Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 31 Mar 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૮/૩/૧૮ પ.પૂ.જ્યોતિબેનના અસ્થિપુષ્પ વિસર્જનની મહાપૂજા

 

પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજાનો કાર્યક્ર્મ સપ્તેશ્વર ધામે, સાબરમતી નદી તટે અમદાવાદ મંડળ અને ઉત્તર

ગુજરાતના મુક્તો માટે કર્યો હતો.

 

તા.૧૮/૩/૧૭ના રોજ પૂ.ઈન્દુબાના અસ્થિપુષ્પ વિસર્જન આ સ્થાને કર્યા હતાં. ત્યારબાદ બરાબર ૧ વર્ષ પછી પ.પૂ.જ્યોતિબેનના અસ્થિપુષ્પ વિસર્જનની મહાપૂજા રાખી હતી. સહુ મુક્તોએ ભારે હૈયે અને પ.પૂ.જ્યોતિબેનનું દિવ્ય સાંનિધ્ય માણવા આ ભક્તિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મહાપૂજામાં કુલ ૫૧ જોડ બેઠી હતી. અમુક દંપતિ હતાં, અને અમુક બે બહેનો બેઠાં હતાં.

 

મહાપૂજામાં મુખ્ય યજમાન પદે ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ.અતુલભાઈ ભટ્ટ બેઠા હતા. તેમની સાથે પૂ.હેમંતભાઈ મોદી અને પૂ.અલ્પેશભાઈ પરમાર હતાં. અમદાવાદ મંડળના ગાયક વૃંદના ભાઈઓ પણ તેમની સાથે હતાં. ગુણાતીત જ્યોતમાંથી સદ્દગુરૂ સ્વરૂપ પૂ.મણીબા, પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.મનીબેન હતાં, અને બીજા ૬૦ બહેનો પણ આ મહાપૂજામાં પધાર્યા હતાં.

 

ખૂબ ભક્તિભાવપૂર્વક દિવ્યતાસભર વાતાવરણમાં આ મહાપૂજા થઈ હતી. મહાપૂજામાં ૧૦૮ મહારાજની જનમંગલ નામાવલી, ૧૦૮ ગુરૂહરિ પપ્પાજીની નામાવલી અને આજે વિશેષ રીતે આ મંડળે ૧૦૮ પ.પૂ.જ્યોતિબેનના ગુણોની નામાવલિનો પાઠ કરીને આ મહાપૂજા કરી હતી. સત્પુરૂષના જે ગુણ હોય તેનો પાઠ કરવાથી આપણામાં પણ તે ગુણ આવે છે. એ માટે આ નામાવલિનો પાઠ કર્યો હતો.

 

મહાપૂજા બાદ પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.મનીબેનના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અમદાવાદના મહંત એવાં પૂ.રાજુબેને આભારવિધિ કરી હતી. અમદાવાદ મંડળના સુહ્રદભાવ ભર્યા સાથ-સહકારથી આ મહાપૂજાનું આયોજન થયું હતું. અનંત કોટિ ધન્યવાદ પ.પૂ.જ્યોતિબેનને અને એમના વારસ સ્વરૂપ એવા પૂ.ઈન્દુબેનને. પૂ.ઈન્દુબેન એટલે માહાત્મ્ય સમ્રાટ. અને એમણે આ મંડળના મુક્તોમાં માહાત્મ્યનું સિંચન કર્યું છે. કે જેઓ આજે વર્તનથી ગુરૂહરિ પપ્પાજીની સૌરભ ફેલાવી રહ્યા છે. આજે એમના વારસ સ્વરૂપ એવા પૂ.રાજુબેન ભટ્ટ અને પૂ.વર્ષાબેન ભટ્ટ એવા જ માહાત્મ્યથી આ મંડળનું જતન કરી રહ્યાં છે. તેમને અનંત કોટિ વંદન સાથે જય સ્વામિનારાયણ !

 

ત્યારબાદ પધારેલ મુક્તો માટે મહાપ્રસાદનું આયોજન ત્યાંજ કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ બાદ સાબરમતી નદીમાં અસ્થિપુષ્પ પધરાવવાનાં હતાં. પહેલાં ભાઈઓએ અસ્થિ કુંભ લીધો હતો. અને વારાફરતી બધા ભાઈઓએ તેનું પુષ્પથી પૂજન કરી સ્વામિનારાયણ મંત્રની ધૂન સાથે નદી કિનારે લઈ ગયા હતાં.ત્યારબાદ બહેનો અને ભાભીઓએ પણ એ જ રીતે અસ્થિ પુષ્પકુંભને નદી તટે લઈ ગયા હતાં. સહુ મુક્તોએ ભારે હૈયે અને અશ્રુભરી આંખે પ.પૂ.જ્યોતિબેનને અંજલિ અર્પી હતી. અને પછી વિસર્જન કર્યું હતું. પહેલાં બહેનોએ વિસર્જન કર્યું હતું. અને ત્યારબાદ ભાઈઓએ વિસર્જન કર્યું હતું.

 

આજે આ જળમાં અસ્થિ વિસર્જન દ્વારા પ.પૂ.જ્યોતિબેન સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત બનશે. અને જે કોઈ જડ-ચેતન, પશુ-પંખી તેનો સ્પર્શ પામશે તે સહુનું પણ કલ્યાણ થશે. આવી રીતે ખૂબ દિવ્યતાસભર વાતાવરણમાં આજનો આ ભક્તિનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો.

{gallery}images_in_articles//newsletter/2018/March/18-03-18 P.P.JYOTIBEN ASTHI PUSHPA MAHAPUJA SAPTESHWAR AHMEDAVAD MANDAL{/gallery}

 

 

(૨) તા.૨૧/૩/૧૮ પૂ.રાધેશ્યામભાઈ અગ્રવાલ અક્ષરધામ નિવાસી થયા.

 

ગુણાતીત સમાજના જૂના જોગી પૂ.રાધેશ્યામભાઈ અગ્રવાલ આજ રોજ બપોરે ૮૭ વર્ષની વયે અક્ષરધામ નિવાસી થયા.

રાધેશ્યામભાઈ આણંદમાં શાક લેવા જતા ત્યાં અનન્ય ભક્ત પુરૂષોત્તમભાઈ કાછિયા સાથે સંબંધ થયો ને તેમની સાથેની ગોષ્ઠિમાં પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજીના મહિમાની વાતો સાંભળી આત્મા જાગ્રત થયો ને તેમણે પ.પૂ.કાકાજીની પધરામણી પોતાના ઘરે કરાવી. પ.પૂ.કાકાજીએ જોયું કે આ મૂળ મથુરાના આ કુટુંબમાં કૃષ્ણભક્તિ ખૂબ હતી. તેથી કાકાજીએ જ્યોતમાં કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કરેલા પૂ.શાંતાબેન પોપટ (પ.પૂ.બેન) પાસે જવા કહ્યું. અને પ.પૂ.બેનના જતન, ભજન ને સમાગમે ગુરૂહરિ પપ્પાજીમાં નિષ્ઠા થઈ. સાથે સંતો, બહેનો, ભાઈઓ સર્વેની સેવાનું માહાત્મ્ય ઉદય થયું ને ગુણાતીત સમાજના સભ્ય બન્યા.

 

ગુરૂહરિ પપ્પાજી સાથેના તેમના અનેરા દિવ્ય સંબંધનું દર્શન થતું. પૂ.રાધેશ્યામભાઈ રોજ સવારે આણંદથી પ્રભુકૃપામાં સંઘધ્યાનમાં ગુરૂહરિ પપ્પાજીના દર્શને ચાલીને આવતા. મંદિરે ખાલી હાથે ના અવાય તેવી ભાવના સાથે રોજ ફ્રુટ, મિઠાઈ કે અન્ય ફરસાણ લઈને આવતા એમાંય રતલામી સેવ પપ્પાજી માટે સ્પેશ્યલ લઈ આવતા. ને ગુરૂહરિ પપ્પાજી તેમનો ભાવ ગ્રહણ કરતા. ગુરૂહરિ પપ્પાજી સાથે આવા દિવ્ય સંબંધે જોડાયેલા રાધેશ્યામભાઈ દેહ ચાલે ત્યાં સુધી સંઘધ્યાનની સભાનો લાભ લીધો ને ખૂબ જ ભક્તિભાવથી સત્સંગ કરી પોતાનું જીવન સાર્થક કર્યું. એટલું જ નહીં પોતાના દીકરા પૂ.હરિશભાઈ, પૂ.બીનાભાભી, પૂ.રાજુભાઈ, પૂ.મિથિલેષભાભી, દીકરીઓ, પૌત્ર, પૌત્રીઓ સર્વને સત્સંગનો વારસો આપ્યો. તેમ જ તેમની નાની દીકરી પૂ.સરસ્વતીબેનને ભગવાન ભજવા હતા તો રાજીખુશીથી રજા આપી પોતાની એકોતેર પેઢી તારી એવા અનન્ય ભક્તરાજ પૂ.રાધેશ્યામભાઈને કોટિ કોટિ વંદન ! 

 

(૩) તા.૨૪/૩/૧૮ પૂ.ચંદ્રિકાબેન ભટ્ટની ત્રયોદશીની મહાપૂજા

 

પૂ.ચંદ્રિકાબેન ડી. ભટ્ટ તા.૧૩/૩/૧૮ના રોજ ૮૯ વર્ષની ઉંમરે અક્ષરધામ નિવાસી થયા. તેમની ત્રયોદશી નિમિત્તે તેમના કુટુંબીજનોએ આ મહાપૂજા કરાવી હતી. અને બહેનોને થાળ જમાડ્યો હતો.

 

ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂસ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનના પ્રસન્નતાનાં પાત્ર પૂજનીય એવા પૂ.ચંદ્રિકાબેન દિનકરરાય ભટ્ટને કોટિ કોટિ વંદન!

યોગીજી મહારાજના જોગમાં આવ્યા. અને યોગીજી મહારાજે તેમને અદાના ઘરે જવાની આજ્ઞા કરી ને ત્યાં ગુરૂહરિ પપ્પાજીમાં તેમનો આત્મો જોડાયો. જે પ.પૂ.જ્યોતિબેન સાથે દિલથી આત્મબુધ્ધિ થઈ ગઈ. ખૂબ સેવા કરી નિર્માની ને આંતરિક રાંકભાવે જીવી પૂ.વિમળાબેન મોદીને રાજી કરી લીધા. ધૂન-ભજન સ્વાધ્યાય, મહાપૂજાની ટેવ ને ગુરૂહરિ પપ્પાજીના આશ્રયે ભગવાન ભજતી બહેનો માટે રોજ મહાપૂજા કરે. જીવનમાં એક જ અભિપ્સા – ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેન કેમ રાજી થાય ? ને એ જ વારસો પોતાના સંતાનોને બક્ષ્યો. ને સંબંધમાં જે જે આવ્યા તેને ભજન કરી સુખિયા થવાનું શીખવ્યું.

 

પ્રભુના વચનનું કેવું માહાત્મ્ય ! ગમે તેવી તન-મન-ધનની પરિસ્થિતિમાંય સેવા અને મુક્તો વિષેય માહાત્મ્યસહ પ્રીતિ રાખી જતન કર્યું ને ગુરૂહરિ પપ્પાજીએ આપેલું ‘પરમના પથિકને’ પુસ્તકનું તા.૨૪નું બ્રહ્મસૂત્ર સાર્થક કર્યું. ‘પ્રભુની મૂર્તિ કરતાં તેનું નામ ને તે કરતાંય તેનું વચન અનંતગણું કામ કરે છે.’

 

એવાં ચંદ્રિકાબેન ગુરૂહરિ પપ્પાજીને સંભારતા સંભારતા પ્રભુ સાંનિધ્યે બિરાજી ગયાં. તો આજ મહાપૂજા કરી પ્રાર્થના કરીએ. સર્વ કુટુંબીજનો તન-મન-ધનથી સુખિયા થાય. તેમના બે દીકરી  પૂ.દર્શનાબેન અને પૂ,ચારૂબેન ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે છે. અને પૂ.રમેશભાઈ હરિધામ સ્વામીજીની નિશ્રામાં સહિષ્ણુ તરીકે છે. પોતાના ત્રણેય સંતાનોને નાનપણથી ભક્તિના સંસ્કાર અને વારસો આપ્યો. બોરીવલી મંડળમાં અગ્રસ્થાને સેવા-ભક્તિ કરી સમર્પિત થયા.

હે ગુરૂહરિ પપ્પાજી ! હે પ.પૂ.જ્યોતિબેન આશિષ અર્પો સહુને તવ રૂચિમાં ભળી જ્યોતને જલતી રાખીએ.

{gallery}images_in_articles//newsletter/2018/March/24-03-18 CHANDRIKABEN BHATT TRAYODASHI MAHAPOOJA{/gallery}

 

 

(૪) તા.૨૫/૪/૧૮ શ્રી હરિ જયંતી

 

આજે હરિ જયંતી નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહારાજે જે જે સ્થાનકને વિષે જે જે વાત કરી હોય તે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી શુકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી વગેરે સંતો લખી લેતાં. સંતો લખે અને મહારાજ વાંચી અને ટીક મારે. એ પ્રમાણે આ વચનામૃત ગ્રંથ રચાયો છે. અને સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતગ્રંથને અધિકૃત કર્યો છે.

 

મહારાજે સંપ્રદાયમાં વિચરણ બહુ કર્યું. પણ ગઢડાને પોતાનું ઘર માન્યું. તેમાં કુલ ૧૮૪ વચનામૃત ગઢડાનાં છે. પ્રથમનાં – ૭૮, મધ્યનાં-૬૭, અંત્યનાં-૩૯, સારંગપુરનાં-૧૮, કારિયાણીનાં-૧૨, લોયાનાં-૧૮, પંચાળાનાં-૭, વડતાલનાં-૨૦ એમ કુલ-૨૬૨ વચનામૃતનો ગ્રંથ સ્વામિનારાયણ ભગવાને પોતાના સંપ્રદાયને આપ્યો છે. તે વચનસુધાનું આજે વાંચન કર્યું હતું.

 

ગુરૂહરિ પપ્પાજીએ પણ આપણને પ્રગટ અને પ્રત્યક્ષનાં એકાંતિકો માટેનાં ૧૫૪ વચનામૃત ટીક કરીને આપ્યાં છે. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનને ગમે છે. એ પ્રમાણે વચનામૃતનું સમૂહ પારાયણ કરવાનું રાખ્યું હતું. દરેક રૂમની એક બહેને વચનામૃત લઈને સભામાં આવવાનું હતું અને તેમને જે નંબરનું વચનામૃત આપ્યું હોય તેનું વાંચન કરી તેમાંથી એક લીટી લખી અને સભામાં જ્યાં બરણી મૂકી હતી તેમાં તે કાગળ મૂકવાનો હતો.

 

સભાની શરૂઆતમાં પૂ.સરોજબેન વી. પટેલે મહારાજને હાર અર્પણ કર્યો. ત્યારબાદ વચનામૃતની ૨૦૦મી જયંતી આવી રહી છે એટલે કેન્દ્રના ૨૦૦ નંબરનાં બેન પૂ.કલ્પુબેન આઈ. પટેલે ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો.

ત્યારબાદ મહારાજે જે જે સ્થાનકને વિષે જે વાત કરી છે. તે સ્થાનની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની વાતો પણ સભામાં કરી હતી.

 

પૂ.હરણાબેન દવેએ વડતાલ ધામની સ્મૃતિ કરાવી હતી. “આપ મળ્યા તે જ સાક્ષાત્કાર” નો જે પ્રસંગ છે તેની વાત કરી હતી. વડતાલ મંદિરના ત્રીજા ખામણામાં મહારાજની મૂર્તિ છે. તે મહારાજે સ્વયં પધરાવી છે. યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને કહ્યું, “આ મૂર્તિ બહુ પ્રતાપી છે.” ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, “બાપા મારે તો આપ મળ્યા તે જ સાક્ષાત્કાર.” એ સ્મૃતિની વાત કરી હતી.

 

પૂ.હંસાબેન ગુણાતીતે ગઢડાની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરાવી. ગઢડાની નવા મંદિરની મૂર્તિઓ તૈયાર થઈને આવી ત્યારે શાસ્ત્રીજી મહારાજ બિમાર હતા. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા તેના ૧૩માના દિવસે યોગીજી મહારાજે આરતી કરી. ત્યારે ઘણા બધા ભક્તો આફ્રિકાથી આવ્યા હતા. તેમનો ઉતારો ક્યાં રાખવો તે પ્રશ્ન હતો. તો કાકાજી-પપ્પાજીએ મુંબઈ મંડળના ઉતારા ખાલી કરી અને આફ્રિકા મંડળને આપ્યા.

 

જ્યાં જેને માનીએ ત્યાં તરબતર થઈ જવું. એવું જીવન ગુરૂહરિ પપ્પાજી જીવ્યા અને આપણને બતાવ્યું. ગુરૂહરિ પપ્પાજીએ ક્યારેય કોઈ પાસે માંગ્યું નથી. ભક્તો માટે શું ન થાય ? એ વાતનો આપણે સાક્ષાત્કાર કરવો છે.  એક વખત ગુરૂહરિ પપ્પાજી સાંકરદા ગયા હતા. ત્યાં કોઈએ એવું કહ્યું કે, ‘સ્વામીજી સેવા કરી બધાની બહુ મૂર્તિ લૂંટે છે.’ તો ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે, અંદરોઅંદર એકબીજાનો મહિમા સમજી સેવા કરો તે મૂર્તિ લૂંટી કહેવાય.

 

એક વખત ગુરૂહરિ પપ્પાજી ગઢડા ગયા હતાં. ત્યાં લક્ષ્મીવાડીએ દર્શન કર્યાં. મહારાજના પ્રસાદીના ઢોલીયાનાં દર્શન કર્યા. ત્યાં લીમડાનું ઝાડ હતું. તેનાં દર્શન કરાવ્યાં. મહારાજ ત્યાં હીંચકા ખાતા હતા તેનાં દર્શન કર્યાં. પછી કહ્યું કે, આ લીમડાના પાન છે તેની કડવાશ નથી ગઈ. તો જીવંત મુક્તોનાં સ્વભાવ, પ્રકૃતિ મન પર ના લેવા. એકબીજામાં દિવ્યભાવ રાખવો. એમ વાત કરી. એમ આપણે પણ બધામાં મહારાજના-પપ્પાજીના દર્શન કરીએ. જપયજ્ઞ, સ્મૃતિ, ભજન કર્યા કરીએ.

 

સારંગપુરની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ પૂ.દયાબેને કરાવી. એક વખત ગુરૂહરિ પપ્પાજી ભાવનગર ગયા હતા. ત્યાં દયાબેનને બોલાવ્યા અને કહ્યું કે, આપણે ગોંડલ દર્શન કરવા જવું છે. ત્યારે પ.પૂ.સોનાબા, પ.પૂ.બેન અને સ્વરૂપો હરિભક્તોને લઈને સૌરાષ્ટ્રની પંચતીર્થિ કરવા ગયા હતાં. તેમને પણ બોલાવ્યા. એક મુકામ નક્કી કર્યો હતો. ત્યાં બધા ભેગા થયા. અને ત્યાંથી પછી બધા સાથે ગોંડલ ગયા. પાર્ટીશન પછી ગુરૂહરિ પપ્પાજી પહેલી વખત જ ગોંડલ જતા હતા. ત્યાં મંદિરમાં ઉપર ચડ્યા. ત્યાં પાંચ પ્રદક્ષિણા ફરી. અક્ષરડેરીમાં ગયા. ત્યાં પણ પાંચ પ્રદક્ષિણા ફરી. પછી યોગી સ્મૃતિમાં ગયા ત્યાં બાપાની પાસે ઘૂંટણીયે બેસી, પ્રાર્થના કરી, “બાપા આ વખતે તમે મને બહેનોની સેવા આપી. તે હું કરી રહ્યો છું. આ જન્મે તમે મને પાછા આજ્ઞા આપવા નહીં આવો, તે પ્રમાણે હું કરી રહ્યો છું.” ત્યાં ૧૧ પ્રદક્ષિણા ફર્યા. અને પછી ઓટા પાસે ૧૧ પ્રદક્ષિણા કરી. ભેટ લખાવી, થાળ નોંધાવ્યો.

 

પછી આગળ જતાં બસ બગડી. ત્યાં ઉભા રહ્યા. ત્યાં ગુરૂહરિ પપ્પાજીએ લેખ લખ્યો કે, આપણે ક્યારેય કોઈને વિમુખ ના કરીએ. કોઈનો અભાવ ના લઈએ.

 

પછી ત્યાંથી સારંગપુર આવ્યા. ત્યાં ત્રીજા ખામણામાં કાષ્ટની મૂર્તિ છે. તેનાં દર્શન કર્યા. આ મૂર્તિ પૂ.ડૉ.સારાભાઈએ ૧૯૧૬માં આ મંદિરમાં પધરાવી હતી. ૧૯૫૬માં યોગીજી મહારાજની જયંતી સારંગપુર ઉજવવાની હતી. ગુરૂહરિ પપ્પાજી વહેલી સવારે જોગીબાપાની ઓરડીએ દર્શન કરવા ગયા. બાપા ઉઠ્યા. તો કહે, બાબુભાઈ આવી ગયા ? ગુરૂહરિ પપ્પાજી મનોમન બાપાને પ્રાર્થના કરતા હતા કે, બાપા તમારા વગર મારામાં કાંઈ રહ્યું છે ? તો બાપા કહે, તમારામાં કાંઈ રહ્યું નથી. કારિયાણીનું ૫ મું વચનામૃત વાંચવા કહ્યું. બાપા પરવારીને આવ્યા. અને ગુરૂહરિ પપ્પાજીને પ્રસન્નથકા આશીર્વાદ આપ્યા.

 

જોગીબાપાએ ‘સૃનૃત’ સારંગપુરમાં લખ્યું છે. તે શાંતાબા દવે પાસે હતું. તેમણે ગુરૂહરિ પપ્પાજીને આપ્યું. ગુરૂહરિ પપ્પાજીએ તે પ.પૂ.દીદીને આપ્યું. અને ૧૯૬૪માં તેને છાપી અને બુક બહાર પાડી. અને તેને ‘સૃનૃત’ નામ આપ્યું.

સૃનૃત એટલે સત્ય, પ્રિય અને હિતકારી વાણી. તેનું ઉદ્દઘાટન પણ જોગી બાપા પાસે કરાવ્યું હતું.

 

પૂ.ભાવનાબેન ડી. એ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કરી. અને કારિયાણી ધામની સ્મૃતિ કરાવી હતી. કારિયાણીમાં મહારાજે છ સંકલ્પ કર્યા હતા. કારિયાણાં ગુરૂહરિ પપ્પાજીએ વચનામૃત વાંચ્યા અને રામકૃષ્ણ સાહેબને ઈંગ્લિશમાં સમજાવ્યા હતા. ત્યાંના સંતોએ ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત કરી અને હાર પહેરાવ્યો. ત્યાં જે બારીમાં મહારાજ બહુ બેસતા ત્યાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન થયા. જસુબાને મહારાજ સાથે પરણવું હતું. ત્યારે મહારાજે કહ્યું, અમારી સાથે ના પરણાય. અને દાદા ખાચર સાથે લગ્ન કરાવ્યા. અને મહારાજની સેવા-ભક્તિનો લાભ લીધો.

 

પૂ.પન્નાબેન દવેએ અમદાવાદની સ્મૃતિ કરાવતાં કહ્યું કે, એક વખત મહારાજ પોઢ્યા હતાં. મુક્તાનંદ સ્વામી તેમનાં ચરણ દબાવતા હતા. મુક્તાનંદ સ્વામી રડતા હતા. તેમના આંસુ મહારાજના ચરણ પર પડ્યા. મહારાજે કહ્યું, સ્વામી શું થયું ? તમે કેમ રડો છો ? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ‘મહારાજ તમે જશો પછી અમારૂં શું થશે ? એટલે મહારાજે એમને વચન આપીને કહ્યું, “પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી હું રહીશ.”

 

પછી મહારાજે છ મંદિરો કર્યાં. અને એના દ્વારા એ અખંડ રહેશે. એવી પ્રતીતિ કરાવી. મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવ અને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ સ્થાપ્યા. મહારાજે સહુ પ્રથમ મંદિર અમદાવાદમાં બાંધ્યું. તેમ ગુરૂહરિ પપ્પાજીએ પણ પ્રથમ જ્યોત અમદાવાદમાં સ્થાપી. ઈ.સ.૧૯૬૦માં બાપા અમદાવાદ મંદિરમાં હતાં. ગુરૂહરિ પપ્પાજી પણ ત્યાં હતા. બાપાએ ગુરૂહરિ પપ્પાજીને કહ્યું, “આપણે દેશ-પરદેશમાં ડંકો વગાડવો છે.” એટલે ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, “અમે જઈએ તો અમને એવા બનાવજો કે તમારે અમને લેવા પાછા ના આવવું પડે.” અને બાપાએ રાજી થકા આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજી ૧૯૮૦માં પરદેશ પધાર્યા. ત્યાં જ્યોતની સ્થાપના કરી અને એવાં સ્વરૂપો પણ તૈયાર કર્યાં. જે આજે ગુરૂહરિ પપ્પાજીની રૂચિ મુજબ સમાજનું જતન કરી રહ્યાં છે.

 

ગુરૂહરિ પપ્પાજીની એક જ ઈચ્છા છે કે તમે ખમો, નમો અને મહારાજને ગમો. આ સ્વરૂપો આપણને હસતાં-રમતાં સાધના કરાવે છે.

ત્યારબાદ હૉલમાં સ્ટેજ પાસે માળવાઈઝ વચનામૃત મૂક્યાં હતાં તેનું સ્વરૂપોએ પૂજન કર્યું. ત્યારબાદ બધી બહેનોએ સમૂહમાં તેનું પારાયણ કર્યું. આમ, ભક્તિભાવપૂર્વક સવારની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2018/March/25-03-18 SHRI HARI JAYANTI VACHNAMRUT PRAGTYADIN SABHA PAPPAJI HALL{/gallery}

 

સાંજે ૮.૩૦ થી ૧૦.૦૦ શ્રી હરિના પ્રાગટ્યની સભા કરી હતી.

 

પૂ.આભાબેને પંચાળાની સ્મૃતિ કરાવી. પંચાળામાં મહારાજની સ્મૃતિ છે કે મહારાજ સંતો-હરિભક્તો સાથે નવ લાઈનમાં ગરબા રમ્યા હતા. એના એ જ શ્રીજીમહારાજ આપણને પપ્પાજી સ્વરૂપે મળ્યા છે. અને એની પ્રતીતિ ‘૯૩ની સાલમાં સાંકરદા મુકામે કરાવી હતી. સાંકરદામાં ૧૦ દિવસ બ્રહ્મ રમતોત્સવનુ આયોજન કર્યું હતું. તેમાં એક દિવસ સાંજે ગુરૂહરિ પપ્પાજી ત્યાં બિરાજમાન હતાં. તેમની સામે આભાબેન બેઠા હતાં. તેમને ઉભા કરીને કહ્યું કે, હું ગરબા ગાઉં છું અને તું ત્રણ તાલીના ગરબા કર. અને પછી ગુરૂહરિ પપ્પાજીએ “મહેંદી તે વાવી માળવે…’, ‘આશાભર્યા તે અમે આવીયા…’ અને ‘મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે…’ એમ ગરબા ગાયા. વારાફરતી બધા બહેનો ગરબામાં ઉમેરાતા ગયા. અને લગભગ પાંચ-છ લાઈનમાં બહેનો રમતા હતાં. પછી તો ગુરૂહરિ પપ્પાજીએ ઢોલક પણ મંગાવ્યું અને ગરબા કરાવ્યા. આમ, શ્રીજીમહારાજ આપણને ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપે મળ્યા છે એની પ્રતીતિ આ ઉત્સવ દ્વારા કરાવી.

 

મહારાજે જેતલપુરમાં પણ વચનામૃત ઉદ્દ્બોધ્યા છે. જૂનાગઢના નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના સાતમા વંશજના દીકરી એટલે ગંગાબા. આ ગંગાબાને જેતલપુર પરણાવેલા. નાની ઉંમરે વિધવા થયા. તે તેમના પતિ પાછળ સતી થવા જતા હતાં. ત્યાં રામાનંદ સ્વામી પધાર્યા અને તેમને કહ્યું તું સતી ના થઈશ. તો ગંગાબાએ કહ્યું, હું શું કરૂં ? મારો આ ભવ કેવી રીતે નીકળશે. પછી રામાનંદ સ્વામીએ કહ્યું, તું સદાવ્રત ખોલ. અને એક દિવસ ત્યારે ત્યાં ભગવાન પધારશે.

 

આમ, એમણે સદાવ્રત ચાલુ કર્યું. મહારાજ પણ આ બાજુ નીલકંઠવર્ણી રૂપે એક દિવસ જેતલપુર પધાર્યા. અને ગંગાબાના ઘરે જઈને કહ્યું, ‘ભિક્ષામ્ દેહી’.  ગંગાબાને તો આ વર્ણીને જોઈને જ અંતરમાં શાંતિ થઈ ગઈ. તેમનો નિયમ હતો કે ભૂખ્યાને જમાડીને જ જમવું અને ત્રણ દિવસથી કોઈ આવ્યું નહતું. તેથી તેમને ત્રણ દિવસના ઉપવાસ થયા હતા. વર્ણીએ કહ્યું જો તમે મને દીકરો કરો તો જ હું જમું. અને પછી ગંગાબાએ તેમને દીકરા કહ્યું અને મહારાજ જમ્યા. પછી તો મહારાજને રામાનંદ સ્વામીએ જેતપુરમાં દીક્ષા આપી. અને ૧૦ વર્ષ પછી મહારાજ જેતલપુર પધાર્યા અને ગંગાબાને ત્યાં ઉતારો રાખ્યો. મહારાજને જ્યાં જાય ત્યાં ગંગાબા તેમને દીકરાના ભાવે જમાડતાં. પછી મહારાજે ગંગાબાને કહ્યું, બા હવે ખમૈયા કરો. અને ત્યારપછી ગંગાબાએ મહારાજને જમાડવાનું બંધ કર્યું.

 

ત્યારબાદ પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીના પણ ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ્રભુ પ્રાગટ્યની આરતી કરી હતી. અને સહુ મુક્તો પ્રસાદ લઈને ધન્યતાના ભાવ સાથે વિદાય થયા હતા.

 

માણાવદર જ્યોત કુંભ સ્થાપના

 

આજના દિવસના બીજા એક ભવ્ય ઉત્સવની સ્મૃતિ માણીએ.

માણાવદર જ્યોત બહેનોના નવા નિવાસગૃહમાં શ્રી હરિ જયંતીના શુભ દિને કુંભ પધરાવવાનો પ.પૂ.જ્યોતિબેનનો સંકલ્પ હતો. અગાઉથી એટલે કે તા.૩૦/૧૨/૧૭ના રોજ પ.પૂ.જ્યોતિબેને પ્રેરણા (આદેશ) જણાવ્યો કે, માણાવદર જ્યોતમાં શ્રી હરિ જયંતીએ કુંભ પધરાવવો છે. એ મુજબ આજે વિદ્યાનગરથી પૂ.મનીબેન, પૂ.હંસાબેન કંપાલા, પૂ.બેનીબેન, પૂ.પ્રવિણાબેન ગોહિલ, પૂ.રસીલાબેન ડઢાણીયા, પૂ.રેખાબેન વ્યાસ, પૂ.ઉર્વશીબેન, પૂ.જશીબેન, પૂ.અર્ચનાબેન, પૂ.પૂર્વીબેન અને પૂ.પલ્લવીબેન અને બહેનો પધારેલાં.

 

સવારે ૮.૩૦ થી ૧૧.૦૦ ભક્તિ સભર મહાપૂજા કરી હતી. મંડળના બધા ભાભીઓએ આ મહાપૂજામાં પધારી લાભ લીધો હતો. મહાપૂજા બાદ આખા મકાનમાં પુષ્પ અને જળ ધૂન કરતાં કરતાં બહેનોએ છાંટ્યું. પૂ.બેનીબેનના વરદ્દ હસ્તે તથા મોટેરાં બહેનોના સહયોગે હળીમળી નીચે રસોડામાં કુંભ પધરાવ્યો. મહાપૂજામાં બધાં જ બહેનો-ભાભીઓએ બે હાથ જોડી મનોમન માહાત્મ્ય સ્મૃતિ-પ્રાર્થના સ્મરણ કર્યું. તથા તે પછી હાથમાં પુષ્પ લઈને આજના પ્રસંગની મહાપૂજાની પ્રાર્થના કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2018/March/25-03-18 MANVADAR{/gallery}

 

 

આ પવિત્ર ધરતી જેમાં પૂ.રળીફોઈ, પૂ.નરસીફુવાના ઘરની પસંદગી ગુરૂહરિ પપ્પાજીએ કરી અને અહીં શ્રી ગુણાતીત જ્યોતની સ્થાપના ઇ.સ.૧૯૮૧ ના રોજ કરી. અહીંના ભક્તોને સદ્દગુરૂA અને સંત બહેનોનો જોગ આપ્યો. વર્ષો સુધી અહીં બહેનો રહી સભા, ભજન, મહાપૂજા, સમૈયા, આનંદ બ્રહ્મ વગેરે કાર્યક્રમો થયા. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂA અવારનવાર પધારી આ ભૂમિને પાવન કરી છે.

 

એ જીર્ણ થયેલ નિવાસની જગ્યાએ પ.પૂ.જ્યોતિબેનના આદેશ મુજબ નવું નિવાસ બાંધવાનું નક્કી થયું. જેનું ભૂમિપૂજન તા.૨૧/૧૧/૧૬ના રોજ પ.પૂ.જ્યોતિબેન અને પૂ.ધર્મિષ્ઠાબેને કર્યું. તે પછી તા.૨૬/૧૨/૧૬થી પાયા ખોદવાનો પ્રારંભ થયો. પ.પૂ.જ્યોતિબેનની આજ્ઞાથી પૂ.અતુલભાઈ ગુણાતીત પ્રકાશના નાના સંતે મોટી જવાબદારી ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનની પ્રસન્નતાર્થે લઈને કાર્ય પૂર્ણ કર્યું. રક્ષાબંધન ના શુભદિને પ.પૂ.જ્યોતિબેને મકાનમાં પધરામણી કરી. વ્હીલચેરમાં પધારી આખું બાંધકામ ર્દષ્ટિગોચર કરી ફરી તીર્થત્વ બક્ષ્યું છે. તેવું જ પ.પૂ.દીદી પણ પધારી તીર્થત્વ બક્ષ્યું છે.

 

પ.પૂ.જ્યોતિબેને અહીંના નવા મંદિરની મૂર્તિઓનું પૂજન વિદ્યાનગર પ્રભુકૃપામાં કર્યું. જાતે મૂર્તિઓના હાર બનાવ્યા.

જ્યોત મંદિરમાં તે મંદિરની મહાપૂજા પ.પૂ.દીદીની પ્રેરણા પ્રમાણે સંતો, ભાઈઓએ તા.૧૩/૨/૧૮ના રોજ મહાશિવરાત્રીએ પ.પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યદિને કરી. વળી, તા.૧૫/૨/૧૮ના રોજ પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે અને સાથે પ.પૂ.દેવીબેન, પૂ.ધર્મિષ્ઠાબેન અને મોટેરાં બહેનોના વરદ્દ હસ્તે પ્રતિષ્ઠા અને પૂજન, આરતી થયાં.

 

મહાપૂજામાં બધા જ મુક્તોને બહેનો-ભાભીઓને હાથમાં પુષ્પની પાંદડીઓ આપી અને સંકલ્પ કરાવ્યો.

 

સંકલ્પ

 

હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે કાકાજી મહારાજ ! હે દિવ્ય બા ! હે દિવ્ય બેન ! હે સર્વ ગુણાતીત સ્વરૂપો!

પ્રત્યક્ષ ધામ, ધામી મુક્તોની સાક્ષીએ આજે તા.૨૫/૩/૧૮ને રવિવાર ચૈત્ર સુદ નોમ શ્રી હરિ જયંતિના આ શુભ દિને શ્રી ગુણાતીત જ્યોતની શાખા માણાવદર તીર્થધામના નવા નિવાસમાં કુંભ પધરાવવાના નિમિત્તે મહાપૂજા કરી કુંભ પધરાવીએ છીએ.

 

આપ અહીં અખંડ બિરાજમાન રહેજો. અહીં જે શુભ હેતુથી અહીં જ્યોતની સ્થાપના કરી છે, તે હેતુ સાર્થક કરીએ. સમાગમ કરી અંતર સુખિયા થઈએ. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ પ્રમાણે અહીં શ્રી ઠાકોરજી સમક્ષ સારા-માઠા પ્રસંગે ૧૫ મિનિટ ધૂન કરીશું. પ્રદક્ષિણા માનીશું ને કરીશું. આમ, તન, મન, ધન અને આત્માથી ભવોભવના સુખિયા થઈએ.

 

પંચામૃત અને ગુણાતીત જ્ઞાનનું નવનીત અમારું જીવન બને. હે ગુરૂહરિ પપ્પાજી ! આપનું જેવું છે તેવું સ્વરૂપ ઓળખાઈ જાય. અને અમારી સર્વે શુભ પ્રાર્થના સિધ્ધ કરવાની કૃપા કરશોજી. આવી પ્રાર્થના સાથે આ નવા નિવાસમાં પુષ્પ પધરાવી કુંભ પધરાવીએ છીએ. તો પ્રાર્થના સ્વીકારવા કૃપા કરશોજી.

 

આ પ્રાર્થના પછી હાથમાં જે પુષ્પો હતાં તે કુંભ ઉપર દરેકે જાતે આવી પધરાવવાનો લાભ લીધો હતો. આરતીનો લાભ પણ ભાઈઓ-ભાભીઓએ લઈને ધન્યતા અનુભવી હતી. જાણે ગુરૂહરિ પપ્પાજી સાક્ષાત્ પધારી ગયા હતા. બધા જ ગુણાતીત સ્વરૂપો અને જ્યોતના મોટેરાં સદ્દગુરૂ પ્રત્યક્ષ પધાર્યા હોય તેવી અનુભૂતિ સહુના અંતરમાં થઈ હતી.

આમ, ખૂબ દિવ્ય અને ભવ્ય વાતાવરણમાં આજની મહાપૂજા થઈ હતી.

 

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !