સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુણાતીત જ્યોત દ્વારા સાબરકાંઠાના પૂરગ્રસ્તોને ફૂડ પેકેટની સહાય
તા.૨૪/૭/૧૭ને સોમવારે સાંજે લગભગ પોણા છ વાગ્યે આણંદની કલેક્ટર કચેરીમાં આપણા આત્મીય સ્વજન પૂ.ચૈતન્યભાઈ સંઘાણી ડેપ્યુટી કલેક્ટર
મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેમનો પ.પૂ.દીદી પર ફોન આવ્યો કે, “દીદી ! ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના પરિણામે સર્વત્ર જળ બંબાકાર થઈ ગયું છે. ઘણાં પરિવારો ખૂબ મુસીબતમાં મૂકાયા છે. તેઓને માટે આપણી ગુણાતીત જ્યોતમાંથી ફૂડ પેકેટ દ્વારા મદદની જરૂર છે.
પ.પૂ.દીદીએ કહ્યું, ‘જરૂર દીકરા’. જ્યોતમાં અરજન્ટ કાર્યવાહી કરવા કહ્યું. બધી જ બહેનો અને ડીપાર્ટમેન્ટવાળા જેને ભાગે જે સેવા આવી તેમાં એક મના થઈ મંડી પડ્યા. રાત્રે ૧૦.૩૦ વાગ્યે તીખી પૂરી, સુખડી, ચેવડો અને ગ્લુકોઝ બીસ્કીટનું એક પેકેટ મૂકી પેકેટ તૈયાર કર્યા. સેવા કાર્ય દરમ્યાન સહુના અંતરમાં પ્રાર્થના વહેતી હતી. પ.પૂ.દીદીએ હોનારતમાં અસરગ્રસ્ત પરિવારો માટે સુહ્રદ જપયજ્ઞ કરાવ્યો.
રાત્રે ૧૧.૦૦ વાગ્યે પૂરેપૂરા પેકીંગ સાથે કલેક્ટર કચેરી પર બધું પહોંચાડવામાં આવ્યું. પૂ.ચૈતન્યભાઈની તબિયત ઠીક ન હોવા છતાં આત્મીય ભાઈ તરીકે અને જવાબદાર વ્યક્તિ તરીકે કલેક્ટર કચેરી સાથે આવ્યા.
આપણા જ એક બહેન પાલનપુરમાં પછાતવર્ગની કન્યાઓનું છાત્રાલય ‘સર્વોદય કન્યા છાત્રાલય’ ચલાવે છે. તો તેઓને માટેની સામગ્રી પહોંચાડવામાં પણ કલેક્ટર કચેરી આણંદના મામલતદાર શ્રી તથા સ્ટાફે મદદ કરી. ખૂબ જવાબદારી પૂર્વક પહોંચાડ્યું. ધન્યવાદ છે આવા સાચા સેવાભાવી સ્ટાફને.
{gallery}images_in_articles/newsletter/2017/July/flood relife work{/gallery}
પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન તથા પ.પૂ.પદુબેને પણ પ્રાર્થનાથી ખૂબ બળ પૂર્યું. પૂ.માયાબેન, પૂ.મનીબેન, પૂ.ડૉ.નીલાબેન નાણાવટી, પૂ.ડૉ.ભાવનાબેન શેઠ, પૂ.ડૉ.મેનકાબેન અને વિભાગીય સંત બહેનોના માર્ગદર્શન હેઠળ નિષ્કામ સેવાનો લાભ લીધો.
સર્વની ર્દષ્ટિ કેવળ ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતા અને અભિપ્રાયની ભક્તિ તરફ હતી.
– જય સ્વામિનારાયણ –