16 to 31 Jan 2014 – Newsletter

સ્વામિશ્રીજી                               

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાનના સમૈયાની સ્મૃતિ માણીશું. આ પખાવાડીયાની શરૂઆત જ સમૈયાથી થઈ હતી.

() તા.૧૬//૧૪ગુરૂવારપોષીપૂનમ 

અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિન ! મહારાજ પોતાનું ધામ ગુણાતીતને પૃથ્વી પર સાથે લઈને

આવ્યા. આજે ગુણાતીતાનંદ સ્વામીને ડભાણમાં દીક્ષા આપી અને આપણને સહુનેય સનાથ બનાવ્યા. મહારાજને રહેવાનું ધામ ગુણાતીત અક્ષરબ્રહ્મ તેમના દીક્ષાદિનની ઉજવણી ખૂબ મોટા પાયા પર અનુપમ મિશનમાં થાય છે. કારણ તે ભાઈઓનો પણ આજે વ્રતધારણ (દિક્ષાદિન) છે. ઈ.સ.૧૯૬૭માં પ.પૂ.સાહેબજી અને આઠ ભાઈઓને આ પોષીપૂનમના દિને અચાનક યોગી સ્વરૂપો પ.પૂ.કાકાશ્રી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બાએ ખૂબ નાના પાયા પર પણ ખૂબ મોટું વ્રત આપ્યું હતું. જે છોડના આજે વટવૃક્ષ થયા !

 

૧.  અનુપમ મિશનમાં નવા સાધક મુક્તોને દીક્ષાવિધિ પોષીપૂનમે જ થાય છે. આ વખતે ૬ નવા સાધકોનો વ્રતધારણનો કાર્યક્ર્મ સભાના સ્ટેજ પર ખૂબ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ભણેલા-ગણેલા તેજસ્વી-સંસ્કારી યુવાનો ઘરબાર સગા સંબંધી, ઊંચી કેરીયર છોડીને આ જમાનામાં ભગવાન ભજવા આવવું એ કાંઈ સામાન્ય વાત નથી. વળી, તેઓના માત-પિતા રાજીખુશીથી ભગવાનને માર્ગે મોકલે તે બધો પ્રતાપ પ.પૂ.સાહેબજી તથા મોટેરાં સંતોનો છે. સમર્પણ ભાવે જીવતા આવા ગૃહસ્થોને તૈયાર કર્યા છે. માત-પિતા વ્રતધારણની પૂજામાં હાજર હતાં. વ્રતધારણ વિધિ પ.પૂ.શાંતિભાઈની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ પૂ.ડૉ.મનોજભાઈ સોનીએ કરાવી હતી. એ અદ્દભૂત દર્શન હતું. વ્રત લેનાર ભાઈઓએ બધા મોટેરાં સ્વરૂપોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. પ.પૂ.સાહેબજીએ આ ભાઈઓની ઓળખ આપીને તેમની સેવા-સમર્પણની વાત મહિમાગાન સાથે કરી હતી અને રૂડા આશીર્વાદ આપ્યા હતાં. પ.પૂ.દીદીએ પણ સરસ મહિમાગાન સાથે આશીર્વાદ આપ્યા હતાં. અને “સત્પુરૂષનું નાનું વચન મોટું કરીને પાળવું.” એ સૂત્ર આપ્યું. વ્રતધારણના કાર્યક્ર્મ બાદ તે જ મંચ પર પોષીપૂનમની સભા હતી. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પૂ.કોઠારી સ્વામીજી, પૂ.નિર્મળ સ્વામીજી અને સંતો સભામાં પધાર્યા.

{gallery}/images_in_articles/newsletter/2014/Jan/16 to 19 samiya bram jyoti/{/gallery}

૨. પોષીપૂનમ નિમિત્તેની સભા પણ ખૂબ ભવ્ય રીતે થઈ હતી. ૬ ભાઈઓએ વ્રત લીધું તેમાંના ‘શ્રી’ ભાઈએ વારી આપી. પૂ.દિનકરભાઈ શિકાગોએ સ્વામિનારાયણ મંત્ર મહિમાની હિન્દી ધૂન ગવડાવી. સભામાં નીરવતા છવાઈ. ગુણાતીત જ્ઞાન તેમાં આવી ગયું. પ.પૂ.નિર્મળ સ્વામીનો લાભ લીધો. સંબંધમાં આવ્યા તેને અંતરથી સાધુ બનાવશે. એવા આ સત્પુરૂષ છે જેમાં ભારોભાર ભગવાન ભરાયેલા છે. પ.પૂ.સાહેબજીએ આશીર્વાદમાં ખૂબ સરસ લાભ આપ્યો અને ગુણાતીત ભાવ સર્વને પ્રગટે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતાં. ભગવાનના ભક્તોમાં પ્રભુ જોવા, માહાત્મ્યેયુક્ત સેવા, જપયજ્ઞ ને સ્વાધ્યાય આટલું લઈ મંડીએ. ૯૯ અવગુણ સામામાં હોય અને એક ગુણ છે. તે લઈને તે જોઈને સુહ્રદભાવ રાખીએ. આમ, સુહ્રદભાવની વ્યાખ્યા સમજાવી અને લાભ આપ્યો હતો. આજનું ડેકોરેશન પણ ખૂબ સરસ હતું. તેમાં સ્વરૂપો બિરાજમાન હતાં. ડેકોરેશનમાં સૂત્ર હતું. “સુહ્રદભાવ એ જીવનું જીવન છે, સુહ્રદપણું તે જ એકાંતિક્પણું છે.”

અંતમાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત થયાં. સ્વામીજીએ પૂરી ૫૫ મિનિટ સતત લાભ આપ્યો. એમાં કહ્યું, બ્રહ્મભાવે ભજન કરવાનું છે. દાસભાવે ઓગળી જઈને ભજન કરવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી એવા ખોવાઈ ગયા માટે તેનો દીક્ષાદીન ઉજવીએ છીએ. ગ.પ્ર.૨૩, મ.૩૦,૪૫, અમ.૨,૩ ‘હું ગુણાતીત’ એ ભાવમાં પાંચ મિનિટ રહેજો. વાણીમાં કિચિંત્ હુંહાટો આવે ત્યાં દાસત્વભાવ જતો રહે છે. બ્રહ્મભાવે વર્તવાનું છે. ‘ર્દષ્ટિમાં રાખજો’ બસ આટલું કહ્યા કરવું. પોષી પૂનમના સમૈયાની સભા ખૂબ સરસ થઈ હતી. સાક્ષાત્ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાજી સર્વે સ્વરૂપોની પ્રત્યક્ષપણાની અનુભૂતિ થતી હતી. આજે પોષીપૂનમે જ્યોતમાં પણ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ બહેનોની સભામાં મહાપૂજા થઈ હતી. પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેને આશીર્વાદ આપ્યા હતાં. ગુણાતીતાનંદ સ્વામીના જીવન પ્રસંગો અને ગુરૂહરિ પપ્પાજીની પોષીપૂનમની સ્મૃતિઓ સાથે સરસ લાભ આપ્યો હતો.

૩.  બ્રહ્મજ્યોતિ પર પોષીપૂનમના સમૈયાની સાથે સાથે મોટેરાં ત્રણ સંતભાઈઓનો અમૃતપર્વ ઉજવ્યો હતો. ઈ.સ.૧૯૬૭માં જે આઠ ભાઈઓએ નેકટાઈ સાધુનું પ્રથમવ્રત લીધું હતું. તેમાં આ ત્રણ રત્નો સાહેબજીના સખા-સાથી-પડછાયો બનીને એકધારૂં દિવ્ય જીવન જીવ્યાં.

છૂપા રહ્યાં. જૂના જોગી એવા અસલી ત્રણ સાધુનો અમૃતપર્વ અલૌકિક ઉજવાયો હતો. ત્રણેય  મહાનુભાવોની એકમેકથી અભિન્ન છતાંય નાતે ઐક્ય ! એક એક અજોડ અને અદ્રિતીય છે. એવા પૂ.ડૉ.સનદભાઈ, પૂ.ડૉ.રતિભાઈ, પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબ ત્રણેય P.H.D થયેલા છે. એવા આદર્શ નેકટાઈ સાધુની સમૈયાની સ્મૃતિ માણીએ.

() તા.૧૭//૧૩શુક્રવારપૂ.ડૉ.સનદભાઈપટેલનાઅમૃતપર્વનીઉજવણી 

તા.૧૭ ના રોજ સાંજે ૫ થી ૮.૩૦ દરમ્યાન પૂ.ડૉ.સનદભાઈ પટેલના અમૃતપર્વની ઉજવણી ભવ્ય રીતે થઈ હતી. ખૂબ ભવ્ય ડેકોરેશન હતું. ડેકોરેશનમાં જ ડૉક્ટર કાકાનું આખુ જીવન-ગુણ સમાયેલા હતાં. ડૉ.સાહેબ મહાપૂજા કરનાર સાધુ સ્વરૂપ છે. એમની અંગત મહાપૂજાને નામાવલી છે. જે ક્યાંય લખેલ નથી. ૧૯૬૬, ૭૬, ૮૬… દરેક વર્ષથી તેમની મહાપૂજામાં ગુણાતીત સમાજનો જે ભક્ત આવ્યો તે આવ્યો. પછી તે કાયમ માટે સભ્ય બની જાય છે. એવા અનેક નામ મહાપૂજાના જે હતાં તે ડેકોરેશનની આસપાસ-સ્ટેજના નીચેના ભાગ સુધી લખી મૂકેલા હતાં. વળી, ડેકોરેશનમાં મહાપૂજાની આરતી, શંખ, ઘંટડી, સ્વસ્તિક આદિ ભક્તિના પ્રતિક હતાં. વિશેષમાં એક ઘડિયાળ હતું. જે ખાસ કરીને ડૉક્ટરકાકાનો આગવો ગુણ નિયમીતતાનો તેનું દર્શન કરાવતી હતી.

પોતે શૂરવીજ-ભડવીર મર્દ હતાં. શાસ્ત્રીમહારાજની-સોનાબાની જીવનની સહજ સ્મૃતિ કરાવે તેવી તેમની આગવી શૂરવીર છટા છે. કોઈનીય સાડીબારી નહીં. ખૂબ સ્પષ્ટ ધ્યેયભણી નિખાલસ અને પ્રમાણિક તેમને સોંપેલા સ્વધર્મમાં અપ-ટુ-ડેટ ! ગુરૂહરિ પપ્પાજી તેમને ‘જતી’ કહેતાં. ચારિત્ર્યવાન, ગુણવાન એવા સનદભાઈનો સાધનાકાળ આદર્શ છે. પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સાહેબ, પ.પૂ.બાના સાંનિધ્યે તેમણે ખરેખરી સાધના કરી જાણી છે. ફેક્ટરીની જવાબદારી સોંપી. ગુરૂહરિ પપ્પાજીએ કહેલું કે આપણે કમાણી માટે આ ફેક્ટરી નથી કરતાં. સાધનાનું ધ્યેય મુખ્ય છે. એવા એકાંતિક સાધુ બનાવવા છે. અને ખરેખર ડૉકટર કાકાએ એ સેવામાં તન, મન, પરોવી સેવા કરી નિયમીત રહી કામકાજ સાથે ભક્તિ-સ્વાધ્યાય કર્યા. પોતે આવા અપ-ટુ-ડેટ જીવન જીવનારને હાથ નીચે અનટ્રેઈન્ડ અને અણઘડ મદદનીશ મળ્યા. તો પણ તેમને સાધનાનો એક ભાગ માની ખમ્યા. ક્યારેય ફરિયાદ નથી કરી કે, નથી ગુણ વ્યાપવા દીધો. નાનામાં નાનું કામ કોથળા ઉંચકવાનું પણ પોતે કરી લેતા. આમ, ખરા અર્થમાં સાધના કરી જાણી. આવા વિપરીત સંજોગોમાં જ્યારે મન-બુધ્ધિ કામ ના કરે, ગુણ વ્યાપે તો પ.પૂ.બા, પ.પૂ.સાહેબને કહે પણ કોઈ સાધક કે સાથી મુક્તો સાથે આંટી ના બાંધે.

ડૉક્ટર કાકાને ફેક્ટરી મૂકવાની આવી ત્યારે સાપ જેમ કાંચળી ઉતારે તેમ મૂકી દઈ મહાપૂજામાં નિમગ્ન રહ્યાં. ખરા સાધુ બનીને ભક્તોની મહાપૂજા વર્ષોથી કરે છે. તેમને મન કોઈ પારકું પોતાનું નથી. મારા પ્રભુના તે બધા મારા માની તેમની સુખાકારી માટે ભજન કરી, દરેક સાથે આત્મીયભાવે વર્તી મહાપૂજાનો બદામનો પ્રસાદ તેનું માધ્યમ રાખી સહુ સાથે આગવી પ્રીતિથી વર્તે છે. એવા અનેક ગુણના દર્શન આજની સભામાં થયા હતાં. ડૉક્ટર સાહેબ હાર-તોરા કે જન્મદિન ઉજવવા જ ના દે. આ વખતે આગ્રહને માન આપી પોતે ઉજવવા દીધો. માણાવદર મંડળે, સૌરાષ્ટ્ર મંડળે ૭૫ સેરનો, ૭૫ ફૂટનો હાર બનાવેલો તે અર્પણ થયો. વિધ વિધ હાર, ભેટ (મહાપૂજાની મૂર્તિનો) વગેરે ભાવાર્પણ પણ ડૉક્ટરકાકાના જીવનના ગુણો મુજબ થયા હતાં.

નાના સાધકથી માંડીને મોટેરાં સખા પૂ.અશ્વિનભાઈ સુધીના ભાઈઓએ પૂ.ડૉક્ટરકાકાના જીવનની ઉદાહરણ સાથે ઘણી વાતો કરી હતી. જાણે ૧૯૬૬ થી ૧૯૯૦ સુધીના ઈતિહાસમાં થોડીપળો ડૂબકી મારી મહિમાજળમાં ભીંજાઈને ધન્યતા અનુભવી હતી. ડૉક્ટર સાહેબ અને પ.પૂ.બા નો આગવો સંબંધ તેની વાતો પ.પૂ.સાહેબજીએ કરી હતી. જોગાનુજોગ આજે બા સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે આ સમૈયો થયો હતો. પ.પૂ.જ્યોતિબેને પણ સરસ લાભ આપ્યો હતો. ખરા ગુણાતીત સાધુ કેવા હોય ! તો તેનું સાકાર દર્શન આજે ડૉક્ટરકાકાની જીવનયાત્રાથી થયું હતું. આમ, આખો સમૈયો અજોડ અને અદ્વિતીય ઉજવાયો હતો.

() તા.૧૮//૨૦૧૪શનિવારપૂ.ડૉ.રતિકાકાયોગીવિદ્યાપીઠનાકુલગુરૂનોઅમૃતપર્વ 

યોગી વિદ્યાપીઠના કુલગુરૂનો અમૃતપર્વ બ્રહ્મજ્યોતિ પર ભવ્ય સુંદર ડેકોરેશનમાં ઉજવાયો હતો. જેમ નીરનું સેવન કરે તેના અવયવો બદલાય. તેમ ગૃહસ્થ રતિભાઈને યોગી સંબંધે કાકા-પપ્પા-બા-સાહેબના યોગે આખો આશ્રમ બદલાયો. પત્ની પૂ.દયાભાભી અને બે પુત્રી પૂ.હરિની(જ્યોતિ), પૂ.યોગીની(બકુ) ને બા-પપ્પા-દીદીના ચરણે સોંપી પોતે સાહેબની સેનાના સેનાની બનીને અંધારામાં દોટ મૂકીને ચાલ્યા સાધના પંથે. એવા અસલી સાધુ પૂ.રતિકાકાના જીવન ગુણોની ખૂબ વાતો પૂ.વિઠ્ઠલ ફુવા, પૂ.અશ્વિનભાઈ, સાથી સાક્ષી ગુરૂ પ.પૂ.સાહેબજી, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી વગેરે એ પૂ.રતિભાઈના જીવનના વિધ વિધ પાસાની વાત ઉપર પ્રકાશ પાડ્યો હતો. અને ભૂતકાળના ઈતિહાસની જાણે ફિલ્મ બનાવી ના હોય !પૂ.ડૉ.રતિકાકાને જ્યારે જે આજ્ઞા આવી તેમાં મન-બુધ્ધિ-ચિત્ત પરોવી તે આજ્ઞા સારધાર પાળી. બધી આવડત ના હોય. પણ આજ્ઞા ભેળી મૂર્તિ છે માની જાતજાતની દરેક સેવા તેઓએ સંભાળી છે. અત્યારે યોગી વિદ્યાપીઠના કુલગુરૂ છે. પરંતુ ૧૯૬૬થી જોઈએ તો પાર્ટીશનના સંજોગોમાં ઓચિંતી આવી પડેલી રસોડાની સેવા તેમને સોંપવામાં આવી તો તે કરી.

ગુણાતીત જ્યોતની શરૂઆત થઈ ત્યારે આ જ ભાઈઓ જવાબદારીથી સેવા કરનારાં હતાં. નાનામાં નાની સેવા કૂવા ઉલેચવાથી માંડીને બાંધકામ, સમારકામની સેવા જવાબદારીથી કરી છે. નવી જ્યોતના બાંધકામની તો સઘળી જવાબદારી ગુરૂહરિ પપ્પાજીએ રતિકાકાને સોંપી હતી. ખેતી તો ક્યારેય સંભાળી જ ના હોય. બ્રહ્મજ્યોતિની જમીન લીધી તે જમીનનું કામ વગેરે જ્યારે જે આવ્યું તે કરી પાર પાડ્યું. સોંપ્યા પછી બા-પપ્પાજી-સાહેબને એક નિશ્ર્ચિંતતા જ હોય. ઑલરાઉન્ડર બની બધી વાતે ‘હા’ એ ‘હા’ કરી સેવા બજાવનાર સરળ સાધુ પૂ.રતિકાકાને અમૃતપર્વે કોટિ વંદન છે.આજે અમૃતપર્વ ઉજવવા યોગી વિદ્યાપીઠના દરેક શાખાના શિક્ષકો આવેલા. દરેક બ્રાન્ચ તરફથી શિક્ષકોએ કાર્ડ-હાર રૂપે પ્રાર્થના યાચના પૂ.રતિકાકાના શ્રી ચરણે ધરી હતી.

શાંત સરળ દેખાતા એવા પૂ.રતિકાકા રમૂજી(આનંદી) પણ ખૂબ છે. તેની જાણ તો સાથી મિત્રોની સ્મૃતિવાતોથી જાણવા મળી હતી. રમૂજમાં પણ કેવળ સ્વરૂપોની સ્મૃતિનો જ આનંદ હોય ! એનું એક ઉદાહરણ અહીં જોઈએ. ભાઈઓ સવારે ઉકાળો લેતા હતાં. પૂ.રતિકાકા ભજન ગાતા હતાં. તેમણે ભજનની ટૂંક ગાઈ કે, ‘પત્ર લખે છે પરવારી, સુંદર વર શામળીયા…” શાંતિભાઈએ કહ્યું કે એ ભગત ! “પત્ર લખે છે પગવાળી” એવું છે. બધા ખૂબ હસ્યા. આમ, ગમ્મતમાં પણ યોગી સ્મૃતિ, સાહેબ ભણી નજર અને ભેગા મળી આનંદ કરવો. એવા સંપ, સુહ્રદભાવ અને એકતાનું દર્શન પણ થાય. આમ, ખૂબ ભવ્ય રીતે, દિવ્ય રીતે પૂ.રતિકાકાના અમૃતપર્વની ઉજવણી થઈ હતી.

() તા.૧૯//૧૪રવિવારપૂ.ડૉ.વી.એસ.પટેલસાહેબનોઅમૃતપર્વ 

રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબનો અમૃતપર્વ ઉજવાયો હતો. નિત્ય નવું ડેકોરેશન ! પૂ.ડૉ.વી.એસ.પટેલનું આસન અને આખું ડેકોરેશન મુખ્ય પતંગિયાનું હતું. પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબનું જીવન પણ પતંગિયા જેવું સમર્પિતભાવનું છે. પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબ પણ ગૃહસ્થ સાધુ છે. જૂના જોગી આઠ ભાઈઓમાંના પાયામાં ઘડાયેલું આ સ્વરૂપ છે.

એકની એક પુત્રી (પૂ.સરોજબેન) ને સમય થતાં ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીને સોંપીને શ્રી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા માટે મોકલી હતી. પત્ની-પુત્રોને હૈયામાં પ્રત્યક્ષની નિષ્ઠા કરાવીને પોતે ગણવેશ સાથે તેઓની સાથે રહી ઘર અને દેહને મંદિર બનાવીને જીવ્યા છે. કેમેસ્ટ્રી ડૉક્ટર તરીકે સર્વિસ કરી, સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે રહ્યાં. ત્યારબાદ નિવૃત્ત જીવન પણ ખૂબ સક્રિય બનીને જીવ્યા છે. ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ડૉ.સી.એલ.પટેલ સાહેબના સખા બની આઈસ્ટાર કૉલેજમાં સેવા આપી રહ્યાં છે.

પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબની ઓરીજીનલ તેજસ્વી પ્રકૃતિ ડૉ.સનદભાઈ જેવી હતી. યોગી ઓળખાતા પ.પૂ.સાહેબની આંખ સામે ર્દષ્ટિ રહી. અને ભલભલી પ્રકૃતિ ઓગળી ગઈ. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બા-પ.પૂ.સાહેબની નિશ્રામાં આજ્ઞામાં રહી તેઓએ પણ જબર જસ્ત સાધના કરી છે. સેવાઓ કરી છે. તેઓની સેવા જોઈને તો તેઓ નિવૃત્ત થયા ત્યાર પછી કૉલેજમાંથી તેમની સેવાઓ લેવાની ઑફરો આવતી રહેતી હતી. અત્યારે ૭૫ વર્ષની ઉંમરે પણ પોતે સક્રિય રહી સેવા કરે છે. દેહ કે દેહભાવ ગણતા નથી. તેમની તબિયત તો વર્ષોથી સારી ના કહેવાય તેવી જ છે. દેહમાં ખૂબ કષ્ટ સાથે જીવે છે. છતાંય મોઢા પર કે વાણીમાં તેની વાત જ ના હોય. સાધુ તરીકે ભક્તિમય જીવન છે. સંધ્યા આરતી માટે બ્રહ્મ જ્યોતિ પર નિયમિત આવવું. પૂજા-પાઠ, સભા-સેવા સભર જીવન જીવનાર ડૉ.વી.એસ.પટેલ સાહેબને અમૃતપર્વે અનંત અભિનંદન વંદન.

પૂ.ડૉ.વી.એસ.પટેલને પ.પૂ.બા સાથેનો વિશેષ સંબંધ અને પ્રિતી હતી. આજની આ સભામાં પ.પૂ.બા સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન હાજર હતાં. પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબે કહ્યું કે, “જો સાહેબજી ના મળ્યા હોત તો મારૂં જીવન મારા પૂર્વના મિત્રો સાથે જેલમાં જ હોત.” આવી જબરજસ્ત પ્રકૃતિનું પરિવર્તન દિવ્ય પ્રેમને કારણે થયું. પૂ.રમણીક અદાએ ડૉ.વી.એસ.પટેલની બુધ્ધિ પ્રતિભા ને કાર્યદક્ષતા જોઈને કહ્યું કે તમે મુંબઈ આવો. ઢગલો લક્ષ્મી થશે. તો કહે તેને માટે મારે મુંબઈ જવાની જરૂર નથી. અહીં બેઠા કરી શકું તેમ છું પણ મારે તો યોગીબાપા, કાકાજી, પપ્પાજી અને સાહેબની રૂચિ પ્રમાણે જીવન જીવી પ્રસન્નતા મેળવી લેવી છે. તેઓ ખાતર જીવન કુરબાન કરવું છે. કોઈપણ મુશ્કેલીને તેઓ સરળતાથી ઉકેલે. પોઝીટીવ પરિણામ લાવે. યુનિવર્સીટી હોય કે બ્રહ્મજ્યોતિ પરિવાર પણ સૌનું સરળતાથી કાર્ય પાર પાડે. તેમના સંકલ્પે તેમના અનેક વિદ્યાર્થીઓ અને સગા-સંબંધીઓ પ્રભુના માર્ગે જીવન જીવી સુખીયા થયા છે. પોતે આંતરીક રાંકભાવે આધ્યાત્મિક જીવન જીવી આંતર વૈભવ પામી સર્વોત્તમ શિખરે હોવા છતાંય સંબંધવાળા પાસે રાંક રહી સેવાની ભાવનાથીએ કોઈપણ અપેક્ષા રાખ્યા વગર જીવન જીવે છે. સમાજમાં વિદ્યાક્ષેત્રે આ ઉંમરે પણ કામ કરે છે. પ્રભુ તેઓને નિરામય દીર્ધાયુ આયુષ્ય બક્ષો ! ગુણાતીત સમાજમાં તેમના આશીર્વાદ સહુને બક્ષે તેવી અમૃતપર્વની પ્રાર્થના.

() તા.૧૯//૧૪રવિવારપૂ.મુક્તામાસીભોજાણીનોર્દષ્ટાદિન 

રવિવારે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ માં જ્યોતમાં બહેનોની સભામાં પૂ.મુક્તામાસી ભોજાણીનો ર્દષ્ટાદિન ઉજવાયો હતો. પૂ.મુક્તામાસી એટલે લંડન જ્યોતના બહેનોની દિવ્ય મા. શરૂઆતથી જ મુક્તામાસીનો ગુરૂહરિ પપ્પાજી સાથેનો આગવો સંબંધ ભજન ગાવાનો હતો. ગુરૂહરિ પપ્પાજી હંમેશા મુક્તામાસી આવે એટલે કહે, મુક્તામાસી પધાર્યા ! ચાલો ભજન સંભળાવો અને હાર્મોનિયમ વગાડી મીઠો સૂર વહાવે. જેમાં પ્રાર્થનાભાવો ગુરૂહરિ પપ્પાજીના ચરણે ધરતા હતાં.

ગુરૂહરિ પપ્પાજીના કાર્યમાં સમગ્ર તંત્ર પરોવી અંતરની ઐક્યતાનો સૂર વહાવી પરદેશમાં લંડન જ્યોત શાખામાં માહાત્મ્ય સમજી નિર્માનીભાવે જીવન જીવ્યા છે. પ્રભુના સિધ્ધાંતે જીવી, સાધુતા રાખી ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બેનને રાજી કરી લીધા. વિશ્વાસનું પાત્ર બની રહ્યાં. મહાપૂજા કરવાની મોટી સેવા વર્ષોથી કરી રહ્યાં છે. મુક્તોના સુહ્રદ બની આત્મીયતા રાખી મહાપૂજાની વિકટ ભક્તિ કરી દરેક મુક્તોના દિલમાં શ્રધ્ધા પ્રગટાવી છે. ઘણા મુક્તો કહે છે કે, “માસીને કહીએ એટલે અમારૂં કામ થઈ જ જાય.” આમ, માસી ભક્તોના એજન્ટ બની ભગવાન પાસે કામ કરાવે છે. એવા આપણા મુક્તામાસીને કોટિ કોટિ વંદન ! પ્રાર્થજો ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બેનને મહાપૂજામાં પ્રાર્થના કરી અમને બળ પૂરજો.

{gallery}/images_in_articles/newsletter/2014/Jan/19-01-14 P.Muktamasi divine DAY/{/gallery}

() તા.૨૧//૧૩.પૂ.સોનાબાનોનિર્વાણદિન (સ્મૃતિપર્વ) 

પ.પૂ.બા ના સ્મૃતિદિન નિમિત્તે જ્યોતમાં આજે સવારે બહેનોએ પ.પૂ.બા ની રૂમની જૂની જ્યોતની (રૂમમાં કુંભ પધરાવી) પ્રદક્ષિણા કરી હતી. તથા ગુણાતીત તીર્થ પર પણ પ્રદક્ષિણા પ્રાર્થના ધરી હતી. રાત્રિ સભામાં ૮.૩૦ થી ૧૦ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ભજન-કીર્તનનો કાર્યક્ર્મ રાખ્યો હતો.

આમ, પ.પૂ.બા ની સ્મૃતિ સહ ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના પુષ્પો ધર્યા હતાં. વિશેષ પ.પૂ.બાની હાજરી કુદરતી રીતે નોંધાણી હતી. શ્રાવણ સુદ-૨ ના દિવસે હંમેશા વરસાદ હોય. આજે ૨૧ જાન્યુઆરી એ કમોસમી વરસાદ પડ્યો. જે શ્રાવણ સુદ – ૨ જ જેવો હતો. શ્રાવણ સુદ -૨ પ.પૂ.બાનો પ્રાગટ્યદિન ! ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બાની હાજરીમાં ઉજવાતો વગેરે સહજ સ્મૃતિ થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2014/Jan/21-01-14 P.P.Sonaba nirvan din/{/gallery}

() તા.૨૬/૧૦/૧૪નડિયાદજ્યોતપ્રસાદરજમંદિરનોપાટોત્સવમહાપૂજા 

ઓહો ! કેવો સરસ દિવસ ! આજે નડિયાદ ‘પ્રસાદ રજ’ મંદિરના પાટોત્સવમાં શિકાગોથી પ.પૂ.દિનકરભાઈ, પ.પૂ.બાપુ, પૂ.કુસુમબેન તથા પવઈથી પૂ.ભરતભાઈ અને ભાઈઓ તેમજ વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ અને પૂ.યશવંતભાઈ દવે અને ભાઈઓએ ભેગા મળી સરસ મહાપૂજા પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યમાં કરી હતી. અને સરસ સ્મૃતિ સભા થઈ હતી. પાટોત્સવની પૂજાવિધિ થઈ હતી તથા અન્નકૂટ થાળ ધર્યો હતો. નડિયાદ મંડળના હરિભક્તોની સભા દર ગુરૂવારે સાંજે બહેનોની સભા પૂ.હંસાબેન પાવાગઢી અને બહેનો કરે છે. ભાઈઓની સભા પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ કરાવવા જાય છે. તે સભાના સર્વે મુક્તોએ આ મહાપૂજા અને સભાનો લાભ લીધો હતો. તથા નડિયાદના અન્ય હરિભક્તો પણ પધાર્યા હતાં.

{gallery}/images_in_articles/newsletter/2014/Jan/26 01-14 nadiyad mandir patoutsav/{/gallery}

પ્રાસંગિક આશીર્વાદમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દિનકરભાઈ અને પૂ.ભરતભાઈએ લાભ આપ્યો હતો. નડિયાદની બાળ લીલા પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજીની સહજ સ્મૃતિ થઈ હતી. પ.પૂ.દીદીએ શ્રી હરિની (મહારાજની) મૂર્તિ પવઈ મંદિર માટે આજની સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી. સભા બાદ મહાપ્રસાદ વિદ્યાનગર આવીને લીધો. આખો કાર્યક્ર્મ ભક્તિસભર ભાવે સંપન્ન થયો હતો.

() તા.૨૮//૧૪ગુરૂહરિપપ્પાજીનોશાશ્વતસ્મૃતિદિન 

આજે રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પ્રભુકૃપા મંડળની સભાના ભાઈઓ પ્રદક્ષિણા તથા કીર્તન, ભજન, સભા માટે પપ્પાજી તીર્થ પર ગયા હતાં. દર મહિનાની ૨૮મી તારીખે આ રીતે શાશ્વત ધામે પ્રદક્ષિણા, પ્રાર્થના કરી ધન્યતા અનુભવે છે.

{gallery}/images_in_articles/newsletter/2014/Jan/28-01-14 bhaiyp papajitirth dhun sabha/{/gallery}

આ રીતે આખું પખવાડિયું ખૂબ ભક્તિ-આનંદ સાથે પસાર થયું હતું.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સારી છે. સર્વે મુક્તો મઝામાં છે. અહીંથી સર્વના આપ સર્વને હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

એ જ લિ.જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !