સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૪/૧૭
આજે ૧લી ઍપ્રિલ ! દુનિયાભરમાં પ્રચલિત બીજાને મૂર્ખ બનાવવાનો એક આનંદ માણવાનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજી હંમેશાં
જે બાબતમાં સ્વનું પોષણ હોય, અહંના ભાવો હોય તેવી બાબતને ઉત્તેજન ના આપે. ગુરૂહરિ પપ્પાજીએ આપણને જીવનમંત્ર આપ્યો છે કે, “સામે આવનારને જીવનમુક્ત માની દિવ્યભાવ પકડી રાખી સ્વધર્મેયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણપણું રાખવું, બળ માંગવું. સામે આવનારને જીવનમુક્ત માનનારા ગુરૂહરિ પપ્પાજી તેને મૂર્ખ બનાવવા ના જ દે. આ છે એમની ૧લી તારીખનું પોઝીટીવ જ્ઞાન ! આપણને આપેલો સનાતન બોધ.
{gallery}images_in_articles//newsletter/2017/April/01-04-17 KIRTAN AARDHNA{/gallery}
એવી પ્રસાદીની ૧લી તારીખ, પ્રભુ પ્રાગટ્યદિન ૧લી સપ્ટે., ૧લી જૂન અને સાક્ષાત્કારદિનની સ્મૃતિ સહ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. પોતાના પ્રાર્થનાભાવો ગુરૂહરિ ચરણે ધર્યાં હતાં.
સાંજે રાબેતા મુજબ કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે કરી હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં તરબોળ કર્યાં હતાં.
આજે તો વિશેષ સ્મૃતિનું ૧લી એપ્રિલે આયોજન થયું. તે સ્મૃતિને અહીં માણીએ.
બ્રહ્મજ્યોતિ મોગરીની અનુપમ મિશનની ભૂમિ પ્રત્યક્ષ સ્વરૂપોના ચરણકમળથી પ્રાસાદિત થયેલી ભૂમિ તો છે જ. પરંતુ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બાના સાંનિધ્યે અહીં જ્યોતના ભૂલકાંઓએ આનંદબ્રહ્મની અનેક સ્મૃતિઓ પણ છે. આ ભૂમિ પર ૧૯૯૨માં અનુપમ મિશનનું ભવ્ય મંદિર બનાવવાની વાતનો પ્રારંભ પ.પૂ.સાહેબજી અને ભાઈઓએ કરેલો. અને ખાતમૂહુર્ત ગુરૂહરિ પપ્પાજીએ પ્રથમ ફાળો એક ગૃહસ્થ તરીકે લખાવી દાખડો બેસાડ્યો, સહુને પ્રેરણા આપી હતી. પછી તો તે સર્વે દાન પ.પૂ.સાહેબજીની પ્રેરણાથી ધારી કન્યા કોલેજ કરવામાં વાપરી યોગી ભક્તિ અદા કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2017/April/01-04-17 bramajyoti bhoomi pujan{/gallery}
પરંતુ તે જે સંકલ્પ તે મુજબ અનુપમ મિશન મોગરી બ્રહ્મજ્યોતિ તપોભૂમિમાં નૂતન શિખરબધ્ધ મંદિર નિર્માણ કરવાનો ભક્તોના આગ્રહને વશ થઈ સંત ભગવંત પ.પૂ.સાહેબદાદાએ સંકલ્પ કર્યો તેની ખાતમુર્હૂત વિધિ વડીલ વ્રતધારી સંત ભાઈઓ અને ગુણાતીત જ્યોતનાં વડીલ સંત બહેનોની સંનિધિમાં અક્ષરનિવાસી ડૉ.વી.એસ.પટેલના પ્રાગટ્યદિને આજે વિક્રમ સંવત ૨૦૭૩, ચૈત્ર સુદ પાંચમના શનિવારે સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ હીરક પ્લાઝામાં શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર નવ શિલાન્યાસ સ્થાપન મહાપૂજા વિધિનો કાર્યક્ર્મ ખૂબ ભક્તિસભર ભાવે સંપન્ન થયો હતો.
પ.પૂ.શાંતિભાઈ, પૂ.મનોજભાઈ સોનીએ હિન્દુધર્મની વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરાવીને શિલાનું આરોપણ પાયામાં પધરાવવાનું સુંદર આયોજન શિસ્તબધ્ધ રીતે કરાયું હતું. એક ભવ્ય છતાંય દિવ્ય ભક્તિભાવનો માહોલ શ્રી ઠાકોરજીનું આગમન અને પ્રત્યક્ષ સ્વરૂપો વતી પ.પૂ.સાહેબ, પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેનની હાજરીથી સર્જાયો હતો. આ દર્શન ખરેખર ખૂબ અલૌકિક હતું. આવા શુભ કાર્ય માટે, આશીર્વાદ માટે હે સ્વરૂપો ! આપ દીર્ઘાયુ નિરામય રહો તેવા ઉદ્દગારો ભરી પ્રાર્થના હાજર રહેલા સર્વ મુક્તોના હ્રદયમાંથી સરી પડી હતી. આ દિવ્ય અવસરમાં આમંત્રણ મુજબ જ્યોતમાંથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી અને બહેનો ગયાં હતાં. ભાઈઓમાં પૂ.ઈલેશભાઈ, પૂ.શાહભાઈ અને વ્રતધારી ભાઈઓ, ગૃહસ્થ ભાઈઓએ પધારી ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
(૨) તા.૫/૪/૧૭ શ્રીહરિજયંતિ (રામનવમી)
આજે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૬મી જન્મ જયંતી છે. જ્યોતમાં મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા.
આપણે ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ. મહારાજ પ્રગટ્યા ત્યારે (માનવદેહમાં હતા ત્યારે) તેમને જેવા છે તેવા નહોતા ઓળખ્યા. આચાર્ય જેવા માનતા’તા. એવા સંતો આવ્યા. એમના સમાગમથી જેવા છે તેવા મહારાજને ઓળખી શકીએ. મહારાજ પોતે મળ્યા અને ઓળખાવનાર સંતો આપ્યા. એટલે ભાગ્યશાળી છીએ.
પ્રાસંગિક લાભ પૂ.ડૉ.વિણાબેને આપ્યો. અને પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા. પ.પૂ.દીદીએ મહારાજના પ્રાગટ્યથી માંડીને ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યથી માંડીને એમને આપેલું જ્ઞાન અને દુર્લભમાં દુર્લભ આ જોગ આપ્યો. તેના મહિમાનું ગાન કરી સહુને ધન્ય કર્યા હતા.
{gallery}images_in_articles//newsletter/2017/April/05-04-17 SHREE HARI JAYANTEE{/gallery}
શ્રી હરિ જયંતિ નિમિત્તે રાત્રિ સભા ૮.૩૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની સભા અને તે સમયે જ ભાઈઓની સભા પ્રભુકૃપામાં કીર્તન–ભજન સાથે થઈ હતી. પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.જશુબેન ગુણાતીત દ્બિશતાબ્દી વખતની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની વાત કરી હતી કે, ગુરૂહરિ પપ્પાજી આવડા મોટા સત્પુરૂષ છે, છતાંય તેઓને સંબંધનું માહાત્મ્ય. સંબંધવાળાનાં દર્શન સેવાનું માહાત્મ્ય કેવું છે. તે આ પ્રસંગથી ખ્યાલ આવે છે.
ગાંધીનગર ગુણાતીત દ્વિશતાબ્દીએ પ્રદર્શન BAPS સંસ્થા દ્વારા બનાવ્યું હતું. તેના દર્શને આપણે બધા ગયા હતા. ગુરૂહરિ પપ્પાજી પણ પધારવાના હતા. તેથી મેં પપ્પાજીને પૂછ્યું કે, પપ્પાજી આપે કેમ જવું છે ? તો કહે, “જોગીમહારાજનાં દર્શન કરવા જઉં છું. જોગીમહારાજના, શ્રીજી મહારાજના સંબંધવાળા ભક્તોનાં દર્શન કરવાનો મને આનંદ છે. પછી એ સોખડા હોય ! સાંકરદા હોય ! દિલ્હી કે પવઈ હોય ! વડતાલ કે કોઈપણ સંસ્થા હોય.” પણ સંબંધવાળા મુક્તોનાં દર્શન અને સેવા એ જ ગુરૂહરિ પપ્પાજીનું જીવન છે ! જીવનમંત્ર છે. “સંબંધવાળામાં મહારાજ જુઓ.” સંબંધે સ્વરૂપ માનો” એ સૂત્ર પ્રમાણે પોતે માને છે, માની વર્તે છે. એવા ગુરૂહરિ પપ્પાજીની પ્રત્યક્ષ દર્શન સ્મૃતિ છે, તેને યાદ કર્યા કરો. પળેપળનું ગુરૂહરિ પપ્પાજીનું અદ્દભૂત જીવન છે.
પૂ.ડૉ.નિલમબેને શ્રી હરિ જયંતી નિમિત્તે છપૈયાની જન્મભૂમિની શાશ્વતયાત્રા વખતની સ્મૃતિ કરાવી શ્રીજી મહિમાગાન કર્યું હતું. પ્રાગટ્યસ્થાનની સ્મૃતિ મહિમા અને
સ્વઅનુભૂતિ દ્વારા કહીને થોડી ક્ષણો માટે સહુને છપૈયાની ભૂમિ પર યાત્રાએ જાણે લઈ ગયાં ના હોય ! તેવી પ્રેકટિકલ સ્મૃતિ સાથે શ્રી હરિ જયંતીએ સહુને ધન્ય કર્યાં હતાં.
(૩) તા.૭/૪/૧૭ જ્યોત પપ્પાજી હૉલમાં સભા
જ્યોત પપ્પાજી હૉલમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ મંગલ દર્શનની સભા થાય છે. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ અને ત્યારબાદ રોજ જુદાં જુદાં સ્વરૂપો આશીર્વાદ આપતા હોય છે. તેમાં પૂ.હંસાબેન ગુણાતીતે કરેલી એક ર્દષ્ટાંત કથાને અહીં માણીએ.
એક શિષ્ય ગુરૂ પાસે આવ્યો કે મારે તમારા ચરણોમાં રહેવું છે. ગુરૂ કહે, કાલે આવજે. ગુરૂએ એમના આશ્રમના એક કચરો કાઢવાવાળાને શીખવાડી રાખેલું કે, કાલે સવારે એક ભાઈ આવવાના છે, તેના પર કચરો નાખજે. સવારના પેલો શિષ્ય નાહી–ધોઈને ગુરૂ પાસે આવ્યો. ત્યાં તો દરવાજામાં જ એના પર કચરો નાખ્યો. એ તો ગુસ્સે થઈ ગયો ને પાછો નાહીને ગુરૂ પાસે આવ્યો. ગુરૂ કહે, કાલે આવજે. પાછો બીજે દિવસે નાહી ધોઈને આવ્યો. ગુરૂએ શીખવાડી રાખેલું કે, આજે વધારે કચરો નાખજે. પેલો તો પાછો ગુસ્સે થયો ને ગુરૂ પાસે ગયો. ગુરૂ કહે, કાલે પાછો આવજે. ગુરૂ એની પાછળ ભજન કરતા હોય છે. એટલે પછી શિષ્યને અંતર્દષ્ટિ થઈ.
ત્રીજે દિવસે પાછો નાહી પરવારીને આવ્યો. તે દિવસે સવારથી શીખવાડી રાખેલું કે આજે આવે તો કાદવ–કીચડ નાંખજે. પેલો શિષ્ય તો ભજન કરતો કરતો આવતો’તો. કંઈ જ બોલ્યો નહીં. પાછો નાહીને શાંતિથી ગુરૂ પાસે આવ્યો. ગુરૂ કહે આજે તને મારા શિષ્ય તરીકે સ્વીકારીશ. આપણે નાપાસ થતા જઈએ તેમ ભજનની તીવ્રતા વધતી જાય છે. ભગવાન એમની આધ્યાત્મિક સોગઠાબાજી રમતા હોય છે, એનો આપણને ખ્યાલ આવી જાય તો ભગવાનની પરીક્ષામાં પાસ થઈ જઈએ. એવા સર્વોપરી પ્રભુના હાથમાં આપણે આવ્યા છીએ. આપણે તો એમની ચરણરજ છીએ. આપણે ગુરૂહરિ પપ્પાજીના થઈને જીવવું છે. એ સર્વોપરી પરબ્રહ્મ તત્ત્વને આપણામાં પ્રગટાવવું છે. એટલે કથાના શબ્દોને વાગોળવા છે. જે કંઈ કરીએ એમાં આપણે નિશાન ના ચૂકીએ. ગુરૂહરિ પપ્પાજી વ્યાપકમાં છે એને પામવા છે.
એક બકરીનું બચ્ચું હતું. એના ટોળામાંથી છૂટું પડી ગયું. સાંજનો સમય હતો. અંધારૂં થવા આવ્યું હતું. તે ગભરાઈ ગયું હવે કઈ બાજુ જવું ? ત્યાં એણે સિંહનાં પગલાં જોયાં. એ પગલામાં બેસી ગયું. ત્યાં જંગલી પશુઓ આવ્યા અને બચ્ચાને કહે તને ખાઈ જઉં. બચ્ચાએ કહ્યું, હું તો સિંહનો શિકાર છું તેના પગલાંમાં બેઠું છું. એટલે કોઈએ કાંઈ ના કર્યું. રાત પડી, સિંહ આવ્યો. અને કહે, તને ખાઉં. બકરીનું બચ્ચું કહે, બધા પશુ મને ખાવા આવ્યા હતા. મેં કહ્યું, હું તો સિંહના પગલામાં છું. મારે તો તમારો આશરો છે. હવે જેમ કરવું હોય તેમ કરો. સિંહ તો ખુશ થઈ ગયો. એને ઉંચકીને લઈ ગયો. કૂણું કૂણું ઘાસ ખવડાવ્યું અને તેને તેના ટોળામાં તેના રસ્તે મૂકી આવ્યો.
એમ આપણે ભગવાન અને સંતના ચરણોમાં બેઠા છીએ. આવા સ્વરૂપોની છત્રછાયા છે. આવો ઉત્તમ જોગ મળ્યો છે. હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! તમે એવી કૃપા કરજો. અમે બકરીના બચ્ચાની જેમ તમારો જ આશરો રાખીએ. અને તમારૂં કાર્ય તમારી રીતે કરીએ એવું કરી આપજો. એ જ તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.
(૪) તા.૧૫/૪/૧૭ ગુરૂહરિપપ્પાજી ભારત આગમન દિન
સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સભા થઈ હતી. તેમાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, આજે બહુ ભવ્ય દિવસ છે. ગુરૂહરિ પપ્પાજી આફ્રિકાથી ભારત પધાર્યા અને બહેનો માટે એકાંતિક ધર્મ સિધ્ધ કરવાનો પાયો નંખાયો.
ગુરૂહરિ પપ્પાજીએ આપણા અંતરમાં સ્થાન લીધું છે. મારું બધું એ જુએ છે, જાણે છે. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં જે વિચારું છું તે એમને પહોંચે છે. ગુરૂહરિ પપ્પાજીને શું ગમે છે ? એ જ મારાથી કરાય.
ગુરૂહરિ પપ્પાજીને એક વખત એક મુક્તે પૂછ્યું કે, પપ્પાજી ! તમને જોગીમહારાજ કહે, બહેનો માટે કંઈ માગો તે તમે શું માગો ? ગુરૂહરિ પપ્પાજી કહે, ‘વફાદારી’. Only one thing is require – Sinciarity. તેના ઉપર એક વાર્તા કરી હતી. તે અહીં જોઈએ.
એક સત્સંગી કુટુંબ હતું. તે શ્રીજી મહારાજને બહુ માને. કુટુંબમાં મા–બાપ ને એક ભાઈ–બેન હતાં. એમાંથી મા–બાપ ધામમાં ગયાં. બેને મહેનત કરીને ભાઈને આફ્રિકા કમાવા મોકલ્યો. આ દુનિયામાં પૈસો હશે તો બધું મળશે, એવું બેનને હતું. પછી પાંચ વર્ષે બહુ કમાઈને ભાઈ પાછો આવ્યો. કુટુંબની દરિદ્રતા ટાળવાની ભાવના હતી. બેને ભાઈને સરસ જમાડ્યો. ભાઈએ પ્રેમથી બધી વાતો કરી. બહુ પૈસા જોઈને બેનને વિચાર આવ્યો કે, ભાઈ આટલું બધું કમાઈને લઈ આવ્યો છે ? એમાંથી મને કેટલું મળશે? બહુ તો મળવાનું નથી. મારે પૈસાની બહુ જરૂર છે. પ્રેમ હતો તેમાં સ્વાર્થ ભળ્યો કે આ બધું મારું થઈ જાય તો? હું શું કરૂં ?
આજે રાતે જ ભાઈને પતાવી દઈએ. ભાઈ તો શાંતિથી સૂઈ ગયો. બેને પોતાના ધણીને વાત કરી કે, આપણે તો ગરીબ છીએ. પૈસાની જરૂર તો છે જ. તો આજે રાતે ભાઈને પતાવી દઈએ તો બધો પૈસો આપણો થઈ જાય. ધણી તો ગભરાઈ ગયો. આ તું શું કહે છે ? તારો સગો ભાઈ છે અને આપણે સ્વામિનારાયણના સત્સંગી છીએ. આપણાથી આવું પાપ ના કરાય. તું માંગીશ તો ભાઈ તને આપશે. બેન કહે, તમારાથી ના થાય તો હું પતાવી દઈશ. અને બેને તો બધું પતાવી દીધું. અને આંગણામાં ખાડો કરી દાટી દીધો. સત્સંગીની દિકરી હતી, થોડી ગભરાઈ ગઈ. પાપ તો કર્યું, હવે શું કરૂં ?
પ્રાયશ્ર્ચિત તો કરવું છે તો આ પૈસામાંથી ત્રણ દિવસ મંદિરમાં ઠાકોરજીનો થાળ કરાવીશ. પાપ તો ધોવાઈ જશે. પૂજારીએ ઠાકોરજીને થાળ ધરાવ્યો. તો ઠાકોરજીએ ધક્કો મારીને થાળ પછાડી નાંખ્યો. ત્રણે દિવસ એવું જ થયું. ત્યાં મંદિરમાં ત્યાગી બહેનો રહેતાં’તાં. તેમાં એક બેનના સ્વપ્નમાં મહારાજે કહ્યું. હું ત્રણ દિવસથી ભૂખ્યો છું. મને સાંજે ભાખરી ને શાક બનાવી જમાડો. બેન કહે, મહારાજ તમે થાળ નથી જમતા ? મહારાજ કહે, હું આસુરી ભોજન નથી જમતો. કેમ મહારાજ ! એવું ભોજન છે ? એ બેન તો વિચારમાં પડી ગયા. પાછું મહારાજે સ્વપ્નમાં આવીને પેલા બેનની આખી વાત કરી. પેલા ભાઈના બેન તો રોજ જ મંદિરે આવતા, એટલે જોયેલાં. આ મંદિરમાં બેનને વિચાર આવ્યો કે જો આ સાચું હોય તો એ બેનને મંદિરમાં હું જ્યારે જઉં ત્યારે મારી સામે મોકલજો. અને એવું જ બન્યું. સાચી વાતનો તાળો મળી ગયો. અને પછી તો પેલા બેનને પણ બહુ પરિતાપ થયો.
આપણા ભગવાનને શું ગમે છે ? વફાદારી. આપણે જોયા ને જાણ્યા વગર કોઈનું ઘસાતું બોલીએ છીએ તો આપણે વફાદારી ગુમાવી કહેવાય. આપણે ભગવાનના છીએ. એકાંતિક ધર્મ સિધ્ધ કરવા આવ્યા છીએ. એને માટે આવું સ્થાન, આવો જોગ કૃપામાં ભગવાને જ આપ્યો છે. અને ગુરૂહરિ પપ્પાજી જેવા સત્પુરૂષના જોગમાં મૂક્યા! એમણે આપણને પોતાના ગણ્યા ! જોગી મહારાજનું કાર્ય જોગીમહારાજની રીતે કર્યું. પોતે વફાદારી રાખીને જીવ્યા છે. આપણે પણ એવી રીતે જીવવું છે.
હે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ! અમને એકાંતિક ધર્મની સિધ્ધિ માટે ગુરૂહરિ પપ્પાજીની ભેટ આપી તેનો આભાર. એ કાર્યમાં તમે અમને સફળતા અપાવો એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.
આમ, શ્રી હરિ જયંતીનો ઉત્સવ લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિ સભર પસાર થયું હતું. અનંત જીવોને પોતાના સંબંધ માટે માયા પાર કરી દિવ્ય સુખના ભોક્તા કર્યા અને પોતાના જેવા જ ગુણાતીત સ્વરૂપોનો અખંડિત વારસો આપી અક્ષરધામનાં સુખ, શાંતિ ને આનંદ આપ્યાં. એવા મહાપ્રભુના ચરણે પ્રાર્થના કે હે સહજાનંદજી મહારાજ ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! તમારી કૃપાનો કોઈ પાર આવે તેમ નથી. અમારું કાંઈ જ જોયા વિના આપે અમને આપના સંબંધમાં આપ્યાં. બસ, હવે અમે પણ કાંઈ જ જોયા વિના તમારા આ દિવ્ય સંબંધને જાળવીએ, દીપાવીએ, સાર્થક કરીએ, ઉજાળીએ અને આપને જ કર્તા–હર્તા માની આપનું ઋણ અદા કરવા આપના થઈ, આપના સિધ્ધાંતે ખૂબ જાગ્રતતાથી જીવતા જ રહીએ…જીવતા જ રહીએ એ જ આજના શુભ દિને આપના ચરણ કમળમાં અમ સહુની અંતરની પ્રાર્થના છે, તે આપ સ્વીકારજો.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !