Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 31 Oct 2019 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

જય સ્વામિનારાયણ !

ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવી પર્વ લઈને આવેલું છે. તો ચાલો આ પર્વની સાથે સાથે ૧૬ થી ૩૦ ઑક્ટોબર દરમ્યાન

જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ અન્ય સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.

 

 

આ ન્યુઝ લેટરની શરૂઆત કરતાં પહેલાં ગુરૂહરિના ચરણે પ્રાર્થના ધરીએ. દીપોત્સવી એટલે આખા વર્ષ દરમ્યાન આપણાથી જે કાંઈ નાની-મોટી ભૂલ થઈ હોય તેની માફી પ્રભુ ચરણે માંગવાની. અને નવા વર્ષ દરમ્યાન ફરીથી આ ભૂલો ના થાય તેનું ધ્યાન રાખવાની યાચના કરવાની. સુરતના ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ આપણા સહુ વતી ગુરૂહરિના ચરણે પ્રાર્થના ધરી છે, તે જોઈએ.

આપણા સૌનુંય વીતેલું આખું વર્ષ કદાચ મનમુખી જીવવામાં પસાર થયું હોય ! પ્રભુને ન ગમે તેવું આચરણ કદાચ આપણાથી થયું હોય. જાણે-અજાણે જગત પ્રધાન કે સ્વભાવેયુક્ત જીવાયું હોય ! ભગવાન, સંત અને પોતાના આત્માને છેતરીને જીવાઈ ગયું હોય.  તેવું બધું જ પ્રભુ આપણને માફ કરે. અને નવા વર્ષમાં આવી ભૂલો આપણાથી ન જ થાય તેવી આપણને સૌને શક્તિ સામર્થી આપે. 

પ.પૂ.પપ્પાજી મહારાજ એમના ગુરૂ યોગીજી પાસે આવું જીવ્યા છે. આવા સર્વોપરી અદ્દભૂત પ્રભુ ! અને આવા દિવ્ય મુક્તોના સમાજની આપણને પ્રાપ્તિ થયા પછી જીવનમાં હવે કરવા જેવું માત્ર આ જ છે. નવા વર્ષમાં આપણે સહુએ સર્વ રીતે પ્રગતિ કરવી છે અને ખૂબ સેવાઓ કરવી છે તે માટે…

– મારું જીવન પપ્પાજીના સિધ્ધાંતોથી સભર અને નિયમિત બનાવીશ. 

– હું પપ્પાજીના જીવન ચરિત્ર “પરાભક્તિની સૌરભ”નો અભ્યાસ કરીશ. 

– નિયમિત સભા, સ્વરૂપયોગ, પોતાનું ભજન અને સેવા હું ખૂબ માહાત્મ્યથી કરીશ. 

– તન, મન, ધન અને આત્માના સ્વાસ્થ્ય માટે ઉપર મુજબ જાગ્રતતાથી વર્તીશ. 

આવું સભાનપણે જીવવાનું આપણને સૌને પ્રભુ બળ આપે તેવી એમના શ્રીચરણે પ્રાર્થના. 

 

(૧) તા.૨૭/૧૦/૧૯ દિવાળી

 

ગુરૂહરિ પપ્પાજી કહેતા, ભીતરના અંધકારને ટાળી પરમ પ્રકાશ અંતરમાં પાથરીએ. જેનાથી સદાય અંતરદીપ પ્રગટેલો જ રહે. વેપારીઓ આજે સરવૈયું કાઢે છે તેમ આપણે વર્ષ દરમ્યાન થયેલા પુણ્ય કે અપરાધોનું સરવૈયું કાઢી અંતર્દષ્ટિ કરી, દિવ્ય જીવન જીવવાનો સંકલ્પ કરીએ. 

આજના શુભ દિને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે શારદા પૂજનની મહાપૂજા કરી હતી. મહાપૂજા પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી, પૂ.બેચરભાઈ અને પૂ.હરિશભાઈ ઠક્કરે કરાવી હતી. મહાપૂજામાં મુખ્ય યજમાન પદે પૂ.નંદુભાઈ વીંછી બેઠા હતા. અને બીજા ગુણાતીત પ્રકાશના ભાઈઓએ આ મહાપૂજામાં લાભ લીધો હતો. સ્વરૂપોએ ‘વહી’ પર પુષ્પવૃષ્ટિ કરી હતી. પ.પૂ.દેવીબેનના વરદ્દ હસ્તે નવા કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું. પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લઈ આજની સભાની સમાપ્તિ કરી હતી.  

આ સભાના લાઈવ દર્શન આપે વેબસાઈટ ઉપર કર્યા હશે. તેથી અહીં વિરમું છું. 

 

{gallery}images_in_articles/newsletter/2019/Oct/27-10-19 SHARDA POOJAN{/gallery}

 

(૨) તા.૨૮/૧૦/૧૯ નૂતન વર્ષ

 

આજે નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૬. સવારે ૫.૦૦ વાગ્યે બહેનો પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ કરવા ગયાં હતાં. ત્યારબાદ ભાઈઓ પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીના દર્શનાર્થે પધાર્યા હતા.

પ્રભુકૃપા પણ રંગબેરંગી લાઈટથી સુશોભિત હતું. સૂકા મેવાનું ડેકોરેશન પણ ખૂબ સુંદર કર્યું હતુ. “પ્રથમ પ્રભુ પછી પગલું” એ પ્રાર્થના ડેકોરેશનમાં ધરી હતી. રંગોળી પણ ખૂબ સુંદર હતી. વચનામૃત દ્બિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. એ નિમિત્તે મહારાજ અને વચનામૃત અને ગુરૂહરિ પપ્પાજી અને પરામૃત એ રંગોળીમાં ર્દશ્યમાન થતું હતું. 

આજે જ્યોત મંદિરનો પાટોત્સવ. તે નિમિત્તે સવારે જ્યોત મંદિરમાં સદ્દગુરૂ સ્વરૂપોએ મૂર્તિનું પૂજન અને આરતી કર્યા હતાં. સવારે ૬.૩૦ થી ૭.૩૦ સંઘધ્યાન અને નૂતન વર્ષની મંગલ મિલન સભા જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. તેની સાથે સાથે ૭.૩૦ થી ૮.૩૦ ભાઈબીજની સભા પણ કરી હતી. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા અને પ.પૂ.બેનના આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

સુરતના ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ આપણા સહુ વતી નૂતન વર્ષની પ્રાર્થના પ્રભુ ચરણે ધરી હતી તે જોઈએ. 

નૂતન વર્ષની મંગલ પ્રભાતે પ્રભુ ચરણે પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !

 

{gallery}images_in_articles/newsletter/2019/Oct/28-10-19 NUTAN VARSHA PK DARSHAN MILAN SABHA{/gallery}

અક્ષર-પુરૂષોત્તમની શુધ્ધ ઉપાસનાના રાહે આપણને સૌને અસીમ કૃપા કરીને મૂકી દીધા. જેની મહત્તા આપણી સ્થૂળ બુધ્ધિથી સમજી શકાય તેવી નથી. 

આપણા પર થયેલા પ્રભુના અનહદ અને વિના કારણ ઉપકારને સમજવા જરા પ્રયત્ન કરીએ. 

– આખી દુનિયામાં બધે મંદિરો, હોસ્પિટલો કે શાળા-કોલેજો બનાવવાની સેવા કે મહેનતથી આપણને બધાને મુક્ત રાખ્યા. 

– અનેક પ્રકારની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરીને જનક્લ્યાણની જવાબદારીમાંથી આપણને મુક્ત રાખ્યા.

– વિચરણો કરી કરીને જગતના જીવોને પ્રભુનો સંબંધ આપવાની જવાબદારી આપણા ભાગે નથી આવી. 

– આપણને થયેલી અદ્દભૂત અને અમૂલ્ય પ્રાપ્તિને વ્યાપક બનાવી વિશ્વ પ્રસિધ્ધ કરવાની આપણને કોઈને, કોઈએ, કોઈ જ જવાબદારી નથી સોંપી. 

-મોટા મોટા ભવ્ય સમૈયાઓ કરીને અથવા સોનાની મૂર્તિઓ કરીને આપણા પ્રભુને સર્વત્ર છતરાયા કરવાની આપણા માથા પર કોઈ જ જવાબદારી સોંપવામાં આવી નથી. 

– સંસાર છોડીને શરણે આવેલા આશ્રિતોને કરોડો ને અબજો રૂપિયા કમાઈને જીંદગીભર એમને પાલવવાની કોઈ જ સેવા કે મહેનત આપણા ભાગે નથી આવી. 

– માતા-પિતાનું રૂધિર આપણા શરીરમાંથી સુકાઈ જાય એવી કઠોર તપશ્ર્ચર્યા કરવાની આજ્ઞા આપણને કોઈને નથી આપી. 

– શરીર અને મનનું દમન કરીને એને બળહીન કરવાની કોઈ જ આકરી સાધના કરવાની આપણા ભાગે નથી આવી. 

– સંપ્રદાયના જૂના ઈતિહાસને શોધીને બહાર લાવવાની જે એને ઉજાગર કરવાની કોઈ કામગીરી આપણને નથી સોંપી. 

– અનેક જીવોને દોષો કે પ્રારબ્ધથી મુક્ત કરી એને સુખિયા કરવાની જવાબદારી પણ આપણા ભાગે નથી આવી. 

– આવા તો અનેક કાર્યો પ્રભુએ અનેક સ્વરૂપોને સોંપ્યા જ છે. અને સર્વોપરી રીતે એ સરસ થઈ જ રહ્યાં છે. 

જરા વિચાર તો કરીએ. ઉપરોક્ત કેટલીય મહાન પ્રવૃત્તિઓમાંથી એક પણ પ્રવૃત્તિ કરવાનું આપણા ભાગે નથી આવ્યું. આપણે કેટલા બધા સુખિયા છીએ. કેટલા બધા ફ્રી છીએ. કારણ…?

આપણને ગુરૂહરિ પપ્પાજી મહારાજ મળ્યા છે. આ ગુરૂહરિ પપ્પાજી કદાચ ન મળ્યા હોત તો જરૂર ઉપરોક્ત કોઈ પ્રવૃત્તિના આપણે સુકાની હોત…! ગુરૂહરિ પપ્પાજીનો અવતાર ધર્યાનો મુખ્ય હેતુ પ.પૂ.શાસ્ત્રીજી મહારાજ-પ.પૂ.યોગીજી મહારાજે પ્રવર્તાવેલી અક્ષર-પુરૂષોત્તમની શુધ્ધ ઉપાસના આપણા દેહમાં, જીવમાં અને વર્તનમાં ઉતારવાનો હતો, છે અને રહેશે. તો એ મુખ્ય હેતુ તરફ જ આપણા સૌનું લક્ષ્ય રહે. 

“બ્રહ્મ બનીને રહેવું તું સોંપે તે સેવા કાજે”, “બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી.” બસ, આ એક જ વાત અમારું જીવન બને તેવા સૂઝ, સમજ અને નિરંતરની પ્રેરણા આપતા જ રહો. આખુંય વર્ષ નિર્દોષબુધ્ધિ સૌમાં સહજ રહે તેવી આજના નૂતન વર્ષના નૂતન પ્રભાતની પ્રાર્થના. 

સવારે ૧૧.૩૦ વાગ્યે ભાઈઓએ પ્રભુકૃપામાં અન્નકૂટ થાળ-આરતી કર્યાં હતાં. બહેનો-ભાભીઓએ જ્યોત મંદિરમાં અન્નકૂટ થાળ આરતી કર્યાં હતાં. આજના અન્નકૂટમાં “ગરજુ થઈ સેવા કરીએ, દિવ્યભાવ રાખી ખમીએ.” એ પ્રાર્થના ગુરૂહરિના ચરણે ધરી હતી.  ત્યારબાદ મહાપ્રસાદ લઈ સહુ મુક્તો વિસર્જીત થયા હતા.

 

{gallery}images_in_articles//newsletter/2019/Oct/28-10-19 JYOT MANDIR AND PRABHUKRUPA ANNKUT DARSHAN{/gallery}

આજની સવારની સભાનાં દર્શન આપ સહુએ વેબસાઈટ પર કર્યાં જ હશે. તેથી અહીં વિરમું છું. 

૧૯મી ઑક્ટોબરના રોજ ન્યુજર્સી મંડળના મુક્તોએ તેમની માસિક સભામાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કર્યું હતું. પૂ.ગીતાબેન મહેન્દ્રભાઈ શાહના ઘરે સભા કરી હતી અને ૧૦૪ વાનગીઓનો અન્નકૂટ શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપોના ચરણે ધર્યો હતો. ખૂબ ખૂબ ધન્યવાદ ન્યુજર્સી મંડળના મુક્તોને !

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. નવા વર્ષે ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપોના ચરણે પ્રાર્થના ધરીએ, નવા ઉત્સાહથી વેરઝેર ભૂલી સૌને આવકારીએ છીએ તેવું સદાય જાગ્રતતાથી વર્તી અક્ષરધામનું સુખ માણ્યા જ કરીએ.

હે ગુરૂહરિ પપ્પાજી ! ધામ, ધામી ને મુક્તો જ દિવ્ય જ છે. બ્રહ્મનિયંત્રિત વર્તે છે. તેવું માની વિચાર, વાણી, વર્તનથી વર્તાય એવું બળ આપશો એ જ આપના ચરણોમાં પ્રાર્થના.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો. 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !