16 to 31 Dec 2012 – Newsletter

સ્વામિશ્રીજી                       

જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો,

નવા વર્ષના ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ.

આજે આપણે અહીં ૨૦૧૨ના વર્ષના છેલ્લા પખવાડિયાની એટલે કે તા.૧૬/૧૨ થી તા.૩૧/૧૨/૨૦૧૨ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ બે ઘડી કરી લઈ ધન્ય થઈએ.રવિવાર એટલે જાણે જ્યોતમાં સમૈયાનો દિવસ !

 

 

(૧) તા.૧૬/૧૨/૧૨ રવિવાર પૂ.નીનાબેન પટેલની હીરક જયંતી

સદ્દ્ગુરૂ A સ્વરૂપ પૂ.નીનાબેન પટેલની હીરક જયંતીની ઉજવણી જ્યોતની સાંજની સભામાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી. પૂ.નીનાબેન એટલે પ્રસાદીના ધર્મજ ગામના પટેલ. પૂ.આનંદીબેન, પૂ.વિનુભાઈના સુપુત્રી. સ્વામિનારાયણ ધર્મના કુટુંબની દીકરી કે જે કેવળ અભ્યાસ અર્થે વિદ્યાનગર કૉલેજમાં ભણતાં હતાં. પૂ.આનંદીબેનને હંસાદીદીનો સમાગમ હતો. માતાનો બેઠો સંકલ્પ કે આ આરસની મૂર્તિ જેવી મારી દીકરીને કુટુંબના સંસ્કારમાં આ જ્યોતના સંસ્કાર ભળે તો વાત જુદી જ બની જાય. પૂ.નીનાબેન પૂર્વનાં, તેથી પ્રભુના સંકલ્પની પ્રેરણા ઝીલી પ.પૂ.જસુબેને ! અને પૂ.નીનાબેનને જોગમાં લીધાં. સંત જીવને ચોખ્ખો કરીને પ્રભુના ચરણે ધરે છે તેમ પૂ.નીનાબેને ગુરૂને પ્રભુનું સ્વરૂપ માનીને સેવન કરી લીધું તો જસુબેન અને દીદીએ નીનાબેનને ટૂંક સમયમાં સુખે સુખે સાધના કરાવીને આદર્શ ઘાટ ઘડીને પ્રભુના ચરણે ધરી દીધાં. પૂ.નીનાબેને એટલે ખરેખર આદર્શ સાધુ ! નમ્રતા, સેવાભાવના, સ્મૃતિ, સમાગમ અને મહિમાભાવ જેવા ઉમદા ગુણો જેમનામાં સહજ છે. એવાં નીનાબેને ૨૫ વર્ષ પ્રકાશનની આજ્ઞાએ સેવા બજાવી છે. છતાંય ખબર નથી પડવા દીધી, એવાં છૂપાં સાધુ પૂ.નીનાબેન છે.

{gallery}/images_in_articles/newsletter/2013/January/16-12-12 p.ninaben hirak parva{/gallery}

Speak less, Work more એ પપ્પાજીનું જીવનસૂત્ર પૂ.નીનાબેનના જીવનમાં સહજ છે. એવાં નીનાબેનની હીરક જયંતી તેમને પોતે પપ્પાજી ! પપ્પાજીનો મહિમા, જ્ઞાનનું દર્શન(પપ્પાજીના સૂત્રો-લેખનું દર્શન) સુશોભનમાં કરાવીને ભક્તિ અદા કરી હતી. છૂપા સાધુ એવાં પૂ.નીનાબેનનો હીરક પર્વ ઉજવવા દેશ-પરદેશથી (પૂર્વાશ્રમના સગાં-સંબંધીઓ) પણ ભેટ-ભાવ લઈને પધાર્યાં હતાં. ના ધારેલો એવો સરસ સમૈયો ખૂબ બ્રહ્માનંદથી ઉજવાયો હતો. પપ્પાજીના કાર્યના અનોખાં દર્શન એટલે પૂ.નીનાબેનની હીરક જયંતીની ઉજવણી! ધન્યવાદ નીનાબેનને ! અનંત આભાર ગુરૂહરિ પપ્પાજીને તથા ગુરૂ સ્વરૂપોને ! વંદન સહ જય સ્વામિનારાયણ !

(૨) તા.૧૭/૧૨/૧૨ પૂ.સુમતિબેન કર્ણિકની ત્રયોદશી

તા.૧૫ ડિસેમ્બરે સુમતિબેન કર્ણિકની અંતિમ વિધિ જ્યોત પ્રાંગણમાં થઈ. કેવો ભાગ્યશાળી આત્મા ! મુંબઈ બોરીવલી મંડળનાં સત્સંગી પૂ.સુમતિબેનના પતિ પૂ.દત્તાત્રેયભાઈને તેમના મિત્ર પૂ.વિરેન્દ્રભાઈ દવે મારફત આ સત્સંગ તેમજ યોગીજીમહારાજનાં દર્શન થયા. ધીમે ધીમે બોરીવલી મંડળના ચૈતન્ય માધ્યમ એવા પૂ.વિમળાબેન અને અદાશ્રીના જોગમાં આવ્યા. અને તેઓના સમાગમથી તથા પ.પૂ.પપ્પાજી, પ.પૂ.દીદીના સેવનથી આદર્શ ગૃહસ્થ જીવન જીવી જાણ્યું. બંને દિકરીઓને આલોક અને પરલોકના સંસ્કાર આપીને જ્યોતમાં ભગવાન ભજવા મોકલી. એક દીકરો કે જે C.A. ના કિનારે પહોંચ્યો અને નાની વયમાં કેન્સરની બીમારીમાં પ્રભુએ લઈ લીધો. આ જોગ અને પ્રભુના બળે તેઓ સ્વસ્થ રહી શક્યા. પૂ.દત્તાત્રેયભાઈ થોડા સમય પહેલાં ધામમાં ગયા બાદ સમર્પિતભાવે શેષ જીવન જ્યોતના જોગમાં વિતાવવા માટે વિદ્યાનગર રહેવા આવ્યાં. આવા મુક્તો ખરેખર સ્વતંત્ર થકા એટલે કે નિર્વાસનિક થઈને પ્રભુને પ્રાર્થના, વાતો કરતાં કરતાં દેહ બદલતા હોય છે. એવું પૂ.સુમતિબેનમાં પણ જોવા મળ્યું. બીમારીમાં ઘડપણનું દુઃખ સહન કર્યા વગર ૧૫ ડિસે. ના રોજ ‘પુષ્પ કમલ’ જ્યોતના મકાનમાં ધામમાં ગયાં. તેમની અંતિમવિધિ મંગલ પ્રભાતે થઈ હતી. હાલ વિદ્યાનગર રહેવા આવેલ પૂ.વિરેન્દ્રભાઈ દવે પણ હાજર હતા. જ્યોત પંચામૃત હૉલમાં પ્રાર્થના સભા, પારાયણ, પ્રભુકૃપામાં મહાપૂજા કરીને પૂ.સુમતિબેનના ગુણગાન સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

(૩) તા.૨૩/૧૨/૧૨ રવિવાર

આદર્શ ગૃહસ્થ મુક્તો પૂ.ભગવતીબેન અને પૂ.ઘનશ્યામભાઈ રત્નાની બંનેની હીરક જયંતીની ઉજવણી થઈ ! નરોડા મંડળના આ ભાઈ-ભાભી કે જે નરોડા જ્યોત માટે માવતર સમાન છે. પ.પૂ.જ્યોતિબેન, પૂ.હેમાબેનના વચને સેવા કરીને તેઓની પ્રસન્નતા લીધી છે. નરોડા જ્યોતનાં મહંત પૂ.મંદાબેનને પણ રાજી રાજી કરી રહેલા એવા આ મુક્તો પોતાનાં સગાં-સંબંધીઓને લઈને જ્યોત-સ્વરૂપોનાં દર્શન કરવા આવેલા. પૂ.ભગવતીબેનની હીરક જયંતી જ્યોત પંચામૃત હૉલમાં બહેનોએ ઉજવી હતી. પૂ.ઘનશ્યામભાઈની હીરક જયંતી જ્યોત મંદિરમાં ભાઈઓએ સંતોના સાંનિધ્યે ઉજવી હતી. તેઓએ શ્રી ઠાકોરજીને તથા બહેનો-સંતો-મુક્તોને થાળ જમાડીને ધન્યતા અનુભવી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/January/23-12-12 hirak jayanti for grahasth haribhakta{/gallery}

{gallery}/images_in_articles/newsletter/2013/January/23-12-12 hirak jayanti mahotsav bhiyo mandir{/gallery}

(૪) તા.૨૯/૧૨/૧૨  શનિવાર પૂ.લલિતભાઈ ચૌહાણની ત્રયોદશીની મહાપૂજા

આજ રોજ સવારે જ્યોત મંદિરમાં પૂ.લલિતભાઈ ચૌહાણની ત્રયોદશીની મહાપૂજા થઈ હતી. વચ. ગ.પ્ર.૭૧ મુજબ સામાન્ય દેખાતા મુક્તો નિષ્ઠાએ કરીને ખૂબ મહાન હોય છે. એવાં પૂ.ભારતીબેન (રોટલાવાળા) ખૂબ ગરીબાઈ ! પ્રારબ્ધ ધોવા ગુરૂ જસુબેન-જ્યોતિબેનની આજ્ઞાથી રોજ વર્ષોથી જ્યોતમાં રોટલા ઘડવાની સેવા કરવાની આજ્ઞા પાળી રહેલાં પૂ.ભારતીબેનના જીવનમાં બે મોટા ઘા એક જ વર્ષમાં લાગ્યા ! યુવાન દીકરાનું ઓચિંતુ અવસાન થયું અને વર્ષ થયું ત્યાં પતિદેવ લલિતભાઈ પણ હાર્ટએટેકમાં ઓચિંતા ધામમાં ગયા. તોય મનુષ્યભાવનો વિચાર નથી આવ્યો. એવા નિષ્ઠામાં ધનવાન એવાં ભારતીબેન, તેમની દીકરી નિશાબેન-જમાઈ, સગાં-સંબંધીઓ સાથે જ્યોતમાં મહાપૂજા કરાવી હતી. આદર્શ ભક્તના દર્શન કરાવ્યા હતાં. સદ્દ્ગુરૂ Aના સાંનિધ્યે આજે પૂ.ઈલેશભાઈ અને પૂ.દવે સાહેબે ભક્તિભાવથી મહાપૂજા કરીને ચૈતન્યોમાં બળ પૂર્યું હતું.

(૫) તા.૩૦/૧૨/૧૨ પૂ.ધર્મિષ્ઠાબેન અમીનનો સુવર્ણ સાક્ષાત્કારદિન

આજ રોજ સદ્દ્ગુરૂ A સ્વરૂપ પૂ.ધર્મિષ્ઠાબેન અમીનના સુવર્ણ સાક્ષાત્કારદિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે થઈ હતી. જેની શરૂઆત ૨૯/૧૨ સાંજથી થઈ હતી. રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ ની બહેનોની સભામાં સ્ટેજ પર ભાવસભર ભજનો ઉપર બાલિકા-કિશોરી-યુવતી મંડળનાં બહેનોએ ડાન્સ-કાર્યક્ર્મ દ્વારા ધમીબેનના મહિમાનું દર્શન કરાવ્યું હતું. અને યુવતીઓએ પોતાના જીવનમાં ધર્મિષ્ઠાબેને કેવું કામ કર્યું છે, તેનું દર્શન-અનુભવ પ્રસંગ કહીને કરાવ્યું હતું. અને આનંદભેર નાચી-કૂદીને બ્રહ્માનંદ સહુએ ભેગા મળી માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/January/29-12-12 p.darmishthaben suvarna din{/gallery}

સ્ટેજ પરનું સુશોભન મોરપીંછનું હતું. પ્રભુકૃપાના સુશોભનમાં પીળું પીતાંબર જાણે છવાઈ ગયું ના હોય. સ્વાગતપથ પર ગલગોટાના ફૂલ અને આસોપાલવના તોરણથી ભક્તિસહ દિવ્યતા રેલાતી હતી. એવા સુંદર સુશોભનમાં ભક્તોએ પુષ્પપાંદડીઓ હાથમાં લઈ લાઈનમાં ઉભા રહી સ્વાગત કર્યું, આરતીથી સત્કાર કર્યો હતો. ત્યારબાદ સભા શરૂ થઈ હતી. સભામાં ભક્તો ભાવ લઈને પધારેલા તે ભાવાર્પણ થયું. અનુભવદર્શનમાં જ્યોતનાં બહેનો તથા ગૃહસ્થ મુક્તોએ લાભ આપ્યો હતો. વિધવિધ એંગલથી પૂ.ધર્મિષ્ઠાબેન વિશે સહુ મુક્તોએ અનુભવ પ્રસંગોને આધારે મહિમાગાન કર્યું હતું. તેમાં લાભ આપનાર પૂ.ભાવનાબેન શાહ, પૂ.ભાવનાબેન શેઠ, પૂ.ભાવનાબેન કે., પૂ.મનીબેન, પૂ.નરસિંહ ફુવા, પૂ.ગઢિયા સાહેબ, પૂ.પ્રભાબેન ગઢિયા, પૂ.પુષ્પાબેન ગઢિયા, પૂ.જાગૃતિભાભી ઝાલાવાડિયા પવઈ મંદિરનાં પૂ.જયશ્રીબેન કોઠારી, પૂ.કિશનભાઈ યાદવ વગેરે તથા પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.ધર્મિષ્ઠાબેને જૂના જૂના સ્મૃતિ પ્રસંગો સાથે લાભ આપ્યો હતો. આ બધી વાતો પૃથ્વી પરના અક્ષરધામની હતી. પૂ.ધર્મિષ્ઠાબેન જેવા સંત આત્માઓ રહી-સહી કસર ટાળવા અને ભગવાનનું કાર્ય કરવા જ પૃથ્વી પર વિચરતા હોય છે. પૂ.ધર્મિષ્ઠાબેન નાનાં હતાં. તારદેવ તીર્થધામમાં તેમનો ઉછેર થયો. કમ્મરની બીમારી, હાડકાનાં ૧૪ ઑપરેશન થયાં ! પણ તેમની નિર્દોષ બુધ્ધિ અને સમતા એવાં ને એવાં જ રહ્યાં છે. બધા વડીલો પપ્પાજીને કહેતા કે, ધમીને સાજી કરી દ્યો. ધમીબેને પપ્પાજીને જાતે પ્રાર્થના કરીને કહ્યું કે, “પપ્પાજી મારૂં પૂરૂં કરીને મૂકજો.” આ કેવું જ્ઞાન ? કેવી સમજણ ? તે પૂર્વનાં હોય તો જ બનેને ? આવાં ધર્મિષ્ઠાબેન ધીરજ, ધર્મ અને જ્ઞાનનું સ્વરૂપ છે. ધર્મિષ્ઠાબેન એવા પરમ ભાગવત સંત છે કે તેના સંબંધે કલ્યાણ મહારાજ કરે છે. તથા જંગમ મંદિર બનાવવાનો સંકલ્પ પપ્પાજીનો છે. તે મુજબનું જંગમ મંદિર બની ગયાં છે. તેવા પ્રસંગ સાથેની અનુભવની વાતો મુક્તોએ કરાવી તેના પરથી સાબિત થયું. ચૈતન્યો પોકારે ત્યાં ધમીબેન દ્વારા પ્રભુ પહોંચી જાય છે. તથા ધમીબેન પાસે જે  મુક્ત પોતાના દિલની વાત-વ્યથા રજૂ કરે છે. તે અરજી પ્રાર્થનારૂપે ધર્મિષ્ઠાબેન પપ્પાજીને પહોંચાડે છે. પ્રભુ ધમીબેનની અરજી સ્વીકારીને મુક્તોને ધન્ય કરે છે.

ગુરૂહરિએ આશિષ વહાવ્યા કે, ધર્મિષ્ઠાબેનની સમજણ ઉત્તમ હતી. તે સમજણ તે શું ? તો કર્તાહર્તા ભગવાન મનાઈ ગયા હતા. સારા પ્રસંગે કર્તાહર્તાપણું ભગવાનનું સહુનેય મનાય ? પણ ઑપરેશન વખતે પણ મને કહે-હું તેને જોવા જાઉં તો પણ કહે કે, “મારૂં પૂરૂં કરીને મૂકજો.” કર્તાહર્તા તેને માન્યા. દિવ્ય માનીને પડી રહો. એટલું જ કરવાનું છે. બેઠું ખમ્યા ! દોઢ-ડહાપણ ના કર્યું. ધમી નાની હતી તો ય તેની સમજણ કેવી મોટી ! જ્ઞાન ઉગ્યું. એક રહેણીએ વર્તી. પડી રહી તો ધમીબેન સદ્દ્ગુરૂ A મંડળમાં આવી ગયાં. કોઈનાય ઉપર ધોખો કે ફરિયાદ નહીં. ભજન કર્યા કર્યું. ભજન કરવાથી બળ આવે છે. અત્યારે મહાપૂજા ને ભજન બધા માટે કરે છે. પૂ.ધર્મિષ્ઠાબેનના જીવન ઉપરથી શીખીએ. બે હાથ જોડી કહે તેમ કર્યા કરવું, પડી રહેવું. ધોખા-વાંધા કર્યા વગર ભજન કર્યા કરવું, મનથી મસ્તીમાં રહેવું. તો બીમારીય ના નડે. ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. ધર્મિષ્ઠાબેન આખા ગુણાતીત સમાજ માટે બધા માટે મહાપૂજા કરે છે તેમ કર્યા કરે એવી પ્રાર્થના ને આશીર્વાદ. આમ, ગુરૂહરિ જાણે સાક્ષાત પધારી આશીર્વાદ આપ્યા ન હોય ! આખા સમૈયામાં દિવ્ય દેહે પધારી ગયા હોય તેવી દિવ્યતાથી સભા-સમૈયો થયો હતો. પધારેલ બધા જ મુક્તોને કંઈક ને કંઈક જીવનભાથું મળી ગયું હતું. વંદન હો ધમીબેનને ! અનેક વંદન ગુરૂસ્વરૂપોને ! અનંત વંદન ગુરૂહરિ પપ્પાજીને ! આભાર સહ જય સ્વામિનારાયણ !

(૬) તા.૩૦/૧૨/૧૨ માહાત્મ્ય મહેરામણ મહોત્સવ

આજ રોજ સાંજે ૫.૦૦ થી ૮.૦૦ માહાત્મ્ય મહેરામણ મહોત્સવનું આયોજન થયું હતું. ઈ.સ.૧૯૬૬માં શ્રી ગુણાતીત જ્યોતની સ્થાપના થઈ અને ૫૧ બહેનો દીક્ષાર્થી બન્યાં અને તેમાંના ૨૫ બહેનો તારદેવ (મુંબઈ) સાધના મંદિરેથી તૈયાર જ કરીને લાવેલા, તે પ્રથમ-બીજું ગ્રુપ હતું. અને વિદ્યાનગર સીધા ભગવાન ભજવા આવ્યા તે ત્રીજું ગ્રુપ તરીકે હતું. તે ત્રીજા ગ્રુપના બહેનો ખૂબ નાની ઉંમરનાં, ભણતાં ભણતાં આવેલાં, વણવિચાર્યે ઝંપલાવ્યું. ૫૧માં નંબર લગાડી દીધો હતો. આ ત્રીજા ગ્રુપનાં બહેનો એટલે જ્યોત ઈમારતના પાયામાં પૂરાયેલ ઈંટ સમાન હતાં. “મરીને જીવવું છે.” એવા મનમુખી મૂકી ગુરૂમુખી સાધના કરી છે. તે સમયના સંજોગો પણ ખૂબ જ વિપરિત હતા. પપ્પાજીએ ગુરૂ યોગી અર્પી એ બહેનો માટેનું સાધના મંદિર વિદ્યાનગરમાં પોતાના પ્લોટમાં બાંધી આપેલ. અને તે સમયનું જગતનું વાતાવરણ વિદ્યાનગરનું તોફાની છોકરાઓનું નગર તરીકેનું હતું. તથા સમાજમાં પણ આ નવું કાર્ય તેથી માત-પિતા માટે પણ સગાં-વ્હાલાંને સમજાવવાનું અઘરું હતું. સ્વામિનારાયણ ધર્મમાં પણ આ નવું જ આધુનિક રીતનું કાર્ય હોવાથી આ કાર્યમાં કોઈ કરતાં કોઈનોય સાથ પપ્પાજીને ના જ હોય એ સ્વાભાવિક છે. પપ્પાજીને જે ખરા અર્થમાં ઓળખતું હતું તેટલા મુઠ્ઠીભર હરિભક્તોનો જ સાથ હતો. અને આ ૫૧ બહેનો કે જેઓ પપ્પાજીની સામર્થીનો અનુભવ કરી ચૂક્યાં હતાં, તે બહેનોએ એ સમયમાં ચાર દિવાલમાં રહી, મનધાર્યું મૂકીને યુવાનીમાં જે સાધના કરી છે. તે ખરેખર બિરદાવવા લાયક છે. આર્થિક સંકટને કારણે તનની ભીડ, મનની ભીંસ હતી. તેવે વખતે પણ ભાવિનો વિચાર કર્યા વગર ખરા સમર્પિતભાવે આ બહેનોએ ઝંપલાવ્યું હતું. પછીથી હવેના દિવસો ઉજ્જવળ બનતા રહ્યા. જ્યોતના મોટેરાંના તથા સદ્દ્ગુરૂ A ના ર્દષ્ટાદિન, સુવર્ણ પર્વ, હીરક જયંતીના સમૈયા ઉજવીએ છીએ.

{gallery}/images_in_articles/newsletter/2013/January/30-12-12 mahatmay maheraman utsav part -1{/gallery}

આ ત્રીજા ગ્રુપમાંથી બહુધા બહેનોનો હીરક આનંદ ઉત્સવ થયો નથી. તેવા બધા બહેનોનો આજે હીરક આનંદ માહાત્મ્ય મહેરામણ (સમૂહ હીરક જયંતી)ની ઉજવણી થઈ હતી. તે બહેનોનાં નામ. ૧.પૂ.વસંતબેન ચાવડા ૨.પૂ.મંદાબેન ત્રિવેદી ૩.પૂ.રમાબેન ત્રિવેદી ૪.પૂ.કુમીબેન પટેલ ૫.પૂ.ઉર્મિબેન પટેલ ૬.પૂ.હીરાબેન સ્વામિનારાયણ ૭.પૂ.નલિનીબેન જોલાપરા ૮.પૂ.ભારતીબેન મોદી ૯.પૂ.ભગવતીબેન પટેલ ૧૦.પૂ.કુંદનબેન વીછીં ૧૧.પૂ.ઈલાબેન ઠક્કર ૧૨.પૂ.હેમીબેન ખાનપરા ૧૩.પૂ.વજીબેન ઝાલાવાડિયા ૧૪.પૂ.હંસાબેન દેસાઈ ૧૫.પૂ.મંજુબેન ઠક્કર ૧૬.પૂ.નિમુબેન દાડિયા. આ બહેનોમાંથી બબ્બે બહેનોનો મહિમાગાન અનુભવી સદ્દગુરૂ A એ કરીને ૪૬ વર્ષે જૂની સનાતન સ્મૃતિ કરાવી હતી. તે વાતોથી જાણે આ સાધના મંદિરમાં ગુરૂહરિ સહિતની દર્શને લઈ ગયા હોય તેવો બ્રહ્માનંદ માણ્યો હતો. સામુદાયિક ‘કેક’ અર્પણ ! દીપ પ્રાગટ્ય ! કેક કર્તન કરાવ્યું હતું. તે દર્શન ખૂબ દિવ્ય દિવ્ય હતાં.

માહાત્મ્ય મહેરામણ મહોત્સવ ભાગ-૨

તા.૩૧/૧૨/૧૨ ના રોજ ગઈકાલની જેમ જ પ્રથમ ૫૧ બહેનો પછી ભગવાન ભજવા આવેલાં એવા જૂના ૪થા ગ્રુપના બહેનોની હીરક જયંતી સામુદાયિક રીતે રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ ઉજવી હતી. ગઈકાલના જેવું જ આયોજન થયું હતું. સ્વાગત, બેજ અર્પણ, કેક, હાર, મહિમાગાનથી સરસ ઉજવણી કરી હતી.

૪થા ગ્રુપનાં બહેનો ખૂબ સમજપૂર્વક, ખપ રાખીને ભગવાન ભજવા આવ્યાં હતાં. તેઓનું સૂત્ર હતું, ‘ખપ, ખૂણો ને મહિમા’ ખપ એટલે ધગશ-મુમુક્ષુતા !

ખૂણો એટલે એકાંતમાં સ્વભજનની ટેવ.

મહિમા એટલે દાસભાવ ! હું કાંઈ નથી. પ્રભુ ! હું દાસનો દાસ.

કૃષ્ણજીઅદાનું બ્રહ્મસૂત્ર હતું કે ‘નાને સે હો નાના રહીએ, જૈસી નાની દુબ,

ઘાસ ફીસ સબ ઉડ ગયા, દુબ ખૂબ કી દુબ.

આ રીતે ખપ, ગરજ અને દાસત્વભાવે સાધના કરીને પ્રાપ્તિને પામી ગયાં છે, એવાં બહેનોને સામુદાયિક રીતે નવાજીને અન્ય સર્વે સભાના મુક્તો પુણ્યના ભાગીદાર બન્યાં હતાં. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેને રૂડા આશીર્વાદ આપ્યા હતા.

{gallery}/images_in_articles/newsletter/2013/January/30-12-12 mahatmya mehraman utsav part -2{/gallery}

(૭) તા.૩૧/૧૨/૧૨ સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય

સ્વામિનારાયણ મંત્રની ૨૩૨મી જયંતી આજે હતી. તે નિમિત્તે જ્યોતમાં મહાપૂજા અને ધૂન્ય, ભજન, ભક્તિનું ખૂબ સુંદર દિવ્ય દિવ્ય આયોજન થયું હતું.તે સ્મૃતિને પણ ટૂંકમાં માણીએ. પૂ.માયાબેન દેસાઈનો હીરક પર્વ તા.૩૧/૧/૨૦૧૩ના રોજ છે. પરંતુ તે નિમિત્તે આજે મંત્ર પ્રાગટ્યદિને પૂ.માયાબેનના આધ્યાત્મિક ગ્રુપના નાના ભૂલકાંઓ એટલે કે પ્રસન્ન-સોના ગ્રુપના બહેનોએ મહાપૂજાનું આયોજન કર્યું હતું. પૂ.માયાબેન એટલે મહાપૂજાનું જ્યોતનું આદર્શ સ્વરૂપ ! તેઓની હીરક જયંતીની ઉજવણી ૨૭/૧/૨૦૧૩ના રોજ રવિવારે રાખી છે. પરંતુ આજે મંત્ર દિને આ નાનાં ભૂલકાંઓએ સ્ટેજ પર મહાપૂજા મોટેરા સ્વરૂપોના સાંનિધ્યે કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

{gallery}/images_in_articles/newsletter/2013/January/31-12-12 swaminarayan mantra pragtyadin{/gallery}

પ.પૂ.દીદી પ્રભુની પ્રેરણા ઝીલનાર સ્વરૂપ છે. આજના આ શુભદિને ધૂન્યનું આયોજન ૭ કલાકનું રાખ્યું હતું. બપોરે ૧ થી સાંજના ૭ સરસ ધૂન્યનો નાદ જ્યોતમાં ગુંજતો રહ્યો હતો. એ આયોજનથી પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જસુબેને ખૂબ પ્રસન્નતા બહેનો પર વહાવી હતી. સ્વરૂપો અને પ.પૂ.દીદીએ સરસ માર્ગદર્શન સાધકો માટેનું એકાંતિક ધર્મ સિધ્ધ કરવાનું, પરમ ભાગવત સંત બનવાનું આપ્યું હતું. તેમાંથી અહીં ટૂંકમાં ત્રણેક મુદ્દા માણીએ.

(૧) ઉખાણું દીદીએ પૂછ્યું કે, “ જે આપવી ગમે, લેવી ના ગમે તે (ચાર અક્ષરની) શું બાબત છે. ? સ્વયં જવાબ આપ્યો, “શીખામણ.”

(૨) સંત સમાગમની ખૂબ જ અનિવાર્યતા છે. ખપ, ખૂણો ને, મહિમા સાચા સમાગમથી જીવમાં ઉદય થાય છે.

(૩) સ્વરૂપનિષ્ઠા-પ્રભુને સાથે રાખીને જગતમાં જીવવાનું છે તો પ્રભુ રક્ષા કરશે. શિક્ષાપત્રી-આચારસંહિતા પ્રમાણે સારધાર વર્તીશું તો ભગવાન રક્ષા કરે જ. પણ લોપ થાય તો દુઃખ ભોગવવું પડે. ભજન કરવું પડે, માટે નિયમમાં સંયમમાં અને રહેવું.

 આવી ખૂબ સરસ વાતો આજની સભામાં થઈ હતી. રાત્રે ૧૧.૩૦ વાગ્યે પ્રભુકૃપામાં દર્શન આનંદનો કાર્યક્ર્મ હતો. પ્રભુકૃપાના બોર્ડ પર મંત્રદિનની પપ્પાજીની પરાવાણીનો સાર લખ્યો હતો. તે વાંચીએ.

સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યદિન

ભગવાન શ્રી સ્વામિનારાયણ સમર્થ સર્વોપરી સર્વ અવતારના અવતારી એમણે પોતાના મંત્રનો, નામનો, સંપ્રદાયનો ઉદ્દ્ભવ ફરેણી ગામમાં કર્યો. તે વખતે બધા જુદા જુદા નામની માળા ફેરવતા. તે વખતે મહારાજે કહ્યું, આપણો એક જ મંત્ર “સ્વામિનારાયણ” આપણે આ જ મંત્રની માળા ફેરવવી.

સર્વના સ્વામી સર્વ અવતારના અવતારી સ્વામી એવા અક્ષર. ને અક્ષરના સ્વામી એટલે નારાયણ, એટલે નારાયણ સ્વામી એમ નહીં પણ ‘સ્વામિનારાયણ’ એવું એમણે કહ્યું તે બધાએ સ્વીકાર્યું ને તે વખતથી ઉધ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય થયો. આપણે પ્રભુના સિધ્ધાંત પ્રમાણે જીવવું હોય તો આ જ મંત્રજાપ.

પહેલાના સમયમાં રાજાઓ મનોરથની સિધ્ધિ અર્થે યજ્ઞ કરાવતા. આપણેય મનોરથ પૂર્ણ કરાવવા પ્રત્યક્ષની સ્મૃતિએ સહિત એકાગ્ર થઈને જપયજ્ઞ કરીએ.

પ.પૂ.પપ્પાજી

..૨૦૧૨ની સાલની વિદાય

આપણા માટે ક્ષમાયાચના-પ્રાર્થનાનો સમય કે પ્રભુ ! જાણે અજાણે વર્ષ દરમ્યાન ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો. ૨૦૧૩ ના વર્ષનું સ્વાગત રૂપે પ્રભુકૃપામાં ખૂબ સુંદર દીપમાળા ૯૭ દીવાનું સુશોભન શ્રી ઠાકોરજી અને પપ્પાજી સમક્ષ કર્યું હતું. (પપ્પાજીની પ્રાગટ્યની સ્મૃતિ સહ ૯૭ દીવા ચાર કલરમાં ઝગમગતા હતા)

બરાબર ૧૨.૦૦ વાગ્યે ૧૨ ડંકા (બેલ) વગાડી ૨૦૧૨ના વર્ષને વિદાય આપી અને તરત આરતી કરી ૨૦૧૩ના વર્ષનો સત્કાર કર્યો હતો. મીઠો પ્રસાદ જમી નવું વર્ષ સુખ, શાંતિ, આનંદથી પ્રભુ પ્રસન્નતાએ જીવાય તેવી પ્રાર્થના સાથે બ્રહ્માનંદ માણ્યો હતો.

(૮) ઓહોહો ! આપણે નવા સમાચાર સાંભળીએ ! ૨૦૧૩નું વર્ષ તો શુભ પર્વ

લઈને આવ્યું છે. પ.પૂ.બેનનો (શાંતાબેન પોપટને ૯૯મું વર્ષ ચાલી રહ્યું છે.)

શતાબ્દી પર્વ તા.૨૮,૨૯ ડિસે.૨૦૧૩ના આપણે સહુ ભેગા મળી પ.પૂ.બેનના

પ્રત્યક્ષ સાંનિધ્યમાં ઉજવીશું. તેનો કાર્યક્ર્મ આ સાથે છે.

પ.પૂ.બેન શતાબ્દી પર્વ નિમિત્તેનો કાર્યક્ર્મ

સ્થળ:– જ્યોત-નૂતન પપ્પાજી હૉલ

(૧) તા.૨૮/૧૨/૨૦૧૩ શનિવાર

 

સવારે ૯.૦૦ થી૧૨.૩૦ ગુરૂહરિ પપ્પાજીનો ૯૭મો પ્રાગટ્ય મહોત્સવ અખિલ

ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થો

ભેગા મળી ઉજવીશું.

બપોરે ૧૨.૩૦ વાગ્યે મહાપ્રસાદ

સાંજે ૬.૩૦ થી ૮.૩૦ પ.પૂ.બેન શતાબ્દી પર્વ નિમિત્તેનો સાંસ્કૃતિક કાર્યક્ર્મ.

(બહેનો રજૂ કરશે.)

રાત્રે ૮.૩૦વાગ્યે મહાપ્રસાદ

 

() તા.૨૯/૧૨/૨૦૧૩ રવિવાર (ભાઈઓ + બહેનો)

 

સવારે ૯.૦૦ થી૧૨.૦૦ પ.પૂ.બેન શતાબ્દી પર્વની માહાત્મ્યગાન સભા

બપોરે ૧૨.૦૦ વાગ્યે મહાપ્રસાદ

સાંજે ૪.૩૦ થી ૭.૩૦ પ.પૂ.બેન શતાબ્દી મહોત્સવ મુખ્ય સભા

સાંજે ૭.૩૦ મહાપ્રસાદ બાદ વિસર્જન

:-જયસ્વામિનારાયણ:-

{gallery}/images_in_articles/newsletter/2013/January/p.pben darshan{/gallery}

આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ શુભ કામનાઓ. આપણે સહુ પપ્પાજીના સિધ્ધાંતે સંપ, સુહ્રદભાવ, એકતા રાખી જીવીએ. ગુરૂહરિનું ખૂબ ખૂબ શોભાડીએ એવું જીવવાનું પપ્પાજી ખૂબ ખૂબ બળ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. અત્રે સર્વે સ્વરૂપોને તબિયત સરસ છે. પ.પૂ.બેનની તબિયત પણ સરસ છે. આપ સહુને નવા વર્ષની શુભ કામનાઓ સાથે જય સ્વામિનારાયણ પાઠવ્યા છે.

એ જ લિ. જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.