Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

11 Nov 2010 – Diwali Newsletter

સ્વામિશ્રીજી તાઃ ૧૧/૧૧/૧૦
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,
દિવાળી તથા નૂતન વર્ષના પ્રભુકૃપા તથા ગુણાતીત જ્યોતના સ્વરૂપો અને મુક્તો વતી જય સ્વામિનારાયણ !
નવેમ્બર મહિનાની શરૂઆત દિપોત્સવીના તહેવારોથી થઇ. તેની ઉજવણીની સ્મૃતિ અહીં માણીએ…
(૧) તા.૧/૧૧/૧૦ સોમવાર
રાબેતા મુજબ ૧લીની સાંજે કીર્તન આરાધના થઇ. તેમાં વિશેષ નવા વર્ષના સં.૨૦૬૭ ના વર્ષના કેલેન્ડરનું ઉદ્દઘાટન પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે થયું હતું. કેલેન્ડર ઘડિયાળનું છે. તેમાં પળેપળ પપ્પાજીની મૂર્તિ અને સ્મૃતિ સમાયેલી છે.
(૨) તા.૧/૧૧ ના સવારે પ્રભુકૃપા મકાનની બાજુનું અશોકવાટિકા મકાનનું રિનોવેશન થયા બાદ સવારે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના હસ્તે ઉદ્દઘાટન થયું અને ‘કમલપુષ્પ’ નામાભિધાન થયું. પ.પૂ.મમ્મીજીની સ્મૃતિરૂપે ‘કમલપુષ્પ’ નામ પ.પૂ.દીદીએ આપ્યું છે.
{gallery}/images_in_articles/newsletter/diwali 10/01.11.2010 morning/{/gallery}
(૩) તા.૩/૧૧/૧૦ થી તા.૭/૧૧/૧૦ સુધી દિપોત્સવીના કાર્યક્ર્મ મુજબ ઉજવણી થઇ હતી. તે આનંદને આપણે અહીં માણીએ. સહુ પ્રથમ તો સુશોભનનું દર્શન કરીએ.
‘પ્રભુકૃપા મંદિર’ને બહારથી રંગબેરંગી લાઈટની સીરીઝ (તોરણો) થી સુશોભિત કર્યું હતું. તેમાં વળી, ઉપર તિલક અને ચાંદલો કર્યો હતો. પીળી લાઈટથી તિલક અને વચ્ચે લાલ ચાંદલો લાઈટથી બનાવ્યો હતો. જાણે પ્રભુકૃપા મકાન જીવંત છે. અને પોતે ભાલમાં તિલક ચાંદલો કરીને સત્કારે છે…કે “આવો ભક્તો ! પધારો ! અંદર…પપ્પાજી ! બિરાજમાન છે”. દૂરથી જ હૉલમાં બિરાજમાન પ.પૂ.પપ્પાજીનાં દર્શન થાય છે ! એ દર્શન તો પપ્પાજી માર્ગ પર પસાર થનારને પણ રોજ જ થાય છે. બે ઘડી થંભીને નમન કરે છે. કોઇ રોડ પર જ ચંપલ ઉતારી પ્રાર્થના કરીને આગળ જાય છે, તો ગાડીવાળા ગાડી થંભાવી પ્રાર્થના-દર્શન કરે છે. જો કે આ તો દરરોજના દર્શનની વાત લખી….આપણે તો દિવાળીની વાત કરીએ છીએ.
અહીં ગુજરાતમાં તા.૧/૧૧ થી દિવાળી વેકેશન પડી ગયું હતું. તા.૨/૧૧ થી દિવાળી કરવા ભક્તો પધારવા લાગ્યા. પ્રભુકૃપામાં હૉલમાં ઠાકોરજી તથા ગુરૂહરિ પપ્પાજી સમક્ષ આ વખતે વિશેષ ડેકોરેશન હતું. ભાઇઓએ (ભક્તોએ) જાતે રાતે જાગીને સુંદર મોટો દીપ બનાવેલ. તેમાં કોડિયામાં ‘૯૫’ મો પ્રાગટ્યપર્વ ચાલે છે તેની સ્મૃતિરૂપે (પરાભક્તિપર્વની સ્મૃતિ) લખેલું. તથા મોટી ફ્લેમ પીળી લાઇટની સીરીઝથી બનાવેલી. તેના મધ્યમાંથી પપ્પાજીનાં દર્શન થતાં હતાં. વળી, ઉપર મંદિરમાં ઠાકોરજીના અને શિખરની લાઇટો પણ ઝગમગતી હતી. તેમાં પપ્પાજીના મસ્તક પાછળનું જુદી જુદી લાઇટથી ફરી રહેલું ચક્ર જાણે ભક્તોનું ધ્યાન ખેંચતું હતું. જેવી રીતે આપણે પહેલા પ.પૂ.પપ્પાજી પાસે આવતા તો લોહચુંબક્ની જેમ આપણે જાણે ખેંચાઇ રહેતાં. ત્યાંથી ખસવાનું મન જ ના થાય તેવું થતું તથા ફોટો પડાવી લેવાનું મન થતું. તેવું જ આજે પણ અનુભવાતું હતું. પપ્પાજીની મૂર્તિની ડાબી બાજુએ પલંગમાં પપ્પાજીની ભક્તિ ઉત્સવની મૂર્તિ છે. પલંગમાં ચરણાર્વિંદ લંબાવી બિરાજમાન છે તે દર્શન થાય છે. તે મૂર્તિની પાછળ દોરેલા અનંત દિવડાનો પડદો હતો. તથા નીચે ‘જય સ્વામિનારાયણ’ ગૂંથેલો કુંભ હતો.
 
અહીંથી અંદર પપ્પાજીની રૂમમાં તથા સભાખંડ (વરંડામાં) પણ લાઈટની સીરીઝથી અને નિત નવાં દર્શન ફ્રેશ ફ્લાવરમાં કાચની ફ્રેમમાં રંગોળી અને વર્તમાન પર્વદિન મુજબનું લખાણ લખીને બહેનો દર્શન અને પ્રાર્થના સ્મૃતિમાં અભિવૃધ્ધિ કરાવે છે. આવા પ્રભુકૃપામાં દરરોજ મંગલપ્રભાતે ભાઇઓનું સંઘધ્યાન અને રાત્રિ સભા નિયમિત પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે થાય છે. પરંતુ સમૈયાના દિવસોએ જ્યોતના હૉલમાં સભા હોય છે. પણ પ્રભુકૃપા તો દર્શનાર્થે ખુલ્લું જ હોય છે.
તો હવે આપણે જ્યોત-પપ્પાજી હૉલનું સુશોભન પણ માણે લઇએ. પૂ.ગણેશભાઇ ‘ગણેશ મંડપ સર્વિસ’ ધ્વારા જ્યોતના પ્રાંગણમાં અને અન્ય જગ્યાએ લાઈટ તથા સુશોભિત મંડપથી જાણે દિવાળીનું આગમન થયાનું અનુભવાતું હતું. તેમાં સભાખંડના સ્ટેજ પર બહેનોએ નિત નવા સુશોભનથી દર્શનના ભક્તિભાવમાં વૃધ્ધિ કરાવી હતી.
સમૈયાની ઉજવણીના કાર્યક્ર્મ થયા. સભાઓ થઇ તેની સ્મૃતિ હવે માણીએ.
(૧) તા.૩/૧૧/૧૦ બુધવાર પ.પૂ.તારાબેનનો ૮૦ મો પ્રાગટ્યપર્વ
તા.૩/૧૧/૧૦ બુધવાર ના રોજ પ.પૂ.તારાબેનનો ૮૦ મો પ્રાગટ્ય પર્વની ઉજવણી સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ ની સભામાં થઇ હતી. વિશિષ્ટ સ્વાગતથી પ્રારંભ થયો અને સભા થઇ તેમાં ખૂબ જૂના ઇતિહાસની સ્મૃતિની વાતો થઇ. પ.પૂ.તારાબેનનું જીવન દર્શન તથા પ.પૂ.તારાબેનની સામર્થીનું દર્શન સાધકોના અનુભવ પ્રસંગની વાતમાં થયું. પ.પૂ.તારાબેને પ્રભુ ભજવાની પહેલ કરી. તેમણે પ્રાર્થનાથી હાક મારી અને પોકાર પહોંચ્યો દરિયાપાર આફ્રિકા ખંડે. પ.પૂ.પપ્પાજીના કાને ! યોગીબાપાનું આસન ડોલ્યું અને બોલાવ્યા પપ્પાજીને દરિયાની આ પાર ! જેમાં નિમિત્ત લૌકિક જ હોય. પણ “પ્લાન આ તો પૂરવના” પોતે કાંટા કાંકરામાં ચાલીને પ.પૂ.તારાબેને ભગવાન ભજવાનો માર્ગ બહેનો માટેનો સરસ જ કરી દીધો. પ.પૂ.તારાબેનના જીવન પ્રસંગોની ઘણી વાતો થઇ. જે અહીં આલેખવી શક્ય નથી. ૮૦મો પ્રાગટ્ય પર્વ તેથી પપ્પાજીના ભક્તિ ઉત્સવની સ્મૃતિ થઇ આવી. આજ દિવસે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ ગૃહસ્થ બહેનોની સભા જ્યોત મંદિરમાં થઇ હતી. ભાઇઓની સભા ‘પરમ પ્રકાશ’ માં થઇ હતી.
રાત્રે ૯.૦૦ થી ૧૦.૩૦ ધનપૂજાની મહાપૂજા બહેનોએ કરી. ગુરૂહરિ પપ્પાજીના અનોખા અદ્દભુત સિધ્ધાંત મુજબનો આ મહાપૂજાનો સંકલ્પ પ.પૂ.દીદીએ કરાવ્યો હતો. તથા આશીર્વાદ પ.પૂ.દેવીબેન અને મોટેરાં સ્વરૂપોએ આપ્યા હતા. જેમાં ગુરૂહરિ પપ્પાજીની લક્ષ્મીની બાબતે શરૂઆતથી વફાદારી અને ચોક્કસાઇ, ચીવટાઇના ઉદાહરણ પ્રસંગોની વાતો સાંભળી સહુએ ધન્યતા અનુભવી હતી.
(૨) તા.૪/૧૧/૧૦ ગુરૂવાર, અક્ષર ચૌદશ
દિવાળીના તહેવારોની સાથે સાથે શિબિરનું આયોજન પણ રાખ્યું હતું. આજે સવારે સંઘધ્યાન વખતે શિબિર ઉદ્દઘાટન થયું. સવારે અને સાંજે એમ બે શિબિર સભા ખૂબ જ સરસ થઇ હતી. પપ્પાજી હૉલમાં ભાઇઓ અને ભાભીઓની શિબિર થઇ. ‘ઘર અને દેહને મંદિર બનાવો’ એ પપ્પાજીના સૂત્રને વિષય તરીકે રાખેલ હતો. અને તે વિષય ઉપર લેખ ઇ.સ.૧૯૮૫માં (ગુણાતીત વર્તન શિબિર) પ.પૂ.દીદીએ લખેલો હતો તે લેખમાંથી વક્તાઓની (મોટેરા બહેનો – મોટેરાં ભાઇઓની) વારી ગોઠવી હતી. બધા વક્તાઓએ દ્રષ્ટાંતો સાથે ખૂબ સરસ લાભ આપ્યો હતો. પધારેલ મુમુક્ષુ શ્રોતાનું જાણે ભાથું બંધાઇ ગયું હતું. ખૂબ રાજી થયા હતા.
સાંજે ૫.૩૦ થી ૬.૩૦ માં જ્યોત મંદિરમાં પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે પૂ.લાભુબેન જમનભાઇ રાંછ (રાજકોટના હરિભક્ત) ની જીવચર્યાની મહાપૂજા તેમની દીકરી નયનાબેને કરાવી હતી.
રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ સાંસ્કૃતિક કાર્યક્ર્મ થયો. જેમાં અમદાવાદ મંડળના મુક્તો ધ્વારા “સંત પરમ હિતકારી” કાર્યક્ર્મ યુવકોએ રજૂ કર્યો હતો. ખૂબ સરસ આયોજન થયું. જાણે ૨૨૫ વર્ષ પહેલાના યુગમાં થોડીવાર માટે ભૂતકાળમાં બધા જતા રહ્યા હોય તેવું અનુભવાયું હતું. કાર્યક્રમમાં છેલ્લે સુરત મંડળ ધ્વારા “પપ્પા પપ્પા…પ્યારા પપ્પા” ભજન સાથે અભિનય (સમૂહ નૃત્ય) પરમહંસ ગ્રુપના યુવકોએ કર્યું હતું. જેમાં પપ્પાજીના ૯૫મા પ્રાગટ્યપર્વ ઉર્ફે પરાભક્તિ પર્વના જયનાદ સાથે કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. બધા સ્વરૂપો મુક્તો ખૂબ રાજી થયા હતા. પૂ.દિલિપભાઇ ભોજાણીએ કલાકાર મુક્તોને તેમજ કાર્યક્ર્મ કરાવનાર સ્વરૂપોને આફુરડા અભિનંદન પાઠવ્યા હતા.
 
(૩) તા.૫/૧૧/૧૦ શુક્ર્વાર, દિવાળી
આજે સવાર-સાંજનો ભાઇઓનો-બહેનોનો કાર્યક્ર્મ અલગ અલગ તથા પપ્પાજી તીર્થ પરનો હતો. સવારે ભાઇઓ પપ્પાજી તીર્થ પર સંઘધ્યાન, શાશ્વત ધામ પર પ્રદક્ષિણા તથા આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ હતો. તેઓએ ખૂબ ભક્તિભાવે આનંદ અને પછી બ્રહ્માનંદ કર્યો હતો. સવારે બહેનોએ જ્યોતમાં શિબિર સભા કરી હતી. બપોર પછી ગૃહસ્થ બહેનોનો પપ્પાજી તીર્થ પરનો કાર્યક્રમ હતો. જેમાં પ્રદક્ષિણા, ગરબા અને રમત રમી ભૂલકાંઓએ પણ ધન્યતા અનુભવી હતી. સાંજે ૪.૩૦ થી ૭.૩૦ શારદા પૂજનની મહાપૂજા પપ્પાજી હૉલમાં દર વર્ષની જેમ ખૂબ ભવ્ય રીતે પૂ.દવે સાહેબ, પૂ.ઇલેશભાઇ અને ભાઇઓએ કરી હતી. જેમાં ૬૦ વેપારી ભાઇઓએ યજમાન તરીકે પૂજાનો લાભ લીધો હતો.
(૪) તા.૬/૧૧/૧૦ શનિવાર
આજે તો દિવાળી અને નૂતનવર્ષની વચ્ચેનો દિવસ હતો. પરંતુ ખાલી દિવસ તો આજે ભર્યો ભર્યો થઇ ગયો હતો. સહુથી વિશેષ કાર્યક્ર્મો આજે થયા હતા.
૧. પરાભક્તિ મહાપૂજા
ગુરૂહરિ પપ્પાજીના ૯૫મા પ્રાગટ્યપર્વ નિમિત્તે ૯૫ દંપતિની સમૂહ મહાપૂજા સફેદ વિશેષ યુનિફોર્મમાં થઇ હતી. મહાપૂજા વિધિ પૂ.દવે સાહેબ અને ભાઇઓએ કરાવી હતી. યજ્ઞની રીતની આ વિશેષ મહાપૂજામાં પ્રાર્થનાની સાથે પ્રભુને ના ગમે તેવા અહંના ભાવોરૂપી દોષની આહુતિ પણ અપાવી હતી. તથા થાળ પણ એવી જ આંતરિક આઇટમોનો થાળ પીરસાણો હતો. આમ, ધાર્મિક ઉપરાંત આધ્યાત્મિક રીતે મહાપૂજા થઇ હતી. ઓહોહો ! પૃથ્વી પર જાણે અક્ષરધામ ખડું થયુ હતું.
૨. મહાપૂજા પૂરી થાય તે પહેલાં તો જ્યોત મંદિરમાં તથા પ્રભુકૃપા મંદિરમાં ઠાકોરજી સમક્ષ તથા ગુરૂહરિ પપ્પાજી સમક્ષ અન્નકૂટ ગોઠવાઇ ગયો હતો. બહેનોએ પ્રભુકૃપાના અન્નકૂટનાં દર્શન કરી પછી મંદિરમાં અન્નકૂટનાં દર્શન કરીને પછી પ્રભુકૃપામાં થાળ આરતી કર્યાં હતા. આમ, અન્નકૂટ ઉત્સવ બાદ બધા મુક્તોએ મહાપ્રસાદ લીધો હતો. અન્નકૂટ પ્રસાદ વિતરણ માટેનાં બોક્ષ અને પેકેટ બહેનો તૈયાર કરે અને પછી જ્યોતશાખાના બહેનો અને પ્રકાશભાઇઓ ધ્વારા અલ્પ સંબંધવાળા મુક્તોને ઘરે ઘરે પ્રસાદનો કણ પહોંચે તે રીતે આ સંતમુક્તો ફરી વળે ! પ્રસાદ સાથે નવા વર્ષનુ કેલેન્ડર પણ આપી ધન્ય કરે, ધન્યતા અનુભવે !
૩. સાંજે ભાઇબીજ નિમિત્તેની સભા રાખી લીધી હતી. પ્રથમ દિવ્ય બહેનોનો થાળ જમી પછી પોતાના બહેનોને ત્યાં ભાઇઓ કુટુંબ સાથે જઇ શકે તે હેતુસર ઉજવણી અગાઉ કરી લેવાની
રાખીએ છીએ. ભાઇબીજની સભા પણ ખૂબ સરસ થઇ હતી. અને સભાની પૂર્ણાહુતિ પહેલાં સાંજે ૭.૦૦ થી ૮.૦૦ માં વિડિયો દર્શન સ્ક્રીન પર કરાવ્યું હતું. જેમાં ગુરૂહરિ પપ્પાજીના આ દિપોત્સવી નિમિત્તેના પર્વમાં આપેલા આશીર્વાદનાં પ્રત્યક્ષ દર્શન સાથે પરાવાણીનો લાભ લીધો હતો. તથા પ.પૂ.તારાબેનના ૮૦મા પ્રાગટ્યદિન નિમિત્તે D.V.D બહાર પાડી તેમાંથી ઝલક દર્શન માણ્યું હતું.
૪. સોનામાં સુગંધ ભળે તેમ આ દિવાળી કરવા પૂ.દિલિપભાઇ ભોજાણી અને પૂ.અરૂણાબેન પધાર્યાં હતાં. બધી જ સભામાં હાજર રહી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે ખૂબ લાભ આપ્યો હતો.
(૫) તા.૭/૧૧/૧૦ રવિવાર, નૂતનવર્ષ
આજે સવાર વહેલું પડ્યું. ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન દર નૂતનવર્ષે વહેલી સવારે થતાં. આજે પણ ૪.૩૦ થી ૫.૩૦ સુધી પ્રભુકૃપામાં બહેનો દર્શને જઇ, પ્રાર્થના કરી, પ્રસાદ લઇ ધન્ય થયાં.
ત્યારબાદ બહેનોએ જ્યોત મંદિરમાં પાટોત્સવ નિમિત્તે પૂજન-આરતી કર્યાં હતાં. અને સંઘધ્યાન અને મિલનસભા વર્ષોથી નૂતનવર્ષે સવારે ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે થતાં, તેવી જ રીતે સવારે ૬.૦૦ થી ૮.૦૦ પપ્પાજીહૉલમાં સંઘધ્યાન અને નૂતનવર્ષના આશીર્વાદ ધ્વનિમુદ્રિત પપ્પાજી તથા મોટેરાં સ્વરૂપોના લઇને મુક્તોએ ધન્યતા સાથે વિદાય લીધી હતી. આજે તો સવારના પહોરમાં જ “જય સ્વામિનારાયણ” એકમેકને કર્યા ! જેમાં હજારો મંત્રનો જાપ આપમેળે થઇ ગયો હતો.
 
આ પાંચ દિવસ દરમ્યાન શિબિર, સમૈયાના કાર્યક્રમ મહાપૂજા વગેરે વિધવિધ કાર્યક્ર્મ થયા ! તેમાં સમય પાંચ કલાક જેટલો થઇ જતો. કારણ ગુરૂહરિ પપ્પાજી અખંડ નિવાસ કરીને રહ્યા હતા. સામુદાયિક રીતે સર્વે મુક્તો પ.પૂ.પપ્પાજીની દિવ્ય હાજરીની અનુભૂતિ માણતા હતા. ‘નવા વર્ષનો પ્રારંભ થાય તેવું વર્ષ જાય’ એ માન્યતા મુજબ તથા જો કે પપ્પાજીના શબ્દોમાં તો “આપણે નિત નવું વર્ષ” એ પોઝીટીવ વલણ મુજબ ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં સર્વે મુક્તો માટે પ્રાર્થના ધરી છે કે ‘હે પ્રભુ ! આપ અખંડ સાથે રહેજો, રક્ષા કરજો, તન, મન, ધન અને આત્માથી પ્રગતિ (વૃધ્ધિ) કરાવજો. ધનની ખેંચ ના રહે, તનમાં તકલીફ ના રહે, મનમાં તણાવ ના રહે, આત્મમાં વિક્ષેપ ના પહોંચે. તેવું નવું વર્ષ સર્વ વાતે આપના સર્વ સંબંધવાળા મુક્તો માટે સર્વાંગી સુલભ નીવડે તેવી પ્રાર્થના ધરી છે’ તો હે મુક્તો ! રાજી રહેજો, નિશ્ચિંત રહેજો. હા, આશરાની છત્રછાયામાં ફર્યા કરજો, પ.પૂ.પપ્પાજીને સંભારતા રહેજો.તો તરત બધું બધી રીતે સારું થતું જ રહેશે, તેની ખાત્રી છે. વિશેષમાં,
(૧) પ.પૂ.જ્યોતિબેન જ્યોતમાં દિવાળી કરીને તા.૬/૧૧ ના રોજ બપોરે સૂરત થઇ મુંબઇ પધાર્યાં ! તા.૭/૧૧ ના બપોરે અન્નકૂટ ઉત્સવ કરીને પ.પૂ.જ્યોતિબેને મુંબઇ મંડળના મુક્તો વિદ્યાનગર પધારી નહોતા શક્યા તેઓને પણ ધન્ય કર્યા હતા.પૂ.વિમળાબેન મોદીની સમર્પણ ભાવના અને સ્થિતિ મુજબ “ઘેર બેઠા ગંગા” વહાવી હતી. સભા સમૈયા કરી સહુને ખૂબ લાભ આપી રહ્યાં છે.
(૨) પ.પૂ.બેનની તબિયત પણ પ્રમાણમાં ઘણી સારી રહી હતી. અને દિવાળીની દરેક સભામાં ઝલક દર્શન લાભ આપવા અચૂક પધાર્યા હતાં. પધારેલ દરેક મુક્તોને દર્શન-આશિષનો લાભ મળ્યો હતો. આમ, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોની તબિયત સરસ રહી હતી. તથા બધા જ મુક્તોએ સેવા સમૈયાનો લાભ લૂંટી બ્રહ્માનંદ માણ્યો હતો.
ફરીથી નૂતનવર્ષાભિનંદન સાથે સહુ મુક્તોને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી જયસ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.