સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા.૨૨/૧૨/૧૭ થી ૨૫/૧૨/૧૭ દરમ્યાનની ગુણાતીત જ્યોત અને ગુણાતીત સમાજલક્ષી સ્મૃતિ માણીશું. મુખ્ય તો
દિલ્હીમાં ઉતરી આવેલ પૃથ્વી પરનું સ્વર્ગ ! અરે… પૃથ્વી પર ઉતરી આવેલા અક્ષરધામની સ્મૃતિ ગોષ્ટિ બે ઘડી કરી લઈએ.
આપ જાણો છો તે મુજબ ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૩ વર્ષથી થઈ રહી છે. પેરીસ, શિકાગો (અમેરિકા), વિદ્યાનગર (ગુણાતીત જ્યોત) માં ઉજવાયો. ચોથું સોપાન ૨૦૧૭ના અંતમાં દિલ્હી ઉજવવાનું આમંત્રણ પ.પૂ.ગુરૂજીએ (પૂ.મુકુન્દજીવન સ્વામીજીએ) એક વર્ષ પહેલાં આપ્યું હતું. તે મુજબ તા.૨૨/૧૨/૧૭ થી તા.૨૫/૧૨/૧૭ દિલ્હી તાડદેવ મંદિરેથી ઉજવણીનું આયોજન થયું. જોતજોતામાં આ દિવસ નજીક આવવા લાગ્યો. ગુરૂહરિ પપ્પાજીની જેમ પરફેક્ટ પ્રિપ્લાન કરનારા પ.પૂ.ગુરૂજીની પ્રેરણા પ્રમાણે પત્ર ગુણાતીત સમાજમાં આપ્યા. ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીને આવસોય–જાવસોય ગમતું નથી. તેથી ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ “શિબિરના રૂપમાં તા.૨૨ થી ૨૫ ઉજવીશું. તા.૨૨મીએ શિબિર પ્રારંભે દિલ્હી તાડદેવ મંદિરમાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી અને પ.પૂ.સાહેબજીની મૂર્તિ પધરાવવાનું નક્કી થયું.
(૧) તા.૨૨/૧૨/૧૭
કાર્યક્ર્મ મુજબ તા.૨૨મી એ સાંજે યજ્ઞ અને ત્યારબાદ મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્ર્મ સભાખંડમાં એટલે કે મંદિરેથી દોઢ કિ.મી દૂર ગ્રાઉન્ડમાં સભાખંડ અને ભોજન મંડપ હતાં.
તા.૨૨મીએ બપોર સુધીમાં આખા ગુણાતીત સમાજમાંથી સંતો, બહેનો, વ્રતધારી ભાઈઓ અને નિષ્ઠાવાન ભક્તો શિબિર માટે દિલ્હી પધારી ગયા. સ્ટેશને સ્વાગત, વાહન વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા બધું એકદમ અપ–ટુ–ડેટ ગોઠવાઈ ગયું હતું. વિદ્યાનગર જ્યોત પપ્પાજી પરિવાર તરફથી ૨૬૦ની સંખ્યામાં સ્વરૂપો–મુક્તોએ આ સમૈયામાં ભાગ લીધો હતો. ૬૦ બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને સૌરભ મુક્તો તા.૨૨મીએ બપોર સુધીમાં દિલ્હી પહોંચી ગયા હતાં. ૪૦ જેટલા ભાઈઓ અગાઉ સેવા માટે ગયા હતાં. તા.૨૨/૧૨ના સભા મંડ્પમાં યજ્ઞ હતો. ત્યાં સર્વે પહોંચી ગયા હતાં. ગુણાતીત સમાજલક્ષી સમૈયો હતો. યજ્ઞમાં પણ બધા જ કેન્દ્રોમાંથી ૧–૧ દંપતિએ યજ્ઞમાં બેસવાનો લાભ લેવાનો હતો. તેમાં પૂ.કેતનભાઈ માવાણી–પૂ.શીતલબેન માવાણીની પસંદગી આપણા સ્વરૂપોએ કરી હતી.
નાનો સુંદર દિવ્ય યજ્ઞ ભક્તિભાવે પૂર્ણ થયો. યજ્ઞમાં શ્રીફળ પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.આનંદીદીદી વગેરે બહેન સ્વરૂપોના વરદ્દ હસ્તે હોમવામાં આવ્યું હતું.
આ બાજુ (મંડપમાં) યજ્ઞ પૂરો થયો અને મંદિરમાં ઉપર હૉલમાં સંતો–ભાઈઓ, સ્વરૂપો તથા સિલેક્ટેડ મુક્તોની સંનિધિમાં મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિસરની પૂજા થઈ. શ્રી ઠાકોરજી સાથે પ.પૂ.કાકાજીની અને પ.પૂ.પપ્પાજીની મૂર્તિ તો બિરાજમાન હતી જ. તે મંદિરની બંને બાજુ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી અને પ.પૂ.સાહેબજીની મૂર્તિ પધરાવી અન્નકૂટ ધરાયો અને આરતી કરવાની હતી. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી આવતીકાલે પધારવાના હતાં. પ.પૂ.સાહેબજીએ પ.પૂ.ગુરૂજીને કહ્યું કે, આપણે આરતી આવતીકાલે પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના વરદ્દ હસ્તે કરીશું. તરત એ વાતનો પ.પૂ.ગુરૂજીએ સરળતાથી સ્વીકાર કર્યો. ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીને ગમે તેવી સરળતા ! માહાત્મ્યની ખેંચતાણ અને આદર્શ મૈત્રીભાવના દર્શન આ નાનકડા પ્રસંગમાં શિબિરના પ્રારંભ પહેલા થયા.
(૨) તા.૨૩/૧૨/૧૭
‘પ્રથમ પ્રભુ અને પછી પગલું’ એ ન્યાયે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના ૧૨૫મા પ્રાગટ્યપર્વની ઉજવણી આજની પ્રથમ સભામાં રાખી હતી. આજે આખો યોગી પરિવાર ભેગો થયો છે. યોગીજી મહારાજનું સેવન કરેલ સ્વરૂપોએ–મુક્તોએ યોગી યશગાન સાથે તે સમયની સ્મૃતિ કરાવી હતી. ગુરૂજીને યોગીજી મહારાજ પ્રત્યેની અસાધારણ પ્રીતિને લીધે સાધુ થવાની ના પાડી ના શક્યા. પ્રીતિ સમર્પણમાં પરિણમી તેનું યથાર્થ દર્શન આજની સભામાં થયું હતું. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ સભાની પૂર્ણાહુતિમાં ખૂબ જ સરસ આશીર્વાદ આપીને ધન્ય કર્યા હતાં.
સાંજની સભા ‘મહિલા સંમેલન’ની હતી. બહેનો–ભાઈઓની આ સભા હતી. મુખ્યત્વે બહેનો હતા. સભા સંચાલન બહેનોએ કર્યું હતું. આજે બંધુબેલડી શતાબ્દી અને પ.પૂ.ગુરૂજીના ૮૦મા પ્રાગટ્યદિનની ઉજવણીની સભા હતી. તે મુજબ સ્વાગત નૃત્ય દિલ્હી મંદિરની યુવતીઓએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું. ભજન પણ એટલું જ સરસ હતું. બહેનોનો ભગવાન ભજવાનો પ્રારંભ થયો. ત્યારથી આખો ઈતિહાસ અને બધા સેન્ટરના મહિલા સ્વરૂપોની સંત બહેનોની યશગાથા, યોગીજીના આશીર્વાદ, ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય તરીકે આજની સભાનો પ્રારંભ ખૂબ ઉત્તમ રીતે થયો હતો. ધૂન–ભજન પણ બહેનોએ ગાયા હતાં. તેમાં ગુણાતીત જ્યોત તરફથી પૂ.સ્મૃતિબેન દવે રચિત ભજન પૂ.હર્ષાબેન પટેલ અને જ્યોતના બહેનોએ ગાયું હતું. તથા જ્યોત તરફથી વિડીયો D.V.D ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીની તૈયાર કરીને લઈ ગયા હતા. તેનું અનાવરણ પૂ.આનંદીદીદીના વરદ્દ હસ્તે પૂ.અનુરાધાબેન દવેએ કરાવ્યું હતું.
દિલ્હીના અક્ષર જ્યોતિના ત્યાગી–ગૃહી બહેનોના અનુભવ દર્શન અગાઉથી તૈયાર કરીને સ્ક્રીન પર રજૂ કર્યા હતા. “થોડા સમયમાં વધારે આપી શકાય.” એવા પ.પૂ.ગુરૂજીના જીવનની અનુભૂતિ પ્રસંગ સ્મૃતિ પ્રસંગની રજૂઆત ખૂબ જ સરસ રીતે થઈ હતી. ઘણી બહેનોએ ગુરૂહરિ કાકાજીના દર્શન પણ નથી કર્યા. તે બહેનોમાં પણ ગુરૂજીએ ગુરૂહરિ કાકાજીની મૂર્તિ કેવી સ્થાપિત કરી છે તેનું ઉત્તમ દર્શન બહેનોની વાતોમાં થયું હતું. પ.પૂ.હંસાદીદી, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.આનંદીદીદી વગેરે બહેન સ્વરૂપોએ ઓહોહો ઐતિહાસિક સ્મરણ સાથે ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂજીના સાધના જીવનની અને પ્રાપ્તિની આદર્શ વાતો કરી હતી. ખૂબ વરસ્યા…ખૂબ વરસ્યા…ખૂબ વરસ્યા..સહુ શ્રોતા ભક્તો ધન્ય થયા. બસ ધન્ય થઈ ગયા. ખૂબ મોડે સુધી સભા ચાલી હતી. લાંબા કાર્યક્ર્મ મુજબ વારી લઈ શકાઈ નહોતી. સભાની રજૂઆત એવી હતી કે શ્રોતાઓને પકડી રાખતા હતાં. ૮૦–૮૫ વર્ષના આપણા સ્વરૂપો પણ આખી સભામાં એક જ જગ્યાએ બિરાજી, ખૂબ જ ભીડો વેઠી દર્શન લાભ બધી જ સભામાં આપી રહ્યા હતાં.
(૩) તા.૨૪/૧૨/૧૭
આજની શિબિર સભામાં સ્ટેજ પર પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.દિનકરભાઈ આદિ વડીલ ભાઈઓ અને સંત સ્વરૂપો હતાં. ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી ઉપરાંત પ.પૂ.ગુરૂજીના ૮૦મા પ્રાગટ્યદિનની ઉજવણી નિમિત્તે સ્ટેજ પરના સ્વરૂપોના આશીર્વાદ લીધા હતાં. અને ખાસ તો પ.પૂ.ગુરૂજીનું સેવન પામેલા અનુભવી ભાઈઓ–સંતો–ગૃહસ્થ ભાઈઓની અગાઉથી તૈયાર કરેલી D.V.D દ્વારા ટૂંકામાં વધારે અસરકારક લાભ પામીને સહુએ ધન્યતા અનુભવી હતી.
સાંજની સભામાં પ.પૂ.ગુરૂજી દિલ્હી પધાર્યા તેને ૫૦ વર્ષ પૂર્ણ થયા. તે નિમિત્તે ની ડોક્યુમેન્ટ્રી ભક્તોએ અદ્દભૂત રીતે તૈયાર કરેલી હતી. તેનો દર્શન લાભ લીધો હતો. “દિલ્હી જઈને રહો.” એ પ.પૂ.કાકાજીના વચનમાં ખોવાઈ ગયા, ખપી ગયા. એવા પ.પૂ.ગુરૂજીના જીવન પ્રસંગો ખૂબ કરૂણ અને પ્રેરણા દાયક હતાં. અદ્દભૂત રીતે રજૂ કર્યા હતાં. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવું આજનું દર્શન હતું. મોડે સુધી આ દર્શન પામી સહુએ ધન્યતા અનુભવી હતી.
(૪) તા.૨૫/૧૨/૧૭
ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી બંધુબેલડી શતાબ્દી શિબિરનો આજે અંતિમ દિવસ છે. ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીને દરેક કેન્દ્ર તરફથી સંતો–ભાઈઓએ વિધવિધ હાર અર્પણ થયા. મોમેન્ટોનું અનાવરણ થયું. અને મોમેન્ટો અર્પણ પ્રારંભ થયો. પધારેલ સહુ મુક્તોને સ્મૃતિભેટ બે – બે રૂપિયાના સિક્કાની સ્મૃતિએ સહ અર્પણ થશે. તે વાતનો ઉલ્લેખ થયો. સ્ટેજ પરના સ્વરૂપોમાંથી શિબિર આશિષ લાભ લેવાયા. તથા આગળના બે દિવસની સભાઓની જેમ સ્ક્રીન દ્વારા પણ ભક્તોએ મહિમાગાન કર્યા. આજે પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી સભામાં નહોતા પધારી શક્યા. નાદુરસ્ત તબિયત અનુસાર વિશ્રામમાં હતાં. પ.પૂ.ગુરૂજીએ અંતઃર્દષ્ટિ ભર્યા ભાવે, અશ્રુભીની આંખે સમાચાર આપી ધૂન્ય કરાવી હતી.
આજે સાંજની પૂર્ણાહુતિ સભા તો ઓહો ! ઉપર મુજબની વિગત પ્રમાણે જ થઈ હતી. પરંતુ આ શિબિર સમૈયાનો જે આનંદ સહુના હૈયે છલકાતો હતો તે યુવકોના ભાંગડા નૃત્ય દ્વારા છેલ્લે બધા યુવકો પણ સ્વરૂપો સમક્ષ નાચીને આનંદ વ્યક્ત કરવા સ્ટેજ પર પહોંચી ગયા હતાં. તો બહેનોના વિભાગમાં પણ એ જ માહોલ સર્જાયો હતો.
ભજનો પણ નવા નવા ગાયકોએ સ્ટેજ પર ઉભા રહી ગાયા હતાં. તો વળી સુરતના સનેડાની ફરમાઈશ સ્ટેજ પર ગઈ તેથી મહારાજની યશગાથા સનેડા દ્વારા ગવાતી હતી. અને મહિલા ભક્તો ગાતા–નાચતા હતાં.
અરે આજની પૂર્ણાહુતિનો રંગ તો ઓર હતો. ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી શતાબ્દીનું અદ્દભૂત પૂર્ણાહુતિ નૃત્ય હતું. ફક્ત નૃત્ય નહીં પણ નૃત્ય નાટિકા, ભજન અને સ્મૃતિના સુંદર સમન્વય દ્વારા ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીના શાસ્ત્રીજી મહારાજ–યોગીજી મહારાજ સાથેના રાજીપાના પ્રસંગો, સાક્ષાત્કારના પ્રસંગો અને છેલ્લે ‘વિમુખ નારાયણની જય’ નાદ સાથે અદ્દભૂત અદ્દભૂત નૃત્ય પૂ.પ્રદિપભાઈ અને પૂ.રાકેશભાઈએ યુવકો પાસે તૈયાર કરાવ્યું હતું. આ દર્શન કરી સહુ કૃતાર્થ થયા હતાં.
ધન્ય હો પ.પૂ.ગુરૂજીને…! ધન્ય હો પ.પૂ.આનંદીદીદીને…! ધન્ય હો આ સમાજના મુક્તોને…!
બસ ધન્યતાના ઉદ્દગારો સહુનાય હૈયે વહેતાં હતાં. તેવામાં પ.પૂ.આનંદીદીને પ.પૂ.હંસાદીદીએ શાલ ઓઢાડી અને તે સાથે જ પ.પૂ.આનંદીદીદી પ.પૂ.જ્યોતિબેન પાસે આશીર્વાદ લેવા ગયા તો પ.પૂ.જ્યોતિબેને તેમને તેમની ગોદમાં બેસાડી દીધા. પ.પૂ.જ્યોતિબેન તેમને ગોદમાં બેસાડી રાજીપો, પ્રેમ અને આશિષ અર્પણ કરતાં હતાં. વળી, આજે ક્રિસમસનો શુભ દિવસ તેથી મધર મેરીની ગોદમાં આનંદીદીદીના દર્શન સહુએ કર્યા. સહુ એ સ્મૃતિ સાથે છૂટા પડ્યા.
દરેક સભા તેના સમય કરતાં ઘણો વધારે સમય લેતી હતી. એ જ જરૂરી છે ને ? શિબિરાર્થી ભક્તોને નાનું ભૂખનું દુઃખ પણ ના વેઠવું પડે ! ડાયાબિટીસ કે કોઈ વૃધ્ધ કે બાળકોને તકલીફ ના પડે તે માટે દરેક સભામાં કાંઈ ને કાંઈ અલ્પાહાર આપવાની વ્યવસ્થા પણ અગાઉથી કરી હતી. એ પણ દરરોજ એકસરખું નહીં. વિધ વિધ પ્રસાદ સહુને પ્રભુના સ્વરૂપો માનીને હોંશથી પ.પૂ.ગુરૂજીએ રખાવ્યો હતો.
ઓહોહો… ! મંદિરના ભક્તોએ સ્વયં સેવકોએ તથા અક્ષર જ્યોતિના યુવતી–ભાભી મંડળના મુક્તોએ દરરોજનો જુદા જુદા કલરના વસ્ત્રો પરિધાન કરીને સેવા–ભક્તિ કરી તે દર્શનીય હતું.
આ સમૈયામાં પ.પૂ.નિર્મળ સ્વામી નહોતા પધારી શક્યા. પૂ.જ્ઞાનસ્વરૂપ સ્વામીની નાજુક તબિયત અનુસાર તેઓ સમઢિયાળા રહી મનથી અહીં હતાં. સર્વેએ સભામાં તેઓને યાદ કર્યા હતાં.
અક્ષરધામ નિવાસી પૂ.કોઠારી સ્વામી (હરિધામ) અને પૂ.યોગીનીબેન (પવઈ)ને પણ સભામાં યાદ કર્યા વગર રહેવાતું નહોતું. તેઓ દિવ્ય દેહે અહીં જ હતાં.
દરેક સભાના પ્રારંભે વિધ વિધ રીતના સ્વાગત થયા હતાં. સ્વરૂપોને ખુલ્લી શણગારેલી ગાડીમાં બિરાજમાન કરીને સ્ટેજ સુધી લાવ્યા હતાં. દરેક સભામાં અદ્દભૂત સ્વાગત નૃત્યો થયા હતાં. આમ, ચારેય બાજુ માહાત્મ્ય ! માહાત્મ્ય ! બસ માહાત્મ્ય ! ના દર્શન થતાં હતાં. ગુરૂહરિ પપ્પાજી કહેતાં, ‘મહાત્મ્યની ખેંચાખેંચ એ અક્ષરધામ’ એવું અક્ષરધામ અશોક વિહારમાં પ.પૂ.ગુરૂજીએ ખડું કર્યું હતું. જે ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી નાના હતાં ત્યારે સંકલ્પ કરેલો “સ્વર્ગ પૃથ્વી પર ઉતારવું છે.” ત્યારે અક્ષરધામ શબ્દની કોઈને ખબર નહોતી. એવું અક્ષરધામ પ.પૂ.ગુરૂજીએ ખરેખર અહીં ઉભું કર્યું હતું. અહીં આવેલ દરેક મુક્તને આપોપાપણાનો ભાવ આવે છે. દરેકને પોતાનું ઘર લાગે છે. પોતાનું મંદિર લાગે છે. પ.પૂ.ગુરૂજી પોતાના લાગે છે. કારણ પ.પૂ.ગુરૂજી યોગી પરિવારના ભક્તોને પોતાના માને છે. તેઓના આગમન અને દર્શનથી રાજી રાજી થાય છે. પ.પૂ.ગુરૂજી અને પ.પૂ.આનંદીદીદીએ અને આ સમાજે આજે સાચા અર્થમાં ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીની ઉજવણી કરી છે. ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીને જીવંત રાખ્યા છે. કોટિ નમન સાથે જય સ્વામિનારાયણ !
ચારેય દિવસના સમૈયાના દર્શન વેબસાઈટ પર– યુ ટ્યુબ પર લાઈવ હતા. તેથી કથાવાર્તા વગેરે અહીં નથી લખ્યું. જ્યોતમાં જે બહેનો હાજર હતાં તે બહેનોએ પપ્પાજી હૉલમાં સ્ક્રીન પર સભાના કાર્યક્ર્મ મુજબ કલાકો સમૂહમાં બેસી મનથી દિલ્હી સમૈયામાં હતાં તે મુજબ લાભ લીધો હતો. તેવું જ ‘પ્રભુકૃપા’માં ભાઈઓએ લાભ લીધો હતો.
{આસમૈયામાંપ્રત્યક્ષહાજરીઆપીછેતેવાસુરતનાગુણાતીતપ્રકાશનાભાઈઓપૂ.વિરેનભાઈઅને
પૂ.પિયૂષભાઈએઆપણાસહુવતીમાહાત્મ્યનાઉદ્દગારોવહાવ્યાછેઅનેપ્રાર્થનાધરીછે. તેજોઈએ. કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ નિમિત્તે દિલ્હી આવ્યા. અહીં વિશાળ મંદિર, તેની મૂર્તિઓ, મંદિરનું સમસ્ત પરિસર, “અક્ષરતીર્થ” જે ગુરૂહરિ કાકાજી મહારાજનું સમાધિ સ્થાન છે તે અને “અપના ઘર” આ બધું જ બેનમૂન છે. તેની ગોઠવણ, રચના, વ્યવ્સ્થા અને ચોખ્ખાઈ પણ મનને ગમી જાય તેવી છે.
આ ઉપરાંત મહોત્સવની વાત કે વિચાર કરતા તો મગજ બંધ જ થઈ જાય એવા અદ્દભૂત આધ્યાત્મિક વાતાવરણમાં મહોત્સવના તમામ કાર્યક્રમો થયા. જાણે સાક્ષાત અક્ષરધામમાં જ બધા મુક્તો વિહાર કરતા હોય એવી દિવ્યતા ચારેકોર પથરાયેલી છે. પ.પૂ.ગુરૂજીની જિંદગી ભરની મહેનત. કાકાજીના વચનમાત્રમાં સમૂળી જિંદગીનું બલિદાન અને એમના પ.પૂ.કાકાજી–પ.પૂ.પપ્પાજી પ્રત્યેના આંતરિક નિષ્ઠા –વફાદારી ભર્યા સમર્પણ આજે અહીંના મુક્તોના જીવનમાં છલકાઈ રહ્યા છે. પ.પૂ.આનંદીદીદીના માહાત્મ્ય અને વાત્સલ્યભર્યા સતત સિંચનથી સૌના વિચાર, વાણી અને વર્તન માહાત્મ્યથી ઉભરાઈ રહ્યાં છે. સમગ્ર વાતાવરણમાં કાકાજી–પપ્પાજીની પ્રત્યક્ષતાનો અહેસાસ સર્વત્ર સૌનેય અનુભવાઈ રહ્યો છે. આટલો મોટો મહોત્સવ ! આટલા બધા હરિભક્તો ! આટલા મોટા પંડાલ ! અદભૂત મહાપ્રસાદની વ્યવસ્થા! અદ્દભૂત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ! સભા મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, લાઈટીંગ વ્યવસ્થા, સભા વ્યવસ્થા અને બીજી અનેક સુવિધાઓ તો જાણે પધારેલા સહુ મુક્તો પ્રભુના સ્વરૂપો છે. એવી ભાવના ઉડીને આંખે વળગે ને એ આખા વાતાવરણમાં પણ અનુભવાય. આ બધું જ બધું જ મુઠ્ઠીભર મરણીયા સેવકો–મુક્તોને આભારી છે. વણ કહ્યે અંતર નમી જાય. સૈનિકની માફક એક એક કાર્યકર્તાઓ સતત સેવા સભર, માહાત્મ્ય સભર, એટલું જ નહીં કોઈનાય ચહેરા પર કોઈ સેવાનો ભાર કે તનાવ નહીં. સુંદર સ્મિત સભર સેવાની ફરજ , અડીખમ, અણનમ અને અથાક સ્વયં સેવકોની સેવાના દર્શનથી ખુદ દર્શન કરનારને આછેરા થાકનો અહેસાસ થયા વિના રહે નહીં. મુખ્યત્વે પ.પૂ.ગુરૂજીની હ્રદયભાવના કે “ગુણાતીત સમાજની એકતા અને અખંડિતતા” વધે, પ્રસરે એ સાચું ગુરૂહરિ કાકાજી પ્રત્યેનું ઋણ અદા કર્યું કહેવાય. પ.પૂ.ગુરૂજીના પગલે આ એક જ ભાવના છલકાતી હોય. ગુણાતીત સમાજની કોઈ પણ શાખાના પ્રત્યેક મુક્ત મારા છે અને એના માટે શું ન થાય ? એક એક આયોજન, એક એક કાર્યક્રમ અને એક એક વ્યવસ્થામાં ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજીના માહાત્મ્ય અને સિધ્ધાંતની ઝલક નિહાળી શકાય. આ બધું કંઈ સહેલું નથી. સતત ચાર દિવસના સમૈયાની આટલી બધી સેવાઓ કરનાર સૌ સાધકો, મુક્તો, હરિભક્તોને દંડવત કરવાનું મન થઈ જાય. આટલા મોટા દિલ્હી જેવા શહેરમાં આવું આયોજન વિચારવું એ કાંઈ નાની–સૂની વાત નથી. દરેકે પોતાના નોકરી વ્યવસાયનો ભોગ આપીને મહિનાઓ સુધી આ આયોજનમાં ભાગ લેવો એ તો ઘણી અઘરી વાત છે તેમ છતાંય આ તમામ મુક્તો કેવળ પ.પૂ.ગુરૂજીની પ્રસન્નતા માટે રાત–દિવસ જોયા વિના પ.પૂ.ગુરૂજીના સંકલ્પમાં ફના થયા. મુખ્ય કાર્યકર્તાઓ આગળ તો મસ્તક ઝૂકી જાય. તેમનો ક્યારેય જરા સરખોય ઉંચો અવાજ નહીં. કે ન કોઈની આંખને ભ્રુકૃટી પણ ખેંચાય ! કેવળ નમ્રતા…કેવળ મીઠાશ…એ આટલી જવાબદારીઓની વચ્ચે રાખવું મુશ્કેલ તો છે.
નાના ભૂલકાંઓમાં પણ પ.પૂ.ગુરૂજીને રાજી કરવાની સતત રૂચિ. મોટા અને વડીલો પણ એટલા જ વિનમ્ર પણે પોતાની સેવામાં અડીખમ ઉભા હોય. શતાબ્દી પર્વમાં પધારનાર પ્રત્યેક મુક્તો સગવડ સચવાય અને મહોત્સવમાં ભાગ લે અને તેના પુણ્યમાંથી કાર્યકરો, સેવકો પણ એ પુણ્યના આપોઆપ ભાગીદાર બને. હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે ગુરૂહરિ કાકાજી મહારાજ ! આપના આ શતાબ્દી મહોત્સવે અમ સહુ પર એવી કૃપા કરો કે અમે અમારા વિચારોના, લાગણીઓના કોચલામાંથી બહાર આવી આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવા જ વિચાર, વાણી અને વર્તન કરતા જ રહીએ. એ જ અમ સહુની અંતરની પ્રાર્થના આપના ચરણે ધરીએ છીએ.
આમ, આખું અઠવાડીયું ખૂબ ભક્તિ સભર પસાર થયું હતું. ફરીથી મળીશું. નવા વર્ષે ૨૦૧૮ની સાલમાં. આખા વર્ષ દરમ્યાન આપણાથી જાણે–અજાણે જે કંઈ ભૂલ થઈ હોય, ગુરૂહરિ પપ્પાજીની ભક્તિ વગર વર્તાયું હોય તો તેમના ચરણે ક્ષમા યાચીએ અને નવા વર્ષની દરેક પળ સનાતન બને તેવી પ્રાર્થના કરીએ.
સહુ સ્વરૂપો અને બહેનો દિલ્હી સમૈયો કરીને, સરસ તબિયત રાખીને, સહુ મુક્તોને ખૂબ ખૂબ દર્શન લાભ આપીને સુખરૂપ વિદ્યાનગર પધારી ગયા છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !
{gallery}images_in_articles//newsletter/2017/Dec/22-12-17 25-12-17 delhi pappaji kakaji bandhu beldi shatabdi mahotsav{/gallery}