16 to 31 Dec 2011 – Newsletter

                                              સ્વામિશ્રીજી                                                                                                                                                                       જય ગુરૂહરિ પપ્પાજી

પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ !

અહીં આપણે તા.૧૬/૧૨/૧૧ થી તા.૩૧/૧૨/૧૧ ની એટલે કે ૨૦૧૧ના વર્ષના છેલ્લા પખવાડિયા દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિ દર્શન કરીશું.

(૧) તા.૧૯/૧૨/૧૧સોમવાર પૂ.સુરેશભાઈ પટેલ (લંડન) ની અસ્થિવિસર્જન નિમિત્તેની મહાપૂજા

 

ગુરૂહરિ પપ્પાજીના સ્વરૂપની પિછાણ જ્યારથી થઈ ! ત્યારથી એકધારું જીવન છે. એવા પાયાની ઈંટ સમાન, જૂના જોગી એવા પૂ.વિરબાળાબેન અને પૂ.સુરેશભાઈ કે જેઓ Walthamstow મંડળના ચૈતન્ય માધ્યમ તરીકે વર્ષોથી સેવા, સભા, ભક્તિ કરી રહ્યાં છે ! ગૃહસ્થ સાધુનું બિરૂદ પામ્યા છે.મૌન સાધુ એવા પૂ.સુરેશભાઈ પટેલને મહાપૂજા કરીને સર્વ ભક્તોએ અંજલિ અર્પણ કરી હતી.  લંડનથી તેઓના દીકરા પૂ.યજ્ઞેશભાઈ અને પૂ.અનુપભાઈ પણ મહાપૂજા તથા અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા. જ્યોત પંચામૃત હૉલમાં સર્વે સ્વરૂપો મુક્તોના સાંનિધ્યે દિવ્યતા સભર મહાપૂજા થઈ હતી.  પ.પૂ.બેન પણ મહાપૂજામાં પધાર્યાં હતાં. દર્શન, આશીર્વાદ અર્પી સહુને ધન્ય કર્યા હતાં. મહાપૂજા બાદ અસ્થિ વિસર્જન મહાપ્રસાદીની મહિસાગર નદીએ જઈને કર્યું હતું. મહીસાગર નદીની વાત થઈ તો અહીં આપણે નાની સ્મૃતિ માણી લઈએ.

શ્રીજી મહારાજની પ્રસાદીથી માંડીને સર્વ સ્વરૂપોની પ્રસાદીની આ નદી છે. એક વખત મહારાજ આ નદીમાં સ્નાન કરી રહ્યા હતા. મહારાજની એક મોજડી નદીમાં તણાઈ ગઈ. મહારાજ નદીને કહે કે “તારે મોજડી જોઈએ જ છે તો લે આ બીજી પણ લઈ જા.” કહીને બીજી મોજડી પણ નદીને આપી હતી. આમ, જે જીવંત છે ! મહારાજે જેમની સાથે વાતો કરી છે ! અને પોતાના ચરણાર્વિંદ અર્પણ કર્યાં છે તેવી આ મહીસાગર નદીએ ગુરૂહરિ પપ્પાજી પણ ભક્તો સહિત અનેક્વાર પધાર્યા છે. અને છેલ્લે ‘પોઈચા’ કિનારે પ.પૂ.તારાબેનના અસ્થિવિસર્જનની મહાપૂજા અહીં કરી હતી ત્યારે પપ્પાજીની નાદુરસ્ત તબિયત હોવા છતાંય પધાર્યા હતા. પહેલી બંસી એવા તારાબેનનું અંતિમ અસ્થિ વિસર્જન આ નદીએ પપ્પાજીના સાંનિધ્યે થયું હતું. ખંભાતના અખાતમાં આ મહી નદી સાગરને મળે છે. તેથી અહીંથી ખંભાત સુધીના નદીના પટને મહીસાગર કહેવામાં આવે છે. પૌરાણિક ધર્મકથા મહીસાગરની ખૂબ વિસ્તૃત છે. ખૂબ પવિત્ર નદી છે. પ્રસાદીની આ નદીએ અનેક મહામુક્તોના પાર્થિવદેહના અસ્થિ વિસર્જન થયાં છે. આજે એવા આદર્શ ગૃહસ્થ પૂ.સુરેશભાઈ પટેલના અસ્થિ વિસર્જનની સાથે સ્મૃતિમાં પણ સરી પડાયું હતું.

(૨) તા. ૨૬/૧૨/૧૧ સોમવાર

‘ગુણાતીત પ્રકાશ’ વ્રતધારી પૂ.શાહભાઈ તથા ગૃહસ્થ સાધુ એવા કિશોરકાકાનો જન્મદિવસ ભાઈઓની રાત્રિ સભામાં ઉજવ્યો હતો. ગુણાતીત જ્યોત ઉપરાંત ગુણાતીત સમાજના સર્વદેશીય સમજણ ધરાવતાં સાધકભાઈ પૂ.શાહભાઈ તથા પૂ.કિશોરકાકામાં નિખાલસતા, ચોક્કસાઈ, ચિવટાઈ, નિર્માનીપણું તથા અદના સેવકભાવનું દર્શન સહજ થયા કરે છે. આવા ગુણાનુગાનનું પાન કરી વિદ્યાનગર મંડળના યુવકો અને પ્રભુકૃપામંડળના ભાઈઓએ ધન્યતા અનુભવી હતી.

(૩) તા.૩૧/૧૨/૧૧ અને ૧/૧/૧૨ શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ મહોત્સવ આંતરરાષ્ટ્રિય ગુણાતીત સમાજ સત્સંગ સંમેલન તથા યુવા અધિવેશન

ઈ.સ.૨૦૧૧ વર્ષનો છેલ્લો દિવસ અને ૨૦૧૨ વર્ષનો પ્રારંભ ! બંને અગત્યના દિવસોએ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો ઉત્સવ સમઢિયાળા-યોગીધામની ધરતી પર ઉજવાયો હતો. જંગલમાં મંગલ કરનાર યોગીના અદના સાધુ સેવક પ.પૂ.નિર્મળ સ્વામીજી, પૂ.જ્ઞાનસ્વરૂપ સ્વામી અને પૂ.માધવ સ્વામીની ત્રિપુટીના આ મંદિર નિવાસે કદિ ના ધાર્યો તેવો ઉત્સવ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી અને સંતો ભક્તોના કૃપા સહયોગથી આ ધરતી પર આજે દિગંતમાં ડંકા સંભાળાયા હતાં. સંબંધયોગની પુષ્ટિના રાહે આજે ભાગવત પારાયણની કથા શ્રી રમેશભાઈ શુકલના મુખે રાખીને આમ જનતાને હજારો મુમુક્ષુને પણ આ સંબંધ આપ્યો હતો. ગુણાતીત જ્ઞાન અને પ્રાથમિક ધાર્મિકતાની કથાવાર્તા ખૂબ આનંદ સાથે માણી. સમૈયામાં પધારેલ સહુએ અહોભાવના વ્યક્ત કરી હતી.

૩૧/૧૨ ના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્ર્મ દ્વારા અસલી સાચા સાધુ યોગીજી મહારાજના જીવનના પ્રસંગો કાર્યક્ર્મ દ્વારા રજૂ કરીને હૈયાં સુધી ગુણાતીત જ્ઞાનના સંદેશના ફટાકડાના અવાજ પહોંચાડીને સ્વામીશ્રી હરિપ્રસાદ સ્વામીએ તથા પ.પૂ.નિર્મળ સ્વામીજીએ તો સાચા અર્થમાં ઈ.સ.૨૦૧૧ના વર્ષને બાયબાયના ફટાકડા ફોડાવી વિદાય આપી હતી. આજનો શુભ દિન કેવો મહાન છે. આજે સ્વામિનારાયણ મંત્રનો ૨૧૧મો પ્રાગટ્યદિન છે. આ વર્ષ પણ ખૂબ મહાન છે. યોગીજી મહારાજની દીક્ષાનું શતાબ્દી વર્ષ ! પૂ.નિર્મળ સ્વામીજીનું દીક્ષા હીરક વર્ષ છે. યોગીબાપાએ પૂ.નિર્મળ સ્વામીને ખૂબ નાની વયે ઈ.સ.૧૯૫૧ની સાલમાં દીક્ષા આપેલી ! આજના સમૈયામાં સ્ટેજ પર અને સભામાં જે સંતો છે તેમાં સહુથી સીનીયર દીક્ષા લેવામાં આ પૂ.નિર્મળ સ્વામીજી છે. ઈતિહાસની સ્મૃતિ કરાવતાં પૂ.હરિપ્રસાદ સ્વામિજીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તથા ઈ.સ.૧૯૬૧માં યોગીબાપાએ પૂ.નિર્મળ સ્વામીજી અને પૂ.જ્ઞાનસ્વરૂપ સ્વામીની જોડ કરી આપી હતી તેને ૫૦ વર્ષ પૂરાં થાય છે. પૂ.નિર્મળ સ્વામી એટલે શાસ્ત્રીજી મહારાજ જેવા શૂરવીર સાધુ ! નિર્મળ સ્વામી એટલે માહાત્મ્યગાનનું સ્વરૂપ ! સ્વામીની વાત પ્રકરણ ૧લાની ૧લી વાત. “ભગવાન અને સાધુના તથા ભક્તોના મહિમાની વાતુ નિરંતર કર્યા કરવી.” તેઓએ સિધ્ધ કરી છે. કાઠિયાવાડી ભાષામાં તેઓએ મહિમાના ગાનના બ્યુગલ વગાડ્યા છે. અને દિગંતમાં ડંકા માર્યા છે. એવા પૂ.નિર્મળ સ્વામીજીને કોટિ પ્રણામ. પૂ.નિર્મળ સ્વામીજી એટલે મહાત્મ્ય નીતરતું સ્વરૂપ. ઓહો ! આવી સૌરાષ્ટ્રની ભૂમિના જંગલમાં મંગલ કર્યું. સમૈયામાં પણ પૂર્ણ સગવડ ઉતારાની અને મહાપ્રસાદની બધા જ ભક્તોને મળી હતી. તેનું કારણ માહાત્મ્યેયુક્ત સેવાનો આહલાદ્દ ! યોગીજી-કાકાજી-પપ્પાજીનો જે તારદેવની ગંગોત્રીનો રેલો ! તેનો લાભ અને દર્શન સમઢિયાળામાં સહુએ માણ્યો હતો.

ગુરૂહરિ પપ્પાજી ને સર્વ મુક્તોને ૨૦૧૧ના વર્ષના જાણ્યે અજાણ્યે ભૂલચૂકની ક્ષમાયાચના સાથે અન્યોન્ય જય સ્વામિનારાયણ. નવલા વર્ષના શુભારંભના અનેક શુભ પ્રાર્થના સાથે અહીંથી સર્વે સ્વરૂપો મુક્તોના આપ સર્વને જય સ્વામિનારાયણ.

                                             લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !