16 to 31 Jan 2013 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ

જાન્યુઆરી ૨૦૧૩ના આખરી ૧૧ દિવસના જ્યોત ઉત્સવ સંભારણાંને આપણે માણીશું.

 

(૧) તા.૨૦/૧/૧૩ રવિવાર પૂ.ડૉ.નીલમબેનની હીરક જયંતી

આજે સવારે ૯.૦૦ થી ૧.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ મહિમા ભાવથી, દિવ્ય ભવ્ય રીતે ઉજવણી સર્વ સદ્દ્ગુરૂ મુક્તોના સાંનિધ્યે, ભક્તોના વૃંદમાં સંયુક્ત સભામાં થઈ હતી. નવી રીતે સ્વાગત ભાવ (હાર) ડૉ.નીલમબેને પુષ્પમાળા ગુરૂહરિ પપ્પાજીને પહેરાવવા પડદા પાછળથી ભાવવિભોર હૈયે પધાર્યાં અને હારગ્રહણ કરવા જાણે પપ્પાજી સ્વયં સદેહે મૂર્તિમાં બિરાજમાન થયા હોય તેવી અનુભૂતિ સહુ ભક્તોને થઈ હતી. ડૉ.નીલમબેને હર્ષાશ્રુ સાથે ભાવવિભોર હૈયે ગુરૂહરિને હાર અર્પણ કર્યો. ભક્તો બધા ગામોગામ દેશ-પરદેશથી પધાર્યા ! તે જે પ્રેમ ! તેની પણ ગદ્દ્ગદ્દ્તા તેમની વાતમાં પૂ.નીલમબેન વિષે સાથી અનુભવી મુક્તોએ આશ્રિત ભક્તોએ વારી આપી હતી. પૂ.ભાવનાબેન કે., પૂ.હરિનીબેન, પૂ.ડૉ.વિણાબેન, પૂ.ડૉ.કોઠીયાલા સાહેબ, પૂ.વિક્ર્મભાઈ, પૂ.જીતુભાઈ શાહ, પૂ.કમલભાઈ આર્કીટેક, પૂ.જ્યોત્સના આન્ટી, પૂ.નિલ્પાબેન પાલનપુર તથા પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતા. ગુરૂહરિ  પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ રૂપે પરાવાણીનો લાભ લીધો હતો. જેમાં રાજીપા રૂપે પપ્પાજીએ નીલમબેનની સેવા-ભક્તિની વાત કરતાં કહ્યું હતું કે, નીલમે મારી વખતે અને કાયમ મેડિકલી જતન કરીને બધી બહેનોની તથા આખા સમાજની હૈયાની હાશ લીધી છે. મૂર્તિ લૂંટી છે. વિશેષમાં પપ્પાજીએ નિલમબેનને પરમ ભાગવત સંત તરીકે બિરદાવ્યાં હતાં. ડૉ.નીલમબેન એટલે ગુણાતીત સમાજના ડૉક્ટર, ફરતા સાધુ સદ્દ્ગુરૂ છતાંય સેવક. એવા દિલદાર નીલમબેનના હીરક પર્વની સભાનું ડેકોરેશન પણ ગુણાતીત સમાજ લક્ષી હતું. ધ્વજના કલરના હાર્ટ સુશોભનમાં હતાં.

સભામાં વિધ વિધ ભાવો અર્પણ થયા હતા તેમજ જે ભક્તો આજે આ સમૈયામાં આવી ના શક્યા હોય તેઓએ તથા ગુણાતીત સમાજમાંથી યાચના પત્રો પાઠવેલા હતા. તેમાં અનેક ગુણોનું ગાન અને યાચના હતી. તેના સારરૂપ એક યાચના પત્ર, મહિમા પત્ર અહીં જોઈએ.

{gallery}/images_in_articles/newsletter/2013/January/20-01-13 P.Nilamben 60th birthday/{/gallery}

A – પૂ.ડૉ.નીલમબેનના હીરક પર્વે…

ડૉ.નીલમબેનના જીવનમાં કેવળ સહજતા, સમતા, નીરવતા સહજ જોવા મળે. તેમનું મન પ્રભુમાં મ્હાલતું હોય અને હ્રદય કેવળ પ્રભુમાં ધબકતું હોય ! સાવ નિરાંતે કોઈપણ અપેક્ષા કે કિનારાની પણ ઝંખના વગર સહેજ પણ થડકા વગર વહી જતી નાવ જેવું વ્હેતું જીવન !

ક્યારેય પ્રભુ વિરહની બેચેની નહીં, તો મિલનની અધિરાઈ પણ નહીં. ન હર્ષ, ન શોક, કેવળ પ્રસન્નતા નીતરતું એમનું વ્યક્તિત્વ ! કદાચ કોઈ પૂછે કે નિલમબેન કોણ ? તો જવાબ એક જ વાક્યમાં અપાય કે, અહીં સ્ટેજ પર બિરાજેલી પ્રભુની મૂર્તિના હ્રદયે સ્ટેથોસ્કોપ મૂકે તો અત્યારે પણ જેને ધબકાર સંભળાય ને પ્રભુના હાથની નાડી પણ જેને ધબકતી લાગે… અને એ ધબકાર જે સાંભળી સહજ બોલે કે, “કુશળ છે અવિનાશ’ બસ એ જ નિલમબેન !

B – નીલમબેનને કરીએ પ્રાર્થના

નીલમબેન આપ તો અનેક માટે, અનેક રીતે ઉપકારક છો,

આપને મળતાં જ વળે છે, કેટલાય ભક્તોને ચેન,

શારીરિક માનસિક રીતે જે હોય ક્યારેક બેચેન,

ત્યારે મળે આપની દવા, અને સાથે દુઆ,

ભાગે એમની બિમારી અને મળે શાંતિથી એમને સૂવા,

આપનું નામ છે નીલમ, નીલમ એટલે રત્ન,

સાચા ઝવેરીને જ હોય, અણમોલ રત્નની પિછાણ,

આપના ઝવેરી છે હંસા કે, જેઓ પ્રગટ્યા ત્યારથી જ પરમહંસા,

કર્યા કેવા સંકલ્પ, આપના બદલાયા બધા પ્રકલ્પ,

માનસરોવર સમ પપ્પાજી વિણ રહ્યો નહીં કોઈ પણ વિકલ્પ,

મુમુક્ષુમાંથી ભક્ત, ભક્તમાંથી સાધક, સાધકમાંથી સેવક, સેવકમાંથી સ્વજન,

અને છેલ્લે ભગવાન જેમના પર ભરોસો મૂકે,

એવા બન્યા એમના વિશ્વાસુ આપ્તજન, એમની સેવા અને સેવન એવાં કર્યાં કે,

ભક્તિ અને સર્વદેશીયતા આપને સહજ વર્યાં !

તેથી તો માણી રહ્યાં છો, પ્રભુનુ સહજ સામીપ્ય,

સેવામય આપના જીવનમાં છે સહજ વૈવિધ્ય,

લેખન, વિચરણ, આયોજન, સભા સંચાલન, શારીરિક, માનસિક માર્ગદર્શન

નીપજે નવનીત નવીન, થાય પ્રાર્થનામય મંથન !

હે નીલમબેન…

આપની જેમ પ્રભુના અંગભૂત બની રહેવાય ને નિમિત્ત રૂપે જીવાય…

એ જ હીરક પર્વે પ્રાર્થના, ગુણાતીત સમાજના ભૂલકાંઓની.

નીલમબેન વિષે જે જે મુક્તોએ, સગાં-સંબંધી મિત્રોએ અનુભવ પ્રસંગ સાથે ખૂબ સરસ વાતો કરી હતી. તે બધું અત્રે લખવું શક્ય નથી. અંતમાં ગુરૂહરિ પપ્પાજી અને નીલમબેનના ચરણે હીરક યાચના સહ જય સ્વામિનારાયણ.

(૨) ૨૧/૧/૧૩ પ.પૂ.સોનાબા સ્મૃતિ પર્વ

પ.પૂ.બાની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે આજે વિધ વિધ રીતે ભક્તિ અદા કરી હતી. બહેનોએ ‘ગુણાતીત તીર્થ’ પર પ્રદક્ષિણા કરી હતી. તથા બાની સમાધિએ બ્રહ્મજ્યોતિ પર પ.પૂ.જ્યોતિબેન અને મોટેરાંએ પુષ્પમાળા અર્પણ કરીને બાના ગુણોની યાચના અને પ્રાર્થના મનોમન સહુ મુક્તોએ કરી હતી.

જ્યોતની રાત્રિ સભામાં બા ના મહિમાગાનના ભજનોની કીર્તન આરાધના થઈ હતી. બાની સ્મૃતિ આજ્ઞાની સ્મૃતિ સાથે અડધો કલાક સમૂહ ધૂન્ય કરી હતી. આમ, આખો દિવસ બા ના ગુણગાન સાથે સાંનિધ્યે મનોમન રહ્યાં હતાં. બા એટલે ગુણાતીત સમાજની દિવ્ય માં, પ્રત્યક્ષની સ્વરૂપનિષ્ઠાનું આદર્શ ર્દષ્ટાંત બાના ગુણની યાચના સહ જય સ્વામિનારાયણ.

{gallery}/images_in_articles/newsletter/2013/January/21-01-13 p.pba nirvan din/{/gallery}

(૩) બ્રહ્મજ્યોતિ પર પોષી પૂનમના સમૈયા પૂર્વે કથા આયોજન હતું. ‘ઉપાસના’

પૂ.મનોજભાઈ સોનીએ અંતરમાં પ્રભુને ધારીને ખૂબ સ્પષ્ટ શબ્દોપાર અને મધુરગાન સાથે જે પારાયણ કર્યું. સાથે સાથે સ્વાધ્યાયના રૂપમાં સર્વે શ્રોતાજનો પણ પાઠ કરતા હતા. એ જે આયોજન ! તે ખૂબ પ્રસંશા કરવા જેવું આદર્શ હતું.

આ કથા મંગલ સભામાં પ.પૂ.જ્યોતિબેને જૂની સ્મૃતિઓ કરાવી આશીર્વાદ પણ આપ્યા હતા. અને બહેનોએ વારાફરતી લાભ લીધો હતો.

(૪) તા.૨૬/૧/૧૩ શનિવાર

નડિયાદ જ્યોત – ‘પ્રસાદ રજ’ મંદિરનો પ્રથમ પાટોત્સવ

પ.પૂ.કાકાશ્રીનું પ્રાગટ્યસ્થાન અને પપ્પાજીની બાળ રમણ રેતી… બંધુ બેલડીની પ્રસાદીભૂત આ ભૂમિ પર સુંદર નાનું મંદિર પ.પૂ.જ્યોતિબેનના સંકલ્પે બન્યું હતું. અને તેમાં પ.પૂ.કાકાશ્રીની આરસની મૂર્તિ પ્રાગટ્યસ્થાને પધરાવી હતી.

તથા મંદિરનું સ્થાપન કર્યું હતું . પ્રદર્શન દર્શન કર્યું હતું તેને આજે એક વર્ષ થયું.

પ્રથમ પાટોત્સવ પૂજા વિધિનો કાર્યક્ર્મ સવારે ૧૦ થી ૧૨ માં રાખ્યો હતો. જેમાં પવઈથી પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈ અને ભક્તો શિકાગોથી પ.પૂ.દિનકરભાઈ, બાપુ અને ભક્તો વિદ્યાનગરથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન અને બહેનો-ભાઈઓ તેમજ નડિયાદ મંડળની સભાના બહેનો-ભાઈઓ મળી ૧૫૦ થી ૨૦૦ ભક્તોનો સમૈયો આ નાનકડા ઘર-ગલીમાં લખાવાડમાં ખૂબ મોટી ભાવના સાથે થયો હતો. પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈ, પૂ.વશીભાઈ વગેરે ભાઈઓએ સુંદર મહાપૂજા કરી હતી અને પાટોત્સવ વિધિ કરાવી હતી. વિધ વિધ વાનગીઓ નડિયાદ જ્યોતનાં બહેનોએ બનાવી અન્નકૂટ થાળ રૂપે ધરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/January/26-01-13 nadiyad jyot prashad raj mandir patoutsav/{/gallery}

પૂજા વિધિ બાદ- આરતી બાદ આશીર્વાદ સભામાં પ.પૂ.કાકાશ્રી-પપ્પાજીની બાળ ચરિત્રની સ્મૃતિવાતો પ.પૂ.દિનકરભાઈ, પ.પૂ.ભરતભાઈ, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેને કરી હતી. ફક્ત પપ્પાજી અહીં જન્મ્યા જ નથી. બાકી કૃષ્ણ ભગવાનની જેમ મથુરામાં જન્મીને તરત ગોકુળ લઈ ગયેલા તેમ પપ્પાજીને બોરસદથી નડીયાદ લાવેલા એવી આ પરમ પ્રસાદીના આ સ્થળે રોજ બહેનો મહાપૂજા કરે છે. અઠવાડિક સભા બહેનોની વર્ષોથી થાય છે. અને છ વર્ષથી ભાઈઓની અઠવાડિક સભા કરવા પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ નડીયાદ પધારે છે. આમ, આ નાનકડા મંડળને ભક્તિ સભર મંડળ બનાવી દીધું છે. આ સ્થાને દર્શન સુલભ રાખી પૂ.હંસાબેન પાવાગઢી અને બહેનોએ જ્યોત શાખાની દિવ્યતાને વહેતી રાખી છે તે બદલ તેઓને પણ ધન્યવાદ છે.

આજના આ પ્રસંગે મહાપ્રસાદ સ્થળ જ્યોતને બદલે પૂ.મહેન્દ્રભાઈ સુથારના બંગલે રાખેલ હતું. જગ્યાની અનુકૂળતાના નિમિત્તે હતું. પરંતુ મહેન્દ્રભાઈ, આર્કીટેક દીકરા પૂ.ભાવિનભાઈ અને કુટુંબના મુક્તોને પણ લાભ મળ્યો હતો. તેઓએ પણ ધન્યતા અનુભવી હતી. નડીયાદ જ્યોતનાં ટીચર્સ બહેનોએ અને નડિયાદ મંડળના મુક્તોએ સેવા કરીને સ્મૃતિનું, પુણ્યનું ભાથું બાંધી આનંદ માણ્યો હતો.

(૪) તા.૨૬/૧/૧૩ શનિવાર પૂ.માયાબેનની હીરક જયંતી – પ્રથમ સભા

રાત્રિ સભાથી પૂ.માયાબેનની ઉજવણીનો પ્રારંભ સાંસ્કૃતિક કાર્યક્ર્મથી થયો હતો. તે પહેલાં માહાત્મ્ય સ્વરૂપ માયાબેને સદ્દગુરૂ Aસ્વરૂપને સ્ટેજ પર બિરાજમાન કરીને પૂજન-હાર-બેજ અર્પણ કરીને ભક્તિ અદા કરી હતી. તે હાર અને બેજ સ્વયં પોતાના હસ્તે બનાવ્યા હતાં. તેની પાછળની ભાવના હતી કે તેઓ મહાપૂજામાં સર્વની પૂજા કરે છે તે આજે સાક્ષાત્ પૂજા કરીને મહિમાના ભાવથી સમૈયાનો પ્રારંભ થાય ! ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ થયો. તેમાં પૂ.ઝરણાબેને ‘ગુલામ અને રાજાની’ વાર્તાનું નાટક બનાવી રજૂ કરેલ. પૂ.માયાબેન જ્યોતમાં આવ્યા ત્યારે ગુરૂ તારાબેને માયાબેનને વાર્તાઓ લખવાની આજ્ઞા આપી હતી. તેમાંથી માયાબેને ગુલામની વાર્તામાંથી ‘ગુલામ’ બનવાનું સૂત્ર લીધું અને તેને જીવન બનાવી દીધું.

પ.પૂ.તારાબેને માયાબેનને સભામાં જે જે સદ્દ્ગુરૂ વાર્તા કરે તે લખવાની આજ્ઞા આપી. માયાબેન તે વાર્તા લખતાં, તેમાં એક દિવસ પ.પૂ.જશુબેને ગુલામની વાર્તા કરી જે માયાબેનના અંતરે એ વાર્તા કંડારાઈ ગઈ અને જીવન બની ગઈ એ વાર્તા આ પ્રમાણે છે.

એક રાજા હતો. તેણે ઢંઢેરો પીટાવ્યો કે કોઈ સાચા ગુરૂ નથી. રાજાના માણસો આજુબાજુના ગામમાં ઢંઢેરો પીટાવીને આવ્યા. ત્યારે તેમના જ ગામના પાદરે એક સાધુ બેઠા હતા. તેમણે કહ્યું કે રાજાને કહેજો કે કોઈ સાચો શિષ્ય નથી. રાજાને તો કલ્યાણ જોઈતું જ હતું. તેથી રાજા તેમનો સાજ લઈને ગુરૂ પાસે ગયા. ગુરૂ કહે કાલે આવજે. બીજે દિવસે કારભારીઓને લઈને ગયા તો ગુરૂ કહે કાલે આવજે. રાજાનો પ્રધાન હોંશિયાર હતો. તેણે રાજાને કહ્યું રાજાજી ! તમારે કલ્યાણ જોઈએ છે તો તમે એકલા ગુરૂ પાસે સાદા પહેરવેશમાં જાવ. ત્રીજા દિવસે રાજા એકલા ગયા.” ગુરૂ કહે તેમ તારે કરવાનું પણ, તો, શું નહીં કરવાનું.” જે પળે તમે કોઈ પ્રશ્ન પૂછશો તે પળથી તારો ને મારો સંબંધ પૂરો. રાજાએ શરત મંજૂર રાખી. ગુરૂએ રાજાને ચાલવા જણાવ્યું ને તરત જ રાજા ગુરૂની પાછળ ચાલવા માંડ્યા. બીજે ગામ જઈને રાજાને લઈને ગુરૂ બજારમાં ઉભા રહ્યા. ને કહ્યું કે આ મારો ગુલામ છે. મારે દસ દોકડામાં વેચવો છે. એક વેશ્યા લઈ જવા તૈયાર થઈ.  ગુરૂએ કહ્યું જ્યારે હું તને દસ દોકડા પાછા આપું ત્યારે મારો ગુલામ મને પાછો આપી દેવાનો. વેશ્યાએ હા કહી ને રાજાને લઈ ચાલી. ને પોતાને ત્યાં દરવાનની નોકરી આપી.

રાજા તો આખો દિવસ ત્યાં બેસી રહે. એક દિવસ વેશ્યા બહાર ગઈ હતી. તે બહારથી આવી તે સમયે રાજાએ પાન ખાઈને પીચકારી મારી. તેના છાંટા તેને ઉડ્યા. તે ખૂબ ગુસ્સે થઈ. અંદર ગઈ. ત્યાં તો તેની દીકરી સામે મળી ને કહે મા! તું તારું રૂપ તો જો ! કેટલું બદલાઈ ગયું છે ! ને વેશ્યાએ પોતાનું મોં અરીસામાં જોયું ને ખૂબ અચરજ પામી. અતિ સ્વરૂપવાન તેનું મુખ લાગતું હતું. આથી વેશ્યાને થયું કે આ માણસ સામાન્ય માણસ નથી. તેથી મારે તેને અહીંથી જવા નથી દેવો. એટલે પોતાની દીકરી રાજા સાથે લગ્ન કરે તો તે અહીં જ રહે. આ વિચારે આ વેશ્યાએ પોતાની દીકરીના લગ્નની તૈયારી કરવા માંડી. લગ્નનો દિવસ આવી ગયો. રાજાને તો મનમાં પણ કોઈ વિચાર કરવાનો અધિકાર ન હતો. લગ્ન શરૂ થયાં. ત્રણ ફેરા ફર્યા. ને ચોથો ફેરો ફરવાનું ટાણું આવ્યું ત્યાં તો ગુરૂ આવી પહોંચ્યા. ને કહે, લે તારા આ દસ દોકડા ને લાવ મારો ગુલામ પાછો. વેશ્યા શરતથી બંધાઈ હતી. તેથી રાજા ગુરૂ સાથે પાછા ચાલી નીકળ્યા. ત્યાંથી ગુરૂ સાથે રાજા ચાલ્યા ને રાજાને બ્રહ્મજ્ઞાન ઉદય થઈ ગયું. આ વાર્તા ઉપરથી માયાબેને પોતાના જીવનમાં અપનાવ્યું કે ગુરૂ કહે તેમ વણ વિચારે કરવાથી બ્રહ્મજ્ઞાન તેના સમયે આપોઆપ ઉદય થઈ જશે.

{gallery}/images_in_articles/newsletter/2013/January/26 – 27 jam p.mayaben hirak jayanti sabha/{/gallery}

(૪-A) તા.૨૭/૧/૧૩ રવિવાર પૂ.માયાબેનની હીરક જયંતી – દ્વિતીય સભા

ગુણાતીત સ્વરૂપ પૂ.માયાબેનની હીરક જયંતીની ઉજવણી આજે ‘પપ્પાજી હૉલ’ માં થઈ હતી. પૂ.માયાબેન એટલે માહાત્મ્ય સ્વરૂપ. સેવા સ્વરૂપ, મહાપૂજા કરનાર સ્વરૂપ. ગુણાતીતાનંદ સ્વામીના જીવન પ્રસંગોની સાથે માયાબેનના જીવનનો સહજ સુમેળ દર્શન થાય છે. મહાપૂજાની પ્રાર્થનામાં છે તે મુજબના ચાર ગુણ એટલે સાધનાની ગાડીનાં ચાર પૈડાં માયાબેનના જીવનમાં સમાન અને સહજ રહ્યાં છે.

૧. માહાત્મ્યેયુક્ત સેવા      ૨. માહાત્મ્યેયુક્ત સ્મૃતિ

૩. માહાત્મ્યેયુક્ત નામરટણ ૪. માહાત્મ્યેયુક્ત સમાગમ

માયાબેન માહાત્મ્ય સ્વરૂપ છે. માહાત્મ્યની સાથે સ્વધર્મનો પણ સમન્વય માયાબેનમાં છે. માયાબેને ‘ગુલામ’ ની વાર્તા સાધના માટે લીધી. રાજા ગુલામ બન્યા. તેમ માયાબેન “પ્રભુનો ગુલામ છું” એ ભાવના રાખીને સાધના કરીને બાજી જીતી ગયા.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા, “માયાબેને વ્યાપકમાં મહારાજ જોયા. દરેક મુક્ત પોતાના અંગે મૂર્તિ ધારવાની સહજ ટેવ પાડી દ્યો. મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાંથી પાછા આવી જવાની ટેવ પાડી દેવી. દરેક જુદી જુદી રીતે મંડી પડો. માયાબેન ગુલામ શબ્દ લઈને મંડ્યાં. બ્રહ્મરૂપ રહી, બ્રહ્માનંદ કરતાં કરતાં વ્યાપકમાં મહારાજને જોતા થઈ જઈએ એવા આશીર્વાદ માયાબેન આજે સર્વે સાધકોને આપો.”

પ.પૂ.માયાબેને આશીર્વાદ (પરાવાણીનો) લાભ આપ્યો. તેને માણીએ તે વાત એટલે જ માયાબેનનું ઉચ્ચ આધ્યાત્મિક જીવન ! માયાબેનના એવા બ્રહ્મરૂપ એવા દાસ બન્યા.

‘બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી’ એ આપણું ધ્યેય છે. બ્રહ્મરૂપ રહી, બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મમાં જોડી શકાય છે. તેવા ગુણાતીતાનંદ સ્વામી હતા. તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નહીં. પરબ્રહ્મ એમને દોરવે. તેનું પ્રગટીકરણ ગુણાતીતાનંદના દીક્ષા દિને થયું.

પપ્પાજીએ આ પૃથ્વી પર આ રીત ચાલુ રખાવી છે. પપ્પાજી આ દિનને નવા વર્ષ તરીકે ઓળખાવે છે. ગુણાતીતને લાવીને સહુને સનાથ બનાવ્યા. લાચારી ના જોઈએ. ઈન્દ્રિયો-અંતઃકરણની લાચારી ભોગવી રહ્યા છીએ. ‘કરિષ્યે વચનં તવ’ એ જરૂરી છે. બે હાથ જોડી કહે તેમ કરી લેવાથી લાચારી ટળે, કર્મનું બંધન ના લાગે. કર્મનું બંધન બધાને લાગે, ના લાગે ગુણાતીતને. પપ્પાજી સ્વરૂપે શ્રીજી મહારાજ મળ્યા તેમને સેવી લેવા છે. તેમને સેવવા માટે આવા ગુણાતીત સ્વરૂપ આપ્યા છે. તેમની આજ્ઞામાં રહેવું તો અહંતા-મમતા ટળી જશે.

અહંતા અને મમતા એ મોટા દોષ છે. બીજા દોષ જે આપણે કહીએ છીએ તે દોષ નથી. રાજા પોતાનો મદ(અહંકાર) મૂકીને ગુરૂ પાસે ગયા. ખપ, ખટકો ને ગરજ રાખીને ગયા. ન્યાય અન્યાયના ભાવોને મૂકી દેવા પડે. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું કે, ‘તારા માનેલા ધર્મ અને અધર્મને છોડીને મારા શરણમાં આવ.’ બે ચરણની ઉપાસના છે. અક્ષરરૂપ રહી પુરૂષોત્તમની ઉપાસના કરવાની છે. આ જોગ જેવો જોગ મળ્યો નથી ને મળશે નહીં. મુક્તમાંથી ગુણાતીત બનાવી દે તેવા સમર્થ મળ્યા છે. ગૃહી ત્યાગી બધા માટે મેદાનમાં મૂક્યું છે. આપણી અને પ્રભુ વચ્ચે પ્રાર્થનાનો સેતુ બંધાઈ જાય. હે પપ્પાજી ! આપ અમારા માટે શ્રીજી મહારાજનું સ્વરૂપ છો. આપના આશરે ટાણે આપને જ સાથ આપીએ, દેહભાવને નહીં. એવા બળીયા બનાવો એવી પ્રાર્થના.

પૂ.માયાબેનના મહિમાગાનમાં જ્યોતનાં બહેનોએ, સ્વરૂપોએ અને હરિભક્તો કે જેઓ માયાબેનમાં જોગમાં રહ્યાં છે, સેવન કર્યું છે. તેવા મુક્તોએ પોતાના અનુભવ પ્રસંગો સાથે અવનવી વાતો કરી હતી. તેમાં પૂ.લીલાબેન દેસાઈ, પૂ.દેવયાનીબેન શાહ, પૂ.સંધ્યાબેન ઈગ્લે, પૂ.મનીષાભાભી લાલાણી, પૂ.લતાબેન નકારજા, પ.પૂ.દીદી અને પ.પૂ.જ્યોતિબેને લાભ આપ્યો હતો. જેમાં તારાબેને માયાબેનના જીવનની યથાર્થ વાતો કરી સહુને ધન્ય કર્યાં હતાં.

આજના દિવસે આ છેલ્લો ભવ્ય સમૈયો પપ્પાજી હૉલમાં થયો હતો. જેનું મંડપ ડેકોરેશન પૂ.ગણેશભાઈ (મંડપવાળા-રાજકોટ) તરફથી બંધાયુ હતું. પ્રભુકૃપામાં પણ સુંદર લાઈટીંગ પાયલ ઈલેક્ટ્રીક રાજકોટ તરફથી થયું હતું. અને મહાપ્રસાદ પણ પૂ.ગણેશભાઈ તરફથી અપાયો હતો.  આમ, ભવ્યાતીત ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો.

(૫) માહાત્મ્ય મહેરામણ મહોત્સવ-૩

બીજું કે પપ્પા સ્વરૂપ માયાબેનની પ્રેરણા મુજબ બહેનોની સમૂહ હીરક પર્વની ઉજવણીની બે સભા ગત પખવાડિયે થઈ હતી. બીજી બે સભા આજે રાત્રે અને આવતીકાલ સવારે ગોઠવી હતી. તે સમૈયાનું નામ હતું. ‘માહાત્મ્ય મહેરામણ’

તા.૨૭/૧/૧૩ ના રોજ માહાત્મ્ય મહેરામણ -૩ ની ઉજવણી પપ્પાજી હૉલમાં થઈ હતી. જેમાં પૂ.સાધનાબેન અમીન, પૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.ચારૂબેન સી. પટેલ, પૂ.જ્યોસબેન નકારજા, પૂ.કાંતાબેન ડઢાણિયા, પૂ.પ્રવિણાબેન ગોહીલ, પૂ.ભાનુબેન જસાણી, પૂ.કાંતાબેન જસાણી, પૂ.મધુબેન રાડિયા, પૂ.જયાબેન ઝાલાવાડીયા, પૂ.રશ્મીબેન પટેલ, પૂ.પુષીબેન બીલીમોરા, પૂ.હર્ષદાબેન વીંછી, પૂ.પ્રજ્ઞાબેન મચ્છર, પૂ.ઈલાબેન દવેનું હીરક મહિમાગાન થયું હતું. બે-બે બહેનોના વિષે એક વક્તા બહેન અનુભવ પ્રસંગ સાથે મહિમાગાન કરે તેવું સુંદર આયોજન હતું.  તેવું જ,

તા.૨૮/૧ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ની સભામાં બીજા બહેનોની હીરક જયંતી ઉજવી હતી.

 

માહાત્મ્ય મહેરામણ – ૪ જેમાં,

પૂ.ઉષાબેન નકારજા, પૂ.કાંતા ફોઈ, પૂ.દીનાબેન શાહ, પૂ.જયાબેન ટી, પૂ.હંસાબેન પાવાગઢી, પૂ.માયાબેન ડે, પૂ.ઉષાબેન ગોએન્કા, પૂ.કોકીબેન બિલખીયા, પૂ.દિવ્યાબેન મણીયાર, પૂ.મલ્લિકાબેન નાણાવટી અને પૂ.મુદ્રિકાબેનનું માહાત્મ્યગાન થયું હતું.

{gallery}/images_in_articles/newsletter/2013/January/28-01-13 mahatmaya smruti mahotsav/{/gallery}

સમૂહમાં કેક અર્પણ, કેક કર્તન રાખેલ હતું. તેનું ભવ્ય દર્શન ખૂબ સુંદર હ્રદયસ્પર્શી હતું. મહિમા ગવાય ત્યાં પ્રભુ પધારી જ જાય ! ખરેખર આ માહાત્મ્ય મહેરામણના સમૈયામાં પપ્પાજીની દિવ્ય સંનિધીનું સુખ અનુભવાતું હતું. પપ્પાજી પ્રસન્નથકા બિરાજમાન હતા. મહિમાગાન ગાવા ને સાંભળવા સહુના આત્માને ગમે છે. જૂની વાતો,  જાણે ઈતિહાસના દર્શનની મુવી જોતા હોઈએ એવું સુખ આવતું હતું.

આ બધા આયોજનના પ્રેરક પૂ.માયાબેનને આ આયોજનનું પુણ્ય અને યશ પ્રાપ્ત થાય છે. માહાત્મ્ય મહેરામણની પ્રથમ સભામાં જ દીદીએ માયાબેનને પ્રસન્નતાનો પુષ્પહાર પહેરાવી બિરદાવ્યાં હતાં. સ્વરૂપોના સાંનિધ્યે આ સભા થતી હતી. તે સભા વખતે સ્વરૂપોનાં દર્શન પણ પ્રસન્નતા ભર્યાં હતાં. મુખ્ય તો પપ્પાજીનું આ કાર્ય બહેનોને પરમ ભાગવત સંત બનાવ્યા તેનું સામુદાયિક દર્શન હતું. ૬૦-૬૦ વર્ષ ગુણાતીત જ્યોતની ચાર દિવાલમાં રહી જીવનાર સ્વરહિતના સાધુ ! કે જેઓને પોતાનું અસ્તિત્વ નથી રાખ્યું. એવા નીવડેલા સંત સ્વરૂપ બહેનોનું વૃંદ એટલે પપ્પાજીનું પૃથ્વી પરનું કાર્ય ! શ્રમનું પરિણામ !

એવું દર્શન કરાવનાર એવા માયાબેન કે જેમની આત્મા ચેતના ખૂબ પ્રબળ છે. એવા ગુણાતીત સ્વરૂપ પકવનાર પપ્પાજીનું આ વિશેષ કાર્ય દર્શન આ ત્રણ દિવસ માણ્યું. ધન્ય થયાં.

પૂ.ડૉ.નીલમબેન એટલે કર્મયોગ ક્ષેત્રે પપ્પાજીના કાર્યનું દર્શન.

પૂ.માયાબેન એટલે ભક્તિયોગીમાં પપ્પાજીના કાર્યનું દર્શન.

હીરક માહાત્મ્ય મહેરામણ એટલે પપ્પાજીનું પૃથ્વી પરનું મુખ્ય કાર્યનું દર્શન સ્ત્રીઓ ગુણાતીતભાવને પામે.

આમ, આ દસ દિવસ દરમ્યાન આપણે પપ્પાજીના જબરજસ્ત કાર્યને નિહાળી બ્રહ્માનંદ કર્યો. પપ્પાજીને કોટિ કોટિ વંદન સહ જય સ્વામિનારાયણ.

એ જ લિ. જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.