સ્વામિશ્રીજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો !
પરાભક્તિ પર્વના સમૈયાની સુખદ પૂર્ણાહુતિના આનંદ સાથે ઘણાં ઘણાં કરીને ધન્યવાદ સાથે ભાવભર્યા જય સ્વામિનારાયણ !
તા.૧૫ થી ૩૦ નવેમ્બરની જ્યોત સ્મૃતિ સમાચાર લખવા આ પત્ર પાઠવી રહ્યાં છીએ. પરંતુ પરાભક્તિ પર્વની ઉજવણીની આભા, ભક્તોની સેવાની ધન્યતાનો આનંદ માનસપટ પર છે, જેથી ધન્યવાદ આપોઆપ અપાઈ જાય છે. ધન્યવાદ કોને દેવા? કોને ના દેવા ?
* પરાભક્તિ પર્વના સમૈયામાં પધારનાર સહુનેય ધન્યવાદ !
* પરાભક્તિ પર્વે અગાઉથી સેવામાં પધારનારને વિશેષ ધન્યવાદ !
* સમૈયો કરવા આવેલ છતાંય સેવામાં જ રહ્યા છે એવા છૂપા સમર્પિત મુક્તોને અનંત ધન્યવાદ !
* પરાભક્તિ પર્વે સ્ટેજ પર બિરાજી દર્શન-આશિષ અર્પનાર છૂપું તપ કર્યું છે તેવા ગુણાતીત સંત સ્વરૂપોને કોટી વંદન સહ ધન્યવાદ !
* પરાભક્તિમય જીવન જીવી માહાત્મ્યેયુક્ત સેવાનો આદર્શ પૂરો પાડનાર વ્હાલા ગુરૂહરિ કે જેમણે આપણી પ્રાર્થના સ્વીકારીને પરાભક્તિ પર્વે અખંડ પ્રત્યક્ષ રહ્યા છે ! સહુનાય મનોરથ પૂરી સહુ ભક્તોને રાજી રાજી રાખ્યા છે ! એવા કૃપાળુ પરમ સ્વરૂપ ગુરૂહરિને અનંતવાર પ્રણામ સાથે કોટી કોટી ધન્યવાદ ! આભાર !
* પરાભક્તિ પર્વે જે ભક્તો અનિવાર્ય સંજોગોને લીધે દેહે કરીને સમૈયામાં આવી નથી શક્યા ! પરંતુ જેમનું મન અખંડ અહીં હતું તેવા ભક્તોને ધન્યવાદ તથા તેવા ભક્તોને ઘર બેઠા સમૈયાનાં દર્શન વેબસાઈટ પરથી થયાં ! તેવી આધુનિક ટેકનોલોજી શોધનાર, અપનાવનારને પણ ધન્યવાદ !
* ગુણાતીત જ્યોતની બહેનો અને ગુણાતીત પ્રકાશ ભાઈઓનું આમંત્રણ સ્વીકારી ગુણાતીત સમાજના ચારેય પાંખના ભક્તો સહિત સમૈયામાં સપ્રેમ પધારી યોગી પરિવારની એક્તાને દિપાવી છે, એવા પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપોને કોટિ વંદન સહ ધન્યવાદ ! આભાર !
* ગોવાળિયા સમાન ગોપજન કે જેમને પરાભક્તિ પર્વે ટેકો કર્યો છે, પાડોશી ધર્મ નિભાવ્યો છે સદ્દ્ભાવનાથી વર્તન – વસ્તુ આપી સાથ આપ્યો છે. અરે, મનથી ફક્ત ગુણ લીધો છે એવા અલ્પ સગાં સંબંધી કે મિત્રોને પણ આભાર સહ ધન્યવાદ !
જો કે તેઓને કે આપણને ખબર નથી પણ કૃપાળુ એવા પપ્પાજી દરેકને તેની સેવાનું અનંતગણું કરીને વળતર કોઈનામાં રહીને આપી જ દે છે, આપી જ દેશે. આલોક અને પરલોકમાં સુખના અધિકારી બનાવી દેશે. સહેજમાં મોજ આપનાર ગુરૂહરિ પપ્પાજીને નમન કરીને વિરમું છું. સાથે ક્ષમાયાચના છે કે, કોઈ મુક્ત સાથી મિત્રો કે અલ્પ સંબંધીને આ પર્વમાં સામેલ કરવાનું ભૂલાઈ ગયું હોય ! કે આવેલ ભક્તોને કાંઈ તકલીફ પડી હોય ! જમ્યા વગર ગયા કે પ્રસાદ પહોંચાડવામાં ભૂલ થઈ હોય ! તો પપ્પાજી સહિત તેવા ભક્તોની ક્ષમાયાચના કરીએ છીએ. કાયમ પધારતા રહેજો . પપ્પાજીનું ઘર છે. તે આપણા સહુનુંય ઘર છે. ભાભીઓનું પિયર છે. બાળકોનું મોસાળ છે ! એવો આત્મીય ભાવ કૌટુંબિક ભાવના પ્રગટાવનાર ગુરૂહરિ પપ્પાજીના ઘરે આપનું હંમેશાં સ્વાગત છે. પપ્પાજીના દ્વાર હંમેશાં ખુલ્લાં છે. હસ્તથી આશીર્વાદવર્ષા ચાલુ છે.
પ.પૂ.દીદીબાએ તા.૧૨/૧૧/૧૧ના રોજ પપ્પાજી અને સહુ સદ્દ્ગુરૂઓ વતી કૃપાશિષ સાથે આજ્ઞા કરી છે કે પ્રદક્ષિણા કરીને જશો ? તે મુજબ આપ સર્વને જ્યોત, પ્રભુકૃપા અને પપ્પાજી તીર્થ પર પધારવાનું કાયમનું આમંત્રણ છે. જેવી રીતે નોળીયો નાગની સામે લડવા માટે શક્તિ ખૂટે ત્યારે નોર્વેલ સૂંઘી આવે છે. તેમ માયાની વચ્ચે – મહામાયામાં રહેવાનું, તેથી પ્રભુનું બળ મેળવવા તથા જગતથી મેલા થયેલા મનને ધોવા નવી સ્મૃતિ – અનુભવ લેવા, પ્રદક્ષિણા કરવા જરૂરથી પધારતા રહેજો. જો કે પપ્પાજી તો વ્યાપક છે જ્યાં બોલાવીએ, જ્યારે પોકાર કરીએ ત્યારે પધારે છે અને કોઈનામાં રહીને આપણું કામ કરી જાય છે. આવા ભક્ત્વત્સલ પપ્પાજીની આપણને પ્રાપ્તિ થઈ છે, એમનો આશરો છે. એ આપણાં અહોભાગ્ય છે. નિશ્ર્ચિંતતા છે ! ખરૂં ને ! પપ્પાજીની વાત તો ખૂટે તેમ નથી. તો હવે આપણે મૂળ વાત પપ્પાજીના કાર્યની સ્મૃતિની સાંભળીએ.
પરાભક્તિ પર્વનો સમૈયો પૂરો થયો ! એટલે જાણે આપણે મન સમૈયા પૂરા ! પણ ના… સ્વામિનારાયણના ઘરે તો “તગારાં, નગારાં ને તાવડા” ચાલુ જ રહેવાના ! તે જ તેમના પ્રગટપણાની નિશાની પણ છે. ગુરૂહરિ પપ્પાજીએ દૈનિક કાર્યક્ર્મમાં વણી લેવડાવ્યું છે તેમ સંઘધ્યાન, સભા, ભક્તિ, મહાપૂજા વગેરે કાર્યક્ર્મ તા.૧૫/૧૧ થી શરૂ થઈ ગયા ! તેમાં..
(૧) તા.૧૫/૧૧ ની સંઘધ્યાન પછીની મંગલ સભામાં પૂ.હસુબેન ઠક્કર-લંડન (લેસ્ટર) ની હિરક જયંતીની ઉજવણી થઈ હતી. પૂ.હસુબેન લેસ્ટર મંડળનાં ચૈતન્ય માધ્યમ પૂ.મીનાબેન વિઠ્ઠલાણીનાં મદદનીશ બનીને
અત્યારે સભા સંચાલક તરીકે સેવા બજાવે છે. ખૂબ છૂપા, શાંત સ્વભાવના, રાંકભાવ, નમ્રતા, વિવેક, ભક્તિ વગેરે અનેક હસુબેનના ગુણોનું દર્શન પૂ.અરૂણાબેન ભોજાણીએ, પૂ.વિઠ્ઠલાણી સાહેબ, પૂ.મીનાબેન વિઠ્ઠલાણીએ તેઓની વારીમાં કરાવ્યું હતું. આયોજન વગરનો ખૂબ સરસ સમૈયો થઈ ગયો હતો.
{gallery}/images_in_articles/newsletter/2011/Nov/15.11.11 Mangal sabha with P.Hasuben Lester ni Hirak jayanti{/gallery}
(૨) તા.૧૬/૧૧/૧૧
સૌરાષ્ટ્રની પંચતીર્થિ પરાભક્તિનો સમૈયો કરવા આવેલા પરદેશના હરિભક્તોમાંથી ૯૫ હરિભક્તો આજે સૌરાષ્ટ્રની પંચતીર્થિએ જવા પ્રયાણ કર્યું. પ.પૂ.જ્યોતિબેન, પૂ.રમીબેન તૈલી, પૂ.ડૉ.પંકજબેન અને પૂ.જીતુકાકાના માર્ગદર્શન અને સાંનિધ્યે પાંચ દિવસનો પંચતીર્થિ કાર્યક્ર્મ ગોઠવાયો હતો.
(૩) પૂ.સંતોકમાસી રાડિયા અક્ષરધામ નિવાસી થયા.
જ્યોતના વ્રતધારી ગૃહસ્થાશ્રમ બાદ ત્યાગાશ્રમ લીધેલો. એવા સાધુસ્વરૂપ પૂ.સંતોકમાસીએ ટૂંકા ગાળાની બિમારી બાદ આજે ૧૯/૧૧/૧૧ નો દિવસ પસંદ કર્યો. પ્રભુનું કેવું આયોજન છે. પરાભક્તિ પર્વના સમૈયા દરમ્યાન કાંઈ તકલીફ કે અઘટિત પ્રસંગ નથી બન્યો. પરાભક્તિ પર્વના સમૈયાના બીજા દિવસે પૂ.સંતોકમાસીને કરમસદ હૉસ્પીટલમાં દાખલ કર્યા ! તેમની માગણી હતી કે મને મહારાજ હવે ધામમાં લઈ જાવ. પૂ.સંતોકમાસીના પૂર્વાશ્રમના ત્રણ દીકરા પરિવાર સહિત લંડન રહે છે. પરાભક્તિ પર્વ સમૈયો કરવા તેઓ પણ વિદ્યાનગર આવેલા હતા. તેઓની હાજરીમાં જ આ પ્રસંગ ખૂબ દિવ્ય રીતે સંપન્ન થયો. સત્સંગનો વારસો સંતાનોને આપ્યો છે તેવા પૂ.સંતોકમાસીએ તેઓની હાજરીમાં જ અનુમતિ લઈને રાજી રાખીને સ્વતંત્રપણે દેહત્યાગ કર્યો. જેમ જૂનાં કપડાં બદલી નવા ધારણ કરીએ છીએ તેમ આવા મુક્તોના આત્મા દેહ બદલી અહીં જ આવતા હોય છે. અને અધૂરૂં કાર્ય પૂરૂં કરતાં હોય છે ! પૂ.સંતોકમાસીની અંતિમવિધિ ૧૯/૧૧ની મંગલ પ્રભાતે જ્યોતના પ્રાંગણમાં સવારે ૯.૦૦ થી ૧૦.૦૦ માં ખૂબ દિવ્ય રીતે સંપન્ન થઈ. તા.૨૦ થી ૨૪ પાંચ દિવસનું પારાયણ બહેનો-ભાઈઓની સભામાં સાંજે ૫.૩૦ થી ૭.૦૦ થયું. જાણે “પરાભક્તિની સૌરભ” પુસ્તક ઉપર શિબિર થઈ હોય તેવું અનુભવાયું. એક એક આવા અનાદિ મુક્ત એ ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય છે તેવું દર્શન થયું. તા.૨૫/૧૧/૧૧ ના વ્હેલી સવારે ૮.૩૦ વાગ્યે ત્રયોદશી નિમિત્તે મહાપૂજા કરાવીને તેઓના સંતાનોએ મહીસાગર તટે જઈ અસ્થિ વિસર્જન કર્યું હતું. તેઓના સંતાનોએ જ્યોતના બધા બહેનોને ભાવે યુક્ત જમાડ્યા ! આવા દુઃખદ પ્રસંગે પણ અક્ષરધામનો આનંદ લૂંટ્યો. આમ, મૃત્યુ પણ મંગલ બન્યું. તે પૃથ્વી પરનું આ અક્ષરધામ.
{gallery}/images_in_articles/newsletter/2011/Nov/20 to 24 p.santok masi parayan ni sabha{/gallery}
(૪) તા.૧૯/૧૧/૧૧ સંકલ્પ સ્મૃતિદિન
૧. ઈ.સ.૧૯૬૩નો ૪૮મો ગણેશપુરીનો શિબિર સંકલ્પ સ્મૃતિદિન
૨. ઈ.સ.૧૯૭૭નો ૩૪મો ઉભરાટ શિબિર સ્મૃતિદિન
આધ્યાત્મિક ઐતિહાસિક એક મહાન દિન આજે છે. ગુરૂહરિ પપ્પાજી ર્દઢ સંકલ્પ શક્તિ સ્વરૂપ છે. તેઓએ અઘરાં કે અશક્ય કાર્યસંકલ્પ બળથી પ્રાર્થનાથી જ કર્યા છે. તે પ્રથમ સંકલ્પ ૧૯/૧૧/૧૯૬૩માં કર્યો. ગુરૂહરિ પપ્પાજીએ ૧૯૬૩માં ગણેશપુરી (મુંબઈ) શિબિર કરી હતી અને ભગવાન ભજાવવાનો સહુ પ્રથમ સંકલ્પ કરાવ્યો હતો. શિબિરાર્થી બહેનોને કૃપામાં સંકલ્પ કરાવી વ્રત આપ્યું હતું. એ આજનો ભવ્ય દિવસ તેની ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં સાંજે ૫.૦૦ થી ૭.૦૦ માં બહેનોની સભામાં થઈ હતી. ગણેશપુરી શિબિર વખતે જે બહેનો હાજર હતાં તેઓને સ્ટેજ પર બિરાજમાન કરીને સભા કરી હતી. તે શિબિર વખતે જે બાલિકા મંડળ હતું. તે અત્યારે જ્યોતનાં બહેનો છે. તેઓને પણ સ્ટેજ પર બોલાવી પ્રેક્ટીકલ સાથે સ્મૃતિસભર ભવ્ય સમૈયો કર્યો હતો. પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.હંસાબેન ગુણાતીત વગેરે મોટેરાં સ્વરૂપોએ સ્મૃતિની વાતો કરીને આશીર્વાદ આપ્યા હતા.
પ.પૂ.પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપ્યા કે, “યોગીજી મહારાજની આજ્ઞાથી ભગવાન ભજવા ને ભજાવવાની શિબિર ગણેશપુરી કરી હતી. ત્યારે સંકલ્પ કર્યો કે ગુણાતીત સમાજના સભ્ય થવા ઈચ્છતા સહુ કોઈ મુક્તો ગૃહી કે ત્યાગી બધા જ એકાંતિક બને ! બાપાનો સંકલ્પ હતો જ્ઞાની અજ્ઞાની સહુ કોઈને મારૂં સ્વરૂપ ઓળખાય ! છતીદેહે અક્ષરધામનું સુખ લેતા થાય ! બાપાએ ગુણાતીત જ્ઞાનનું નવનીત આપેલું તથા વચનામૃત આપેલાં તે ઉપર શિબિર થઈ ! બ્રહ્મરૂપ થઈ પરબહ્મમાં જોડાવું છે. માહાત્મ્યનો સાક્ષાત્કાર કરવો છે. તે માટે બાપાએ બહેનોને સ્વતંત્ર ભગવાન ધારતાં થવાનો જોગ ઉભો કરી દીધો. એમનો આ સંકલ્પ જ જીવન બને. મુક્તોને બ્રહ્મનિયંત્રિત જ માનવા છે. અને ભગવાનને રાખીને જે થાય તે કરવું છે. શિબિરમાં ગુરૂહરિ પપ્પાજીએ વચનામૃત ગ.મ.૧૩, અંત્ય ૨, ૭, ૧૧ સમજાવ્યાં હતાં. ગણેશપુરીમાં પપ્પાજીએ ગુલાબનું પુષ્પ બધા શિબિરાર્થીને આપેલું, તે સ્મૃતિ સાથે આજે પ.પૂ.દીદીના હસ્તે પુષ્પ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
{gallery}/images_in_articles/newsletter/2011/Nov/19.11.11 sanklap smrutidin sabha{/gallery}
(૫) ૧૯/૧૧/૧૧ પૂ.જયંતિભાઈ દોશીનો સ્વરૂપાનુભૂતિદિન
આજે ભાઈઓની રાત્રિ સભામાં ૮.૧૫ થી ૧૦.૦૦ પૂ.જયંતિભાઈ નો સ્વરૂપાનુભૂતિદિન ઉજવ્યો હતો. ઈ.સ. ૧૯૫૪ થી જે ગુરૂહરિ પપ્પાજીના કાર્યના સાથી, સાક્ષી અને સેવક છે. એવા જૂના જોગી જયંતિભાઈ છે. ૧૯૬૬માં વિદ્યાનગર જ્યોતની સ્થાપના કરી ત્યારે પપ્પાજી મુંબઈથી પ.પૂ.જસુબેન અને પૂ.જયંતિભાઈને સહકુટુંબ સેવામાં સાથે લાવ્યા. એ દિવસથી પૂ.જયંતિભાઈએ પ્રભુકૃપાનો ઉંબરો છોડ્યો નથી. રાત-દિવસ જોયા વગર નિર્દોષબુધ્ધિ અને દિવ્યભાવે પપ્પાજીનો વિશ્વાસ સંપાદન કર્યો છે. પૂ.જયંતિભાઈની હાજરી પણ જણાય નહીં. ક’દિ પપ્પાજીને ઓશિયાળા નથી કર્યા. શાંત-વિનમ્ર છતાંય બુધ્ધિશાળી એવા પૂ.જયંતિભાઈને સ્વરૂપાનુભૂતિદિને કોટિ વંદન હો ! એમનો સ્વરૂપાનુભૂતિદિન ભાઈઓએ આજે આનંદ પૂર્વક ઉજવ્યો હતો. સોનામાં સુગંધ ભળી. આજે પૂ.ગોપાલભાઈ અગ્રવાલના પૌત્રનો પણ જન્મદિવસ હતો. તેની પણ સાથે ઉજવણી માણી હતી. ભગવાન ભજનાર બહેનોની સેવામાં ચોથી પેઢીના ભાઈના દર્શન પણ સાકાર સુલભ બન્યા હતાં. પપ્પાજીનો સંકલ્પ જ્યોત યાવત-ચંદ્ર દિવા કરૌ રહેશે. તે દર્શનની ધન્યતા સાથે ૧૯ નવેમ્બરના જય સ્વામિનારાયણ.
{gallery}/images_in_articles/newsletter/2011/Nov/19.11.11.p.jayantibhai divine day{/gallery}
(૬) તા.૨૨/૧૧/૧૧ પૂ.મંજુલાબેન શૈલેષભાઈ પટેલની જીવચર્યાની મહાપૂજા
આજે સવારે બહેનો-ભાઈઓની મંગલ સભામાં પૂ.મંજુલાબેન શૈલેષભાઈ પટેલની જીવચર્યાની મહાપૂજા પપ્પાજી હૉલમાં ખૂબ જ ભક્તિભાવથી થઈ હતી. પૂ.યશભાઈ દવે એ મહાપૂજા કરી. પૂ.મંજુલાબેન પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બેનના સંબંધમાં ઘણા વર્ષોથી છે. તેમણે તેમના કુટુંબીજનોને પણ સત્સંગ કરાવી પપ્પાજી ઓળખાવ્યા છે. પ.પૂ.બેને પણ રાજી થઈ આશીર્વાદ આપ્યા હતા. આજે છતીદેહે મહાપૂજા કરાવી સંત બહેનોને થાળ જમાડી પૂણ્યનું ભાથું બાંધી રહ્યાં છે. તેવા પાયાના ભક્તોને કોટિ વંદન હો !
{gallery}/images_in_articles/newsletter/2011/Nov/22.11.11 mahapuja{/gallery}
(૭) પંચતીર્થિ કરીને આવેલા મુક્તોની સ્વાગત સભા
આજે રાત્રે ૯.૦૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભામાં પપ્પાજી હૉલમાં સૌરાષ્ટ્રની પંચતીર્થિ કરીને પધારેલા મુક્તોનો સ્વાગત સમારંભ થયો. બધા યાત્રિકોને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું. પપ્પાજી સ્વરૂપે પ.પૂ. જ્યોતિબેન પંચતીર્થિમાં બધે જ પધારેલા. જ્યારે જ્યારે યોગીજી મહારાજ, કાકાજી-પપ્પાજી-બા વગેરે આ સ્થળે પધારેલા ત્યારે જ્યોતિબેન લગભગ સાથે હતાં જ. તેમની પાસે સ્મૃતિનો ભંડાર છે. તેઓએ જૂની જૂની બધી સ્મૃતિ પ્રક્ટિકલ રીતે કરાવીને ભક્તોને ભર્યા ભર્યા કરી દીધા હતાં. પૂ.રમીબેન, પૂ.ડૉ.પંકજબેન વગેરે બહેનોએ પણ ખૂબ કાળજી લીધી. આત્મીયતા દાખવી હતી. પૂ.જીતુકાકા, પૂ.જીતુભાઈ પટેલ અને ભાઈઓએ ખૂબ સરસ સેવા કરી લઈને ભક્તોને રાજી રાજી કરી લીધા હતાં. જ્યોતશાખાના બહેનો હરિભક્તોએ વિધ વિધ રસોઈ બનાવી ભક્તોને જમાડ્યાં હતાં. બધાની તબિયત પણ સરસ રહી હતી. પપ્પાજીની દિવ્ય હાજરીની અનુભૂતી આખી યાત્રા દરમ્યાન બધા ભક્તોએ અનુભવી હતી. આવા ધન્યતાના ભાવો સાથે યાત્રા સ્મૃતિની વાતો યાત્રિકોએ કરી હતી. પ.પૂ.દીદીનો લાભ યાત્રા વિષેનો આજની સભામાં લેવાયો નહીં. દીદી હંમેશા વર્ષોથી યાત્રાના આયોજક રહ્યાં છે. તેમની પાસે પણ સ્મૃતિનો ખજાનો છે. બીજે દિવસે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ તે માટેની સભા કરી લાભ લીધો હતો. આમ, યાત્રામાં ના ગયેલા મુક્તોને પણ “ઘેર બેઠા ગંગા” કહેવત મુજબ જ્યોતમાં રહી યાત્રા કરી હતી.
આ રીતે આખું પખવાડિયું ભક્તિ સભર કથાવાર્તા અને સ્મૃતિ સાથે પસાર થયું હતું. પરદેશના હરિભક્તો રોકાયા હતાં. તેઓને પણ લાભ મળ્યો હતો. અહીંથી સર્વે સ્વરૂપો મુક્તોના આપ સર્વને જય સ્વામિનારાયણ.
લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !