સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
કાકાજી-પપ્પાજી શતાબ્દી પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો,
જય સ્વામિનારાયણ !
ઓહોહો ! ગુરૂપૂનમ…. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યાં છે. એવે વખતે આપણા ધાર્મિક હ્રદયમાં પ્રાર્થનાના ભાવો, સમર્પણના ભાવો જાગે જ એ સ્વાભાવિક છે. હું પણાના ભાવ, અહંના ભાવ ટાળવાનો આ ઉત્તમ દિવસ છે. ગુરૂહરિ પપ્પાજી ખુદ આવા પર્વે પરભાવે લેખ લખતા ! કથાવાર્તા-બ્રહ્મજ્ઞાન દ્વારા અંતર ભર્યું ભર્યું કરી દેતા ! પ્રાર્થના વહેતી.. પપ્પાજીની એ સ્મૃતિ સાથે આપણે એક વાર્તા વાંચીએ.
“સૌથી વધુ વ્યર્થ અને તુચ્છ હોય તે ગુરૂદક્ષિણામાં આપ”
દીર્ધ વિદ્યાભ્યાસ અને ઉંડી અધ્યાત્મ સાધના પછી ગુરૂ પાસેથી શિષ્યે વિદાય માગી. ગુરૂએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારી વિદ્યા અને સાધનાનો નિઃસ્વાર્થભાવે ઉપયોગ કરીને જીવનને સફળ બનાવજે.વિદાય લેતી વખતે ભાવનાવિભોર શિષ્યનું ગળું રૂંધાઈ ગયું. એણે કહ્યું, “ગુરૂદેવ, મારે આપને ગુરૂદક્ષિણા આપવી છે. કઈ વસ્તુ હું આપને ચરણે ધરું ?” ગુરૂએ કહ્યું, “વત્સ જગતમાં જે સૌથી વધુ વ્યર્થ અને તુચ્છ હોય તે મને દક્ષિણા રૂપે આપ.”
શિષ્ય વિચારમાં પડ્યો. આવી તે કઈ ગુરૂદક્ષિણા આપી શકાય ? પરંતુ ગુરૂની આજ્ઞા શિરોધાર્ય છે. એમ માનીને એ સૌથી વ્યર્થ વસ્તુની શોધમાં નીકળ્યો. એણે વિચાર્યું કે આ ધરતીની માટી કશાય કામની નથી. એ ઉડે તો વસ્ત્રો મલિન થાય. કોઈ આંધીમાં ઉડે તો આખું આકાશ ધૂળિયું બને. લોકો પણ એના પર પગ મૂકીને ચાલતા હોય છે. આવી નકામી ઠેબે આવતી માટીથી બીજી કોઈ વસ્તુ તુચ્છ હોઈ શકે ? શિષ્ય માટી લેવા માટે નીચે વળ્યો ત્યારે માટી બોલી, “અરે, તું મને તુચ્છ સમજે છે ! તને ખ્યાલ છે કે આ જગતની સર્વ સમૃધ્ધિ મારામાંથી પ્રગટ થાય છે. મારા વિના વૃક્ષ તો શું, નાનો છોડ પણ ન ઉગે ! તને ખ્યાલ હશે કે પ્રકૃતિ વિના માનવીનું અસ્તિત્વ ટકે તેમ નથી. મારા વિના મોટી મોટી ઈમારતો ન રચી શકાય. આ જગતમાં જે કંઈ રૂપ, રસ અને સુગંધ છે એ બધું મારે કારણે છે. સમજ્યો !” શિષ્યને પોતાને ક્ષતિ સમજાઈ. એ આગળ વધ્યો. એના પગે પથ્થર અથડાયો. તત્કાળ ચિત્તમાં વિચાર સ્ફૂર્યો કે આ પથ્થરનો કશો ઉપયોગ નથી. એ ધરતી પર એમને એમ પડ્યો રહે છે. અને માણસના પગમાં નકામો આડો આવીને અથડાય છે, લાવ, આ તદ્દન નકામા બિનજરૂરી અને તુચ્છ એવા પથ્થરને લઈ જાઉં.
શિષ્ય પથ્થર લેવા માટે જરા નીચે નમ્યો, ત્યારે પથ્થરમાંથી અવાજ આવ્યો. “ઓહ, તમે આટલા સમર્થ જ્ઞાની થઈને મને સાવ નકામો માનો છો ? જરા કહેશો ખરાં કે તમારા મંદિરોમાં પ્રભુની પ્રતિમા શેમાંથી બનેલી હોય છે ? તમારી ઉંચી ઉંચી ઈમારતો અને નિવાસ સ્થાનો પથ્થર વિના બને ખરાં – અરે, જ્યાં તમે વિદ્યાભ્યાસ કર્યો એ આશ્રમની દીવાલો શેની બનેલી છે ? અને તમે મને તુચ્છ માનો છો ?”
શિષ્યને આ વાત સાચી લાગી. પથ્થર લેવા લંબાવેલો હાથ અટકી ગયો. પણ સાથો સાથ એના મનમાં વિચારોનો વંટોળ જાગ્યો. જો માટી અને પથ્થર પણ આટલા બધા ઉપયોગી છે. તો જગતમાં બીજી કઈ ચીજ વ્યર્થ અને તુચ્છ હોય ! હકીકત તો આ સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોત પોતાની રીતે ઉપયોગી છે. તો પછી તુચ્છ શું ? ખરેખર તો વ્યર્થ અને તુચ્છ એ છે કે બીજાને વ્યર્થ અને તુચ્છ માને છે.
બાહ્ય જગતને જોતા શિષ્યએ પોતાના ભીતરમાં નજર ફેરવી અને જોયું તો ખ્યાલ આવ્યો કે મારી અંદર રહેલું અહંકારનું તત્વ જ એવું છે કે જેનો કોઈ ઉપયોગ નથી. એ તુચ્છ છે અને વ્યર્થ પણ છે. શિષ્ય પાછો ફર્યો અને ગુરૂના ચરણમાં પડીને કહ્યું, “આપને ગુરૂદક્ષિણા રૂપે હું વ્યર્થ અને તુચ્છ એવો મારો અહંકાર સમર્પિત કરૂં છું.”
હે મુક્તો ! આપને આ વાર્તા ગમી હશે ! જે કાંઈ વાંચીએ-જોઈએ તેમાંથી સારૂં સારૂં જીવનમાં લેવું અપનાવવું. એ પપ્પાજીએ શીખવ્યું છે. તો આ વાર્તામાંથી “ગુરૂદક્ષિણામાં આપણો અહંકાર પ્રભુને આપી દેવો.” તે પ્રેક્ટિકલ રીતે કેવી રીતે પ્રભુ ચરણે ધરીશું ? તે વિચારીને આપણી સ્વાધ્યાયની ડાયરીમાં લખીએ. પપ્પાજીને અહંકાર, હુંહાટો નથી ગમતો. રાંકભાવે ભક્તિ કરીએ તે ગમે છે. આપણે પપ્પાજીને ગુરૂને રાજી કરવા છે. તો તે માટે દાસત્વભાવે રાંકભાવે જીવવા ખૂબ બળ, બુધ્ધિને પ્રેરણા બક્ષે તેવી ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના છે. આપણી આપણા થકી રક્ષા થાય તેવી પ્રાર્થના સાથે આ રાખડી બાંધજો. ત્યાં સર્વને અમ સહુના જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ