01 to 15 Aug 2013 – Newsletter

સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો તથા પ.પૂ.બેનનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ સુધીની જ્યોત સ્મૃતિ માણીશું.
() તા.//૧૩કીર્તનઆરાધના
સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના જ્યોત પંચામૃત હૉલમાં રાબેતા મુજબ છતાંય ખૂબ દિવ્ય રીતે જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં થઈ હતી. પ.પૂ.બેન (શાંતાબેન પોપટ) ૯મી જુલાઈના રોજ ૧૦૦માં વર્ષમાં પ્રવેશ પામી ગયા. ભક્તોએ ખૂબ આનંદથી, ભાવથી આ દિવસની ઉજવણી પ.પૂ.બેનના સાંનિધ્યે કરી હતી. વળી, પ્રાગટ્યદિન નિમિત્તે પ્રભુકૃપા મંડળના મુક્તોએ પ્રભુકૃપામાં પ.પૂ.બેનને ભાવથી થાળ જમાડ્યો હતો. પ.પૂ.બેને ખૂબ સારી રીતે થાળ (ભાવ) ગ્રહણ કર્યો હતો. પ.પૂ.બેનની તબિયત સારી હતી. જુલાઈ મહીનો ખૂબ સરસ રીતે પસાર થઈ ગયો.
{gallery}/images_in_articles/newsletter/2013/August/01-08-13 kiirtan Aradhna/{/gallery}
આ વર્ષના અંતમાં તા.૨૮, ૨૯ ડીસેમ્બર પ.પૂ.બેનનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે એ આનંદમાં ઑગષ્ટ મહિનાનો પ્રારંભ થયો. તા.૧ થી ૫ દરમ્યાન પ.પૂ.બેનની તબિયત રોજરોજ વધારે નાજુક બનતી જતી હતી. આશાનો દોર હતો કે સમૈયો છે તેથી પ.પૂ.બેનની તબિયત સરસ થઈ જશે. પરંતુ પ્રભુનો પૂર્વનુ પ્લાન શું હશે તે લૌકિક બુધ્ધિથી માનસિક રીતે તો સમજી શકાય જ નહીં. કહેવત છે ને કે “ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે.” પ.પૂ.બેનની બાબતમાં એવું બન્યું કે, તા.૬ ઑગષ્ટ, મંગળવાર, ‘દિવાસો’ નો શુભ દિવસ પ.પૂ.બેને એકાએક પસંદ કરી લીધો. તા.૬ ઑગષ્ટની સાંજે ૫.૪૫ વાગ્યે એકાએક પ.પૂ.બેને લીલા સમેટી લીધી. આ સમાચાર કોઈ સાંભળી શકે તેવા નહોતા તથા સાંભળે તો માનવા તૈયાર નહોતા. તો સ્વીકારી તો કેમ જ શકાય ? સ્તબ્ધ પળો પસાર થવા લાગી. ટી.વી, ફોન, વેબસાઈટ અને ન્યુઝપેપરથી સંદેશો વહેતો થયો. જોતજોતમાં પ.પૂ.બેનને જ્યોત મંદિરમાં હિમશિલાના આસનમાં બિરાજમાન કરાયા. રૂમ નં.૧૯ માં વર્ષો સુધી રહ્યાં અને આજે સાંજના ૮.૦૦ વાગ્યે એ રૂમમાંથી અશ્રુવર્ષા સાથે મુક્તોએ પ.પૂ.બેનને મંદિરમાં બિરાજમાન કરાવડાવ્યા.
ઠેર ઠેર સમાચાર પહોંચાડ્યા તેની વિગત… “શ્રી ગુણાતીત જ્યોતના ગુણાતીત સ્વરૂપ પ.પૂ.શાતાંબેન પોપટ શતાયુની આયુષ્યરેખા ધારણ કરીને આ અવનિ પર પોતાની ભક્તિ પૂર્ણ કરી, દર્શનદાન આપી, તા.૬ ઑગષ્ટ મંગળવાર ૨૦૧૩નાં સાયંકાળે ૫.૪૫ વાગ્યે સ્વેચ્છાએ શ્રીજી મહારાજનાં, પપ્પાજીના શ્રી ચરણે અક્ષરધામમાં બિરાજમાન થયાં છે. તેમની અંત્યેષ્ટિ વિધિ તા.૮ ઑગષ્ટ ગુરૂવારે ૨૦૧૩ સવારે ૯.૦૦ વાગ્યે “પપ્પાજી તીર્થ” મોગરી-ગાના રોડ, આણંદ રાખી છે.”
* પ.પૂ.બેનની તબિયત બે દિવસથી વધારે નરમ હતી. તેથી હરિભક્તો દર્શને આવતા હતાં. આજે તા.૬ઠ્ઠી એ પણ ઘણાં હરિભક્તો સવારે ઘરેથી નીકળીને સાંજે જ્યારે વિદ્યાનગર પહોંચ્યા. ત્યાં તો પ.પૂ.બેન સ્વધામ સિધાવી ગયા હતાં. પ.પૂ.જ્યોતિબેન અને સેવક બહેનો સ્વીત્ઝર્લેન્ડથી પ્લેનમાં નીકળેલા તે કોઈનેય મેસેજ નહોતા મળી શક્યા. ઈન્ડિયા ઉતર્યા ત્યારે સમાચાર મળ્યા. આમ, બેન જે કામ હાથમાં લે તે ઝડપથી પૂર્ણ કરીને મૂકી દેતાં. જીવમાં બેસવાનું હોય કે ભોજન થાળ ગ્રહણ કરવાનો હોય ! ક્યાંક ચાલતા જવા આવવાનું હોય, દરેક વાતમાં પ.પૂ.બેનની ઝડપ ભારી ! એ ઝડપ એમણે છેક સુધી રાખી હતી.
આજે ૬ઠ્ઠી તારીખ એટલે ૬ઠ્ઠીની પપ્પાજીની સ્મૃતિ રાખી. ‘મંગળ’ શુભવાર અને તિથી ‘દિવાસો’ ૧૦૦ પર્વનો માસો કહેવાય છે. આજથી દેવદિવાળી સુધીના દિવસ ૧૦૦ પર્વના હોય છે. એ રીતે આજથી રોજ જ સ્મૃતિના દિવસો છે.
તા.૭/૮/૨૦૧૩ એટલે શ્રાવણ મહિનાનો પ્રારંભ.
તા.૮/૮/૨૦૧૩ એટલે શ્રાવણ સુદ-૨ પ.પૂ.સોનાબાનો પ્રાગટ્યદિન !
વળી, મહાપૂજા પ્રારંભ (વાર્ષિક) દિન તા.૮/૮/૬૪ને આજે ૫૦મુ વર્ષ બેઠું. આજે ગુરૂનો વાર !
આવા આજનો દિવસ પ.પૂ.બેન માટેની અંતિમ દર્શનનો નક્કી થયો. આ કેવો સુમેળ ! આ કેવું બ્રહ્મનિયંત્રિત પણું ! આ કેવું પ્રભુનું કાર્ય !
તા.૭ મી એ દિવસ રાત ભક્તોએ જ્યોત મંદિરમાં વારાફરતી દર્શન લાભ લીધો.
તા.૮/૮/૧૩ નો દિવસ ઉગ્યો. મંગલ પ્રભાતથી પ.પૂ.બેનના અંતિમ ભક્તિ દર્શનના કાર્યક્ર્મનો પ્રારંભ થયો. સવારે ૭.૦૦ થી ૮.૦૦ માં જ્યોત મંદિરમાં પ.પૂ.બેનને નવા અંતિમ આસન (સોફામાં) બિરાજમાન કર્યા. નવા વસ્ત્રો ધારણ કર્યાં હતાં ! હાથમાં માળા ! જાણે ૨૦ વર્ષ પહેલાના પ.પૂ.બેન બિરાજમાન હોય તેવું લાગતું હતું.
પ.પૂ.બેનને પૂજન, પુષ્પમાળા, પુષ્પ ચાદર અર્પણ થયાં. પ.પૂ.દીદીએ પ.પૂ.બેનને કંઠી અર્પણ કરી. પ.પૂ.બેન સાથે ભગવાન ભજવા આવેલા ચાર બહેનો પૂ.તરૂબેન, પૂ.હંસાબેન, પૂ.નીમુબેન સાકરીયા, પૂ.નીમુબેન દાડિયાએ પૂજા કરી. એટલામાં પ.પૂ.બેનના પૂર્વાશ્રમના સંબંધીઓ પધાર્યા ! દિલ્હી-પવઈના સાધક બહેનો પધાર્યા ! સર્વ મુક્તોએ દર્શન-પૂજનનો લાભ લીધો. આમ, ફક્ત બહેનોનો કાર્યક્ર્મ જ્યોત મંદિરમાં થયો. તે સિવાયના ભક્તો, ભાભીઓ પંચામૃત હૉલમાં ધૂન્ય કરી રહ્યાં હતાં. પ.પૂ.બેનને મંદિરમાંથી પંચામૃત હૉલમાં જ્યોતના બહેનોએ પાલખી લેવાની સેવા લીધી અને પ.પૂ.બેનને પંચામૃત હૉલમાં બિરાજમાન કરાવાયા. ત્યાં પણ અન્ય બહેનોએ દર્શન પુષ્પાર્પણનો લાભ આપ્યો. ૯.૦૦ વાગ્યે પંચામૃતમાંથી ભાઈઓને પાલખી ખભે લેવાની સેવા મળી. ગેઈટ નં-૩ થી
પ્રદક્ષિણાનો પ્રારંભ થયો.
{gallery}/images_in_articles/newsletter/2013/August/06-08-13 p.p.ben atim darshan/{/gallery}
પ.પૂ.પપ્પાજીએ જ્યોતના જે માર્ગ ફરતે રક્ષાની આણ મૂકી હતી. તે જ માર્ગ મુજબ પ.પૂ.બેનની પાલખીની પ્રદક્ષિણા કરાવી.
પ્રથમ ચાર બાઈક સવારો ધ્વજ સાથે, ત્યારબાદ ઑડિયોની ગાડી, વિડીયોની ગાડી, રથ, ગૃહસ્થ ભાભીઓ પ્રદક્ષિણા કરતાં ધૂન ગાતાં ગાતાં યાત્રામાં જોડાયેલ.
પ્રદક્ષિણાનીયાત્રાનોક્ર્મ
* “ગીતા નિવાસ” થી જમણી બાજુના રોડથી, સંજીવનીના રોડ પરથી, અનુપમના રોડથી, અન્નપૂર્ણા રોડથી, રામ જ્યોત-૧ના રોડથી પાછા જ્યોત “પપ્પાજી માર્ગ” પર આવી ગેઈટ નં-૨ આગળથી પાલખી રથમાં બિરાજમાન કરી. છીપલાં આકારનું આસન ૯મી જુલાઈએ પ.પૂ.બેનના ૧૦૦મા પ્રાગટ્યદિને બેનની સ્મૃતિ
સાથે “પ્રભુકૃપા”માં સુશોભનમાં બનાવ્યું હતું તે પણ જાણે પ્રભુ પ્રેરણાથી પ્લાન પૂર્વના હોય તેવું દર્શન થયું હતું. રથમાં પ.પૂ.બેનની પાલખી પાછળ છીપલામાં બિરાજમાન હતી. રથ ‘પથિક’ વાહનનો બનાવેલો. રથનું આગળનું સુશોભન પણ ખૂબ સુંદર અને દિવ્ય દિવ્ય હતું. પ.પૂ.પપ્પાજી- પ.પૂ.બેનની મૂર્તિ અને જ્યોતના પ્રતિકનું રથ પર દર્શન થતું હતું. રથની પાછળ મોટેરા બહેનોની ગાડીઓ પણ જોડાઈ હતી.
* પપ્પાજી તીર્થ પર પ.પૂ.તારાબેનના સમાધિ સ્થાને પ.પૂ.બેનની અંત્યેષ્ટિ વિધિ રાખી હતી. રથ વિદ્યાનગરથી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી પસાર થયો. જાણે ગુરૂહરિ પપ્પાજીના કઝીન વલ્લભભાઈ પટેલ પ.પૂ.બેનને સલામ સાથે વિદાય આપી રહ્યા હતા. આગળ બીજા કઝીન પૂ.વિઠ્ઠલભાઈના સ્ટેચ્યુએ પહોંચતા પહેલા રેલ્વે ફાટક પાસ કરવાનું હોય છે. તે ફાટક પણ બંધ હતી. ના ના તે તો આજે બધા મુક્તો તો પ.પૂ.બેનને જતાં રોકી નહોતા શકતા ! પરંતુ ફાટકે પ.પૂ.બેનને જાણે બે હાથ પહોળા કરીને રોકતા હોય તેવું અનુભવાયું હતું.
* આગળ બ્રહ્મજ્યોતિના ગેઈટ પાસે અનુપમ મિશનના ભાઈઓ મુક્તો સહિત પૂ.રતિકાકા, પૂ.ડૉ.સનદભાઈ, પૂ.પૂનમભાઈ, પૂ.વી.એસ.પટેલ સાહેબ, પૂ.દિલીપભાઈ અને બધા જ મુક્તો દર્શન સ્વાગતની રાહ જોઈ રહ્યાં હતાં. પાલખી દરવાજે પહોંચી. પ.પૂ.બેનનું હ્રદયના ભાવથી પ.પૂ.સાહેબ અને મોટેરાં ભાઈઓ વતી પ.પૂ.બેનને પુષ્પહાર અર્પીને સ્વાગત કર્યું હતું.
* ત્યાંથી રથ આગળ મોગરી ગામ વીંધી પપ્પાજી તીર્થના દરવાજે પહોંચ્યો ત્યાં તેની સાથે પ.પૂ.પપ્પાજીના માનસ પુત્ર પૂ.દિલીપભાઈ અને પ.પૂ.બેનની માનસપુત્રી પૂ.અરૂણાબેન પરદેશથી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પ.પૂ.બેનને આવી મળ્યા હતાં
* રથમાંથી પાલખીને ભાઈઓએ પપ્પાજી તીર્થના પ્રાંગણમાં ‘સંકલ્પ તીર્થ’ છે કે જ્યાં પપ્પાજીની પાલખી ઉતારી હતી તે સ્થાને પ.પૂ.બેનની પાલખીને વિશ્રામ આપ્યો. ત્યાં પ.પૂ.બેનની પૂજા કરી, પુષ્પાર્પણ કર્યા. ત્યારબાદ ગુણાતીત સમાજના કેન્દ્રોની સાધક બહેનોએ ધ્વજની ચાદર અર્પણ કરી હતી. આમ, ગુણાતીત સમાજના ભક્તોમાંથી તથા પ.પૂ.બેનના પૂર્વાશ્રમના સગાં સંબંધીઓ તેમજ પરદેશથી પધારેલ ભક્તોએ પણ પૂજનનો લાભ લીધો હતો. અખિલ ગુણાતીત સમાજ વતી ભક્તોએ આરતી કરી. ૧૫ બહેનોએ અને ૧૨ ભાઈઓએ સર્વ સંકુલના મુક્તો વતી આરતીનો લાભ લીધો હતો.
* અહીંથી ધૂન્ય સાથે ગુણાતીત પ્રકાશના સાધક ભાઈઓએ પાલખીને શાશ્વત ધામે દર્શન કરાવીને અંતિમ સ્થાને બિરાજમાન કર્યા. તે વિધિ માટે તૈયાર કરવાના સમય ગાળા દરમ્યાન ભજન અને ધૂન્યનું ગાન ભાઈઓએ કર્યું. જેના શબ્દોમાંથી હ્રદય પ્રાર્થના સહુના અંતરની એક સાથે વહી, “મળ્યા હરિ રે અમને મળ્યા હરિ…”, ઓ હરિ ચરણ આતમ વર…” એવા સુંદર ભજનો દ્વારા સહુએ પ્રાર્થના સુમન ધરી ધન્યતા અનુભવી હતી. પડદો ખૂલતાં અંતર દ્રવી ગયું.
સહુ પ્રથમ ગુરૂ સ્વરૂપોએ પુષ્પાંજલિ અને સુખડ કાષ્ટ અર્પણ કર્યા.
સુખડની ચાદર – પૂ.મહેન્દ્રભાઈ પોપટ, પૂ.વિઠ્ઠલાણી સાહેબ, પૂ.દિલીપભાઈ ભોજાણી, પૂ.કિશોરભાઈ પોપટે અર્પણ કરી.
પુષ્પ વલય પૂ.ડૉ.મેનકાબેને અને પૂ.ડૉ.સ્વીટીબેને અર્પણ કરી.
ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ પાસે પૂ.લીલીબેને જ્યોત દીપ પ્રગટાવી પૂ.જ્યોતિબેનને અર્પણ કર્યો. વૈશ્વાનલ પ્રજવલ્લિત કરાયો., તે દીપ પૂ.રૂપલબેન અંત્યેષ્ટિ સ્થાન સુધી લાવ્યા. ત્યાં,
તે દીપમાંથી પ.પૂ.દીદીએ મશાલ પ્રગટાવીને પૂ.કાંતિભાઈ પોપટને આપી.
પ.પૂ.દેવીબેને બીજી મશાલ પ્રગટાવીને પૂ.હરિશભાઈ સાકરિયાને આપી.
પ.પૂ.જસુબેને ત્રીજી મશાલ પ્રગટાવીને પૂ.કે.પી.ભાઈને આપી.
પ.પૂ.પદુબેને ચોથી મશાલ પ્રગટાવીને પૂ.નરેનભાઈને ઠકરારને આપી.
આ ચાર ભાઈઓએ ચાર બાજુથી અગ્નિ અર્પણ કર્યો. અગ્નિ પણ ઝટ કરીને સ્પર્શ નહોતો આપતો. ધૂન્ય નાદ ચાલુ હતો. વારાફરતી ભક્તો સુખડ કાષ્ટ વૈશ્વાનલમાં અર્પણ કરી પ્રદક્ષિણા કરતા હતા. અંતિમ વિધિ પૂર્ણ થઈ.
આજે પ.પૂ.સોનાબાનો પ્રાગટ્યદિન હતો. બા-બેન એ બહેનો માટેના આદર્શ સ્વરૂપો પ્રભુ
સાથે લાવેલા. આજે કેવો આધ્યાત્મિક સુંદર સંગમ કે, બા-બેન નો દિવસ એક સાથે આવ્યો.
બધું બ્રહ્મનિયંત્રિત ચાલી રહ્યું છે. પ્રભુના પૂર્વના પ્લાન પ્રમાણે જ બનતું રહે છે. તેવી
વાતે ને વાતે અનુભૂતિ થતી રહી હતી. પ્રભુના આ કાર્યનું દર્શન માણવામાં શોક નું સ્થાન
આ અક્ષરધામમાં મળતું નહોતું. જરૂર રડી પડાયું હતું. પરંતુ ગુરૂહરિ પપ્પાજીની કૃપા એવી
છે કે તે દુઃખ દર્દમાં પડી નથી રહેવાતું. એ જ છતીદેહે અક્ષરધામની પ્રાપ્તિ છે.
() તા.//૨૦૧૩પૂ.નટુકાકાપટેલ (વડોદરા) અક્ષરનિવાસીથયાં.
વડોદરા મંડળના ચૈતન્ય માધ્યમ પરમ એકાંતિક મુક્તરાજ પૂ.નટુભાઈ ભાઈલાલભાઈ પટેલ, ઉંમર વર્ષ ૮૬ તા.૯/૮/૧૩ના અક્ષરનિવાસી થયા છે.ચરોતરના વસો ગામમાં જન્મ પામીને ખૂબ ભણ્યા અને ધંધાર્થે દારેસલામ પધાર્યા. બાળકોને અભ્યાસાર્થે ભારતમાં મોકલ્યા. સાથે ધર્મપત્ની પૂ.વિમળાબેને પણ વડોદરામાં નિવાસ કર્યો. ગુણાતીત જ્યોતમાં પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.દીદીના દર્શને જ ગુરૂની પ્રાપ્તિથી પૂ.વિમુબેનના આત્મામાં હાશ થઈ ગઈ. ભજન, પ્રાર્થનાથી તેમના અનેક વ્યવહારૂ ને આર્થિક પ્રશ્નો ઉકલવા લાગ્યા.વડોદરા મેડીકલ સારવારનું કેન્દ્ર હોઈ સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થો સર્વે કેન્દ્રોમાંથી તેમને ત્યાં આવતા ને તેઓ સર્વદેશીય બનીને ભીડા-ભક્તિ-મહિમાથી સેવા કરી લેતાં. તેમનું અને પૂ.વિમુમાસીનું આધ્યાત્મિક ર્દષ્ટિભર્યું આદર્શ જીવન જોઈ ગુરૂહરિ પપ્પાજીએ તેમનાં ઘર મંદિરમાં દર રવિવારે ગૃહસ્થોની અઠવાડિક સભા કરવાની આજ્ઞા આપી. તેઓ ખૂબ અનુભવી, ખાનદાન અને વ્યવહારકુશળ અને શૂરવીર. તેથી સૌ ગૃહસ્થોના રાહબર બન્યા. દરેક પ્રસંગે પોતે ભજન કરે અને સૌને ભજન પ્રાર્થનાની ટેવ પડાવતાં. સૌ સત્સંગીના સુહ્રદ બની સર્વેની નિષ્ઠા અને ભક્તિ વધારતાં રહ્યાં. પૂ.નટુકાકા છેલ્લા દસ જ દિવસની જાગ્રતતાપૂર્વકની બિમારીમાં અખંડ સ્વામિનારાયણ મંત્રની મોટેથી ધૂન બોલતા અને ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીજીની રટણા કરતા કરતા ૯મી ઑગષ્ટે સવારે પાંચ વાગે તેઓ શ્રીજી-પપ્પાજીના શ્રી ચરણે અક્ષરધામમાં બિરાજી ગયા. બે દિવસનું પારાયણ અને મહાપૂજા વડોદરામાં થયા જેમાં હરિભક્તોએ અશ્રુભરી ભાવાંજલિ આપીને તેમના મહિમાનું અપૂર્વ ગાન કર્યું. સ્વામિશ્રીજી ને ગુરૂહરિ પપ્પાજીના શ્રીચરણે પ્રાર્થના છે કે તેમનો વિરહ સૌને થાય તે સ્વાભાવિક છે પણ સૌને ખૂબ બળ દેજો. પૂ.નટુકાકાને જન્મોજન્મ આપ ને આપના ભક્તોની સેવાના અધિકારી બનાવજો તેવી પ્રાર્થના.
{gallery}/images_in_articles/newsletter/2013/August/09-08-13 natukaka akshar nivashi/{/gallery}
() તા.//૨૦૧૩મહાપૂજનો૪૯મોવાર્ષિકદિન
તારદેવની ધરતી પર તા.૮/૮/૬૪નાં શુભ દિને ગુરૂહરિ પપ્પાજીએ નિષ્કામભાવની મહાપૂજા સંબંધવાળા ચૈતન્યોને માટે શરૂ કરાવી હતી. તેને ગઈકાલે તા.૮/૮/૧૩ ના રોજ ૫૦મું વર્ષ બેઠું. પ.પૂ.બેને અંતિમદર્શન માટેનો આ જ દિવસ પસંદ કર્યો. પ.પૂ.બેન પોતે મહાપૂજાનું સ્વરૂપ હતું. આશ્રિત ભક્તો માટે પ્રામાણિક રીતે પ.પૂ.બેન ભજન, મહાપૂજા કરતાં. પ.પૂ.બેનની આ મોટામાં મોટી સેવા- મહાપૂજા કરવાની ગુરૂહરિ પપ્પાજીએ આપી હતી. પ.પૂ.બેને પણ જાણે આ સ્મૃતિદિન પસંદ કર્યો. કેવો સુંદર સંગમ સધાયો. તા.૮/૮ ના રોજ ૪૮ વર્ષથી વાર્ષિકદિને જ્યોતમાં સમૂહ મહાપૂજા થાય છે. જેમાં આખા સમાજના મુક્તોના નામ બોલાય છે. તે મહાપૂજા આ વખતે આજે ૯/૮ના મંગલ પ્રભાતે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ પંચામૃત હૉલમાં બહેનોએ કરી હતી અને ભાઈઓએ સ્મૃતિ મંદિરના હૉલમાં મહાપૂજા કરી હતી.
{gallery}/images_in_articles/newsletter/2013/August/09-08-13 Moti mahapooja/09-08-13 bhenopanchamrut hall/{/gallery}
બહેનોની મહાપૂજાની વિશેષતામાં આજે જે જે બહેનોના ર્દષ્ટાદિન આ ઑગષ્ટ મહિનામાં છે. તે બહેનોને આરતીની થાળી શણગારીને લાવવાનું કહેલું. ઓહોહો ! ખૂબ સુંદર અને જાતજાતના અર્થ-પ્રાર્થના સાથેની સુશોભીત આરતીઓ આવી. અને તે બહેનોને જ આરતી ઉતારવાનો લ્હાવો આપેલો. આરતી થઈ. જાણે ગુરૂહરિ પપ્પાજી સર્વે સ્વરૂપો સાક્ષાત્ રાજી થકા પધારી ગયાં. અને પૂ.જ્યોતિબેને પ્રત્યક્ષ રૂપે આરતીનો ભાવ સ્વીકાર્યો. આરતી બાદ પુષ્પાંજલીનો લાભ પણ ઑગષ્ટ મહિનામાં જે બહેનોના જન્મદિવસ છે તે બહેનોને આપેલા. આ બહેનોએ ભાવેયુક્ત પુષ્પાંજલિ કરી. આમ, આખી મહાપૂજા ખૂબ દિવ્ય દિવ્ય રીતે થઈ હતી. આજે તા.૯મી એ સ્મૃતિ મંદિરના હૉલમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ભાઈઓએ પણ વાર્ષિક મહાપૂજા કરી હતી. પૂ.દવેસાહેબ અને ભાઈઓ કે જે મુંબઈ, સુરત, અમદાવાદ, કંથારિયા વગેરે જ્યોત શાખા મંદિરના ભાઈઓ હાલ અહીં હાજર હતાં. તેઓએ પણ મહાપૂજા કરવાનો લાભ લીધો હતો. બીજી બાજુ અમુક મોટેરા ભાઈઓ વડોદરા પૂ.નટુકાકાની અંતિમ વિધિમાં પધાર્યા હતાં.
() તા.૧૦//૨૦૧૩ના.પૂ.બેનનાઅસ્થિપુષ્પપ્રક્ષાલનનીમહાપૂજા
જ્યોતના પંચામૃત હૉલમાં આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન પૂ.કલ્પુબેન દવે અને બહેનોએ ખૂબ સરસ મહાપૂજા કરી હતી. જેમાં અસ્થિપુષ્પની પૂજાનો ખાસ લાભ પૂ.નીમુબેન સાકરિયા, પૂ.ડૉ.અંજુબેન, પૂ.ડૉ.મેનકાબેન, પૂ.ડૉ.સ્વીટીબેન અને પૂ.પુષીબેન બીલીમોરા વગેરે બહેનોએ લીધો હતો. ગાયક-વાદ્યવૃંદના બહેનોએ આ વિધિ દરમ્યાન ખૂબ સરસ ભજનો અને ધૂન્યનું ગાન કર્યું હતું. મોટેરા સ્વરૂપોનાં આશીર્વાદ લીધા હતાં. પ.પૂ.બેનના સગાં-સંબંધીઓ, ભક્તોને પણ ખાસ પૂજાનો લાભ મળ્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/2013/August/09-08 to 15-08 Parayan asthi mahapooja/{/gallery}
(૫) આજે તા.૯/૮ થી ૧૫/૮ પ.પૂ.બેનના સ્વધામગમન નિમિત્તે પારાયણ રાખ્યું હતું. જ્યોત પંચામૃત હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં દરરોજ સવાર-સાંજ બે ટાઈમ પારાયણ થતું હતું. સાથે સાથે પ.પૂ.બેનના જીવન દર્શનની, અનુભવની વાતો દરેક વક્તાઓ કરતાં હતા તે સાંભળવાની મઝા તો કાંઈક ઓર જ હતી. ચાતક પક્ષીની જેમ એકીટશે શ્રોતાઓ પારાયણની સાથે કથાવાર્તાનો લાભ માણતા હતાં. પારાયણમાં ત્રણ પુસ્તકનું વાંચન કરવાનું રાખ્યું હતું.
૧).પરામૃત (૨).પ.પૂ.બેનના જીવન દર્શનનું પુસ્તક – નૈમિષારણ્ય (૩). પ.પૂ.બેનની પરાવાણીએનું પુસ્તક – પ્રસરે પ્રભુ સુવાસ
(૬) તા.૧૧/૮ ના રોજ પ.પૂ.બેનના પૂર્વાશ્રમના સગાં-સંબંધીઓએ સ્વહસ્તે બેનના અસ્થિ પુષ્પ વિસર્જન કરવાનો લાભ પણ માણ્યો હતો. મહીસાગર નદી તટે વેહેરાખાડી તીર્થ કિનારે પુત્ર- પૂ.મહેન્દ્રભાઈ પોપટ, પૂ.કાંતિભાઈ પોપટ, પૂ.ઈન્દુભાભી પોપટ, પૌત્રી પૂ.દર્શનાબેન અને તેમનો પુત્ર પૂ.રાકેશ, પૌત્ર પૂ.કિશોરભાઈ, પૂ.કૃષ્ણાભાભી અને લંડન મંડળના ભાઈઓ વગેરે મળી પ.પૂ.દેવીબેન અને બહેનોના સાંનિધ્યે નદી તટે અસ્થિપૂજા કરી હતી. ત્યારબાદ તે ભાઈઓએ બોટમાં જઈ નદી મધ્યે અસ્થિ વિસર્જન કર્યું હતું. આમ, મહી નદી દ્વારા પ.પૂ.બેનના પુષ્પો ખંભાતના અખાતના દરિયે વ્યાપ્ત બન્યા હતાં. મોટા પાયા પર અસ્થિ વિસર્જનનો લાભ ડીસેમ્બરની ૩૦મી એ નર્મદા તટે માણીશું.
{gallery}/images_in_articles/newsletter/2013/August/11-08-13 ashthi visharjan verakhadi/{/gallery}
() તા.૧૫//૧૩ગુરૂવારપારાયણપૂર્ણાહુતિમહાપૂજાતથાપ્રાર્થનાસભા
આજે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ જ્યોતમાં પ.પૂ.બેનના સ્વધામગમન નિમિત્તેની પારાયણની પૂર્ણાહુતિ તથા મહાપૂજા તેમજ પ્રાર્થનાસભાનો ભવ્ય કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. જ્યોત સમાજના ભક્તો ! તેમજ અખિલ ગુણાતીત સમાજ માટે આજનો આ કાર્યક્ર્મ જાણે ભવ્ય સમૈયો થયા તુલ્ય માહાત્મ્યસભર ઉજવાયો હતો.
૧. પારાયણની પૂર્ણાહુતિ પૂ.ડૉ.કમલાબેને વાંચન કરીને કરી હતી.
૨. મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે અને ભાઈઓએ કરી હતી. મહાપૂજામાં ત્રણ દંપતિએ લાભ લીધો હતો.
– ગૃહસ્થ ગુણાતીત પ્રકાશ દંપતિ – પૂ.સ્મિતાબેન, પૂ.મહેન્દ્રભાઈ શાહ (વડોદરા)
-. નવ દંપતિ – પૂ.પ્રિતીબેન, પૂ.નિકુંજકુમાર રતનપરા (માણાવદર)
૩. પૂ.ચેતનાબેન, પૂ.વિમલભાઈ થોભાણી (સુરત)
મહાપૂજા બાદ પ્રાર્થનાસભામાં ગુણાતીત સમાજના કેન્દ્રોમાંથી તથા જ્યોતમાંથી સદ્દગુરૂઓએ વારી આપી હતી. મોટેરાંએ આશીર્વાદ આપ્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીના, પ.પૂ.બેનના આશીર્વાદ વિડિયો દ્વારા દર્શન સાથે લીધાં હતાં. આમ, ખૂબ જ સરસ આજનો આખોય કાર્યક્ર્મ દિવ્યતાથી સભર સંપન્ન થયો હતો. જાણે સાક્ષાત્ત પ્રભુ ! તેમના સ્વરૂપો સાથે પ્રસન્ન થકા પધારી ગયા હતાં. અસ્થિકુંભ જ્યોતશાખામાં આપવાના પૂજામાં સ્થાપિત કર્યા હતાં. અને મહાપૂજા બાદ દરેક શાખા મંદિરના ગુરૂ સ્વરૂપ બહેનોને પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જ્યોતિબેનના હસ્તે અર્પણ કરાયા હતાં.
{gallery}/images_in_articles/newsletter/2013/August/15-08-13 prathna sabha/{/gallery}
આધુનિક ટેકનોલોજી દ્વારા (ઈન્ટરનેટ દ્વારા) લાઈવ ટેલીકાસ્ટ થયું. “ઘર બેઠા ગંગા” મુજબ દેશ-પરદેશના ભક્તો જે અત્રે નહોતા પધારી શક્યા તે સહુએ પણ લાભ માણી ધન્યતા અનુભવી હતી. આજનો થાળ પૂ.ઈન્દુબેન અને દિકરી પૂ.દર્શનાબેને જાતે પંગતમાં ફરી, પીરસીને ભાવથી મુક્તોને જમાડ્યા હતાં. અને પુણ્યની વિશેષ કમાણી કર્યાની ધન્યતા માણી હતી.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો, મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.