦/૭/૧૯

 

જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. આજની સભામાં પ.પૂ.દીદીએ એક વાર્તા કરી હતી, તે જોઈએ.

 

વૃંદાવનમાં એક બ્રાહ્મણ રહેતા’તા. બ્રાહ્મણ પાસે નારાયણ હતા, પણ લક્ષ્મી નહીં. ભગવાનના ચોપડામાં બ્રાહ્મણ ભાઈનું નામ હતું. એટલે એમની બહુ જ પરીક્ષા લેવાઈ. એમની પત્ની મરી ગઈ. થોડા દિવસ પછી એમનો દીકરો મરી ગયો. થોડા દિવસ પછી એમનો બાપ મરી ગયો. એ બધાની વિધિ કરવામાં બ્રાહ્મણને બહુ દેવું થઈ ગયું. તેમણે એક વાણીયા પાસેથી ઉછીના પૈસા લીધા. તે પોતે ઓછું ખાય અને જે પૈસા બચે તે વાણીયાને આપી આવે. વાણીયો પૈસા લઈ લે, પણ ખાતામાં લખે નહીં. ધીમે ધીમે દેવું ચૂકવાઈ ગયું. બ્રાહ્મણને હાશ થઈ ગઈ. એને થયું કે હવે નિરાંતે મંદિરમાં જઈ ભગવાન ભજીશ.

 

એક વખત વાણીયો સામે મળ્યો. અને બ્રાહ્મણને કહે, તમારે પૈસા ક્યારે આપવા છે? બ્રાહ્મણ કહે, મેં તો વ્યાજ સાથે તમને પૈસા આપ્યા છે? વાણીયો તો ગુસ્સે થઈ ગયો. અને કહે, તારું ઘર ખાલી કરાવી તને કોર્ટમાં લઈ જઈશ. બ્રાહ્મણના તો પગ ધ્રુજવા લાગ્યા. એ ભજન કરવા લાગ્યો. કોર્ટમાં ગયા. જજ કહે, બ્રાહ્મણભાઈ તમારા કોઈ સાક્ષી હતા ? તો બ્રાહ્મણ કહે, હા બિહારીલાલ, ગામ-વૃંદાવન.

 

પછી બ્રાહ્મણ મંદિરે ગયો અને ભગવાન પાસે લખાણ મૂક્યું અને ભગવાનને કહે, ભગવાન તમે કોર્ટમાં આવજો. કોર્ટમાં બ્રાહ્મણ ગયા. જજ કહે, તમારો સાક્ષી આવી ગયો ? બ્રાહ્મણ કહે, મારો સાક્ષી બીજાને ત્યાં કામ કરવા ગયો છે  એને ઘણા કામ હોય છે ! જજે ડીકલેર કર્યું. બિહારીલાલ છે ? ત્યાં તો એક માણસ ઉભો થયો અને કહે, હા હું બિહારીલાલ છું. અને કહ્યું, બ્રાહ્મણે વાણીયાને પૈસા આપી દીધા છે. મને તારીખ સાથે યાદ છે. વાણીયાની દુકાને બિહારીલાલ ગયા ને પેટી ખોલાવી ચોપડો ખોલાવ્યો. 

 

બ્રાહ્મણ કહે, પ્રભુ ! તમે સાક્ષી બનીને કોર્ટમાં પણ આવો છો. એમ કહી પ્રભુનો આભાર માન્યો. જજે વાણીયાને દંડ કર્યો. અને જજે પોતે રાજીનામું મૂકી દીધું અને વૃંદાવનમાં ભક્તિ કરવા માટે ગયા. 

બ્રાહ્મણની જેમ પ્રભુને સાક્ષી રાખીએ. મારા સંકલ્પ, ભાવ અને ક્રિયા જાણે છે. આપણા અંતરમાં ખાત્રી હોય જ કે પ્રભુ મારું બધું સાંભળે છે. ને તે મને મદદ કરશે જ. આપણે એવા ભક્ત બની જઈએ. ભગવાન વિના મારી એક પળ ના જાય. એવું મારું તંત્ર ગુરૂહરિ પપ્પાજી કરી દે એ જ પ્રાર્થના.

 

(૪) તા.૨૩/૭/૧૯

 

આજે તારીખ પ્રમાણે બ્રહ્મસ્વરૂપ પ.પૂ.સોનાબાના ૧૧૪ મો પ્રાગટ્ય દિન. તેની ઉજવણી બહેનોની સભામાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી.

 

આજનું ડેકોરેશન પણ ખરેખર ખૂબ સુંદર હતું. પ.પૂ.બા એ મુંબઈમાં જન્માષ્ટમી બિલ્ડીંગમાં શાસ્ત્રીજી મહારાજ પાસે પારાયણ કરાવ્યું હતું. તે સ્મૃતિ સાથે આજનું ડેકોરેશન પ.પૂ.દીદીની પ્રેરણાથી તેમના ગ્રુપનાં બહેનોએ કર્યું હતું. 

 

સભામાં સહુ પ્રથમ પ્રેમલ શતધારા પુસ્તકમાંથી વાંચન કર્યું. પૂ.ભાવનાબેન ડી. અને પૂ.નેહલબેન દવેએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. અંતમાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, તમને બધાને એક જ વાત કહેવી છે. બા જેવી નિર્દોષબુધ્ધિ રાખો. બા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સાથે નિર્દોષ બુધ્ધિ રાખી જીવ્યા.

 

અત્યારે આખા ગુણાતીત સમાજમાં રાખે છે. કોઈને વિષે બા ને અભાવ જ નહીં. આપણે જે આવડત હોય તે ભગવાન માટે વાપરવી. દિવ્યભાવ રાખવો છે. નિર્દોષ બુધ્ધિ રાખી પ્રાર્થના કરીએ તો ભગવાન જલદી સાંભળે છે. બા પાસેથી આવું શીખવાનું છે. આપણે બધા બા બની શકીએ. કોઈનો અભાવ જ નહીં. બધાને પ્રેમ જ કરવાનો. કોઈનો તિરસ્કાર જ નહીં. 

 

(૫) તા.૨૭/૭/૧૯

 

હીંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. ગુણાતીત જ્યોતમાં પણ મંદિર વિભાગ, કોઠાર વિભાગ, રસોડા વિભાગ, ઈલેક્ટ્રીક વિભાગ, ભંડાર વિભાગ, સિવણ વિભાગનાં બહેનો ખૂબ સુંદર કલાત્મક હીંડોળા બનાવી ભગવાનને ઝૂલાવી રહ્યા છે. આજે આ ઉત્સવ નિમિત્તે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ પંચામૃત હૉલમાં પ.પૂ.દીદી અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે સભા કરી હતી. સ્વરૂપો હીંડોળાના દર્શન કરી રાજી થયાં હતાં.

 

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, ૧૯૭૩માં ઉભરાટ મૂકામે અનુગ્રહમાં ગુરૂહરિ પપ્પાજીનો ઉતારો હતો ત્યાં લીમડા નીચે હીંડોળો બાંધ્યો હતો. જેવો દાદા ખાચરના દરબારમાં હતો તેવો હીંડોળો બાંધી ગુરૂહરિ પપ્પાજીને ઝૂલાવ્યા હતા.

 

સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, હું મારા સંતો થકી પ્રત્યક્ષ રહેવાનો છું. આપણને સ્વામિનારાયણ ભગવાન પપ્પાજી રૂપે મળ્યા છે. આજે શ્રીજીમહારાજ સાથે ગુરૂહરિ પપ્પાજી પણ હીંડોળે ઝુલી રહ્યા છે. આપણે શ્રાવણ સુદ બીજે પ.પૂ.સોનાબાના પ્રાગટ્યદિને સાચા ફૂલનો હીંડોળો કરવો છે. પ.પૂ.દીદીએ હીંડોળાની સજાવટ કરનાર બહેનોને આશીર્વાદ આપી ખૂબ રાજીપો બતાવ્યો. ત્યારબાદ સદ્દગુરૂ સ્વરૂપોએ આરતી કરી. 

 

(૬) તા.૩૧/૭/૧૯

 

લંડનમાં હેરો મંડળના ૧૦ થી ૧૨ ભાભીઓએ વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે ૫૬ સભા કરી આખા વચનામૃતનું (૨૬૨ વચનામૃતનું) પારાયણ કર્યું.  ત્યારબાદ પોથી યાત્રા કરી લંડન જ્યોતમાં લઈ ગયાં. ત્યાં પ.પૂ.દેવીબેન, પૂ.શોભનાબેન, પૂ.નીમુબેન સાકરીયાએ પોથીનું પૂજન કર્યું. પછી પોથીની પૂજાવિધિ કરી. આ ભાભીઓ થાળ ઘરેથી બનાવીને લઈ ગયાં હતાં અને લંડન જ્યોતનાં બહેનોને જમાડ્યાં હતાં. ધન્યવાદ આવી સેવા-ભક્તિ કરનાર આ પરદેશના મુક્તોને…

 

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

હીંડોળા પર્વ ચાલી રહ્યો છે. તેથી આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થનારૂપી ભજનની એક કડી ગાઈને વિરમું છું રાજી રહેશો.

                

હરિને હીંચકાવું હેતથી, શ્યામ સંગ બેસાડે સ્નેહથી..,

                

આવો પ્રેમ ક્યાંય મે દીઠો નથી, સુખ દે છે નેણ, વેણ, મૌનથી..

                    

પૂર્વના સંબંધે પ્રેમવેલ પાંગરી, વ્હાલે દિવ્ય લોચનીયે લીધી આંતરી…

                                             

પ્રેમમાં પલાળી મને સ્નેહે સાંકળી…..

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !