01 Sept 2013 – Newsletter

                                 સ્વામિશ્રીજી                    

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો,

પપ્પાજીના પ્રાગટ્યદિનના આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ !

આજનો દિવસ એટલે જ્યોત માટેનો મોટામાં મોટો દિવસ ! જગતમાં પણ આજના દિન ‘World Peace Day’ તરીકે ઓળખાય છે. એવા શાંતિના દિવસે ગુરૂહરિ પપ્પાજી પ્રગટ્યા ! સાક્ષાત્ અક્ષર પુરૂષોત્તમનું તત્વ પપ્પાજી થકી પ્રગટ્યું. આપણા સહુનાય ધન્ય ભાગ્ય !

આજના દિનની સવાર ગુરૂહરિ પપ્પાજીના અવાજથી સવાર પડી !

 

આ દર્શન આજના મંગલ પ્રભાતે સવારે ૬.૦૦ વાગ્યે સર્વ બહેનોએ અને ૭.૦૦ વાગ્યે ભાઈઓએ દર્શનનો આનંદ સુખ લીધું. “પ્રભુકૃપા” માં આજનો ૧લી સપ્ટે. નો પ્રસાદ સુરત જ્યોત તરફથી મીઠું મોં કરી, બ્રહ્મવિહારની કુટિરે વિશેષ મીઠું મોં દર્શન પ્રદક્ષિણા કરીને ધન્ય થયા હતાં.

સવારે ૭.૩૦ થી ૯.૦૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા-ભજન, પ્રાર્થના ધરવા ગયા હતાં. પૂ.શોભનાબેને શાશ્વત ધામે ગુરૂહરિ પપ્પાજીના ચરણે પુષ્પગુચ્છ અર્પણ કરીને Happy Birthday કર્યા હતાં. તથા પૂ.લીલાબેને ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને પુષ્પબુકે, બાસ્કેટ બધી બહેનો વતી અર્પણ કરી હતી. બહેનોએ પ્રદક્ષિણા કરી, ‘અંતરથી અંતર ટળે નિરંતર’ એ ભજન ગાઈને પ્રાર્થના પુષ્પ ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ધરી હતી. સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ ની બહેનોની મંગલ સભા ૧લી સપ્ટેમ્બર નિમિત્તે થઈ હતી. આવાહન શ્ર્લોક, ભજન, પ્રાર્થના બાદ સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને પુષ્પ અર્પણ પૂ.હર્ષાબેન પટેલે કરી ધન્યતા અનુભવી હતી. ગાયક-વાદ્ય વૃંદના બહેનોએ પૂ.સ્મૃતિબેન દવે રચિત નવી ધૂન ગાઈ. જે ધૂનમાં ગુરૂહરિ પપ્પાજીએ આપેલ ૧લી સપ્ટેમ્બરની આજ્ઞા સ્મૃતિઓ આવરી લીધી હતી. સમૂહ ધૂન લય થઈને ગવાઈ હતી. તેમાંથી, સભા સંચાલક પૂ.ઝરણાબેને ૧લી સપ્ટેમ્બરની એક સ્મૃતિ કહી અને પૂછ્યું તેનો જવાબ પૂ.ભાવનાબેન મહેતાએ આપ્યો. પપ્પાજીએ બધા મુક્તોને આજે માળાની લખણી ગુરૂને કરાવવાનું કહ્યું. આજના દિવસ નિમિત્તે મને કરેલી માળાની ભેટ આપશો ? યથાશક્તિ સૌ ભક્તોએ સભા બાદ લખાવી. પરંતુ તે પહેલાં જ સભામાં ગુરૂહરિ પપ્પાજીએ પોતે ૧૮,૦૦૦ માળા “પ્રભુકૃપા” મંડળના વડીલો તરફથી માળા લખાવી હતી. એ સ્મૃતિની વાતની સાથે સાથે પૂ.ભાવનાબેને યાચના કરી લીધી. પાંચ બહેનોનો આજે ૨૬મો વ્રતધારણ દિન છે. (પૂ.લક્ષ્મીબેન ચેલાણી, પૂ.ભાનુબેન જેતપરીયા, પૂ.પુષ્પાબેન રતનપરા, પૂ.ચંદ્રિબેન મારડીયા, પૂ.ભાવનાબેન મહેતા) તથા સોના ગ્રુપના બહેનોનો આજે ૧૧મો વ્રતધારણ દિન છે. આ બધી સ્મૃતિ પ.પૂ.દીદીના સાંનિધ્યે કરી હતી. ત્યારબાદ પ.પૂ.દીદીએ સ્મૃતિની વાતો કરી. જ્ઞાન ગંગામાં પણ ઝબકોળ્યા. ખૂબ ઉમદા વાતો કરી હતી. આશીર્વાદ આપ્યા હતાં. નાના સાધકમાંથી પૂ.નેહાબેન પટેલ, પૂ.પારૂલબેન પટેલે સરસ યાચના પ્રવચન કર્યું હતું.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/{/gallery}

અન્નકૂટ દર્શન “પ્રભુકૃપામાં”

આજનો દિવસ આપણા માટે મોટામાં મોટો છે. આજે નવું વર્ષ છે. તેથી નવા વર્ષના ભાવે “પ્રભુકૃપા” મંદિરે શ્રી ઠાકોરજી તથા ગુરૂહરિ પપ્પાજી સમક્ષ પ.પૂ.બેન-પ.પૂ.પપ્પાજી શતાબ્દી સંદર્ભે ૧૦૦ + ૧૦૦ આઈટમનો અન્નકૂટ થાળ સાંજે ૫.૦૦ વાગ્યે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યના સમયે ધર્યો હતો. બહેનોએ થાળ ગાયો. સદ્દગુરૂ A સ્વરૂપોએ આરતી ઉતારી હતી. કેક કર્તન કરીને ગુરૂહરિ પપ્પાજીને Happay Birthday પાઠવ્યું હતું. ત્યારબાદ ૬.૦૦ થી ૭.૦૦ માં ભાઈઓએ થાળ ગાઇને રમઝટ મચાવી બ્રહ્માનંદ કરાવ્યો હતો. સંધ્યા આરતી કરી દર્શનની ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ફરાળ (મહાપ્રસાદ) સર્વએ લઈને રાત્રિ સભાનો લાભ માણ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીના ૯૮મા પ્રાગટ્ય પર્વની મુખ્ય સભા આજે રાત્રે ૮.૦૦ થી ૧૦.૩૦ પંચામૃત હૉલમાં સંયુક્ત રીતે ખૂબ સરસ થઈ હતી. જેમાં, આવાહન શ્ર્લોક, ભજન, ધૂન્ય બાદ સભા સંચાલક પૂ.બકુબેને ગુરૂહરિ પપ્પાજીના જીવન વૃતાંત આપી સભાનો પ્રારંભ ઉમદા રીતે થયો હતો. મહિમાગાનમાં પૂ.મનીબેન, પૂ.ઉર્મિબેન પટેલ, પૂ.વર્ષાબેન વિસાણીએ લાભ આપ્યો હતો. પૂ.ઈલેશભાઈએ પેરિસ સમૈયાની અને યુરોપ યાત્રાની સ્મૃતિ કરીને બધાને આનંદ કરાવ્યો હતો. પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા. ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈ અન્નકૂટનો પ્રસાદ લઈને સભા સમાપ્ત થઈ હતી. પવઈ-તારદેવ તીર્થધામેથી પૂ.હેમંતભાઈ મર્ચન્ટે ખૂબ ઉમદા મનનીય મહિમા પત્ર, યાચના પત્ર મોકલેલ. તેનું આપણે વાંચન કરીએ, નિદિધ્યાસ કરીએ.

પ.પૂ.પપ્પાજીના ૯૮મા પ્રાગટ્યદિને….

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત,

આવી ધરાએ પ્રબુધ્ધ કર્યા તમે,

અનેક અબુધ ભક્તો, અનેક આર્તહ્રદયી મુમુક્ષુઓ,

હતા જેઓ આત્મજ્ઞાનથી અજ્ઞાત,

લૌકિક બુધ્ધિ ભલે ઘણી પણ પરમ પ્રાજ્ઞની દ્રષ્ટિએ પછાત,

પ્રગટાવ્યું એમના જીવનમાં આપે નૂતન દિવ્ય પ્રભાત…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત…

હે ! દિવ્ય પ્રકાશના ભાણ,

આપના સંબંધે પામ્યા સહુ આત્મિક ઉજાસની લહાણ,

આપની આંખે પ્રગટ પ્રભુની પામ્યા સાચી પિછાણ,

આપની પાંખે દિવ્ય ગગનમાં કર્યું અલૌકિક ઉડાણ,

આપના બળથી તરી ગયાં ભવસાગરે કેટલાંય વહાણ,

આપના સંગે લાઘી હળવાશ, આપના સંગે મનને મોકળાશ,

ના કોઈ ભાર, ના તલભાર દબાણ, કે ના રહી કોઈ વાતની તાણ,

એવા સમર્થ, એવા સુમધુર, તમે સુધીર સુજાણ,

જાણે પંચભૂતે વિભુ સાક્ષાત્…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા તમ તાત…

હે ! વ્હાલા ચૈતન્ય દર્શ,

જે પળથી યોગીના સાચા સ્વરૂપનો થયો અંતરે સ્પર્શ,

એ પળથી જ પલટાયું જીવન, રહ્યા યોગી એક જ આદર્શ,

ના રહી કોઈ ઈચ્છા, ના કોઈ પૃછા, ના કોઈ વિચાર-વિનિમય-વિમર્શ,

શ્વાસે શ્વાસે એક જ ધ્યાન, રહ્યું અખંડ એ જ અનુસંધાન,

યોગી વિના બીજા પ્રત્યેક વિચાર પહેલાં જ ગરણી,

એની આજ્ઞા એ જ પગથિયું, એની મરજી એ જ નિસરણી,

આતમ સમધિના અર્ધ્ય વિના ના કરવું કશું જ પ્રદર્શ,

રહ્યો એ જ આદર્શ, જ્યારથી પામ્યા યોગીનો સ્પર્શ,

ના શબ્દોથી જ થાય એ વાત, કરાવો કિચિંત કંઈક આત્મસાત…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત…

હે ! પંચભૂતધારી અવધૂત,

તમે શૈશવથી આપ્યું સબૂત,

કહ્યું કે ‘હું’ આવ્યો છું પરમહંસ’,

દિવ્ય જ્ઞાનનાં શુધ્ધ મોતીનો ચારો તમે ચરનારા,

નીરક્ષીર વિવેકી, સત્-અસત્ ને ત્વરિત અલગ કરનારા,

પરમ ધામરૂપી માન સરોવરના અનુઓ આપ રાજહંસ,

ના કોઈ સારપ, ના કોઈ મહોબત, ના કોઈ પ્રીતિ-આસક્તિ,

પ્રભુ સંબંધ વિણ બીજાં આપને મન, રાવણ-કૌરવ-કંસ !

આપની અવિચલ માનીનતા આગળ શું હિમાલયની ય વિસાત ?

આપોને સોગાત એની કંઈક, હે ! નિશ્ર્ચલરૂપ સાક્ષાત્…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત…

હે ! પરાભક્તિના પ્રેરક,

કર્મયોગે કોઈ આદર્શ શિક્ષક,

આંખો જાણે અખીલ સમીક્ષક, નજર જાણે નખશિખ નિરીક્ષક,

પ્રજ્ઞા જાણે કોઈ પ્રવીણ પરીક્ષક, વર્ણનથી નહીં, વર્તનથી પ્રબોધક,

પળમાં જાણી લો, કોણ કંચનસમ ને કોણ ચળકતું પિત્તળ,

કોણ છે સાચા મરજીવા ને કોણ કરે કિનારે ટીખળ,

તો ય યોગી સંબંધ એ જ શ્રેષ્ઠ પાત્રતા એવી સમજણથી રહ્યા સભર..

હે ! પ્રમાણિકતાના પ્રમાણ, હે ! વફાદારીના શિખર,

એવી સમજણથી કરો જ્ઞાત, એવી ભક્તિ કરો પ્રદાત…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત…

હે ! યોગીના અદ્દભૂત સર્જન,

કાકા, બા-બેન, સ્વામી, સાહેબ સંગ કર્યું જે આપે પ્રવર્તન,

સંપ-સુહ્રદભાવ-એકતા ર્દઢ થાય એ જ છે સાચું સંર્વધન,

નિજ જીવનના અર્ધ્યથી કરીએ એવું જ આપનું પૂજન,

દસકા, સૈકા, યુગો વીતશે, રહેશે અમર એ જ વાત,

દિવ્ય બંધુબેલડીની યોગીએ આપી ભવ્ય મિરાત,

આપના દિવ્ય જીવનની આપ અમ ઉર ઉપસાવો ભાત,

મંગલપર્વે દો અમ સહુને આશિષ એવા ઉદ્દાત…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત…

હે ! વ્હાલા પપ્પાજી, હે ! વ્હાલા આતમ તાત…

આપના જ તારદેવ-પવઈ મંદિરના સહુ ભૂલકાંઓના પ્રાગટ્યપર્વના જયશ્રી સ્વામિનારાયણ

આ પ્રાર્થના આપણા સહુના જીવનમાં સહજ બને તેવી યાચના સહ જય સ્વામિનારાયણ.

                                    એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ.