01 to 15 Dec 2013 – Newsletter

સ્વામીશ્રીજી                                             

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ડિસેમ્બર ૨૦૧૩ના પ્રથમ પખવાડિયા દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.

() તા./૧૨/૧૩ રવિવાર 

દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની સ્મૃતિ સહ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના જ્યોતમાં સંયુક્ત સભામાં થાય છે. તે મુજબ આજે પણ ભક્તિભાવ પૂર્વક કીર્તન આરાધના થઈ હતી.

() તા./૧૨/૧૩ રવિવાર સદ્દગુરૂ સ્વરૂપ .પૂ.જશુબેનનો સ્વરૂપાનુભૂતિદિન 

 

પ.પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. સ્વાગત, પુષ્પભાવ અર્પણ, કેક અર્પણ બાલ, કિશોરી મંડળના બહેનોએ કરી. સહુપ્રથમ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.જશુબેનના જીવન વૃતાંત કહીને મહિમાગાન સાથે આશીર્વાદ આપ્યા. પૂ.જશુબેન ગૃહસ્થ હતાં. ગૃહસ્થાશ્રમ પણ ખૂબ સરસ નીભાવ્યો અને જ્યાં પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ ઓળખાણ થઈ ત્યાં લઈ મંડ્યા. ધન, ધામ, કુટુંબ, પરિવાર સાથે ખપ રાખીને મંડ્યા. ધાર્યું નિશાન પામે તે પ.પૂ.જશુબેન ! એકાંતિકપણું જેમણે સિધ્ધ કરવું હોય તે કરી શકે. તેવું રણશીંગુ બાપાનું વાગ્યું. પ.પૂ.જશુબેને ઝંપલાવી દીધું. મૂર્તિ ધારતા થઈ ગયા. અનુભવજ્ઞાન કર્યું. ભગવાન છે તો આ કામ કરે. કહી ભજન કર્યું. કામ થયું. પછી તો, અલાઉદ્દીનનો લેમ્પ હાથમાં આવ્યો. ભગવાન, ભજન અને સંકલ્પ તે લઈને મંડ્યા. વેંત કૂદીને ચાલે, ખૂબ શૂરવીર. જેટલું વીંટાયુ હતું. વાઈન્ડ કરેલું તે રીવાઈન્ડ કરી નાખ્યું. ૨૦ વર્ષની કન્યા જેટલો ભગવાન મળ્યાનો ધમકારો છે. સબીજ જ્ઞાન થયું. તે લઈને દેશ-પરદેશમાં પ.પૂ.જશુબેને જ્યાં ગયા ત્યાં મળુ બેઠું કરી દે. ભગવાનને આગળ પાછળ ફરતા કેમ કરવું તે શીખવ્યું. શ્રધ્ધા ! મૂર્તિમાં શ્રધ્ધા રાખીને પ્રસાદીના જળથી કામ કરતા હરિભક્તોને શીખવાડ્યું છે.

{gallery}/images_in_articles/newsletter/2013/Dec/10-12-13 P.P.JASUBEN DIVINE DAY/{/gallery}

આજે પ.પૂ.જશુબેનને પ્રાર્થના કે, સહુ કોઈ ભક્તોને એમના જેવી શ્રધ્ધા ભજનમાં ઉગાડી દે. ભગવાનને આગળ પાછળ ફરતા કરવાની ટેકનીક સહુને શીખવી દે. સહુ ભક્તો એવા સુખીયા થાય તેવી પ્રાર્થના ને આશીર્વાદ.

 પ.પૂ.દીદીના આશીર્વાદ

પ.પૂ.દીદીએ પ.પૂ.જશુબેનના જીવનની પૂર્વાશ્રમની વાતો (સ્મૃતિ) સાથે માહાત્મ્યગાન કર્યું. ગૃહસ્થ જશુબેન ખૂબ શુરવીર ! તારદેવનો જોગ થયો અને લઈ મંડ્યા. ૧૯૬૬ માં જ્યોતની સ્થાપના થવાની હતી. ત્યારે ચાર ગૃહસ્થ કુટુંબો મુંબઈમાં હતાં. એમાંથી એક કુટુંબને અહીં સેવા-સંભાળ માટે “પ્રભુકૃપા”માં લાવવાનું હતું. તો પૂ.જશુબેને ભજન-માળા શરૂ કર્યાં. બસ, અમારો નંબર તેમાં લાગવો જોઈએ અને ભજન કર્યું અને તેમનો નંબર લાગી ગયો. દરેક વાત ભજનથી પાર પાડે. શ્રધ્ધા બેસી ગઈ. ભજનથી ગૃહસ્થમાંથી ત્યાગી સાધુ બન્યા. પરમ ભાગવત સંત બની ગયા.

પૂ. બિપીનભાઈ પટેલ 

પ.પૂ.જશુબેને મારા જીવનમાં શું કર્યું ? આપણે બધા સંસ્કૃતમાં કહ્યાં મુજબ સૂતેલા સિંહ જેવા હતાં. ગુરૂહરિ પપ્પાજીની મને ઓળખાણ કરાવી. મારામાં ગુસ્સો તથા પૈસાનું અભિમાન હતું. તે પૂ.જશુબેને મને દીકરા તરીકે રમાડી, જમાડી પ્રેમે કરીને મને બદલ્યો. ગુરૂહરિ પપ્પાજીનો સિમ્બોલ છે. પદ્મની અંગુલી છે. પાંદડીઓ છે. તેની નીચે કચરા કાંટા કાપી નાખીને પાંચ ગુલાબ તૈયાર કર્યા. તે આ પાંચ મોટેરાં છે. આ મોટેરાં એ અગરબત્તી પેટાવીને પ્રેમરૂપી સુગંધ સર્વને આપી.

હું જ્યારે મુશ્કેલીમાં અમેરિકા ગયો હતો. ગાડીને અકસ્માત થવાનો હતો. તે વખતે ગુરૂહરિ પપ્પાજીએ પૂ.જશુબેનને અહીં ભારતમાં કહ્યું કે, તમે બિપીનને ફોન કરીને પૂછો કે તે કેમ છે ? આવા તો ઘણાં અનુભવો કરાવ્યા છે. વળી, મારો અહંકાર ગુરૂહરિ પપ્પાજીએ કાઢ્યો. સાગરના પાણી ગાગરમાં કેવી રીતે સમાય ? એમ દિલમાં પ્રેમ-મહિમા ઘણો છે. તે વાતોમાં કહેવાય તેમ નથી.

પૂ.ડૉ.નિલમબેન 

પૂ.ડૉ.નિલમબેને મહિમાગાન કરતાં સરસ વાત કરી કે, ભગવાન ભજે એના મનોરથ પૂરાં થાય છે. પ્રાર્થનાના અનુભવથી શ્રધ્ધા જાગે છે. શ્રધ્ધાની શક્તિ સર્વ સાધકોમાં આવી જાય એવી યાચના ગુરૂહરિ પપ્પાજી અને પૂ.જશુબેનના ચરણોમાં કરી હતી. પૂ.હર્ષાબેન (વડોદરા), પૂ.રીમાબેન, પૂ.મણિબેન (ગાંધીનગર), પૂ.હેમંતભાઈ, પૂ.કલ્પેશભાઈ (વાવ), પૂ.નીરવભાઈ ધોબી વગેરે મુક્તોએ પણ અનુભવ દર્શન કરાવીને ઉત્તમ યાચના કરી હતી. પૂ.બેચરભાઈ (વડોદરા) એ પૂ.જશુબેનનું માહાત્મ્ય શું ગાવું ? કહેતાં ખૂબ મનનીય વાતો કરી હતી. સંબંધનો મહિમા, નાનામાં નાના સંબંધવાળાના જીવનમાં પૂ.જશુબેન રસબસ થઈને જીવે છે, એ પ્રભુ પ્રત્યેની એમની ભક્તિ છે. આપણને પ્રભુ ધારતા કરવાની પરાભક્તિ તેઓ કરી રહ્યાં છે. એમની મનની દુનિયામાં તો એ અને ભગવાન બે જ છે. એમાં વચ્ચે આપણને યાદ કરે, આશીર્વાદ આપે એમાં આપણો નંબર લાગી ગયો.

સર્વે હરિભક્તો વતી પૂ.બેચરભાઈએ યાચના કરી કે, અમારા જીવનના મધ્યમાં એક ગુરૂહરિ પપ્પાજીને જ રાખીએ. આ બહેનોની સેવા કરીએ. જે ગુરૂહરિ પપ્પાજીને ગમે છે તે જ કરીએ. તન, મન,ધનથી, નિર્દોષબુધ્ધિથી ખૂબ સેવા કરીએ તેવા આશીર્વાદ આજે બધા મોટેરાં સ્વરૂપો આપો.

પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં સિધ્ધાંતિક વાત સમજાવી હતી. આપણે બધા ખરેખર મૂર્તિ વાપરતાં થઈ જઈએ. શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરો. જે કાંઈ કચાશ છે તે મારી કચાશ મારે કાઢવી છે. તમે નક્કી કરો કે મારે ગુરૂહરિ પપ્પાજીને કર્તાહર્તા પળેપળ માનવા જ છે. બનાય તો ભક્તોના સુહ્રદ બનજો. દાસના દાસ બનજો. તો ઘર મંદિર બની જશે. રૂંવાડામાંય ગુરૂહરિ પપ્પાજી વગર કાંઈ ન રહે. ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત જેમાં સમાયો હોય એ વાત જ કરો. અને આચાર સંહિતા પ્રમાણે વર્તો. રોજ એક પાનું આચાર સંહિતાનું વાંચો જ.

આપણે આત્મા છીએ પણ માનતા નથી. ભગવાન કોઈને અન્યાય નથી કરતા. તમે જે મનમુખી કર્યું. તેનું ફળ તમારે ભોગવવું પડશે. દાસના દાસ થઈને ગુરૂહરિ પપ્પાજી રહ્યાં. એ આપણો આદર્શ છે. ગુરૂહરિ પપ્પાજીના આધારે, એમના આશરે આપણું બધું છે.

“માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખ રૂપ દેહ થકી ન્યારૂં.”

મહારાજે અત્યાર સુધીનું બધું માફ કર્યું. તમારો અહંકાર મૂકો. એટલું કરાવવું છે. એવું કરવાનું, એવું જીવવાનું ગુરૂહરિ પપ્પાજી આપણને સહુનેય બળ આપે એવી યાચના સાથે પૂ.જશુબેને આશીર્વાદ વરસાવ્યા હતાં.

આ આખા પખવાડીયાને આવરી લે તેવો સરસ સમૈયો આજે પ.પૂ.જશુબેનનો ઉજવાયો હતો. દરરોજ જ્યોતની મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો લાભ લઈ, તેના ઉપરથી નવા નવા વક્તાઓની ગોષ્ટીનો લાભ મળતો રહ્યો છે.

(૩) તા.૧૧/૧૨/૧૩ ના રોજ મંગલ સભામાં પૂ.કમુબાનો ૯૨મો પ્રાગટ્યદિન

પૂ.કમુબાના જીવન વિશે પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.જયુબેન દેસાઈએ સરસ લાભ આપ્યો હતો. પૂ.કમુબા એ અજોડ અને અદ્વિતીય વિભૂતી છે. દાસત્વભાવનું અજોડ સ્વરૂપ છે. પોતાના અસ્તિત્વથી અળગા છે. એમની સેવાની ધગશ આ જ દિન સુધી એવી ને એવી જ છે. માન-અપમાન સમ વર્તે છે. એમનામાં ફુલાઈ જવા પણું કે કરમાવા પણું નથી. દરેક પ્રસંગે, દરેક પળે આધ્યાત્મિક સમતા રહે છે. પૂ.કમુબા શ્રીજી મહારાજના વખતનો પૂર્ણ આત્મા. પૂ.કમુબા લગ્ન પછી આફ્રિકા ગયા. કરમસદ એમનું સાસરૂં, નડિયાદ પિયર. આફ્રિકામાં પ.પૂ.પપ્પાજી પૂ.કમુબાનું ખૂબ સાચવતા. પહેલેથી આત્માનું રખોપુ કર્યું છે. નડિયાદ પૂ.કાશીબાની ર્દષ્ટિ પૂ.કમુબા પર પડી. પૂ.કાશીબાએ નડિયાદ મંડળ પાસે સંતોની સેવા કરાવીને બળને પમાડ્યા. સંતોના પત્તર ઘસવાની સેવાઓ એમણે કરી છે. સેવામાં બસ હોમાઈ ગયા. ગુરૂહરિ પપ્પાજીની ર્દષ્ટિ એમના પર હતી તો કુંવારા જેવા કરીને અહીં લાવીને મૂકી દીધાં. પહેલા જ્યોતમાં કોઈ પણ બેન બિમાર હોય, દવાખાને દાખલ હોય તો તેની સેવા માટે ગુરૂહરિ પપ્પાજી પૂ.કમુબાને તથા પૂ.કાશીબાને પસંદ કરતા. મા બનીને જતન પૂ.કમુબા કરે. અત્યારે ૯૧ વર્ષની વયે પણ બેસી નથી રહેતા. સભા, ભજન, “બ્રહ્મવિહાર”ની પ્રદક્ષિણા કરવા જાય છે. દેહમાં યુવાની રાખી છે. કમુબા ! તમે અમને એવા આશીર્વાદ આપો, અમારા તન-મન સેવામાં થનગનતા રહે. દોડતા રહે, આપના જેવી ભક્તિ કરીએ. આમ, સર્વે મુક્તો વતી આશીર્વાદ માગ્યા હતાં.

પૂ.કમુબાએ આશીર્વાદ આપતાં ગુરૂહરિ પપ્પાજીની ખૂબ સરસ વાતો કરી. મહિમા ગાયો. કમુબા નડિયાદ હતાં ત્યારે સંતરામ મહારાજ પાસે કંઠી પહેરવા ગયા હતાં. ત્યારે સંત મહારાજે કહેલું કે, “તુજે ઉચ્ચ કોટીવાલા ગુરૂ મિલનેવાલા હૈ, વે તુજે કંઠી દેગા !” અને પછી ગુરૂહરિ પપ્પાજીની આત્મમાં ઓળખાણ થઈ ! આવા ભગવાન પૃથ્વી પર આવ્યા ! આપણને ઓળખાયા ! હવે ગુરૂહરિ પપ્પાજી રાજી થાય એમ જ મારે જીવવું છે. દુનિયાને ક્યાં બતાવવું છે ? સાચી ભાવનાથી અંર્તયામી માની સેવા કર્યા કરીએ. ગમે તેવા સંજોગોમાં મનુષ્યભાવ નથી લીધો. નિર્દોષબુધ્ધિ મોટી સેવા છે. અહીંયા ભણેલી-ગણેલી કુંવારી બહેનો ભગવાન ભજવા આવી છે ? એમને માટે શું ના થાય ? તેવી ભાવના ગુરૂહરિ પપ્પાજીએ અંતરમાં કરાવી છે.

હે પપ્પાજી ! અમે તમારી સાથે ને સાથે રહીએ. તમે અહીંના અહીં જ છો ! આપણા જેવું કોઈ નસીબદાર નથી. એમના જેવું અક્ષરધામનું સુખ લેતા બધાને કરી આપે એવી પ્રાર્થના! આમ, કમુબાના જન્મદિને ગુરૂહરિ પપ્પાજી જૂની સ્મૃતિઓ સાથેની વાતોનો સરસ લાભ મળ્યો હતો.

આ રીતે આખું પખવાડીયું ભક્તિમય પસાર થયું હતું. હવે ભક્તિ શતાબ્દી પર્વના સમૈયામાં મળીશું. આવજો, પધારજો, રાજી રહેજો.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. આપ સર્વને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ લિ.જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !