16 to 31 Oct 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજીપપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૭-૧૮ અને ૨૧ ઑક્ટોબર પ.પૂ.જશુબેનના શરણમ્ પર્વ નિમિત્તે જ્યોતનાં બહેનોની ભાવાર્પણની સભા

 

પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’ રૂપે આપણે તા.૨૪, ૨૫ નવેમ્બર વિશેષ રીતે ઉજવવાના છીએ. પ.પૂ.જશુબેનની

પ્રાગટ્ય તિથિ કારતક સુદ-૧૪ છે. તેથી જ્યોતનાં બહેનો દર મહિનાની ચૌદશની તિથિએ પ્રતિક સભા રૂપે ઉજવણી કરતાં હતાં. તેમાં આ ઑક્ટોબર મહિનાની છેલ્લી પ્રતિક સભાની ઉજવણી જ્યોતનાં બહેનોએ સદ્દગુરૂના ગ્રુપવાઈઝ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જશુબેનના ચરણે ભાવાર્પણ કરીને કરી હતી. ભાવાર્પણ હાર, કાર્ડ, કલગી, પ્રસાદ, કેક, નૃત્ય, ભજન, મૂક અભિનય વગેરે દ્વારા કર્યું હતું. પ.પૂ.જશુબેનના જીવન પ્રસંગોની સ્મૃતિ આ બધામાં આવરી લીધી હતી.

 

પ.પૂ.જશુબેને પપ્પાજીનો સંબંધયોગ આત્મસાત કર્યો ને ખૂબ વિચરણ દિવસ-રાત તબિયત જોયા વગર કર્યું ને ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા ર્દઢ કરાવી પરાભક્તિ કરી છે. એ સ્મૃતિ સાથે ભાવાર્પણ કર્યું હતું. તે માટે જ્યોતમાં રૂટિન કામકાજમાં જે નાની ગાડી વપરાય છે. તેને શણગારીને તેમાં ભાવાર્પણ કરવાની વસ્તુઓ મૂકી હતી. તેમાં એરિયાવાઈઝ પ્રદેશનું લેબલ લગાડ્યું હતું અને તેની સાથે નાની સાઈઝનું એક મોડેલ વિચરણ પ્રતિક રૂપે ગાડીમાં બાંધ્યું હતું. પ.પૂ.જશુબેને ગુજરાત અને પરદેશમાં ખૂબ ખૂબ વિચરણ કર્યું છે. એટલે તે દરેક પ્રદેશના નામના લેબલ આ શણગારેલી ગાડીમાં લગાડ્યાં હતાં. દરેક ગ્રુપને ભાવાર્પણ માટે ૩૦ મિનિટનો સમય આપ્યો હતો.

 

તા.૧૭મીએ પ.પૂ.તારાબેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પૂ,શોભનાબેન અને પૂ.દયાબેનના ગ્રુપનાં બહેનોએ ભાવાર્પણ કર્યું હતું.

તા.૧૮મીએ પ.પૂ.બેન, પ.પૂ.દીદી, પૂ.સવિબેન અને પૂ.મધુબેન સી. ના ગ્રુપનાં બહેનોએ ભાવાર્પણ કર્યું હતું. 

 

તા.૨૧મીએ સવાર અને સાંજ એમ બે ટાઈમ સભા રાખી હતી. સવારની સભામાં પૂ.મનીબેન અને પૂ.હંસાબેન ગુણાતીતના ગ્રુપનાં બહેનોએ પોતાનો ભાવ રજૂ કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2018/Oct/17-18 P.P.JASUBEN SARNAM PARVA{/gallery}

 

સાંજની સભામાં પૂ.માયાબેન, પૂ.પદુબેન અને પૂ.તરૂબેનના ગ્રુપનાં બહેનોએ ભાવાર્પણ કર્યું હતું. 

અમુક ગ્રુપની ભાવાર્પણ સભામાં એકના એક પ્રસંગો રિપીટ થતા હતાં. પણ એની રજૂઆત જુદી જુદી રીતે થતી હતી. તેથી એવું જ લાગે કે આ પ્રસંગ આજે જ સાંભળ્યો. દરેક ગ્રુપનાં બહેનોનો ભાવ એટલો બધો હતો કે તેને રજૂ કરવા માટે ૩૦ મિનિટનો સમય ઓછો પડતો હતો. પણ સમય મર્યાદા જાળવીને સ્મૃતિ સાથે દરેક ગ્રુપે ખૂબ ભવ્ય રીતે પ.પૂ.જશુબેનના ચરણે ભાવાર્પણ કર્યું હતું. અને ગુરૂહરિ પપ્પાજી આ સ્વરૂપમાં રહીને દરેકના ભાવોને સ્વીકારતા હતા તેવી અનુભૂતિ દરેક સભામાં થતી હતી. આમ તો એનું વર્ણન કરવા બેસું તો પાનાં ને પાનાં ભરાઈ જાય. પણ એનું વર્ણન કરવું શક્ય નથી. પણ પ.પૂ.જશુબેનના જીવનકાર્યને પદ્ય રૂપે વર્ણન કર્યું છે. તેમાં પ.પૂ.જશુબેનના જીવનનો સમગ્ર સાર આવી જાય છે, તે જોઈએ.

 

“ઝબક શરણમ્ પર્વની જય જય જય”એ દરેક અક્ષર પરથી માહાત્મ્યગાન અને પ્રાર્થના ધરી છે.

 

ઝ-ઝબક પ્રાગટ્ય પર્વ છે ૮૫ મો, ઉજવીએ હોંશે હોંશે શરણમ્ પર્વ રૂપે

                  

છે અભિનંદન, કરીએ કોટિ વંદન, વહાલાં પ્રિય જશુબેનને

 

બ-બન્યાં નિમિત્ત શ્રીજી સંકલ્પનાં, પાંદડે પાંદડે નામ દેવું સ્વામિનારાયણનું

                  

સ્વામી ગુણાતીતે જે વાત કરી, ને તે ધખણાથી કાર્ય કર્યું સત્સંગનું

 

ક-કરી રાખ્યું ચાલુ કાર્ય વારસ ભગતજી, શાસ્ત્રીજી, વળી યોગીજીએ પેઢી દર પેઢી

                  

ગુરૂહરિ આજ્ઞા ઝીલી અધ્ધર ઝબકજીએ, ને દોટ મૂકી વિચરણે જપનામ સાથે

 

શ-શરદ હોય કે હોય ગ્રીષ્મ, રાત હોય કે દિવસ, દીવો ત્યાં દાતણ નહીં

                  

દાતણ ત્યાં દીવો નહીં, દોડે લીલી મેટાડોર, નાના ગામડાની ગલીઓમાં

 

ર્ણ-રણમાં સમજાવ્યું રજનું મહાતમ, પ્રસાદમાં જળ આપી સંબંધયોગે કર્યાં કલ્યાણ

                  

ઠાકોરજી સંગ દીધી પપ્પાજીની મૂર્તિ ઘરોઘર, મુમુક્ષુને કરાવી પાકી પ્રત્યક્ષની નિષ્ઠા

 

મ્-મંડ્યા ધસારાબંધ, તે કાર્ય જોઈને પપ્પાજીએ પાડ્યું બુલડોઝર, ઝબકજીનું ત્રીજું નામ

                           

પાયાનું કાર્ય કર્યું, જીવોને શુધ્ધ કરી મૂક્યા પ્રભુચરણમાં, બની સ્વયં પાંદડું

 

પ-પપ્પાજી-કાકાજીએ બુંગીયો ફૂંક્યો જોગી ભગવાનનો, તેમ શૂરવીરતાએ વહેંચ્યા

                                    

દેશ વિદેશમાં ઉઘાડે છોગ, પ્રત્યક્ષ છૂપા મોહનને કર્યા છતરાયા

 

ર્વ-રવિ સમ તેજસ્વી આ ઝબકે, નજર રાખી પપ્પાજી ભણી ને બન્યાં શીતલ ચાંદ

                           

પાવર દીસે ઈન્દિરા ગાંધી જેવો, ઋજુતાભર્યા હૈયે નીતરે રાંકભાવ

 

ની-નીતરતા માહાત્મ્યથી કરાવી સેવા તન, મન, ધનથી, પ્રારબ્ધ ધોઈ પમાડ્યું બળ

                  

લાધ્યું નહીં જ્ઞાન ચૈતન્યો પર, સંકલ્પથી પકવ્યા ગૃહી-ત્યાગી સાધુ સ્વરૂપો

 

જ-જશુબેન બન્યાં સ્વયં ગુણાતીત સ્વરૂપ, છતાં દીસે દાસત્વભક્તિ સંત-સખા સંગે

                  

સંબંધ જોઈ વિંધો છો પ્રેમ મીઠી છુરીથી, અમી નયને નિહાળો છો ભજવા આવ્યા તેને

 

ય-યશગાન શું ગાય આ ભૂલકાંઓ જસુબા તમારા, શબ્દો વામળા પડે છે અમારા

                  

આપે કંડારેલ માહાત્મ્ય પથ પર આપના પગલે ચાલીએ, બસ રહી સ્વરૂપલક્ષી

 

જ-જપથી જીતીએ સેવા, રાજી કરીએ સ્વરૂપોને, ભક્તિ કરીએ બ્રહ્મરૂપ રહી પરબ્રહ્મની

                  

જે ધ્યેય છે અમારું, આ સાધના માર્ગનું સૂત્ર છે ન્યારૂં, દેજો શક્તિ સંગ સફળતા

 

ય-યતકિંચિંત ઋણ ચૂકવવું ગુરૂહરિનું, ગુરૂ સ્વરૂપોનું આપનું, આ દેહે અમારે

         

બળ દેજો એવી ભક્તિ કરવા, થાય સંકલ્પ પૂરા પપ્પાજીના, નિમિત્ત તેના બનીએ

 

જ-જસુબેન આપ દેજો આશિષ, કરતા રહેજો ભજન-સંકલ્પ અમ કાજ, દેજો દર્શન

         

નિરામય-દીર્ઘાયુ બની રહો અમ સંગ, રાજી થકા આપ અને સર્વે ગુરૂ સ્વરૂપો

 

ય-યજ્ઞ કર્યો ખરો તમે, બની સ્વયં પ્રભુનું પાંદડું, પ્રભુ પ્રેરણાએ હલાવ્યા તેમ હાલ્યા

         

એવો યજ્ઞ જપયજ્ઞ-જ્ઞાનયજ્ઞ કરી, આહુતિ અર્પીએ સ્વની અમે, સ્વીકારી ધન્ય કરશો આ ફેરે.

 

બોલો માહાત્મ્ય સ્વરૂપ જશુબેનની જય, બોલો શ્રધ્ધા સ્વરૂપ જશુબેનની જય

 

બોલો જનક વિદેહીની જય, બોલો જશુબેનના શરણમ્ પર્વની જય જય જય

 

(૨) તા.૧૮/૧૦/૧૮ દશેરા કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી પર્વના ઉદ્દઘાટનની મહાપૂજા

 

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના પાર્ષદી દીક્ષા દિને સાંકરદા-પદ્દમલા ગામે દુર્ગા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિક શ્રી વિનોદભાઈ અને શ્રી જનકભાઈની જમીનની પસંદગી થઈ છે ને એ ભૂમિ પર “પરમ સ્નેહલ ધામ” નામે શતાબ્દી પર્વની ઉજવણી થશે.

 

ગુણાતીત સમાજના સર્વે સક્રિય કેન્દ્રોના જવાબદાર સંતો, ભાઈઓ, બહેનો અને ગૃહસ્થોની હાજરીમાં ભૂમિ પૂજનની મહાપૂજા વેદોક્ત વિધિથી થઈ. પૂ.હેમંતભાઈ વશી અને પૂ.ઈલેશભાઈ પટેલે આ ભાવવાહી મહાપૂજા દરમ્યાન સર્વને ગુરૂહરિ કાકાજી, ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બાની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ કરાવ્યો. સર્વને પવિત્રતાનો, દિવ્યતાનો અનુભવ કરાવ્યો. સર્વને પવિત્રતા, માંગલિકતાનાં આંદોલનો પ્રસરી રહ્યાં. દુર્ગા એસ્ટેટની ભૂમિ પણ મહામાંગલિક અને પવિત્ર બની. મહાપૂજા, અભિષેક, જળ ને પ્રસાદીનાં પુષ્પનો સર્વત્ર છંટકાવ કર્યો.

 

મહાપૂજામાં બેઠેલા સર્વે મુક્તોને સંકલ્પ કરાવ્યો છે. આ શતાબ્દી પર્વમાં આ યુગપુરૂષોનું ઋણ અદા કરવા તનથી, મનથી, ધનથી, આત્માથી હોમાઈ જવું છે. ખપી જવું છે. સર્વસ્વનું સમર્પણ કરીશું તો પણ આ ત્રણેય યુગપુરૂષોનું ઋણ નહી ચૂકવાય. જેમણે યોગીબાપાના સંકલ્પે ગુણાતીત સમાજની સ્થાપના કરી છે. 

 

પૂ.ભરતભાઈ (પવઈ), પૂ.નિર્મળ સ્વામી (સમઢિયાળા), પૂ.પ્રેમસ્વરૂપ સ્વામી (હરિધામ) તથા પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીએ માંગલિક લાભ અને આશીર્વાદ આપ્યા. જેમાં મુખ્યત્વે…

 

આ ત્રણેય યુગપુરૂષોના જીવન ને કાર્યના ચરિતાર્થ કરવાના દોહનરૂપે ત્રણ મુદ્દા આપ્યા છે. વાણીમાં મીઠાશ, વર્તનમાં નમ્રતા ને વિવેક સાથે સંબંધનું માહાત્મ્યભરી દ્રષ્ટિ રાખીશું, તો સર્વ કાર્યકર્તા મુક્તો દ્વારા આ યુગપુરૂષોનું કાર્ય શોભી ઉઠશે. ને સેવા કરનારા આશીર્વાદને પાત્ર બનશે. 

 

સાચા અર્થમાં શતાબ્દી પર્વ ઉજવાયો ગણાશે. આ દિવ્ય યુગપુરૂષોની સત્તા, સામર્થીથી દેવતાઓ આવીને કામ કરી જશે. શતાબ્દી પર્વ સર્વાંગી સફળ થશે. પણ આપણે રહી ન જઈએ તે માટે ગરજ રાખી, ખમી, નમીને, જતુ કરીને પણ સેવાની તક લઈ લઈએ. 

 

આવા દિવ્ય સંકલ્પો સાથે, સ્મૃતિસભર હૈયે સૌના આંતરમન આનંદી રહ્યાં. અંતમાં સાંકરદા મંદિરના કેમ્પસમાં શ્રી ઠાકોરજીને ધારીને મહાપ્રસાદ ગ્રહણ કરી સૌ સૌના સ્થાને જવા પધાર્યા. 

{gallery}images_in_articles//newsletter/2018/Oct/18-10-18 PADAMLA DHAME MAHAPOOJA{/gallery}

 

(૩) તા.૨૪/૧૦/૧૮ શરદપૂનમ મૂ.અ.મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૪મો પ્રાગટ્યદિન

 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં આજે શરદ પૂનમ નિમિત્તે બહેનો-ભાભીઓની સભા થઈ હતી. સભામાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ્યા ને શ્રીજીનું સ્વરૂપ ઓળખાવ્યું. તપ, ત્યાગ, વ્રત મૂકીને શ્રીજીને ઓળખી લો. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ્યા નહોતા. ત્યારે બધા દેહાભિમાને યુક્ત ભજતા’તા. ગુણાતીતાનંદ સ્વામીની જે જે જીવ પર ર્દષ્ટિ પડી તેના દેહાભિમાનનું દર્શન કરાવ્યું. બીજું બધું સમર્પણ થઈ શકે પણ ‘સ્વ’નું સમર્પણ ના કરી શકાય એ કરાવ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ જીવોને શુધ્ધ કરી બ્રહ્મરૂપ બનાવી મહારાજના ચરણોમાં મૂક્યા. શ્રીજી મહારાજ જેવું સ્વરૂપ ગુણાતીત પ્રગટ્યા, એનો વારસો ચાલુ છે. એવા ગુણાતીત સ્વરૂપો તૈયાર કર્યાં. એ જોગીની કૃપા છે. આપણા માટે આજે આધ્યાત્મિક નૂતન વર્ષ છે. બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મમાં જોડાવાનું કાર્ય શરૂ કર્યું. આજે આપણો નૂતન વર્ષનો દિવસ છે. જે જીવ પર દ્રષ્ટિ પડે તેને ગુણાતીત બનાવે, એવા ગુણાતીત સ્વરૂપો છે. એમનામાં આપણે જોડાયેલા છીએ, એનો આનંદ કર્યા કરવો. એવો ગુણાતીતનો પ્રાગટ્યદિન ઉજવી રહ્યાં છીએ, એનો આનંદ છે. દેહભાવને ટાળવાની પ્રાર્થના કર્યા કરીએ એ જ પ્રાર્થના ને આશીર્વાદ.

 

ત્યારબાદ પૂ.નિલમબેને લાભ આપ્યો હતો. અને પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દેવીબેને ગુરૂહરિ પપ્પાજી તારદેવથી શરદપૂનમના સમૈયામાં ગોંડલ જતાં, એ સ્મૃતિની વાતો કરીને સહુને સ્મૃતિમાં તરબોળ કર્યાં હતાં.

 

આજની સભામાં ત્રણ આરતી કરવાની હોય છે. પ્રથમ આરતી સદ્દગુરૂ સ્વરૂપોએ કરી હતી. દ્વિતીય આરતી ભક્તિયોગી અને કર્મયોગી બહેનોએ કરી હતી. સભાના અંતમાં ત્રીજી આરતી ભાભીઓએ કરી હતી. સભા બાદ ૧૦ મિનિટ ભાભીઓને ગરબા કરાવ્યા હતાં. અંતમાં પધારેલ સહુ મુક્તો દૂધ-પૌંઆ અને સૂકીભાજીનો પ્રસાદ જમી વિસર્જીત થયા હતા. 

{gallery}images_in_articles//newsletter/2018/Oct/SARADPOONAM GUNATITANAND SWAMI PRAGTYADIN{/gallery}

 

(૪) તા.૨૪/૧૦/૧૮ અ.નિ.વિનોદભાઈ પટેલ (લંડન)ના અસ્થિપુષ્પ વિસર્જનની મહાપૂજા

 

અ.નિ.વિનોદભાઈ પટેલના અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજા આજે મંદિરમાં સવારે ૧૧ થી ૧૨.૩૦ દરમ્યાન પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.

 

પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં વાત કરી કે, પૂ.વિનોદભાઈને ધામમાં ગયા તેને એક વર્ષ પૂરૂં થયું. પૂ.રશ્મિએ ખરેખર ગુરૂહરિ પપ્પાજીને યથાર્થ રીતે ઓળખ્યા છે. મને કહે, જશુબેન ! પપ્પાજી ગયા છે ? ના. તો પછી વિનોદ ગયા જ નથી, મારી પાસે જ છે. એની સમજણ જોઈ મારું હૈયું નમી પડ્યું. રશ્મિ કહે, ગુરૂહરિ પપ્પાજીને જ્યારે જ્યારે યાદ કરું ત્યારે ગમે તેનામાં રહી મારું કામ કરી જાય છે. ખરેખર ઘર અને દેહને મંદિર બનાવ્યું છે. લંડનમાં ઉદિતનાં લગ્ન હતાં તો કહે, જશુબેન તમે આવશો પછી મારું લગ્ન થશે. બે ટિકીટ મોકલું છું. ગૃહસ્થોને પણ ગુરૂહરિ પપ્પાજીએ કેવી સમજણ આપી. કોઈ અપેક્ષા નહીં. ગુરૂહરિ પપ્પાજીને સદ્દગુરૂ સ્વરૂપોને નિશ્ચિંત કરી દીધા. એવા મોટેરાં આપણને આપ્યા છે. એવા સદ્દગુરૂના ગમતામાં આપણે રહીએ એ ગુરૂહરિ પપ્પાજીને માન્યા. 

 

ત્યારબાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યાં કે, એક વાતનો આનંદ છે કે, પૂ.વિનોદભાઈ આપણા પપ્પાજીના ગામના કરમસદના છે. લંડન જઈએ તો ત્યાંના સભા સંચાલક પૂ.વિનોદભાઈ હોય. પૂ.દિલીપભાઈના જમણા હાથ જેવા. રશ્મિમાં બાલસહજ નિર્દોષતા દેખાય છે. એમનું કુટુંબ બધી જ રીતે સુખી રહે એ જ પ્રાર્થના ને આશીર્વાદ.

 

(૫) તા.૨૬/૧૦/૧૮ અનાદિ મહામુક્તરાજ જાગા સ્વામી જયંતી

 

મહામુક્તરાજ જાગા સ્વામીના આપણે ઋણી છીએ કે જેમને આ લોકમાં અક્ષર-પુરૂષોત્તમની મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવવાનો વિચાર બીજ રૂપે રોપ્યો અને સંકલ્પ કર્યો. ફક્ત સંકલ્પ કરીને જ ન રહ્યા પણ તે માટે જરૂરી એવી વ્યક્તિ ગુરૂહરિ શાસ્ત્રીજી મહારાજ ઉપર આ સંકલ્પની પૂર્તિ માટે કળશ ઢોળ્યો અને તે સંકલ્પની પૂર્તિ માટે જરૂરી એવા ઐતિહાસિક આશીર્વાદ પણ સાથોસાથ આપ્યા કે, આ સંબંધી સંકલ્પ ન કરો તો તમારી ખોટ અને એ સંકલ્પ પૂરા ન કરીએ તો અમારી ખોટ અને ઈતિહાસ સાક્ષી પૂરાવે છે કે ગુરૂહરિ શાસ્ત્રીજી મહારાજના હર એક સંકલ્પ મહારાજે, જાગા સ્વામીના વચને પૂરા પણ કર્યા. તો આવો આવા મહામુક્તરાજની સૌને યોગીબાપાએ જેમ આજ્ઞા કરી કે જાગા સ્વામી, ભગતજી મહારાજ, કૃષ્ણજી અદાશ્રી, શાસ્ત્રીજી મહારાજ ને રોજ સંભારવા. તે આજ્ઞા પાળી સુખિયા થઈએ. 

 

જાગા સ્વામીની જયંતી નિમિત્તે પપ્પાજી હૉલમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની સભામાં જાગા સ્વામીના જીવન વૃત્તાંતનું વાંચન થયું. 

 

સભામાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા. જાગા સ્વામી મોચી હતા તો પણ એનું કલ્યાણ થઈ ગયું. અદા બ્રાહ્મણ હતા તો ય જાગાને સેવ્યા. સંબંધવાળો છે ને ? એનું મહારાજ જોશે એમ માનતા. એવું માહાત્મ્ય સમજતા. કોઈના અભાવમાં પડાય જ નહીં. એવા સિધ્ધાંતે જીવ્યા. જાગા સ્વામી જેવા ગુણ બધામાં આવી જાય એ જ પ્રાર્થના. 

 

(૬) તા.૨૮/૧૦/૧૮ માતર ગામે પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન

 

આજે નડિયાદ મંડળના મુક્તોએ માતર ગામે પૂ.નીલાભાભી હરેશભાઈ પટેલના ઘર પ્રાંગણમાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પની મહાપૂજા પૂ.શોભનાબેન, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.હેમાબેન ભટ્ટના સાંનિધ્યે કરી હતી. મહાપૂજા પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવ પૂર્વક કરી હતી. ગુણાતીત પ્રકાશના પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ પણ આ મહાપૂજામાં પધાર્યા હતા. મહાપૂજા બાદ શેઢી અને વાત્રક નદીના સંગમમાં અસ્થિ વિસર્જન કર્યું હતું. 

 

આમ, આ આખું પખવાડીયું ભક્તિ સાથે બ્રહ્માનંદ કરી પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! ફરી મળીશું. દીપોત્સવીના પર્વોની ઉજવણીની સ્મૃતિ સાથે. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !