16 to 31 Jul 2012 – Newsletter

સ્વામિશ્રીજી                          

ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે જુલાઈ માસના દ્વિતીય પખવાડિયા દરમ્યાન ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું.

 

 

(૧) તા.૧૯/૭/૧૨ ગુરૂવાર

 ગુરૂવારે દિવાસો આવ્યો. (દિવાસો એટલે હરિયાળી અમાસ) કહેવાય છે કે દિવાસો એટલે ૧૦૦ પર્વનો માસો. આજથી ધાર્મિક તહેવારોની શરૂઆત થાય. એવો ધાર્મિક મહિનો એટલે શ્રાવણ માસ.૨૦/૭/૧૨ ના શ્રાવણ માસ ! પવિત્ર માસ ગણાય છે. ઈ.સ.૧૯૬૪ની શ્રાવણ સુદ-૧ના રોજ તા.૮/૮/૬૪ હતી. અને આ શુભ તિથિએ પપ્પાજીએ તારદેવની ધરતી પર નિઃસ્વાર્થ મહાપૂજા કરાવવાનો પ્રારંભ કર્યો હતો. પ.પૂ.દીદી પાસે મહાપૂજા શરૂ કરાવી હતી. ૪૮ વર્ષ પહેલાંની સ્મૃતિ કરાવીને તે સ્મૃતિગાન સાથે આજે જ્યોતની મંગલ સભામાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. વળી, આજથી જ્યોતમાં શ્રાવણ માસ નિમિત્તેના પારાયણની શરૂઆત થઈ હતી. સાંજે ૫.૩૦ થી ૭.૦૦ દરમ્યાન ત્રણ પુસ્તકમાંથી બહેનો પારાયણનું વાંચન કરે. પારાયણ કરનારના પૂજન થાય અને પારાયણ થાય. જાણે સાક્ષાત્ મહારાજ ! સાક્ષાત્ પપ્પાજી બિરાજમાન થઈ જતા હોય તેવી અનુભૂતિ અંતરમાં થતી રહેતી હતી.

(૧) શ્રી હરિલીલા (૨) આતમ ઓજસ (૩) પુષ્પદલ પરિમલ

 પ.પૂ.જ્યોતિબેનની પ્રેરણા મુજબ આ ત્રણ પુસ્તકનું પારાયણ શ્રાવણ મહિના દરમ્યાન કરવાનું રાખેલ છે. પારાયણ બાદ ગોડી, આરતી, સ્તુતિ થાય ! સર્વે ગુણાતીત સ્વરૂપોનાં સ્તુતિગાન થાય ! પપ્પાજી અને સ્વરૂપો રાજી રાજી થાય.

(૨) તા.૨૧/૭/૧૨ શ્રાવણ સુદ – ૨, બ્રહ્મસ્વરૂપ સોનાબાનો પ્રાગટ્યદિન

 ગુરૂપૂનમના દિવસે સાંજે બાનો પ્રાગટ્યદિન સહુ મુક્તો ભેગા મળી ઉજવ્યો હતો. આજે શ્રાવણી બીજ. કેમ કોરી જાય ? જ્યોતની મંગલ સભામાં બહેનોએ બાના ગુણગાન ગાઈ અને પપ્પાજીના સ્વમુખના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં. તેમજ સ્વયં બાના આશીર્વાદ અને સ્વરૂપની ઓળખાણ કરાવતી પરાવાણીનો નાદ સુણી બા-પપ્પાજીની સહજ સ્મૃતિ તાર્દશ્ય થઈ હતી. વળી રાત્રે ૯ થી ૧૦ માં પંચામૃત હૉલમાં વ્હાલા બાના માહાત્મ્યના ભજનોની કીર્તન આરાધના થઈ જેમાં પ.પૂ.બા ના માહાત્મ્યનું જીવનનું સરસ દર્શન થતું હતું. ભલે આ પખવાડિયા દરમ્યાન મોટા સમૈયા ઉત્સવ નથી થયા. છતાંય ભક્તિભાવ પૂર્ણ વિધવિધ હિંડોળાનાં દર્શન ! પારાયણ સંઘધ્યાન સભા વગેરે કાર્યક્ર્મથી પંચામૃત હૉલ ભક્તોથી ભર્યો રહેતો ! ભક્તોનાં હૈયાં ભક્તિથી ભર્યાં રહેતાં. આમ, એકથી એક ચડિયાતું ભક્તિદર્શન સુલભ રહ્યું છે. તેમાંય વળી સોનામાં સુગંધ ભળતી.

પ.પૂ.બેનનાં દર્શન સાંજના સમયે પારાયણ દરમ્યાન થતાં રહેશે. નિયમિત રીતે દરરોજ સાંજે પ.પૂ.બેન વ્હીલચેરમાં પ્રભુકૃપામાં પપ્પાજીના દર્શને પધારે જ. તે પારાયણમાં પણ દર્શન થઈ જાય ! બેન હીંડોળો ઝૂલાવે પણ ખરા ! આ થઈ ફક્ત વિદ્યાનગર પ્રભુકૃપા તથા જ્યોતના હીંડોળાના દર્શનની વાત ! આ ઉપરાંત જ્યોત શાખા મંદિરે પણ વિધવિધ રીતે હીંડોળા થયા હતાં. નડિયાદ જ્યોત ‘પ્રસાદ રજ’ મંદિરે, રાજકોટ જ્યોત, સુરત, અમદાવાદ, નરોડા, માણાવદર, મુંબઈ વગેરે કેન્દ્રોમાં નાના મોટા હીંડોળા થયા હતા. હીંડોળા નાના પરંતુ ભક્તિભાવ મોટો હતો. આમ, ઠાકોરજી હીંડોળે નહીં પણ ભક્તોના હૈયે ઝૂલતા હોય તેવું આ પખવાડિયું હતું. તેમાંય આવી પવિત્રા એકાદશી અને વળી પવિત્રા બારસ. હીંડોળાના શણગારમાં ઉમેરાયાં ‘પવિત્રાં’ આ રીતે પવિત્ર વાણી, વિચાર અને વર્તન સાથે સુખદ રીતે ભક્તિભાવે આ પખવાડિયું પૂરૂં થયું હતું.

ઑગષ્ટ માસનો પ્રારંભ થયો ! તેની સ્મૃતિ ફરીના પત્રમાં માણીશું, પરંતુ ઑગષ્ટ પછી ક્યો મહિનો આવે? અને તેનો પ્રથમ દિવસ ઍટલે? ‘World peace Day’ ૧લી સપ્ટેમ્બર ગુરૂહરિ પપ્પાજીનો ૯૬મો પ્રાગટ્યદિન ! તો બોલો ગુરૂહરિ પપ્પાજી મહારાજના પ્રાગટ્યદિનની જય જય જય. આ ઑગષ્ટ મહિના દરમ્યાન આપણે પપ્પાજીનો પ્રાગટ્યદિન વિચાર, વાણી, વર્તનથી માણીશું. કેવી રીતે? તો મનોમન માહાત્મ્યના વિચારો, જીવનદર્શનનું મનન કરી, નિદિધ્યાસ કરીશું. વાણીથી મુક્તો સાથે તેની ગોષ્ટિ કરીશું અને વર્તનથી મુક્તોમાં મહારાજ જોઈ પપ્પાજીને રાજી રાજી કરીશું. તો ચાલો, આપણા માટે તો આજથી ૧લી સપ્ટેમ્બરે શરૂ થઈ છે. તો સર્વને પ્રાગટ્યદિનના જય સ્વામિનારાયણ. 

તા.૧લી સપ્ટેમ્બરના સમૈયા અંગે જણાવવાનું કે હમણાં આપણે ભેગા મળી ૧લી જૂને ગુરૂહરિ પપ્પાજીના હીરક સાક્ષાત્કાર દિનની ઉજવણી કરી. આ ૧લી સપ્ટેમ્બરનો સમૈયો આપણે સ્થાનિક રીતે ઉજવીશું. શાખા મંદિરે તથા અઠવાડિક સભામાં ઉજવણી રાખીશું.

વિદ્યાનગર ખાતે સ્થાનિક ઉજવણીનો કાર્યક્ર્મ :

૧/૯/૧૨ શનિવાર કીર્તન આરાધના ૧લી સપ્ટેમ્બર નિમિત્તેની સાંજે ૭.૩૦ થી ૯.૦૦ રાબેતા મુજબ થશે. ત્યારબાદ મહાપ્રસાદ

બપોરે ૧૨.૦૦ વાગ્યે પ્રાગટ્યદિન નિમિત્તે અન્નકૂટ દર્શન- અન્નકૂટ આરતી થશે.

૨/૯/૧૨ રવિવાર સ્થળ – પપ્પાજી હૉલ

સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ગુરૂહરિ પપ્પાજીનો ૯૬મો પ્રાગટ્યદિન ઉજવીશું.

સાંજે ૪.૩૦ થી ૭.૦૦ પ.પૂ.બેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવીશું.

અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સારી છે. તેઓના તથા બધા મુક્તોના આપ સર્વેને જય સ્વામિનારાયણ.

નોંધ – વેબસાઈટ પર મૂકવા માટે ઑગષ્ટ મહિના દરમ્યાન પપ્પાજી વિષેનું લખાણ મહિમાગાન કે કાંઈપણ વિશેષ આપને સ્ફુરણા થાય તો તે જ્યોતના ઈ-મેઈલ પર મોકલશોજી. આમ, આપણે દૂર રહ્યાં થકા ન્યુ ટેકનોલોજીની મદદથી જાણે ભેગા મળી ગુણગાન ગાઈ ને જીવનની ધન્યતા માણીશું.

 

                            એજ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.